દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

સૂર્યના ભડભડતા કોરોનામાં પહોંચશે નાસાનું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ

અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ એ અતિ તેજવેગી સ્પેસશીપ ‘પાર્કર સોલર પ્રોબ’ને સૂર્યના કોરોનાને ‘સ્પર્શ’ કરવા મોકલ્યું છે. નાસા દ્વારા પાર્કર સોલર પ્રોબ સ્પેસશીપને ફ્લોરિડા, અમેરિકા ખાતેથી 12 ઑગસ્ટ, 2018 ના રોજ છોડવામાં આવ્યું.

અમેરિકાનું આધુનિક અવકાશયાન પાર્કર સોલર પ્રોબ બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે:

પહેલો વિશ્વવિક્રમ, તે સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ માનવસર્જિત ઓબ્જેક્ટ હશે.

બીજો વિશ્વવિક્રમ, એ કે કલાકના સાત લાખ કિલોમીટરની અકલ્પનીય ગતિથી ઊડનાર તે પ્રથમ માનવનિર્મિત, ફાસ્ટેસ્ટ  વેહીકલ હશે.

મધુસંચય’ના વાચકો જાણે છે કે કોરોના એ સૂર્યના વાતાવરણનો બાહ્યતમ વિસ્તાર (આવરણ) છે જે પ્રચંડ ઉષ્ણતામાન ધરાવે છે. કોરોનામાંથી હાઇ એનર્જી રેડિયેશન ફેંકાય છે જે પૃથ્વી અને જીવનને બહુવિધ રીતે પ્રભાવિત કરે છે. સૂર્યના કોરોનાને  સ્પર્શ કરનાર વિશ્વનું આ પહેલું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ  સૌર પવનો – સૂર્યમાંથી ફેંકાતા વિકિરણોનો  અભ્યાસ કરશે. એસ્ટ્રોફિઝિક્સના ઇતિહાસમાં પ્રથમ વખત સોલર વિંડ – મહત્તમ ઊર્જાયુક્ત સોલર પાર્ટિકલ્સ (રેડિયેશન) ના જન્મસ્થાન કોરોનાની માહિતી આપણને મળશે. કોરોનાના 1300 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાનને સહન કરવા પાર્કર સોલર પ્રોબને ખાસ ટેકનોલોજીથી રક્ષવામાં આવ્યું છે. આવો, ‘મધુસંચયની આજની પોસ્ટમાં પાર્કર સોલર પ્રોબ વિશે વિગતે જાણવા લેખ આગળ વાંચીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

અમેરિકાની સ્પેસ સંસ્થા નાસા  દ્વારા સંચાલિત સૂર્યને સ્પર્શવા માટેનું મહત્ત્વાકાંક્ષી સ્પેસ મિશન આરંભાયું છે. નાસાનું સ્પેસશીપ ‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાના ધગધગતા વાયુ વિસ્તારની નજીક પહોંચનાર પ્રથમ માનવનિર્મિત ઓબ્જેક્ટ બનશે.

સૂર્યના બાહ્યતમ આવરણ કોરોનામાંથી ફૂંકાતાં સૌર પવનો (સોલર વિન્ડ) પૃથ્વી સુધી પહોંચે છે. સોલર વિંડ ખરેખર તો હાઇ એનર્જી પાર્ટિકલ્સ ધરાવતાં રેડિયેશન્સ છે જે આપણી પૃથ્વીને બહુવિધ રીતે પ્રભાવિત કરે છે. સોલર વિન્ડનાં રેડિયેશન્સ  આપણે વિકસાવેલ ટેકનોલોજી આધારિત સિસ્ટમ્સમાં ખલેલ પહોંચાડી શકે છે.

‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોના સુધી પહોંચી, કોરોનાના તથા તેમાંથી ઉદભવતાં પ્રચંડ ઉર્જામય રેડિયેશન્સના અભ્યાસમાં ઉપયોગી થશે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

યુનિવર્સના અભ્યાસ માટે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સનું મહત્ત્વ

ખગોળવિજ્ઞાનના અભ્યાસથી આપણે બ્રહ્માંડ (યુનિવર્સ) વિશે વિચારતા થયા. ભારતમાં પ્રાચીન કાળથી ખગોળશાસ્ત્ર પ્રચલિત હતું. પશ્ચિમમાં સોળમી સદીમાં જન્મેલ ઇટાલીના મહાન  વૈજ્ઞાનિક ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધથી સૌને અવકાશના અભ્યાસ તરફ દોર્યા. સત્તરમી સદીના સર આઇઝેક ન્યૂટનથી માંડી વીસમી સદીના આલ્બર્ટ આઇન્સ્ટાઇન સુધીના વૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે એસ્ટ્રોનોમી સાથે એસ્ટ્રોફિઝિક્સને વિકસાવવામાં ફાળો આપ્યો.

ફલત: બ્રહ્માંડ (યુનિવર્સ) ની ઉત્પત્તિ અને બ્રહ્માંડના સ્વરૂપ – બંધારણ વિષે નવી થિયરીઓ આવતી ગઈ.

આપણું વિશાળ યુનિવર્સ અગણિત ગેલેક્સીઓથી બનેલ છે. ગેલેક્સીઓ તારાઓથી બનેલ છે. વળી ગેલેક્સીમાં વિભિન્ન અવકાશી પદાર્થો, હાઇડ્રોજન ગેસ અને અકલ્પનીય રજકણો રહેલાં છે.

આપણી ગેલેક્સી મિલ્કી વે કે આકાશ ગંગાના નામથી ઓળખાય છે.

આપણો સૂર્ય મિલ્કી વેનો એક તારો છે. મિલ્કી વે ગેલેક્સીમાં આપણો સૂર્ય તેના સૂર્યમંડળ સાથે સ્થિત છે. સૂર્યમંડળના આઠ ગ્રહો પૈકી એક ગ્રહ પૃથ્વી છે. પૃથ્વી સહિતના આઠ ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા ફરે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલાં બે ગ્રહો શુક્ર અને બુધ છે. બુધનો ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.

યુનિવર્સમાં અપાર ઘટનાઓ ઘટતી રહે છે. વળી યુનિવર્સના અગણિત સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સ અને મેટર પરસ્પરને પ્રભાવિત કરતાં રહે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયરી ઑફ રિલેટિવિટીનું નામ ઘણાએ સાંભળ્યું હોય, પરંતુ આઇંસ્ટાઇને ભાખેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ વિશે ઓછાને જાણ હોય. તાજેતરમાં લાર્જ હેડ્રોન કોલાઇડર દ્વારા શોધિતગોડ પાર્ટિકલ, ફાસ્ટ રેડિયો બર્સ્ટગ્રેવિટેશનલ વેવ્ઝ, ઘોસ્ટ પાર્ટિકલ ન્યુટ્રીનો, કોસ્મિક રેઝ જેવા વિષયો પર તલસ્પર્શી સંશોધનો ચાલે છે. તે બધાંનો અભ્યાસ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સની મદદથી સુગમ બને છે.

ભારતમાં એસ્ટ્રોફિઝિક્સમાં રસ વધી રહ્યો છે. ભારત સરકાર દ્વારા હાઇ એનર્જી સબ એટમિક પાર્ટિકલ ન્યુટ્રિનો પર સંશોધન માટે ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી સ્થાપવા ઇંડિયા-બેઝ્ડ ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી (આઇએનઓ) પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે.

સૂર્ય અને પૃથ્વી

આપ જાણો છો કે સૂર્ય આપણી ગેલેક્સી મિલ્કી વેનો એક તારો છે. સૂર્ય મિલ્કી વે ગેલેક્સીના કેન્દ્રથી 26000 પ્રકાશવર્ષ દૂર છે.

સૂર્યમાંથી જ જન્મેલા, સૂર્યના ટુકડાઓ રૂપે છૂટા પડેલા આઠ ગ્રહોમાંથી એક પૃથ્વી છે. સૂર્યની આસપાસ આપણી સોલર સિસ્ટમના આઠ ગ્રહો અલગ અલગ કક્ષાઓમાં ભ્રમણ કરે છે.

સૂર્યથી પૃથ્વી આશરે 15 કરોડ કિલોમીટરના અંતરે આવેલ છે.

આ સોલર સિસ્ટમના આઠ ગ્રહોમાં પૃથ્વી એક માત્ર એવો ગ્રહ જણાય છે, જ્યાં ઉચ્ચ કક્ષાનું જીવન વિકસ્યું છે. પૃથ્વી પરના જીવનને સૌથી વધારે પ્રભાવિત કરતો અવકાશી પદાર્થ સૂર્ય છે. પૃથ્વી પર પ્રાણી-વનસ્પતિ જીવન સૂર્યને આભારી છે. સૂર્ય પૃથ્વીને પ્રકાશ અને ઊર્જા પૂરી પાડે છે. પૃથ્વીની સંરચના, નદી-સાગર, આબોહવા, વાતાવરણ, જીવનનું પોષણ- બધું જ સૂર્યથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થાય છે. અરે! પૃથ્વીની આધુનિક સભ્યતાનાં અંગરૂપ સંચાર વ્યવસ્થા અને ઉપગ્રહ સેવાઓ પણ સૂર્યના પ્રભાવથી મુક્ત નથી. આથી પાર્કર સોલર પ્રોબ દ્વારા સૂર્યની તદ્દન નજીક પહોંચીને કોરોનાને  ‘ટચ’ કરવાનું સાહસ આપણે ખેડી રહ્યા છીએ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

સૂર્ય વિશે અવનવી માહિતી
 • આપણા સૂર્યમંડળ – સોલર સિસ્ટમ- ના કેંદ્રમાં સૂર્ય છે, જેની આસપાસ આઠ ગ્રહો પ્રદક્ષિણા કરે છે. આ આઠ ગ્રહો સૂર્યમાંથી છૂટા પડેલા છે.
 • સૂર્યની નજીકથી શરૂ કરી સૂર્યમંડળના ગ્રહોને ક્રમમાં ગોઠવીએ તો તે આઠ ગ્રહો છે: બુધ (Merury), શુક્ર (Venus), પૃથ્વી (Earth), મંગળ (Mars), ગુરુ (Jupiter), શનિ (Saturn), યુરેનસ (Uranus) અને નેપ્ચ્યુન (Neptune).
 • સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે; સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ નેપ્ચ્યુન છે. આ સૂર્યમંડળ – સોલર સિસ્ટમ- ના આઠ ગ્રહોમાં પૃથ્વી મહત્ત્વનો ગ્રહ છે.
 • સૂર્ય એ સૂર્ય મંડળનો સૌથી મોટો અને સૌથી દળદાર ઓબ્જેક્ટ છે.
 • સોલર સિસ્ટમના કેંદ્ર સ્થાને રહેલ સૂર્યનો વ્યાસ 13,91,980 કિલોમીટર જેટલો છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણો છે.
 • સૂર્ય એટલો તો વિશાળકાય છે કે તેમાં તેર લાખ પૃથ્વીઓ સમાઈ શકે!
 • સૂર્યનો પરિઘ 43,66,800 કિલોમીટર જેટલો છે.
 • સૂર્યનું દળ 1.99 * 1030 કિલોગ્રામ જેટલું છે. સૂર્ય સમગ્ર સૂર્યમંડળના દળના 99.86 ટકા દળ ધરાવે છે.
 • સૂર્યનું વજન પૃથ્વી કરતાં 3,33,000 ગણું છે.
 • સૂર્ય ધગધગતા વાયુઓનો ગોળો કહેવાય છે, પરંતુ તે નથી પૂરો વાયુસ્વરૂપ, કે નથી પૂરો ઘનરૂપ. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો સૂર્ય પ્લાઝમા રૂપ છે, જે સપાટી પર વાયુરૂપ અને કેન્દ્રમાં ઘનરૂપ છે.
 • સૂર્ય મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓથી બનેલો છે. સૂર્યના બંધારણમાં 99%થી વધુ પરમાણુઓ હાઇડ્રોજન અને હિલિયમ ગેસના બનેલા છે. અન્ય તત્ત્વોના પરમાણુઓમાં ઓક્સિજન, કાર્બન, નિયોન, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સિલિકોન, આયર્ન, સલ્ફર ઇત્યાદિ છે.
 • નોંધપાત્ર બાબત એ છે કે પૃથ્વી પર જે તત્ત્વો છે, લગભગ તે તમામ તત્ત્વો સૂર્યના બંધારણમાં છે.
 • સૂર્યની મધ્યે કોર (કેંદ્ર) વિસ્તારમાં મહત્તમ ઊર્જાનું સર્જન થાય છે.
 • સૂર્યના કેન્દ્રના કોર વિસ્તારમાં સતત થર્મોન્યુક્લિયર રીએક્શન્સ પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી રહે છે. પરિણામે સૂર્ય દળ ગુમાવતો રહે છે અને તેના બંધારણ-સ્વરૂપમાં પરિવર્તન આવતાં રહે છે. તેમાં સૌથી મહત્વની થર્મોન્યુક્લિયર રીએક્શન્સ – ફ્યુઝન પ્રક્રિયાઓ છે.
 • મધુસંચય’ના વાચકો જાણે છે કે આઇન્સ્ટાઇનના વિખ્યાત સમીકરણ “E = mc2 પ્રમાણે દળ (માસ) ને ઊર્જામાં પરિવર્તિત કરી શકાય છે.
 • ફ્યુઝન રીએક્શનમાં દળ ઊર્જામાં ફેરવાય છે અને અપાર ઊર્જા ઉત્પન્ન થાય છે. સૂર્યની ફ્યુઝન પ્રક્રિયામાં હાઇડ્રોજન પરમાણુઓ ફ્યુઝથઈ હિલિયમમાં રૂપાંતરિત થાય છે, પરિણામે પ્રચંડ માત્રામાં ઊર્જા છૂટી પડે છે. સૂર્યમાં ઉત્પન્ન થયેલ ઊર્જા ઉષ્મા (ગરમી) તથા પ્રકાશ રૂપે બહાર આવે છે.
 • આ ઉપરાંત સૂર્યમાંથી વિવિધ રેડિયેશન – વિભિન્ન પાર્ટિકલ્સ પણ બહાર ફેંકાય છે. સૂર્યના કોર પ્રદેશમાંથી પ્રતિ કલાકે એક લાખ ટનથી વધુ દળ ઊર્જામાં ફેરવાય છે. સમય વીતતાં સૂર્યનું દળ ઘટતું જાય છે. આમ છતાં હજી પણ બીજાં 450 કરોડથી 500 કરોડ વર્ષો સુધી ઊર્જા આપ્યા કરે તેટલું દળ સૂર્ય પાસે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

 સૂર્યનાં આવરણો ( સૂર્યનાં સ્ફિયર કે ઝોન કે  લેયર)

સૂર્યનાં છ આવરણો તેના કેન્દ્રથી બહારની તરફ અનુક્રમે કોર, રેડિયેટિવ ઝોન, કન્વેક્ટિવ ઝોન, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના છે.

કોર, રેડિયેટિવ ઝોન અને કન્વેક્ટિવ ઝોન સૂર્યનાં અંદરનાં આવરણો છે, જ્યારે બહારનાં ત્રણ આવરણો – ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના – સૂર્યનાં એટમોસ્ફિયરનાં આવરણો કહેવાય છે.

સૂર્યના આંતરિક ઝોન: કોર, રેડિયેટિવ ઝોન અને કન્વેક્ટિવ ઝોન

સૂર્યની મધ્યમાં – કેંદ્ર ભાગમાં સૂર્યનો સૌથી અંદરનો ઝોન ‘કોર’ વિસ્તાર તરીકે ઓળખાય છે. સૂર્યનો કોર પ્રદેશ તેના કેંદ્રભાગે સૂર્યની ત્રિજ્યા (રેડિયસ)ના ચોથા ભાગ સુધી વિસ્તરેલ છે.

સૂર્યની બધી ઊર્જા મહદ અંશે તેના કોર વિસ્તારમાં જ ઉત્પન્ન થાય છે. ઉપર સમજાવ્યા મુજબ, તે ઊર્જા આપણને ઉષ્મા (ગરમી) અને પ્રકાશ રૂપે પૃથ્વી પર મળે છે. જો કે થર્મોન્યુક્લિયર રીએક્શન્સ (ફ્યુઝન રીએક્શન્સ) ના પરિણામે ઉત્પન્ન થયેલ ઊર્જા કોરમાંથી કેવી રીતે આટલા બધા આવરણો – સ્ફિયર – વીંધીને બહાર ફેંકાય છે તે હજી બહુ સ્પષ્ટ નથી. સૂર્યના કોર વિસ્તારનું ઉષ્ણતામાન એક કરોડથી દોઢ કરોડ ડિગ્રી સેલ્સિયસ હોય છે.

કોર પછી બીજો વિસ્તાર ‘રેડિયેટિવ ઝોન’ છે. રેડિયેટિવ ઝોનમાં ઊર્જાનું વહન બહારના ઝોન તરફ રેડિયેશનથી થાય છે.

સૂર્યનો ત્રીજો ઝોન ‘કન્વેક્ટિવ ઝોન’ છે. કન્વેક્ટિવ ઝોનમાં સૂર્યનું ઉષ્ણતામાન દોઢ કરોડ ડિગ્રી પરથી ઘટીને વીસ લાખ ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે.

સૂર્યનું એટમોસ્ફિયર: ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના

સૂર્યના ત્રણ આંતરિક ઝોન પૂરા થયા પછીનો બાહ્ય પ્રદેશ સૂર્યનું એટમોસ્ફિયર કહેવાય છે. એટમોસ્ફિયરના ત્રણ આવરણો (સ્ફિયર) છે: ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના. સૂર્યનો સૌથી બહારનો વિસ્તાર કોરોના કહેવાય છે.

સૂર્ય સામે ખુલ્લી આંખે જોવાથી દ્રષ્ટિને ભારે હાનિ પહોંચે છે. આપણને નરી આંખે સૂર્યનું જે આવરણ દેખાય છે, તે સૂર્યની સપાટી (સરફેસ) છે જેને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે. ફોટોસ્ફિયરનું તાપમાન 3700 ડિગ્રી સેલ્સિયસથી 6200 ડિગ્રી સેલ્સિયસ હોય છે.

સૂર્યની દ્રશ્ય સપાટી (ફોટોસ્ફિયર) ની 400 થી 2100 કિલોમીટર સુધીનો વિસ્તાર ક્રોમોસ્ફિયર કહેવાય છે. ક્રોમોસ્ફિયરનું ઉષ્ણતામાન 3700 ડિગ્રીથી 7700 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે.

ક્રોમોસ્ફિયર અને કોરોના વચ્ચે ‘ટ્રાન્સિશન રીજીયન’ નામે પાતળો વિસ્તાર છે.  જ્યાં તાપમાન 7700 ડિગ્રીથી ઘણું ઊંચું હોય છે.

સૂર્યનું બાહ્યતમ આવરણ કોરોના છે. કોરોના સૂર્યની વિઝિબલ સરફેસ (ફોટોસ્ફિયર) થી ઉપર 2100 કિલોમીટર પછીનો વિસ્તાર છે.

સૂર્યનો છેક અંદરનો કેંદ્રનો વિસ્તાર કોર છે અને સૌથી બહારનો વિસ્તાર કોરોના છે.

સૂર્યની ઊર્જા તેના કેંદ્ર ભાગે કોર પ્રદેશમાં ઉત્પન્ન થતી હોવાથી ત્યાં સૌથી વધારે તાપમાન  (દોઢ કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું) હોય તે સ્વાભાવિક છે. મધ્યના કોર રીજીયનથી  બહારના આવરણોમાં તાપમાન ક્રમશ: ઓછું થતું જવું જોઈએ. કોરોના સૌથી બહારનો વિસ્તાર હોવાથી બધા આવરણો કરતાં તેનું તાપમાન સૌથી ઓછું હોવું જોઈએ. હકીકતમાં આમ થતું નથી તે આશ્ચર્યપ્રેરક ઘટના છે. ફોટોસ્ફિયર કરતાં ક્રોમોસ્ફિયરનું તાપમાન વધારે; ક્રોમોસ્ફિયર કરતાં કોરોનાનું તાપમાન વધારે! સૂર્યની સપાટી (ફોટોસ્ફિયર) કરતાં કોરોનાનું ઉષ્ણતામાન ખૂબ વધારે છે !!! કોરોનાનું ઉષ્ણતામાન 5,00,000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. એક થિયરી મુજબ સૂર્યની સરફેસ પર વખતોવખત થતાં ‘નેનોફ્લેર’ કહેવાતાં બર્સ્ટ્સ કોરોનાનું તાપમાન ઊંચે પહોંચાડે છે. પરંતુ વૈજ્ઞાનિકો કોરોનાની ઘટનાઓને હજી પૂર્ણ રીતે સમજી શક્યા નથી.

કોરોનાનો અભ્યાસ શા માટે જરૂરી છે?

સૂર્યની સપાટી પરથી સૌર પવનો ફૂંકાતા રહે છે. સૂર્યની સપાટી અને કોરોનામાંથી જ્વાળાઓ નીકળતી રહે છે જે રેડિયેશન્સ અને પ્રોટોન-ઇલેક્ટ્રોન જેવા પાર્ટિકલ અવકાશમાં ફેંકે છે. ક્યારેક આવા કોરોનલ માસ ઇજેક્શન્સ કે સોલર ફ્લેર્સ કે સોલર સ્ટોર્મ લાખો કિલોમીટર સુધી લંબાય છે. આવા કોરોનલ માસ ઇજેક્શન કે સોલર સ્ટોર્મ પૃથ્વી પર ઉથલપાથલ મચાવી શકે છે. તેઓ પૃથ્વી પર સંચાર વ્યવસ્થા, વિદ્યુત વહન, ઉપગ્રહ સેવાઓને ભારે નુકશાન પહોંચાડી શકે છે. આમ, કોરોનલ માસ ઇજેક્શન તથા સોલર સ્ટોર્મ્સને સમજવા કોરોનાનો અભ્યાસ કરવો જરૂરી છે. તે માટે અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પાર્કર સોલર પ્રોબને કાર્યાંવિત કર્યું છે.

સ્પેસ વેધર અને સોલર સાયકલ શું છે?

સૂર્યમાં વિવિધ પ્રક્રિયાઓને પરિણામે વિભિન્ન પાર્ટિકલ્સનો પ્રવાહ બહાર અવકાશમાં ફેંકાતો રહે છે. આપણે તેને સૌર પવનો કે સોલર વિંડ તરીકે જાણીએ છીએ. વળી સનસ્પોટ, સોલર ફ્લેર અને કોરોનલ માસ ઇજેક્શન જેવી ઘટનાઓ ક્યારે પણ ઘટિત થતી રહે છે. આ તમામ ઘટનાઓ સ્પેસ વેધરતરીકે ઓળખાય છે.

જે રીતે પૃથ્વીને પોતાનું મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ક્ષેત્ર) છે, તે રીતે સૂર્યને પણ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે. સૂર્યના મેગ્નેટિક ફિલ્ડમાં પ્રતિ અગિયાર વર્ષે પરિવર્તન આવે છે. ત્યારે અવનવી ઘટનાઓ સર્જાય છે. અગિયાર વર્ષના આ સમયગાળાને સોલર સાયકલ કહે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

સનસ્પોટ, સોલર ફ્લેર તથા કોરોનલ માસ ઇજેક્શન શું છે?

સૂર્યની સપાટી પર કોઇક વિસ્તારમાં ક્યારેક મેગ્નેટિક ફિલ્ડ અસાધારણ રીતે વધારે હોય છે. આવા વિસ્તાર પ્રમાણમાં ઓછું તાપમાન ધરાવે છે. આવા વિસ્તાર ‘ડાર્ક’ દેખાય છે. સૂર્યની સરફેસ પર દેખાતાં આવાં કાળાં ધબ્બાઓને સૂર્યકલંક અથવા સનસ્પોટ કહે છે. આપણને નાનાં દેખાતાં હોવા છતાં સનસ્પોટ 2500 થી 50,000 કિલોમીટરની સાઇઝનાં હોઈ શકે છે.

સૂર્યની સપાટી પર ક્યારેક સૂર્યના વાતાવરણની મેગ્નેટિક એનર્જી ખૂબ જ માત્રામાં એકત્ર થઈ જતાં વિસ્ફોટ થાય છે. પરિણામે સોલર ફ્લેર ઉદભવે છે. આવા સોલર ફ્લેર ખૂબ જ ઊંચું ઉષ્ણતામાન ધરાવે છે. સોલર ફ્લેર સૂર્યના કોરોનાને પાર કરીને, પ્રચંડ શક્તિથી બહાર સ્પેસમાં ફેંકાય છે અને પૃથ્વીને પ્રભાવિત કરે છે. સોલર ફ્લેરની વિનાશક શક્તિનો અંદાજ લગાડવા આપે બીજા વિશ્વયુદ્ધમાં ઑગસ્ટ 1945માં અમેરિકાએ જાપાન પર ફેંકેલા પરમાણુ બોંબોને યાદ કરવા પડે. અમેરિકાએ ‘લિટલ બોય’ અને ‘ફેટ મેન’ નામક બે ન્યુક્લિયર બોંબ અનુક્રમે હિરોશિમા અને નાગાસાકી શહેરો પર ફેંકેલા અને બંને શહેરો જાનમાલની અકથ્ય તબાહી સાથે બરબાદ થઈ ગયેલાં. કોરોનામાંથી ઊઠતા સોલર ફ્લેરમાં આવા સો – હજાર નહીં, પરંતુ કરોડો ન્યુક્લિયર બોંબની તાકાત હોય છે!

ક્યારેક સૂર્યના હોટ ગેસ કે પ્લાઝમા એક બબલ રૂપે ઊંચે ઊઠી ફાટે છે અને પરિણામે કોરોનલ માસ ઇજેક્શન (સીએમઈ) પ્રચંડ ગતિથી અવકાશમાં જાય છે. કોરોનામાંથી જ્યારે કોરોનલ માસ ઇજેક્શન ફેંકાય છે, ત્યારે તેની ગતિ એક મિનિટના એક લાખ કિલોમીટર જેટલી હોય છે. જો કે કોરોનલ માસ ઇજેક્શનની ગતિ કલાકના એક કરોડ કિલોમીટરથી પણ વધુ નોંધાઈ છે.

આમાંની કોઈ પણ ઘટના જ્યારે પૃથ્વીની દિશામાં બને છે, ત્યારે પૃથ્વી પર અણચિંતવી ઘટનાઓ અચાનક બનવા લાગે છે!

હવે આપને સમજાશે કે સૂર્યમાંથી કેવા વેગથી આપણી પૃથ્વી પર કરોડો પાર્ટિકલ્સ નિરંતર ફેંકાતા રહેતા હશે! સ્પેસ વેધરની કેટલી ઘટનાઓ અણધારી રીતે પૃથ્વીને, જીવનને, આપણે વિકસાવેલી સભ્યતાને અસર કરતી હશે! કોરોનાને જાણ્યા વિના આપણે સ્પેસ વેધરના પડકારો શી રીતે ઝીલીશું?

અમેરિકાની નાસા સંસ્થાના  વૈજ્ઞાનિકોએ પાર્કર સોલર પ્રોબને ઠેઠ કોરોનાને ‘સ્પર્શ’ કરવા મોકલી હામ ભીડી છે તે સહેતુક છે એમ નથી લાગતું?

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

*** * * ** *** ** * **** *** * ***  ** ***  * * *** **** * ** **  ** * * *

ઘોસ્ટ પાર્ટિકલ ન્યુટ્રિનો શું છે? તે જાણવા અહીં ક્લિક કરો.

ભારતમાં ન્યુટ્રિનો રીસર્ચ અને ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી વિશે જાણવા અહીં ક્લિક કરો.

ફ્યુઝન રીએક્શન્સ શું છે? તે જાણવા અહીં ક્લિક કરો.

ગ્રેવિટેશનલ વેવ્ઝ શું છે?  તે સમજવા અહીં ક્લિક કરો.

ગ્રેવિટેશનલ વેવ્ઝના ડિટેક્શનનો ઇતિહાસ જાણવા અહીં ક્લિક કરશો.

કોરોના વિશે વિશેષ માહિતી અહીં વાંચો.

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

મધુસંચય-લેખ: સૂર્યના ભડભડતા કોરોનાનો ‘સ્પર્શ કરશે’ નાસાનું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ: પરિશિષ્ટ (1)

 • સૂર્યના કોરોનાના અભ્યાસ માટે નાસા (અમેરિકા) એ છોડ્યું અવકાશયાન પાર્કર સોલર પ્રોબ
 • પાર્કર સોલર પ્રોબ બનશે સૂર્યની સૌથી નજીક પહોંચનાર દુનિયાનું પહેલું સ્પેસશીપ
 • સૂર્યનાં છ આવરણોનાં રહસ્યો વૈજ્ઞાનિકો માટે પડકાર
 • સૂર્યના કેંદ્રમાં ‘કોર’ વિસ્તારનું ઉષ્ણતામાન અધધધ..ધ… 1,50,00,000 ડિગ્રી સેલ્સિયસ!
 • સૂર્યનું બાહ્યતમ આવરણ છે કોરોના
 • કોરોનામાંથી બહાર આવતાં સ્પેસ વેધરનાં હાનિકારક રૂપો
 • કોરોનામાંથી ફેંકાય છે સૌર પવનો અને ભડભડતાં સોલર સ્ટોર્મ –સોલર ફ્લેરની પ્રચંડ લપકો
 • સ્પેસ વેધરની પૃથ્વી પર ખતરનાક અસરો
 • કોરોનાનો અને સૂર્યની ઘટનાઓનો અભ્યાસ કરશે પાર્કર સોલર પ્રોબ
 • સૂર્યના કોરોનાને સ્પર્શકરનાર વિશ્વનું પહેલું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ
 • અવકાશમાં સૌથી ઝડપી ગતિએ ઊડીને પાર્કર સોલર પ્રોબ બનશે દુનિયાનું ફાસ્ટેસ્ટ સ્પેસશીપ
 • પાર્કર સોલર પ્રોબ બનાવશે વિશ્વના સૌથી ઝડપી વાહન તરીકેનો વિશ્વવિક્રમ

*** * * ** *** ** * **** *** * ***  ** ***  * * *** **** * ** **  * * * *

મધુસંચય-લેખ: સૂર્યના ભડભડતા કોરોનામાં પહોંચશે નાસાનું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ: પરિશિષ્ટ (2)

 • પાર્કર સોલર પ્રોબ: Parker Solar Probe
 • નાસા / નેસા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા: NASA, United States of America
 • નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા), યુએસએ: National Aeronautics and Space Administration (NASA), USA
 • કોરોના, સૂર્યનું બાહ્યતમ આવરણ: Corona, the outer most layer / region of the sun
 • મિલ્કી વે: Milky Way
 • સૂર્યમંડળ: The Solar System
 • ફ્યુઝન પ્રક્રિયા: Fusion reaction
 • ફોટોસ્ફિયર: Photosphere
 • સૌર પવનો: Solar Winds
 • સૂર્યકલંક: Sunspots
 • સોલર ફ્લેર: Solar Flare
 • કોરોનલ માસ ઇજેક્શન / સીએમઈ: Coronal Mass Ejection (CME)
 • સોલર સ્ટોર્મ: Solar Storms
 • સ્પેસ વેધર: Space Weather

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

7 thoughts on “સૂર્યના ભડભડતા કોરોનામાં પહોંચશે નાસાનું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s