ભારતના વૈજ્ઞાનિકોએ ‘ચંદ્રયાન 2’ મિશન દ્વારા અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર પર ભારતીય યાનને ઉતારવાનો પ્રયત્ન વિશ્વભરમાં બિરદાવાયો છે.
કબૂલીએ કે મિશનના લેન્ડર ‘વિક્રમ’ના સોફ્ટ લેન્ડિંગમાં ચૂક રહી ગઈ, પરંતુ તે સ્વીકાર્ય છે. ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર આજે પણ સફળતાથી તેનાં કાર્યો કરી રહ્યું છે, તે ભારતના અંતરીક્ષ મિશનની મહાન સિદ્ધિ છે. આજ સુધીમાં માત્ર ત્રણ દેશો રશિયા, અમેરિકા તથા ચીન ચંદ્ર પર સોફ્ટ લેંડિંગ કરી શક્યા છે. જ્યારે સ્પેસ સાયન્સ ક્ષેત્રે ભારત દુનિયાના પ્રથમ ચાર દેશોની યાદીમાં પહોંચવાને આરે છે, ત્યારે ભારતીય અવકાશ-વિજ્ઞાનીઓની ઉપલબ્ધિને આપણે એક અવાજે વધાવી લેવી જોઈએ.
અંતરીક્ષ ક્ષેત્રે સ્પેસ એક્સ્પ્લોરેશન અર્થે યુએસએ (અમેરિકા) તથા યુએસએસઆર (રશિયા) વચ્ચે તીવ્ર સ્પર્ધા રહી છે.
વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ‘સ્પુટનિક-1’ તત્કાલીન યુએસએસઆર (સોવિયેટ યુનિયન) દ્વારા 1957ના ઑક્ટોબરની 4થી તારીખે તરતો મૂકાયો અને અંતરીક્ષ વિજ્ઞાનમાં નવો અધ્યાય શરૂ થયો. 1969માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) નું એપોલો-11 યાન ચંદ્ર પર ઉતરનાર પહેલું સમાનવ અવકાશયાન બન્યું. 1969ના જુલાઈની 20મીએ એપોલો-11 મિશનના અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર સૌ પ્રથમ માનવ બન્યા. આ પછી ચંદ્ર જેવા ઉપગ્રહમાં જ નહીં, દૂર અવકાશના બ્રહ્માંડમાં પણ ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ વિજ્ઞાનીઓનો રસ વધતો ગયો.
ભારત તેનાં અનેક માનવસર્જિત ઉપગ્રહો, મંગળયાન, ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 સાથે અંતરીક્ષ વિજ્ઞાનમાં મોખરાનો દેશ બની ગયો છે.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
અવકાશ વિજ્ઞાનના વિકાસથી વિસ્તરતી બ્રહ્માંડની ખોજ
બ્રહ્માંડ (યુનિવર્સ) વિશે માનવીની જિજ્ઞાસાનો અંત નથી. આકાશના નિરીક્ષણથી આરંભાયેલ અવકાશ વિજ્ઞાન આજે હરણફાળ ભરી બ્રહ્માંડને બાથ ભરી રહ્યું છે, તેનો શ્રેય ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમી) તથા એરોસ્પેસ એન્જીનિયરિંગને જાય છે. સ્પેસ સાયન્સમાં શાખા-પ્રશાખાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. બ્રહ્માંડનાં વિધવિધ પાસાંઓનો સ્ટડી કરવા સ્પેશ્યલાઇઝેશનની જરૂર પડે! કોસ્મોલોજી, એસ્ટ્રોનોમી અને એરોનોટિક્સ તો તદ્દન પાયાનાં વિજ્ઞાન થયાં; અત્યારે તો પસંદગીના ક્ષેત્રમાં સંશોધન માટે એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, થિયરેટિકલ એસ્ટ્રોનોમી, રેડિયો ટેલિસ્કોપી, ગેલેક્ટિક એસ્ટ્રોનોમી, એક્સ્ટ્રાગેલેક્ટિક એસ્ટ્રોનોમી, ગ્રેવિટેશનલ વેવ એસ્ટ્રોનોમી, એસ્ટ્રોનોટિક્સ જેવી ભાતભાતની બ્રાંચ લેવી પડે! ખગોળશાસ્ત્રમાં ‘ન્યૂટ્રીનો એસ્ટ્રોનોમી’ કેવી ધ્યાન ખેંચી રહી છે તે આપે ‘અનુપમા’ પર વાંચેલ છે.
વિશ્વના દેશોનાં પ્રારંભિક અંતરીક્ષ અભિયાનો (સ્પેસ મિશન)
સ્પેસ એક્સ્પ્લોરેશનમાં અમેરિકા અને રશિયા વચ્ચે તીવ્ર હરીફાઈ રહી છે.
1957ના ઑક્ટોબરની 4થી તારીખના રોજ સોવિયેત રશિયા (યુએસએસઆર) એ વિશ્વનો પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ (કૃત્રિમ ઉપગ્રહ/ આર્ટિફિશિયલ સેટેલાઇટ/ મેન-મેઇડ સેટેલાઇટ) અવકાશમાં તરતો મૂક્યો. સોવિયેત સંઘના આ કૃત્રિમ સેટેલાઇટનું નામ સ્પુટનિક-1 હતું. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) એ પોતાનો પહેલો માનવસર્જિત ઉપગ્રહ 1958ની 31 જાન્યુઆરીના રોજ લોંચ કર્યો. અમેરિકાના આ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ એક્સ્પ્લોરર-1 હતું.
ચંદ્રની આસપાસ પરિક્રમા કરનાર તેમજ ચંદ્રની સપાટી પર યાન ઉતારનાર દેશોમાં સૌ પ્રથમ નામ યુએસએસઆર (સોવિયેટ યુનિયન/ રશિયા) તથા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) નાં આવે. સોવિયેટ રશિયાનાં લ્યુના મિશનો તથા અમેરિકાનાં રેન્જર, સર્વેયર અને લ્યુનર ઓર્બિટર જેવાં મિશનો ચંદ્ર પાસે પહોંચનાર કે ચંદ્ર પર ઉતરનાર નોંધપાત્ર અભિયાનો હતાં.
1959માં ચંદ્રની ધરતી પર ઉતરાણ કરનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન યુએસએસઆરનું ‘લ્યુના 2’ હતુ.
પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ માનવ અવકાશયાત્રી યુએસએસઆર (સોવિયેત યુનિયન) ના યુરિ ગાગારિન (યુરી ગેગેરીન) હતા. તેમના અવકાશયાનનું નામ વોસ્ટોક-1 (વોસ્તોક-1) હતું. 1961ના એપ્રિલની 12મી તારીખે સોવિયેટ રશિયાના યુરી ગાગારીને રશિયન અવકાશયાન વોસ્તોક-1માં બેસીને સૌ પ્રથમ વાર પૃથ્વીની એક પ્રદક્ષિણા કરી.
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના એલન શેફર્ડ પ્રથમ અમેરિકન અવકાશયાત્રી હતા જેમણે 1961માં 15 મિનિટ માટે અવકાશયાત્રા કરી. પરંતુ પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર અમેરિકાના પ્રથમ અવકાશયાત્રી જોહન ગ્લેન હતા. 1962ના ફેબ્રુઆરીની 20મીએ જોહન ગ્લેને પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. તેમના યાનનું નામ મર્ક્યુરી કેપ્સ્યુલ ‘ફ્રેન્ડશિપ 7’ હતું.
વિશ્વનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી યુએસએસઆર (સોવિયેટ યુનિયન/ રશિયા) ના વેલેન્ટિના તેરેશ્કોવા હતાં 1963ના જૂનમાં વેલેન્ટિના તેરેશ્કોવાએ ત્રણ દિવસ યાનમાં રહીને 48 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી. સોવિયેત સંઘના મહિલા અવકાશયાત્રી વેલેન્ટિનાના અવકાશયાન – સ્પેસ કેપ્સ્યુલ – નું નામ વોસ્તોક-6/ વોસ્ટોક-6 હતું.
બીજા વિશ્વયુદ્ધ પછી, કોલ્ડ વોરના સમયગાળામાં વર્ષો સુધી અમેરિકા અને રશિયા વચ્ચે અંતરીક્ષમાં આગળ રહેવા સ્પર્ધા – સ્પેસ રેસ – ચાલી હતી. છેવટે 1969માં અમેરિકાએ એપોલો–11 અવકાશયાન દ્વારા વિશ્વના પ્રથમ માનવીને ચંદ્ર પર ઉતારી પોતાની સર્વોપરિતા સાબિત કરી. 1969ની 20મી જુલાઈએ એપોલો-11 મિશનના અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પહોંચનાર પ્રથમ માનવ બન્યા. તેમના પછી તેમના સાથી અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન પણ ચંદ્ર પર ચાલ્યા. એપોલો 11 સ્પેસક્રાફ્ટનું તેમનું લ્યુનર મોડ્યુલ લગભગ 21 કલાક ચંદ્રની ધરતી પર રહ્યું; દરમ્યાન તેનું કમાન્ડ મોડ્યુલ (ઓર્બિટર) ચંદ્રની પરિક્રમા કરતું રહ્યું. એક સફળ મિશન તરીકે એપોલો-11 અવકાશયાન અવકાશયાત્રીઓ સાથે સુખરૂપ પૃથ્વી પર પાછું ફર્યું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
બ્રહ્માંડ વિશે તાજેતરનાં તદ્દન નવાં જ સંશોધનો
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ઝડપી ડેવલપમેન્ટ સાથે યુનિવર્સ વિશેની રીસર્ચ પણ વેગીલી બની છે.
- ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે સ્વિટ્ઝર્લેડના સર્ન ખાતે લાર્જ હેડ્રન કોલાઇડર (એલ એચ સી) દ્વારા ‘ગોડ પાર્ટિકલ’ બોસોનને “શોધી” કાઢવામાં આવ્યો.
- વર્ષ 2015માં અમેરિકામાં લિગો પ્રૉજેક્ટ હેઠળ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશન વેવ ઓબ્ઝર્વેટરીઝ (લિગો) દ્વારા ગ્રેવિટેશનલ વેવ્ઝ શોધી કાઢવામાં આવ્યાં.
- 2017માં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલી (યુએસએ) ખાતે ગુજરાતી યુવાન વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરનાં ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ (એફઆરબી) પરનાં પરિણામો ખગોળશાસ્ત્રમાં નોંધપાત્ર લેખાયાં.
- યુનિવર્સની સફરે ગયેલ અમેરિકાના વૉયેજર 2 યાનનો ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ તથા સૂર્યના કોરોનાને સ્પર્શવા ગયેલ પાર્કર સોલર પ્રોબ વિશે આપે ‘મધુસંચય’ પર લેખ વાંચ્યા છે.
- વર્તમાન સમયમાં સ્પેસ ટેકનોલોજી ધરાવતા અગ્રણી દેશોમાં અમેરિકા, ચીન, રશિયા, જાપાન, યુકે તથા ભારત આવે. અરે! ઇઝરાયેલ પણ ચંદ્ર પર પહોંચવા હાથપગ મારી રહ્યું છે!
- દુનિયાનાં દેશોનાં વિવિધ સ્પેસ મિશનો અત્યારે સૂર્યમંડળના ગ્રહો ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ આદિને ઓળખી ચૂક્યા છે; સોલર સિસ્ટમના અતિ દૂરના અવકાશી પદાર્થોને નજીકથી નિહાળી ચૂક્યાં છે.
- અમેરિકાના પાયોનિયર મિશનની સફળતા પછી વોયેજર-1 તથા વોયેજર-2 તો સોલર સિસ્ટમને પાર ગયાં છે.
- વૉયેજર અવકાશયાનોની ઇન્ટરસ્ટેલર સ્પેસની મુસાફરીએ વિશ્વમાં રોમાંચભરી ઉત્સુકતા જગાવી છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ભારતીય સ્પેસ એજન્સી ઇસરોનાં મંગળયાન તથા ચંદ્રયાન મિશન
ભારતનાં મંગળયાન તથા ચંદ્રયાનનાં મિશન પણ મહત્ત્વનાં ગણાયાં છે. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન’ ઇસરો એશિયાની પ્રમુખ સ્પેસ એજન્સી છે. ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાના નેજા હેઠળની સંસ્થા ‘ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન’ ઇસરોનું હેડક્વાર્ટર બેંગલુરુ (બેંગ્લોર) છે.
વર્ષ 2008માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરોએ ‘ચંદ્રયાન-1’ને ચંદ્ર પ્રતિ મોકલ્યું. ચંદ્રયાન-1 દ્વારા ચંદ્ર પર બરફ સ્વરૂપે પાણી હોવાની માહિતી મળી છે. 2013માં મંગળ (માર્સ) ગ્રહના અભ્યાસર્થે ઇસરોએ મંગળયાન છોડ્યું. ભારતના પ્રથમ ઇન્ટરપ્લેનેટરી મિશન તરીકે નવેમ્બર 2013માં લોંચ થયેલ ‘મંગળયાન’ એટલે કે ‘માર્સ ઓર્બિટર મિશન’ (મોમ) આજે પણ મંગળ ગ્રહની માહિતી મોકલી રહ્યું છે. 2019ના જુલાઈમાં ઇસરો દ્વારા ચંદ્રયાન-2 લોંચ કરવામાં આવ્યું જેનું ઓર્બિટર હજી થોડાં વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરતાં રહીને ડેટા મોકલતું રહેશે.
આધુનિક સ્પેસક્રાફ્ટ
ધરતી પર વિકસેલ સાયન્સ અને ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ અને મશીન લર્નિંગ જ નહીં, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, નેનો ટેકનોલોજી અને નેનો રોબોટિક્સ પ્રયોજિત થઈ શકે તો આવતી કાલનાં સ્પેસ સાયન્સ અને સ્પેસ ટ્રાવેલને પણ તે પ્રભાવિત કરશે તેમાં શંકા નથી.
સ્ટેટ- ઓફ ધ આર્ટ ટેકનોલોજી ધરાવતાં વિવિધ પ્રકારનાં સ્પેસક્રાફ્ટ કે પ્રોબ ગ્રહ કે ચંદ્ર જેવા ઉપગ્રહનો અભ્યાસ કરવા ઉપયોગમાં લેવાય છે.
લોંચિંગ પેડ પરથી છૂટેલા સ્પેસક્રાફ્ટને અવકાશમાં યોગ્ય કક્ષામાં મોકલવા લોંચરનો ઉપયોગ થાય છે. ચંદ્રયાનને ઇસરોના પોલર સેટેલાઇટ લોંચ વેહીકલ – ‘પીએસએલવી’ લોંચર દ્વારા લોંચ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2017માં ઇસરો દ્વારા પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-C37) ની મદદથી ભારતના વૈજ્ઞાનિકોએ એક સાથે 104 આર્ટિફિશિયલ સેટેલાઇટ (માનવનિર્મિત ઉપગ્રહ) અવકાશમાં તરતા મૂકીને વિશ્વવિક્રમ બનાવ્યો હતો.
સૂર્યમંડળની સફરે નીકળેલ ‘ફ્લાયબાય’ પ્રકારનાં મિશનનાં સ્પેસક્રાફ્ટ નથી કોઈ ગ્રહ પર ઉતરતાં, કે નથી ગ્રહની લાંબો સમય પ્રદક્ષિણા કરતાં. તે નિર્ધારિત ગ્રહો (કે સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ) ની પાસેથી પસાર થઈ જાય છે. આવા ફ્લાયબાય સ્પેસક્રાફ્ટ જે તે ગ્રહોની માહિતી મોકલી શકે છે. અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’નાં પાયોનિયર મિશન આ પ્રકારનાં ફ્લાયબાય મિશન હતાં. ‘નાસા’નાં મહત્ત્વપૂર્ણ સ્પેસ પ્રોબ વૉયેજર 1 તથા વૉયેજર 2 તો જ્યુપિટર (ગુરુ), સેટર્ન (શનિ) અથવા યુરેનસ અને નેપ્ચ્યુન પાસેથી પસાર થઈ ચૂક્યાં છે અને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યા છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ઓર્બિટર, એમઆઇપી, લેન્ડર અને રોવર શું છે?
- આ લેખમાં આપણે ચંદ્રનાં અભિયાનોનો અભ્યાસ કરવો છે તો આપણે ચંદ્ર પર જતાં સ્પેસક્રાફ્ટને સમજીશું.
- જે યાન ચંદ્ર પર ઉતરવાનું ન હોય, તેનું ‘ઓર્બિટર’ ચંદ્રની આસપાસની કક્ષામાં ફરતું રહે છે અને કેમેરા કે વૈજ્ઞાનિક સાધનોથી ડેટા મોકલતું રહે છે.
- ચંદ્ર પર ઉતરવાની વાત આવે તો સ્પેસક્રાફ્ટ પાસે બે વિકલ્પ રહે: ક્રેશ લેન્ડિંગ કરવું કે સોફ્ટ લેન્ડિંગ કરવું.
- ‘ઇમ્પેક્ટ મિશન’માં ક્રેશ લેંડિંગ કરવામાં આવે છે. તે મુન ઇમ્પેક્ટ પ્રોબ – એમઆઇપી – ધરાવે છે. મુન ઇમ્પેક્ટ પ્રોબ ઉપયોગી વૈજ્ઞાનિક સાધનો ધરાવતો યાનનો વિશિષ્ટ હિસ્સો છે.
- સ્પેસક્રાફ્ટનો એક મુખ્ય હિસ્સો જે ચંદ્રની આસપાસ પરિક્રમા કરતો રહે છે, તે ઓર્બિટર કહેવાય છે.
- અન્ય એક હિસ્સો ‘એમઆઇપી’ છૂટો પડીને ચંદ્ર ભણી ધસી જાય છે અને સપાટી પર ક્રેશ લેન્ડિંગ કરે છે, તૂટી પડે છે.
- ક્રેશ થતાં પહેલાં, ચંદ્રની ધરતીની તદ્દન નજીક પહોંચેલા એમઆઇપીના વૈજ્ઞાનિક ઉપકરણો ઓર્બિટરને અથવા પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરને મહત્ત્વનો ડેટા મોકલી દે છે.
- ચંદ્ર પર સોફ્ટ લેંડિંગ કરવામાં માત્ર ત્રણ દેશોને સફળતા મળી છે: રશિયા, અમેરિકા અને ચીન.
- ચંદ્ર પર સોફ્ટ લેંડિંગ કરનાર સ્પેસક્રાફ્ટ વળી ઓર્બિટર ઉપરાંત લેન્ડર અને રોવર ધરાવી શકે છે.
- યાનને નુકસાન ન પહોંચે તે રીતે ધીરેથી તેનું ચંદ્ર પર સોફ્ટ લેંડિંગ કરવામાં આવે છે જેથી તેના સેન્સર્સ, કેમેરા, કમ્યુનિકેશન અને અન્ય ઉપકરણો કાર્યરત રહી શકે.
- ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરતાં યાન લેંડર ધરાવે છે. લેન્ડર ડેટા કલેક્શન માટે વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવે છે. સામાન્ય રીતે લેન્ડર મોટા કદનું હોય છે અને ઝાઝી મુવમેન્ટ કરતું નથી.
- સોફ્ટ લેંડિંગ મિશનમાં પોતાના પાયા પર અચલ રહેનાર લેંડર ઉપરાંત એક રોવર હોય છે. વ્હીલ ધરાવતું રોવર ચંદ્રની સપાટી પર હલનચલન કરી શકે છે અને નિર્ધારિત વિસ્તારમાં ફરીને માહિતી અને સેમ્પલ પણ એકત્ર કરી શકે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ભારતનું પ્રથમ મુન મિશન ‘ચંદ્રયાન–1’
ચંદ્ર આપણા સૂર્યમંડળમાં, સૌથી નજીકનો, એક માત્ર જ્ઞાત પ્રાકૃતિક ઉપગ્રહ છે. દુનિયાના દેશોને ચંદ્ર પર પહોંચવાની તલપ લાગી છે.
અમેરિકા, રશિયા અને ચીનના સફળ ચંદ્ર અભિયાનોને પગલે ભારતે પણ ચંદ્ર પર પહોંચવાની તૈયારીઓ આરંભી હતી. ઇસરોનું ચંદ્રયાન મુન મિશન 2008માં આરંભાયું. ‘ચંદ્રયાન-1’ ભારતનું સૌ પ્રથમ ‘ડીપ સ્પેસ મિશન’ હતું. તેના માટે સાડા ત્રણસો કરોડથી ચારસો કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો.
ભારતના સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન-1 ને 2008ના ઓક્ટોબરની 22મીએ ઇસરોના શક્તિશાળી ‘પીએસએલવી’ લોંચર દ્વારા લોંચ કરવામાં આવ્યું. તેને ભારતના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી છોડવામાં આવ્યું હતું. ચંદ્રયાન-1 સ્પેસક્રાફ્ટ 1300 કિલોગ્રામથી વધુ વજન ધરાવતું, પાંચેક ફૂટની લંબાઈ ધરાવતા ક્યુબ આકારનું યાન હતું. તેને હાઇ રેઝોલ્યુશન ધરાવતાં અત્યાધુનિક રિમોટ સેન્સિંગ ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યું હતું. તેના મુખ્ય સ્પેસક્રાફ્ટમાં અદ્યતન કેમેરા – જેવા કે ટેરેઇન મેપિંગ કેમેરા – તેમજ સોફિસ્ટિકેટેડ સ્પેક્ટ્રોમીટર – જેવા કે નિયર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર – સમાં વૈજ્ઞાનિક ઉપકરણો હતાં. તેનું મુન ઇમ્પેક્ટ પ્રોબ (એમઆઇપી) આધુનિક વિડીયો ઇમેજિંગ સિસ્ટમથી સુસજ્જ હતું.
2008ના નવેમ્બરની 14મી તારીખે ચંદ્રયાનના ઓર્બિટરથી છૂટું પડીને, ચંદ્ર તરફ ધસમસતું એમઆઇપી ચંદ્રના દક્ષિણ ધ્રુવના શેકલટન ક્રેટર પાસે સપાટી પર ‘હાર્ડ લેંડિંગ’ માં ક્રેશ’ થયું. 2009માં ઑગસ્ટના અંતમાં ચંદ્રયાન સાથેનો સંદેશાવ્યવહાર સંપર્ક તૂટી જતાં આશરે 400 કરોડ રૂપિયાના ‘ચંદ્રયાન 1’ મિશનનો અંત આવ્યો. વર્ષ 2016ના જુલાઈમાં અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ તેને ચંદ્રની કક્ષાઓમાં પરિક્રમા કરતું અવલોક્યું હતું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ચંદ્રયાન-1 મિશનની ઉપલબ્ધિ
ચંદ્રયાન – 1 ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોનું પહેલું ડીપ સ્પેસ મિશન હતું. વળી ચંદ્રયાન-1 પૃથ્વીથી દૂરના અવકાશમાં, ચંદ્ર સુધી પહોંચવાનો ભારતનો પહેલો પ્રયત્ન હતો. તેણે મોકલેલ ડેટા પરથી ચંદ્ર વિશે ઘણી ઉપયોગી માહિતી મળી છે, જેનો ઉપયોગ ચંદ્રયાન-2 મિશનમાં કરવામાં આવ્યો. ચંદ્રયાન-1ની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે તેના એમઆઇપીએ – ક્રેશ લેંડિંગ પહેલાં – ચંદ્ર પર નજીવી માત્રામાં પાણીની વરાળ હોવાની માહિતી આપી. તે સૂચવે છે કે ચંદ્ર પર બર્ફીલું પાણી (વોટર આઇસ) હોવાની સંભાવના છે. વળી તેણે ચંદ્રની ભૂમિમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સિલિકોન જેવી ધાતુઓ પણ શોધી છે.
312 દિવસના જીવનકાળમાં ચંદ્રને આશરે 3400 ઓર્બિટ ફર્યા પછી 2009ના ઑગસ્ટની 28 મી તારીખે ભારતના પ્રથમ સ્પેસ મિશન ‘ચંદ્રયાન 1’ મિશનનો અંત આવ્યો, તે પછી દસ વર્ષે ઇસરોએ બીજા ચંદ્ર મિશનને લોંચ કર્યું.
ભારતનું મહત્ત્વાકાંક્ષી ‘મુન મિશન’ ચંદ્રયાન-2
ભારતનું બીજું મુન મિશન ‘ચંદ્રયાન 2’ હતું.
22 જુલાઇ 2019ના રોજ ભારત દ્વારા ઇસરોના નેજા હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેંડિંગના હેતુથી ‘ચંદ્રયાન-2’ છોડવામાં આવ્યું. ચંદ્રયાન-2 ચંદ્ર પરના સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) ના બે ક્રેટર (મોટા ખાડા) ‘મેન્ઝિનસ સી’ તથા ‘સિમ્પેલિયસ એન’ વચ્ચેના મેદાનમાં સોફ્ટ લેંડિંગની યોજના હતી. 7 સપ્ટેમ્બર 2019ના રોજ વહેલી સવારે ચંદ્ર પરના ઉતરાણ દરમ્યાન ચંદ્રયાન-2ના લેન્ડર સાથેનો સંદેશાવ્યવહાર કપાઈ ગયો. તેનું ઓર્બિટર હજી કાર્યરત છે, ઇસરોને ડેટા મોકલી રહ્યું છે અને કેટલોક સમય (એકથી સાત વર્ષ) કામગીરી બજાવી શકશે તેવી આશા સેવાય છે.
લોંચ સમયે ચંદ્રયાન-2નું વજન 3000 કિલોગ્રામથી વધારે હતું.
ભારતનું દ્વિતીય ચંદ્ર અભિયાન ‘ચંદ્રયાન-2’ સોફ્ટ લેંડિંગ કરનાર હોવાથી તેનામાં ઓર્બિટર ઉપરાંત લેંડર અને રોવર પણ હતાં. તેના લેન્ડરને ‘વિક્રમ’ તથા રોવરને ‘પ્રજ્ઞાન’ નામ આપવામાં આવ્યાં હતાં. ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમોના પિતા ગણાતા, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના સ્થાપક ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ વિક્રમ સારાભાઈના સન્માનમાં ચંદ્રયાન 2ના લેન્ડરને ‘વિક્રમ’ નામ આપવામાં આવ્યું હતું.
ભારતના અંતરીક્ષ અભિયાનના ચંદ્રયાન-2 મુન મિશનની ગૌરવગાથા આપણે ‘મધુસંચય’ના હવે પછીના લેખમાં આલેખીશું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
** * *** * **** ** * ** * * ** *
મધુસંચય-લેખ: ભારતનાં ચંદ્રયાન મિશનો અને વિશ્વમાં અવકાશ સંશોધનનાં અન્ય મિશનો: પરિશિષ્ટ (1)
- ચંદ્રયાન મિશનો દ્વારા અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતની હરણફાળ
- ‘ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન’ / ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અભિયાનો ‘ચંદ્રયાન-1’ તથા ‘ચંદ્રયાન-2’
- વિશ્વમાં સ્પેસ રિસર્ચ અને બ્રહ્માંડ વિષયક સંશોધનોનો ઇતિહાસ રસપ્રદ
- સ્પેસ એક્સ્પ્લોરેશનમાં દુનિયાના સુપર પાવર અમેરિકા અને રશિયા વચ્ચે તીવ્ર કરિફાઈ
- સોવિયેટ યુનિયન (યુએસએસઆર/ સોવિયેટ સંઘ/ રશિયા) નો પ્રથમ માનવનિર્મિત ઉપગ્રહ સ્પુટનિક-1 અવકાશમાં તરતો મૂકાયો 4થી ઑક્ટોબર 1957ના રોજ
- પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી સોવિયેટ યુનિયન (યુએસએસઆર) ના યુરી ગાગારિન
- ચંદ્ર પર ઉતરાણ કરનાર પ્રથમ સમાનવ અવકાશયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું એપોલો-11
- 1969ના જુલાઈની 20મી તારીખે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવી અમેરિકા (યુએસએ) ના એપોલો-11 મિશનના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ (સાથે તેમના સાથી એસ્ટ્રોનોટ એડવિન એલ્ડ્રિન)
- આધુનિક ચંદ્ર મિશનના અગત્યના હિસ્સાઓમાં લોંચર, ઓર્બિટર, લેન્ડર, રોવર ઇત્યાદિ
- ભારતના ડીપ સ્પેસ મિશનોનો આરંભ બે સફળ ચંદ્ર અભિયાનો ‘ચંદ્રયાન-1’ અને ‘ચંદ્રયાન-2’થી
- ઇસરો (ભારત) નું પ્રથમ ડીપ સ્પેસ મિશન 2008નું ‘ચંદ્રયાન – 1’ મુન મિશન રૂપે; ભારતનું બીજું મુન મિશન ‘ચંદ્રયાન – 2’ રૂપે
- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેંડિંગ કરવાના ઉદ્દેશથી 2019 ના જુલાઇમાં છોડાયેલ ચંદ્રયાન-2ના લેન્ડર ‘વિક્રમ’ સાથે – ઉતરાણ વેળા 7મી સપ્ટેમ્બર 2019ના દિને – તૂટ્યો સંપર્ક; પણ ચંદ્રયાન-2 ઓર્બિટર રહ્યું કાર્યરત
** * *** * **** ** * ** * * ** *
મધુસંચય-લેખ: ભારતનાં ચંદ્રયાન મિશનો અને વિશ્વમાં અવકાશ સંશોધનનાં અન્ય મિશનો: પરિશિષ્ટ (2)
- ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન / ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો): Indian Space Research Organisation (ISRO)
- ચંદ્રયાન-1; લોંચિંગ તારીખ 22 ઑક્ટોબર 2008: Chandrayaan 1; Launched 22 October, 2008
- ચંદ્રયાન-2; લોંચિંગ તારીખ 22 જુલાઇ 2019: Chandrayaan 2; Launched 22 July 2019
- અવકાશ સંશોધન: Space Research
- ‘સ્પુટનિક-1’; યુએસએસઆર/ સોવિયેટ સંઘ/ સોવિયેત યુનિયન/ સોવિયેટ રશિયા: Sputnik-1; USSR
- યુરિ ગાગારિન/ યુરી ગેગેરિન; યુએસએસઆર: Yuri Gagarin (1934-1968); USSR
- નીલ આર્મસ્ટ્રોંગ; યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા: Neil Armstrong (1930-2012); USA
- એપોલો 11; યુએસએ: Apollo 11 (1969), USA
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **