અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન

‘મધુસંચય’ના અગાઉના લેખોમાં આપે વિજ્ઞાન અને ટેકનોલોજીની અકલ્પનીય પ્રગતિથી માનવજીવનમાં થઈ રહેલાં પરિવર્તનો વિશે વાંચ્યું છે. બિગ ડેટા અને ક્લાઉડ કમ્પ્યુટિંગના પીઠબળે ઇંટરનેટ વિશ્વભરને એક તાંતણે બાંધી રહ્યું છે.

‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ (આઇઓટી) આધુનિક ટેકનોલોજીનું નવલું નઝરાણું છે.

ઘડીભર કલ્પના કરો કે: આપના ઘરના અને ઓફિસના ફોન, કમ્પ્યુટર્સ, એપ્લાયન્સિઝ, ગેજેટ્સ અને વાહનો સહિતનાં મશીનો પરસ્પર વાતો કરવા લાગે તો! આ કલ્પનાને હકીકતમાં પલટે છે ‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ (Internet of Things – IoT).

મનુષ્ય દ્વારા વપરાતાં સાધનો, ડિવાઇસિસ અને મશીનોને ઇંટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવે તો તે બધાં એકબીજા સાથે ‘ઇલેક્ટ્રોનિકલી કમ્યુનિકેટ’ કરી શકે. ઇંટર કનેક્ટેડ મશીનો વચ્ચે માહિતી કે સૂચનાઓની આપ લે દ્વારા મશીન-મશીન કમ્યુનિકેશનની ટેકનોલોજી ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ (આઇઓટી) કહેવાય છે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી એમ-ટુ-એમ ઇકોનોમી (મશીન-ટુ-મશીન ઇકોનોમી M2M Economy) જેવી નવી અર્થવ્યવસ્થા ઊભરી રહી છે. મનુષ્યની દખલગીરી વિના હજારો ગેજેટ્સ અને મશીન્સ એકબીજા સાથે ‘ઇન્ટરએક્ટ’ કરીને ભાતભાતનાં કાર્યો અને જવાબદારીઓ સ્વયં ઉપાડી લેશે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ માનવજીવનને ગહરાઈથી પ્રભાવિત કરશે. મનુષ્યનાં રોજિંદા વ્યવહારો અને કામગીરી, ગૃહવપરાશનાં ઉપકરણોનું સંચાલન, ગૃહવ્યવસ્થા, હેલ્થ-ફિટનેસને લગતો રેકોર્ડ, તે અંગે માર્ગદર્શન, ટ્રાન્સપોર્ટેશન, સંદેશાવ્યવહાર, શોપિંગ જેવી બહુવિધ પ્રવૃત્તિઓમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ મદદરૂપ થશે.

‘મધુસંચય’ના આજના લેખમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને તેનાથી પ્રભાવિત મનુષ્યજીવન વિશે આપ સૌને ખૂબ રસ પડે તેવી વાતો કરીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે માનવ ઇતિહાસમાં ક્યારેય ન નોંધાઈ હોય તેવી અકલ્પનીય પ્રગતિ છેલ્લા પાંચેક દાયકાઓમાં નોંધાઈ રહી છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, તેનાં સ્વરૂપ અને બંધારણ, બ્રહ્માંડના અગોચર છેડાઓ, તેમાં ઘટતી અટપટી ઘટનાઓ, પૃથ્વી અને યુનિવર્સને બાંધતા વિજ્ઞાનના નિયમો આદિ વિષયો પર અભૂતપૂર્વ સંશોધનો થઈ રહ્યાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રયોજનથી ફાસ્ટ રેડિયો બર્સ્ટ જેવી ચમત્કારિક ઘટનાઓ પરથી પડદા ઊઠી રહ્યા છે. બીજી બાજુ, માનવશરીરની રચનાથી માંડી નર્વસ સિસ્ટમ અને  જેનેટિક્સ જેવા ગૂઢ વિષયો પર નવાં રહસ્યો ખૂલી રહ્યાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ની સિદ્ધિઓ સમજવી અને પચાવવી માનવ ઇન્દ્રિયોને અઘરી લાગે છે. હાઇપરલુપ ટ્રેઇનના પ્રયોગો તો હજી ઘણાને તુક્કા સમાન લાગે છે!

ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ સાયન્સ મનુષ્યને ભરડો લઈ ચૂક્યાં છે, ભલે તે માનવહિતમાં હોય કે પછી અહિતમાં. ઇન્ટરનેટ માનવવ્યવહારોનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. વિશ્વનાં સઘળાં મનુષ્યોનાં મગજને ઇંટરનેટ સાથે જોડી દેવામાં આવે તો શું થાય! તરંગ જેવી લાગતી વાત હકીકતમાં પલટાનાર છે! આપે ‘મધુસંચય’ના લેખમાં ‘હ્યુમન બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ’ તથા ‘ઇન્ટરનેટ ઓફ થોટ્સ’ વિશે અદભુત વાતો વાંચી છે.

વિજ્ઞાન-ટેકનોલોજીની એક અન્ય કરિશ્માઈ હકીકત છે ‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ (આઇઓટી).

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ શું છે?

તદ્દન સરળ શબ્દોમાં કહીએ તો – ઇંટરનેટ દ્વારા કનેક્ટ થઈ, એકબીજા સાથે ‘વાતચીત’ કરતાં તેમજ બાહ્ય ‘વાતાવરણ’ સાથે ઇન્ટરએક્ટ કરતાં સાધનો/ઉપકરણો/વસ્તુઓ/મશીનોના ઓટોમેટેડ નેટવર્કને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ કહે છે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સને ‘સ્માર્ટ હોમ’ના સાદાસીધા ઉદાહરણથી સમજીએ. આપનો ફોન, કાર અને ઘર – બધાં ઇન્ટરનેટથી જોડાયેલાં છે. આપ ઑફિસમાંથી ઘર જવા નીકળો છો અને ‘સ્માર્ટ કાર’માં બેસો છો કે તરત ઘરને મેસેજ મળી જાય છે કે આપ ઘરે આવી રહ્યા છો. ઘેર પહોંચી આપ ડોર પરના સેન્સરને આંગળીથી ટચ કરશો કે જેવી ચાવી દરવાજાના લોકમાં નાખશો, કે તરત અંદરના રૂમની લાઇટ્સ ચાલુ થઈ જશે! આપોઆપ ઘરની એસી સિસ્ટમ એક્ટિવેટ થશે. કિચનમાં કોફી-મેકર જાતે ચાલુ થશે અને આપ માટે ગરમાગરમ કોફી તૈયાર થશે. છે ને મઝાની વાત!

હા, અહીં શરત એ છે કે સ્માર્ટ ફોન, સ્માર્ટ કાર અને સ્માર્ટ હોમનાં ઉપકરણો પાસે આવશ્યક સેન્સર્સ તથા સોફ્ટવેર/એપ્લિકેશન હોવાં જોઈએ તેમજ તે સઘળાં ઇંટરનેટથી જોડાયેલાં હોવાં જોઈએ.

શરીરનાં સ્વાસ્થ્ય અને શારીરિક એક્ટિવિટીનાં પેરામીટર માપતાં ‘વેરેબલ’ (પહેરી શકાય તેવાં સાધનો) પણ ઇન્ટરનેટ ઑફ થિંગ્સના ભાગ હોઈ શકે. એક્ટિવિટી ટ્રેકર જેવી સાદી વેરેબલ ડિવાઇસ હાથ પર રિસ્ટવોચની માફક પહેરી શકાય છે. વેરેબલ ડિવાઇસ તમારી કસરત સમયે તમે કેટલા સમયમાં કેટલા સ્ટેપ્સ ચાલ્યાં તેની ગણતરી સાથે તે દરમ્યાન પલ્સ, હાર્ટરેટ, બ્લડ પ્રેશર આદિનો રેકોર્ડ પણ રાખી શકે. વેરેબલ ટેકનોલોજી ક્ષેત્રે એપલ, સેમસંગ, ફિટબિટ, શાયોમી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં વેરેબલ્સ લોકપ્રિય છે.

‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ ટર્મનો ઉપયોગ પહેલી વાર વર્ષ 1999માં કેવિન એશ્ટન નામના બ્રિટીશ ટેકનોલોજી એક્સ્પર્ટે કર્યો. કેવિન એશ્ટન ત્યારે અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઇટી) સાથે સંકળાયેલ હતા. કેવિન એશ્ટન દ્વારા ઇંટરનેટ ઓફ થિંગ્સ શબ્દપ્રયોગ પ્રયોજાયા પછી તો તે ખૂબ લોકપ્રિય થયો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ: વિજ્ઞાનની દ્રષ્ટિએ

ઇન્ટરનેટ ઑફ થિંગ્સની વ્યાખ્યા આપવી સરળ નથી.

સિદ્ધાંતની દ્રષ્ટિએ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ એક પ્રકારની ટેકનોલોજી કે કન્સેપ્ટ છે; વ્યવહારની દ્રષ્ટિએ ઇન્ટરનેટ ઑફ થિંગ્સ પરસ્પર ઇન્ટરનેટથી જોડાયેલ મશીનો અને વસ્તુઓ (ફિઝિકલ ઓબ્જેક્ટ્સ) નું નેટવર્ક છે.

તેના નેટવર્કમાં વિવિધ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસિઝ, મિકેનિકલ-ડિજીટલ મશીન્સ, અન્ય વસ્તુઓ જ નહીં, મનુષ્યો પણ સંકળાયેલા હોઈ શકે. તે બધાં એકબીજાને સૂચનાઓ અને ડેટા ટ્રાન્સફર કરી શકે તે અર્થે ઇંટરનેટ કનેક્ટિવિટીથી જોડાયેલાં હોવાં જોઈએ.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સના નેટવર્કમાં જોડાયેલ પ્રત્યેક ફિઝિકલ ઓબ્જેક્ટની એક આગવી ઓળખ (આઇડેન્ટિટી) હોય છે. તે આઇડેન્ટિટી કે ઓળખ રેડિયો ફ્રિક્વન્સી/ સેન્સર/ વાયરલેસ ટેકનોલોજીથી શક્ય બનતી હોય છે. આ ખાસ ઓળખને કારણે ચોક્કસ સૂચના નિશ્ચિત ઓબ્જેક્ટ પાસે જ જાય છે અને પરસ્પર ઇંટરએક્શન થઈ શકે છે.

કોઈ ડિવાઇસ જ્યાં સુધી નેટવર્કમાં કનેક્ટ નથી થતી, ત્યાં સુધી તે માત્ર એક ફિઝિકલ ઑબ્જેક્ટ છે; તેના યુઝર માટેની એક અંગત ડિવાઇસ છે. પરંતુ આ જ ડિવાઇસ જ્યારે નેટવર્કમાં જોડાય છે ત્યારે તેની ઉપયોગિતા પલટાઈ જાય છે. હવે તે અન્ય પાવરફુલ મશીનો અને વિશાળ ડેટાબેઝ સાથે જોડાતાં તેની ઉપયોગિતા અને કાર્યક્ષમતા અનેક ગણી થઈ જાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા અને ક્લાઉડ ટેકનોલોજી ક્ષેત્રનાં ક્રાંતિકારી સંશોધનોએ ઇન્ટરનેટ ઑફ થિંગ્સને હરણફાળ ભરવામાં મદદ કરી છે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ‘5G’ (ફાઇવ જી) પ્રકારની ફાસ્ટ હોવી આવશ્યક બનવાની છે, 4G કરતાં 5G નેટ કનેક્શન્સ અતિ ત્વરિત હોવાથી જગી માત્રામાં ડેટા ટ્રાન્સફર કરી શકે છે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સમાં કનેક્ટ થતા ઑબ્જેક્ટ્સ

ઇન્ટરનેટ ઑફ થિંગ્સના ઑબ્જેક્ટ્સમાં સેન્સર્સ હોવાં જરૂરી છે.

અંગત નેટવર્ક હોય કે ઇન્ટરનેટ, તેના પર સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, ડેસ્કટોપ આદિ ડિવાઇસિસ જોડાતી હોય છે. ઇન્ટરનેટ ઑફ થિંગ્સના નેટવર્કમાં તે ઉપરાંત લાઇટિંગ, ઇલેક્ટ્રિકલ/ ઇલેક્ટ્રોનિક  એપ્લાયન્સિસ, ગેજેટ્સ, સાઉન્ડ  સિસ્ટમ્સ, સ્પીકર્સ-સીસીટીવી કેમેરા, સિક્યોરિટી સિસ્ટમ્સ, એલાર્મ્સ, વેન્ડિંગ મશીન્સ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ સિસ્ટમ્સ જેવી વિશાળ શ્રેણીની અગણિત ડિવાઇસિસ જોડાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇન્ટરનેટ ઑફ થિંગ્સની એપ્લિકેશનનાં ઉદાહરણો

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી) નું એક દ્રષ્ટાંત સ્માર્ટ હોમ છે.

સ્માર્ટ હોમમાં લાઇટિંગ સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ, સિક્યોરિટી સિસ્ટમ, રેફ્રીજરેટર, હીટિંગ કે એસી સિસ્ટમ વગેરેનાં ઉપકરણો ઇંટરનેટ કનેક્ટિવિટીથી ઑટોમેટેડ નેટવર્કમાં જોડાયેલાં હોય છે. સઘળાં ઉપકરણોનાં સેન્સર્સ સ્વયં સેલ્ફ રિપોર્ટિંગ કરશે અને તેમનાં ઉપકરણો રિયલ ટાઇમ’માં પ્રતિભાવ કે નિર્ણય આપશે. જેમકે રેફ્રીજરેટરનાં સેન્સર્સ જ્યારે ફ્રીજમાં દૂધ અને બટર ખલાસ થયાં છે તે માહિતી આપશે કે તરત રેફ્રીજરેટર જાતે ગ્રોસર (વેપારી) ને  દૂધ-બટર મોકલવાનો મેસેજ મોકલી દેશે. સ્માર્ટ હોમનાં સેંસર્સ ઘર બહારનું તાપમાન વધી રહ્યું છે તેવો સંકેત આપે કે તરત ઘરની એર કંડિશનિંગ સિસ્ટમ ઘરને વિશેષ ઠંડું કરવા લાગશે. ઘરના દરવાજાની આસપાસ શંકાસ્પદ હિલચાલ લાગશે તો સિક્યોરિટી સિસ્ટમનાં સેન્સર્સ એલાર્મ વગાડશે અને માલિકના ફોન પર મેસેજ મોકલશે.

સ્માર્ટ ટ્રાંસપોર્ટ પણ ઇંટરનેટ ઓફ થિંગ્સ પર નિર્ભર હશે. ધારો કે આપને સવારે આઠ વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે. આપે સ્માર્ટ ફોનને એલાર્મની તેમજ છ વાગ્યે ટેક્સી બુક કરવાની સૂચના આપેલ છે. મોડી રાત્રે વાતાવરણમાં હ્યુમિડિટી વધવાના અને ભારે વરસાદ પડવાના વેધર રિપોર્ટ આવે છે. તરત આપનો સ્માર્ટ ફોન વહેલો એલાર્મ વગાડી આપને જગાડશે અને ટેક્સી પણ વહેલી બુક કરવા પૂછશે. સ્વયંસંચાલિત, ડ્રાઇવર વગરની ઑટોનોમસ ટેક્સી લિડાર ટેકનોલોજીથી સજ્જ હશે. આવી સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક કેબમાં એરપોર્ટ જતા હશો ત્યારે ડેશબોર્ડનો ડિસ્પ્લે પાણી ભરાયેલા રસ્તા છોડી, અન્ય સલામત વૈકલ્પિક રસ્તા દર્શાવશે. સલામત રસ્તો પસંદ કરી ડ્રાઇવરલેસ, ઑટોનોમસ ટેક્સી આપને સમયસર એરપોર્ટ પહોંચાડશે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ વિસ્મયકારી સ્માર્ટ સિટીની વ્યવસ્થામાં ઉપયોગી થશે. સ્માર્ટ સિટીનાં વિભિન્ન સ્થાનો અને રસ્તાઓ પર સ્થિત સેન્સર્સ વાહનો, વ્યક્તિઓ, ઘટનાઓ, વાતાવરણ વગેરે વિશે ઘણો બધો ડેટા એકઠો કરશે. તે માહિતી લોકલ ઑથોરિટીને શહેર વ્યવસ્થામાં ઉપયોગી થશે. રોડની લાઇટિંગ, વેસ્ટ મેનેજમેન્ટ અને સફાઈ વ્યવસ્થા, વોટર સપ્લાય, ટ્રાફિક નિયમન-સિગ્નલ્સ, ક્રાઇમ, લૉ એન્ડ ઑર્ડર આદિ ઘણી બાબતોમાં આઇઓટી ટેકનોલોજી ઉપયોગી થશે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ કેટલે અંશે ફાયદાકારી?

આઇઓટીના લાભાલાભ વિશે જોરદાર ચર્ચા ચાલી રહી છે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી) માનવજીવન માટે લાભકારી થઈ શકે તે હકીકત છે. આ નવી ટેકનોલોજી વ્યવસ્થાને વિસ્તૃત ક્ષેત્રોમાં મદદગાર બનાવવા વૈજ્ઞાનિકો તત્પર છે. આવા ફ્યુચરિસ્ટ સાયન્ટિસ્ટોની દ્રષ્ટિએ ઇન્ટરનેટ ઑફ થિંગ્સના ફાયદાઓ અગણિત છે.

પ્રથમ તો એ કે મનુષ્યને રોજિંદા જીવનમાં ઉપયોગી વિભિન્ન સિસ્ટમ્સ સાથે અર્થપૂર્ણ કમ્યુનિકેશન શરૂ થશે.

આઇઓટીથી મનુષ્ય અને મશીન વચ્ચે ઉચ્ચ પ્રકારનું કમ્યુનિકેશન શરૂ થશે; સાથે મશીન-મશીનનાં ઇન્ટરએક્શન્સ સુધરશે. માનવીની દખલગીરી વિના મશીન સ્વયં રિયલ ટાઇમમાં સેલ્ફ રિપોર્ટિંગ કરશે, પરિણામે સમય અને એનર્જીનો મોટો બચાવ થશે. સિસ્ટમ્સની કાર્યક્ષમતા વધશે. તેના લીધે વ્યાપાર-ઉદ્યોગોને બેશુમાર ફાયદા થશે. અર્થવ્યવસ્થાનાં સ્વરૂપ અને રફ્તાર બદલાઈ જશે.

ઇંટરનેટ ઑફ થિંગ્સથી નાની નાની બાબતોમાં વેડફાતી માનવશક્તિ બચી જશે. રોજિંદા કાર્યો સરળ અને ત્વરિત બનશે. માનવજીવનમાં સુખ-સુવિધાઓ ઉમેરાશે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સની મર્યાદાઓ

ઇન્ટરનેટ ઑફ થિંગ્સના કેટલાક ગેરફાયદાઓ ચિંતા પ્રેરે તેવા છે.

આઇઓટીના પ્રયોજનમાં સુરક્ષા–સિક્યોરિટી મોટો મુદ્દો છે. માનવીનું અંગત જીવન અને બધી પ્રાઇવેટ માહિતી સંખ્યાબંધ મશીનમાં જતી રહેશે; તે ડેટાની સિક્યોરિટી રામભરોસે હશે તો?

મનુષ્યના જીવનમાં મશીનોનો અમર્યાદ ચંચુપાત માનવજાત માટે ખતરાસમાન છે. જિંદગીના તમામ ક્ષેત્રોને આઇઓટી ભરડામાં લે તો માનવીની પ્રાઇવેસી જોખમાય. અંગત જીવનની સ્વતંત્રતા જ ન રહે!

સ્માર્ટ સિટીના રસ્તાઓ પરના કેમેરા આપની એક એક મુવમેંટને નોંધતા રહે તે કેવું! આપ કયા રસ્તા પર, કયા વેહિકલમાં, કેટલા વાગ્યે પસાર થયા તે માહિતી કેટકેટલી જગ્યાએ પહોંચી જાય!

વળી બિઝનેસ-ઇંડસ્ટ્રીમાં આઇઓટીના અમર્યાદ પગપેસારાથી સંખ્યાબંધ નોકરીઓ ઝૂંટવાઈ જશે અને બેકારી વધશે. આવી સ્થિતિ સામાજીક અસંતોષ ફેલાવશે. જો માણસ મશીન પર વધુ પડતો અવલંબિત થઈ જશે, તો તેની અવળી અસર તેની જીવનશૈલી ઉપરાંત તેનાં જીવનમૂલ્યો પર પણ થશે! કદાચ તેની બુદ્ધિશક્તિ પણ કુંઠિત થાય! આઇઓટીના આવા ગેરફાયદાઓની કલ્પના મનને થડકાવી દે તેવી છે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

જો ઇન્ટરનેટ ઑફ થિંગ્સની ટેકનિકલ મર્યાદાઓની વાત કરીએ તો સિક્યોરિટી જેવી બીજી સૌથી મોટી સમસ્યા કનેક્ટિવિટીની આવે. આટલાં બધાં મશીનોનાં વ્યાપક નેટવર્ક્સને સતત ધબકતું રાખવા 24×7 કાર્યરત રહે તેવી ભારે પાવરફુલ 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈએ. તેના માટે વિશાળ બેંડવિડ્થ જોઈએ. આઇઓટીનાં ગેજેટ્સ અને ડિવાઇસિસ ઉત્તમ પર્ફોર્મન્સ સાથે ક્યારે કાર્યરત રહી શકે? જો તે 5G હાઇસ્પીડ નેટ કનેક્શન્સ અને મોટી બેન્ડવિડ્થ સાથે સુસજ્જ નેટવર્ક પર કનેક્ટ થાય તો!  તેનાં માટે આવશ્યક પેરામીટર્સ અને સ્ટાંડર્ડ્સ પર વિશ્વમાં હજી સર્વસંમતિ નથી!! અવરોધો તો ઘણા છે!

આઇઓટીનું ભવિષ્ય શું?

આઇઓટીનો એક યા બીજા સ્વરૂપે માનવજીવનમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. હવે તેના આક્રમણને ખાળવું સરળ તો નથી જ!

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ આપણા જીવનની હકીકત બનશે, એટલું જ નહીં, પરંતુ આપણા જીવનનો અભિન્ન હિસ્સો પણ બનશે. હા, તેના વ્યાપ સામે લાલ બત્તીઓ ધરાઈ છે. આશા રાખીએ કે આઇઓટી માનવજાતને લાભદાયી જ નીવડે અને આપણા અંગત જીવનને તો જરાયે જોખમમાં ન મૂકે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન: પરિશિષ્ટ (1)
 • ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી) બને છે વિજ્ઞાનક્ષેત્રની ઊભરતી ટેકનોલોજી
 • વિશ્વભરનાં અનેકાનેક ગેજેટ્સ અને સિસ્ટમ્સ સંકળાશે ઇંટરનેટ કનિક્ટિવિટીથી
 • માનવજીવનને ઉપયોગી ડિવાઇસિઝ અને મશીનોનાં નેટવર્ક જોડાશે; સર્જાશે ‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’
 • ઇન્ટરનેટ ઑફ થિંગ્સ ટેકનોલોજીથી સુસજ્જ થશે સ્માર્ટ હોમ અને સ્માર્ટ સિટી
 • સ્વાસ્થ્ય આરોગ્ય, સંદેશા-વ્યવહાર, વાહનવ્યવહાર, વ્યાપાર-ઉદ્યોગ, કૃષિ-એગ્રીકલ્ચર જેવાં વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી થશે અદ્યતન ટેકનોલોજી આઇઓટી

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન: પરિશિષ્ટ (2)
 • ઇન્ટરનેટ ઑફ થિંગ્સ / ઇંટરનેટ ઑફ થિંગ્સ/ આઇઓટી: Internet of Things / IOT / IoT
 • કેવિન એશ્ટન, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, અમેરિકા: Kevin Ashton (1968-), Massachusetts Institute of Technology, USA
 • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ): Artificial Intelligence (AI)
 • ઇન્ટરનેટ કનેક્ટિવિટી: Internet Connectivity
 • મશીન-મશીન કમ્યુનિકેશન: Machine-Machine Communication
 • સ્માર્ટ હોમ: Smart Home
 • સ્માર્ટ સિટી: Smart City
 • એમ-ટુ-એમ ઇકોનોમી / મશીન-ટુ-મશીન ઇકોનોમી: M2M Economy/ Mchine-to-machine Economy

** * *** * **** ** * ** * * ** *

‘આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ’ વિશે રસપ્રદ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

6 thoughts on “ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s