.
આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા (પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે. ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. છતાં, આજકાલ ટપાલ ટિકિટ સંગ્રહના શોખ / કલાને ફિલાટેલી તથા ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે.
વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ (ગુંદર લગાડેલ એડહેસિવ પોસ્ટલ સ્ટેમ્પ) બહાર પાડનાર દેશ જેને આપણે સામાન્ય રીતે ઇંગ્લેંડ કહીએ છે તે દેશ યુકે (યુનાઇટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન એંન્ડ આયર્લેંડ) હતો.
1840માં ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) ની ટપાલ ટિકિટ “પેની બ્લેક” તે જગતની સર્વ પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ. દુનિયાની તે પહેલી ટપાલ ટિકિટ પર ઇંગ્લેંડનાં રાજકુમારી પ્રિંસેસ વિક્ટોરિયા (જે પાછળથી ક્વિન વિક્ટોરિયા તરીકે ઇંગ્લેંડનાં મહારાણી બની ગાદી પર આવ્યાં)નો ચહેરો અંકિત હતો. એક પેનીની કિંમતની પ્રિન્સેસ વિક્ટોરિયાની આ સ્ટેમ્પ બ્લેક રંગમાં છપાયેલી હોવાથી ‘પેની બ્લેક’ના નામથી જાણીતી થઈ. ત્યાર બાદ 1843માં બ્રાઝિલ, 1845-47 દરમ્યાન અમેરિકા (યુએસએ) તથા 1847માં ફ્રાંસમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
ભારત (તત્કાલીન બ્રિટીશ રાજ હેઠળના હિંદુસ્તાન) માં સર્વ પ્રથમ ટપાલ ટિકિટ ઉત્તર હિંદુસ્તાનના સિંધ પ્રાંતમાં 1852માં બહાર પડી. આમ, ટપાલ ટિકિટ બહાર પાડનાર ભારત એશિયા ખંડનો સૌથી પહેલો દેશ બન્યો. પોસ્ટલ સર્વિસીઝનો વ્યાપ વધતાં પોસ્ટેજ સ્ટેમ્પ્સનો બહોળો ઉપયોગ થતો ગયો. જુદા જુદા દેશો ભાતભાતની રંગબેરંગી ટિકિટો બહાર પાડવા લાગ્યા. સાથે લોકોમાં ટિકિટ સંગ્રહનો શોખ જાગતો ગયો.
ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો ટિકિટ સંગ્રહ બેનમૂન હતો અને આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી (1850-1917)નો જન્મ પેરિસ (ફ્રાંસ)માં, પણ પેરિસમાં રહેવા છતાં પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. કિશોર વયથી તેમણે ટિકિટ સંગ્રહ શરૂ કર્યો. થોડા દાયકાઓમાં અગણિત દુર્લભ ટિકિટો સાથે તેમનો ટિકિટ સંગ્રહ અનોખો બની રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.
.