વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ: માનવમગજ અને ‘ક્લાઉડ’ કનેક્ટ થશે!

વિજ્ઞાનની આગેકૂચ સંભાવનાઓના સીમાડા વટાવી રહી છે.

એક તરફ પાયોનિયર, વૉયેજર અને પાર્કર સોલર પ્રોબ જેવાં સ્પેસ પ્રોગ્રામ બાહ્ય બ્રહ્માંડને ખોજી રહ્યાં છે, તો બીજી તરફ ધરતી પર કમ્પ્યુટર ટેકનોલોજી, ક્લાઉડ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને નેનોરોબોટિક્સના ઉપયોગથી વિશ્વનાં મનુષ્યોનાં મગજને ‘ક્લાઉડ’ સાથે કનેક્ટ કરી ‘ઇન્ટરનેટ ઑફ થોટ્સ’ રચવા વૈજ્ઞાનિકો સક્રિય છે.

વિશ્વભરનાં તમામ કમ્પ્યુટર્સ, જાયંટ સર્વર્સ અને મનુષ્યોનાં હ્યુમન બ્રેઇન્સને સાંકળી લેવા ‘હ્યુમન બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ’ (B/CI) બનાવવાની તૈયારીઓ ચાલુ છે. ન્યુરોસાયન્સમાં અપ્રતિમ પ્રગતિથી ‘થોડા દાયકાઓ’માં માનવ મગજમાં નેનોરોબોટ્સ મૂકી શકાશે, ત્યારે બ્રેઇન સીધું જ ‘ક્લાઉડ’માંથી તમામ માહિતી અને જ્ઞાન મેળવી શકશે. સેલફોન કે કમ્પ્યુટરમાંથી નેટ પર સર્ચની જરૂર નહીં રહે!

ન્યુરોટેકનોલોજી ડેવલપ થતાં ‘સુપરહ્યુમન બ્રેઇન્સ’ જેવા પાવરથી ઇન્ટરનેટ ઑફ થોટ્સ વિશ્વ સાથેના માનવીના વ્યવહારોને અને જીવનને સદંતર પલટી દેશે.

‘મધુસંચય’ના આજના લેખમાં કમ્પ્યુટર – ક્લાઉડ ટેકનોલોજી તથા નેનોરોબોટિક્સનાં સમન્વયથી માનવ મગજ શી રીતે સુપર પાવર હાસિલ કરશે તે સરળ ભાષામાં સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

મધુસંચય’ પર ગયા લેખમાં આપે માનવમગજનાં રચના-કાર્ય વિશે આવશ્યક માહિતી મેળવી. મગજ  સામે આજે અભૂતપૂર્વ પડકારો આવ્યા છે.

ગ્લોબલાઇઝેશનના પરિણામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો ઘનિષ્ટ અને સંકુલ થવા લાગ્યા છે. આંતરરાષ્ટ્રિય  વાણિજ્ય-વ્યાપારની વૃદ્ધિ સાથે જંગી પ્રમાણમાં ડેટાની હેરફેર થાય છે. ક્મ્યુનિકેશન અને ડેટા ટ્રાન્સફર વધ્યાં છે. માહિતી અને જ્ઞાનની આપલે માત્ર જટિલ જ નહીં, અમર્યાદિત પણ બની છે. મોટા પ્રમાણમાં ડેટાને રિયલ ટાઇમમાં  ટ્રાંસફર કરવો, એનાલાઇઝ કરવો અને તેના પર નિર્ણયો લેવાં – તે કાર્યો આંખના ઝપકારામાં કરવા માનવમગજ માટે ગજા બહારનાં થતાં જાય છે.

વૈજ્ઞાનિકોને આવા પ્રશ્નોના હલ માટે એક રસ્તો સૂઝે છે: ઇન્ટરનેટ ઑફ થોટ્સ.

બધાં માનવ-મગજને ‘ક્લાઉડ ટેકનોલોજી’ સાથે જોડી ‘સુપર બ્રેઇન પાવર’ મેળવવો! તેની શરૂઆત ન્યુરો સાયન્સ અને નેનો રોબોટિક્સથી થાય; તેમની સાથે કમ્પ્યુટર ટેકનોલોજી, ક્લાઉડ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રયોજનમાં લેવાં પડે. પછી ‘ક્લાઉડ’માંથી માગો તે ડેટા મગજમાં ‘ડાઉનલોડ’ થવા લાગે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇન્ટરનેટ ઑફ થોટ્સ દ્વારા દુનિયાભરનાં સર્વર્સ, સુપર કંપ્યુટર્સ, હ્યુમન બ્રેઇનને ‘ક્લાઉડ’ સાથે જોડી દો તો એક સુપર હ્યુમન બ્રેઇન જેવી વ્યવસ્થા બની જાય! ક્લાઉડનો લિમિટલેસ રિસોર્સ હાથવગો થતાં હ્યુમન બ્રેઇન ધારે તે માહિતી પલકારામાં મેળવી શકે!

ઇન્ટરનેટ ઑફ થોટ્સ સમાન ટેકનોલોજી માટે કંઇક અંશે માનવમગજનું મશીનીકરણ (!) કરવું પડે! જી હા, મગજમાં અતિ સૂક્ષ્મ રોબોટ્સ દાખલ કરવા પડે. તેમને ‘નેનો રોબોટ્સ’ કહે છે, જે ‘નેનોટેકનોલોજી’ની દેન છે.

હવે આપણી ચર્ચાના મુદ્દાઓમાં વિજ્ઞાનની જટિલતાઓ ઉમેરાતી જશે. યાદ રહે કે ‘મધુસંચય’ના લેખના કેંદ્રમાં સામાન્ય વાચકો પણ હોય છે. વૈજ્ઞાનિક મુદ્દાઓ કે પરિભાષાઓને વળગી નહીં રહીએ, પણ તેમને  સામાન્ય સમજમાં આવે તેવા શબ્દોમાં જાણીશું. જટિલ ટોપિક્સ પર સામાન્ય વાચકની દ્રષ્ટિ અનુસાર નજર ફેરવીશું.

નેનોટેકનોલોજી શું છે?

પદાર્થ સાથે નેનો સ્કેલ પર કામ કરતી ટેકનોલોજીને નેનોટેકનોલોજી કહે છે.

નેનોટેકનોલોજી સાથે ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફેઇનમેન (યુએસએ) તથા પ્રોફેસર નોરિયો તાનીગુચી (જાપાન) નાં નામ જોડાયેલાં છે.

નેનોટેકનોલોજી અતિ સૂક્ષ્મ સ્તર પર – નેનોસ્કેલ પર – ના પદાર્થ (મેટર matter) સાથે ‘ડીલ’ કરતી કે તેને ‘મેનિપ્યુલેટ’ કરતી ટેકનોલોજી છે. તે સાયન્સ, એંજીનિયરિંગ અને ટેકનોલોજીનો સમન્વય છે. નેનોટેકનોલોજી અન્ય નામ નેનોસાયન્સ કે નેનોટેક તરીકે પણ ઓળખાય છે.

ઇન્ટરનેટ ઓફ થોટ્સ’ અને સુપરબ્રેઇનને હકીકતમાં પલટવા નેનોટેકનોલોજી મોટો ભાગ ભજવશે.

‘નેનો’ શબ્દ નેનો સ્કેલ પર એક અતિ સૂક્ષ્મ માપ સૂચવે છે. નેનોટેકનોલોજી 1 થી 100 નેનોમીટર સાઇઝની મેટર સાથે ડીલ કરે છે. 1 નેનોમીટર = 10-9 મીટર.

નેનોટેકનોલોજીનો કન્સેપ્ટ અમેરિકન ફિઝિસિસ્ટ રિચાર્ડ ફેઇનમેન (રિચાર્ડ ફિનમેન Richard Feynman) દ્વારા રજૂ કરાયો. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (કાલ્ટેક, યુએસએ) ખાતે 1959માં અમેરિકન ફિઝિકલ સોસાયટીની મીટિંગમાં રિચાર્ડ ફેઇનમેને નેનોટેકનોલોજી વિશે ખ્યાલ આપ્યો.

જો કે ‘નેનોટેકનોલોજી’ શબ્દનો પ્રથમ પ્રયોગ યુનિવર્સિટી ઑફ ટોકિયો (ટોકિયો, જાપાન) ના પ્રોફેસર નોરિયો તાનીગુચી1974માં કર્યો. નેનોમીટર સ્કેલના સેમીકંડક્ટર પ્રોસેસ પર કામ કરતાં જાપાનીઝ પ્રોફેસર નોરિયો તાનીગુચીએ ‘નેનોટેકનોલોજી’ ટર્મનો ઉલ્લેખ કર્યો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

નેનોમીટર એટલે શું?

નેનોટેકનોલોજીને નેનોસ્કેલ પર વિકસાવવામાં આવે છે. નેનોસ્કેલ પર એક લઘુ એકમ ‘નેનોમીટર’ છે.

એક નેનોમીટર એટલે એક મીટરનો એકસો કરોડમો ભાગ.

એક નેનોમીટર એટલે એક સેન્ટિમીટરનો એક કરોડમો ભાગ.

આપ જાણો છો કે:

એક સેંટિમીટર = 10 મિલિમીટર.   અને   1 મિલિમીટર = 1000 માઇક્રોમીટર.

1 માઇક્રોમીટર = 1000 નેનોમીટર.

જો એક મિલિમીટરના દસ લાખ ભાગ કરો, તો સૌથી નાનો (દસ લાખમો) ભાગ તે નેનોમીટર.

મનુષ્યના વાળની સરેરાશ જાડાઈ 50,000 થી 1,00,000 નેનોમીટર હોઈ શકે છે. માનવ રક્તમાં રક્તકણ (આરબીસી) 7000 નેનોમીટર પહોળો હોઈ શકે. એશ્કેરિશિયા કોલાઇ (ઇ કોલાઇ) જેવા અતિ સૂક્ષ્મ બેક્ટેરિયાનો ડાયામીટર 500 નેનોમીટર હોઈ શકે.

મનુષ્યમાં જેનેટિક મટીરિયલ ધરાવતા ડીએનએનો એક સ્ટ્રેન્ડ માત્ર 2.5 નેનોમીટર ડાયામીટરનો હોય છે! એક મિલીમીટર વ્યાસની નળીમાંથી એક સાથે ચાર લાખ ડીએનએ સ્ટ્રેન્ડ પસાર થઈ શકે! આપે ડીએનએ નેનોપોર સિક્વન્સિંગ વિશે મધુસંચય પર લેખ વાંચ્યો છે.

નેનોમીટર કલ્પનાતીત નાનું માપ છે તે સમજાય છે ને? .

રોબોટિક્સ તથા રોબોટ્સ

જાત જાતનાં રોબોટ્સના નિર્માણ સાથે રોબોટિક્સ ત્વરાથી વિકસતું વિજ્ઞાન છે.

રોબોટિક્સમાં કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક એંજીનિયરિંગ, મિકેનિકલ એંજીનિયરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજીથી માંડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિજ્ઞાનની મદદ લેવાય છે. રોબોટ્સનો ઉપયોગ આજે ઘર, શોપ, ફેક્ટરી, મિલિટરી ઉપરાંત સ્પેસ સાયન્સ જેવી આધુનિક વિજ્ઞાન શાખાઓમાં થાય છે. રોબોટ્સ ઉદ્યોગોમાં – વિશેષ તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે – ખૂબ  ઉપયોગી છે. તેમને જે માટે ‘પ્રોગ્રામ્ડ’ કર્યા હોય તે કાર્યો રોબોટ ચોકસાઈપૂર્વક, વિના ક્ષતિએ, એકધારી રીતે, ત્વરાથી, દીર્ઘ સમય સુધી કરી શકે છે.

મનુષ્ય જેવો આકાર ધરાવતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા ‘સોશિયલી ઇન્ટરએક્ટિવ’ રોબોટ્સની લોકપ્રિયતા વધતી જાય છે.  આવા રોબોટ્સ વાતચીત કરી શકે છે, પ્રશ્નોના તર્કયુક્ત જવાબ આપી શકે છે તેમજ ચહેરા પર ભાવ અને લાગણી પણ બતાવી શકે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

નેનોરોબોટિક્સ અને નેનોરોબોટ્સ શું છે?

જાપાનના પ્રોફેસર નોરિયો તાનીગુચીએ ‘નેનોટેકનોલોજી’ ટર્મ આપ્યા પછી વિજ્ઞાનની ઘણી નવી શાખા-પ્રશાખાઓ સાથે નેનો શબ્દ જોડાતો જાય છે.

નેનોરોબોટિક્સ એ રોબોટિક્સની એક બ્રાંચ છે, જેમાં નેનોટેકનોલોજી એન્જીનિયરિંગની મદદ લેવામાં આવે છે.

નેનોરોબોટિક્સ એ નેનોરોબોટ્સને ડિઝાઇન કરવા અને બનાવવા માટેની ટેકનોલોજીની બ્રાંચ છે. નેનોરોબોટ્સ અતીવ સૂક્ષ્મ કદના, નેનોમીટર સ્કેલના રોબોટ્સ છે. તેનું માપ 0.1 નેનોમીટરથી 10 નેનોમીટર સુધી હોઈ શકે.

નેનોરોબોટને નેનોબોટ, નેનોમશીન, નેનોઇડ, નેનાઇટ આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે. ન્યુરોસાયન્સમાં આવા નેનોરોબોટને ‘ન્યુરોબોટ’ કે નેનોન્યુરોબોટ નામ આપી શકાય.

નેનો સ્કેલના રોબોટ્સ હજી કોમર્શિયલી બનાવી શકાયા નથી, તેથી નેનોરોબોટિક્સ અત્યારે પ્રાયોગિક ધોરણે પ્રયોજાતી ટેકનોલોજી છે. અત્યારની કહેવાતી નેનોટેક પ્રૉડક્ટ્સમાં સતત સુધારા થતા રહે છે જેથી નજીકના ભવિષ્યમાં આદર્શ ‘ન્યુરોબોટ્સ’ પ્રકારના નેનોરોબોટ્સ બની શકે. આવા નેનોરોબોટ્સ વિના ન તો ‘હ્યુમન બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ શક્ય બનશે, ન તો ‘ઇંટરનેટ ઓફ થોટ્સ.

મેડિકલ સાયન્સમાં નેનો રોબોટ્સ અતિ મહત્ત્વનો ભાગ ભજવશે. નેનોરોબોટ્સને શરીરમાં રક્તમાં દાખલ કરી શકાય છે. તેનાથી રોગના નિદાનમાં અને શરીરમાં ખામીયુક્ત કે રોગયુક્ત ચોક્કસ અંગ કે સ્થાન સુધી  મેડિસિન ચોકસાઈપૂર્વક પહોંચાડી શકાય છે. નેનોરોબોટ્સની મદદથી નેનોસર્જરીની નવી બ્રાંચ વિકસી રહી છે. નેનોટેકનોલોજીના લેટેસ્ટ એડવાન્સમેન્ટ મુજબ નેનોટેકનોલોજીની મદદથી ‘ઇન્ટરનેટ ઓફ થોટ્સ’ અને ‘સુપરબ્રેઇન’ જેવા કન્સેપ્ટ્સ હકીકત બની શકશે.

ન્યુરાલ નેટવર્ક અને નેનોરોબોટિક્સના સમન્વયથી વિજ્ઞાનમાં ન્યુરાલનેનોરોબોટિક્સનો નવો કન્સેપ્ટ ચર્ચાઈ રહ્યો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્લાઉડ કમ્પ્યુટિંગ કે ક્લાઉડ ટેકનોલોજી શું છે?

તદ્દન સાદી ભાષામાં – ક્લાઉડ કમ્પ્યુટિંગ એ ઇન્ટરનેટ પર વિશિષ્ટ પ્રકારની ‘ઓન ડિમાન્ડ કમ્પ્યુટિંગ સર્વિસ છે.

ઇન્ટરનેટ પર કોમ્પ્યુટિંગ સર્વિસીઝ – જેવી કે સોફ્ટવેર, એપ્લિકેશન્સ, ડેટાબેઝ, ડેટાસ્ટોરેજ, સર્વર્સ – ની ‘ઓન ડિમાન્ડ’ ડિલિવરીને ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહે છે.

ઇંટરનેટ (‘ક્લાઉડ’) પર જે વેન્ડર્સ કે સર્વિસ પ્રોવાઇડર્સ પાસે વિવિધ ટૂલ્સ તથા એપ્લિકેશન્સના જંગી રિસોર્સિઝ છે, તેઓ ચાર્જ (ફીઝ) લઈને ઉપભોક્તાને તે રિસોર્સિઝ ઉપયોગ કરવા દે છે. આમ, તેઓ ‘પે એન્ડ યુઝ’ ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ પૂરી પાડે છે.

ક્લાઉડરૂપી ઇન્ટરનેટ પર દુનિયાનાં મોટાં સર્વર્સ/ ડેટા સેન્ટર્સ પર ઉપલબ્ધ હોય તેવા રિસોર્સિઝ (કમ્પ્યુટિંગ સર્વિસ) ને અન્ય યુઝર (ઉપભોક્તા)ને તેની જરૂરિયાત મુજબ પૂરા પાડવાની ટેકનોલોજી ક્લાઉડ ટેકનોલોજી કહેવાય છે. આમાં યુઝરને લાભ એ છે કે તેણે ‘ક્લાઉડ’ સાથે ઇન્ટરએક્ટ  કરવા માત્ર ખૂબ જરૂરી હાર્ડવેર સોફ્ટવેર જ પોતે વસાવવાનાં રહે છે; બાકી તમામ સોફ્ટવેર-એપ્લિકેશન્સ-સ્ટોરેજ બધી સર્વિસ ‘ક્લાઉડ’ પર મળી જાય છે.

બ્રેઇન-ટુ-બ્રેઇન ઇન્ટરફેસ (બીબીઆઇ)

થોડાં વર્ષોથી વૈજ્ઞાનિકો માનવમગજની કાર્યક્ષમતા મલ્ટિપ્લાય કરવા બ્રેઇન અને મશીન (દા.ત.  કમ્પ્યુટર) ઇન્ટરફેસ અંગે શક્યતાઓ ચકાસતા રહ્યા છે. મગજને ક્લાઉડ સાથે કનેક્ટ કરી હ્યુમન બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસ ડેવલપ કરવાના પ્રયોગો હાથ ધરાયા હતા. બ્રેઇન-બ્રેઇન ઇન્ટરફેસ, બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ, બ્રેઇન-મશીન ઇન્ટરફેસ કે બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસમાં મૂળભૂત સિદ્ધાંત સમાન છે.

વૈજ્ઞાનિકોએ વર્ષ 2013માં બે વ્યક્તિઓ વચ્ચે બ્રેઇન-ટુ-બ્રેઇન ઇન્ટરફેસ (બીબીઆઇ) ટેકનોલોજી દ્વારા સીધા કમ્યુનિકેશનનો પ્રયોગ કર્યો હતો. તેમાં એક વ્યક્તિએ માત્ર પોતાના મગજથી (નહીં કે વાણી કે ભાષા દ્વારા) બીજી વ્યક્તિને પોતાના વિચારો પહોંચાડ્યા હતા. બ્રેઇન-ટુ-બ્રેઇન ઇન્ટરફેસથી દુનિયામાં પહેલી વખત બે મનુષ્યોનાં મગજ વચ્ચે વિચારોનું ડાયરેક્ટ કમ્યુનિકેશન થઈ શક્યું. માનો જાણે આ કમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિપથી હતી!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બ્રેઇન-ટુ-બ્રેઇન ઇન્ટરફેસ (બીબીઆઇ) અને બ્રેઇનનેટ

જો એકથી વધારે મનુષ્યોનાં મગજને જોડી, તેમની સંયુક્ત બુદ્ધિશક્તિ-ઇન્ટેલિજન્સને એક સાથે ઉપયોગમાં લઈ શકાય તો કેવું! અલગ અલગ સ્થાને બેઠેલ વ્યક્તિઓ, પરસ્પર સંપર્ક વિના, માત્ર બ્રેઇન દ્વારા વિચારો મોકલીને, તેમને સોંપેલ કાર્ય / ‘ટાસ્ક’ સહકારપૂર્વક કરી શકે તો કેવું સારું!

વર્ષ 2018માં વિશ્વમાં પ્રથમ વખત બેથી વધારે વ્યક્તિઓના મગજને સાંકળવાનો સફળ પ્રયોગ થયો હતો. તે અંતર્ગત અમેરિકાના સંશોધકોએ બ્રેઇન-ટુ-બ્રેઇન ઇન્ટરફેસ (બીબીઆઇ) દ્વારા ‘બ્રેઇનનેટ’ સિસ્ટમનો એક્સપેરિમેન્ટ કર્યો હતો. અમેરિકાની યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટન તથા કાર્નેગી મેલન યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટોએ ‘બ્રેઇનનેટ’ એક્સપેરિમેન્ટ કર્યો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓએ ટેટ્રિસ પ્રકારની એક સાદી કમ્પ્યુટર ગેઇમ રમવાની હતી જેમાં કમ્પ્યુટર સ્ક્રીન પર એક પછી એક પડતાં ટેટ્રિસ પીસ (બ્લોક) ને રોટેટ કરવો કે નહીં તે નિર્ણય લેવાનો હતો. અલગ રૂમમાં બેઠેલા આ ત્રણ પાર્ટિસિપન્ટ્સ પૈકી બે ‘સેન્ડર્સ’ હતા, અને ત્રીજો પાર્ટિસિપન્ટ ‘રીસિવર’. સેન્ડર્સે પોતાના નિર્ણયના સંદેશા માત્ર વિચારશક્તિથી બીજા રૂમમાં બેઠેલ રીસીવરને મોકલવાના હતા. આ ત્રણ વ્યક્તિઓના માથા (ખોપરી) પર ઇલેક્ટ્રોડસ મૂકવામાં આવ્યા હતા. માત્ર ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી (ઇઇજી) અને મેગ્નેટિક ટીએમએસ જેવી ટેકનિકની મદદથી બે વ્યક્તિઓ (સેન્ડર)એ માત્ર મગજના ઉપયોગથી પોતાના વિચારો ત્રીજી વ્યક્તિ (રીસિવર) ને પહોંચાડ્યા હતા. સેન્ડર તરફથી કમ્પ્યુટર ગેઇમ માટેના જે આદેશ બોલ્યા વગર, મગજથી નિર્ણય લઈને, માત્ર વિચાર દ્વારા મોકલાયા હતા, તે નિર્ણય રીસિવરે સંતોષજનક સફળતાથી ઝીલી લીધા.

વૈજ્ઞાનિકો વિચારે છે કે અસંખ્ય મનુષ્યોના મગજને એક સાથે કનેક્ટ કર્યાં હોય તો એક ‘સુપર-બ્રેઇન’ બનાવી શકાય. આ હ્યુમન સુપરબ્રેઇન પાસેથી ઘણા ટાસ્ક એક સાથે લઈ શકાય!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસ (બીસીઆઇ) અને ‘ઇન્ટરનેટ ઑફ થોટ્સ’ પર સંશોધન

અમેરિકામાં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા બર્કલી (યુસીબી) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોલિક્યુલર મેન્યુફેક્ચરિંગ (આઇએમએમ) ના રિસર્ચ સાયન્ટિસ્ટોએ ‘હ્યુમન બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ’ની મદદથી માનવ-મગજને ‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ સાથે સાંકળવા પર સંશોધન પેપર રજૂ કર્યું છે. નેનોટેકનોલોજી અને ન્યુરોસાયન્સ જેવા વિષયોના એક્સ્પર્ટ સંશોધકોનું રિસર્ચ પેપર અમેરિકાના ‘ફ્રન્ટિઅર્સ ઇન ન્યુરોસાયન્સ’ મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું છે.

યુસીબી તેમજ આઇએમએમના સંશોધકોએ તેમના રિસર્ચ પેપરમાં બ્રેઇન ક્લાઉડ ઇન્ટરફેસ થકી ઇન્ટરનેટ ઓફ થોટ્સ જેવા કન્સેપ્ટને વ્યવહારમાં ઉતારવાની વાત કરી છે. તેમણે વિશ્વનાં મનુષ્યોનાં મગજને તથા તમામ કંપ્યુટર-સર્વર્સને જોડવા એક ઇન્ટરફેસની વાત કરી છે, જે  બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસ કહેવાશે.

વિશ્વભરનાં માનવ-મગજ  વિશાળ ઇન્ટરનેટ સાથે જોડાતાં ભિન્ન ભિન્ન મગજની વિચારશક્તિ અને ક્લાઉડના અમાપ સ્ટોરેજની માહિતીનો વિનિમય કરી શકાશે. બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસથી આપ અન્યના વિચારો આપના બ્રેઇનમાં ‘ડાઉનલોડ’ કરી શકશો; આપના વિચારો ‘અપલોડ’ પણ કરી શકશો. ધારો કે આપને પ્રશ્ન ઊભો થશે થાય કે બ્રહ્માંડની સફરે નીકળેલ ‘ વૉયેજર1 ’ યાન હાલ ક્યાં છે, તો નાસાની વેબસાઇટ પરથી તેનો ઉત્તર ‘રિયલ ટાઇમ’માં મળી જશે. કોમ્પ્યુટર કે મોબાઇલ પર ‘ગુગલ સર્ચની જરૂરત નહીં રહે, કારણ કે આપનું મગજ ઇન્ટરનેટ ક્લાઉડ સાથે જોડાયેલ હશે! હા, આપની ફ્લાઇટનું સ્ટેટસ તત્ક્ષણ જાણી શકશો કે ગુલાબજાંબુ બનાવવાની રેસિપી પણ તત્કાલ શીખી શકશો!

વૈજ્ઞાનિકોના મતે હ્યુમન બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસ માનવમગજના વિચારોનું નેટવર્ક ઊભું કરશે જેને ઇન્ટરનેટ ઑફ થોટ્સ કહી શકાય. એક સાથે સો-બસો વ્યક્તિઓના વિચારોના વિનિમયથી કોઈ ઓપન સોર્સ ‘કોલેબોરેટિવ પ્રૉજેક્ટ’ પર કેવું ઝડપી કામ કરી શકાય!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

માનવ મગજમાં દાખલ થશે નેનોરોબોટ્સ

આપણે બ્રેઇન ક્લાઉડ ઇન્ટરફેસ કે ન્યુરોસાયન્સમાં નેનોરોબોટિક્સની વાત કરીએ તો હોલિવુડની બ્લોક-બસ્ટર ફિલ્મ ‘મેટ્રિક્સ’ (1999) એક વખત તો જરૂર યાદ આવે.

ઇન્ટરનેટ ઑફ થોટ્સ સફળ બનાવવા હ્યુમન બ્રેઇનમાં અસંખ્ય નેનોરોબોટ (નેનોબોટ/ નેનોન્યુરોબોટ) મૂકવા પડશે. આવા નેનોબોટ્સ શરીરમાં રક્ત વાટે દાખલ કરી શકાય. રક્તવાહિનીઓના લોહીમાં ફરતાં નેનોબોટ્સ મગજ સુધી પહોંચે અને ત્યાં અમુક ચોક્કસ ન્યુરોન જંકશન (સાઇનેપ્ટિક જંકશન) પર સ્થિત રહી કાર્ય કરે તેવી વાતો થઈ રહી છે.

આજ સુધી આવા નેનોરોબોટ્સ બન્યા નથી. નેનોન્યુરોરોબોટિક્સ અત્યારે તો શેખચલ્લીના સ્વપ્ન જેવું લાગે! રક્તને, મગજના કોષ કે પેશીઓને અથવા શરીરને જરા પણ હાનિ ન પહોંચાડે તેવા નેનોબોટ બનાવવા અઘરું કામ છે. ધારો કે તે બને તો તેમને બ્રેઇનમાં કેવી રીતે પહોંચાડવા તે એક મોટો મુદ્દો. મગજમાં યોગ્ય સ્થાન પર જ ગોઠવવા તે પાછો અલગ પડકાર. વળી ન્યુરોબોટ્સ લાંબો વખત કાર્યરત રહે, છતાં તેમનાથી બ્રેઇનની ટિશ્યુને કોઈ જ ક્ષતિ ન પહોંચે તે મોટી વાત. બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસને હકીકતમાં પલટવો અશક્ય જ લાગે ને?

આટ આટલા પડકારજનક મુદ્દાઓ વિઘ્ન નાખે છે, છતાં વૈજ્ઞાનિકો કહે છે કે ‘થોડા જ દાયકાઓ’માં ઇન્ટરનેટ ઑફ થોટ્સ હકીકત બનશે! કદાચ એકવીસમી સદીના અંત પહેલાં!

અર્વાચીન વિજ્ઞાન માટે શું સંભવ નથી? છેલ્લાં દસ વર્ષોમાં તો વિજ્ઞાનની કલ્પનાતીત પ્રગતિ નોંધાઈ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સો વર્ષ પહેલાં ભાખેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ આજે ડિટેક્ટ થઈ ચૂક્યાં છે. યુનિવર્સના અંધારા છોરથી આવતા રહસ્યમય ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ પરખી શકાયાં છે. કરોડો પ્રકાશવર્ષ દૂરની ગેલેક્સીમાં બ્લેક હોલનાં અસ્તિત્વ સાબિત થયાં છે. ગોડ પાર્ટિકલ ‘હિગ્સ બોસોન’ તથા ઘોસ્ટ પાર્ટિકલ ન્યુટ્રીનો વિશે ઊંડી રિસર્ચ થઈ ચૂકી છે. જેનેટિક્સમાં માનવ જીન પર રહ્સ્યો ઉકલાઈ રહ્યાં છે, જ્યારે   હ્યુમન જીનોમ જેવો મોટો પ્રૉજેક્ટ હકીકત બન્યો છે. તો પછી ‘સુપર બ્રેઇન’ કે  ‘ઇન્ટરનેટ ઑફ થોટ્સ’ કેમ સંભવ નહીં થાય?

એલન મસ્કના હાઇ ટેક ઇનોવેશન ‘હાયપરલુપ ટ્રેઇન’ વિશે ‘મધુસંચય’ના વાચકોએ લેખ વાંચ્યો છે. ટેકનોલોજી આંત્રપ્રેન્યોર એલન મસ્કટેસ્લા’ તેમજ ‘સ્પેસએક્સ’ કંપનીના સ્થાપક-સંચાલક તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. તેમણે ન્યુરોટેકનોલોજી ફિલ્ડમાં પણ ઝુકાવ્યું છે. એલન મસ્કની ‘ન્યુરાલિંક’ કંપની (કેલિફોર્નિયા, યુએસએ) ન્યુરોલોજીકલ ડિસઓર્ડર તથા બ્રેઇનમશીન ઇન્ટરફેસ પર સંશોધન કરી રહી છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇન્ટરનેટ ઑફ થોટ્સથી જોખમાશે પ્રાઇવેસી

આવાં રંગીન સ્વપ્નાં જોયાં પછી કેટલાક ચિંતાજનક પ્રશ્નો ઊભા થાય છે. મનુષ્યના મનમાં એક દિવસમાં  અંદાજે 50,000 થી 55,000 વિચારો પસાર થતાં હોય છે. તેમાંના મોટા ભાગના વિચારો અંગત, તરંગી, બિનમહત્ત્વનાં અથવા ક્ષણિક કે ક્ષુલ્લક બાબતો વિશે હોય છે. આવા વિચારો જાહેર થાય તે ઇચ્છનીય ખરું? બીજી વાત એ કે બધા જ વિચારોના અન્ય વ્યક્તિઓ તરફથી કે નેટ તરફથી પ્રતિભાવ મળ્યા કરે તો ‘બ્રેઇન’ પર સ્ટ્રેસફુલ ઓવરબર્ડન ન થઈ જાય?

ચિંતા એ વાતની થાય કે આટલી સરળતાથી એક વ્યક્તિના અંગત વિચારો બીજી વ્યક્તિ જાણી લે, તે સ્થિતિ સામાજિક જીવનમાં સ્વીકાર્ય ખરી? વ્યક્તિના વિચારો તેના અંગત જીવનને પણ પ્રતિબિંબિત કરતા હોય છે. તે વિચાર જો અન્ય વ્યક્તિ, એજન્સી કે ઑથોરિટી જાણી જાય તો પ્રાઇવેસી અને વ્યક્તિસ્વાતંત્ર્ય જોખમાય; રોજિંદા જીવનવ્યવહારો પણ મુશ્કેલ બને! માની લઈએ કે કોઈ કંટ્રોલ સ્વિચ કે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાશે. પરંતુ અત્યારની અતિ સુરક્ષિત વેબસાઇટ્સ પણ હેકિંગથી બચી નથી શકતી, તો કોઈ સુરક્ષાવ્યવસ્થા કેટલી સફળ થશે? અંગત જીવન અને પ્રાઇવેસીને જોખમકારી વિજ્ઞાનની ચંગુલમાંથી દૂર રાખવા કોઈ લક્ષ્મણરેખા દોરવી શક્ય બનશે?

ઇન્ટરનેટ ઑફ થોટ્સ એકવીસમી સદીના અંત સુધીમાં સંભવિત થશે તેવો વૈજ્ઞાનિકોનો આશાવાદ કેટલો ફળે છે, તે આ સદીનો મધ્યાન્હ બતાવશે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ: માનવમગજ અને ‘ક્લાઉડ’ કનેક્ટ થશે!: પરિશિષ્ટ (1)
  • નેનોટેકનોલોજી અને ન્યુરોટેકનોલોજી સાથે કમ્પ્યુટર એન્જીનિયરિંગના સહયોગથી ડેવલપ થશે હ્યુમન બ્રેઇન-ટુ-મશીન ઇન્ટરફેસ
  • રિચાર્ડ ફેઇનમેન નામક અમેરિકન ફિઝિસિસ્ટ દ્વારા રજૂ થયો નેનોટેકનોલોજીનો કન્સેપ્ટ, જાપાનના પ્રોફેસર નોરિયો તાનીગુચીએ આપ્યું નામ ‘નેનોટેકનોલોજી’
  • એક નેનોમીટર = 10-9 મીટર
  • એક મિલિમીટરનો દસ લાખમો ભાગ તે નેનોમીટર
  • નેનોમીટર સ્કેલના તદ્દન નાના રોબોટ્સ તે નેનોરોબોટ્સ કે નેનોબોટ્સ
  • નેનોરોબોટ્સની ડિઝાઇન તથા મેન્યુફેક્ચરિંગ માટે ટેકનોલોજીની બ્રાંચ તે નેનોરોબોટિક્સ
  • બ્રેઇન-ટુ-બ્રેઇન ઇન્ટરફેસના સફળ ‘બ્રેઇનનેટ’ પ્રયોગો સાથે સેવાતો ‘સુપર બ્રેઇન’ માટે આશાવાદ
  • બ્રેઇન-મશીન ઇન્ટરફેસ કે બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ સર્જવામાં નેનોરોબોટ્સનું મહત્ત્વનું કામ
  • બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસની મદદથી સર્જાશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ: માનવમગજ અને ‘ક્લાઉડ’ કનેક્ટ થશે!: પરિશિષ્ટ (2)
  • ઇન્ટરનેટ ઑફ થોટ્સ: Internet of Thoughts
  • બ્રેઇન/ક્લાઉડ ઇન્ટરફેસ – બી/સી આઇ: Brain/Cloud Interface – B/CI
  • બ્રેઇન-ટુ-બ્રેઇન ઇન્ટરફેસ/ બીબીઆઇ: Brain-to-Brain Interface – BBI
  • બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ / બીસીઆઇ: Brain-Computer Interface -BCI
  • રિચાર્ડ ફેઇનમેન/ રિચાર્ડ ફિનમેન – અમેરિકન ફિઝિસિસ્ટ: Richard Feynman – Physicist, USA
  • પ્રોફેસર નોરિયો તાનીગુચી, યુનિવર્સિટી ઑફ ટોક્યો, જાપાન: Professor Norio Taniguchi, University of Tokyo, Japan
  • નેનોટેકનોલોજી: Nanotechnology
  • નેનોમીટર: Nanometer
  • નેનોરોબોટિક્સ: Nanorobotics
  • ક્લાઉડ ટેકનોલોજી: Cloud Technology
  • કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી – કાલ્ટેક, અમેરિકા: California Institute of Technology – Caltech, USA
  • યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા બર્કલી – યુસીબી, અમેરિકા: University of California Berkeley – UCB, USA
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોલિક્યુલર મેન્યુફેક્ચરિંગ – આઇએમએમ, યુએસએ: Institute of Molecular Engineering – IMM, USA
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: Artificial Intelligence
  • એલન મસ્ક – હાઇ ટેક ઇનોવેટર – ટેસ્લા, સ્પેસ એક્સ, હાયપરલુપ ટ્રાન્સપોર્ટ, ન્યુરાલિંક પ્રૉજેક્ટ્સથી વિશ્વવિખ્યાત આંત્રપ્રેન્યોર: Elon Musk – Hi tech innovator– World famous entrepreneur for Tesla, SpaceX, Hyperloop Transport, Neuralink

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અમારો પરિચય આપ અહીં વાંચી શકશો

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

6 thoughts on “નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ: માનવમગજ અને ‘ક્લાઉડ’ કનેક્ટ થશે!

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s