હરણફાળ ભરતા અર્વાચીન વિજ્ઞાનની એક અદભુત ભેટ લિડાર ટેકનોલોજી છે.
એગ્રીકલ્ચર, જીયોલોજીકલ સર્વે અને ઑટોનોમસ ટ્રાન્સ્પોર્ટેશનમાં ઉપયોગિતા સાબિત કરનાર લિડાર ટેકનોલોજી આર્કિયોલોજીમાં પણ આશ્ચર્યજનક રીતે મદદરૂપ થઈ છે. વિશ્વની પ્રાચીન સિવિલાઇઝેશનમાં સમાવિષ્ટ મેસોઅમેરિકન સભ્યતા પર નવો પ્રકાશ રેલવામાં લિડાર ટેકનોલોજીની કામગીરીએ કમાલ કરી છે. લિડાર ટેકનોલોજીએ મધ્ય અમેરિકામાં માયા સંસ્કૃતિના પ્રસાર અને વિકાસનાં રહસ્યો પરથી પડદા ખોલવાની શરૂઆત કરી છે. ઘોર જંગલોમાં છૂપાયેલા પ્રદેશોની, લેસર કિરણોની મદદથી થ્રી-ડી ઇમેજ બનાવી શકતી લિડાર ટેકનોલોજી પુરાતત્ત્વ વિજ્ઞાન ક્ષેત્રે વરદાનરૂપ સાબિત થઈ છે. આવો, ‘મધુસંચય’ પર માયા સંસ્કૃતિ અને આર્કિયોલોજી ક્ષેત્રમાં લિડાર ટેકનોલોજીના યોગદાન પર નજર નાખીએ.
[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]
પુરાતત્ત્વવિજ્ઞાનના અભ્યાસથી ઉજાગર વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ માનવ જાતિના ઇતિહાસને ગૌરવ આપે છે. પુરાતત્ત્વવિજ્ઞાન (આર્કિયોલોજી) ના નિષ્ણાતો અને જિજ્ઞાસુ સંશોધકો ધરતીમાં ધરબાયેલી પુરાણી માનવસભ્યતાઓને આપણી સમક્ષ જીવંત કરે છે.
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં એશિયા-આફ્રિકાની ચાર સંસ્કૃતિ તથા મધ્ય અમેરિકા- દક્ષિણ અમેરિકાની બે સંસ્કૃતિ મુખ્ય છે.
માનવસભ્યતાનાં પારણાં સમી આ સંસ્કૃતિઓમાં સિંધુ કાંઠાની હરપ્પા (હડપ્પા), યુફ્રેટિસ-ટાઇગ્રીસ કાંઠાની મેસોપોટેમિયા, નાઇલ કાંઠાની ઇજિપ્ત અને પ્રાચીન ચીન (આ ચાર એશિયા-આફ્રિકા) તેમજ ગ્વાટેમાલા-મેક્સિકન વિસ્તારની મેસોઅમેરિકન અને દક્ષિણ અમેરિકામાં પેરુની નોર્ટે ચિકો (નોર્ટિ ચિકો) સંસ્કૃતિ નોંધપાત્ર લેખાય છે.
છેલ્લાં સો વર્ષમાં આર્કિયોલોજીના ક્ષેત્રે ઊંડાં સંશોધનોથી આ બધી સિવિલાઇઝેશન વિશે ઘણી વિગતો બહાર આવી છે. અમેરિકાના ત્રીજા પ્રમુખ ટૉમસ જેફરસન (થોમસ જેફરસન) આધુનિક પુરાતત્ત્વશાસ્ત્રના જનક લેખાય છે. અમેરિકન પ્રેસિડેન્ટ ટૉમસ જેફરસને પુરાતત્ત્વશાસ્ત્રને વૈજ્ઞાનિક અભિગમ આપ્યો અને દુનિયાને પુરાતત્ત્વવિજ્ઞાનનું મહત્ત્વ સમજાવ્યું. આજે વિશ્વવ્યાપક રીસર્ચ વર્કથી પુરાતત્ત્વવિજ્ઞાનીઓ માનવ સંસ્કૃતિઓનો ભૂતકાળ તાદ્દશ કરી રહ્યાં છે. ગ્રીસની થેસ્સાલોનિકી યુનિવર્સિટીના પ્રોફેસર મેનોલિસ એન્ડ્રોનિકોસના ભારે પ્રયત્નોથી વિશ્વવિજેતા એલેક્ઝાંડર ધ ગ્રેટના સમયનાં પ્રાચીન મેસેડોનિયાનાં અવશેષો શોધી કઢાયાં છે. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે પ્રોફેસર મેનોલિસ એંડ્રોનિકસે સમ્રાટ ફિલિપ બીજાના સમયની મેસેડોનિયાની રાજધાની આઇગાઇ (એઇગઇ/ આઇગૈ) નાં ખંડેરો શોધી કાઢ્યાં છે.
હવે આર્કિયોલોજીના જહેમતભર્યા સંશોધન-કામને સરળ કરવા લિડાર ટેકનોલોજી ઉપલબ્ધ થઈ છે. તાજેતરમાં લિડાર ટેકનોલોજીની મદદથી મેસોઅમેરિકન સિવિલાઇઝેશનનાં – માયા સંસ્કૃતિનાં તદ્દન અણકલ્પ્યાં પાસાં પ્રગટ થયાં છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
લિડાર ટેકનોલોજીનો પરિચય
- ‘લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ’નું સંક્ષિપ્ત રૂપ ‘લિડાર’ (LiDAR) છે.
- લિડાર એ લેસર કિરણો પર આધારિત ટેકનોલોજી છે. લેસર એટલે ‘લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઑફ રેડિયેશન’.
- લિડાર મૂળભૂત રીતે રડાર (રેડાર/ રાડાર) સમી ડિસ્ટંસ ટેકનોલોજી છે, બલકે ‘એક્ટિવ’ રિમોટ સેન્સિંગ ટેકનોલોજી પણ છે.
- રડાર શબ્દ ‘રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ’ નું ટૂંકું રૂપ છે. તદ્દન સરળ શબ્દોમાં એટલું સમજો કે રડારમાં રેડિયો વેવ્ઝનો ઉપયોગ થાય છે; લિડારમાં લાઇટ વેવ્ઝ (લેઝર લાઇટ પલ્સ) નો ઉપયોગ થાય છે.
- લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જીંગ ટેકનોલોજી એ લેસર કિરણોના બીમ વડે ચોક્કસ વિસ્તારને ત્વરિત સ્કેન કરી તેનું ત્રિ-પરિમાણીય દ્રશ્ય આપતી ‘રિમોટ સેંસિંગ ટેકનોલોજી’ છે.
- ‘મધુસંચય’ના વાચકો ગુગલના વેમો સેલ્ફ-ડ્રાઇવિંગ કાર પ્રૉજેક્ટ અને અન્ય ઓટોનોમસ કાર વિશે જાણે છે. આવી ઑટોનોમસ કાર (સેલ્ફ-ડ્રાઇવિંગ કાર/ સ્વયંસંચાલિત કાર) માં લિડાર ટેકનોલોજી અતિ ઉપયોગી છે. રસ્તા પર દોડતી ઓટોનોમસ કારને તેના લિડાર સેન્સર્સ આગળના અવરોધો અને આસપાસના દ્રશ્યનો થ્રી-ડી વ્યુ ‘રિયલ ટાઇમ’માં આપે છે જેથી આવી ડ્રાયવરલેસ કાર પોતાની જાતે સ્પીડ અને ડિરેક્શન નક્કી કરી દોડતી રહે.
- આર્કિયોલોજી (પુરાતત્ત્વ વિજ્ઞાન) માં લિડાર ટેકનોલોજીનો ઉપયોગ થોડી જુદી રીતે થાય છે.
- ઇજિપ્તના રણમાં ઊભેલા, નજરે દેખાતા, પિરામિડોને શોધવા કે તેમનો સર્વે કરવા આર્કિયોલોજીસ્ટને ઝાઝી મહેનત નથી પડતી. પરંતુ ગાઢ જંગલમાં છુપાયેલાં પ્રાચીન સ્થળનો સર્વે કરવાનો હોય તો? અગોચર, અભેદ્ય, અંધારાં જંગલોમાં જીવના જોખમે દુર્ગમ સ્થાનોમાં પહોંચવું, ખંડેરોને શોધીને તેમનાં માપ લેવાં, ચિત્રો બનાવવાં અને તે વિસ્તારનો નકશો તૈયાર કરવો તે કેટલું અઘરું થાય!
- આવી સમસ્યાઓ મધ્ય અમેરિકામાં ગ્વાટેમાલાનાં અડાબીડ જંગલોમાં માયા સંસ્કૃતિના અવશેષો શોધતાં આર્કિયોલોજીસ્ટને નડતી હતી. આવાં ગીચ જંગલો પર એરોપ્લેન (કે હેલિકોપ્ટર) થી ઊડીને, લિડાર ટેકનોલોજીના ઉપયોગથી, ઝાડીઓથી ઢંકાયેલા ન દેખાતા વિસ્તારોનો પણ થ્રી ડાઇમેન્શનલ મેપ (થ્રી ડી વ્યુ) બનાવી શકાય. લેસર કિરણો ગાઢ જંગલ-ઝાડી-ઝાડ-પાન વચ્ચેથી નાનામાં નાની જગ્યામાંથી પસાર થઈ જમીન સુધી પહોંચી શકે છે.
- આ પદ્ધતિમાં દુર્ગમ જંગલ ઉપરથી લિડાર ટેકનોલોજીથી સજ્જ એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર ઊડાડવામાં આવે છે. તેમાં લિડાર સેંસર્સ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, આધુનિક સોફ્ટવેર સાથે કમ્પ્યુટર્સ, માઇક્રોપ્રોસેસર્સ યુક્ત અદ્યતન ઉપકરણો વગેરે હોય છે.
- પાવરફુલ લિડારનાં સેંસર્સ ચોક્કસ વિસ્તાર પસંદ કરી તેના પર લેસર બીમનાં કિરણો (લેસર પલ્સ) નાખે છે અને તે કિરણોના પાછા ફરવાની રાહ જુએ છે. આ લેસર કિરણો નીચેનાં વિસ્તારોનાં જુદાં જુદાં અંતરે રહેલા વિવિધ પદાર્થો પર અથડાઈ, સ્કેટર થઈ પાછાં ફરે છે.
- આ સાથે જીપીએસ આદિ ડિવાઇસથી એરપ્લેનની સ્થિતિ, ઊંચાઈ, ગતિ વગેરે ઘણો ડેટા કમ્પ્યુટરમાં ફીડ થાય છે.
- ઝાડ-પાન, ખંડેર, જમીનતળ – વિવિધ સ્થાનેથી લેસર કિરણોના પાછા ફરવાનો જુદો જુદો સમય નોંધાય છે. ‘પરાવર્તિત’ લેસર કિરણ એક બિંદુ “નીપજાવે” છે. લિડાર સેન્સર્સ એક સેકંડમાં લાખો લેસર કિરણો નીચે ફેંકે છે; તે પાછાં ફરી અલગ અલગ રીતે બિંદુઓનો સમૂહ ઊભો કરે છે. તેમાંથી ઝાડ-પાન જેવા અનાવશ્યક ઓબ્જેક્ટનો ડેટા દૂર કરાય છે.
- કમ્પ્યુટર વડે વિગતે ડેટા પ્રૉસેસિંગ અને એનાલિસિસ પછી, આ બિંદુ સમૂહો થકી નીચેના વિસ્તારોનું સ્પષ્ટ ચિત્ર ત્રિ-પરિમાણમાં બને છે.
- આમ, લિડાર ટેકનોલોજીથી મદદથી જંગલોની નીચે ઢંકાઈ ગયેલ જીર્ણ ઇમારતો, ખંડિત મહેલ, કિલ્લા કે અન્ય બાંધકામો, રસ્તા, ટેકરી જેવાં ઓબ્જેક્ટ્સનાં મેઝરમેન્ટ સાથેનો થ્રી ડાઇમેંશનલ વ્યુ મળે છે.
- ગ્વાટેમાલાનાં દુર્ગમ જંગલોમાં છુપાયેલી, ખોવાયેલી માયા સંસ્કૃતિનાં અત્યાર સુધી અજ્ઞાત રહેલાં અસંખ્ય ખંડેરો – અવશેષો લિડાર ટેકનોલોજીએ ઉજાગર કર્યાં છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
માયા સંસ્કૃતિ: મેસોઅમેરિકન સિવિલાઇઝેશનની ઉત્કૃષ્ટતા
‘મેસોઅમેરિકા’ (Mesoamerica) એક રસપ્રદ શબ્દ છે. મેસોઅમેરિકાનો શબ્દશ: અર્થ થાય ‘મધ્ય અમેરિકા’ કે ‘સેંટ્રલ અમેરિકા’.
યુરોપમાં રેનેસાં પછી, ઇન્ડિયા (હિંદુસ્તાન) ની ખોજમાં નીકળેલ મહાન પ્રવાસી-સાહસિક-એક્સ્પ્લોરર ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચી ગયો અને ઇતિહાસમાં નવા યુગનો આરંભ થયો.
સ્પેન (યુરોપ) થી નીકળી અમેરિકા પહોંચનાર પ્રથમ યુરોપિયન પ્રજા સ્પેનિશ હતી. સોળમી સદીમાં સ્પેનના સત્તાધીશોએ અમેરિકા ખંડોમાં પગપેસારો કરી પગદંડો જમાવ્યો. તે પહેલાંના સેન્ટ્રલ અમેરિકાનો પ્રદેશ મેસોઅમેરિકા કહેવાતો જેમાં મધ્ય મેક્સિકોથી માંડી ગ્વાટેમાલા, બેલિઝ, હોન્ડુરાસ, અલ સાલવાડોર થઈ ઉત્તર કોસ્ટા રિકા સુધીના કેટલાક પ્રદેશો સમાવિષ્ટ થાય.
આ પ્રદેશોમાં ઇસુ પહેલાનાં બે હજાર વર્ષોથી માનવસભ્યતાઓ ફૂલીફાલી હતી.
મેસોઅમેરિકાની સભ્યતાઓમાં માયા પ્રજા દ્વારા વિકસાવાયેલી માયા સંસ્કૃતિ શિખર સમી છે. માયા સંસ્કૃતિની સિદ્ધિઓમાં મોટાં શહેરો, વિશિષ્ટ ઇમારતો અને સ્થાપત્યો, ખેતી-એગ્રીકલ્ચરની પદ્ધતિ, લેખન પદ્ધતિ/ લિપિ ઇત્યાદિ પ્રશંસનીય છે. ઇપૂ 1800ની આસપાસ માયા પ્રજાએ ખેતીના વિકાસ સાથે વસાહતો ઊભી કરી. સદીઓ વીતતાં શહેરો વસાવવા શરૂ કર્યાં. પિરામિડ બાંધ્યા. મેસોઅમેરિકામાં વિકાસનાં પગથિયાં ચડતી માયા પ્રજાને અન્ય પ્રજાઓ સાથે વારંવાર ઘર્ષણમાં- લડાઈઓમાં ઉતરવું પડતું હતું, છતાં માયા પ્રજા હંમેશા પોતાની સર્વોપરિતા સાબિત કરતી ગઈ.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
ઇસ 250 પછી માયા સામ્રાજ્યની ચડતીનો પ્રારંભ થયો. ઇસવીસનની છઠ્ઠી સદીમાં માયા સામ્રાજ્ય સમૃદ્ધિની ટોચે પહોંચ્યું. સાથે માયા સંસ્કૃતિ બાંધકામ અને આર્કિટેક્ચર, નગરરચના, કૃષિવિદ્યા, લેખન
શૈલી, આર્ટવર્ક, પોટરી, પથ્થર પર કોતરણી, શિલાલેખ, ગણિત, ધાર્મિક માન્યતા, ખગોળશાસ્ત્ર અને કેલેંડર જેવાં ક્ષેત્રોમાં ખૂબ આગળ વધી ચૂકી હતી. માયા પ્રજાએ વિકસાવેલ 365 દિવસનું કેલેંડર આજે ય વિસ્મય પ્રેરે છે! પત્થરથી કરેલાં તેમનાં બાંધકામ આશ્ચર્યકારક હતાં!
રહસ્યમય રીતે લુપ્ત થઈ માયા સંસ્કૃતિ
ઇસવીસનની નવમી સદીના ઉત્તરાર્ધમાં આવી હરીભરી, ભરીભરી, સમૃદ્ધિથી છલકાતી માયા સંસ્કૃતિને ન જાણે શું થયું! માયન સિવિલાઇઝેશનના ઇતિહાસે કરવટ બદલી!
સમૃદ્ધ માયા સામ્રાજ્ય ઉજડી ગયું. માયા પ્રજા વેરવિખેર થઈ અદ્રશ્ય થઈ ગઈ. કોઈ કુદરતી આફત, દુષ્કાળ, માન્યતા કે રાજકીય પરિસ્થિતિથી આમ થયું હશે? કોણ જાણે કેમ, પ્રગતિનાં પંથે દોડતાં માયા સામ્રાજ્યનાં નગરો વેરાન થઈ ગયાં. ઇસ 900 સુધીમાં તો માયા સંસ્કૃતિ અંધારામાં ગર્ત થઈ ગઈ! આમ શાથી થયું, કોના અથવા શાના કારણે થયું તે સ્પષ્ટ નથી. માયા સંસ્કૃતિની પડતીની વાત આપણા માટે આજે ય રહસ્ય છે.
માયા સંસ્કૃતિનાં રહસ્યો ખોલતી લિડાર ટેકનોલોજી
નવમી સદીના અંત સુધીમાં માયન એમ્પાયર નામશેષ થયું. માયા પ્રજા પોતાનાં નગરોને છોડીને અન્યત્ર વેરવિખેર થઈ ગઈ કે જંગલોમાં રહેવા ચાલી ગઈ. સોળમી સદીમાં સ્પેનિશ પ્રજા અમેરિકા ખંડોમાં ફેલાઈ, ત્યાં સુધીમાં તો માયા સામ્રાજ્યનાં નગરો ગ્વાટેમાલાનાં ગીચોગીચ રેઇન-ફોરેસ્ટની વચ્ચે ખોવાઈ ગયાં, કેટલાંક પર માટીના ટેકરા બની ગયાં અને નગરો ભૂલાઈ પણ ગયાં!
1830-40ના અરસામાં માયા સંસ્કૃતિના અવશેષો પ્રકાશમાં આવવા લાગ્યા. વિશ્વપ્રવાસી તરીકે જાણીતા જોહન લોઇડ સ્ટીફન્સ તથા ફ્રેડરિક કેથરવુડ પ્રથમ સાહસિક – એક્સ્પ્લોરર્સ હતા જેમણે માયા સંસ્કૃતિનાં ઘણાં નગરોની મુલાકાત લીધી, તેમનાં વિશે વિસ્તૃત અહેવાલો તૈયાર કર્યા અને દુનિયા સમક્ષ રાખ્યા.
ત્યારથી આજ સુધી મેસોઅમેરિકન સિવિલાઇઝેશન વિશે સંશોધનો ચાલ્યાં કરે છે.
સેંટ્રલ અમેરિકાના મેક્સિકોની પાડોશના દેશ ગ્વાટેમાલાનાં નિર્જન, દુર્ભેદ્ય જંગલોમાં લુપ્ત માયા સંસ્કૃતિને બહાર લાવવા તાજેતરમાં લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જીંગ ટેકનોલોજીને અજમાવવાનું નક્કી થયું. અગાઉ આર્કિયોલોજીના ક્ષેત્રે લિડાર ટેકનોલોજીનો પ્રથમ ઉપયોગ પશ્ચિમ મેક્સિકોમાં એઝટેક (આઝટેક) સિવિલાઇઝેશનના પુરાણા શહેર એંગામ્યુકો (એન્ગામુકો Angamuco) માટે થયો હતો. તે સફળ થતાં માયા સિવિલાઇઝેશન માટે પણ તે ટેકનોલોજીનો ઉપયોગ થયો.
2016 માં યુનિવર્સિટી ઑફ હ્યુસ્ટન (ટેક્સાસ, અમેરિકા) ના નેશનલ સેંટર ફોર એરબોર્ન લેસર મેપિંગ (એનસીએએલએમ NCALM) સંસ્થાના લિડાર ટેકનોલોજી યુક્ત એરક્રાફ્ટને ગ્વાટેમાલાના જંગલો પર ઉડાડવામાં આવ્યું. તેનાથી મળેલા જંગી ડેટાના કમ્પાઇલેશન, એનાલિસિસ અને તારવણીમાં એક વર્ષથી વધુ સમય લાગ્યો. ફેબ્રુઆરી 2018માં લિડાર સર્વેનાં પરિણામોએ દુનિયાને ચકિત કરી દીધી! આ નવાં પરિણામોએ માયન સંસ્કૃતિ વિશેના પુરાતત્ત્વ વિજ્ઞાનીઓની અગાઉની ટીમોનાં તારણો અપૂર્ણ અને અપૂરતાં સાબિત કર્યાં!
અગાઉની માન્યતાથી વિપરીત, માયા સંસ્કૃતિ તો ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હતી. માયા સામ્રાજ્યના પ્રભાવનો વિસ્તાર મધ્યયુગીન ઇંગ્લેન્ડ કરતાં પણ બમણો હતો! માયા સભ્યતાની વસ્તીનો જૂનો અંદાજ 5 થી 7 લાખનો હતો, પણ હવે તેનો અંદાજ 100 થી 150 લાખ ઉપરનો મૂકાય છે. તેની વસ્તીની ગીચતા આજના કેલિફોર્નિયા રાજ્ય સાથે સરખાવી શકાય તેવી હતી. માયન એમ્પાયરનાં 40 થી 50 જેટલાં નગરો હતાં; તેમની વસ્તી 5000 થી 50,000 સુધીની હતી! માયા નગરોનાં સુનિયોજિત રસ્તાઓ પહોળા હતા જે તે સમયે વાણિજ્ય-વ્યાપાર વિકસેલાં હશે તેમ સૂચવે છે. એરક્રાફ્ટના લિડાર સર્વેથી પહેલાં કદી ન જાણેલાં 60,000 જેટલાં ખંડેર કે જૂનાં બાંધકામ કે સ્ટ્રક્ચર જાણવા મળ્યાં છે, જેમાં અજ્ઞાત ઘરો, મહેલો, ઇમારતો, દીવાલો, પિરામિડ, રસ્તા વગેરે સમાવિષ્ટ છે. બારસો વર્ષ પહેલાં માયા સામ્રાજ્ય કેવું સમૃદ્ધ હશે! હજી તો અન્ય ડેટા પરથી માયા સંસ્કૃતિ વિશે નવી માહિતી અને વિશેષ તારણો બહાર આવશે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
લિડાર ટેકનોલોજીનું આગવું મહત્ત્વ
લિડાર ટેકનોલોજી ઝડપથી વિકસતી ટેકનોલોજી છે.
પાવરફુલ લિડાર સેંસર્સથી મળતાં પરિણામો અદભુત હોય છે. ગ્વાટેમાલાના જંગલોમાં દબાયેલ પ્રદેશમાં આર્કિયોલોજીસ્ટની ટીમ જેટલા વિસ્તારનું મેન્યુઅલ્લી ‘મેપિંગ’ સાત- આઠ વર્ષમાં કરી શકતી હતી, તેટલા વિસ્તારનું મેપિંગ હવે એરક્રાફ્ટની મદદથી લિડાર ટેકનોલોજી એક કલાકથી પણ ઓછા સમયમાં કરી શકે છે!
લિડાર ટેકનોલોજી ઓટોનોમસ ટ્રાંસ્પોર્ટેશન અને ખેતીવાડી ક્ષેત્રમાં સ્થાન જમાવી ચૂકી છે. આર્કિયોલોજી ફિલ્ડમાં મેસોઅમેરિકન સંસ્કૃતિઓ ઉપરાંત સાઉથ ઇસ્ટ એશિયામાં જંગલોમાં દબાઈ ગયેલા અંગકોરવાટના ભવ્ય મંદિરની આસપાસના પ્રદેશને વિશ્વ સમક્ષ લાવવામાં લિડાર ટેકનોલોજીએ ભાગ ભજવ્યો છે. સાઉથ ઇસ્ટ એશિયાના કંબોડિયામાં અંગકોરવાટના સૌથી મોટા પ્રાચીન મંદિરની આસપાસની ટેકરીઓ અને જંગલોના લિડાર સર્વેથી પ્રાચીન મંદિરો અને જળાશયોની ભાળ મળી છે. અહીં પણ પ્રાચીન નગર વસ્યાં હશે તેવું જણાય છે.
આ માટે લિડાર સેન્સર્સ પાવરફુલ, અતિ સંવેદનશીલ અને હાઇ ક્વૉલિટીનાં હોવાં જોઇએ. અમેરિકાની વેલોડાઇન લિડાર કંપની અગ્રેસર બન્યા પછી વિશ્વમાં અન્ય કંપનીઓએ પણ લિડાર સેન્સર્સના ઉત્પાદનમાં દોટ મૂકી છે.
એરિયલ સર્વે માટે એરક્રાફ્ટના બદલે હવે લિડાર ટેકનોલોજી યુક્ત ‘અનમેન્ડ એરિયલ વેહિકલ’ (યુએવી) નો ઉપયોગ વધવા લાગ્યો છે. આવાં યુએવી ઑટોમેટેડ કે રિમોટ કંન્ટ્રોલ્ડ હોવાથી તેને હવાઈ સર્વે માટે ઓછા ખર્ચમાં વિવિધ રીતે પ્રયોજિત કરી શકાય છે. લિડાર સાથેનાં અનમેન્ડ એરિયલ વેહિકલ જીયોલોજીકલ સર્વે, એગ્રીકલ્ચર, ક્રોપ સર્વે, ફોરેસ્ટ્રી, મિલિટરી સર્વેઇલન્સ, ખાણ-ખનિજ ઉદ્યોગ વગેરે માટે ઉપયોગી છે.
લિડાર સેંસર્સ સાથેનાં ડ્રોનનું ભવિષ્ય પણ ઉજળું છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
મધુસંચય-લેખ: લિડાર ટેકનોલોજી: આર્કિયોલોજી ક્ષેત્રે માયા સંસ્કૃતિનાં રહસ્યો ખોલતું વિજ્ઞાન: પરિશિષ્ટ (1)
- વિશ્વની મુખ્ય માનવસભ્યતાઓમાં મેસોઅમેરિકન સભ્યતાનું વિશિષ્ટ સ્થાન
- મેસોઅમેરિકાની માયન સિવિલાઇઝેશન પાશ્ચાત્ય જગતમાં મહત્ત્વપૂર્ણ
- માયા સામ્રાજ્યની સિદ્ધિઓમાં લેખનલિપિ, શિલાલેખો, સ્થાપત્યકલા, બાંધકામ, નાનાં-મોટાં નગરો, રસ્તાઓ ઇત્યાદિ
- ઇસ 900 સુધીમાં માયા સંસ્કૃતિની રહસ્યમય રીતે પડતી, માયા પ્રજા વેરવિખેર, નગરો વેરાન
- વગડો બની ભૂલાઈ ગયેલાં માયન નગરો ત્રણ ચાર સૈકામાં ગાઢા, અભેદ્ય જંગલોમાં ગાયબ
- માયા સંસ્કૃતિ ગીચોગીચ, દુર્ગમ જંગલોમાં ગર્ત હોવાથી આર્કિયોલોજી સામે અટપટા પડકારો
- 2016થી આધુનિક વિજ્ઞાન અને લિડાર ટેકનોલોજીથી માયા સંસ્કૃતિનાં ખુલતાં રહસ્યો
- અર્વાચીન ‘વન્ડર ઑફ સાયન્સ’ સમી લિડાર ટેકનોલોજીનો ઉપયોગ આર્કિયોલોજી ઉપરાંત સેલ્ફ-ડ્રાઇવિંગ (ઑટોનોમસ ડ્રાઇવિંગ), મિલિટરી ઓપરેશંસ, જિયોલોજી, એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી, માઇનિંગ આદિ ક્ષેત્રોમાં
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
મધુસંચય-લેખ: લિડાર ટેકનોલોજી: આર્કિયોલોજી ક્ષેત્રે માયા સંસ્કૃતિનાં રહસ્યો ખોલતું વિજ્ઞાન: પરિશિષ્ટ (2)
- લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જીંગ (લિડાર): Light Detection and Ranging (LiDAR)
- રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જીંગ (રડાર / રાડાર / રેડાર): Radio Detection and Ranging (RADAR)
- લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઑફ રેડિયેશન (લેસર/ લેઝર): Light Amplification by Stimulated Emission of Radiation (LASER)
- ઑટોનોમસ કાર / સેલ્ફ–ડ્રાઇવિંગ કાર: Autonomus car / Self-driving car
- અનમેન્ડ એરિયલ વેહિકલ/ વ્હીકલ (યુએવી): Unmanned Aerial Vehicle (UAV)
- મેસોઅમેરિકા/ મેઝોઅમેરિકા: Mesoamerica
- મેસોઅમેરિકન સભ્યતા: Mesoamerican civilization
- માયા સંસ્કૃતિ: Maya civilisation / Mayan civilization
- માયા સામ્રાજ્ય: Mayan empire
- ગ્વાટેમાલા, સેંટ્રલ અમેરિકા: Guatemala, Central America
- પુરાતત્ત્વશાસ્ત્ર / પુરાતત્ત્વવિજ્ઞાન/ પુરાતત્ત્વવિદ્યા: Archaeology
- યુનિવર્સિટી ઑફ હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકા: University of Houston, Texas, USA
- નેશનલ સેંટર ફોર એરબોર્ન લેસર મેપિંગ (એનસીએએલએમ), હ્યુસ્ટન, ટેક્સાસ, યુએસએ: National Center for Airborne Laser Mapping (NCALM), Houston, Texas, USA
- વેલોડાઇન લિડાર, સિલિકોન વેલી, કેલિફોર્નિયા, અમેરિકા: Velodyne LiDAR, Silicon Valley, California, USA
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
સરસ માહિતી. પુરાતત્વ મનગમતો વિષય છે. હવે આ ટિક્નોલોજીથી ઘણો ભુતકાળ સજીવ થઈ જશે.
આભાર, સુરેશભાઈ! આપ લેખને રસપૂર્વક વાંચો છો તે વાત મને ખુશી પ્રેરે છે. આપની કોમેંટ મને નવીન વિષયો પર લખવા માટે પ્રેરણા આપે છે.