અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ?

.

સ્ટીફન હૉકિંગ જેવા સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક માનવસભ્યતાને બ્રહ્માંડના કોઈ નવા ગ્રહ પર લઈ જવાની વાત કરી રહ્યા છે.

પૃથ્વી પર માનવજાતના અસ્તિત્વ સામે સમસ્યાઓ વધતી જાય છે. પર્યાવરણ-પ્રદૂષણ અને આતંકવાદનાં પ્રશ્નોથી ત્રસ્ત દેશોને હવે વિશ્વયુદ્ધનો ભય સતાવી રહ્યો છે. અણુયુદ્ધ થાય તો અમેરિકન પ્રેસિડેન્ટ સહિતના મહાનુભાવોને સલામત રાખવા માટેનાં પ્લાન અમેરિકામાં તૈયાર હોવાની વાતો છે જો કે વિશ્વયુદ્ધ કે અણુયુદ્ધની શક્યતા નકારી કઢાય છે. દુશ્મન દેશને પાયમાલ કરવા, ખુદ બરબાદ થઈને  ધરતી પર વિનાશ કરવાની મૂર્ખામી કોઈ દેશ ન કરે.

આમ છતાં, સ્ટિફન હૉકિંગના સૂચન અનુસાર આપણા સૂર્યમંડળની પાડોશમાં ક્યાંક રહેવાલાયક ગ્રહ શોધવાની વાત ગંભીરતાથી લેવાઈ રહી છે. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વિજ્ઞાનીઓએ રોમાંચક પ્રગતિ કરી છે. વળી અજાણ્યા પરગ્રહવાસીઓના અવકાશયાન “યુએફઓ’ અને એલિયન ધરતી પર ઉતર્યાની વાતો વખતોવખત ચમકે છે. શું બ્રહ્માંડમાં, યુનિવર્સમાં અન્ય કોઈ સ્થળે જીવન સંભવ છે? કોઈક અન્ય સૂર્યમંડળના ગ્રહ કે એક્ઝોપ્લેનેટ પર આપણી પૃથ્વીના સજીવો  જેવા સજીવો હોઈ શકે? આવા અવકાશી એક્ઝોપ્લેનેટ/ ગ્રહ પર માનવસભ્યતા સમાન વિકસિત સંસ્કૃતિ હશે ખરી? થિયરેટિકલ ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના ગણમાન્ય વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ યુનિવર્સમાં અન્યત્ર જીવનની સંભાવના સ્વીકારે છે. તેથી જ તો, યુરિ મિલ્નર જેવા ગણતરીબાજ બિઝનેસ મેનના “બ્રેકથ્રુ લિસન” પ્રૉજેક્ટ સાથે સ્ટીફન હૉકિંગ સંકળાયા છે.

અમાપ બ્રહ્માંડની વિશાળતા

બ્રહ્માંડ કેટલું વિશાળ છે!

 • આપણી પૃથ્વી “આપણા સૂર્ય”ની આસપાસ ફરે છે.
 • પૃથ્વી અને બીજા સાત ગ્રહ, આમ કુલ આઠ ગ્રહ તેમજ આપણો સૂર્ય –  સહુ ભેગાં મળી “આપણું સૂર્યમંડળ” – સોલર સિસ્ટમ – રચે છે.
 • આપણો સૂર્ય ખરેખર તો એક તારો જ છે. આવા કરોડો કરોડો તારા મળી આપણી ગેલેક્સી બને છે. આપણી ગેલેક્સીનું નામ મિલ્કી વે છે. આપણી ગેલેક્સી મિલ્કી વેમાં આપણા સૂર્ય જેવા અન્ય કરોડો કરોડો સૂર્યો અર્થાત તારાઓ છે.
 • આપણી ગેલેક્સી જેવી કરોડો કરોડો ગેલેક્સીથી આપણું બ્રહ્માંડ – યુનિવર્સ – રચાય છે. આવાં અનેક બ્રહ્માંડ હોવાનું આધુનિક વિજ્ઞાન સ્વીકારે છે.
 • હવે આપ વિચારો: આપણા યુનિવર્સમાં કરોડો કરોડો ગેલેક્સીઓ; દરેક ગેલેક્સીમાં કરોડો કરોડો સૂર્યો! તેમાં એક આપણો સૂર્ય; અને તેના સૂર્યમંડળનો એક નાનકડો ગ્રહ આપણી પૃથ્વી!
 • સમગ્ર બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ કેવું નગણ્ય અને છતાં કેવું ગૌરવવંતુ છે!

પ્રશ્ન એ છે કે આટલા વિશાળ, આવા અસીમ બ્રહ્માંડને “નિહાળવું” કેવી રીતે?

 રેડિયો એસ્ટ્રોનોમી
 • એસ્ટ્રોનોમી – ખગોળવિજ્ઞાન – આજે હરણફાળ ભરી રહ્યું છે.
 • પૃથ્વી પર વિવિધ સ્થળોએ સ્થિત એસ્ટ્રોનોમી લેબોરેટરીઝમાં અલ્ટ્રા-મોડર્ન, પાવરફુલ રેડિયો ટેલિસ્કોપ ગોઠવેલાં છે, જે બ્રહ્માંડનાં ખૂણેખૂણા તપાસી રહ્યાં છે.
 • ખગોળશાસ્ત્ર – એસ્ટ્રોનોમી – માં રેડિયો એસ્ટ્રોનોમી શાખાનું આગવું મહત્ત્વ છે.
 • રેડિયો એસ્ટ્રોનોમી ખગોળવિજ્ઞાનની એક શાખા છે, જેમાં અવકાશી પદાર્થો (સેલેસ્ટિયલ ઑબ્જેક્ટ્સ) નો તેમની રેડિયો ફ્રિક્વન્સીના આધારે અભ્યાસ કરવામાં આવે છે.
 • ઑપ્ટિકલ એસ્ટ્રોનોમીમાં ઑપ્ટિકલ ટેલિસ્કોપ વડે જે બ્રહ્માંડ નિહાળી નથી શકાતું, તે બ્રહ્માંડનો અભ્યાસ રેડિયો એસ્ટ્રોનોમી થકી થઈ શકે છે.
બ્રહ્માંડમાંથી પૃથ્વી પર ઝીલાતા રેડિયો સિગ્નલ

બ્રહ્માંડ અસીમ છે. તેની ગેલેક્સીઓ પ્રચંડ વેગથી દૂર દૂર જઈ રહી છે પરિણામે આજે પણ બ્રહ્માંડ દૂર સુદૂર વિસ્તરી રહ્યું છે. ચતુર્દિશ વિસ્તરતા બ્રહ્માંડમાં સર્વદા અસંખ્ય અવકાશી ઘટનાઓ થતી રહે છે અને પરિણામે ઊર્જા ફેંકાતી રહે છે, ઊર્જાનાં તરંગો ફેલાતાં રહે છે.

આપણી પૃથ્વી પર સમગ્ર બ્રહ્માંડના ખૂણે ખૂણેથી આપણને રેડિયો વેવ્ઝના અગમ્ય સંકેતો / સિગ્નલ મળી રહ્યા છે. ‘મધુસંચય’ના વાચક મિત્રોને જ્ઞાત હશે કે રેડિયો વેવ એક પ્રકારનાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તરંગો છે, જે મોટી તરંગ લંબાઈ ધરાવે છે. પ્રકાશના વેગથી ગતિ કરતા રેડિયો વેવ્ઝ હકીકતમાં ઇલેક્ટ્રો-મેગ્નેટિક સ્પેક્ટ્રમનો એક હિસ્સો છે.

બ્રહ્માંડના અજાણ્યા સ્થાનોએથી આવતા અવનવા રેડિયો વેવ્ઝ – રેડિયો તરંગો – પૃથ્વી પરની એસ્ટ્રોનોમી લેબોરેટરીઓમાં, મહાશક્તિશાળી ટેલિસ્કોપમાં ઝિલાઈ રહ્યાં છે. તાજેતરમાં ફાસ્ટ રેડિયો બર્સ્ટ (એફઆરબી) તરીકે ઓળખાતાં રેડિયો સિગ્નલમાં ખગોળશાસ્ત્રીઓને ખૂબ રસ પડ્યો છે. ફાસ્ટ રેડિયો બર્સ્ટ ખૂબ એનર્જી ધરાવતાં રેડિયો સંકેતો છે, જે આપણી ગેલેક્સી મિલ્કી વેથી પાર દૂર બ્રહ્માંડથી આવે છે. એફઆરબીના રેડિયો સિગ્નલના પલ્સ માંડ સેકંડના હજારમા ભાગ માટે ચમકે છે! મિલિસેકંડનું અસ્તિત્વ ધરાવતા ફાસ્ટ રેડિયો બર્સ્ટસ ભાગ્યે જ નોંધાય છે. છેલ્લાં પંદરેક વર્ષમાં પચ્ચીસ – ત્રીસ જેટલા જ ફાસ્ટ રેડિયો બર્સ્ટ નોંધાયેલા છે.

પૃથ્વી પરની પ્રસિદ્ધ ઓબ્ઝર્વેટરીઓનાં ઉપયોગી ટેલિસ્કોપ

ટેલિસ્કોપની વાત નીકળે અને હબલ સ્પેસ ટેલિસ્કોપ યાદ આવે! પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષા – ઑર્બિટ – માં, અવકાશમાં તરતું મૂકાયેલ હબલ ટેલિસ્કોપ વિશ્વનું સૌથી ઉપયોગી સ્પેસ ટેલિસ્કોપ છે. હબલ સ્પેસ ટેલિસ્કોપનું સંચાલન યુએસએની અવકાશ સંસ્થા નાસા કરે છે. ધરતી પરનાં  મહત્ત્વપૂર્ણ રેડિયો ટેલિસ્કોપમાં અમેરિકાના ગ્રીન બેંક ટેલિસ્કોપ (જીબીટી) નું નામ પ્રથમ પંક્તિમાં આવે. અમેરિકામાં માઉન્ટ હેમિલ્ટન, કેલિફોર્નિયાની લિક ઓબ્સર્વેટરીનું ટેલિસ્કોપ પણ અસરકારક છે. ઑસ્ટ્રેલિયાના પાર્ક્સ ઓબ્ઝર્વેટરીના રેડિયો ટેલિસ્કોપ અને મોલોંગ્લો ઓબ્ઝર્વેટરી સિંથેસિસ ટેલિસ્કોપ (મોસ્ટ) ના રેડિયો ટેલિસ્કોપ પણ મહત્ત્વનાં છે.

રેડિયો સિગ્નલ ક્યાંથી આવે છે?

પૃથ્વી પર રેડિયો વેવ્ઝના સંકેતો ક્યાંથી આવતા હશે? મોટા ભાગના રેડિયો  સિગ્નલ બ્રહ્માંડમાં બનતી અગણિત અવકાશી ઘટનાઓના પરિણામે ઉત્પન્ન થતા હોય છે અને તે આપણા ટેલિસ્કોપ પર રેકોર્ડ થાય છે. પણ આમાંના કોઈ રેડિયો સિગ્નલ કોઈક એલિયન સિવિલાઇઝેશનના હોઈ શકે? પરગ્રહવાસી સભ્યતાના એલિયન આ રેડિયો તરંગો દ્વારા આપણને કોઈ સંદેશો મોકલતા હશે? રેડિયો વેવ્ઝના સંકેતો બ્રહ્માંડની કોઈ અજાણી એલિયન સંસ્કૃતિ કે તેમના ઉપકરણોના કે અવકાશયાનોના હોઈ શકે? આ વિશે હજી કાંઈ પણ કહેવું શક્ય નથી.

** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – સંક્ષેપ: બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ?
 • ખગોળવિજ્ઞાનની શાખા રેડિયો એસ્ટ્રોનોમીના વિકાસ સાથે પ્રગટ થતાં બ્રહ્માંડનાં રહસ્યો
 • વિસ્તરતા બ્રહ્માંડના ખૂણાઓમાંથી મળતા અવનવા રેડિયો સિગ્નલ
 • રેડિયો ટેલિસ્કોપના ઉપયોગથી રેડિયો વેવ્ઝનો અભ્યાસ
 • રેડિયો ફ્રિક્વન્સીની જાણકારીથી સેલેસ્ટિયલ ઑબ્જેક્ટ્સનો અભ્યાસ શક્ય
 • અગમ્ય રેડિયો વેવ્ઝનો સ્રોત અવકાશી પદાર્થો, બ્રહ્માડની ઘટનાઓ આદિ
 • ફાસ્ટ રેડિયો બર્સ્ટથી રેડિયો એસ્ટ્રોનોમી ચમકમાં
 • શું પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ – એક્ઝોપ્લેનેટ – પર કે અવકાશી પદાર્થ પર જીવન સંભવિત?
 • શું રેડિયો તરંગો પરગ્રહવાસીઓ કે કોઈ એલિયન સભ્યતાના સજીવોના સંકેત?

** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – પૂરક માહિતી: બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ?
 • સ્ટિફન હૉકિંગ / સ્ટીફન હોકીંગ / સ્ટીફન હોકિંગ : Stephen Hawking
 • ખગોળશાસ્ત્ર / ખગોળવિજ્ઞાન: Astronomy
 • ખગોળશાળા: Astronomical Observatory
 • બ્રહ્માંડ: Universe
 • સૂર્યમંડળ: Solar system
 • એક્ઝોપ્લેનેટ: Exoplanet
 • અવકાશી પદાર્થો: Celestial objects
 • રેડિયો વેવ્ઝ –  રેડિયો ટેલિસ્કોપ: Radio Waves/ Radio Telescope
 • રેડિયો એસ્ટ્રોનોમી: Radio Astronomy
 • ફાસ્ટ રેડિયો બર્સ્ટ (એફઆરબી): Fast radio Burst (FRB)
 • નાસા / નેસા: National Aeronautics and Space Administration (NASA)
 • હબલ સ્પેસ ટેલિસ્કોપ: Hubble Space Telescope
 • ગ્રીન બેંક ટેલિસ્કોપ (જીબીટી), યુએસએ: Green Bank Telescope (GBT), USA
 • લિક ઓબ્ઝર્વેટરી ટેલિસ્કોપ, યુએસએ: Lick Observatory Telescope, USA
 • માઉન્ટ હેમિલ્ટન, કેલિફોર્નિયા, યુએસએ: Mount Hamilton, California, USA
 • પાર્ક્સ ઓબ્ઝર્વેટરી, ઓસ્ટ્રેલિયા: Parkes Observatory, Australia
 • મોલોંગ્લો ઓબ્ઝર્વેટરી સિંથેસિસ ટેલિસ્કોપ (મોસ્ટ): Molonglo Observatory Synthesis Telescope, Australia
 • પરગ્રહવાસી: Alien
 • પરગ્રહવાસી સભ્યતા: Alien civilization

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

ઘોસ્ટ પાર્ટિકલ ન્યુટ્રીનો અને ન્યુટ્રીનો એસ્ટ્રોનોમી વિશે જાણવા અહીં ક્લિક કરો.

9 thoughts on “બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ?

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s