અજાણી-શી વાતો · ઇતિહાસ · કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા

 

27 માર્ચ. વિશ્વ રંગભૂમિ દિન. આજે સમગ્ર વિશ્વ ‘વર્લ્ડ થિયેટર ડે’ ઉજવી રહ્યું છે.

કોઈ પણ પ્રદેશની રંગભૂમિ તેના સમાજને અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાતી ભાષામાં નાટ્યકલાના વિકાસની ગાથા રસપ્રદ છે.

ભવાઈ: ગુજરાતી લોકનાટ્ય કલા

કહે છે કે ગુજરાતના સુવર્ણકાળમાં પાટનગરી અણહિલપુર પાટણમાં સંસ્કૃત ભાષામાં નાટકો ભજવાયાં હતાં. તે પછી સદીઓ સુધી નાટ્યપ્રવૃત્તિ એક કલા તરીકે વિકસી શકી ન હતી.

ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિનો પ્રારંભ ભવાઈ સ્વરૂપની લોકનાટ્ય પરંપરા તરીકે થયો તેમ કહી શકાય. ચૌદમી સદીમાં અસાઈત ઠાકર દ્વારા લોક નાટ્યકલાનું તળપદું સ્વરૂપ ‘ભવાઈ’ પ્રચલિત થયું, તે ઇતિહાસ આપે ‘અનુપમા’ના લેખમાં વાંચેલ છે.

ભવાઈ શબ્દ ‘ભવ અને વહી’ અથવા ‘ભવ અને આઈ’ પરથી બન્યો હોઈ શકે.

ભવની વહી અર્થાત ભવની કથા એટલે ભવાઈ.

વળી ભવાઈનો સંબંધ દેવીપૂજા સાથે; ભવાઈ શબ્દનો સંબંધ ‘ભવ’ અને ‘આઈ’ સાથે. ભવના, અનંત કાળના, સૃષ્ટિના આઈ એટલે જગદંબા માતાજી. જગતજનની માતાજી અંબાની આરાધના અર્થે સર્જાયેલ નાટ્યસ્વરૂપ તે ભવાઈ.

સદીઓ સુધી ભવાઈ લોકનાટ્ય કલા ક્ષેત્રે સાર્વજનિક મનોરંજન બની રહી અને તેણે ગુજરાતમાં જૂની રંગભૂમિના ઉદયમાં ફાળો આપ્યો.

આવો, આજે ‘મધુસંચય’ના આ લેખમાં ભવાઈથી શરૂ કરી ગુજરાતી રંગમંચના ઉદયની કહાણી માણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ સમજવા ભવાઈને સમજવી પડે.

ભવાઈ ગુજરાતની એક લોકનાટ્ય કલા છે. આજે ભવાઈને રંગમંચ પર પુનર્જીવિત કરવાના પ્રયાસો થતા રહે છે, તેથી તે નામશેષ થતાં બચી છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભવાઈ: એક પરિચય

ભારતના લોકનાટ્ય કલા ક્ષેત્રે ગુજરાતની ભવાઈનું આગવું નામ છે.

ભવાઈને પ્રચલિત કરવાનો શ્રેય ચૌદમી સદીના સિદ્ધપુરના બ્રાહ્મણ અસાઈત ઠાકરને જાય છે. પોતાના પટેલ મિત્ર હેમાળા પટેલની દીકરી ગંગાના શીલની રક્ષા કાજે અસાઈત ઠાકરે બ્રાહ્મણ સમાજનો તિરસ્કાર સહ્યો, તે વાત આપે અગાઉ ‘અનુપમા’ પર વાંચી છે. ન્યાતબહાર થઈ સમાજથી હડધૂત થયેલા અસાઈત ઠાકરે ભવાઈના વેશની રચના કરી.

ભવાઈમાં સંગીત અને નૃત્યને પ્રાધાન્ય હતું, પરંતુ આધુનિક નાટકનાં ઘણાં લક્ષણોનો અભાવ હતો. ભવાઈનો પ્રયોગ કે ખેલ ‘વેશ’ કહેવાતો. અસાઈત ઠાકર દ્વારા પ્રસ્તુત ભવાઈના વેશનો આધાર ઘણે ભાગે પ્રચલિત કથાઓ કે સમાજની લાક્ષણિકતાઓ પર હતો. ભવાઈના વેશ તળપદી ભાષામાં મનોરંજન આપવા સાથે સમાજના રીતરિવાજો, સમસ્યાઓ, વ્યવહારો કે માન્યતાઓનાં સારાં-નરસાં પાસાંઓને પણ પ્રતિબિંબિત કરતા.

અસાઈત ઠાકોર દ્વારા રચાયેલ સાડા ત્રણસોથી વધારે વેશમાંથી આજે માંડ ચાલીસ-પચાસ વેશ જ આપણી પાસે બચ્યા છે.

ભવાઈના ખેલ (વેશ) ગામના ચોકમાં કે શેરીના નાકે ભજવાતા. તેને માટે રંગમંચની જરૂર ન હતી.  ભવાઈના વેશ માત્ર પુરૂષ કલાકારો દ્વારા ભજવાતા. વળી વેશ ગદ્ય અને પદ્યથી સંપન્ન હતા. લેખિત કથા કે સંવાદો ન હતાં. ન તો સ્ક્રિપ્ટની જરૂરત; ન રંગમંચ કે તખ્તાની. ટિકિટ તો હોય જ નહીં!

ગુજરાતમાં સદીઓ સુધી ભવાઈએ લોકરંજનનો હેતુ સાર્યો. ભવાઈમાં સમાજની કુરૂઢિઓ અને માન્યતાઓ પર ક્યારેક એવા માર્મિક વ્યંગ કરવામાં આવતા કે પ્રેક્ષકોમાં ખડખડાટ હાસ્ય રેલાતું!

સાર્વજનિક મનોરંજનની ગરજ સારતા પ્રાચીન ભવાઈ વેશોમાં ક્યારેક અશિષ્ટ ભાષામાં પીરસાતું અભદ્ર મનોરંજન ઘણાને કઠતું.

મુંબઈમાં સૌ પ્રથમ અંગ્રેજ થિયેટર

આજ 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ છે. The World Theatre Day.

ગુજરાતી નાટ્યજગતને વિકસાવવામાં મુંબઈના પારસી સમાજનું યોગદાન નોંધપાત્ર ગણાય છે.

અઢારમી સદીમાં અંગ્રેજો દ્વારા મુંબઈ શહેરનો વિકાસ ત્વરિત થયો, ત્યારે 1750 પછી તેમણે મુંબઈમાં મનોરંજનના કાર્યક્રમોની શરૂઆત કરી 1776માં અંગ્રેજોએ મુંબઈના ફોર્ટ એરિયામાં પહેલું થિયેટર બનાવ્યું. ફોર્ટના ‘બોમ્બે ગ્રીન’ (હોર્નિમાન સર્કલ પાસે) વિસ્તારમાં સ્થિત બોમ્બે ગ્રીન થિયેટર કે બોમ્બે થિયેટરમાં બ્રિટીશરો માટે મનોરંજનના ટૂંકા કાર્યક્રમો યોજાતા. 1835માં બોમ્બે થિયેટર બંધ પડ્યું અને તેને સર જમશેદજી જીજીભોયે અન્ય વ્યાવસાયિક ઉપયોગ માટે ખરીદી લીધું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગ્રાંટ રોડનું રોયલ થિયેટર તથા બોરીબંદરનું ગેઇટી થિયેટર
  • મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિને વેગ આપવા મુંબઈમાં ગ્રાન્ટ રોડ પર થિયેટર બાંધવાનું નક્કી થયું.
  • 1842માં ગ્રાંટ રોડ થિયેટર માટે લક્ષાધિપતિ વ્યાપારી જગન્નાથ શંકર શેઠ (નાના શેઠ કે નાના શંકરસેઠ) દ્વારા જમીન દાનમાં મળી.
  • 1846માં ગ્રાંટ રોડ થિયેટર તૈયાર થયું અને તેમાં ભજવાયેલ પ્રથમ નાટક શેક્સપિયરનું ‘મર્ચન્ટ ઓફ વેનિસ’ હતું. (આ ગ્રાંટ રોડ થિયેટર કાળક્રમે બોમ્બે થિયેટર કે રોયલ થિયેટર કે શંકર શેઠની નાટકશાળા તરીકે પણ ઉલ્લેખ પામ્યું છે).
  • રોયલ થિયેટર (ગ્રાંટ રોડ થિયેટર) ની સંચાલન સમિતિમાં જગન્નાથ શંકર શેઠ ઉપરાંત સર જમશેદજી જીજીભોય (પ્રથમ બેરોનેટ) સહિત મુંબઈ શહેરના પ્રતિષ્ઠિત સજ્જનો હતા. બોરીબંદર – થાણા વચ્ચે ભારતની પ્રથમ ટ્રેન દોડાવવાનો શ્રેય સર જમશેદજી જીજીભોય તથા જગન્નાથ શંકર શેઠને જાય છે તે આપ ‘મધુસંચય’ પર વાંચી ચૂક્યા છો.
  • અહીં નાટકો ભજવવા સુંદર સગવડો હતી.
  • રોયલ થિયેટરની નાણાકીય સ્થિતિ નબળી રહેતાં તેને જગન્નાથ શંકર શેઠે ખરીદી લીધું. આ પછી ગ્રાન્ટ રોડનું રોયલ થિયેટર ‘શંકર શેઠની નાટકશાળા’ તરીકે લોકોમાં જાણીતું થયું. (આ રોયલ થિયેટરનું લોકેશન કયું હોઈ શકે ? ગ્રાંટ રોડની ગુલશન ટૉકિઝ એ જ શંકર શેઠની નાટકશાળા, કે ભળતા નામવાળી રોયલ ટૉકિઝ કે પછી ગોંડલ મહારાજાનું રોયલ ઓપેરા હાઉસ? આ અંગે કોઈ વાચક અધિકૃત માહિતી આપશે તો આભારી થઈશ).
  • ત્યાર પછી અંગ્રેજો અને પારસીઓના સહયોગથી 1879માં મુંબઈના બોરીબંદર સ્ટેશન સામે ગેઇટી થિયેટર બંધાયું.
  • તે જમાનામાં અદ્યતન ગણાતું ગેઇટી થિયેટર 6 ડિસેમ્બર 1879ના રોજ ખુલ્લું મૂકાયું.
  • બોરીબંદર પાસે વિક્ટોરિયા ટર્મિનસ (વીટી) બન્યા પછી તો ગેઇટી વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. તેમાં 70 ફૂટ બાય 40 ફૂટનો મોટો રંગમંચ હતો. તેનો ભવ્ય પડદો 22 ફૂટ ઊંચો હતો.
  • પર્ફોર્મિંગ આર્ટ્સ માટે બંધાયેલ ભવ્ય થિયેટર ગેઇટીમાં પ્રારંભમાં અંગ્રેજી ભાષાના નાટકો ભજવાતા, પણ પાછળથી તેમાં ખ્યાતનામ ગુજરાતી, મરાઠી અને હિંદી નાટકો ભજવાયાં
  • વિક્ટોરિયા ટર્મિનસ (હવે છત્રપતિ શિવાજી ટર્મિનસ કે સીએસટી) પાસે આવેલ ગેઇટી થિયેટરમાં ખ્યાતનામ ગુજરાતી નાટક કંપનીઓના સંખ્યાબંધ લોકપ્રિય ગુજરાતી નાટકો ભજવાયા.
  • ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ કલાકાર જયશંકર ભોજક ‘સુંદરી’નું પ્રથમ મુખ્ય નાટક ‘સૌભાગ્યસુંદરી’ 1901માં ગેઇટીમાં જ રજૂ થયું હતું.
  • 1926 પછી ગેઇટી થિયેટરનું સંચાલન ફ્રામજી સિધવાની કંપની ગ્લોબ થિયેટર પાસે ગયું. 1929માં કેપિટોલ સિનેમા તરીકે ખુલ્લું મૂક્યું. (એક સમયે મુંબઈમાં કેપિટોલ સિનેમા અને કોલાબાનું રીગલ સિનેમા તેમજ કોલકતામાં ગ્લોબ થિયેટર એક જ મેનેજમેન્ટનાં; રીગલ સિનેમા ભારતનું પ્રથમ એર-કંડીશન્ડ સિનેમાહાઉસ).
  • 1929 પછી નવા કેપિટોલ સિનેમા (દાદાભાઈ નવરોજી રોડ, સીએસટી) માં નાટકને બદલે ફિલ્મ પ્રદર્શિત થવા લાગી. ઊંચા પિલર્સ પર ભવ્ય બાલ્કની તેમજ ટોચ પર ડોમને કારણે કેપિટોલ સિનેમા (ગેઇટી થિયેટર) જાણીતું થયું.
  • મલ્ટિપ્લેક્સ થિયેટરનો યુગ શરૂ થતાં 2005-06માં કેપિટોલ સિનેમા પણ બંધ પડ્યું.
  • આજે બેનમૂન ગુજરાતી નાટકોની યાદો સંઘરીને ગેઇટી થિયેટર ઉર્ફે કેપિટોલ સિનેમાનું પુરાણું બિલ્ડિંગ છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે ઊભું છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગુજરાતી રંગભૂમિના વિકાસમાં પારસીઓનો ફાળો

મનોરંજન અર્થે રંગભૂમિના પ્રયોજનની પ્રેરણા પારસીઓને અંગ્રેજો પાસેથી મળી. હિંદુસ્તાન આવેલા બ્રિટીશરોએ અંગ્રેજી ભાષાની રંગભૂમિને જીવંત કરવા પ્રયત્નો આરંભ્યા.

અંગ્રેજોના નાટ્યપ્રયોગોમાંથી પ્રેરણા લઈ ઓગણીસમી સદીમાં  મુંબઈમાં પારસીઓએ ગુજરાતી રંગભૂમિનો પાયો નાખ્યો. પ્રારંભમાં પારસીઓએ પારસી-ગુજરાતી બોલીમાં નાટ્યપ્રવૃત્તિ વિકસાવી. આ સાથે કલકત્તા (કોલકતા) માં પણ પારસી – ગુજરાતી નાટકો રજૂ થવા લાગ્યાં. શરૂઆતના ગુજરાતી-પારસી મિશ્રિત બોલીના નાટકોમાં ઉર્દુ અને ક્વચિત અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ થતો. આમ છતાં ગુજરાતી પ્રેક્ષકો તેને માણી શકતા. ક્યારેક આવાં નાટકો જોવા યુરોપિયન  પ્રેક્ષકો પણ જતાં.

1850 પછી પારસીઓએ ગુજરાતી નાટકને વ્યવસ્થિત સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો અને વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિનો જન્મ થયો. 1852માં શિક્ષિત પારસીઓએ શેક્સપિયરના નાટકને ગુજરાતી ભાષામાં સુરત શહેરમાં ભજવ્યું હોવાનો ઉલ્લેખ છે.

ફરામજી ગુસ્તાદજી દલાલ નામના પારસી નાટ્યપ્રેમીએ 1853માં મુંબઈમાં ‘પારસી નાટક મંડળી’ સ્થાપી અને ગુજરાતી – પારસી નાટ્યપ્રવૃત્તિઓમાં વેગ આવ્યો. આમ, ગુજરાતી નાટકો રંગમંચ પર આવ્યાં. 1853માં 29મી ઓક્ટોબરે ગ્રાંટ રોડના રોયલ થિયેટર (શંકર શેઠની નાટકશાળા) માં રૂસ્તમ સોહરાબની કથા પર આધારિત પારસી-ગુજરાતી નાટક ભજવાયું. તેની સફળતા ગુજરાતી રંગમંચમાં સીમાચિન્હરૂપ બની.

આ સાથે સ્ક્રિપ્ટ-લિખિત નાટકો, રંગમંચ અને સવેતનિક કલાકારોને લીધે ગુજરાતી રંગભૂમિ વિશેષ ખીલી ઊઠી અને ટિકિટના પૈસા ખર્ચીને નાટક જોનાર દર્શકોનો વર્ગ ઊભો થયો. નાટક કંપનીઓની સંખ્યા વધવા લાગી. મુંબઈના ‘રાસ્ત ગોફ્તાર’ સામયિક (દાદાભાઈ નવરોજી સ્થાપિત) ના પારસી તંત્રી કેખુશરૂ કાબરાજી‘વિક્ટોરિયા નાટક મંડળી’ સ્થાપી. 1869માં કેખુશરૂ કાબરાજીનું ‘બેજન મનીજેહ’ નાટકને ભારે આવકાર મળ્યો અને વિક્ટોરિયા નાટક મંડળીને નામના મળી.

આમાંના ઘણાખરા નાટકોમાં પારસી કે ઉર્દૂ છાંટવાળી ગુજરાતી ભાષા બોલાતી. ઓગણીસમી સદીની મધ્યમાં કવિ દલપતરામનું  ‘લક્ષ્મી’ નાટક શિષ્ટ ગુજરાતી નાટ્યપ્રયોગનું ઉદાહરણ બન્યું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગુજરાતી ભાષાના આદ્ય નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવે

આ સમયે ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવે (1837-1923) ની કીર્તિ ટોચ પર હતી. રણછોડભાઈ મૂળે નડિયાદ પાસે મહુધાના ગુજરાતી, પણ વિવિધ કામગીરી બજાવીને પછી મુંબઈ જઈ વસેલ. શરૂઆતમાં પારસીઓ સાથે નાટ્યપ્રવૃત્તિ કરનાર રણછોડભાઈ દવેને ગુજરાતી નાટકોમાં પારસી બોલી ખટકતી હતી. સમય જતાં નરોત્તમ મહેતાજી તથા રણછોડભાઈ દવે જેવા ગુજરાતી નાટ્યજગતના કર્તાહર્તાઓ અને પારસી સંચાલકો વચ્ચે મતભેદ ઊભા થયા.

વર્ષ 1878માં ગુજરાતી નાટકોને પ્રોત્સાહન આપવાના હેતુથી રણછોડભાઈ ઉદયરામ દવે અને નરોત્તમ મહેતાજીના નેતૃત્વમાં મુંબઈના ગુજરાતીઓએ ‘શ્રી ગુજરાતી નાટક મંડળી’ સ્થાપી. ‘ગુજરાતી નાટક મંડળી’ નું તખ્તા પરનું પહેલું નાટક હતું ‘લલિતાદુ:ખદર્શક’. ગુજરાતી દર્શકોએ તેને ઉમળકાભેર આવકાર્યું. પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી જનાર કરુણાંતિકા ‘લલિતાદુ:ખદર્શક’ના રચયિતા રણછોડભાઈ દવે હતા. ‘લલિતાદુ:ખદર્શક’ ગુજરાતીનું પહેલું કરુણાંત નાટક. સ્વાભાવિક છે, રણછોડભાઈ ઉદયરામ દવે ગુજરાતી ભાષાના પ્રથમ ટ્રેજેડી નાટકના રચયિતા તરીકે મશહૂર થયા.

રણછોડભાઈ ઉદયરામ દવેને ગરવી ગુજરાતી રંગભૂમિના પિતા લેખવામાં આવે છે. તેમની પ્રથમ મહત્ત્વની નાટ્યકૃતિ ‘જેકુંવરનો જે’ ગણાય છે. તેને ગુજરાતીનું પ્રથમ શિષ્ટ નાટક ગણવામાં આવે છે.  સુપ્રસિદ્ધ સામયિક ‘બુદ્ધિપ્રકાશ’માં રણછોડભાઈ નું ‘જેકુંવરનો જે’ નાટક ધારાવાહિક રૂપે પ્રગટ થયું હતું. ત્યાર પછી તે ‘જયકુમારીવિજય નાટક’ તરીકે 1864-65માં પ્રકાશિત થયું અને ભજવાયું પણ ખરું. રણછોડભાઈ ઉદયરામ દવે ગુજરાતી ભાષામાં શિષ્ટ નાટક રચનાર પ્રથમ નાટ્યકારનું સન્માન આપ્યા.

આપ જાણો છો કે દાદાસાહેબ ફાળકેએ હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી. 1913માં મુંબઈમાં આ ફિલ્મ રજૂ થઈ. આ પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્રની કથા રણછોડભાઈ ઉદયરામ દવેની વાર્તા પર આધારિત હતી. દાદાસાહેબ ફાળકેએ ફિલ્મના આરંભે તે અંગે રણછોડભાઈ દવેને ક્રેડીટ પણ આપી હતી.

અહીં બીજી એક હકીકત નોંધવી રહી. મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં બાળપણમાં જોયેલ ‘હરિશ્ચંદ્ર’ નાટકનો ઉલ્લેખ કરેલ છે. ગાંધીજીના જીવનને પ્રભાવિત કરનાર આ નાટક ‘હરિશ્ચંદ્ર’ના લેખક રણછોડભાઈ ઉદયરામ દવે હતા. શિષ્ટ ગુજરાતીમાં લોકપ્રિય નાટકો આપીને રણછોડરાય ઉદયરામ દવે આદ્ય નાટ્યકાર તરીકે ગુજરાતી નાટ્યજગતમાં અમર થઈ ગયા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગુજરાતી રંગમંચ પર ગુજરાતી નાટક કંપનીઓ

આ તે જમાનાની વાત છે, જ્યારે ગુજરાત સહિત સમગ્ર હિંદુસ્તાનમાં સામાજિક દૂષણો ઘણાં હતાં. દેશ છોડી દરિયાપાર જવું તે પાપ લેખાતું. સ્ત્રીવર્ગ અનેકવિધ બંધનોને કારણે બેડીઓમાં બંધાયેલો હતો. રંગભૂમિ ક્ષેત્રે માત્ર પુરૂષો જ કામ કરતા. નાટકમાં નારી પાત્ર ભજવવા સ્ત્રી-કલાકાર મળતાં જ નહીં. છેક વીસમી સદીના પ્રારંભિક દશકાઓ સુધી આ સ્થિતિ રહી. ગુજરાતી નાટકોમાં પણ સ્ત્રી પાત્ર પુરૂષ કલાકારે જ ભજવવું પડતું! આપ જાણતા હશો કે દાદાસાહેબ ફાલકે નિર્મિત હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’માં પણ તારામતીનું પાત્ર સાલુંકે નામક મહારાષ્ટ્રીયન પુરૂષ કલાકારે ભજવ્યું હતું.

આ તે સમયની વાત છે જ્યારે અવધ-લખનૌના નવાબ વાજિદ અલી શા અંગ્રેજો દ્વારા પદભ્રષ્ટ થયા હતા અને બંગાળામાં આવી કલકત્તામાં સ્થાયી થયા હતા. લખનૌનાં રાજ્યપાટ છોડવા છતાં નવાબ વાજિદ અલી શાહ નૃત્ય – સંગીત સાથે નાટ્યકલાને પણ ઉત્તેજન આપી રહ્યા હતા.

તે સમયે મુંબઈમાં ગુજરાતી સ્ટેજની સફળતાનો પડઘો ગુજરાત અને કાઠિયાવાડમાં પડ્યો. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં નાટક મંડળીઓ ઊભી થવા લાગી.

1878ના વર્ષમાં જ્યારે મુંબઈમાં ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના થઈ, ત્યારે સૌરાષ્ટ્રમાં મોરબીમાં ‘શ્રી આર્ય સુબોધ નાટક મંડળી’ નામે નાટક કંપની સ્થાપવામાં આવી. બ્રાહ્મણ બંધુઓ મૂળજી આશારામ ઓઝા અને વાઘજી આશારામ ઓઝા મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના સ્થાપકો. શરૂઆતનાં ‘સીતાસ્વયંવર’ અને ‘ભરથરી’ જેવાં નાટકોથી તેમને ખ્યાતિ મળી. 1924માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ઓઝા બંધુઓની મોરબી આર્ય સુબોધ નાટક મંડળીને ખરીદી લીધી.

નાટ્યપ્રવૃત્તિના વિકાસમાં સૌરાષ્ટ્રનું ઝાલાવાડ મોખરે રહ્યું. વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી તથા વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ નોંધનીય ગણાય. ગુજરાતી રંગભૂમિ પર લાંબો સમય સક્રિય રહેનાર અન્ય નાટક કંપનીઓમાં દેશી નાટક સમાજ, શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ, આર્ય નૈતિક નાટક સમાજ આદિ સંસ્થાઓ હતી. મુંબઈની ‘શ્રી ગુજરાતી નાટક મંડળી’ પાછળથી નવા માલિકોના નેજામાં ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ નામ પામી. મુંબઈ ગુજરાતી નાટક મંડળીના ‘સૌભાગ્યસુંદરી’ નાટક (1901) દ્વારા જયશંકર ભોજક ‘સુંદરી’ જેવા પ્રાણવાન અભિનેતા ગુજરાતી તખ્તા પર આવ્યા.

1889માં ડાહ્યાભાઈ ધોળશાજીએ સૌથી સફળ ગુજરાતી નાટક કંપની ‘દેશી નાટક સમાજ’ની સ્થાપના કરી. લગભગ નેવું વર્ષો સુધી દેશી નાટક સમાજ એક એકથી ચડિયાતાં કોકપ્રિય નાટકો પીરસતી રહી. દેશી નાટક સમાજના ગુજરાતી રંગમંચ પરના નાટકોમાં સંગીત લીલાવતી, સત્તાનો મદ, વડીલોના વાંકે, સંપત્તિ માટે, ગાડાનો બેલ, પૈસો બોલે છે, વીણાવેલી, મોહિનીચંદ્ર અને અન્ય ઘણાં નાટકો ઉલ્લેખનીય છે.

ગુજરાતી નાટકોમાં ગીતોનું મહત્ત્વ ખૂબ રહેતું. દેશી નાટક સમાજના નાટક ‘વડીલોના વાંકે’ (1938) ના ગીત ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’એ ગુજરાતીઓને ઘેલા કર્યા હતા. આ ગીત પ્રભુલાલ દ્વિવેદીએ લખ્યું હતું.

અત્રે એક વાતની નોંધ લેવી જરૂરી છે કે ગુજરાતી ભાષામાં નાટકો લખાવા છતાં, ગુજરાતી સ્ટેજ પર એવાં ગુજરાતી નાટકો ભજવાતાં રહ્યાં જેમાં હિંદી-ઉર્દૂ ભાષાનાં ગીતો હતાં. વીસમી સદીના આરંભમાં પણ આ સ્થિતિ રહી હતી. ગુજરાતી અભિનેતા-દિગ્દર્શક અમૃત કેશવ નાયકના નાટકોમાં તે સ્પષ્ટ જોવા મળે છે. (મૂળ અમદાવાદના, પણ મુંબઈમાં વસેલા ગુજરાતી નાટ્યકાર અમૃત નાયકને હિંદુસ્તાનની ગ્રામોફોન રેકોર્ડની પ્રથમ સુપર સ્ટાર ગાયિકા ગૌહર જાન સાથે નિકટના સંબંધો હતા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 ગુજરાતી રંગમંચનું ગૌરવ: જયશંકર ભોજક ‘સુંદરી’

1901માં દીપાવલિના તહેવારો ટાણે મુંબઈમાં ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’નું ‘સૌભાગ્યસુંદરી’ નાટક રજૂ થયું. જેમાં મુખ્ય સ્ત્રીપાત્રમાં ઉત્તર ગુજરાતના વિસનગરના જયશંકર ભોજક નામના બાર વર્ષના કિશોરે લાજવાબ અભિનય આપ્યો.

મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસ (છત્રપતિ શિવાજી ટર્મિનસ કે સીએસટી) પાસેના ગેઇટી થિયેટરમાં ‘સૌભાગ્યસુંદરી’ સુપરહીટ નાટક નીવડ્યું. નાટકના મુખ્ય પુરૂષ પાત્ર સૌભાગ્ય તરીકે હતા તે સમયના પ્રસિદ્ધ અભિનેતા બાપુલાલ નાયક; સુંદરીના મુખ્ય સ્ત્રી પાત્રમાં હતા કિશોર જયશંકર.

મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ માટે બાપુલાલ નાયક – જયશંકર ભોજકની જોડી સફળ નીવડી. પ્રેક્ષકો ‘સૌભાગ્યસુંદરી’માં જયશંકરના અભિનય પર એવા વારી ગયા કે જયશંકર ભોજક તે પછીથી  જયશંકર  સુંદરી તરીકે ઓળખાયા. ગુજરાતી સ્ટેજ પર એક સમર્થ કલાકારનું આગમન થયું અને વર્ષો સુધી તેમણે રંગમંચને શોભાવ્યો. મહાન મરાઠી કલાકાર બાલ ગાંધર્વનું જેવું સ્થાન મરાઠી રંગમંચ પર છે, તેવું સ્થાન ગુજરાતી રંગમંચ પર જયશંકર સુંદરીનું છે. જયશંકર સુંદરીએ રંગભૂમિને સમર્પિત રહી ગુજરાતી નાટ્યજગતના વિકાસાર્થે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા.

વિશેષ કથા ફરી ક્યારેક આલેખીશું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા: પરિશિષ્ટ (1)

  • ભવાઈ ગુજરાતની લોકનાટ્ય કલા
  • ગુજરાતી નાટ્યપ્રવૃત્તિઓનાં મૂળ ચૌદમી સદીમાં શરૂ થયેલ ભવાઈમાં
  • ભવાઈના વેશનો આરંભ કરનાર સિદ્ધપુરના અસાઈત ઠાકોર
  • મુંબઈમાં અંગ્રેજોએ મનોરંજન માટે બાંધ્યું ‘બોમ્બે ગ્રીન થિયેટર’ (બોમ્બે થિયેટર)
  • 1846માં બંધાયું ગ્રાંટ રોડ પર ગ્રાંટ રોડ થિયેટર જેનાં અન્ય નામ રોયલ થિયેટર કે શંકર શેઠની નાટકશાળા
  • 1879માં બોરીબંદર (વિક્ટોરિયા ટર્મિનસ કે છત્રપતિ શિવાજી ટર્મિનસ) પાસે બંધાયું ગેઇટી થિયેટર
  • ગેઇટી થિયેટરમાં વર્ષો સુધી ભજવાયાં લોકપ્રિય ગુજરાતી નાટકો
  • ગેઇટી થિયેટર બન્યું ગ્લોબ થિયેટર કંપનીનું કેપિટોલ સિનેમા (1929)
  • ગુજરાતી રંગભૂમિના વિકાસમાં પારસી સમાજનું પાયારૂપ યોગદાન
  • મુંબઈ અને કલકત્તાના પારસીઓએ ખીલવી ગુજરાતી રંગભૂમિ
  • ગુજરાતી રંગમંચના અભિનેતા-દિગ્દર્શક અમૃત કેશવ નાયક અને હિંદુસ્તાનની ગ્રામોફોન રેકોર્ડની પ્રથમ સ્ટાર ગાયિકા ગૌહર જાન વચ્ચે અંતરંગ મૈત્રી
  • આદ્ય ગુજરાતી નાટ્યકાર તરીકે રણછોડભાઈ ઉદયરામ દવેનું વિશિષ્ટ સ્થાન
  • ગુજરાતી ભાષાના રંગમંચ પર મુંબઈ ગુજરાતી નાટક મંડળી તથા દેશી નાટક સમાજ સહિત ઘણી સફળ ગુજરાતી નાટક કંપનીઓ
  • ‘સૌભાગ્યસુંદરી’ નાટકથી જયશંકર ‘સુંદરી’ તરીકે ઓળખાયેલ જયશંકર ભોજક ગુજરાતી રંગમંચના પ્રથમ હરોળના કલાકાર

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય-લેખ: ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા: પરિશિષ્ટ (2)

  • 27 માર્ચ, ‘વિશ્વ રંગભૂમિ દિન’ કે વર્લ્ડ થિયેટર ડેની ઉજવણી: 27 March is World Theatre Day
  • ભવાઈ – અસાઈત ઠાકર, સિદ્ધપુરના બ્રાહ્મણ: Bhavai – Asait Thakar, a Brahmin from Siddhapur
  • ગ્રાંટ રોડ થિયેટર / રોયલ થિયેટર / શંકર શેઠની નાટકશાળા, મુંબઈ: Grant Road Theatre / Royal Theatre / Shankar Sheth ni Natak Shaala, Mumbai
  • ગેઇટી થિયેટર / કેપિટોલ સિનેમા, બોરીબંદર – વિક્ટોરિયા ટર્મિનસ, છત્રપતિ શિવાજી ટર્મિનસ: Gaiety Theatre / Capitol Cinema, Bori Bunder – Victoria Terminus – Chaatrapati Shivaji Terminus
  • રણછોડભાઈ ઉદયરામ દવે: Ranchhodbhai Udayaram Dave (1837-1923)
  • જયશંકર ભોજક / જયશંકર સુંદરી: Jayshankar Bhojak ‘Sundari’ / Jaishankar Sundari (1889-1975)
  • અમૃત કેશવ નાયક, જૂની ગુજરાતી રંગભૂમિના કલાકાર: Amrit Keshav Nayak (1777-1907),
  • ગૌહર જાન, ભારતમાં ગ્રામોફોન રેકોર્ડનાં પ્રથમ સ્ટાર ગાયિકા: Gauhar Jaan (1873-1930), the first Gramophone record singer star of India
  • સર જમશેદજી જીજીભોય/ જમશેત્જી જીજીભોય / જમશેદજી જીજીભાઈ, હિંદુસ્તાનના પ્રથમ બેરોનેટ: Sir Jamsetjee Jejeebhoy, the first Knight and Baronet of India (1783-1859)   
  • જગન્નાથ શંકર શેઠ / નાના શંકરસેઠ / નાના શેઠ: Jagannath Shankar Sheth / Jaganath Shunkerseth / Jugonnath Sunkersett/ Nana Shankar Seth / Nana Sett (1803-1865)

** * *** * **** ** * ** * * ** *

આટલું નોંધો: મીડિયામાં ગૌહર જાનના પિતા બ્રિટીશ કે અમેરિકન અંગ્રેજ હોવાનું લખાયું છે, પરંતુ પૂર્વજો આર્મેનિયાનાં હોવાના ચર્ચાસ્પદ ઉલ્લેખ પણ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

11 thoughts on “ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s