અજાણી-શી વાતો · અધ્યાત્મ-ફિલોસોફી

સ્ટીવ જોબ્સ, લેરી બ્રિલિયંટ અને નીમ કરોલી બાબા

.

‘એપલ’ના સ્ટીવ જોબ્સ અને ‘ફેસબુક’ના માર્ક ઝકરબર્ગનાં જીવનમાં પ્રેરણાસ્રોત બનનાર નીમ કરોલી બાબા વિષે રસપ્રદ વાતો પ્રકાશિત થતી રહે છે. ઉત્તરાખંડના કૈંચી આશ્રમ (નૈનીતાલ)માં નીમ કરોલી બાબા (નીબ કરોરી બાબા / મહારાજજી) નાં દર્શન કરનાર વિદેશી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં બાબા રામદાસ (Dr Richard Alpert), ભગવાનદાસ (Kermit Michel Riggs), ક્રિશ્ના દાસ (Jeffrey Kagel), ડૉ. લેરી બ્રિલિયંટ (Dr Larry Brilliant) વગેરેનો સમાવેશ થાય છે. ‘એપલ’ના સ્ટીવ જોબ્સ (Steve Jobs) 1974માં કૈંચી આશ્રમ આવ્યા, તે અગાઉ સપ્ટેમ્બર 1973માં નીમ કરોલી બાબાએ મહાસમાધિ લઇ લીધેલી. માર્ક ઝકરબર્ગ તો છેક 2008માં આશ્રમની મુલાકાતે આવેલા.

ભારતમાંથી શીતળા (Smallpox)ની ભયાનક મહામારીને નાબૂદ કરનાર યુનાઇટેડ નેશન્સ (યુ.એન.)ના કાર્યક્રમના એક સંચાલક લેરી બ્રિલિયંટ ( ડૉ. લોરેન્સ બ્રિલિયંટ) નીમ કરોલી બાબાના શિષ્ય હતા. ભારત સરકારે ‘80ના દાયકામાં યુનો (યુ.એન.)ના ‘શીતળા નાબૂદીકરણ’ કાર્યક્રમને વેગ આપ્યો. ફલત: ડૉ. લેરી બ્રિલિયંટની આગેવાની નીચે 1975માં ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થયો. વળી લેરી બ્રિલિયંટ ‘સેવા ફાઉંડેશન’ નામક અમેરિકન એનજીઓના સ્થાપક-સંચાલક તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે.

‘સેવા ફાઉંડેશન’ (Seva Foundation, USA) ની સ્થાપનાનો વિચાર લેરી બ્રિલિયંટને ભારત અને એશિયન દેશોમાં લોકોની સ્વાસ્થ્યવિષયક સમસ્યાઓ જાતે જોયા પછી આવ્યો. આ દેશોમાં અંધાપાની સમસ્યા પર તેમને કામ કરવાની જરૂરત જણાઇ. લેરી બ્રિલિયંટે રામદાસ તથા વેવી ગ્રેવી (Wavy Gravy) જેવા મિત્રોના સહકારથી 1978માં અમેરિકામાં ‘સેવા ફાઉંડેશન’ની સ્થાપના કરી. તેમાં પ્રથમ નોંધપાત્ર મદદ ‘એપલ’ના સ્ટીવ જોબ્સ તરફથી મળી. સ્ટીવ જોબ્સે 5000 ડોલરનો માતબર ફાળો આપ્યો. આ સમયે સ્ટીવ જોબ્સની કંપનીએ ‘એપલ-2’ (APPLE II) કોમ્પ્યુટર તૈયાર કર્યું હતું. ‘સેવા ફાઉંડેશન’ને ભારત-નેપાલમાં વિસ્તૃત ફલક પર સેવાકાર્ય કરવા માટે એવા કોમ્પ્યુટર તથા સોફ્ટવેરની જરૂર હતી જે વિશાળ ડેટા સ્ટોર કરી શકે તથા ઝડપથી તેની એનાલિસિસ પણ કરી શકે. સ્ટીવ જોબ્સે ઉદારતાથી ‘એપલ-2’ ઉપરાંત વિઝિકેલ્ક (VisiCalc) સોફ્ટવેરની ભેટ આપી. 1978થી આરંભાયેલ ‘સેવા ફાઉંડેશન’ની સેવાયાત્રા આજે વીસ દેશો સુધી વિસ્તરેલ છે. લેરી બ્રિલિયંટની આ સેવાસંસ્થાએ અંધાપાથી પીડિત 35 લાખ લોકોને દ્રષ્ટિ આપી છે.

લેરી બ્રિલિયંટ નિખાલસતાથી અને શ્રદ્ધાથી પોતાના જીવનપરિવર્તનનો શ્રેય નીમ કરોલી બાબાને આપે છે. તે સ્વયં એક સફળ બિઝનેસમેન છે. અગાઉ ગુગલ કંપનીની Google.org ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવનાર લેરી બ્રિલિયંટ હાલમાં અમેરિકાની ઓન-લાઈન શોપિંગ કંપની ઇ-બે (eBay)ના જેફ સ્કોલ (Jeff Skoll / Jeffrey Skoll) દ્વારા સ્થાપિત સ્કોલ ફાઉંડેશનના અગ્રણી કાર્યકર્તા છે.

નીમ કરોલી બાબાના દેશ-વિદેશમાં એકસોથી પણ વધુ આશ્રમો હોવાનું કહેવાય છે. નીમ કરોલી બાબા જીવનનાં પાછલાં વર્ષોમાં ઉત્તરાખંડના નૈનીતાલ પાસે કૈંચી ધામ આશ્રમમાં રહ્યા; આખરે મથુરા નજીક વૃંદાવન આશ્રમમાં તેમણે જીવનલીલા સંકેલી.

‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ઉત્તરાખંડ રાજ્ય ઉત્તર ભારતમાં હિમાલયની કુમાંઉ તળેટીમાં આવેલું છે. નીમ કરોલી બાબાનો આશ્રમ (કૈંચી ધામ આશ્રમ) નૈનીતાલ-અલમોડા રોડ પર નૈનીતાલથી 17 કિલોમીટરના અંતરે કૈંચી ખાતે આવેલ છે.

9 thoughts on “સ્ટીવ જોબ્સ, લેરી બ્રિલિયંટ અને નીમ કરોલી બાબા

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s