કોરોનાવાયરસના એક પ્રકારથી ફેલાયેલા કોરોના વાયરસ ડિસિઝ –2019 (કોવિડ–19) થી વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. બે વિશ્વયુદ્ધોની કડવી યાદોને ભૂલાવી દે તેવી આર્થિક અને સામાજીક બરબાદીનો ડર સૌને કંપાવી રહ્યો છે. ચીનના વુહાન શહેરમાંથી દુનિયાભરમાં ફેલાઈ ગયેલ કોરોનાવાયરસ રોગચાળાને વર્લ્ડ હેથ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી (pandemic) જાહેર કરાઈ છે. જગતની મહાસત્તાઓને હંફાવી દેનાર કોવિડ-19 રોગના મૂળમાં એક વાયરસ – એક સૂક્ષ્મ જીવાણુ છે તે વાત માનવી કેવી મુશ્કેલ છે! અને આમ જુઓ તો, વાયરસ નથી સજીવ, નથી નિર્જીવ! વૈજ્ઞાનિકો તેને સજીવ તરીકે પણ સ્વીકારે છે; નિર્જીવ તરીકે પણ! મગજ ઘુમાવી દે છે ને?
આપણે વાયરસ વિશે તદ્દન સરળ માહિતી મેળવીએ તો કેવું!
‘મધુસંચય’ના આજના લેખમાં વાયરસને સમજીએ અને કોવિડ – 19ને ફેલાવનાર કોરોના વાયરસને ઓળખીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
માઇક્રોઓર્ગેનિઝમ્સનું અજબનું સૂક્ષ્મ જગત
માઇક્રોઓર્ગેનિઝમ એટલે અતિ સૂક્ષ્મ જીવાણુ.
મોટા ભાગના અતિ સૂક્ષ્મ જીવ-જીવાણુઓને નરી આંખે જોઈ શકાતા નથી. તેમને જોવા માટે માઇક્રોસ્કોપ આવશ્યક છે, તેથી આવી માઇક્રો (અતિ સૂક્ષ્મ) સાઇઝના જીવાણુઓને માઇક્રોઓર્ગેનિઝમ અથવા માઇક્રોબ કહેવામાં આવે છે.
માઇક્રોઓર્ગેનિઝમ્સ સમગ્ર પૃથ્વી પર સર્વત્ર છવાયેલા છે. ધરતી પર, જમીનમાં, નદી-જળાશયોમાં, ઝાડપાનમાં, પશુ-પંખી-પ્રાણીઓમાં, મનુષ્યોના શરીર પર અને શરીરમાં પણ માઇક્રોઓર્ગેનિઝમ્સ રહેલાં છે.
માઇક્રોબાયોટા એટલે શું?
વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના સજીવોમાં કરોડો સૂક્ષ્મ જીવાણુઓ રહે છે. આવા યજમાન (હોસ્ટ) સજીવોમાં રહેતા માઇક્રોઓર્ગેનિઝમ્સ પૈકી કેટલાક હાનિકારક અને કેટલાક નિર્દોષ હોય છે. વનસ્પતિ-પ્રાણી સૃષ્ટિના હોસ્ટ સજીવોમાં સ્થિત તમામ માઇક્રોઓર્ગેનિઝમ્સના સમગ્ર સમૂહને માઇક્રોબાયોટા કહે છે.
સુપ્રા ઓર્ગેનિઝમ તથા માઇક્રોબાયોમ
કરોડો કરોડો સૂક્ષ્મ જીવાણુઓ સાથેના માનવ દેહને ‘સુપ્રા ઓર્ગેનિઝમ’ કહે છે. માનવશરીર સાથે રહેલ હાનિકારક અને લાભદાયી સઘળાં માઇક્રોઓર્ગેનિઝમ્સનાં જીન્સની સંપૂર્ણ માહિતીને માઇક્રોબાયોમ કહે છે. આપે માઇક્રોબાયોમ તથા સુપ્રા ઓર્ગેનિઝમ વિશે અમારા ‘અનામિકા’ બ્લૉગ પર લેખમાં વાંચેલ છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
માઇક્રોઓર્ગેનિઝમના પ્રકારો
જેના અભ્યાસ માટે માઇક્રોસ્કોપ જેવા સાધનની જરૂર પડે તેવા અતિ સૂક્ષ્મ કદના, માઇક્રો સાઇઝના સૂક્ષ્મ જીવાણુને માઇક્રોઓર્ગેનિઝમ કહે છે. માઇક્રોઓર્ગેનિઝમના વિવિધ પ્રકારોમાં બેક્ટેરિયા, યીસ્ટ, ફંગસ અને પ્રોટોઝોઆ જેવા સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. એક મત અનુસાર વાયરસ પણ એક પ્રકારનો માઇક્રોઓર્ગેનિઝમ છે; જોકે તે અંગે મતમતાંતરો છે.
આપે બેક્ટેરિયા આદિ માઇક્રોઓર્ગેનિઝમ્સ વિશે અગાઉ અમારા અન્ય બ્લૉગ પર લેખ વાંચેલ છે. કેટલાક બેક્ટેરિયા શરીરમાં રોગની સ્થિતિ ઉત્પન્ન કરે છે અને તેઓ પેથોજેનિક બેક્ટેરિયા કહેવાય છે. વિબ્રિયો કોલેરા નામક બેક્ટેરિયા કોલેરાનો રોગ કરતા પેથોજેનિક બેક્ટેરિયા છે. કેટલાક બેક્ટેરિયા મનુષ્યના આંતરડામાં રહેવા છતાં હાનિકારક નથી. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાંથી દહીંના પરિવર્તનમાં મદદરૂપ છે.
વાયરસ વિશે આટલું અવશ્ય જાણો
- વાયરસને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા તે વિશે મતભેદ છે. ફલત: વાયરસને સૂક્ષ્મ જીવ તરીકે માઇક્રો ઓર્ગેનિઝમનો પ્રકાર ગણવો કે નહીં તે પણ ચર્ચાસ્પદ મુદ્દો છે.
- વાયરસ સજીવ અને નિર્જીવની ભેદરેખા પર આવે છે, કારણ કે વાયરસ સ્વતંત્ર રીતે નિષ્ક્રિય હોવાથી નિર્જીવ છે; જ્યારે વાયરસ પરોપજીવી (પેરેસાઇટ) તરીકે અન્ય સજીવ (હોસ્ટ) ના સંપર્કમાં આવે છે ત્યારે જ ત્યાં સક્રિય બની શકે છે અને સજીવ તરીકે મલ્ટિપ્લાય થઈ શકે છે.
- ઘણા પ્રકારના વાયરસ રોગજન્ય છે અને ભિન્ન ભિન્ન રોગ માટે જવાબદાર છે. શરદી, ફ્લ્યુ, અછબડા, હર્પિસ જેવા રોગો વાયરસથી થતા રોગો છે.
- અત્યારે વિશ્વમાં કાળો કેર મચાવનાર ‘કોવિડ-19’ રોગ માટે કોરોના વાયરસનો એક પ્રકાર જવાબદાર છે. જીવંત વાયરસ વિશ્વમાં સૌથી સૂક્ષ્મ માઇક્રોઓર્ગેનિઝમ છે.
- વાયરસ બેક્ટેરિયા કરતાં અનેક ગણા નાના છે. ઇ કોલાઇ નામના બેક્ટેરિયા એક મિલિમીટરમાં 500 જેટલા ગોઠવાઈ શકે; જ્યારે તેટલીજ જગ્યામાં 5000થી પણ વધુ નાના વાયરસ સમાઈ શકે. વાયરસ તેટલા તો સૂક્ષ્મ હોય છે!
- વાયરસનું એક ખાસ લક્ષણ એ છે કે વાયરસ નથી ધરાવતો સંકુલ દેહબંધારણ, નથી ધરાવતો કોષ! અત્રે નોંધીએ કે તમામ વનસ્પતિ તેમજ બેક્ટીરિયાથી માંડીને મનુષ્ય સુધીનો પ્રત્યેક સજીવ કોષ ધરાવે છે.
- વાયરસને કોષ નથી. વાયરસની રચના તદ્દન સરળ છે. શરીર મધ્યે ન્યુક્લિઇક એસિડ જેવું જેનેટિક મટીરિયલ; તેની ફરતે એક કવચ (શેલ).
- વાયરસ માત્ર થોડું જેનેટિક મટીરિયલ કે પ્રોટીનનો જથ્થો ધરાવે છે. જી હા, વાયરસ નગણ્ય માત્રામાં આરએનએ અથવા ડીએનએ જેવું જેનેટિક (જિનેટિક) મટીરિયલ ધરાવે છે.
- આપ જાણો છો કે આરએનએ એટલે રિબોન્યુક્લિઈક એસિડ તથા ડીએનએ એટલે ડિઓક્સિરિબોન્યુક્લિઈક એસિડ. ડીએનએ/ આરએનએ ન્યુક્લિઇક એસિડ ધરાવે છે.
- વાયરસના આરએનએ/ ડીએનએ ફરતે કેપ્સિડ નામનું કવચ કે શેલ છે. કેટલાક વાયરસમાં તેને ફરતે લિપિડનું આવરણ પણ હોય છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
વાયરસ એક રોગજન્ય જીવાણુ તરીકે
વાયરસ રોગજન્ય પેરેસાઇટ હોઈ શકે છે. વાયરસ માનવજાતમાં પડકારરૂપ રોગો પેદા કરી શકે છે. કમનસીબી એ છે કે વાયરસ સામે માણસ લાચાર છે. બહુધા વાયરસજન્ય રોગ (વાયરલ કંડિશન) સામે લડવા યોગ્ય અને અસરકારક મેડિસિન હોતી નથી. કેટલાક વાયરસ સામે રક્ષણ માટે વેક્સિન ઉપલબ્ધ છે. વાયરસ પ્રાણીઓ અને વનસ્પતિઓ પર જ નહીં, બેક્ટીરિયા પર પણ હુમલો કરે છે! સામાન્ય સંયોગોમાં નિષ્ક્રીય રહેતો વાયરસ જેવો યજમાન (હોસ્ટ) સજીવમાં દાખલ થાય છે કે તરત એક્ટિવ થઈ મલ્ટિપ્લાય થવા લાગે છે.
આપ કમ્પ્યુટરમાં- કમ્પ્યુટર સિસ્ટમમાં આવી જતા વાયરસ (મેલિશિયસ પ્રોગ્રામ/ સોફ્ટવેર) વિશે જાણો છો. જે રીતે કમ્પ્યુટરમાં દાખલ થયેલ વાયરસ આપના કમ્પ્યુટરના વિવિધ ભાગ પર કબજો જમાવી દે છે, કંઈક તેવું જ વાયરસ પણ સજીવ હોસ્ટ સાથે કરે છે. સજીવ શરીરમાં દાખલ થયેલ વાયરસ યજમાન કોષની કોષ દિવાલ/આવરણને ભેદી કોષમાં દાખલ થાય છે. જે રીતે કમ્પ્યુટર વાયરસ આપના કમ્પ્યુટરને હેક કરી તેની કામગીરી ખોરવી નાખે છે, તે રીતે સજીવ કોષમાં દાખલ થયેલો વાયરસ યજમાન કોષને ‘હેક’ કરીને સજીવની કોષ પ્રક્રિયાઓ પર કબજો કરી લે છે. ત્યાર પછી તે પોતાના જેવા અસંખ્ય વાયરસ પેદા કરી શકે છે. આમ, યજમાન સજીવમાં રોગ ઉત્પન્ન થાય છે.
કોરોના વાયરસ ડિસિઝ-19 (કોવિડ-19) રોગ ફેલાવનાર કોરોનાવાયરસનો એક ખતરનાક પ્રકાર છે, જે મનુષ્યમાં દાખલ થઈ જીવલેણ ન્યુમોનિયાની સ્થિતિ ઊભી કરે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
કોરોનાવાયરસ અને કોવિડ-19
કોરોના વાયરસ કાંઈ નવો વાયરસ નથી! કોરોનાવાયરસ એક પ્રકારના વાયરસોનું ગ્રુપ છે, જે પ્રાણીઓમાં વિવિધ રોગજન્ય સ્થિતિ ઊભી કરી શકે છે. એક પ્રકારના કોરોનાવાયરસ શરદી જેવા રોગ પેદા કરી શકે છે, જ્યારે બીજા પ્રકારના કોરોનાવાયરસ સાર્સ (SARS) અને મર્સ (MERS) જેવા ખતરનાક રોગ પેદા કરી શકે છે.
હમણાં વિશ્વમાં ફેલાયેલ રોગ ‘કોરોના વાયરસ ડિસિઝ-19’ (કોવિડ-19) માટે વળી જુદા જ પ્રકારના કોરોનાવાયરસ જવાબદાર છે. કોવિડ–19 નો પહેલો કેસ વુહાન, ચીનમાં વર્ષ 2019ના અંતમાં બહાર આવ્યો હતો. તે વાયરસને કોવિડ-19 વાયરસ અથવા નોવેલ કોરોનાવાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાયરોલોજી વિજ્ઞાનમાં તેનું આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક નામ ‘સાર્સ-કોવિ-2’ (SARS-CoV-2) આપવામાં આવ્યું છે.
કોરોનાવાયરસ ડિસિઝ-2019 (કોવિડ-19) નો સૌ પ્રથમ કેસ ચીનના હુબઇ પ્રાંતમાં વુહાન શહેરમાં નવેમ્બર-ડિસેમ્બર 2019માં બન્યો. ત્યારે તે હજી ‘અજાણ્યા રોગ’ તરીકે હોઈ કોવિડ-19 તરીકે ઓળખાયો ન હતો. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તો તે રોગચાળા તરીકે ફેલાવા લાગ્યો. વર્ષ 2020ના જાન્યુઆરી મહિનાની મધ્યમાં દુનિયામાં કોવિડ-19ના હજી 100 કેસ પણ નોંધાયા ન હતા. પછી રોગચાળો એવો ફેલાયો કે જાન્યુઆરીના અંતે 10,000 કેસ નોંધાઈ ગયા! માર્ચની 29મીએ તો વિશ્વભરના 140 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોવિડ-19 રોગના સાત લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે.
આવી તેજ ઝડપે ફેલાતા અને જીવલેણ ન્યુમોનિયામાં પરિણમતા કોરોનાવાયરસ ડિસિઝ-2019 ને વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન- WHO) દ્વારા માર્ચની 11મીએ ‘વૈશ્વિક મહામારી’ (pandemic) જાહેર કરવામાં આવી છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
કોરોનાવાયરસ રોગ સામે જંગ
કોરોનાવાયરસથી ડરવાનું નથી. તેને નાથવા માટે સમાજે, સૌ દેશોએ, માનવજાતે એક થવાનું છે. એક વાર આ પૅનડેમિક કાબૂમાં આવશે તો તેને દુનિયામાંથી જાકારો આપી શકાશે.
જો અગમચેતીનાં પગલાં લેવામાં આવે તો કોવિડ-19ને ફેલાતો રોકી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અનેક વિધ સૂચનો કર્યાં છે. વિશ્વની સરકારોએ ભાતભાતનાં પગલાં ઊઠાવ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન જેવા આદેશો સાથે વિવિધ સાવચેતીનાં સૂચન આપ્યાં છે. સૌ આદેશો અને સૂચનોનું પાલન કરવાનું સમાજના, માનવજાતના હિતમાં છે.
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
Nice and informative, Harishbhai. This reminds me that Gangajal (water of Ganga) has bacteriophase virus which can kill bacteria known as “super bug”. These superbugs defy any antibiotics humans have. So, Gangajal can be remedy if some gets infected by superbug!
Thank you for information. We worship Ganga not only out of Andhashraddha, as the so called intelligent people call it, but for it’s sacredness, much above purity….