હેલ્થકેર ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના પ્રયોજનથી ઇંગ્લેન્ડમાં વિશ્વની પ્રથમ મેડિસિન તૈયાર કરવામાં આવી છે. મેડિકલ સાયન્સમાં ક્રાંતિકારક બનનાર આ સિદ્ધિમાં ઇંગ્લેન્ડ તથા જાપાનની કંપનીઓનું યોગદાન છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વિકસાવવામાં આવેલ આ દવા તબીબી વિજ્ઞાન ક્ષેત્રે માનસિક રોગ ‘ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ માટે ઉપયોગમાં લેવાશે.
થોડાં વર્ષોથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદરૂપ થતી રહી છે, પરંતુ ડ્રગ ડેવલપમેન્ટના તમામ તબક્કાઓમાં એઆઇને પ્રયોજવામાં આવે તેવી આ પ્રથમ ઘટના છે. આ નવી મેડિસિનને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી પણ મળી ગઈ છે.
આરોગ્ય વિજ્ઞાન અને તબીબી ચિકિત્સા ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ અભૂતપૂર્વ યોગદાન અત્યારે વિશ્વભરનાં સમાચારોમાં ચમકી ઊઠ્યું છે.
‘મધુસંચય’ના આજના લેખમાં એઆઈની મદદથી ડેવલપ થયેલ દુનિયાની સર્વ પ્રથમ મેડિસિન વિશે જાણીશું.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે અમેરિકાએ આગેવાની લેવા મહત્વાકાંક્ષી ‘અમેરિકન એઆઇ ઇનિશિયેટિવ’ની 2019માં જાહેરાત કરી. 11 ફેબ્રુઆરી, 2019ના દિવસે ‘અમેરિકન એઆઇ ઇનિશિયેટિવ’ના એક્ઝીક્યુટિવ ઓર્ડર પર યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થતાં એઆઇ રેવોલ્યુશનનું એક સોનેરી પ્રકરણ આરંભાયું. વ્હાઇટ હાઉસની ઑફિશિયલ વેબસાઇટ પર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ધ અમેરિકન પીપલ’ એઆઇની મહત્તાનું જ્વલંત ઉદાહરણ છે. જગતભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માનવ-વ્યવહારોમાં તાણા-વાણા રૂપ બની ગઈ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની અભૂતપૂર્વ સફળતા
બિગ ડેટા એનાલિટિક્સમાં સફળ ટેકનિક્સ વિકસતાં વિવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીને ઉત્તેજન મળ્યું છે. તે સાથે ક્લાઉડ ટેકનોલોજી હાથવગી થતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાર્વત્રિક, વ્યાવહારિક ઉપયોગિતા વધી છે. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો એઆઇ સાથે ‘મશીન લર્નિંગ’ અને ‘ડીપ લર્નિંગ’ના કન્સેપ્ટને સારી રીતે સમજે છે. મશીન લર્નિંગ (એમએલ) ની સફળતાનો એક પાયો અલ્ગોરિધમ (આલ્ગોરિધમ) છે. ન્યુરાલ નેટવર્ક ટેકનોલોજી વિકસિત થવા સાથે અને વિશેષ અર્થપૂર્ણ અલ્ગોરિધમ બનવાને કારણે મશીન લર્નિંગ-ડીપ લર્નિંગમાં હરણફાળે પ્રગતિ થઈ રહી છે. અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે અલીબાબા (ચીન) અને માઇક્રોસોફ્ટ (યુએસએ) કંપનીઓની એઆઇ સિસ્ટમે માનવ-સ્પર્ધકોને હંફાવ્યા છે! વર્ષ 2018માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (યુએસએ) ખાતે પ્રસિદ્ધ SQuAD (સ્ટેનફોર્ડ ક્વેશ્ચન આન્સરિંગ ડેટાસેટ – Stanford Question Answering Dataset) રીડિંગ કોમ્પ્રિહેન્શન પરીક્ષણમાં અમેરિકાની માઇક્રોસોફ્ટ કંપનીની એઆઇ સિસ્ટમ પ્રથમ ક્રમે અને ચીનની અલીબાબા કંપનીની એઆઇ સિસ્ટમ દ્વિતીય આવતાં માનવ સ્પર્ધકો ત્રીજા નંબર પર ધકેલાઈ ગયા હતા!
આવનાર દશકાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ મગજને કેવી ટક્કર આપશે તેના સંકેત સ્ટેનફોર્ડ SQuAD રીડિંગ કોમ્પ્રિહેન્શન ટેસ્ટ આપે છે.
એઆઇ વગરના આર્થિક જગતની કલ્પના કરવી અશક્ય છે. એન્ટરટેઇનમેન્ટ, ટ્રાન્સપોર્ટ અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રિઝમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા અનિવાર્ય બની છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હેલ્થકેર ફિલ્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
દુનિયાભરમાં હેલ્થકેર ઉદ્યોગના ઘટકો એકમેક સાથે તાલમેલ રાખીને સ્વાસ્થ્ય ક્ષેત્રને વિકસાવી રહ્યા છે. મેડિકલ સાયન્સમાં અવિરત પ્રગતિના પરિણામે પૃથ્વી પર માનવજાતનાં સ્વાસ્થ્યનાં ધોરણો સુધર્યાં છે. તબીબી વિજ્ઞાન અને ઔષધ વિજ્ઞાન અંતરંગ રીતે સંકળાયેલ છે. સ્વાસ્થ્યરક્ષણ અને સંવર્ધન માટે વિશેષ અસરકારક દવાઓ માર્કેટમાં મૂકતા રહેવાની જવાબદારી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર છે. મેડિકલ ક્ષેત્ર અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં આજે બિગ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહોળા પાયે પ્રયોજિત થઈ રહ્યાં છે.
નવી દવા શી રીતે માર્કેટમાં આવે છે?
કોઈ રોગ માટેની તદ્દન નવી ડ્રગ માર્કેટમાં મૂકતાં પહેલાં ફાર્માસ્યુટિકલ કંપની 100 થી 200 કરોડ ડોલરનો ખર્ચો કરતી હોય છે!
માર્કેટમાં નવી મેડિસિન (દવા/ ડ્રગ) મૂકવી તે ખૂબ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. ડ્રગ ડેવલપમેન્ટ પ્રૉસેસનાં કેટલાંક તબક્કાઓને અહીં તદ્દન ટૂંકમાં, સરળ શબ્દોમાં સમજીએ.
જગતભરમાં રોગજન્ય સ્થિતિનાં પરિબળો, તેની શારીરિક અસરો અને રોગની સારવાર માટે શક્ય ઔષધો પર સતત સંશોધનો થતાં રહે છે. ફાર્મા કંપનીઓ બાયોલોજી, બાયોટેકનોલોજી અને ફાર્મેકોલોજી જેવાં વિજ્ઞાનની મદદથી હજારો મોલિક્યુલ (રાસાયણિક કંપાઉન્ડ) ની ચકાસણી કરતી હોય છે. સ્ક્રીનિંગથી પસંદ થયેલ કંપાઉન્ડોની અસરકારકતા વિશે લેબોરેટરી પરીક્ષણો થાય છે. સફળ થયેલ કંપાઉન્ડને પ્રાણીઓ પર ચકાસવામાં આવે છે. પ્રિ-ક્લિનિકલ ટ્રાયલોમાં અસરકારકતા અને સલામતી સાબિત થાય પછી જ તે ડ્રગ મોલિક્યુલને ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ ઑથોરિટી મંજૂરી (એપ્રુવલ) આપે છે. વિશાળ પાયા પર મેડિકલ પ્રોફેશન દ્વારા, મનુષ્ય પરની ક્લિનિકલ ટ્રાયલનાં યોગ્ય પરિણામો મળે પછી જ તેને માર્કેટમાં મેડિસિન તરીકે મૂકી શકાય છે.
નવી દવા માટેના વિચાર – કન્સેપ્શન – થી એપ્રુવલ સુધીનો ડ્રગ ડેવલપમેન્ટ પ્રૉસેસ ખૂબ ખર્ચાળ છે. લાખો ડોલરના ખર્ચે સેંકડો મોલિક્યુલ પર અભ્યાસ પરીક્ષણો કર્યા પછી તેમાંથી એક મેડિસિન માર્કેટમાં આવે છે!
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ડ્રગ ડેવલપમેન્ટ પ્રૉસેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
હજારો કેમિકલ કંપાઉન્ડના પરીક્ષણ- સ્ક્રીનિંગથી માંડીને ક્લિનિકલ ટ્રાયલ સુધીના સ્ટેજ પર્યંત જંગી ડેટા બનતો રહે છે. બિગ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે ડ્રગ ડેવલપમેન્ટ પ્રૉસેસમાં વરદાનરૂપ બન્યાં છે.
બિગ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી વિશે આપે ‘મધુસંચય’ પર જાણ્યું છે.
વિશ્વમાં વિધ વિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત દર્દીઓ પર દવાઓ અને સારવારની અસરકારકતા ચકાસવા ક્લિનિકલ ટ્રાયલ્સ થતી હોય છે. સામાન્ય રીતે મેડિકલ ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સહકારમાં આવી ક્લિનિકલ ટ્રાયલો થતી હોય છે. તેના અફાટ ડેટામાંથી તારણો મેળવવા બિગ ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગ (એમએલ) ઇત્યાદિ ટેકનોલોજી ઉપયોગી થાય છે. વર્તમાન યુગમાં ડ્રગ ડેવલપમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગનો સિંહફાળો હોય છે.
જ્યાં નવી મેડિસિન ડેવલપ કરવામાં સામાન્ય પ્રક્રિયાથી ચાર-પાંચ વર્ષનો સમય લાગે છે, ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માંડ એકાદ વર્ષનો સમય લે છે!
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બની વિશ્વની પહેલી મેડિસિન
હાલ મીડિયામાં સમાચારો છે કે યુકેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રયોજનથી દુનિયામાં સર્વ પ્રથમ મેડિસિન (દવા/ ડ્રગ) તૈયાર કરવામાં આવી છે (ફેબ્રુઆરી 2020). આ નવા ડ્રગ મોલિક્યુલ (મેડિસિનનું પ્રાથમિક રૂપ) ને સક્ષમ ઑથોરિટીની મંજૂરી મળતાં, તબીબી ક્ષેત્રે ક્લિનિકલ ટ્રાયલ માટે તેનો ઉપયોગ જાપાનમાં થનાર છે.
તે પૂર્ણતયા એઆઇની મદદથી ડ્રગ ડેવલપમેન્ટના વિવિધ તબક્કાઓમાંથી બહાર આવી ક્લિનિકલ ટ્રાયલ માટે એપ્રુવલ મેળવનાર વિશ્વનો પ્રથમ ડ્રગ મોલિક્યુલ છે.
‘ડીએસપી-1181’ મોલિક્યુલના નામે ઓળખાયેલ આ દવા મેડિકલ ક્ષેત્રે ‘ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ (ઓસીડી) જેવા પડકારરૂપ મેન્ટલ ડિસઓર્ડર માટે ઉપયોગમાં લેવાશે.
ઇંગ્લેન્ડમાં ઑક્સફોર્ડ ખાતે આ ડ્રગ મોલિક્યુલને વિકસાવવામાં બે કંપનીઓનો સહયોગ છે – એક તો, બ્રિટીશ બાયોટેક કંપની એક્સસાયન્શિયા (Exscientia) અને બીજી, જાપાનની સુમિટોમો દાઇનિપ્પોન (Sumitomo Dainippon) ફાર્મા.
જો ક્લિનિકલ ટ્રાયલોમાં સફળતા મળશે તો ‘DSP – 1181’ ડ્રગ મોલિક્યુલને તબીબી પ્રેક્ટિસમાં મેડિસિન તરીકે મંજૂરી મળશે.
ઉપયોગી જણાતા સેંકડો મોલિક્યુલોના અસંખ્ય પૃથક્કરણો અને પરીક્ષણોના વિશ્લેષણો પછી, લાખો નિર્ણયોને ચકાસી છેવટે એક મોલિક્યુલને ડ્રગ ટ્રાયલ માટે પસંદ કરાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાથી આવા એનાલિસિસ અને ટેસ્ટિંગ ટાઇમમાં બચાવ થાય છે, પરિણામે નવી મેડિસિન ટૂંક સમયમાં માર્કેટમાં મૂકી શકાય છે.
ઇંગ્લેન્ડની સ્ટાર્ટ-અપ બાયોટેક કંપની એક્સસાયન્શિયાની ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી’એ ‘ડીએસપી-1181’ને ડેવલપ કરી છે. તેને જાપાનની જાયન્ટ કંપની સુમિટોમોનો સહયોગ છે. એઆઇ ટેકનોલોજીને કારણે આ દવાને ડેવલપ કરવામાં માંડ બારેક મહિનાનો સમય લાગ્યો છે! હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં સીમાસ્તંભ બનનાર DSP-1181 દવાની ક્લિનિકલ ટ્રાયલ પહેલાં જાપાનમાં થશે.
ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ફિલ્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પૂર્ણતયા એઆઇ ટેકનોલોજીથી વિકસિત કરાયેલ મેડિસિન ક્લિનિકલ ટ્રાયલ માટે જશે! જાપાન પછી આ દવા DSP – 1181 ને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઓસીડી) માટે વિશ્વના અન્ય દેશોમાં પણ પરખવામાં આવશે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ડ્રગ ડેવલપમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ
નવી મેડિસિનના ડેવલપમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રોલ વિશે પ્રશ્નો ઊઠે છે. શું નવી દવા ડેવલપ કરવા માટે એઆઇ પાસે મનુષ્ય સહજ તર્ક શક્તિ અને વિવેકબુદ્ધિ છે ખરી?
વૈજ્ઞાનિકોનો એક વર્ગ ન્યુ ડ્રગ ડેવલપમેન્ટમાં એઆઇના રોલ માટે સંશિત છે. આમ છતાં ઘણી ફાર્મા કંપનીઓ આજે નવી દવા વિકસાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રયોજન માટે ઉત્સુક છે. કાર્ડિયોવાસ્ક્યુલર રોગોની સારવારથી માંડીને કેન્સર જેવા રોગોની સારવાર માટેની દવાઓ શોધવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડાઈ છે. બેયર, સેનોફી, ગ્લેક્સોસ્મિથક્લાઇન (જીએસકે) જેવી મલ્ટિનેશનલ ફાર્મા કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઊંડો રસ લઈ રહી છે. એઆઇ સંશોધિત દવા કે માનવસર્જિત દવા – વધારે અસરકારક અને સુરક્ષિત કઈ મેડિસિન તે તો ભવિષ્ય જ બતાવશે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
** * *** * **** ** * ** * * ** *
મધુસંચય-લેખ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર થઈ વિશ્વની પ્રથમ મેડિસિન
- વિશ્વના વ્યવહારોમાં વધતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) નો વ્યાપ
- વર્તમાન યુગમાં આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ સંબંધિત ટેકનોલોજી – મશીન લર્નિંગ (Machine learning), ડીપ લર્નિંગ (Deep Learning), બિગ ડેટા (Big Data) – આદિનો ઝડપી વિકાસ
- ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ક્ષેત્રોમાં એઆઇ (AI) ની બોલબાલા
- ઑક્સફોર્ડ, ઇંગ્લેન્ડની બાયોટેક કંપની એક્સસાયન્શિયા (Exscientia, Oxford, UK) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી ડેવલપ કરી વિશ્વની પ્રથમ દવા (મેડિસિન); તેમાં સહયોગ જાપાનની સુમિટોમો દાઇનિપ્પોન (Sumitomo Dainippon) ફાર્મા કંપનીનો
- એક્સસાયન્શિયાએ બનાવેલ ડ્રગ મોલિક્યુલ ‘ડીએસપી-1181’ (DSP-1181) જાપાનમાં ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂર થનાર દુનિયાની પહેલી એઆઇ સંશોધિત દવા
- સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનેલ પ્રથમ મેડિસિન વપરાશે માનસિક રોગ ‘ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ ઓસીડી (Obsessive Compulsive Disorder – OCD) ની ચિકિત્સા અર્થે
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? અહીં ક્લિક કરો.
બિગ ડેટા શું છે? અહીં ક્લિક કરો.
ક્લાઉડ ટેકનોલોજી પર વિસ્તૃત લેખ અહીં વાંચો.
મશીન લર્નિંગ વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો.
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
One thought on “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર થઈ વિશ્વની પ્રથમ મેડિસિન”