ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ પ્રથમ (ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ) સત્તા પર આવ્યાં તે પહેલાંનો ઇંગ્લેન્ડનો ઇતિહાસ સત્તાના કેવા કાળા કાવાદાવાઓથી ખરડાયેલો હતો તે આપે ‘મધુસંચય’ના ગયા લેખ (12 ઑગસ્ટ 2019)માં વાંચ્યું
હજાર-બારસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડ પર સેક્સન (સેક્સોન) તથા ડેઇન્સ (ડેન્સ) શાસકોએ રાજ્ય કર્યું.
ઇસ 1066માં ફ્રાન્સના ડ્યુક ઑફ નોર્મન્ડીએ ઇંગ્લેન્ડ પર જીત મેળવી અને કિંગ વિલિયમ ફર્સ્ટ (વિલિયમ પ્રથમ) ના નામે ઇંગ્લેન્ડની ગાદી સંભાળી. તેમને વિલિયમ ધ કોન્કરર પણ કહે છે. નોર્મન અને પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ) વંશના શાસકોએ ચારસોથી વધુ વર્ષો શાસન સંભાળ્યું.
પંદરમી સદીમાં ટ્યુડર વંશના પ્રથમ શાસક રાજા હેન્રી સાતમા પછી તેમના પુત્ર કિંગ હેન્રી આઠમાએ ઇંગ્લેન્ડની સત્તા સંભાળી. કેથોલિક પંથનો છેડો ફાડી પ્રોટેસ્ટંટ વિચારસરણી અપનાવનાર હેન્રી આઠમા પ્રથમ ઇંગ્લિશ રાજ્યકર્તા હતા. 1547માં હેન્રી આઠમાના અવસાન પછી તેમની મુખ્ય ત્રણ રાણીઓનાં ત્રણ સંતાનો વચ્ચે સત્તાની હોડમાં આટાપાટા ખેલાતા રહ્યા જે ઇતિહાસમાં બેજોડ બની રહ્યા.
‘મધુસંચય’ના આજના લેખમાં હેન્રી આઠમા પછીના ઇંગ્લેન્ડના ઇતિહાસ પર નજર નાખીએ. સાથે ‘વર્જિન ક્વિન’ એલિઝાબેથ ફર્સ્ટ પૂર્વે કાંટાળા તાજ માટે સાઠમારીઓની કેટલીક કહાણીઓ જાણીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ટ્યુડર વંશના પ્રથમ રાજા હેન્રી સાતમા
1485માં કિંગ હેન્રી સાતમાએ ટ્યુડર વંશના પ્રથમ રાજા તરીકે ગાદી સંભાળી.
હેન્રી સાતમાના ત્રણ સંતાનો હતાં: જ્યેષ્ઠ સંતાન રાજકુમારી પ્રિન્સેસ માર્ગારેટ ટ્યુડર, પાટવી કુંવર પ્રિન્સ હેન્રી આઠમો, નાની પ્રિન્સેસ મેરી ટ્યુડર.
આ વાતો આપે ‘મધુસંચય’ના ગયા લેખમાં (12 ઑગસ્ટ 2019) વાંચી છે.
સાતમા હેન્રીની મોટી પ્રિન્સેસ માર્ગારેટ ટ્યુડરનાં લગ્ન સ્કોટલેન્ડના જેમ્સ ચોથા સાથે થયાં. જેમ્સ ચોથા અને માર્ગારેટ ટ્યુડરનાં પુત્ર જેમ્સ પાંચમાની પુત્રી તે મેરી. આ મેરીએ મોટાં થઈને સ્કોટલેન્ડની રાણી મેરી પ્રથમ તરીકે સત્તા ભોગવી. તેથી તેમને મેરી, ક્વિન ઑફ સ્કોટ્સ અથવા મેરી ફર્સ્ટ ઑફ સ્કૉટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સાતમા હેન્રીની નાની પ્રિન્સેસ મેરી ટ્યુડરની પુત્રીની પુત્રી તે જેઇન ગ્રે. પ્રિન્સેસ જેઇન ગ્રેએ આગળ જતાં ‘નાઇન ડે ક્વિન’ તરીકે માત્ર નવ દિવસ માટે ઇંગ્લેન્ડની રાજગાદી ભોગવી!
1509માં તેમનું અવસાન થતાં તેમના પાટવી કુંવર પ્રિન્સ રાજા હેન્રી આઠમા તરીકે સત્તા પર આવ્યા. તેમણે સુધારાવાદી શાસન માટે પ્રયત્નો કર્યા, પરંતુ તેમના કેટલાક નિર્ણયો ચર્ચાસ્પદ પણ બન્યા. રાજા હેન્રી આઠમાએ રોમના કેથલિક ચર્ચના વડા પોપની સત્તા ફગાવી દઈને ‘ચર્ચ ઑફ ઇંગ્લેન્ડ’ની સ્થાપના કરી. આમ છતાં, રાજાએ કેથલિક સિદ્ધાંતોને તરછોડ્યા ન હતા. આપ આ વાતો ફરી એક વાર ‘મધુસંચય’ના ગયા લેખ (12/08/2019) માં વાંચી લેશો તેવી વિનંતી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
રાજા હેન્રી આઠમાના સમયમાં રાજરમત
15મી – 16મી સદીમાં ઇંગ્લેન્ડના સિંહાસનનો કાંટાળો તાજ પહેરવો કોઈ રાજવી માટે આસાન ન હતો! રાજ્યાભિષેક પછી તે કાંટાળા તાજને ધારણ કરી રાખવા ભાતભાતની રાજરમતો ખેલવી પણ આસાન ન હતી. રાજા સાતમા હેન્રી હોય, કે આઠમા, કે તેમના વારસદારો; બધાના સમયમાં સત્તાના આટાપાટા ખેલાતા રહ્યા!
રાજા હેન્રી આઠમાએ છ લગ્ન કર્યાં; તેમાં નોંધપાત્ર ત્રણ રાણીઓ હતી. પ્રથમ ક્વિન કેથેરાઇન ઑફ એરેગોન (આરગોન/ અરાગોન), બીજાં ક્વિન એન બુલિન (એન્ન બુલિન/ એન બોલિન) તથા ત્રીજાં ક્વિન જેઇન સિમોર (જેઇન સેમોર/ જેન સેયમોર).
પ્રથમ રાણી કેથેરાઇન સાથે સોળેક વર્ષનાં લગ્નજીવનમાં એક પુત્રી મળી, પણ પુત્રપ્રાપ્તિ ન થતાં રાજા હેન્રીએ તે લગ્ન ફોક કરવા નિર્ધાર કર્યો. કેથલિક ચર્ચમાં તે અમાન્ય હતું. તેમાંથી રોમના કેથલિક ચર્ચ સાથે રાજાને ઘર્ષણ થયું. પોપની સત્તા અવગણી રાજાએ પોતાના હાથ નીચે સ્વતંત્ર ‘ચર્ચ ઑફ ઇંગ્લેન્ડ’ સ્થાપ્યું.
બીજાં રાણી એન બુલિન સાથે 1533માં વિધિવત લગ્ન કર્યાં અને તેમને એક પુત્રી થઈ. રાજાનાં અરમાન અધૂરાં રહ્યાં. રાજખટપટોનો ભોગ બનેલ રાણી એન બુલિન હેન્રીની નજરમાંથી ઉતરી ગયાં અને 1536માં રાજાજ્ઞાથી તેમનો વધ કરવામાં આવ્યો.
રાજા હેન્રી સાતમાના એક મિનિસ્ટર હતા એડમન્ડ ડડલી. રાજા હેન્રી આઠમાએ રાજદ્રોહના કારણસર એડમન્ડ ડડલીને ટાવર ઑફ લંડનમાં કેદ કર્યા અને તેમનો વધ કરાવ્યો. તેમના પુત્ર જોહન ડડલી રાજા હેન્રી આઠમાના સમયમાં વગદાર બન્યા.
રાજા હેન્રી આઠમાની નાની બહેન મેરી ટ્યુડરનાં પુત્રી ફ્રાન્સિસ, અને ફ્રાન્સિસનાં પુત્રી જેઇન ગ્રે.
જેઇન ગ્રેનાં લગ્ન જોહન ડડલીના પુત્ર ગિલ્ડફોર્ડ ડડલી સાથે થયાં. 1551માં જોહન ડડલીને ‘ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડ’ બનાવવામાં આવ્યા.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
રાજા હેન્રી આઠમાના વારસદારો
રાજા આઠમા હેન્રી કેથોલિક ચર્ચને છોડી પ્રોટેસ્ટંટ પંથ અનુસરનાર ઇંગ્લેન્ડના પ્રથમ રાજવી હતા.
રાજા હેન્રી આઠમાનાં ત્રણેય મુખ્ય રાણીઓ કેથેરાઇન ઑફ એરેગોન, એન બુલિન તથા જેઇન સિમોર 1537ના અંત સુધીમાં દુનિયા છોડી ચૂક્યા હતા. પણ તે પ્રત્યેક રાણીના એક એક સંતાને ઇંગ્લેન્ડની રાજગાદી ભોગવી.
1547માં કિંગ હેન્રી આઠમાના અવસાન પછી તેમનાં ત્રણ સંતાનો ગાદી પર બેઠાં: પહેલાં તો ક્વિન જેઇન સિમોરના રાજકુમાર છઠ્ઠા એડવર્ડ (એડવર્ડ ધ સિક્સ્થ), તે પછી ક્વિન કેથેરાઇન ઑફ એરેગોનનાં પ્રિન્સેસ મેરી પહેલી (મેરી પ્રથમ) અને ત્યાર પછી ક્વિન એન બુલિનનાં પ્રિન્સેસ એલિઝાબેથ પ્રથમ (એલિઝાબેથ પહેલી) .
રાજા છઠ્ઠા એડવર્ડ
1547ના 28 જાન્યુઆરીએ પ્રોટેસ્ટન્ટ વિચારસરણીવાળા રાજા હેન્રી આઠમાનું અવસાન થયું. તે સમયે રાજકુમાર એડવર્ડ (છઠ્ઠા) નવ વર્ષના, રાજકુમારી મેરી (પ્રથમ) 30 વર્ષનાં અને રાજકુમારી એલિઝાબેથ (પ્રથમ) 13 વર્ષનાં હતાં.
1547ના ફેબ્રુઆરીમાં છઠ્ઠા એડવર્ડનો રાજ્યાભિષેક થયો. નવ વર્ષના બાળ રાજા છઠ્ઠા એડવર્ડ પ્રોટેસ્ટંટ વિચારસરણીમાં ઉછરનાર પ્રથમ રાજા હતા. રાજા સગીર હોવાથી તેમના ‘પ્રોટેક્ટોરેટ’ તરીકે રાણી જેઇન સિમોરના ભાઈ એડવર્ડ સિમોરની નિમણૂક થઈ. 1551માં કિશોર રાજાના રેજેન્ટ તરીકે જોહન ડડલી – ફર્સ્ટ ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડ – ને નિમવામાં આવ્યા.
રાજા એડવર્ડ છઠ્ઠાનો રાજ્યકાળ રાજકીય અને સામાજીક સમસ્યાઓને લીધે અસ્થિર રહ્યો. પરંતુ તેમના સુધારાઓ ક્રાંતિકારી રહ્યા. તેમના સમયમાં ઇંગ્લેન્ડના શાસને કેથલિક રીતિ-વિધિઓ પ્રત્યે કૂણપ સંપૂર્ણપણે ફગાવી દીધી અને હવે ચર્ચ ઑફ ઇંગ્લેન્ડ પૂર્ણતયા પ્રોટેસ્ટન્ટ પંથને અનુસરવા લાગ્યું. છઠ્ઠા એડવર્ડના શાસનમાં ઇંગ્લેન્ડ પ્રોટેસ્ટન્ટિઝમથી પ્રભાવિત રાષ્ટ્ર બન્યું.
1553માં પંદર વર્ષના રાજા છઠ્ઠા એડવર્ડ ગંભીર બિમારીમાં સપડાયા. પરંતુ તેમની રેજેન્સી કાઉન્સિલના કર્તાહર્તા ફર્સ્ટ ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડના પ્રભાવમાં તેમણે લેડી જેઇન ગ્રે (જેઇન ડડલી) ને પોતાના વારસદાર તરીકે માન્ય કરી. આમ કરવામાં તેમણે પોતાની બે અપર બહેનો મેરી અને એલિઝાબેથની અવગણના કરી. આપે આગળ વાંચ્યું તેમ, લેડી જેઇન ગ્રે એક તરફ રાજા આઠમા હેન્રીની બહેન મેરી ટ્યુડરનાં પૌત્રી હતાં, તો બીજી તરફ ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડના પુત્રવધુ હતાં.
સાવકા ભાઈ એડવર્ડના આ નિર્ણયથી ક્વિન કેથેરાઇન ઑફ એરેગોનનાં રાજકુમારી મેરી પ્રથમ ભારે ધૂંધવાઈ ઊઠ્યા. પ્રિન્સેસ મેરીને ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડની – પુત્રવધુને ક્વિન બનાવવાની – ચાલ સ્વીકાર્ય ન હતી. પણ કરે શું?
1553ની 6ઠ્ઠી જુલાઈના રોજ 15 વર્ષના રાજા એડવર્ડ છઠ્ઠાનું અવસાન થયું. ચાર દિવસ સુધી તેમના મૃત્યુના સમાચાર ગુપ્ત રાખવામાં આવ્યા. પછી રાજાના વિલ અનુસાર 10 જુલાઇ, 1553ના રોજ સોળેક વર્ષનાં લેડી જેઇન ગ્રે (જેઇન ડડલી) ને ગાદી આપવામાં આવી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
નવ દિવસની રાણી ‘નાઇન ડે ક્વિન’ લેડી જેઇન ગ્રે
લેડી જેઇન ગ્રેને ઇંગ્લેન્ડનો ઇતિહાસ ‘નાઇન ડે ક્વિન’ તરીકે ઓળખે છે. ઇતિહાસકારો તેમને રાજ્યકર્તાઓની યાદીમાં સમાવિષ્ટ કરવા અવઢવમાં રહે છે. 1553માં 10 જુલાઇએ ગાદી પર બેસી 19 જુલાઇએ પદભ્રષ્ટ થનાર લેડી જેઇન ગ્રેને નવ દિવસની રાણી કહેવામાં આવે છે.
ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડની ખટપટથી જેઇન ગ્રેને ગાદી મળી તે જાણીને રાજકુમારી મેરીએ પોતાના તરફી પ્રચંડ જનમત ઊભો કર્યો. રાજકુમારી મેરીની તરફેણમાં જનજુવાળ એવો ઊમટ્યો કે જેઇન ગ્રેની ગાદી મુસીબતમાં આવી ગઈ! માત્ર નવ દિવસ ગાદી પર રહી 19 જુલાઈએ જેઇન ગ્રે સત્તા ગુમાવી બેઠાં! નવ દિવસનાં રાણી જેઇન ગ્રેને તેમના સહયોગીઓ સાથે ટાવર ઑફ લંડનમાં કેદ કરવામાં આવ્યાં.
1553ના જુલાઈ મહિનામાં કેથલિક રાણી મેરી પ્રથમ ઇંગ્લેન્ડનાં ક્વિન બન્યાં.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
રાણી મેરી પ્રથમ ઇંગ્લેન્ડની ગાદી પર
જુલાઈ 1553માં 37 વર્ષની ઉંમરે ક્વિન મેરી ફર્સ્ટ ઇંગ્લેન્ડની રાજગાદી પર બેઠાં. રાણી મેરી પ્રથમનો ઝોક કેથોલિસિઝમ પ્રતિ હતો, કારણ કે તેમનાં માતા ક્વિન કેથેરાઇન ઑફ એરેગોન (આરગોન/ અરાગોન) ચુસ્ત કેથોલિક હતાં.
રાણી મેરી પ્રથમે પોતાના રાજકીય વિરોધીઓને ખતમ કરવા પગલાં લીધાં. ‘નાઇન ડે ક્વિન’ બનનાર જેઇન ગ્રે (જેઇન ડડલી) અને તેમનાં સ્વજનોને કેદમાં નાખ્યા. સૌ પ્રથમ, જેઇન ગ્રે (જેઇન ડડલી) ના શ્વસુર ફર્સ્ટ ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડ જોહન ડડલીને મૃત્યુદંડ આપ્યો. સમયાંતરે જેઇન ગ્રે, તેમના પતિ ગિલ્ડફોર્ડ ડડલી અને તેમનાં પરિવારજનોનો વધ કરાવ્યો.
ક્વિન મેરી પ્રથમનાં લગ્ન 1554માં સ્પેનનાં રાજકુમાર ફિલિપ બીજા (ફિલિપ દ્વિતીય) સાથે થયાં. સ્પેન કેથલિક પંથી દેશ હતો. આ લગ્નની શરતો અનુસાર મેરીના ચાર વર્ષના રાજ્યકાળ (1554-1558) દરમ્યાન ઇંગ્લેન્ડનું શાસન રાણી મેરી અને કિંગ ફિલિપના સંયુક્ત નામથી થયું.
અપર બહેન એલિઝાબેથ પ્રથમ પ્રોટેસ્ટન્ટ હોવાથી રાણી મેરી પ્રથમને એલિઝાબેથ પ્રત્યે શંકા અને નફરતની લાગણી હતી.
ગાદીનશીન થયાના ટૂંક સમયમાં રાણી મેરીની લોકપ્રિયતા ઓસરવા લાગી. 1554માં તેમની સામે બળવો થયો. રાણીએ તેને દબાવી તો દીધો, પણ તત્પશ્ચાત કડક અને ક્રૂર પગલાં લેવામાં પાછી પાની ન કરી. બળવામાં સાવકી બહેન એલિઝાબેથનો હાથ હોવાની શંકા પરથી રાણી મેરીએ તેમને ટાવર ઓફ લંડનમાં કેદ કર્યાં. પછી એકાદ વર્ષ નજરકેદ રાખ્યાં. શંકાનાં વાદળ દૂર થતાં એલિઝાબેથને પુન: રાજ મહેલમાં પ્રવેશ મળ્યો.
રાણીની ખફાનજર પ્રોટેસ્ટંટ તરફી સુધારાવાદીઓ પર પડી. તેમણે રિફોર્મેશનનાં પગલાંઓ રદ કરવાં કે બિનઅસરકારક કરવાં શરૂ કર્યાં. ઇંગ્લેન્ડમાં ફરી કેથલિક પંથના પ્રસાર માટે તેમણે તમામ શક્તિ કામે લગાડી. અસંખ્ય પ્રોટેસ્ટન્ટ સમર્થકોની હત્યા કરી. ક્વિન મેરી પ્રથમને લોકો ‘બ્લડી મેરી’ તરીકે ઓળખતા થયા.
17 નવેમ્બર 1558ના દિને રાણી મેરી પ્રથમનું મૃત્યુ થયું. ક્વિન મેરી નિ:સંતાન હતાં.
ઇંગ્લેન્ડની ગાદી પર ટ્યુડર વંશના આખરી શાસક ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ (એલિઝાબેથ પ્રથમ/ એલિઝાબેથ પહેલા) સત્તારૂઢ થયાં.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
રાણી એલિઝાબેથ પ્રથમ ઇંગ્લેન્ડનાં રાણી
ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ રાજા આઠમા હેન્રીના રાણી એન બુલિન (એન્ન બુલિન/ એન બોલિન) નાં પુત્રી હતાં તે આપ જાણો છો. એલિઝાબેથ માત્ર બે વર્ષનાં હતાં, જ્યારે તેમના પિતાની રાજાજ્ઞા પર તેમનાં માતા ક્વિન એન બુલિનનો વધ કરવામાં આવ્યો હતો.
1533માં જન્મેલ એલિઝાબેથ બાળપણમાં એક રાજકુમારી તરીકે ગરિમા ધરાવતા બાલિકા હતાં. તે વિનયી હતાં, શિક્ષિત હતાં, અંગ્રેજી ઉપરાંત ફ્રેંચ, ઇટાલિયન, ગ્રીક અને લેટિન જેવી યુરોપિયન ભાષાઓ તેમજ સંગીતના જ્ઞાતા હતાં.
1558માં મેરી પ્રથમ પછી ઇંગ્લેન્ડની ગાદીએ આવનાર રાણી એલિઝાબેથ પ્રથમ હાઉસ ઑફ ટ્યુડરના છેલ્લા રાજ્યકર્તા હતા. આધિકારિક વિધિથી તેમનો રાજ્યાભિષેક 1559ના જાન્યુઆરીમાં થયો. તેમનો રાજ્યકાળ 44 વર્ષનો હતો. એલિઝાબેથે જીવનપર્યંત લગ્ન કર્યાં ન હોવાથી તેમને ‘વર્જીન ક્વિન’ નામ પણ અપાયું છે.
રાણી એલિઝાબેથ પ્રથમ ચુસ્ત પ્રોટેસ્ટંટ વિચારસરણી ધરાવતાં હતાં. તેમના પુરોગામી ક્વિન મેરી પ્રથમે પાંચ વર્ષના શાસનમાં કેથલિક સંપ્રદાયને પ્રચલિત કરવા બળજબરી કરી હતી તેનો રાણી એલિઝાબેથે બદલો લીધો. કેથલિક્સને તમામ પ્રકારે હેરાન પરેશાન કરી મૂક્યા. રાણીએ સમગ્ર ઇંગ્લેન્ડને પુન: પ્રોટેસ્ટન્ટ પંથે દોરવવા કોઈ કસર ન છોડી.
આપે ‘મધુસંચય’ પર અગાઉ મેરી, ક્વિન ઑફ સ્કોટ્સ વિશે વાંચ્યું. રાજા હેન્રી આઠમાનાં મોટાં બહેન માર્ગારેટ ટ્યુડર (સ્કોટલેન્ડનાં મહારાણી)નાં પૌત્રી હતાં મેરી.
આ પ્રિન્સેસ મેરીનો જન્મ 1542માં થયો હતો. પ્રિન્સેસ છ દિવસનાં હતાં અને તેમનાં પિતા કિંગ જેમ્સ પાંચમાનું અવસાન થયું. માત્ર છ જ દિવસની ઉંમરે રાણી મેરી પ્રથમ સ્કોટલેન્ડની ગાદીએ બેઠાં. રાણી મેરી પ્રથમ (સ્કોટલેન્ડ) ને મેરી, ક્વિન ઑફ સ્કોટ્સ અથવા મેરી ફર્સ્ટ ઑફ સ્કૉટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જતાં, કાવતરાખોરોએ યુવાન મેરીને સ્કોટલેન્ડની ગાદી પરથી પદભ્રષ્ટ કર્યાં. રાણી મેરી ઇંગ્લેન્ડ પહોંચ્યા.
કેથલિક રાણી મેરી ક્વિન ઑફ સ્કોટ્સની મહેચ્છા ઇંગ્લેન્ડની રાજગાદી પડાવવાની હતી. વર્ષ 1867માં રાણી એલિઝાબેથ પ્રથમને ઉથલાવવા તેમણે કેથલિક ખ્રિસ્તીઓને ઉશ્કેર્યા અને નોર્ધન ઇંગ્લેન્ડમાં બળવો કરાવ્યો. રાણી એલિઝાબેથ પ્રથમે મક્કમ પગલાં લઈ બળવો દાબી દીધો અને મેરી ક્વિન ઓફ સ્કોટ્સને કેદ કર્યાં. ઇંગ્લેન્ડમાં વીસ વર્ષની કેદ પછી 1887માં મેરી સ્કૉટ્સનો વધ કરવામાં આવ્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
એલિઝાબેથન યુગ – એલિઝાબેથન એરા
રાણી એલિઝાબેથ પ્રથમનો શાસન કાળ (1558-1603) નોંધપાત્ર લેખાયો અને ઇંગ્લેન્ડના ઐતિહાસિક એલિઝાબેથન યુગ તરીકે નામના પામ્યો. રાણી એલિઝાબેથે દેશમાં પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી પંથને પુન:સ્થાપિત કર્યો, સ્પેનના નૌકાકાફલા સ્પેનિશ આર્મડાને હરાવ્યો અને અંધાધૂંધી દૂર કરી દેશમાં સ્થિર રાજ્યતંત્ર સ્થાપ્યું. તેમણે કલા અને સંગીતને ઉત્તેજન આપ્યું. તેમના શાસનકાળ દરમ્યાન રાજકીય, વાણિજ્ય-વ્યવસાય અને સાહિત્ય-કલાક્ષેત્રે પ્રગતિ થઈ અને યુરોપમાં ઇંગ્લેન્ડનો પ્રભાવ વધ્યો.
રાણીએ પોતાની પ્રજા અને સંસદ પર ભરોસો રાખીને રાજ્ય કારોબાર ચલાવ્યો હતો. પ્રજાજન હોય કે લશ્કર હોય, જ્યારે પણ આવશ્યકતા જણાય ત્યારે રાણી તેમની પડખે રહેવામાં પાછી પાની ન કરતાં! તેમણે પોતાની સલાહકાર પ્રિવિ કાઉન્સિલને પુનર્ગઠિત કરી. તેમણે ચોકસાઈથી વિલિયમ સેસિલ જેવા ચુનંદા અને નિષ્ઠાવાન સલાહકારોને પોતાની મદદમાં લીધા.
‘સ્પેનિશ આર્મડા’ (સ્પેનિશ આર્માડા) રાણી એલિઝાબેથ પ્રથમના યુગની નોંધનીય ઘટના હતી. એલિઝાબેથનાં પુરોગામી ક્વિન મેરી પ્રથમનાં પતિ સ્પેનનાં રાજા ફિલિપ બીજા કેથોલિક સંપ્રદાયના હતા. મેરીના અવસાન પછી એલિઝાબેથનું પ્રોટેસ્ટન્ટ શાસન શરૂ થયું, તે રાજા ફિલિપ બીજાને ન ગમ્યું. 1588માં ફિલિપ બીજાએ 130 જેટલા જહાજોના સ્પેનના જંગી નૌકા કાફલા – સ્પેનિશ આર્માડા સાથે ઇંગ્લેન્ડ પર હુમલો કર્યો. પરંતુ ઇંગ્લેન્ડનાં નૌકાજહાજોએ તાકાતથી તેનો પ્રતિકાર કર્યો. સ્પેનિશ આર્મડાને પીછેહઠ કરવી પડી અને ઇંગ્લેન્ડ જીતવાના સ્પેનના ઓરતા અધૂરા રહી ગયા.
રાણી એલિઝાબેથની વિદેશનીતિને ઘણા વખાણતા નથી. એલિઝાબેથન યુગમાં આયર્લેન્ડ અને ફ્રાંસ જેવા પાડોશી યુરોપિયન દેશો સાથે ઇંગ્લેન્ડના સંબંધ તણાવભર્યા રહ્યા.
ઇસ 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીત્યું અને તે પછી યુરોપમાં રેનેસાં- નવસર્જન – નો આરંભ થયો. રેનેસાં યુગના પ્રારંભના લગભગ સો વર્ષ પછી ઇંગ્લેન્ડમાં એલિઝાબેથન યુગ (એલિઝાબેથન એરા) આરંભાયો.
તે કાળે સાહિત્ય પ્રવૃત્તિને વિશેષ વેગ મળ્યો. ઇંગ્લિશ કવિતા અને નાટ્યપ્રવૃત્તિઓને નવી દિશા મળી. નવાં નાટકોના લેખન સાથે નાટક કંપનીઓની સ્થાપના થઈ. નાટ્યકંપનીઓએ નવાં બંધાયેલ થિયેટરોના તખ્તા પર અવનવા નાટ્યપ્રયોગો ભજવવા શરૂ કર્યા. મહાન ઇંગ્લિશ નાટ્યકાર શેક્સપિયરનાં ઘણાં નાટકો એલિઝાબેથન યુગમાં લખાયાં. શેક્સપિયરની કંપની ‘લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ (કિંગ્સ મેન) દ્વારા થિયેટરમાં નાટકોની ભજવણી પણ આ કાળમાં શરૂ થઈ. આમ, એલિઝાબેથન યુગની થિયેટર પ્રવૃત્તિઓ ઇંગ્લિશ નાટકને શેક્સપિયર યુગમાં દોરી ગઈ.
કેટલાકના મતે એલિઝાબેથન યુગ ઇંગ્લેન્ડ માટે સુવર્ણયુગ (ગોલ્ડન એઇજ) હતો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
વર્જિન ક્વિન એલિઝાબેથ પ્રથમ
આજીવન કુંવારા રહેનાર રાણી એલિઝાબેથ પ્રથમને ઇંગ્લેન્ડના ઇતિહાસમાં વર્જિન ક્વિન તરીકે ઓળખવામાં આવ્યાં છે. તેમણે કદી લગ્ન કર્યાં ન હતાં છતાં છેક મુગ્ધાવસ્થાથી તેમના કેટલાક સંબંધો લોકનજરે ચડ્યા હતા. ફર્સ્ટ ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડના પુત્ર રોબર્ટ ડડલી સાથે તેમની નિકટતા ચર્ચાસ્પદ બની રહી હતી.
રાણી એલિઝાબેથ પ્રથમનું અવસાન
સોળમી સદીના ઢળતા દશકાઓમાં ઇંગ્લેન્ડની આર્થિક સ્થિતિ કથળતી ગઈ. રાણીની લોકપ્રિયતાનાં વળતાં પાણી થવાં છતાં પ્રજાને હજી રાણી પ્રત્યે લગાવ હતો.
1569માં તેમણે પોતાનાં માશી મેરી બોલિનની દીકરી કેથેરાઇન કેરી નોલિસને ગુમાવ્યાં. એલિઝાબેથ માટે કેથેરાઇન નોલિસ પિતરાઈ બહેનથી યે વિશેષ પરમ સખી સમાન હતાં. 1598માં તેમના વિશ્વાસપાત્ર સલાહકાર વિલિયમ સેસિલનું મૃત્યુ થયું. સ્વજનો ગુમાવવાના આઘાતમાં રાણીની મનોદશા હતાશાની ગર્તમાં ડૂબવા લાગી.
વર્ષ 1603ના ફેબ્રુઆરીમાં રાણીએ પોતાનાં અંગત સાથીદાર લેડી-ઇન-વેઇટિંગ કેથેરાઇન કેરી હોવર્ડ, કાઉન્ટેસ ઑફ નોટિંગહામને ગુમાવ્યાં. કાઉન્ટેસ ઓફ નોટિંગહામ કેથેરાઇન હોવર્ડ રાણીની સેવામાં ચાર દશકથી હતાં અને રાણીના પિતરાઈના ભત્રીજી હતાં. હૃદયથી ભાંગી પડેલા રાણી તે આઘાત જીરવી ન શક્યાં.
બીજે જ મહિને, 1603ના માર્ચની 24મીએ રાણી એલિઝાબેથ પ્રથમનું અવસાન થયું.
69 વર્ષની ઉંમરે મૃત્યુ પામનાર રાણી એલિઝાબેથ પ્રથમ 44 વર્ષ સુધી ઇંગ્લેન્ડની ગાદી પર રહ્યાં. કહે છે કે રાણીની અંતિમયાત્રામાં પ્રચંડ લોકજુવાળ ઝલકતો હતો અને અસંખ્ય પ્રજાજનો શોકમગ્ન થઈ આક્રંદ કરતા હતા!
વર્ષ 1603માં સ્કોટલેંડના રાજા જેમ્સ છઠ્ઠા, નવું પદ ધારણ કરી, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના રાજા જેમ્સ પ્રથમ તરીકે ઇંગ્લેન્ડની ગાદી પર બેઠા.
ક્વિન એલિઝાબેથ ફર્સ્ટના અવસાન સાથે એલિઝાબેથન યુગ અતીત બની ગયો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
મધુસંચય-લેખ: ઇંગ્લેન્ડનો ઇતિહાસ, સત્તાની સાઠમારીઓ અને રાણી એલિઝાબેથ પ્રથમ: પરિશિષ્ટ (1)
- ટ્યુડર વંશના પ્રથમ રાજા હેન્રી સાતમાના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદી પર તેમના પાટવી કુંવર રાજા હેન્રી આઠમા તરીકે
- રાજા હેન્રી આઠમાએ ચર્ચ ઑફ ઇંગ્લેંડ સ્થાપીને પ્રચલિત કરી પ્રોટેસ્ટંટ વિચારસરણી
- હેન્રી આઠમાની મુખ્ય ત્રણ રાણીઓ પ્રથમ રાણી કેથેરાઇન ઑફ એરેગોન (કેથેરીન ઓફ આરગોન/ એરાગોન), બીજાં રાણી એન બુલિન (એન્ન બુલિન/ એન બોલિન) તથા ત્રીજાં રાણી જેઇન સિમોર (જેઇન સેમોર/ જેન સેયમોર)
- ત્રણેય રાણીઓનાં એક એક સંતાન સમયાંતરે બન્યાં ઇંગ્લેન્ડના શાસક
- 1547માં ક્વિન જેઇન સિમોરના રાજકુમાર બન્યા રાજા છઠ્ઠા એડવર્ડ (એડવર્ડ ધ સિક્સ્થ)
- 1553માં ક્વિન કેથેરાઇન ઑફ એરેગોનનાં રાજકુમારી બન્યાં રાણી મેરી પ્રથમ (મેરી પહેલી)
- 1558માં ક્વિન એન બુલિનનાં રાજકુમારી બન્યાં રાણી એલિઝાબેથ પ્રથમ (એલિઝાબેથ પહેલી)
- રાજા એડવર્ડ છઠ્ઠાના અવસાન પછી 1553માં નવ દિવસ માટે રાણી બનનાર લેડી જેઇન ગ્રે કહેવાયાં ‘નાઇન ડે ક્વિન’
- અસંખ્ય કાવાદાવાઓથી ખદબદેલ 16મી સદીનો ઇંગ્લેન્ડનો ઇતિહાસ; તેમાં ક્વિન એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ (1558-1603) ઓળખાયો એલિઝાબેથન યુગ તરીકે
- રાણી એલિઝાબેથ પ્રથમની એક સિદ્ધિ સ્પેનિશ આર્મડાને હાર
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
** * *** * **** ** * ** * * ** *
મધુસંચય-લેખ: ઇંગ્લેન્ડનો ઇતિહાસ, સત્તાની સાઠમારીઓ અને રાણી એલિઝાબેથ પ્રથમ: પરિશિષ્ટ (2)
- ટ્યુડર વંશ: Tudor dynasty
- રાજા હેન્રી સાતમા: Henry VII (1457-1509), King of England (1485-1509)
- રાજા હેન્રી આઠમા/ આઠમા હેન્રી: Henry VIII (1491-1547), King of England (1509-1547)
- જોહન ડડલી- ફર્સ્ટ ડ્યુક ઑફ નોર્થમ્બરલેન્ડ: John Dudley- First Duke of Northumberland
- રાણી કેથેરાઇન ઑફ એરેગોન/ કેથેરીન ઑફ એરાગોન/ કેથેરાઇન ઓફ આરગોન/ રાણી કેથેરીન: Queen Catherine Of Aragon (1485-1536)
- રાણી એન બુલિન/ એન્ન બુલિન/ એન બોલિન: Queen Anne Boleyn (1501 ? -1536)
- રાણી જેઇન સિમોર/ જેઇન સેમોર/ જેન સેયમોર: Queen Jane Seymour (1508-1537)
- રાજા છઠ્ઠા એડવર્ડ: Edward VI (1537-1553), King of England (1547-1553)
- રાણી મેરી પ્રથમ: Mary I (1516-1558), Queen of England (1553-1558)
- રાણી એલિઝાબેથ પ્રથમ/ રાણી એલિઝાબેથ પહેલી: Elizabeth I (1553-1603), Queen of England (1558-1603)
- લેડી જેઇન ગ્રે: Lady Jane Grey (1557-1554), Nine days’ Queen of England (10 July,1553-19 July 1553)
- મેરી, ક્વિન ઑફ સ્કોટ્સ અથવા મેરી ફર્સ્ટ ઑફ સ્કૉટલેન્ડ: Mary Queen of Scots/ Mary First of Scotland (1542-1587)
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
આપ આવા બીજા ઘણા રસપ્રદ લેખો અમારા નીચેના બ્લૉગ્સ પર પણ વાંચી શકશો:
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
ઇલિઝાબેથનો સમય – ઇન્ગેન્ડના ઉદયની શરૂઆત. શેક્સ્પિયર, ફ્રાન્સિસ ડ્રેક, રોનોકની અદૃશ્ય થઈ ગયેલી અંગ્રેજ વસાહત…. કેટકેટલી યાદો તાજી થઈ ગઈ,
સુરેશભાઈ! આપના શબ્દો મારા પ્રયત્નોને સાર્થક કરે છે.
આભાર.