અજાણી-શી વાતો · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

અમેરિકાના સિનેમાજગત અને હોલિવુડના ઇતિહાસની એક ઝલક

આધુનિક યુગમાં માનવજીવન માટે સિનેમા મનોરંજનનું એક સર્વ સુલભ માધ્યમ છે. ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીમાં છેલ્લા 150 વર્ષોમાં હરણફાળે પ્રગતિ થઈ છે. આજે મોશન પિક્ચરની ટેકનોલોજી નવીન ઊંચાઈ પર પહોંચી છે તેની પાછળ અનેક શોધકોની અખૂટ જહેમત છુપાયેલી છે.

મોશન પિક્ચર ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં એડવર્ડ માયબ્રિજ અને ટોમસ આલ્વા એડિસનનાં નામ આગળ આવે. પરંતુ દુનિયાનું પહેલું મોશન પિક્ચર કોને ગણવું? વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ ઉતારનાર કોણ? ફ્રાન્સના લુમિએર બ્રધર્સ કે પછી ફ્રાન્સ-ઇંગ્લેન્ડના લુઈ લિ પ્રિન્સ?

ફ્રાન્સમાં વિશ્વનો પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો થયો. કેવો વિરોધાભાસ કે આજે ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ફીચર ફિલ્મો બને છે, પરંતુ આખા વિશ્વમાં સિક્કો તો હોલિવુડનો જ ચાલે છે. અમેરિકાના યુનિવર્સલ અને વોલ્ટ ડિઝનીના જાયન્ટ ફિલ્મ સ્ટુડિયોઝમાં નિર્મિત ફિલ્મ્સ બોક્સઓફિસ પર ટંકશાળ પાડે છે.

‘મધુસંચય’ના આજના લેખમાં આપણે ફિલ્મ ઉદ્યોગના વિકાસને અમેરિકાના સંદર્ભમાં સમજીશું અને હોલિવુડના ઇતિહાસ પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સિનેમાના આરંભની પૂર્વભૂમિકા

સ્ટિલ ફોટોગ્રાફીથી મોશન પિક્ચર ફોટોગ્રાફી (મુવિંગ ઓબ્જેક્ટ ફોટોગ્રાફી) ની યાત્રા દિલચસ્પ રહી છે. 1827માં દુનિયાનો સર્વ પ્રથમ સ્ટિલ ફોટોગ્રાફ ગ્લાસ પ્લેટ ટેકનિકથી પાડવામાં આવ્યો હતો અને તેના માટે આઠ કલાકનો એક્સ્પોઝર ટાઇમ જરૂરી બન્યો હતો! આજે કોઈ માની શકે?

વર્ષ 1875ના અરસામાં અમેરિકામાં એડવર્ડ માયબ્રિજે મોશન-ઇન-ફોટોગ્રાફીને હકીકત બનાવી. લેલેન્ડ સ્ટેનફોર્ડના પાલો આલ્ટો ફાર્મ પર લેવાયેલા એડવર્ડ માયબ્રિજના દોડતા ઘોડાના મુવિંગ પિક્ચર્સ ભારે પ્રશંસા પામ્યા. ફ્રાન્સના લુઇ લિ પ્રિન્સે ઇંગ્લેન્ડમાં મોશન પિક્ચર ઉતારવા અથાક પ્રયત્નો કર્યા. વિશ્વનું પ્રથમ મોશન પિક્ચર ‘રાઉન્ડહે ગાર્ડન સિન’  ઇંગ્લેન્ડના લિડ્ઝમાં લુઇ લિ પ્રિન્સ દ્વારા 1888માં ઉતારાયું હતું.

અમેરિકન શોધક ટોમસ આલ્વા એડિસનના કાઇનેટોગ્રાફ અને કાઇનેટોસ્કોપની ખ્યાતિ 1893ના શિકાગો કોલંબિયન એક્સ્પો વર્લ્ડ ફેર પછી દુનિયાભરમાં ફેલાઈ. તેના પરથી પ્રેરણા લઈ ફ્રાંસના લુમિએર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફથી 1895માં પેરિસમાં પડદા પર ફિલ્મો રજૂ કરી. તે વિશ્વનો પ્રથમ કોમર્શિયલ મુવિ ફિલ્મ શો હતો.

આની ચર્ચા આપે અમારા અન્ય બ્લૉગ ‘અનામિકા’ પરના લેખ (06/11/2019) માં વાંચેલ છે. એક વાત હંમેશ માટે નોંધશો કે “ઇતિહાસમાં સર્વ પ્રથમ” કે “પહેલું કોણ” જેવા મુદ્દા ચર્ચાસ્પદ જ હોય છે. સિનેમાના ઇતિહાસમાં નોંધાયેલ અસ્પષ્ટ વિગતોને લીધે વિવાદો રહે છે; ઉપરાંત સિનેમાની નાની મોટી ટેકનોલોજીમાં તફાવત રહેતા હોવાથી “સર્વ પ્રથમ” બાબત મતભેદ રહે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુવિ ફિલ્મ માટેની ખરી ટેકનોલોજી ડેવલપ કરવાનો શ્રેય અમેરિકન શોધક ટૉમસ આલ્વા એડિસન અને ફ્રાન્સના લુમિએર બ્રધર્સને આપવો ઘટે.

મોશન પિક્ચરની બેઝિક ટેકનોલોજીના વિકાસમાં ટોમસ આલ્વા એડિસન (થોમસ આલ્વા એડિસન) અગ્રેસર હતા. એડિસનને નામે કાઇનેટોગ્રાફ તથા કાઇનેટોસ્કોપ જેવી શોધો છે. કાઇનેટોગ્રાફ એક પ્રકારનો મુવિ કેમેરા હતો જેનાથી મુવિંગ ઓબ્જેક્ટની ફિલ્મ ઉતારી શકાતી; કાઇનેટોસ્કોપ પ્રોજેક્ટર હતું જેમાં ‘પિપ-વ્યુ’ જેવી વ્યવસ્થા હતી. તેનાથી એક સમયે એક જ વ્યક્તિ તે ટૂંકી ફિલ્મ જોઈ શકતી.

વર્ષ 1893માં  ફ્રેંચ ભાઈઓ ઓગસ્ટે લુમિએર તથા લુઇ લુમિએરના પિતા એન્ટોઇન લુમિએર (લ્યુમિયેર/ લુમિયેર/ લ્યુમિએર)  શિકાગો, યુએસએના  એક્સ્પો વર્લ્ડ ફેરની મુલાકાતે ગયા હતા. ‘વર્લ્ડ કોલંબિયન એક્સ્પોઝિશન’ (1893) નામક શિકાગોના વિશ્વમેળામાં ટોમસ આલ્વા એડિસનના કાઇનેટોસ્કોપનું પ્રથમ નિર્દેશન થયું. તેનાથી એન્ટોઇન લુમિએર ખૂબ પ્રભાવિત થયા. ફ્રાન્સ પરત આવી તેમણે પોતાના પુત્રોને નવીન ટેકનિક વાપરી કાઇનેટોસ્કોપથી ચડિયાતું સિનેમેટોગ્રાફ બનાવવા પ્રેરણા આપી.

દોઢ-બે વર્ષમાં જ લુમિએર (લ્યુમિયેર/ લુમિયેર) બંધુઓએ બહેતર ટેકનિકથી સજ્જ સિનેમેટોગ્રાફ બનાવ્યું!

એડિસનના કાઇનેટોસ્કોપમાં એક સમયે માત્ર એક વ્યક્તિ મુવિંગ ફિલ્મ જોઈ શકતી; જ્યારે લુમિએર બ્રધર્સના સિનેમેટોગ્રાફથી અનેક વ્યક્તિઓ સાથે બેસીને પડદા/ સ્ક્રીન પર ફિલ્મ જોઈ શકતા. લુમિએર બ્રધર્સ દ્વારા 1895માં વિશ્વની પહેલી ફિલ્મ પડદા પર વ્યાવસાયિક ધોરણે પ્રદર્શિત થઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિશ્વમાં કોમર્શિયલ સિનેમાના સૌ પ્રથમ શો

લુમિએર બ્રધર્સનો આ પહેલો પબ્લિક ફિલ્મ શો 1895ના 28મી ડિસેમ્બરના દિને પેરિસમાં ગ્રાન્ડ કાફે રેસ્ટોરાંના બિલ્ડિંગમાં ઇન્ડિયા સલુન (સલોં ઇન્ડિયન) ખાતે યોજાયો.

વિશ્વના પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શોની સફળતાએ દુનિયાભરમાં લુમિએર ભાઈઓનું નામ રોશન કર્યું. લુમિએર બ્રધર્સની ટૂંકી ફિલ્મો 1896ના 20 ફેબ્રુઆરીના રોજ  લંડનમાં પ્રદર્શિત થઈ. તે જ વર્ષે જૂન મહિનામાં અમેરિકામાં તેમની મુવિ ફિલ્મોનો પ્રથમ શો યોજાયો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1896ના 29 જૂનના દિને લુમિએરની ફિલ્મોને ન્યૂ યૉર્કમાં પ્રદર્શિત કરવામાં આવી જે અમેરિકાનો સૌ પ્રથમ ફિલ્મ શો હતો. તે સાથે અમેરિકામાં સિનેમા ઉદ્યોગનાં દ્વાર ખુલી ગયાં.

1896ના 7 જુલાઈના રોજ લુમિએર બ્રધર્સની ફિલ્મ્સને મુંબઈના ફોર્ટ – કાલા ઘોડા વિસ્તારમાં વૉટ્સન એસ્પ્લેનેડ હોટેલ (વોટસન હોટેલ) માં બતાવવામાં આવી, જે ભારતનો સર્વ પ્રથમ ફિલ્મ શો હતો. આમ, ભારતમાં ફિલ્મ ઉદ્યોગનો આરંભ લુમિએર ફિલ્મ્સના વોટ્સન હોટેલ (મુંબઈ) ના કોમર્શિયલ શોથી થયો.

તે સાથે ફિલ્મ ક્ષેત્રે  ભારતમાં અમેરિકાથી પણ વધારે રસ જાગ્યો!!

આપે અમારા બ્લૉગ ‘અનન્યા’ પર વાંચ્યું છે કે અમેરિકામાં હજી ઉચ્ચ કક્ષાની ફીચર ફિલ્મ બની ન હતી ત્યારે, 1912માં ભારતના રામચંદ્ર તોરણે (આર જી તોરણે / તોરણેદાદા) એ વિદેશી ટેકનિકલ જાણકારીથી બનાવેલ પ્રથમ ફીચર ફિલ્મ ‘રાજા પુંડલિક’   કોરોનેશન સિનેમા (મુંબઈ) માં રજૂ કરી. આર જી તોરણેની ‘રાજા પુંડલિક’ મુંબઈમાં ગિરગામના  સેન્ડહર્સ્ટ રોડ પર આવેલ જે કોરોનેશન થિયેટરમાં રજૂ થઈ, તે જ કોરોનેશનમાં 1913માં દાદાસાહેબ ફાળકેની પૂર્ણતયા ભારતીય રીતે નિર્માણ પામેલ પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રજૂ થઈ.

તત્પશ્ચાત મુંબઈના ‘બૉમ્બે સિનેમા’ કહેવાયેલા ચલચિત્ર જગતનો એવો વિકાસ થયો કે દુનિયાભરમાં તેનો ડંકો વાગ્યો. મુંબઈનાં સુપ્રસિદ્ધ થિયેટરો – કોરોનેશન અને ઇમ્પિરિયલથી લઈને મેટ્રો રીગલ ઇરોસ મરાઠામંદિર સુધીના – ની વાત આપે અમારા બ્લૉગ ‘અનામિકા’ (10 મે 2020)  પર વાંચી છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આરંભ ન્યૂ જર્સીમાં

અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે હોલિવુડ (હૉલિવુડ) એમ આપણે માનીએ છીએ.

સૌ એમ જ માને કે અમેરિકન સિને ઉદ્યોગની શરૂઆત લોસ એન્જેલસ (કેલિફોર્નિયા)ના હોલિવુડમાં થઈ. પણ ના, અમેરિકાના ફિલ્મ ઉદ્યોગનો આરંભ હોલિવુડ-લોસ એન્જેલસથી પૂર્વમાં સાડા ચાર હજાર કિલોમીટર દૂર ન્યૂ જર્સીમાં થયો!

વિશ્વના સૌથી મોટા સંશોધક ટોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રિસિટી, ફોટોગ્રાફી આદિ વિવિધ ક્ષેત્રોમાં શોધખોળ માટે વેસ્ટ ઓરેંજ, ન્યૂ જર્સી માં લેબોરેટરી સંકુલ ઊભું કર્યું હતું. ત્યાં એડિસન તથા તેમના સાથીદાર ડિકસન મોશન પિક્ચર ટેકનોલોજી પર સંશોધન કરતા. ‘ટોમસ એ એડિસન લેબોરેટરીઝ’માં દુનિયાનો સૌ પહેલો ફિલ્મ સ્ટુડિયો બનાવવામાં આવ્યો. મુવિંગ પિક્ચર્સ (હાલતાં ચાલતાં ચિત્રો) માટે વિશ્વનો પ્રથમ ફિલ્મ સ્ટુડિયો ટોમસ આલ્વા એડિસન દ્વારા સ્થાપિત ‘બ્લેક મારિયા’ હતો. પછી ‘બ્લેક મારિયા’માં એડિસન તથા તેમના સહયોગી ડિકસન અતિ ટૂંકી ફિલ્મો બનાવતા. તેને ન્યૂ યૉર્કના બ્રોડ વે પર કાઇનેટોસ્કોપ પાર્લરમાં બતાવવામાં આવતી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વીસમી સદીના પહેલા દશકામાં ન્યૂ જર્સી સ્ટેટના ફોર્ટ લિ ખાતે ફિલ્મ ઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો. ન્યૂ જર્સીમાં એડિસન લેબોરેટરી સંકુલથી 30-35 કિલોમીટર દૂર, હડસન નદીના તટપ્રદેશમાં  આવેલ ફોર્ટ લિ ફિલ્મ નિર્માણનું કેન્દ્ર બન્યું. જી હા, ફોર્ટ લિ-ન્યૂ જર્સીને અમેરિકન ફિલ્મ ઉદ્યોગનું જન્મસ્થાન ગણવામાં આવે છે.

ફોર્ટ લિ (ન્યૂ જર્સી) પહોંચવા આપે ન્યૂ યૉર્કના મેનહટન વિસ્તારમાં વોશિંગ્ટન બ્રિજથી હડસન નદી પાર કરવી પડે. ન્યૂ યોર્કની કાલેમ કંપની1907માં ફોર્ટ લિના લોકેશન પર પ્રથમ ફિલ્મ બનાવી. અન્ય ફિલ્મ મેકર પણ ફિલ્મ ઉતારવા તે લોકેશનને પસંદ કરવા લાગ્યા. 1909માં ‘ચેમ્પિયન ફિલ્મ કંપની’ફોર્ટ લિ ખાતે પહેલો ફિલ્મ સ્ટુડિયો ઊભો કર્યો જેથી ત્યાં ફિલ્મોનાં નિર્માણ થઈ શકે. જોતજોતામાં ગોલ્ડવિન પિક્ચર કોર્પોરેશન, મેટ્રો પિક્ચર કોર્પોરેશન, ફોક્સ ફિલ્મ કંપની, વિક્ટર ફિલ્મ કંપની આદિ ફિલ્મ પ્રોડક્શન કંપનીઓએ ફોર્ટ લિમાં મૂગી – સાયલેન્ટ ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું. વિશ્વવિખ્યાત ફ્રેંચ ફિલ્મ સર્જક જ્યોર્જ મેલ્યેઝ (મેલિયેઝ) ના ભાઈ ગેસ્ટન મેલ્યેઝની કંપની પણ તેમાં જોડાઈ. ફોર્ટ લિ અમેરિકાના સાયલેન્ટ સિનેમાના નિર્માણ અર્થે અગ્રીમ કેન્દ્ર બની ગયું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોલિવુડના વિકાસની કહાણી

હોલિવુડ એ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના લોસ એંજેલસ શહેરનો વિસ્તાર છે જ્યાં હાલ અમેરિકાનો સિનેમા ઉદ્યોગ વિકસ્યો છે. આજથી પોણા બસો – બસો  વર્ષ પહેલાં કેલિફોર્નિયા પર સ્પેન અને મેક્સિકોનો કબજો હતો.

1840ના દાયકામાં કેલિફોર્નિયામાં સોનું મળ્યું અને સૌ સોનું ખોદી કાઢવા ત્યાં  દોડ્યા! ઇતિહાસ-પ્રસિદ્ધ ‘ગોલ્ડ રશ’ શરૂ થયો. 1850 ના અરસામાં કેલિફોર્નિયા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું રાજ્ય (સ્ટેટ)  બન્યું, ત્યારે તેની વસ્તી માંડ એકાદ લાખની હતી! સોના પાછળની દોટ ‘ગોલ્ડ રશ’ના પગલે કેલિફોર્નિયાનો વિકાસ અવિરત થતો ગયો.

150 વર્ષ પહેલાં હોલિવુડ અસ્તિત્વમાં આવ્યું ન હતું! લોસ એંજેલસ શહેરનો એક મોટો વિસ્તાર ડેવલપ કરવાનો શ્રેય હોબાર્ટ જે વ્હીટલી (એચ જે વ્હિટલિ) નામના રિયલ એસ્ટેટ ડેવલપરને જાય છે. વિશાળ જમીન ખરીદીને એચ જે વ્હીટલીએ તેની કાયાપલટ કરી અને આ વિસ્તાર હોલિવુડ કહેવાયો.

1903માં હોલિવુડ વિસ્તારને મ્યુનિસિપાલિટી દ્વારા વહીવટનો દરજ્જો મળ્યો. ત્યારે હજી ફિલ્મ ઉદ્યોગનું  અહીં નામનિશાન ન હતું! હોલિવુડ વિકસતું હતું અમેરિકાના પશ્ચિમ છેડે, અમેરિકાનું સિનેમા જગત વિકસતું હતું પૂર્વ છેડે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોલિવુડ બન્યું ફિલ્મ નિર્માણનું નવીન કેન્દ્ર

વખત વીત્યે અમેરિકન ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન પશ્ચિમ અમેરિકામાં કેલિફોર્નિયા તરફ દોરાયું. ફિલ્મ નિર્માણ માટે આવશ્યક પરિબળો સૂર્યપ્રકાશ અને આબોહવા કેલિફોર્નિયામાં સહજ હતાં. ઉપરાંત, પૂર્વનાં રાજ્યોમાં પરેશાન કરતા થોમસ એડિસનના પેટંટના પ્રશ્નો પશ્ચિમમાં નડતા ન હતાં.

1910માં ન્યૂ યોર્કની બાયોગ્રાફ કંપનીના ફિલ્મ ડાયરેક્ટર ડી ડબલ્યુ ગ્રિફિથ (ડેવિડ ડબલ્યુ ગ્રીફીથ) કેલિફોર્નિયા ગયા અને તેમણે પોતાની કેટલીક ફિલ્મો ત્યાં શુટ કરી. તે સમયે લોસ એંજેલસનો હોલિવુડ વિસ્તાર વિકસતો હતો. વર્ષ 1910માં બાયોગ્રાફ કંપની માટે ડી ડબલ્યુ ગ્રિફિથની હોલિવુડમાં ઉતારાયેલી સર્વ પ્રથમ ફિલ્મઇન ઓલ્ડ કેલિફોર્નિયા’ હતી.

1911માં નેસ્ટર ફિલ્મ કંપનીહોલિવુડનો સૌ પ્રથમ સ્થાયી ફિલ્મ સ્ટુડિયો ઊભો કર્યો અને ફિલ્મ પણ બનાવી. હોલિવુડના જ સ્ટુડિયો દ્વારા હોલિવુડમાં જ બનેલી આ પ્રથમ ફિલ્મના શુટિંગમાં હોલિવુડના પાયોનિયર પ્રોપર્ટી ડેવલપર એચ જે વ્હિટલીના નિવાસસ્થાનનો ઉપયોગ થયો હતો.

હોલિવુડના પોતાના સિને સ્ટુડિયોમાં ફિલ્મો ઉતરવા લાગી. નેસ્ટર પછી અન્ય ફિલ્મ સ્ટુડિયો પણ ઊભા થવા લાગ્યા. આમ, અમેરિકામાં ફિલ્મ નિર્માણના મુખ્ય કેન્દ્ર તરીકે હોલિવુડની પ્રગતિ થતી ગઈ.

અમેરિકામાં મહત્તમ એકેડેમિ / ઓસ્કાર એવોર્ડ જીતનાર ફિલ્મો હોલિવુડના કોલંબિયા, પેરેમાઉન્ટ, એમજીએમ, વોર્નર બ્રધર્સ, ટ્વેન્ટિએથ સેન્ચરિ ફોક્સ જેવા સ્ટુડિયોએ બનાવી છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ અને પ્રસિદ્ધ સ્ટુડિયોઝ

એચ જે વ્હીટલિની વ્યાવસાયિક કુનેહથી ઘણી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ હોલિવુડમાં આવી ગઈ. તે પહેલાં અમેરિકામાં નોંધપાત્ર ફિલ્મો બની ચૂકી હતી.

1903માં એડિસનની કંપની માટે સમર્થ દિગ્દર્શક એડવિન સ્ટેન્ટન પોર્ટર દ્વારા બે વિક્રમસર્જક ફિલ્મો બની હતી: 1903ના ઑગસ્ટમાં ‘અંકલ ટોમ્સ કેબિન’ અને 1903ના ડિસેમ્બરમાં ‘ધ ગ્રેટ ટ્રેઇન રોબરી’. તે બંને ફિલ્મો ખૂબ આવકાર પામી હતી.

એડવિન પોર્ટર, ડી ડબલ્યુ ગ્રિફિથ અને ફ્રાન્સના જ્યોર્જ મેલ્યેઝ જેવા નવસર્જક દિગ્દર્શકોની સફળ ફિલ્મો પરથી પ્રેરણા લઈ હોલિવુડની કંપનીઓએ ભાતભાતની સાયલેન્ટ ફિલ્મો રજૂ કરવી શરૂ કરી. જો કે 1914-1918ના પ્રથમ વિશ્વયુદ્ધની અસરોએ હોલિવુડના સિનેમા ઉદ્યોગને પ્રભાવિત તો કર્યો. પરંતુ કંપનીઓના પરસ્પર જોડાણ કે એકમેકમાં વિલયથી મોટી ફિલ્મ કંપનીઓ ઊભી થતી ગઈ અને ટેકનોલોજીથી સુસજ્જ ફિલ્મ સ્ટુડિયો બનતા ગયા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1925 સુધીમાં યુનિવર્સલ, પેરામાઉન્ટ, કોલંબિયા, મેટ્રો-ગોલ્ડવિન-માયર (એમજીએમ), વોર્નર બ્રધર્સ આદિ કંપનીઓના સ્ટુડિયોઝ હોલિવુડ-લોસ એંજેલસ ક્ષેત્રમાં આવી ગયા. ટ્વેન્ટિએથ સેન્ચ્યુરિ ફોક્સ (ટ્વેન્ટિએથ સેંચરિ ફોક્સ 20th Century Fox) 1935માં આવી અને જાયન્ટ હોલિવુડ ફિલ્મ પ્રોડક્શન કંપની બની.

સાયલેન્ટ ફિલ્મોના જમાનામાં યાદગાર ફિલ્મો બની. તેમાં ડી ડબલ્યુ ગ્રિફિથની ’બર્થ ઓફ એ નેશન’ (1915) તથા ચાર્લિ ચેપ્લિનની ‘ધ કિડ’ (1921) અવશ્ય મૂકવી ઘટે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સાયલેન્ટ ફિલ્મોથી સાઉન્ડ ફિલ્મ

1927માં સિનેમા જગતમાં સિન્ક્રોનાઇઝડ સાઉન્ડ ટેકનોલોજીએ ક્રાંતિ સર્જી. તે અગાઉ સાઉન્ડને, ખાસ કરીને મ્યુઝિકને મૂગી ફિલ્મના કેટલાક દ્રશ્યો સાથે સાંકળીને કેટલીક ફિલ્મો બની હતી. ત્યારે વોર્નર બ્રધર્સની પેટા કંપની ‘વાઇટાફોન’ની સાઉન્ડ-ઓન-ડિસ્ક ટેકનોલોજી રજૂ થઈ. સાયલેન્ટ ફિલ્મનું શુટિંગ રીલ પર થતું, તેને અનુરૂપ ધ્વનિમુદ્રણ (સાઉન્ડ રેકોર્ડિંગ) અલગથી વાઇટાફોન સાઉન્ડ ડિસ્ક પર થતું. ફિલ્મ પ્રોજેક્ટ કરતી વેળા સાઉન્ડ ડિસ્કને ફિલ્મની રીલ સાથે સિંક્રોનાઇઝ કરી ફિલ્મ બતાવાતી.

આવી સાઉન્ડ ટેકનોલોજીના પ્રયોજનથી 1927માં વિશ્વની પ્રથમ ફીચર ફિલ્મ જે બોલતી ફિલ્મ-ટૉકિ- તરીકે આવી તે વોર્નર બ્રધર્સની ‘જાઝ સિંગર’ હતી. જો કે જાઝ સિંગર સંપૂર્ણપણે સાઉન્ડ ફિલ્મ ન હતી. 1928માં વોર્નર બ્રધર્સની સાઉન્ડ ફિલ્મ ‘લાઇટ્સ ઓફ ન્યૂ યૉર્ક’ આવી જે હોલિવુડની પ્રથમ ફીચર ફિલ્મ જેમાં તમામ સંવાદો રેકોર્ડેડ હતા.

તે દરમ્યાન થિયોડોર કેસ અને તેમની ટીમે ‘મુવિટોન સિસ્ટમ’ ડેવલપ કરી જે સાઉન્ડ-ઓન-ફિલ્મ ટેકનોલોજી આધારિત હતી. વિલિયમ ફોક્સની ફોક્સ ફિલ્મ કોર્પોરેશને મુવિટોન સાઉન્ડ-ઓન-ફિલ્મ ટેકનોલોજીને ખરીદી લીધી. ફોક્સ કંપનીની મુવિટોન ટેકનોલોજીને સિનેમા જગતમાં ખૂબ આવકાર મળ્યો. થોડાં વર્ષોમાં તો વોર્નરની ‘વાઇટાફોન’ સાઉન્ડ-ઓન-ડિસ્ક ટેકનોલોજીને પછાડીને ફોક્સની ‘મુવિટોન’ સાઉન્ડ-ઓન-ફિલ્મ ટેકનોલોજી એક સ્ટાન્ડર્ડ બની ગઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય લેખ-સંક્ષેપ: અમેરિકાના સિનેમાજગત અને હોલિવુડના ઇતિહાસની એક ઝલક
  • સિનેમાના ઇતિહાસમાં એડવર્ડ માયબ્રિજ (અમેરિકા) ની મોશન-ઇન-ફોટોગ્રાફીનું આગવું મહત્વ
  • 1888 માં લિડ્ઝ (ઇંગ્લેન્ડ) માં લુઇ લિ પ્રિન્સ દ્વારા ઉતારાયું પ્રથમ મોશન પિક્ચર ‘રાઉન્ડ હે ગાર્ડન સિન’
  • મોશન પિક્ચર ટેકનોલોજીમાં અમેરિકાના ટોમસ આલ્વા એડિસનના કાઇનેટોગ્રાફ તથા કાઇનેટોસ્કોપનો અમૂલ્ય ફાળો
  • પેરિસ (ફ્રાન્સ) માં લુમિએર બ્રધર્સની ટૂંકી ફિલ્મોનો યોજાયો વિશ્વનો સર્વ પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો
  • વીસમી સદીના આરંભે અમેરિકામાં સિને ઉદ્યોગનો આરંભ ન્યૂ જર્સીમાં
  • હડસન નદી તટે ફોર્ટ લિ (ન્યૂ જર્સી) બન્યું ફિલ્મ નિર્માણનું પહેલું કેંદ્ર
  • લોસ એંજેલસ શહેર (કેલિફોર્નિયા) માં હોલિવુડ વિસ્તાર વિકસાવનાર એચ જે વ્હિટલિ નામક પ્રોપર્ટી ડેવલપર
  • ટૉમસ એ એડિસનની કંપની માટે એડવિન એસ પોર્ટરના દિગ્દર્શનમાં ઉતરેલી ખ્યાતનામ ફિલ્મો ‘અંકલ ટોમ્સ કેબિન’ અને ‘ધ ગ્રેટ ટ્રેઇન રોબરી’
  • 1910 પછી હોલિવુડ બન્યું અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર
  • સાયલેંટ ફિલ્મના યુગમાં ડી ડબલ્યુ ગ્રિફિથની ’બર્થ ઓફ એ નેશન’ (1915) તથા ચાર્લિ ચેપ્લિનની ‘ધ કિડ’ (1921) નોંધપાત્ર ફિલ્મો
  • 1927માં ટોકી મુવિ / બોલપટ (ટૉકિઝ) ફિલ્મોનો પ્રારંભ; વોર્નર બ્રધર્સની ‘જાઝ સિંગર’ પ્રથમ ટોકી મુવિ
  • સાઉન્ડ ટેકનોલોજીમાં વોર્નરની ‘વાઇટાફોન’ સાઉન્ડ-ઓન-ડિસ્ક ટેકનોલોજી કરતાં ફોક્સની ‘મુવિટોન’ સાઉન્ડ-ઓન-ફિલ્મ ટેકનોલોજી બની સ્વીકાર્ય

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 *** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

આપને અન્ય રસપ્રદ લેખ વાંચવા છે? નીચે ક્લિક કરવા વિનંતી:

હોલિવુડનાં પ્રસિદ્ધ સ્ટુડિયો અને ઓસ્કાર વિનર ફિલ્મોની કહાણી

મુંબઈનાં ભૂલાતાં જતાં યાદગાર થિયેટરોની વાત

ભારતમાં ક્રિકેટના આરંભનો ઇતિહાસ

આલ્બર્ટ આઇન્સ્ટાઇને ભાખેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝની રોમાંચક શોધ

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

Please write your Comment