.
17 ઑગસ્ટ, 2017ના રોજ લિગો – વર્ગોનાં વૈજ્ઞાનિકોએ બે ન્યૂટોન સ્ટાર્સના મર્જરથી સર્જાયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝને સર્વ પ્રથમ વખત ‘ડિટેક્ટ’ કર્યાં હતાં.
ગ્રેવિટેશનલ વેવ્ઝનું આ પાંચમું ડિટેક્શન હતું. અગાઉના ચારેય ડિટેક્શનમાં ગ્રેવિટેશનલ વેવ્ઝ બે બ્લેક હોલના મર્જરથી સર્જાયાં હતાં. 17 ઑગસ્ટના રોજ ડિટેક્ટ થયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ સૌ પ્રથમ વખત બે ન્યૂટોન સ્ટાર્સની પ્રચંડ અથડામણથી ઉદભવેલાં નોંધાયાં હતાં.
પૃથ્વીથી ‘માત્ર’ 130 મિલ્યન લાઇટ યર (તેર કરોડ પ્રકાશ વર્ષ) દૂર આવેલ કોઈ ગેલેક્સીમાં ન્યૂટોન સ્ટાર્સની આ વિસ્ફોટક અથડામણ એક ઐતિહાસિક કોસ્મિક ઘટના ગણાઈ છે, તેનાં ઘણાં કારણો છે.
- છેલ્લાં બે વર્ષમાં નોંધાયેલાં ચાર ગ્રેવિટેશનલ વેવ્ઝનાં ઉદભવસ્થાન પૃથ્વીથી કરોડો પ્રકાશ વર્ષ દૂર હતાં. જ્યારે આ ન્યૂટોન સ્ટાર્સની અથડામણ ‘માત્ર’ તેર કરોડ પ્રકાશવર્ષ દૂર થઈ હતી.
- પૃથ્વીથી “ઘણી નજીક” (!) બનેલ આ વિસ્ફોટક ઘટનાએ સ્પેસ – ટાઇમ ફેબ્રિકમાં રિપલ્સ ઊભા કર્યા હતા જેને આપણે ગ્રેવિટેશનલ વેવ્ઝ કહીએ છીએ.
- આ ગ્રેવિટેશનલ વેવ્ઝ અમેરિકાની લિગો ઓબ્ઝર્વેટરીઝ પર નોંધાયાં કે તરત પિઝા (ઇટલી, યુરોપ) ના વર્ગો લેસર ઇન્ટરફેરોમીટરથી પણ પરખાયાં હતાં. બે જ સેકંડ પછી નાસા (યુએસએ) ના અવકાશમાં રહેલા ફર્મી સ્પેસ ટેલિસ્કોપ પર ન્યૂટોન સ્ટાર્સની અથડામણના ફળસ્વરૂપ ગેમા રેડિયેશન્સનો અસ્ખલિત સ્ફોટ જણાયો હતો.
- ન્યૂટોન સ્ટાર્સના પરસ્પરમાં વિલય / મર્જર પછી આ ઉપરાંત ગોલ્ડ – સિલ્વર જેવી હેવી મેટલના – મેટલિક રેડિયોએક્ટિવ – કણો પણ અવકાશમાં ફેંકાયા હતા.
- બે ન્યૂટોન સ્ટાર્સની અથડામણથી થતો મહા વિસ્ફોટ ‘કિલોનોવા’ કહેવાય છે, જેમાં પ્રકાશ અને રેડિયેશન બહાર ફેંકાય છે. તે પાવરફુલ ટેલિસ્કોપ પર ‘ઝીલી’ શકાય છે.
- અગાઉનાં ચારેય ડિટેક્શનમાં ગ્રેવિટેશનલ વેવ્ઝ બ્લેક હોલની અથડામણથી સર્જાયાં હતાં તે ‘મધુસંચય’ના વાચકો જાણે છે. બ્લેક હોલ ‘દ્રશ્ય’ (વિઝિબલ) હોતાં નથી. તેથી તેમનાં મર્જરને, મર્જરના પરિણામોને ટેલિસ્કોપ પર ‘નિહાળી’ શકાતાં નથી. જ્યારે ન્યૂટોન સ્ટાર્સ જોઈ શકાય છે. તેમનાં મર્જરનાં પરિણામો વિઝિબલ અને ઇનવિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમમાં જોઈ શકાયાં હતાં.
- લિગો-વર્ગો-ફર્મીનાં અવલોકનોની જાણ તત્કાળ વિશ્વની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓને કરવામાં આવી હતી. વિશ્વનાં અસંખ્ય પ્રમુખ ટેલિસ્કોપ પર હજારો વૈજ્ઞાનિકોએ ન્યૂટોન સ્ટાર્સના મર્જર પછી સ્ફુરિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ ‘નિહાળ્યાં’ હતાં. આમ, ‘કિલોનોવા’ એક અદ્વિતીય કોસ્મિક ઘટના હતી જેના સાક્ષી હજારો વૈજ્ઞાનિકો બન્યા હતા.
- વૈજ્ઞાનિકોએ એ પણ નોંધ્યું કે ન્યૂટોન સ્ટાર્સના વિસ્ફોટક કિલોનોવાને કારણે સોનું અને ચાંદી જેવી ભારે ધાતુઓ અવકાશમાં બની હતી. ન્યૂટોન સ્ટાર્સને કારણે લોખંડ કરતાં ભારે ધાતુઓના સર્જનની પ્રક્રિયાની સાબિતી મળતાં કિલોનોવામાં વૈજ્ઞાનિકોનો રસ ઑર વધી ગયો હતો.
- થોડા દાયકા પહેલાં ખગોળવિજ્ઞાન માત્ર પ્રકાશથી દેખાતાં અવકાશી પદાર્થોનો અભ્યાસ કરી શકતું હતું. મહદ અંશે લાઇટ અને ટેલિસ્કોપ પર આધારિત હતું. ઑપ્ટિકલ એસ્ટ્રોનોમીએ ખગોળશાસ્ત્રની મર્યાદા બાંધી હતી; આજે રેડિયો એસ્ટ્રોનોમીએ ખગોળશાસ્ત્રને મર્યાદાઓમાંથી બહાર કાઢ્યું છે. હવે ગ્રેવિટેશનલ વેવ્ઝ તેમજ ફાસ્ટ રેડિયો બર્સ્ટ આપણને બ્રહ્માંડના અનંત અંતરે આવેલા અજ્ઞાત ખૂણાઓની તથા ત્યાં બનતી ઘટનાઓની માહિતી આપે છે.
- એસ્ટ્રોનોમી તથા ફિઝિક્સની શાખા-પ્રશાખાઓ વિસ્તરતી જાય છે. એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોનોમી, ગ્રેવિટેશનલ ફિઝિક્સ, ગ્રેવિટેશનલ વેવ એસ્ટ્રોનોમી આદિ અવનવી બ્રાંચીઝ ઝડપથી વિકસી રહી છે.
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * *
ન્યુટ્રોન સ્ટાર શું છે? તે જાણવા અહીં ક્લિક કરો.
ન્યુટ્રીનો એસ્ટ્રોનોમી શું છે? તે જાણવા અહીં ક્લિક કરો.
ગ્રેવિટેશનલ વેવ્ઝ શું છે? તે જાણવા અહીં ક્લિક કરો.
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * *
3 thoughts on “વૈજ્ઞાનિકોએ ‘નિહાળી’ ન્યૂટ્રોન સ્ટાર્સથી સર્જાયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ – ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સની વિરલ ઘટના”