વિમેન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણ , ફેમિનિઝમ કે જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો બસો વર્ષ પહેલાં ગૂંજતા થયા ન હતા. સ્ત્રીશિક્ષણ તો બાજુએ રહ્યું, બાળલગ્નની પ્રથા ઘર કરી બેઠી હતી. બાલવિધવાના દુ:ખનો પાર ન હતો. સ્ત્રીને રૂઢિઓની જંજીરોમાં જકડી ઘરમાં પૂરી રાખતો સમાજ કેવો સંકુચિત હશે! આવા સમાજનાં બંધનો તોડીને સ્ત્રીશક્તિને ઉદિત કરનાર વિરલ વિભૂતિઓનાં જીવન પ્રાણવાન હોય છે. રૂઢિચુસ્ત સમાજના વિચારોને અવગણી, મહિલાવર્ગને નવી પગદંડી બતાવનાર એક નિર્ભય, સાહસિક ભારતીય સન્નારી હતાં આનંદીબાઈ ગોપાલરાવ જોશી. જ્યારે ઘરની ચોખટ પાર કરનાર સ્ત્રી સામે આંગળી ઊઠતી, તે જમાનામાં આનંદીબાઈ જોશી અમેરિકા જઈ, મેડિકલનો અભ્યાસ કરી, એમડીની ઉચ્ચ ડિગ્રી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા. આવો, ‘મધુસંચય’ પર વાંચો ડૉ આનંદી ગોપાલ જોશીની પૂરી કહાણી.
[અહીંથી આગળ વાંચવા આ લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]
આનંદી જોશીના જન્મ સમયનું કચડાયેલું હિંદુસ્તાન
ઇતિહાસ ગવાહ છે કે દિલ્હી સલ્તનત અને મોગલ કાળમાં હિંદુસ્તાનના રાજ્યકર્તાઓમાં એકતાનો એવો અભાવ રહ્યો કે વિદેશીઓ ફાવતા ગયા! જાતિવાદના મિથ્યાભિમાનમાં રાચતી નિર્માલ્ય પ્રજાઓ તથા સ્વાર્થમાં અંધ થયેલા તેમના શાસકોએ દેશને ખુવાર કરી દીધો! અંગ્રેજો વ્યાપારના ઉદ્દેશથી હિંદુસ્તાન આવ્યા અને સત્તા જમાવી બેઠા. સુરતમાં ઇસ્ટ ઇંડિયા કંપનીની પહેલી કોઠી સ્થાપીને અંગ્રેજોએ મુંબઈ સુધી હાથ લંબાવ્યો. 1757માં પ્લાસીના યુદ્ધ પછી બ્રિટીશ હકૂમતનો વિસ્તાર થતો ગયો. 1857નો પ્રથમ સ્વાતંત્રસંગ્રામ નિષ્પ્રાણ પ્રજા અને કેટલાક દ્રષ્ટિવિહોણા શાસકોને કારણે ધારી સફળતા ન પામી શક્યો.
આવી હતાશામાં ડૂબેલા, આજથી 150 વર્ષ પહેલાના હિંદુસ્તાનમાં સ્ત્રી શક્તિનું એક અનેરું બીજ ખીલ્યું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
ગાંધીજીના જન્મથી પણ પહેલાં આનંદીબાઈનો જન્મ થયો! વર્ષ હતું 1865.
સ્ત્રીને કચડાયેલી રાખતા સમાજની ઉપજ એક નિર્બળા પણ દ્રઢનિશ્ચયી નારી આનંદીબાઈની આ વાત છે.
આનંદીબાઈએ બાળપણથી ઝીલ્યા પડકારો
આનંદીબાઈનો જન્મ 31 માર્ચ, 1865ના રોજ મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો તેમના પિતાનું નામ ગણપતરાવ જોશી અને માતાનું નામ ગંગબાઈ જોશી. આનંદીબાઈનું બાળપણનું નામ યમુના.
1874માં, માત્ર નવ વર્ષની ઉંમરે યમુનાનાં લગ્ન ગોપાલરાવ વિનાયક જોશી સાથે થયાં. લગ્ન પછી પતિ ગોપાલરાવે યમુનાનું નામ બદલીને આનંદી રાખ્યું.
પતિ ગોપાલરાવ બાળકી આનંદી કરતાં વીસેક વર્ષ મોટા હતા!! ગોપાલરાવ જોશી પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી કરતા હતા. કહે છે કે ગોપાલરાવ આકરા સ્વભાવના હતા અને જમાના પ્રમાણે ધણીપણું બતાવી ક્યારેક પત્નીને દબાવવાની વૃત્તિ ધરાવતા હતા. આમ છતાં તે સુધારાવાદી વિચારોથી પ્રભાવિત હતા. તેમણે આનંદીબાઈને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યાં. આનંદીબાઈએ ઇંગ્લિશ અને સંસ્કૃત જેવી ભાષાઓનો અભ્યાસ કર્યો. સ્ત્રી શિક્ષણનું નામ ન લેવાતું તે જમાનામાં આનંદીબાઈ અંગ્રેજી ભાષા શીખી ગયાં હતાં.
માત્ર ચૌદ વર્ષની ઉંમરે આનંદીબાઈએ પુત્રને જન્મ આપ્યો, પણ માંડ દસ દિવસ જીવીને પુત્રનું મૃત્યુ થયું. તે જમાનામાં અધકચરું જ્ઞાન ધરાવતી દાયણો કે મીડવાઇફ પ્રસૂતિ કરાવતી; તેઓ નવજાત શિશુ અને પ્રસૂતાની સાર-સંભાળ પણ લેતી. બાળમરણ અને પ્રસૂતાના મૃત્યુનાં આંક ઊંચાં રહેતાં. યોગ્ય સારવારના અભાવે પુત્રના બાળમરણથી આનંદીબાઈને ભારે આઘાત લાગ્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
આનંદીબાઈનું કલકત્તામાં જીવન પરિવર્તન
આ દરમ્યાન ગોપાલરાવની બદલી કલ્યાણ (મહારાષ્ટ્ર) થી અલીબાગ અને પછી કલકત્તા (હાલ કોલકતા) થતાં જોશી પરિવારને અવનવા પ્રદેશોના લોકો અને તેમના વિચારો જાણવાના મળ્યા. બંગાળમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રસાર સાથે સમાજ પરિવર્તનની લહેર ઊઠી હતી. વળી પંડિતા રમાબાઈ સરસ્વતીએ તાજેતરમાં પોતાની તેજસ્વી બુદ્ધિશક્તિથી બંગાળના આગેવાનો પર જાદૂઈ અસર કરી હતી. માત્ર વીસ વર્ષની યુવાન વયે દક્ષિણ હિંદુસ્તાનમાંથી બંગાળ પહોંચી, વિચક્ષણ વાકચાતુર્ય અને સંસ્કૃત ગ્રંથોના અગાધ જ્ઞાનથી પંડિતા રમાબાઈએ કલકત્તાના કેશવચંદ્ર સેન સહિતના બૌદ્ધિકોને પ્રભાવિત કર્યા હતા.
આનંદીબાઈએ પંડિતા રમાબાઈ સરસ્વતીના જીવનમાંથી બોધપાઠ લીધો. બસ, ઉચ્ચ શિક્ષણ માટે આનંદીબાઈ અને ગોપાલરાવને પ્રેરણા મળી ગઈ.
અહીં જોશી દંપતિ સમાજસુધારકો સાથે ખ્રિસ્તી મિશનરી સહિત વિદેશીઓના સંપર્કમાં આવ્યા અને તેમનું વર્તુળ મોટું થયું. ગોપાલરાવે પત્નીને તબીબી શિક્ષણ માટે વિદેશ મોકલવાની તૈયારી કરી.
આનંદી ગોપાલ જોશીનો અમેરિકા જવા નિર્ધાર
જ્યારે હિંદુસ્તાનમાં સ્ત્રી અક્ષરજ્ઞાન લઈ શકતી ન હતી, જ્યારે પશ્ચિમમાં પણ સ્ત્રીઓને મેડિકલ અભ્યાસ માટે અવરોધોનો પાર ન હતો, ત્યારે જોશી દંપતિએ દેશને પ્રથમ સ્ત્રી ડૉક્ટર મળે તે માટે વિદેશ જવા નિશ્ચય કર્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
અમેરિકામાં સ્ત્રીઓ માટે મેડીકલ કોલેજ ચાલતી હતી. પણ અમેરિકા જવાના અને અભ્યાસ કરવાના ખર્ચા એ એક પ્રશ્ન; ત્યાં એડમિશન બીજો પ્રશ્ન; બધી બાબતે ક્રિશ્ચિયન મિશનરી સંસ્થાઓની મહેરબાની લેવી પડે! તે માટે ધર્મપરિવર્તન કરવું પડે! આનંદીબાઈ તે માટે જરા પણ તૈયાર ન હતાં.
હિંમતે મર્દા તો મદદે ખુદા. ન્યૂ યૉર્કમાં રહેતાં એક અમેરિકન સન્નારીના હૃદયમાં રામ વસ્યા! મિસિસ કાર્પેન્ટર (થિયોડિશિયા / થિયોડોસિયા કાર્પેંટર) નામક અમેરિકન મહિલાએ મદદનો ભરોસો આપી આનંદીબાઈને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું. તે સમયે અમેરિકા માત્ર દરિયાઈ માર્ગે જહાજ પહોંચી શકાતું.
કલકત્તા બંદરેથી 7 એપ્રિલ, 1883ના રોજ આનંદીબાઈ તેમની એક સહેલીને સાથે લઈ જહાજમાં અમેરિકા જવા નીકળ્યા.
અમેરિકામાં સ્ત્રીઓના તબીબી શિક્ષણ માટે સર્વ પ્રથમ મહિલા મેડિકલ કોલેજો
અમેરિકામાં મેડિસિન ક્ષેત્રે સ્ત્રીઓને તબીબી શિક્ષણ આપી ટ્રેઇન કરનાર સર્વ પ્રથમ વિમેન મેડિકલ કોલેજ બૉસ્ટન (મેસેચ્યુસેટ્સ, યુએસએ) ની ન્યૂ ઇંગ્લેન્ડ ફીમેલ મેડિકલ કોલેજ (મૂળ નામ: બૉસ્ટન ફીમેલ મેડિકલ કોલેજ) હતી. સેમ્યુઅલ ગ્રેગરી દ્વારા 1848માં સ્થપાયેલ ન્યૂ ઇંગ્લેન્ડ ફીમેલ મેડિકલ કોલેજ (બોસ્ટન ફીમેલ મેડિકલ કોલેજ) અમેરિકાની સૌ પ્રથમ મહિલા મેડિકલ કોલેજ હતી, પણ તે સ્વતંત્ર અસ્તિત્વ ન જાળવી શકી. પચ્ચીસેક વર્ષ પછી, 1874 માં ન્યૂ ઇંગ્લેન્ડ ફીમેલ મેડિકલ કોલેજ (એનઇએફએમસી) ને બૉસ્ટન યુનિવર્સિટી ઑફ મેડિસિનમાં ભેળવી દેવામાં આવી.
અમેરિકામાં સ્ત્રીઓ માટે બીજી મહિલા મેડિકલ કોલેજ ‘ધ ફીમેલ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા’ તરીકે 1850માં ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા (પેંસિલવેનિયા/પેંસિલવેનિયા) માં સ્થપાઈ. 1867માં ધ ફિમેલ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયાનું નામ બદલીને ધ વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી) કરવામાં આવ્યું.
અમેરિકામાં મહિલાઓને મેડિકલ શિક્ષણ પછી ડૉક્ટર તરીકે એમડી ની ડિગ્રી આપતી ડબલ્યુએમસીપી પ્રથમ મહિલા મેડિકલ કોલેજ બની.
વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા 1970માં પુરૂષ- સ્ત્રી તબીબો માટે સહશિક્ષણ આપતી સંસ્થા બની અને તેને નવું નામ ધ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (એમસીપી) અપાયું. વીસમી સદીના અંત પહેલાં એમસીપી અને બીજી એક યુનિવર્સિટી હાનેમાન્નમાં જોડાણ થયું. એમસીપી હાનેમાન્ન યુનિવર્સિટી 2002માં ડ્રેક્સેલ યુનિવર્સિટીમાં સંલગ્ન થતાં ડ્રેક્સેલ યુનિવર્સિટી કોલેજ ઑફ મેડિસિન તરીકે ઓળખાઈ. ટૂંકમાં, વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા તેના નવા નામે આજે પણ અસ્તિત્વમાં છે. આમ વિચારતાં, સ્ત્રીઓને પદ્ધતિસરનું તબીબી શિક્ષણ આપી, ખરા અર્થમાં મહિલા તબીબ બનાવી, એમ ડી (ડૉક્ટર ઑફ મેડિસિન) ની ડિગ્રી આપનાર અમેરિકાની અને વિશ્વની પણ પ્રથમ મહિલા મેડિકલ કોલેજ વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા હતી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયામાં આનંદીબાઈને મળ્યું એડમિશન
ભારતના કલકત્તા બંદર પરથી નીકળેલા આનંદીબાઈ લગભગ બે મહિનાની સમુદ્રયાત્રા પછી 4 જૂન, 1883ના રોજ અમેરિકા પહોંચ્યા અને ન્યૂ યૉર્ક શહેરના બેટરી પાર્ક, મેનહટનના દક્ષિણ છેડે ક્લિંટન કાસલના ઇમિગ્રેશન સ્ટેશન પર ઉતર્યા. ત્યારે હજી લિબર્ટી આઇલેંડ પર સ્ટેચ્યુ ઑફ લિબર્ટી ઊભું નહોતું થયું, ન તો એલિ આઇલેંડ પર અમેરિકાનું ઇમિગ્રેશન સ્ટેશન કાર્યરત હતું.
માત્ર અઢાર વર્ષની ઉંમરે આનંદી ગોપાલ જોશી અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય નારી હતાં, જે (તે જમાનાના શબ્દોમાં, તે સમયના રિપોર્ટ્સ અનુસાર) “સવર્ણ, ઉચ્ચ કુળનાં સમાજ”માંથી આવતાં હતાં.
ન્યૂ યૉર્કમાં આનંદીબાઈ પોતાના યજમાન શ્રીમતી કાર્પેન્ટર (થિયોડોસિયા / થિયોડિશિયા કાર્પેન્ટર) ને ઘેર પહોંચ્યા. તે સમયે સ્ત્રીઓને પદ્ધતિસરના અભ્યાસક્રમથી ડૉક્ટર બનાવી એમડી ડિગ્રી આપનાર એક માત્ર મહિલા કોલેજ વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યૂએમસીપી, ફિલાડેલ્ફિયા) હતી.
અમેરિકન સન્નારી લેડી કાર્પેન્ટરની મદદથી આનંદીબાઈએ ડબલ્યૂએમસીપી મેડિકલ કોલેજને પત્ર લખ્યો. તે પત્રમાં આનંદીબાઈએ પોતાના મર્યાદિત અભ્યાસની નિખાલસતાથી કબૂલાત કરી; સાથે સમાજના કેવા અવરોધોનો સામનો કરી હિંદુસ્તાનની સ્ત્રીઓની સેવા કરવાના નિર્ધારથી અમેરિકા આવ્યા છે તે વાત લખી. પત્રથી પ્રભાવિત થયેલા ડબલ્યૂએમસીપી મેડિકલ કોલેજના સંચાલકોએ આનંદીબાઈને એડમિશન આપી દીધું. તે વખતે ડબલ્યૂએમસીપી મેડિકલ કોલેજના ડીન તરીકે પ્રેમાળ લેડી ડૉક્ટર રેચલ બોડલી હતા.
અમેરિકામાં પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશી (એમડી)
ઑક્ટોબર 1883માં આનંદીબાઈએ ફિલાડેલ્ફિયાની વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટરનો અભ્યાસ શરૂ કર્યો. ડોક્ટર રેચલ બોડલીએ આનંદીબાઈને પુત્રીની જેમ રાખી.
અમેરિકામાં આનંદીબાઈ હિંદુસ્તાની પોશાક અને ભોજન શૈલી જાળવીને રહ્યાં. નવ વારની લાંબી મહારાષ્ટ્રિયન સાડી પહેરીને તેમણે કોલેજ ભરી. ઉત્તર અમેરિકાની ઠંડી આબોહવા તેમના સ્વાસ્થ્ય માટે પડકાર સમાન હતી. નબળાં ફેફસાં, શ્વાસની બિમારી અને ભારે અશક્તિ સાથે તેમની તબિયત બગડતી ગઈ, પણ તેમણે નિશ્ચયપૂર્વક, ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખ્યો. 1885માં તેમના પતિ ગોપાલરાવ જોશી પણ તેમને પ્રોત્સાહિત કરવા અમેરિકા પહોંચી ગયા. નાદુરસ્તી સામે ઝઝૂમીને દ્રઢનિશ્ચયી આનંદીબાઈએ તબીબી અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કર્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
1886 ના માર્ચમા વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયાએ આનંદીબાઈને ડૉક્ટર ઑફ મેડિસિનની ડિગ્રી આપવાનું નક્કી કર્યું. તેમના પદવીદાન સમારંભમાં હાજરી આપવા પંડિતા રમાબાઈ સરસ્વતી ઇંગ્લેન્ડથી અમેરિકા પહોંચ્યા. 11 માર્ચ 1886ના દિવસે પોતાના પતિ ગોપાલરાવ અને પ્રેરણામૂર્તિ પંડિતા રમાબાઈની ઉપસ્થિતિમાં આનંદીબાઈ જોશીએ એમડીની ડિગ્રી મેળવી.
પંડિતા રમાબાઈ અને આનંદીબાઈ બંનેને હિંદુસ્તાન માટે પ્રેમ, પણ બંને વચ્ચે ભેદ એ કે વિદેશમાં રમાબાઈએ ધર્માંતરણ કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો, જ્યારે આનંદીબાઈ પોતાના ધર્મને વળગી રહ્યા! આનંદીબાઈ ગોપાલરાવ જોશી ( ડૉ આનંદી ગોપાલ જોશી ) અમેરિકામાં વેસ્ટર્ન મેડિસિનનો અભ્યાસ કરી, એમડીની ડિગ્રી પ્રાપ્ત કરી હિંદુસ્તાનના સૌ પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા.
નવયુવાન ડૉ આનંદીબાઈ જોશીનું અકાળ અવસાન
1886ના અંતમાં ડૉક્ટર આનંદીબાઈ અને ગોપાલરાવ અમેરિકાથી હિંદુસ્તાન પાછા ફર્યાં અને મુંબઈ બંદરે ઉતર્યાં. મહારાષ્ટ્રના કોલ્હાપુર રાજ્યમાં આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલ હતી. કોલ્હાપુરના રાજાએ જૂન 1886માં પત્ર દ્વારા આલ્બર્ટ એડવર્ડ હૉસ્પિટલના ફીમેલ વોર્ડના ફિઝિશિયન-ઇન-ચાર્જ તરીકે ડૉક્ટર આનંદીબાઈની નિમણૂક કરી હતી. પણ ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નો ભોગ બનેલા આનંદીબાઈની તબિયત ખૂબ બગડતી ગઈ.
માત્ર એકવીસ વર્ષની ઉંમરે 1887ના ફેબ્રુઆરીની 26મીએ ભારતના પ્રથમ મહિલા ફિઝિશિયન ડૉક્ટર આનંદીબાઈ જોશીનું અવસાન થયું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશીની સિદ્ધિઓ અને સન્માન
- નારી સમાજ બંધનોમાં જકડાયેલો હતો તે જમાનામાં દરિયાપાર અમેરિકા જઈ આનંદીબાઈએ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવી. આનંદીબાઈની તે જમાનાની સિદ્ધિઓને આપ કેવી રીતે મૂલવશો?
- સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા તેનાથી પણ પહેલાં આનંદીબાઈ અમેરિકા ગયા હતા. અરે! આનંદીબાઈ તે સમયે અમેરિકા ગયા હતા, જ્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો હજી જન્મ પણ નહોતો થયો!!
- સમુદ્રયાત્રાના નિષેધ છતાં અમેરિકા જઈ ઉચ્ચ અભ્યાસ કરનાર આનંદીબાઈ પ્રથમ બ્રાહ્મણ કન્યા હતાં.
- પ્રલોભનોને વશ થયા સિવાય આનંદીબાઈ પોતાના ધર્મને વળગી રહ્યા. ધર્માંતર કર્યા વિના વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયામાં પ્રવેશ મેળવનાર આનંદીબાઈ પ્રથમ વિદેશી વિદ્યાર્થી હતાં.
- અમેરિકામાં વેસ્ટર્ન મેડિસિન પદ્ધતિનો અભ્યાસ કરનાર આનંદીબાઈ પ્રથમ હિંદુ મહિલા હતાં.
- અમેરિકામાંથી એમડીની ડિગ્રી મેળવી ડૉક્ટર બનનાર આનંદીબાઈ પ્રથમ ભારતીય મહિલા હતાં.
- ઇંગ્લેંડના મહારાણી ક્વિન વિક્ટોરિયાએ ડબલ્યૂએમસીપી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર રેચલ બોડલીને પત્ર લખીને અમેરિકન કોલેજની એમડીની ડિગ્રી મેળવનાર બ્રિટીશ હિંદુસ્તાનની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશીની સિદ્ધિને બિરદાવી હતી.
- યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ (યુકે) ના વિશ્વપ્રસિદ્ધ ફિલોલોજીસ્ટ અને ઓરિયેન્ટાલિસ્ટ મેક્સ મૂલરને પંડિતા રમાબાઈ તથા આનંદીબાઈ જોશી પ્રત્યે ખૂબ માન હતું. સંસ્કૃત ભાષાના મહાજ્ઞાની અને ભારતીય વેદ-ઉપનિષદના વિદ્વાન ( પણ વિવાદાસ્પદ) અભ્યાસી જર્મન સ્કૉલર મેક્સ મૂલર દ્વારા લિખિત પુસ્તક ‘માય ઇન્ડિયન ફ્રેન્ડ્ઝ’માં પંડિતા રમાબાઈ તથા ડૉક્ટર આનંદીબાઈ જોશી પર વિસ્તૃત લેખો છે.
- ડૉક્ટર આનંદીબાઈ જોશીની યાદમાં શુક્ર ગ્રહ પરના એક ‘ક્રેટર’ને ‘જોશી’ નામ આપવામાં આવ્યું છે. આમ, આનંદીબાઈ જોશીની સ્મૃતિને અમર કરવામાં આવી છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
મધુસંચય-લેખ: ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશી: સ્ત્રી શક્તિની પ્રેરણાદાયી કહાણી : પરિશિષ્ટ (1)
- આનંદીબાઈ ગોપાલરાવ જોશી અમેરિકામાં અભ્યાસ કરી એમડીની ડિગ્રી સાથે ડૉક્ટર થનાર સર્વ પ્રથમ ભારતીય મહિલા
- આનંદીબાઈનો જન્મ મહારાષ્ટ્રના બ્રાહ્મણ કુટુંબમાં વર્ષ 1865માં
- માત્ર નવ વર્ષની ઉંમરે લગ્ન ગોપાલરાવ વિનાયક જોશી સાથે
- માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો, પણ પુત્રનું દસ દિવસમાં મૃત્યુ
- મહિલા ડૉક્ટર બની દેશના સ્ત્રી સમાજની સેવા કરવા નિર્ધાર
- માત્ર અઢાર વર્ષની ઉંમરે અમેરિકા પહોંચી મેડિકલ કોલેજમાં એડમિશન
- વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ફિલાડેલ્ફિયા) માં અભ્યાસ કરનાર પ્રથમ હિંદુ સ્ત્રી
- બગડતી જતી તબિયતમાં પણ અભ્યાસ ચાલુ રાખ્યો
- અમેરિકામાં ડબલ્યૂએમસીપીમાંથી એમડીની ઉચ્ચ ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ડોક્ટર ડૉ આનંદી ગોપાલ જોશી
- ડૉક્ટર બની ભારત આવ્યાના થોડા જ મહિના પછી તબિયત ખૂબ ખરાબ
- ફેબ્રુઆરી 1887માં માત્ર એકવીસ વર્ષની ઉંમરે ડૉક્ટર આનંદીબાઈ જોશીનું અવસાન
- અંગ્રેજીમાં Anandibai Gopalarao Joshi / Joshee
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
મધુસંચય-લેખ: ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશી: સ્ત્રી શક્તિની પ્રેરણાદાયી કહાણી : પરિશિષ્ટ (2)
- ડૉ આનંદીબાઈ ગોપાલરાવ જોશી/ ડૉ આનંદી ગોપાલ જોશી: Dr Anandibai Gopalrao Joshi / Dr Anandi Gopal Joshi / Joshee (1865-1887)
- કેટલાક રેકર્ડઝમાં ‘આનંદાબાઈ જોશી’ તરીકે નોંધ: Also spelt as Anandabai Joshee in a couple of records
- પંડિતા રમાબાઈ સરસ્વતી: Pandita Ramabai Saraswati (1858-1922)
- વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી), ફિલાડેલ્ફિયા, યુએસએ: Women’s Medical College of Pennsylvania (WMCP), Philadelphia, USA
- રેચલ બોડલિ: Rachel Littler Bodley(1831 –1888), Dean – WMCP
- ન્યૂ ઇંગ્લેન્ડ ફીમેલ મેડિકલ કોલેજ (એનઇએફએમસી), બૉસ્ટન, યુએસએ: New England Female Medical College (NEFMC), Boston, Massachusetts
- યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ/ ઓક્સફર્ડ/ ઓક્ષફર્ડ, યુકે: University of Oxford, United Kingdom
- ફ્રેડરિક મેક્સ મૂલર: Friedrich Max Muller (1823–1900) : Philologist & Orientalist at Oxford
- ફ્રેડરિક મેક્સ મૂલર લિખિત પુસ્તક: Auld Lang Syne / My Indian Friends
- આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલ, કોલ્હાપુર: Albert Edward Hospital, Kolhapur, Maharashtra
- મહિલા સશક્તિકરણ: Women Empowerment
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
4 thoughts on “ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશી: સ્ત્રી શક્તિની પ્રેરણાદાયી કહાણી”