અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ

લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સમાજ માટે શ્રેયસ્કર છે; સાથે પડકાર રૂપ પણ છે. તેને દીર્ઘ સમય માટે સંરક્ષિત કરવા દ્રઢ શાસનતંત્ર સાથે જાગૃત સમાજ પણ આવશ્યક છે.

લોકશાહીના જનક તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડમાં એક સમયે નિરંકુશ રાજાશાહી ફૂલીફાલી હતી. પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ/ પ્લાનટેજનેટ) વંશના રાજ્યકાળમાં એક ઐતિહાસિક ઘટના બની. ઇસ 1215માં ‘મેગ્ના કાર્ટા’ના ચાર્ટર ઓફ રાઇટ્સ પર ઇંગ્લેન્ડના કિંગ જહોનના દસ્તખત થયા. રાજા જોહને પ્રજાના કેટલાક હક્કો સ્વીકાર્યા અને રાજાની અમર્યાદ સત્તાઓનો અંત આવ્યો.

મેગ્ના કાર્ટામાં પ્રજાતંત્રની શક્તિ પ્રતિબિંબિત થઈ. મેગ્ના કાર્ટા થકી લોકતંત્રમાં વ્યક્તિસ્વાતંત્ર્યનાં વિચારનાં નવીન બીજ રોપાયાં.

પરંતુ પંદરમી સદીથી સત્તરમી સદી દરમ્યાન ઇંગ્લેંડમાં રાજસત્તાના એવા દાવપેચ રમાતા રહ્યા કે ઇતિહાસનાં કેટલાંક પાનાંઓ કાળાં પડી ગયાં!

પંદરમી સદીમાં સત્તાના કાવાદાવાઓએ રાજગાદીને ઝાંખપ આપી. સત્તાની લાલસામાં કલંકિત ઘટનાઓ બનતી ગઈ. ટ્યુડર વંશનો શાસનકાળ પણ દુર્ભાગ્યપૂર્ણ રહ્યો. રાજા આઠમા હેન્રીનું શાસન રિફોર્મેશનના ચિહ્નો લઈને આવ્યું, પણ ખટપટોનો પાર ન હતો! ટ્યુડર વંશના આખરી શાસક ‘વર્જિન’ ક્વિન તરીકે ઓળખાયેલ રાણી એલિઝાબેથ ફર્સ્ટના રાજ્યકાળને સંલગ્ન સમય ઝંઝાવાતોથી ઘેરાયેલો રહ્યો. તેમના મૃત્યુ પછી પણ સત્તરમી સદી સુધી એવા કાવાદાવા ખેલાતા રહ્યા કે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં તેનો જોટો નથી!

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં 15મી-16 મી સદીમાં ઇંગ્લેન્ડમાં રાજસત્તાના કાવાદાવાઓની કેટલીક કહાણીઓ જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇંગ્લેન્ડ અને રાજાશાહી

આધુનિક ડેમોક્રેસીના જન્મદાતા ગણાતા દેશ ઇંગ્લેન્ડમાં હાલ ક્વિન એલિઝાબેથ સેકન્ડ ( રાણી એલિઝાબેથ બીજા) ગાદી પર છે, જેઓ ‘હાઉસ ઑફ વિન્ડસર’ – વિન્ડસર વંશ – ના  છે.

ઇંગ્લેન્ડમાં રાજાશાહી – મોનાર્કી – સદીઓ પુરાણી છે.

ઇસ 827થી લગભગ સાડા ત્રણસો વર્ષ સુધી ઇંગ્લેન્ડ પર સેક્સન (સેક્સોન) તથા ડેઇન્સ (ડેન્સ) રાજાઓનું શાસન રહ્યું. વર્ષ 1066માં વિલિયમ ધ કોન્કરર તરીકે પ્રસિદ્ધ ડ્યુક ઑફ નોર્મન્ડીએ ઇંગ્લેન્ડ જીત્યું અને કિંગ વિલિયમ ફર્સ્ટ (વિલિયમ પ્રથમ) તરીકે રાજ્યની ગાદી સંભાળી. આમ, ‘કોન્ક્વેસ્ટ ઑફ ઇંગ્લેન્ડ’ ની ઘટનાથી  ઇંગ્લેન્ડની ગાદી પર વિલિયમ ધ કોન્કરર બેસતાં નોર્મન્સ રાજવંશે થોડા દાયકાઓ માટે સત્તા સંભાળી.

બારમી સદીમાં તો પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ/ પ્લાનટેજનેટ) વંશના રાજ્યકર્તાએ ઇંગ્લેન્ડ પર કબજો જમાવ્યો. પ્લેન્ટેજનેટ ડાયનેસ્ટીના શાસકો સંઘર્ષમાં રચ્યાપચ્યા રહ્યા. પહેલાં ફ્રાન્સ સાથે ‘હન્ડ્રેડ યર્સ વૉર’ તથા પછી ‘વૉર્સ ઑફ રોઝિઝ’ સમા આંતરવિગ્રહોના લીધે પ્લાન્ટેજનેટ વંશના રાજાઓ અસ્થિરતા અને અસલામતીના ઓછાયામાં રહ્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મેગ્ના કાર્ટા અને ઇંગ્લેન્ડમાં લોકશાહીના પાયા

ઇંગ્લેન્ડમાં આરંભના કેટલાક શાસકો એવા આપખુદ હતા કે ન તો ઉમરાવોની વાત સાંભળતા કે ન ચર્ચને ગાંઠતા; આમાં આમવર્ગની તો વાત જ શી કરવી. ઇંગ્લિશ પ્રજા સ્વેચ્છાચારી રાજાઓથી ત્રાસી ગઈ હતી. તેરમી સદીના ઉદય સમયે, કિંગ જોહન ઑફ ઇંગ્લેન્ડના રાજ્યકાળમાં ઉમરાવો અને ચર્ચના કર્તાહર્તાઓએ રાજાની નિરંકુશ સત્તાઓને પડકારી અને એક ચાર્ટરમાં પ્રજા વતી, પોતાના કેટલાક હક્કો-અધિકારોની માગણી કરી.

‘મેગ્ના કાર્ટા’ તરીકે ઓળખાયેલ આ ‘ચાર્ટર ઑફ રાઇટ્સ પર ઇંગ્લેન્ડના રાજા જોહને 1215માં 15 જૂનના દિવસે દસ્તખત કર્યા.

કિંગ જોહનના ચાર્ટર/ દસ્તાવેજ ‘મેગ્ના કાર્ટા’ને ‘ગ્રેટ ચાર્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજાએ પ્રજાના અવાજને માન આપી સ્વતંત્રતાના કેટલાક હક્કો સ્વીકાર્યા. આ ચાર્ટર ઑફ ઇંગ્લિશ લિબર્ટિઝ દ્વારા ઉમરાવોને, ચર્ચના સત્તાધીશોને અને સામાન્ય નાગરિકોને કેટલાક પાયારૂપ અધિકાર પ્રાપ્ત થયા. ખાસ કરીને આપખુદ શાસન સામે વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણની વાત કરવામાં આવી. જો કે તત્પશ્ચાત તેમાં 1216, 1217 અને 1225માં કેટલાક ફેરફારો થયા. (શાસનમાં અને કાયદામાં કશું જ અપરિવર્તનશીલ નથી!!!)

મેગ્ના કાર્ટાથી સ્વચ્છંદી રાજાઓના નિરંકુશ શાસન પર લગામ કસાઈ, તેથી તેને ઐતિહાસિક ગ્રેટ ચાર્ટર ઓફ રાઇટ્સ માનવામાં આવે છે. તે ચાર્ટર ‘હેબિયસ કોર્પસ એક્ટ’ માટે પ્રેરક બન્યું છે. લોકતાંત્રિક શાસનના વિચારોને પ્રેરણા આપવામાં મેગ્ના કાર્ટાનું યોગદાન અમૂલ્ય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇંગ્લેન્ડમાં સત્તાની સાઠમારીઓ: પંદરમી સદી
 • 15મી સદીનો પૂર્વાર્ધ. 1422નું વર્ષ.
 • ઇંગ્લેન્ડની ગાદી બાળ રાજા હેન્રી છઠ્ઠા (હેન્રી ધ સિક્સ્થ) એ સંભાળી. ઉંમર હતી માત્ર નવ મહિનાની!
 • બ્રિટીશ ઇતિહાસમાં કિંગ હેન્રી છઠ્ઠાના બે વિક્રમ છે: સૌથી નાની ઉંમરે ઇંગ્લેન્ડની ગાદી પર બેસનાર રાજા, વળી ઇંગ્લેન્ડ ઉપરાંત ફ્રાન્સ દેશની રાજગાદી સંભાળનાર એક માત્ર ઇંગ્લિશ રાજા!
 • યુવાન વયે હેન્રી છઠ્ઠાની દિમાગી હાલત વિશે પ્રશ્નો ઊઠતા રહ્યા. રાજા હેન્રીના રાજ્યાધિકારને અન્ય પરિવારજન એડવર્ડ ચોથાએ પડકાર આપ્યો.
 • વર્ષ 1461માં હેન્રી છઠ્ઠાની ગાદી છીનવી રાજા ચોથા એડવર્ડે (એડવર્ડ ધ ફોર્થ) સત્તા સંભાળી.
 • 1470માં ચોથા એડવર્ડને પરાસ્ત કરી રાજા હેન્રી છઠ્ઠાએ ફરી ઇંગ્લેન્ડનો તાજ પહેર્યો.
 • છ જ મહિનામાં એક લડાઈમાં ચોથા એડવર્ડે રાજા હેન્રીને ફરી હરાવ્યો.
 • પુન: ઇંગ્લેન્ડની ગાદી પર બેસી રાજા એડવર્ડે હેન્રી છઠ્ઠાને આજીવન કારાવાસ આપ્યો.
 • લંડનના વિખ્યાત (કે કુખ્યાત?) ‘ટાવર ઑફ લંડન’માં કેદ રહેલ રાજા છઠ્ઠા હેન્રીનું શંકાસ્પદ સંજોગોમાં 1471માં અવસાન થયું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇંગ્લેન્ડમાં ટ્યુડર વંશનો આરંભ

1483માં કિંગ એડવર્ડે ચોથાનું અવસાન થયું તે પછીના બે વર્ષોમાં નાટકીય ઢબે સત્તાપલટા થતા રહ્યા.

વર્ષ 1485માં પ્લાન્ટેજનેટ વંશના છેલ્લા રાજા રિચાર્ડ ત્રીજા (રિચાર્ડ ધ થર્ડ) અને હેન્રી ટ્યુડરની આગેવાનીમાં ટ્યુડરો વચ્ચે યુદ્ધ થયું. કિંગ રિચાર્ડ ત્રીજા અને હેન્રી ટ્યુડર વચ્ચેની લડાઈ ‘વોર ઓફ રોઝિઝ’ના આખરી તબક્કાની લડાઈ હતી. આ યુદ્ધમાં ટ્યુડરો સામે લડતાં રાજા રિચાર્ડ ત્રીજાનું  રણમેદાન પર મૃત્યુ થયું, પ્લેન્ટેજનેટ વંશનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની ગાદી પર ટ્યુડર વંશનો આરંભ થયો.

એક વાત નોંધવી રહી કે કિંગ રિચાર્ડ ત્રીજા ઇંગ્લેન્ડના છેલ્લા રાજા હતા કે જે યુદ્ધમેદાન પર મૃત્યુ પામ્યા હોય.

1485માં ટ્યુડર વંશના પ્રથમ રાજા હેન્રી સાતમાએ ગાદી સંભાળી. ચોવીસ વર્ષ સંતોષકારક રીતે રાજ્યવહીવટ કરી રાજા હેન્રી સાતમા -પ્રથમ ટ્યુડર કિંગ- વર્ષ 1509માં મૃત્યુ પામ્યા. તેમના અનુગામી તરીકે તેમના પુત્ર હેન્રી આઠમા તરીકે ગાદી પર બેઠા.

ટ્યુડર વંશના બીજા રાજા હેન્રી આઠમાના  ગાદીનશીન થવા સાથે ઇંગ્લેન્ડના ઇતિહાસના કાળા કાવાદાવાઓનો નવો અધ્યાય શરૂ થયો.

રાજા હેન્રી આઠમાનો બહુચર્ચિત શાસન કાળ

1509થી 1547ના રાજ્યકાળ દરમ્યાન કિંગ હેન્રી આઠમાએ કેટલાક સુધારાવાદી નિર્ણયો લીધા અને ઇંગ્લેન્ડમાં ‘રિફોર્મેશન’ (રેફર્મેશન Reformation)ની શરૂઆત કરી તેવો એક મત છે; સાથે બીજી હકીકત એ છે કે રાજા સંખ્યાબંધ વિવાદોના કેન્દ્રમાં રહ્યા. હેન્રી આઠમાએ છ લગ્નો કર્યાં, પ્રથમ રાણી કેથેરાઇન ઑફ એરેગોનને છૂટાછેડા આપ્યા, અન્ય એક રાણીને મૃત્યુદંડ આપ્યો, ખ્રિસ્તી ધર્મના વડા ધર્મગુરુ પોપની સત્તાને પડકારી, રોમના ક્રિશ્ચિયન કેથલિક ચર્ચની અવગણના કરી, ચર્ચ ઑફ ઇંગ્લેન્ડની સ્થાપના કરી અને પોતાને તેના સર્વોપરી – સુપ્રિમ હેડ – ગણવાની જાહેરાત કરી.

1509માં ગાદી સંભાળવાની સાથે જ, દોઢેક મહિનામાં હેન્રી આઠમાનાં લગ્ન કેથેરાઇન ઑફ એરેગોન સાથે થયાં. કેથેરાઇન ઑફ એરેગોન સ્પેનનાં રાજકુમારી હતાં અને તેમનાં પ્રથમ લગ્ન આઠમા હેન્રીના મોટાભાઈ પ્રિન્સ આર્થર (હેન્રી સાતમાના જ્યેષ્ઠ પુત્ર, પાટવીકુંવર) સાથે થયાં હતાં. પાટવીકુંવર પ્રિન્સ આર્થર અને સ્પેનિશ રાજકુમારી કેથેરાઇનનાં લગ્ન થયાના ચાર-પાંચ મહિનામાં જ રાજકુમાર આર્થરનું અકાળ અવસાન થયું અને 16 વર્ષનાં કેથેરાઇન વિધવા બન્યાં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્વિન કેથેરાઇન ઑફ એરેગોન અને ચર્ચ ઑફ ઇંગ્લેન્ડની સ્થાપના
 • 1509માં ત્રેવીસેક વર્ષનાં કેથેરાઇન ઓફ એરેગોનનાં લગ્ન અઢાર વર્ષનાં નવોદિત રાજા હેન્રી આઠમા સાથે થયાં.
 • આ લગ્નને સોળેક વર્ષ થયાં અને રાજા હેન્રી ક્વિન કેથેરાઇનની સહાયક યુવતી એન બુલિન (એન્ન બુલિન /એન બોલિન) ના પ્રેમમાં પડ્યા.
 • ક્વિન કેથેરાઇનના લગ્નવિચ્છેદ માટે રાજાએ ઘણી ખટપટો આદરી રાણીને મહેલમાંથી દૂર કર્યાં, પરંતુ કેથેરાઇને તો મૃત્યુ પર્યંત પોતાને રાજાની કાયદેસરની રાણી જ ગણાવી!
 • છેક 1533માં હેન્રી આઠમાએ એન બુલિન સથે લગ્ન કર્યાં.
 • રાજાના ખૂબ દાવપેચ છતાં કેથોલિક ચર્ચે રાજાના કેથેરાઇનથી લગ્નવિચ્છેદને મંજૂર ન કર્યો.
 • તેના વિરોધમાં રાજા હેન્રીએ રોમના કેથલિક ચર્ચની અને કેથલિક ખ્રિસ્તી ધર્મના વડા પોપની સત્તા 1534માં ફગાવી દીધી.
 • ઇંગ્લેન્ડમાં રોમના કેથોલિક ચર્ચની આણનો અંત આણી રાજા હેન્રી આઠમાએ ‘ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ’ની સ્થાપના કરી.
 • ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના સુપ્રિમો – સર્વેસર્વા – તરીકે ઇંગ્લેન્ડના રાજાને (ખુદ હેન્રી આઠમાને) જ ગણવામાં આવે તેવું નક્કી થયું.
 • આમ, હેન્રી આઠમાના સમયમાં ઇંગ્લેન્ડમાં નવસુધાર – રિફોર્મેશન – નાં મંડાણ થઈ ચૂક્યાં હતાં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હેન્રી આઠમાના અન્ય લગ્નસંબંધો

કિંગ હેન્રીના બીજી રાણી એન બુલિન ( એન્ન બુલિન ) સાથેનાં લગ્ન માંડ ત્રણેક વર્ષ ટક્યાં અને રાજાએ રાણી એન પર અવૈધ સંબંધો હોવાના આક્ષેપ મૂકી મૃત્યુદંડ આપ્યો. 1536ના મે મહિનાની 30મીએ ટાવર ઓફ લંડનમાં ક્વિન એન બુલિનને મૃત્યુદંડ મળ્યો.

બીજે જ દિવસે 45 વર્ષના હેન્રીએ 28 વર્ષનાં જેઇન સિમોર (જેઇન સેયમોર/ જેન સેમોર) સાથે લગ્નનો નિશ્ચય જાહેર કર્યો. દસ જ દિવસમાં રાજા આઠમા હેન્રીનાં ત્રીજાં લગ્ન થતાં ઇંગ્લેન્ડનાં ક્વિન જેઇન સિમોર બન્યાં. ઓક્ટોબર, 1537માં રાજકુમારને જન્મ આપ્યા પછી માત્ર બાર જ દિવસમાં ત્રીજાં રાણી જેઇન સિમોરનું અવસાન થયું. 1540-47 દરમ્યાન રાજાએ બીજાં ત્રણ લગ્નો કર્યાં જેનું ઝાઝું ઐતિહાસિક મહત્ત્વ નથી.

રાજા હેન્રી આઠમાનો વારસો

આપે જાણ્યું તેમ, રેફર્મેશનના શ્રીગણેશ કરનાર ઇંગ્લિશ રાજ્યકર્તા તરીકે ચર્ચ ઑફ ઇંગ્લેન્ડના સ્થાપક રાજા હેન્રી આઠમાનું નામ આવે છે.

રાજા હેન્રી આઠમાને ત્રણ રાણીઓ નોંધપાત્ર ગણાઈ: ક્વિન કેથેરાઇન ઑફ એરેગોન, ક્વિન એન બુલિન (ક્વિન એન્ન બુલિન) તથા ક્વિન જેઇન સિમોર (સેમોર/ સેયમોર). ત્રણેય રાણીનાં એક એક સંતાને ઇંગ્લેન્ડની ગાદી પર બેસીને ઇતિહાસને યેન કેન પ્રકારે પ્રભાવિત કર્યો.

રાજા હેન્રી આઠમાનાં આ ત્રણ નોંધપાત્ર સંતાનો હતાં: કેથલિક રાણી કેથેરાઇન ઑફ એરેગોનથી જન્મેલ રાજકુમારી મેરી પહેલી, પ્રોટેસ્ટન્ટ રાણી એન બુલિનથી રાજકુમારી એલિઝાબેથ પહેલી અને રાણી જેઇન સિમોરથી રાજકુમાર એડવર્ડ ધ સિક્સ્થ કે છઠ્ઠા એડવર્ડ. આ ત્રણેય સંતાનોએ, સમયાનુસાર, ઇંગ્લેન્ડના રાજ્યકર્તા તરીકે દેશ પર શાસન કર્યું.

રાજા હેન્રીએ કેથોલિક ચર્ચને બાજુએ મૂકી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના કરી, તે પછી તેમના અનુગામીઓના રાજ્યકાળમાં કેથલિક અને પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયન વચ્ચે ઘર્ષણ થતાં રહ્યાં.

1547માં ટ્યુડર વંશના સુધારાવાદી રાજા હેન્રી આઠમાનું અવસાન થયું, ત્યારે રાણી જેઇન સિમોરના પ્રિન્સ છઠ્ઠા એડવર્ડ તરીકે ઇંગ્લેન્ડના રાજા (1547-1553) બન્યા. તે પછી રાણી કેથેરાઇન ઑફ એરેગોનના રાજકુમારીએ ક્વિન મેરી પહેલી (1553-1558) તરીકે રાજ્ય ભોગવ્યું. તત્પશ્ચાત રાણી એન બુલિનના રાજકુમારીએ ક્વિન એલિઝાબેથ પહેલી (1558-1603) તરીકે ગાદી સંભાળી.

આ ત્રણેય શાસકોના રાજ્યકાળમાં ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજકીય કાવાદાવાઓનાં નવાં પ્રકરણો લખાયાં તેની વાત હવે પછીના લેખમાં કરીશું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ: પરિશિષ્ટ (1)
 • નવમી સદીથી ઇંગ્લેન્ડ પર સેક્સન (સેક્સોન) તથા ડેઇન્સ (ડેન્સ) શાસકો
 • વર્ષ 1066માં રાજા વિલિયમ પહેલા / વિલિયમ ધ કોન્કરરના રાજ્યાભિષેકથી નોર્મન વંશની સત્તા; 12મી સદીમાં પ્લેન્ટેજનેટ વંશનું શાસન
 • વર્ષ 1215માં ઐતિહાસિક દસ્તાવેજ ‘મેગ્ના કાર્ટા’ પર કિંગ જોહનના દસ્તખત
 • મેગ્ના કાર્ટા વિશ્વવિખ્યાત ચાર્ટર ઑફ રાઇટ્સ
 • ગ્રેટ ચાર્ટર કે ચાર્ટર ઑફ ઇંગ્લિશ લિબર્ટિઝ તરીકે જાણીતા મેગ્ના કાર્ટાએ વ્યક્તિસ્વાતંત્ર્ય અને લોકતંત્રની શક્તિ અર્થે વિશ્વને આપી પ્રેરણા
 • હેન્રી ટ્યુડર સાથેના યુદ્ધમાં રાજા રિચાર્ડ ત્રીજાના મૃત્યુ સાથે પ્લેન્ટેજનેટ વંશનો અંત
 • 1485માં રાજા હેન્રી સાતમા (હેન્રી ટ્યુડર) ના રાજ્યાભિષેકથી ટ્યુડર વંશનો આરંભ
 • રાજા હેન્રી આઠમાએ આરંભ્યા સુધારાઓ; ઇંગ્લેન્ડમાં આ પૂર્વે હતો રોમન કેથલિક ક્રિશ્ચિયન ચર્ચનો પ્રભાવ
 • રોમના પોપની સર્વોપરિતા ફગાવીને, કેથલિક ચર્ચને ઠુકરાવીને રાજા હેન્રી આઠમાએ કરી ચર્ચ ઑફ ઇંગ્લેન્ડની સ્થાપના
 • કિંગ હેન્રી આઠમાનાં છ લગ્નો પૈકી નોંધપાત્ર ઉલ્લેખ ત્રણ રાણીઓનાં: ક્વિન કેથેરાઇન ઑફ એરેગોન, ક્વિન એન બુલિન તથા ક્વિન જેઇન સિમોર

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ: પરિશિષ્ટ (2)
 • વિલિયમ ધ કોન્કરર / રાજા વિલિયમ પ્રથમ/ વિલિયમ ધ બાસ્ટર્ડ: William the Conquerer/ William I (1028 -1087), King of England (1066-1087), also known as William the Bastard
 • કિંગ જોહન ઑફ ઇંગ્લેન્ડ: King John of England (1199-1216)
 • રાજા હેન્રી છઠ્ઠા: Henry VI (1422-1471), King of England (1422-1461, 1470-1471)
 • રાજા હેન્રી સાતમા: Henry VII (1457-1509), King of England (1485-1509)
 • રાજા હેન્રી આઠમા: Henry VIII (1491-1547), King of England (1509-1547)
 • રાણી કેથેરાઇન ઑફ એરેગોન/ કેથેરાઇન ઓફ આરાગોન/ રાણી કેથેરીન: Queen Catherine Of Aragon
 • રાણી એન બુલિન/ એન્ન બુલિન/  એન બોલિન: Queen Anne Boleyn
 • રાણી જેઇન સિમોર/ જેઇન સેમોર/ જેન સેયમોર: Queen Jane Seymour
 • પ્લેન્ટેજનેટ / પ્લાન્ટેજનેટ/ પ્લાન્ટેજેનેટ/ પ્લાનટેજનેટ વંશ: Plantagenet dynasty
 • ટ્યુડર વંશ: Tudor dynasty
 • મેગ્ના કાર્ટા: Magna Carta, the Great Charter, the charter of rights (15 June,1215)

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

આપને નીચેના લેખો પણ અવશ્ય ગમશે. ક્લિક કરશો:

એપલના સ્ટીવ જોબ્સ, ફેસબુકના ઝકરબર્ગ અને ભારતના નીમ કરોલી બાબા

ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા ગૌહરજાન

‘પ્લાસીની લડાઈનો રાષ્ટ્રને બોધક સંદેશ’ લેખ વાંચવા અહીં ક્લિક કરશો.

‘ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ’ પર રસપ્રદ લેખ વાંચવા અહીં ક્લિક કરશો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

7 thoughts on “ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ

 1. વાહ! કેટલાં બધાં વર્ષ પહેલાં આ બધું અંગ્રેજીમાં વાંચ્યું હતું . પણ આપણી ભાષામાં વાંચવાની મજા આવી ગઈ.
  મારા મોટા ભાઈ ૧૯૪૯ માં મેટ્રિક થયેલા અને એમને ઇન્ગેન્ડનો ઈતિહાસ ભણવો પડતો. એમની ચોપડીઓ પણ નાનપણમાં ઉથલાવી હતી અને થોડીક જ સમજ છતાં કમકમાટી અનુભવેલી – એ પણ યાદ આવી ગયું.

  1. આભાર, સુરેશભાઈ! આપે મારા કાર્યને બિરદાવીને મને પ્રોત્સાહિત કર્યો છે.
   કમભાગ્યે આ પ્રકારની માહિતી ગુજરાતી ભાષામાં સુગમ નથી; છે તો સરળ શબ્દોમાં નથી.
   આશા છે, ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વડીલો શિક્ષકો આવા લેખો વાંચે અને બાળકો સાથે ચર્ચાકરી તેમના જ્ઞાનમાં વધારો કરે તેવાં મારાં સ્વપ્નાં છે.
   આપ જેવા સુજ્ઞ વાચકો પાસેથી સહકારની અપેક્ષા રાખું છું. ધન્યવાદ.
   .

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s