અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો

 

વિશ્વનાં મશહૂર મ્યુઝિયમ્સ માનવસભ્યતાઓના અણમોલ વારસાને સાચવી રહ્યાં છે. આવાં મ્યુઝિયમ્સમાં બ્રહ્માંડનાં અને માનવજીવનના અવનવા રંગોને પ્રગટ કરતાં પદાર્થો, નમૂનાઓ કે ચીજવસ્તુઓ છે. કેટલાંક મ્યુઝિયમ સૂર્યમંડળ અને પૃથ્વીના અસ્તિત્વને ઉજાગર કરે છે, કેટલાંક ઇતિહાસની ચડતીપડતીની ગાથા કહે છે, કેટલાંક જીવનનાં વણદેખ્યાં પાસાંઓ પ્રગટ કરે છે, તો વળી કેટલાંક માનવ સંસ્કૃતિનાં બેનમૂન સર્જનોને સાચવીને ખડાં છે.

ગુજરાતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંસ્કાર નગરી વડોદરાનાં મ્યુઝિયમ્સ પ્રખ્યાત છે. અમદાવાદનું કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સ્ટાઇલ્સ એક અનોખું મ્યુઝિયમ છે. રાષ્ટ્રીય સ્તર પર ભારતનાં જાણીતાં મ્યુઝિયમ્સમાં નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), કોલકતાનું સૌથી પ્રાચીન ઇન્ડિયન મ્યુઝિયમ, હૈદ્રાબાદનું સાલાર જંગ મ્યુઝિયમ, ચેન્નાઈનું મદ્રાસ ગવર્નમેન્ટ મ્યુઝિયમ આદિ સમાવિષ્ટ થાય.

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સની યાદીનો તો અંત જ ન આવે! આવી યાદીમાં યુરોપનાં ફ્રાન્સનું લુવ્ર મ્યુઝિયમ, અમેરિકાનાં સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ, ગુગનહાઇમ મ્યુઝિયમ્સ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ઇંગ્લેન્ડનું ‘બ્રિટીશ મ્યુઝિયમ’, વેટિકન સીટીનાં વેટિકન મ્યુઝિયમ્સ અને ચીનમાં બાઇજિંગના નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇનાનાં નામને ટોચ પર મૂકીએ તો પણ દુનિયાનાં અન્ય સેંકડો મ્યુઝિયમ્સને અન્યાય કરી બેસીએ!

‘મધુસંચય’ના આજના લેખમાં વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ્સની બહુરંગી દુનિયાની એક ઝલક મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મ્યુઝિયમ એટલે શું?

સરળ ભાષામાં, મ્યુઝિયમ એટલે સંગ્રહાલય. મ્યુઝિયમ એટલે સંગ્રહસ્થાન.

વિસ્તારથી કહીએ તો મ્યુઝિયમ એટલે અસાધારણ ચીજવસ્તુઓનું સંગ્રહાલય.

મ્યુઝિયમમાં ખાસ વિષય કે વર્ગોની ઐતિહાસિક, સાંસ્કૃતિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ ધરાવતી રોચક, અવનવી, અનોખી ચીજ-વસ્તુઓનો સંગ્રહ હોય છે.

મ્યુઝિયમ એટલે પ્રાચીન-અર્વાચીન માનવસભ્યતાઓનાં વિધ વિધ પાસાંઓને પ્રતિબિંબિત કરતા દુર્લભ નમૂનાઓ-એક્ઝિબિટ્સ-આર્ટિફેક્ટ્સનો સંગ્રહ. મ્યુઝિયમમાં પ્રદર્શિત કે સંગ્રહિત નમૂનાઓમાં જવલ્લે જોવા મળતી અમૂલ્ય ચીજ-વસ્તુઓ કે પદાર્થો હોય છે જે બ્રહ્માંડ અને જીવનના ઇતિહાસની દ્રષ્ટિએ અથવા માનવસંસ્કૃતિની ધરોહરની દ્રષ્ટિએ અસામાન્ય મહત્ત્વ ધરાવે છે.

આમ વિચારતાં, મુંબઈના પુરાણા પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમને નવું નામ ‘છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય’ અપાયું છે તે કેટલું યથાર્થ છે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મ્યુઝિયમના પ્રકારો
  • મ્યુઝિયમ વિવિધ પ્રકારના હોય છે.
  • અનેક વિષયોને આવરી લેતા નમૂનાઓ-એક્ઝિબિટ્સ-આર્ટિફેક્ટ્સ ધરાવતું બહુવિષયક ‘જનરલ’ મ્યુઝિયમ હોઈ શકે અથવા કોઈ એક જ વિષય કે થીમ પરનું મ્યુઝિયમ પણ હોઈ શકે.
  • માત્ર ચિત્રકારોનાં પેઇન્ટિંગ્સનું આર્ટ મ્યુઝિયમ હોઈ શકે, ઇતિહાસને રજૂ કરતા નમૂનાઓનું હિસ્ટ્રી મ્યુઝિયમ હોઈ શકે, અથવા તો વિજ્ઞાનની ઘટનાઓ, સિદ્ધાંતો કે ડિવાઇસિસ પ્રદર્શિત કરતું સાયન્સ કે ટેકનોલોજી મ્યુઝિયમ હોઈ શકે. આમ, મ્યુઝિયમનો પ્રકાર તેમાં સંગ્રહિત નમૂનાઓ પરથી જાણી શકાય છે.
  • ભારતનું સૌ પ્રથમ સંગ્રહાલય કોલકતાનું ‘ઇન્ડિયન મ્યુઝિયમ’ એક મલ્ટિ-પર્પઝ ‘જનરલ’ સંગ્રહાલય છે, જેમાં અતિ પ્રાચીન અશ્મિઓ (ફોસિલ્સ) અને હાડપિંજરો, ઐતિહાસિક એંટિક આર્ટિફેક્ટ્સ, મોગલ કાળનાં દુર્લભ પેઇન્ટિંગ્સ, દેશ-વિદેશનાં સ્થાપત્ય-શિલ્પકામ, ધાતુકામના નમૂનાઓ, બે હજાર વર્ષ પુરાણા સિક્કાઓ, દુનિયાનાં પક્ષીઓનાં કંકાલ આદિ વિવિધ વિષયો સંબંધિત એક્ઝિબિટ્સ છે.
  • 1814માં સ્થપાયેલ ‘ઇન્ડિયન મ્યુઝિયમ’ (કોલકતા) ભારતનું સર્વ પ્રથમ મ્યુઝિયમ ગણાય છે, એટલું જ નહીં, તે સમગ્ર એશિયા-પેસિફિક રિજિયનનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે.
  • ઇંગ્લેંડમાં ‘બ્રિટીશ મ્યુઝિયમ’ માનવ સભ્યતા, કલા અને સંસ્કૃતિ સંબંધિત નમૂનાઓનું અદભુત સંગ્રહાલય છે, જ્યારે અમેરિકામાં ‘નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ’ (સ્મિથસોનિયન, વોશિંગ્ટન ડીસી)  એવિએશન અને સ્પેસ સાયન્સના ઇતિહાસ અને ટેકનોલોજી સંબંધિત છે.
  • લંડનનું ‘નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ’ પ્રાણી-વનસ્પતિ જગત તથા પૃથ્વીના ઇતિહાસને ચિત્રિત કરતા પ્રાકૃતિક વિજ્ઞાનનું સંગ્રહસ્થાન છે જ્યારે વોશિંગ્ટનમાં ‘નેશનલ ગેલેરી ઑફ આર્ટ’ યુરોપ અને અમેરિકાનાં ઉત્તમ પેઇન્ટિંગ્સ અને અન્ય કલાકૃતિઓ ધરાવતું આર્ટ મ્યુઝિયમ છે.
  • યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સ્મિથસોનિયન / સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સ  તેમજ ગુગનહાઇમ મ્યુઝિયમ્સનાં વિશિષ્ટ સ્થાન છે.
  • અમેરિકામાં સ્મિથસોનિયન (સ્મિથસોનિઅન) ઇન્સ્ટિટ્યૂશન રિસર્ચ કેન્દ્રો અને લાયબ્રેરીઓ ઉપરાંત અનેક મ્યુઝિયમોનું સંચાલન કરે છે. ઇંગ્લેન્ડના કેમિસ્ટ અને મિનરલોજીસ્ટ વૈજ્ઞાનિક જેમ્સ સ્મિથસન તેના સ્થાપક દાતા હતા. સ્મિથસોનિયન પાસે પંદર કરોડથી વધારે આઇટેમ્સ એકત્ર થયેલી છે.
  • અમેરિકાના અતિશ્રીમંત બિઝનેસમેન અને દાનેશ્વરી સોલોમન આર ગુગનહાઇમ (ગ્યુગનહાઇમ/ ગુગનહેઇમ) દ્વારા સ્થાપિત ગુગનહાઇમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગુગનહાઇમ મ્યુઝિયમ્સમાં આધુનિક ચિત્રકલાની ઉત્તમ કૃતિઓનો સંગ્રહ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મ્યુઝિયમનું મહત્ત્વ

પૃથ્વી પર પ્રકૃતિનાં રહસ્યોને જાણવા, જીવનના વિકાસક્રમને સમજવા અને વિભિન્ન પ્રદેશોથી પરિચિત થવામાં મ્યુઝિયમ મદદરૂપ છે. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો જાણે છે કે  સંગ્રહાલયનો મૂળભૂત હેતુ ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન, કલા ઇત્યાદિ વિષયો સંબંધિત ઉત્કૃષ્ટ, અસાધારણ, અદ્વિતીય, બહુમૂલ્ય અને દુર્લભ નમૂનાઓનો સંગ્રહ કરવાનો છે.

મ્યુઝિયમ પ્રકૃતિ, જીવન અને સંસ્કૃતિનાં ભિન્ન ભિન્ન પાસાંઓને ઓળખવામાં અને સમજવામાં મદદરૂપ છે. તેનાથી જીવનદ્ર્ષ્ટિ ખીલે છે. મ્યુઝિયમ તેના મુલાકાતીઓને ઇતિહાસથી અવગત કરાવે છે કે સાયન્સ-ટેકનોલોજીના અદ્યતન પ્રવાહોથી માહિતગાર કરે છે. ઉપરાંત તે પૃથ્વીના પડોમાં ધરબાયેલ પ્રકૃતિના અતીતને છતો કરે છે, એટલું જ નહીં, નષ્ટ થયેલ સભ્યતાઓના સમાજજીવનને પ્રગટ કરે છે. ફળસ્વરૂપે, મ્યુઝિયમની મુલાકાત માનવીમાં કૂતુહલ અને જિજ્ઞાસા જન્માવે છે તથા ઇતિહાસમાં રસ જગાડે છે. જાગ્રત માનવી ભૂતકાળમાંથી બોધપાઠ લઈ, નવસર્જન દ્વારા સમાજને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ દોરવા વિચારશીલ બને છે.

આમ, જીવનના વિકાસ માટે, માનવસભ્યતાની પ્રગતિ માટે મ્યુઝિયમ પ્રેરણાનો સ્રોત બની શકે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિશ્વનાં શ્રેષ્ઠ મ્યુઝિયમ

દુનિયામાં શ્રેષ્ઠ મ્યુઝિયમની પસંદગીના માપદંડ ભિન્ન ભિન્ન હોઈ શકે. મ્યુઝિયમની શ્રેષ્ઠતા નક્કી શી રીતે કરવી? વિશ્વમાં અગ્રીમ હરોળનાં મ્યુઝિયમ્સની સર્વોપરિતા તેમનાં કદ, વિસ્તાર, નમૂનાઓની સંખ્યા કે વિવિધતા કે ગુણવત્તા અથવા મુલાકાતીઓની સંખ્યા પરથી નક્કી કરી શકાય.

કોઈ એક મ્યુઝિયમને વિશ્વનું સર્વ શ્રેષ્ઠ મ્યુઝિયમ જાહેર કરવું મુશ્કેલ છે. આમ છતાં, પ્રતિ વર્ષ સૌથી વધારે મુલાકાતીઓની સંખ્યા ધરાવતા ફ્રાંસના પેરિસ શહેરના લુવ્ર મ્યુઝિયમને સૌથી પ્રસિદ્ધ અને સૌથી લોકપ્રિય મ્યુઝિયમ માનવામાં આવે છે. ‘મધુસંચય’ના વાચકોને નવાઈ લાગશે કે યુરોપના ફ્રાન્સ દેશની રાજધાની પેરિસનાં સ્થિત લુવ્ર મુઝિયમની મુલાકાતે  દુનિયાભરમાંથી દર વર્ષે આશરે એક કરોડ જેટલા વિઝિટર્સ આવે છે.

વિશ્વનાં પ્રથમ પંક્તિનાં શ્રેષ્ઠ મ્યુઝિયમ્સની યાદીમાં પેરિસના લુવ્ર મ્યુઝિયમ સાથે અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરનું ‘મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ’, યુરોપના વેટિકન સીટીના ‘વેટિકન મ્યુઝિયમ્સ’, અમેરિકન રાજધાની વોશિંગ્ટન ડીસી શહેરનું ‘નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ’ અને યુકેની રાજધાની લંડનનું ‘બ્રિટીશ મ્યુઝિયમ’ મૂકી શકાય. આ બધાં મ્યુઝિયમ્સ વર્ષે પચાસ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. અહીં નોંધ લેશો કે ચીનની રાજધાની બાઇજિંગનું ‘નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇના’ લાખો મુલાકાતીઓને આકર્ષતું મહત્ત્વનું સંગ્રહાલય છે. વીસમી સદીના ચીનના બે મ્યુઝિયમોને ભેગાં કરી, એકવીસમી સદીના પ્રારંભે તેને સ્થાપવામાં આવ્યું.  ‘નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇના’ મુખ્યત્વે ચીનની કલા, સંસ્કૃતિ અને વિચારધારાના પ્રચાર માટે તે દેશમાં જાણીતું બન્યું છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પેરિસ (ફ્રાન્સ)નું લુવ્ર મ્યુઝિયમ

વિશ્વના સૌથી લોકપ્રિય સંગ્રહાલયની વાત નીકળે, તો કલાપ્રેમીના હોઠે ફ્રાન્સ દેશના પાટનગર પેરિસના જગવિખ્યાત લુવ્ર મ્યુઝિયમનું નામ પ્રથમ આવે. ‘ધ લુવ્ર’ તરીકે ઓળખાતું આ મ્યુઝિયમ પેરિસની મધ્યમાં સેન (સેઇન) નદીના કાંઠે બનેલ સંગ્રહસ્થાન છે.

આ સંગ્રહાલય પેઇન્ટિંગ્સના સમૃદ્ધ કલેક્શન માટે પ્રસિદ્ધ છે. લુવ્ર મ્યુઝિયમમાં સંગ્રહિત લિયોનાર્ડો દ વિંચીનું  બેનમૂન સર્જન ‘મોનાલિસા’ વિશ્વનું સૌથી જાણીતું પેઇન્ટિંગ છે. આ મ્યુઝિયમમાં યુરોપિયન ચિત્રકલાના આરંભના તબક્કાઓથી માંડી ઓગણીસમી સદીના મધ્ય દશકા સુધીના સમયગાળાના અગણિત ચિત્રોનો સંગ્રહ છે. તેમાં 35000 જેટલા કલાના નમૂનાઓ છે તથા સાડાચાર લાખથી વધારે અન્ય નમૂનાઓ છે. તેમાં પાંચ-છ હજાર વર્ષ પ્રાચીન પ્રાગૈતિહાસિક કાળના ઇજિપ્તની નાઇલ તટની સભ્યતાના નમૂનાઓથી માંડી ઓગણીસમી સદીના એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. લુવ્ર મ્યુઝિયમમાં ગ્રીક અને રોમન સ્થાપત્ય કલાનાં શિલ્પો મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ ‘ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ’

‘ધ મેટ’ના નામથી ઓળખાતું  ‘મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ’ (ન્યૂ યોર્ક) અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે. ‘ધ મેટ’માં પ્રાચીન ચિત્રકલા અને સ્થાપત્યવિદ્યાના પાંચ હજાર વર્ષ જેટલા પ્રાચીન નમૂનાઓ તો છે જ, સાથે કલાત્મક અસ્ત્ર-શસ્ત્રો અને સંગીત વાદ્યોના ખૂબસૂરત એક્ઝિબિટ્સ પણ છે. ‘મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ’ના વિશ્વભરમાંથી એકત્ર કરેલા નમૂનાઓની સંખ્યા વીસ લાખથી પણ વધુ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકાનાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન તથા ગુગનહાઇમ ફાઉન્ડેશનનાં મ્યુઝિયમ્સ

આપણે આગળ જોયું તેમ, મ્યુઝિયમ એટલે અસામાન્ય, દુર્લભ ચીજવસ્તુઓનું સંગ્રહાલય. યુએસએનાં સ્મિથસોનિયન તથા ગુગનહાઇમ / ગ્યુગનહાઇમ મ્યુઝિયમ્સનાં ઉલ્લેખ વિના સંગ્રહાલયની ગાથા અધૂરી લેખાય.

જ્ઞાનના સંવર્ધન અર્થે ઇંગ્લેન્ડના રસાયણશાસ્ત્રી જેમ્સ સ્મિથસનની ઉદાર સખાવતથી અમેરિકામાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન (સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશન) સ્થાપવામાં આવ્યું. ઓગણીસમી સદીની મધ્યે, વોશિંગ્ટન (ડીસી) માં સ્થાપિત સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે અમેરિકાની સૌથી જાણીતી સંસ્થા છે. પુસ્તકાલયો અને સંગ્રહાલયોના સંચાલન ઉપરાંત સંશોધન પ્રવૃત્તિઓમાં તેનું યોગદાન અવર્ણનીય છે. અમેરિકન ફેડરલ ગવર્નમેન્ટની દેખરેખ નીચે સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના સંચાલનમાં અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ જસ્ટિસ સહિત નામાંકિત મહાનુભાવો ભાગ ભજવે છે.

સોલોમન આર ગુગનહાઇમ ફાઉન્ડેશન અમેરિકા અને દુનિયાના અન્ય દેશોમાં આર્ટ અને આર્કિટેક્ચરને પ્રોત્સાહિત કરે છે. ગુગનહાઇમ ફાઉન્ડેશન અને ગુગનહાઇમ મ્યુઝિયમના સ્થાપક સોલોમન આર ગુગનહાઇમ અમેરિકાના કરોડોપતિ વ્યવસાયી અને આર્ટ કલેક્ટર હતા. યહૂદી કુળ અને સ્વિસ મૂળ ધરાવતા બિઝનેસમેન ગુગનહાઇમના સંગ્રહમાં ઉત્તમ કલાકૃતિઓ – પેઇન્ટિંગ્સ હતાં. વીસમી સદીની મધ્યે તેમના સંગ્રહને એક અદભુત સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યો. ગુગનહાઇમ મ્યુઝિયમ્સમાં આધુનિક કલાના અનોખાં એક્ઝિબિટ્સ પ્રદર્શિત થયેલ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન તથા સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ

આશ્ચર્યની વાત એ કે સ્મિથસોનિઅન/ સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ  ખડાં છે અમેરિકામાં, પરંતુ તેના પ્રેરક દાતા હતા ઇંગ્લેન્ડના.

અમેરિકામાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન સ્થાપવા અર્થે પ્રેરણા અને ફંડ આપનાર દાનવીર બ્રિટીશ સાયન્ટિસ્ટ જેમ્સ સ્મિથસન હતા.

જેમ્સ સ્મિથસન ઇંગ્લેન્ડના એક ઉમરાવ ડ્યુકના અનૌરસ સંતાન હતા. તેમણે ઑક્સફોર્ડની એક કોલેજમાં અભ્યાસ કર્યો. માત્ર 22 વર્ષની ઉંમરે તેમને લંડનની રોયલ સોસાયટીના ફેલો બનાવાયા. તેમણે રસાયણશાસ્ત્ર અને ખનિજવિદ્યામાં કીમતી યોગદાન આપ્યું. તેમણે ઝિંક ધાતુનાં ખનિજો (જેમ કે કેલેમાઇન) નો અભ્યાસ કર્યો. જેમ્સ સ્મિથસનના માનમાં ઝિંક કાર્બોનેટને સ્મિથ્સોનાઇટ (સ્મિથસોનાઇટ) નામ આપવામાં આવ્યું. તેમણે લગ્ન ન કર્યાં; તેમની જીંદગી યુરોપભરમાં રઝળપાટમાં વીતી. નસીબયોગે તેમને માતા-પિતા તરફથી અઢળક સંપત્તિ મળી.

જેમ્સ સ્મિથસને પોતાના વિલમાં પોતાનો સઘળો વારસો જ્ઞાનના સંવર્ધન અને પ્રસાર માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને અર્પણ કર્યો. તે વારસા-સંપત્તિનો ઉપયોગ ‘અમેરિકાના પાટનગર વૉશિંગ્ટન ડીસી શહેરમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન સ્થાપવા’ અર્થે કરવા સૂચના આપી. ‘મધુસંચય’ના વાચકોને આશ્ચર્ય થશે કે આ બ્રિટીશ દાનવીર જેમ્સ સ્મિથસન જીવનમાં ક્યારેય અમેરિકા ગયા ન હતા!

1829માં 64 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડના આ માનવતાવાદી કેમિસ્ટ અને મિનરલોજીસ્ટ જેમ્સ સ્મિથસનનું અવસાન થયું. તેમના વિલ અનુસાર 1838માં તેમના વારસાને અમેરિકા મોકલવામાં આવ્યો. તેમાં એક લાખથી વધુ ગોલ્ડ સોવરેન –સોનાના શાહી સિક્કા- ઉપરાંત ખનિજો, પુસ્તકો અને સ્મિથસનની અંગત નોંધોનો સમાવેશ થતો હતો. દુર્ભાગ્યે એક આગમાં તેમનાં કીમતી ખનિજો અને નોંધોનો સંગ્રહ બરબાદ થઈ ગયો, પરંતુ તેમનાં બસોથી વધુ પુસ્તકો બચી ગયાં. તેમના સોનાના સિક્કાઓનું મૂલ્ય તે સમયના પાંચ લાખ અમેરિકન ડોલરથી વધુ હતું. જેમ્સ સ્મિથસનની બહુમૂલ્ય સંપત્તિ-બક્ષિસમાંથી તેમના અનુરોધ મુજબ ‘સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન’ ની સ્થાપના કરવામાં આવી. તેના નેજા હેઠળ સંગ્રહાલયો, પુસ્તકાલયો અને સંશોધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં.

આજે વિશ્વપ્રસિદ્ધ થયેલ સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન દ્વારા 9 રિસર્ચ સેન્ટર્સ, 21 લાયબ્રેરીઓ અને 19 મ્યુઝિયમ્સનું સંચાલન થાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગુગનહાઇમ મ્યુઝિયમ

જો મોડર્ન આર્ટ કે એબ્સ્ટ્રેક્ટ આર્ટના સંગ્રહાલયની વાત કરતા હોઈએ તો અમેરિકામાં ન્યૂયોર્ક સીટીના ગુગનહાઇમ મ્યુઝિયમને અવશ્ય યાદ કરવું પડે. તેના સ્થાપક હતા 1861માં ફિલાડેલ્ફિયામાં જન્મેલા સોલોમન આર ગુગનહાઇમ નામક બિઝનેસમેન.

સોલોમન ગુગનહાઇમ સ્વિસ-યહૂદી મૂળ ધરાવતા એક શ્રીમંત પરિવારનું ફરજંદ હતા. સફળ વ્યવસાયી તરીકે તેમણે અઢળક સંપત્તિ મેળવી અને પચાસ વર્ષની ઉંમર પહેલાં તો નિવૃત્ત થઈ ગયા. પછી તેમણે કલાસંગ્રાહક તરીકે આર્ટ કલેક્શનનો શોખ વિકસાવ્યો.

ગુગનહાઇમને મોડર્ન આર્ટ- કન્ટેમ્પરરી આર્ટ- એબ્સ્ટ્રેક્ટ આર્ટના સંગ્રહમાં રસ હતો. 1937માં તેમણે સોલોમન આર ગુગનહાઇમ ફાઉન્ડેશનની સ્થાપના કરી. જોતજોતામાં ઇમ્પ્રેશનિઝમ યુગથી માંડીને આધુનિક ચિત્રકલા સુધીના શાનદાર પેઇન્ટિંગ્સનો તેમનો સંગ્રહ એવો વિશાળ થયો કે તેમને એક અભૂતપૂર્વ આર્ટ મ્યુઝિયમ ઊભું કરવાની ઈચ્છા થઈ.

આ રીતે સોલોમન આર ગુગનહાઇમ ફાઉન્ડેશનના ઉપક્રમે ન્યૂ યૉર્ક શહેરમાં ગુગનહાઇમ મ્યુઝિયમની સ્થાપના થઈ. તેને કન્ટેમ્પરરી આર્ટના મ્યુઝિયમ તરીકેનો ‘લુક’ આપવા નવી ઇમારતની ડિઝાઇન બનાવવાની જવાબદારી વિશ્વપ્રસિદ્ધ અમેરિકન આર્કિટેક્ટ ફ્રેન્ક લોઇડ રાઇટને આપવામાં આવી. આ મશહૂર અને વિચક્ષણ આર્કિટેક્ટે 1943-44માં મ્યુઝિયમની રૂઢિગત બાંધણીથી અલગ રીતે ડિઝાઇનના સ્કેચ તૈયાર કર્યા. દરમ્યાન 1949માં સોલોમન ગુગનહાઇમનું અવસાન થતાં પ્રૉજેક્ટને ફટકો પડ્યો.

આખરે 1959માં ફ્રેન્ક લોઇડ રાઇટની સ્પાઇરલ આકારની ચર્ચાપ્રેરક ડિઝાઇન સાથેનું ગુગનહાઇમ મ્યુઝિયમનું બિલ્ડિંગ ન્યૂ યોર્કની ફિફ્થ એવન્યુ પર પૂર્ણ થયું. ફ્રેન્ક લોઇડ રાઇટની ‘આઇકોનિક ડિઝાઇન’ ધરાવતા ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂ યૉર્ક) ને તેના અનોખા અને ઇનોવેટિવ આર્કિટેક્ચરને કારણે આજે યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે.

ન્યૂ યોર્ક ઉપરાંત લાસ વેગાસ શહેરમાં અને જર્મની (યુરોપ) માં ગુગનહાઇમ મ્યુઝિયમ્સ ખુલેલાં જે કાળક્રમે બંધ થયાં. વર્તમાનમાં અમેરિકાના ન્યૂ યોર્ક ઉપરાંત સ્પેનમાં પણ ગુગનહાઇમ ફાઉન્ડેશનના સહકારથી ગુગનહાઇમ મ્યુઝિયમ કાર્યરત છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય-લેખ: વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો: પરિશિષ્ટ (1)
  • મ્યુઝિયમ એટલે અસાધારણ મહત્ત્વ ધરાવતી, દુર્લભ ચીજવસ્તુઓનું સંગ્રહાલય
  • ભારતનું સૌથી પ્રાચીન અને સર્વ પ્રથમ સંગ્રહાલય 1814માં કલકત્તા (હવે કોલકતા) માં સ્થપાયેલ ઇન્ડિયન મ્યુઝિયમ
  • નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ અને મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય CSMVS  (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ) ખ્યાતિપ્રાપ્ત ભારતીય સંગ્રહાલયો
  • વિશ્વના સૌથી લોકપ્રિય અને ‘મોસ્ટ વિઝિટેડ’ મ્યુઝિયમમાં યુરોપમાં ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરનું લુવ્ર મ્યુઝિયમ
  • લુવ્ર મ્યુઝિયમના પાંચેક લાખ એક્ઝિબિટ્સ પૈકી કેટલાંક પાંચેક હજાર વર્ષ જૂનાં, પ્રાચીન મિસ્ર (ઇજિપ્ત) ની નાઇલ સભ્યતાનાં
  • અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમ ન્યૂ યૉર્કના ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (‘ધ મેટ’) માં ચિત્રકલા અને સ્થાપત્યકલાના પ્રાચીન નમૂનાઓ
  • બ્રિટીશ કેમિસ્ટ-મિનરલોજીસ્ટ જેમ્સ સ્મિથસનની ઉદાર સખાવતથી અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનની સ્થાપના, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના સંચાલન હેઠળ 19 સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ
  • અમેરિકન બિઝનેસમેન સોલોમન આર ગુગનહાઇમના કન્ટેમ્પરરી આર્ટના મોટા સંગ્રહથી ખડું થયું ગુગનહાઇમ મ્યુઝિયમ
  • સુપ્રસિદ્ધ અમેરિકન આર્કિટેક્ટ ફ્રેન્ક લોઇડ રાઇટની વિશિષ્ટ ડિઝાઇનથી બનેલ ન્યૂ યૉર્કના ગુગનહાઇમ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’નું બહુમાન

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય-લેખ: વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો: પરિશિષ્ટ (2)
  • સંગ્રહાલય / સંગ્રહસ્થાન / મ્યુઝિયમ: Museum
  • લુવ્ર મ્યુઝિયમ, પેરિસ, ફ્રાન્સ: The Louvre/ The Louvre Museum, Paris, France
  • મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ન્યૂ યૉર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા: The Metroploitan Museum of Art (The Met), New York, USA
  • બ્રિટીશ મ્યુઝિયમ, લંડન, યુકે: The British Museum, London, UK
  • જેમ્સ સ્મિથસન, ઇંગ્લેન્ડ: James Smithson (1765? -1829), UK
  • સોલોમન આર ગુગનહાઇમ/ ગ્યુગનહાઇમ/ ગુગનહેઇમ, યુએસએ: Solomon R Guggenheim (1861-1949), USA
  • ફ્રેન્ક લોઇડ રાઇટ, યુએસએ: Frank Loyd Wright (1867-1959), USA
  • સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન/ સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશન, વૉશિંગ્ટન ડીસી, અમેરિકા: Smithsonian Institution, USA
  • સ્મિથસોનિઅન/ સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ , અમેરિકા: Smithsonian Museums , USA
  • સોલોમન આર ગુગનહાઇમ ફાઉન્ડેશન, અમેરિકા: Solomon R Guggenheim Foundation, USA
  • ગુગનહાઇમ મ્યુઝિયમ, ન્યૂ યૉર્ક, અમેરિકા: Guggenheim Museum, New York, USA

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

10 thoughts on “વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો

    1. આપના પ્રોત્સાહક શબ્દો બદલ આભાર, મારુ સાહેબ.
      આપ જેવા સુજ્ઞ સહયાત્રીનો પ્રતિભાવ મારી કર્તવ્યભાવના દ્રઢ કરે છે.
      આપ જે રીતે આપના વિચારો, ફિલોસોફી અને કર્તવ્ય પ્રત્યે કમિટેડ છો, તે કમિટમેન્ટનો હું ખૂબ આદર કરું છું.
      પુન: આભાર અને શુભેચ્છાઓ.

  1. દવે સાહેબ આપનો બ્લોગ એક યુનિવર્સિટીનુ કામ કરે છે. બ્લોગના એક આર્ટિકલ માટે કેટકેટલી માહિતીઓનું સંકલન કરવું પડે અને કેટલા કલાકના પરિશ્રમ પછી એક માહિતી લેખ તયાર થાય એ હું સમજી શકું છું. વળી માહિતીઓનો ઢગલો તો અંગ્રેજીમાં હોય પણ મારા જેવા અધકચરાને પણ સમજાય એવૂ ગુજરાતી ભાષાંતર કરવું પણ સહેલું નથી જ. ઘન્યવાદ અને સાદર વંદન.

    1. આભાર આપનો, શાસ્ત્રીસાહેબ! આપ જેવા કદરદાન વાચકોનો!
      આપની વાત સાચી છે. મને એક લેખ તૈયાર કરવામાં દિવસો લાગી જાય છે. અનેક વેબસાઇટ અને પુસ્તકોમાંથી નોંધો ટપકાવ્યા પછી તેનો નિચોડ ગુજરાતી ભાષાના અદના વાચક સમક્ષ પેશ કરવાનો… આ કાર્ય ખરેખર મોટા પડકારરૂપ બને છે.
      મારા પ્રયત્નોને બિરદાવતા પ્રોત્સાહક શબ્દોથી સભર આપનો અર્થપૂર્ણ પ્રતિભાવ મને પ્રેરણા આપે છે. સાભાર વંદન.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s