અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત

ક્રિકેટપ્રેમી દેશોમાં વર્તમાન આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટનો નશો છવાયેલો છે. ભારતમાં ક્રિકેટ પાછળનું પાગલપન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીથી પણ પહેલાના સમયથી છે. પદ્ધતિસરની રમત તરીકે ક્રિકેટનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો, પરંતુ આ રમત હિંદુસ્તાનની હોવાનો અવિશ્વસનીય દાવો પણ થતો રહ્યો છે.

અત્યારે ઇંગ્લેન્ડમાં યોજાયેલ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની ટુર્નામેન્ટ (12મી એડિશન) રોમાંચક તબક્કામાં છે. વન ડે ઇંટરનેશનલ (ઓડીઆઇ) ક્રિકેટ માટેના વર્તમાન બારમી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં વિશ્વચેમ્પિયન કોણ બનશે તેની અટકળો થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જગતના વર્લ્ડ ચેમ્પિયન બનવા થનગની રહ્યા છે, ત્યારે બીજા દેશો પણ તાજપોશી માટે હવાતિયાં મારી રહ્યાં છે.

ક્રિકેટમાં સર્વ પ્રથમ ઑફિશિયલ ટેસ્ટ મેચ 1877માં રમાઈ. વિશ્વની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન (ઑસ્ટ્રેલિયા) ખાતે માર્ચ 1877 માં રમાઈ, જેમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ.

ભારતના ટેસ્ટક્રિકેટનો આરંભ 1932 માં ઇંગ્લેન્ડ સામેની સૌ પહેલી ટેસ્ટ મેચથી થયો. ભારત તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે ગ્રેટર લંડનના લૉર્ડ્ઝના ગ્રાઉન્ડ પર 1932માં રમ્યું. જો કે તેના વર્ષો પૂર્વે ભારતના પારસી ક્લબની ક્રિકેટ ટીમોએ ઇંગ્લેન્ડના અનધિકૃત પ્રવાસો કર્યા હતા. મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ભારતીય ક્રિકેટ ટીમ 1886માં સૌ પ્રથમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં આવ્યા, તેના સો વર્ષ પહેલાં બ્રિટીશ રાજમાં, હિંદુસ્તાનની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે આશ્ચર્યજનક વાત ને!

1933માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પહેલા પ્રવાસે આવી, ત્યારે ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ. ઇંગ્લેન્ડ સામેની ભારતમાં સર્વ પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈમાં બૉમ્બે જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી!

ભારતીય ક્રિકેટની આવી તો કંઈક નાની મોટી રસપ્રદ કહાણીઓ ભૂલાઈ ગઈ છે.

‘મધુસંચય’ના આજના લેખમાં ભારતમાં ક્રિકેટના ઉદયની ગાથાને તેમજ ભારત – ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રારંભિક મેચોની રસપ્રદ વાતોને માણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતમાં ક્રિકેટની ‘શરૂઆત’

ભારતમાં બ્રિટીશરો પ્રથમ વખત ક્રિકેટ ગુજરાતમાં ખંભાત (કેમ્બે) ટાઉનમાં અઢારમી સદીમાં રમ્યા. ગુજરાતના દરિયાકિનારે, અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું નગર ખંભાત તે સમયે ગલ્ફ ઑફ કેમ્બે પર આવેલું એક બંદર(પોર્ટ) પણ હતું. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક અંગ્રેજ ખલાસીઓ (નાવિકો/ સેઇલર) વર્ષ 1721માં પોર્ટ-ટાઉન ખંભાતમાં ક્રિકેટ ખેલ્યા હોવાનું નોંધાયું છે. (જો કે અન્ય અહેવાલ પ્રમાણે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ નાવિકો ગુજરાતમાં કચ્છના દરિયા કાંઠે ક્રિકેટ રમ્યા હતા).

અંગ્રેજોએ 1792માં કલકત્તા (હાલ કોલકતા) માં ‘કલકત્તા ક્રિકેટ ક્લબ’ ની સ્થાપના કરી હતી. વિશ્વની પ્રથમ ક્રિકેટ ક્લબ ઇંગ્લેન્ડની મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) 1787માં સ્થપાયેલ હતી. તે પછી પાંચ વર્ષે વિશ્વની બીજી ક્રિકેટ ક્લબ બ્રિટીશ હિન્દુસ્તાનમાં કલકત્તા ક્રિકેટ ક્લબ સ્થપાઈ. આ ક્લબ અંગ્રેજો દ્વારા સ્થાપિત ભારતની પ્રથમ ક્રિકેટ ક્લબ હતી.

પારસીઓ દ્વારા મુંબઈનો બેનમૂન વિકાસ

સત્તરમી સદીમાં મુંબઈ બ્રિટીશરોના હાથમાં આવ્યું ત્યારે છૂટાછવાયા ટાપુઓના સમૂહરૂપ હતું. અંગ્રેજોએ મુંબઈને વિકસાવવામાં કોઈ કસર ન છોડી. જો કે મુંબઈના વિકાસમાં ગુજરાતી પારસીઓનું યોગદાન અવર્ણનીય છે. મુંબઈના બારાને વિકસાવવામાં સુરતના લવજી વાડિયા તથા વાડિયા શિપિંગ કંપનીના મહત્ત્વના ફાળા વિશે આપે ‘અનુપમા’ના લેખમાં વાંચેલ છે.

ભારતની પ્રથમ રેલવે પેસેંજર ટ્રેઇન મુંબઈમાં બોરીબંદર-થાણા વચ્ચે દોડી, તેની પાછળ મુંબઈના બહુકરોડપતિ પારસી વ્યાપારી-શ્રેષ્ઠી અને હિંદુસ્તાનના પ્રથમ બેરોનેટ સર જમશેત્જી જીજીભોય (સર જમશેદજી જીજીભાઈ) ના ભારે પ્રયત્નો હતા. પારસી ફિલ્મ પ્રોડક્શન કંપની વાડિયા મુવિટોનનાં શાનદાર અભિનેત્રી નાદિયા ધ ફિયરલેસ (હંટરવાલી) ની કહાણી આપે ‘મધુસંચય’ પર વાંચેલ છે.

પારસીઓ મુંબઈમાં વસ્યા, શહેર પર છવાયા અને તેમણે મુંબઈ શહેરને મશહૂર ‘બોમ્બે’ પોર્ટ-સીટી તરીકે દુનિયાના નકશા પર મૂકી દીધું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈમાં પારસીઓની ક્રિકેટ ક્લબનો આરંભ

મુંબઈમાં અંગ્રેજોએ પોતાના આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ શી રીતે વિકસાવી તે આપે ‘મધુસંચય’ પરના લેખમાં વાંચેલ છે. સામાજીક જીવનમાં અંગ્રેજ રીતભાતને અનુસરનાર ભારતીયોમાં પારસી સમાજ મોખરે હતો. પારસીઓને અંગ્રેજોની ક્લબ કલ્ચર અને ક્રિકેટની રમત જચી ગયાં.

1846-48 દરમ્યાન પારસીઓએ મુંબઈમાં પોતાની પ્રથમ ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ બનાવી. તે ભારતીયો માટેની ભારતની પહેલી ક્રિકેટ ક્લબ હતી. મુંબઈમાં  ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ પાછળથી પારસી ક્રિકેટ ક્લબ અને યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ તરીકે વિકસી. હિંદુસ્તાનમાં ક્રિકેટને લોકપ્રિય કરવામાં તે ક્લબે મોટો ભાગ ભજવ્યો. સમય વીત્યે પારસી ક્રિકેટ ક્લબ ઇંગ્લેન્ડના પ્રવાસે જનાર પ્રથમ હિંદુસ્તાની ક્રિકેટ ટીમ બની; ઉપરાંત મુંબઈની વિખ્યાત ક્રિકેટ સ્પર્ધાઓ ટ્રાયએંગ્યુલર, ક્વૉડ્રેંગ્યુલર, પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ શરૂ કરવામાં પણ નિમિત્ત બની.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પારસી ક્રિકેટ ક્લબની ટીમનો સર્વ પ્રથમ ઇંગ્લેન્ડનો પ્રવાસ: વર્ષ 1886

મુંબઈની પારસી ક્રિકેટ ક્લબ (ઝોરોએસ્ટ્રિયન ક્રિકેટ ક્લબ) વિદેશના પ્રવાસે જઈ વિદેશી ધરતી પર ક્રિકેટ ખેલનાર પ્રથમ ભારતીય ટીમ બની. વર્ષ 1886માં પારસી ક્રિકેટ ક્લબની ટીમ ત્રણ મહિનાના ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ.

ઇંગ્લેન્ડનો પ્રવાસ કરનારી આ પ્રથમ ભારતીય ટીમના કેપ્ટન હતા ડૉ ડી. એચ. પટેલ તરીકે જાણીતા પારસી સજ્જન ધનજીશૉ પટેલ. પારસી ક્રિકેટ ટીમના પંદર સભ્યો એવા તો હરખપદુડા હતા કે ગાંઠના પૈસા ખર્ચીને “વિલાયત” (ઇંગ્લેન્ડ) રમવા ગયેલા! મુંબઈથી દરિયાઈ રસ્તે સ્ટીમર માર્ગે ઇંગ્લેન્ડ માટે ત્રણ-ચાર અઠવાડિયા જવાના, એટલા જ આવવાના! મે-ઑગસ્ટ 1886ના ત્રણ મહિનાના પ્રવાસમાં પારસી ક્રિકેટ ક્લબ ઇંગ્લેન્ડમાં 28 મેચો રમી; તે પૈકી 19 મેચ હારી, આઠ ડ્રૉ કરી અને એક યેનકેન પ્રકારેણ જીતેલી ગણાઈ!

ઇંગ્લેન્ડની ટુર કરનાર આ સૌ પ્રથમ ભારતીય ટીમની બે મેચ યાદગાર રહી:

એક તો, પ્રવાસની બીજી મેચ કે જે એમસીસી (મેરિલબોન ક્રિકેટ ક્લબ) ની ટીમ સામે લોર્ડ્ઝના ગ્રાઉન્ડ પર રમાઈ હતી. બે દિવસની આ મેચમાં ક્રિકેટવિશ્વના મહાન ક્રિકેટર ડબલ્યુ. જી. ગ્રેસ (ડૉ વિલિયમ ગિલ્બર્ટ ગ્રેસ) રમ્યા હતા. પારસી ક્રિકેટ ટીમ સામે ડબલ્યુ જી ગ્રેસના 65 રન સાથે એમસીસી ટીમે 313 રન કર્યા હતા. તે સામે પારસી ટીમ બે ઇનિંગ્સમાં માત્ર 23 અને 66 રનમાં ખખડી ગઈ હતી! આ મેચમાં ડબલ્યુ. જી. ગ્રેસે 11 વિકેટો ઝડપી હતી! એમસીસી ટીમનો એક ઇનિંગ્સ અને 224 રનથી ભવ્ય વિજય થયો હતો!

બીજી યાદગાર મેચ, ટીમના પ્રવાસની આખરી મેચ હતી, જે ઇંગ્લેન્ડના મહારાણી ક્વિન વિક્ટોરિયાના અનુરોધથી યોજાયેલી. આ મેચ બર્કશાયર સ્થિત શાહી નિવાસ વિન્ડસર કાસલ પાસે કમરલેન્ડ લૉજ (કમ્બરલેન્ડ લોજ) ખાતે પારસી ટીમ અને રાજવી કુટુંબની પ્રિન્સ વિક્ટર ઇલેવન વચ્ચે રમાઈ હતી. પ્રિન્સ વિક્ટર ક્વિન વિક્ટોરિયાના જ્યેષ્ઠ રાજકુમાર પ્રિન્સ ઑફ વેલ્સ – આલ્બર્ટ એડવર્ડ – ના પુત્ર હતા. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે પ્રિન્સ ઑફ વેલ્સ – આલ્બર્ટ એડવર્ડ મહારાણી વિક્ટોરિયાના મૃત્યુ પછી ઇંગ્લેન્ડના રાજા સાતમા એડવર્ડ તરીકે ગાદી પર આવ્યા હતા. આ મેચમાં પ્રિન્સ વિક્ટર ઉપરાંત ક્વિન વિક્ટોરિયાનાં રાજકુમારી પ્રિન્સેસ હેલિનાના રાજકુમારે પણ ભાગ લીધો હતો.

1886ના ઇંગ્લેન્ડ પ્રવાસની મેચોમાં નિરાશાજનક દેખાવ છતાં પારસી ક્રિકેટ ક્લબની ટીમ માટે આ બે મેચો જીવન સંભારણાં સમી બની ગઈ!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પારસી ક્રિકેટ ક્લબ ટીમનો બીજો ઇંગ્લેન્ડ પ્રવાસ: વર્ષ 1888

1886ના પ્રથમ વિદેશ પ્રવાસ પછી જોશમાં આવેલી પારસી ક્રિકેટ ક્લબે 1888માં ઇંગ્લેન્ડનો બીજો પ્રવાસ ગોઠવી દીધો. યાદ રહે કે આ વાત સચિન તેંડુલકરની પ્રથમ ઇન્ટરનેશનલ મેચના એક સો વર્ષ પહેલાંની છે! પારસી ટીમના પ્રથમ પ્રવાસની ટીમમાંથી માત્ર બે જ સભ્યો બીજા પ્રવાસમાં હતા! પારસી ક્રિકેટ ટીમનો આ ટુરનો એકંદરે દેખાવ સારો રહ્યો. 1888ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન પારસી ક્લબ ટીમ 31 મેચો રમી જેમાંથી 8 મેચમાં તેણે જીત મેળવી! ટીમ ‘માત્ર’ 11 મેચો હારી, 12 ડ્રૉ થઈ! ડૉ પાવરી નામક બોલર 170 જેટલી વિકેટો ઝડપીને સૌથી સફળ બોલર રહ્યા.

મુંબઈમાં બોમ્બે જીમખાનાની સ્થાપના

પારસી કોમને વળગેલો ક્રિકેટનો શોખ સમાજના અન્ય વર્ગોને પ્રભાવિત કરતો ગયો. દરમ્યાન 1875માં દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આઝાદ મેદાન પાસે  ‘બૉમ્બે જીમખાના’ની સ્થાપના થઈ. ઇંગ્લિશ અને યુરોપિયન પ્રજા માટે બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, પોલો જેવી વિદેશી સ્પોર્ટ્સ વિકસાવવાના પ્લાનથી બોમ્બે જીમખાના 19 જૂન, 1875ના દિવસે સ્થપાયેલી. જોતજોતામાં યુરોપિયનો (ખાસ તો બ્રિટીશરો) માટે બોમ્બે જીમખાના પ્રથમ શ્રેણીનું જીમખાના બન્યું. તે અંગ્રેજ અમલદારો, યુરોપિયન કુટુંબો અને મુંબઈના અતિ ઉચ્ચ શ્રીમંતો અને માટે રમતગમતનું જ નહીં, હળવા મળવાનું પણ સ્થળ બન્યું. અહીં યુરોપિયનો અને પારસીઓ વચ્ચે ક્રિકેટ મેચો રમાવાની શરૂઆત થઈ. પછી તો બોમ્બે જીમખાના મેદાન પર બીજી ક્લબ ટીમો પણ રમવા લાગી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બોમ્બે જીમખાનાને વિખ્યાત અંગ્રેજ આર્કિટેક્ટ ક્લૉડ બેટલિએ નવું રૂપ આપ્યું. ચર્ચગેટ અને વિક્ટોરિયા ટર્મિનસ- વીટી (હાલ છત્રપતિ શિવાજી ટર્મિનસ- સીએસટી) નજીક આવેલ બોમ્બે જીમખાના અને તેનું ગ્રાઉન્ડ ક્રિકેટ મેચો માટે જાણીતાં બન્યાં છે.

1933-34માં પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે ભારતની ધરતી પર મુંબઈમાં સૌ પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ. ભારતમાં રમાયેલ સૌ પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈના બોમ્બે જીમખાના ગ્રાઉન્ડ પર ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ખેલાઈ હતી. મુંબઈમાં જ નહીં, દેશભરમાં જાણીતી ટ્રાઈએંગ્યુલર, ક્વૉડ્રેંગ્યુલર, પેન્ટાન્ગ્યુલર આદિ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ વર્ષો સુધી બોમ્બે જીમખાના મેદાન પર આયોજાતી.

મુંબઈની સૌથી જૂની ક્લબ બોમ્બે જીમખાના 144 વર્ષો પછી આજે પણ ચાલે છે. જોકે ફોર્ટ જેવા એરિયામાં તેની પચ્ચીસ-ત્રીસ હજાર ચોરસ મીટર જમીન હવે ઘણાને ખૂંચે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇંગ્લેંડની ટીમનો પ્રથમ ભારત પ્રવાસ: વર્ષ 1889-90

હિંદુસ્તાનમાં ક્રિકેટમાં રસ વધતો જોઈને ઇંગ્લેન્ડની એક ‘અનઓફિશિયલ’ ક્રિકેટ ટીમ 1889-90 દરમ્યાન ભારતના પ્રવાસે આવી. હિંદુસ્તાનમાં અંગ્રેજ ક્રિકેટ ટીમનો આ સૌ પહેલો પ્રવાસ હતો. ઇંગ્લિશ ક્રિકેટ ટીમના કેપ્ટન જ્યોર્જ એફ. વેર્નોન હતા, જે 1882-83માં ઇંગ્લેન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ એશિઝ ટૂરમાં એક ટેસ્ટ મેચ રમ્યા હતા. ભારત આવેલી ઇંગ્લેન્ડની ટીમ યુરોપિયનો સાથે તો કેટલીક મેચો રમી, સાથે પારસી ક્રિકેટ ક્લબ સાથે પણ રમી! પારસીઓ અને અંગ્રેજ ટીમ વચ્ચેની મેચમાં પારસીઓએ વિઝિટિંગ  ટીમને નાલેશીભરી શિકસ્ત આપી! ઇંગ્લિશ ટીમ સામે પારસીઓની જીતના પડઘા બ્રિટીશ હિંદુસ્તાનમાં જ નહીં, ઇંગ્લેન્ડમાં પણ ખૂબ ગુંજ્યા હતા!

બોમ્બે જીમખાનાએ કર્યો ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો આરંભ

પારસી ક્રિકેટ ક્લબના સભ્યો અને બોમ્બે જીમખાનાના યુરોપિયનો વચ્ચે ક્રિકેટ મેચો રમાવા લાગી, જે પ્રેસિડેન્સી મેચના નામથી ઓળખાઈ. પારસીઓ અને યુરોપિયનો વચ્ચે ક્રિકેટની વાર્ષિક પ્રેસિડેન્સી મેચોની વિજેતા ટીમ ‘પ્રેસિડેન્સી વિનર્સ’ કહેવાતી.

1892માં પ્રેસિડેન્સી મેચને ફર્સ્ટ ક્લાસ મેચનો દરજ્જો મળતાં ભારતમાં પ્રથમ કક્ષાના ક્રિકેટનો આરંભ થયો.

પ્રથમ ‘અખિલ ભારતીય’ ટીમનો ઇંગ્લેન્ડનો પ્રવાસ: વર્ષ 1911

1911ના વર્ષમાં અખિલ ભારત ધોરણે (!) પસંદ પામેલ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેંડના પ્રવાસે ગઈ. ભારતીય ટીમના 1911ના પ્રવાસનું મહત્ત્વ કેટલાક કારણોથી છે.

પ્રથમ તો એ કે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમાવાની શરૂઆત થઈ તે પછી ભારતીય ટીમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હતો. આમ, 1911માં ભારતની ટીમને વિદેશી ટીમ સામે પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચ રમવાની તક ઇંગ્લેન્ડમાં પહેલી વાર મળી.

બીજો મુદ્દો એ કે, આ ટીમ કોઈ ક્લબની ટીમ ન હતી. આ ટીમના સભ્યો “ભારતભર”માંથી પસંદ થયા હતા અર્થાત તેમને કોઈ ક્લબ, ધર્મ કે જાતિના ધોરણે પસંદ કરાયા ન હતા. આ ટીમમાં પલવનકર બાલુ નામના યુવાન પસંદગી પામ્યા, કે જે સમાજના ‘અન-પ્રિવિલેજ્ડ’ વર્ગમાંથી આવતા હતા.

અન્ય વાત એ કે ક્રિકેટમાં ક્લબો ઉપરાંત દેશી રાજ્યોના રાજવી કુટુંબો રસ લેતા થયા. આ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પતિયાલા રાજ્યના મહારાજા ભૂપેન્દ્ર સિંઘ (ભૂપિંદર સિંઘ) હતા.

આ પ્રવાસમાં ઇન્ડિયન ટીમ ઇંગ્લેન્ડમાં 23 મેચો રમી જે પૈકી 14 મેચો પ્રથમ કક્ષાના ક્રિકેટની હતી. ભારતીય ટીમ કુલ 14 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાંથી માત્ર 2 મેચ જીતી શકી શકી, 10 માં હાર પામી!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બોમ્બેની ટ્રાઇએંગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ

મુંબઈમાં બોમ્બે જીમખાનાની સ્થાપનાને પગલે ક્રિકેટની લોકપ્રિયતા વધી અને અન્ય જીમખાનાઓ અને ક્લબો સ્થપાવા લાગી. પરિણામે વિવિધ ટીમો વચ્ચે ટ્રાઇએન્ગ્યુલર, ક્વોડ્રેંગ્યુલર, પેન્ટાંગ્યુલર જેવી ટુર્નામેન્ટો શરૂ થઈ.

1894માં હિંદુ જીમખાના (પી.જે. હિંદુ જીમખાના) ની સ્થાપના થઈ.  વીસમી સદીના આરંભે હિંદુ જીમખાનાએ બોમ્બે જીમખાનાના યુરોપિયનોને હરાવીને સનસનાટી ફેલાવી દીધી. પછી તો બોમ્બે જીમખાના, હિંદુ જીમખાના અને પારસી ક્રિકેટ ક્લબ (ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ) વચ્ચે બૉમ્બે ટ્રાઇએંગ્યુલર ટુર્નામેન્ટ શરૂ થઈ. તેમાં પ્રારંભે હિંદુ જીમખાનાનો દબદબો રહ્યો અને 1907થી 1912 સુધી તેમને કોઈ હરાવી ન શક્યું. ‘ડિવાઇડ એન્ડ રુલ’ના જોરે હિંદુસ્તાન પર રાજ કરતી અંગ્રેજ હકુમત રમતના માધ્યમે સાંપ્રદાયિકતાને બહેકાવવામાં સફળ થઈ. ક્રિકેટમાં મુસ્લિમ જીમખાનાની એન્ટ્રી થઈ. ટ્રાયેંગ્યુલર સ્પર્ધામાં મુસ્લિમો ભળતાં ચાર ટીમો થઈ અને  તે બોમ્બે ક્વૉડ્રેન્ગ્યુલર ટુર્નામેન્ટમાં પલટાઈ. પછી તો રેસ્ટ ઓફ ઇન્ડિયાના નામે પાંચમી ટીમ આવી અને મુંબઈની ખ્યાતનામ ક્રિકેટ ટુર્નામેન્ટને ‘બૉમ્બે પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ’નું રૂડું નામ મળ્યું. જો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિત કેટલાક દક્ષ ભારતીય રાજનીતિજ્ઞો અંગ્રેજ સરકારની ચાલ સમજી ગયા હતા અને તેમણે ધાર્મિક ભાવનાઓને ભડકાવતી બ્રિટીશ નીતિઓ સામે ભારતીય સમાજને ચેતવી દીધો હતો. ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બનતાં સમાજમાં ભેદભાવ ઊભા કરતી ક્વોડ્રેંગ્યુલર, પેંટાન્ગ્યુલર જેવી ભાગલાવાદી સ્પર્ધાઓનો અંત આવ્યો.

બીસીસીઆઇની સ્થાપના અને ભારતીય ક્રિકેટને મળ્યો ટેસ્ટ દરજ્જો

ભારતમાં ક્રિકેટને વિકસાવવામાં અંગ્રેજોનો અંગત સ્વાર્થ હતો. તેથી ભારતને ટેસ્ટ દરજ્જો આપવાના પ્રયત્નો પણ ત્વરાથી આરંભાયા. 1928માં ભારતમાં ક્રિકેટને વિકસાવવા તથા સ્પર્ધાઓના સંચાલન માટે અધિકૃત સંસ્થા સ્થાપવાના ચક્રો ગતિમાન થયા. આખરે ડિસેમ્બર 1928માં ‘બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા’ – બીસીસીઆઇ – ની સ્થાપના થઈ. બીસીસીઆઇના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે ખેલપ્રેમી બ્રિટીશ ઉદ્યોગપતિ-બિઝનેસમેન આર.ઇ. ગ્રાન્ટ ગોવનની નિમણૂક થઈ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે સંલગ્ન બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા દેશમાં ક્રિકેટની રમત માટે ગવર્નિંગ બોડી તરીકે આજે પણ કાર્ય કરે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતના ક્રિકેટ ઇતિહાસની સૌ પ્રથમ ટેસ્ટ મેચ લોર્ડ્ઝના મેદાન પર: વર્ષ 1932

ભારતને ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ મળતાં 1932માં ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડનો પ્રવાસ આયોજાયો, જો કે તેમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમવાની હતી, જ્યારે અન્ય ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમવાની હતી. દેશી રાજ્યોના રાજવીઓના રાજકારણ વચ્ચે બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) એ ટીમની પસંદગી કરી. ટીમના કેપ્ટન તરીકે પતિયાળા (પતિયાલા) ના મહારાજા ભૂપેંદ્ર સિંઘ પસંદ થયા, અન્ય રાજવી સભ્યોમાં એક વિઝિએનાગ્રામ (આન્ધ્ર પ્રદેશ)ના મહારાજ કુમાર પણ હતા.

પ્રથમ ગ્રાસે મક્ષિકા, કે પ્રવાસ શરૂ થતાં પહેલાં વિઝિએનાગ્રામ (આન્ધ્ર પ્રદેશ)ના મહારાજ કુમાર ‘ખરાબ ફીટનેસ’નું કારણ બતાવી ટૂરમાંથી ખસી ગયા! દુ:ખમાં અધિક માસ, કે નાદુરસ્ત તબિયતના કારણે પતિયાળા નરેશ ભુપેન્દ્ર સિંઘ પણ બેસી ગયા! હવે બીસીસીઆઇએ કેપ્ટન તો કોઈ મહારાજાને જ પસંદ કરવા પડે! પસંદગી ઉતરી પોરબંદરના મહારાજા સર નટવરસિંહજી ભાવસિંહજી પર! પોરબંદર નરેશ નટવરસિંહજી કાબેલ રાજ્યકર્તા, અને ક્રિકેટના ખૂબ રસિયા, પણ રમતમાં અનુભવ માત્ર 6 ફર્સ્ટ ક્લાસ મેચનો! ચાલો, ટીમના કેપ્ટન બન્યા મહારાજા નટવર્સિંહજી, તો વાઇસ કેપ્ટન હતા તેમના સાળા સાહેબ પ્રિન્સ ઘનશ્યામસિંહજી, લીમ્બડી (ગુજરાત) ના રાજકુમાર! ઇંગ્લેન્ડ પ્રવાસમાં લિંમડીના રાજકુમાર ઘનશ્યામસિંહજી ઇજાગ્રસ્ત થયા અને ટીમમાંથી બહાર! આ નવી ઉપાધિ!

આવી હાલકડોલક ભારતીય ટીમની નાવનું સુકાન પ્રથમ ટેસ્ટ મેચ સમયે સી. કે. નાયડુને આપવામાં આવ્યું. 36 વર્ષના કોટ્ટારી કનકૈયા નાયડુ ઉર્ફે સી. કે. નાયડુ ભારતના ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ કેપ્ટન બન્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

25 જૂન, 1932ના દિવસે ભારત તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્ઝ (ગ્રેટર લંડન)  ખાતે રમ્યું. વિશ્વક્રિકેટની આ 219મી ટેસ્ટ મેચ, પરંતુ ભારતની પહેલી ટેસ્ટ! જૂન 25 થી 28 સુધી ચાર દિવસની ટેસ્ટમાં 26મીએ રવિવાર આરામનો દિવસ હોવાથી રમત તો ખરેખર ત્રણ જ દિવસની!

પ્રથમ વિદેશ પ્રવાસ, પહેલી જ ટેસ્ટ, ઇંગ્લેંડની વિદેશી ધરતી, અજાણ્યું વાતાવરણ, વણકલ્પેલ આબોહવા! ઇંગ્લિશ ટીમમાં હર્બર્ટ સટક્લિફ, વૉલિ હેમન્ડ અને જાર્ડિન જેવા વર્લ્ડ ક્લાસ બેટ્સમેન હતા. કેટલાક ટીમ મેમ્બર્સ ખાસ્સા અનુભવી હતા, એશિઝમાં ઑસ્ટ્રેલિયાના ડૉનાલ્ડ બ્રેડમેન સામે પણ રમી ચૂક્યા હતા. પ્રથમ ટેસ્ટનું પરિણામ શું આવશે તે તો ખબર હતી, છતાં ભારતીય ટીમે પોતાનું હીર તો પરખાવી દેધું! ટોસ જીતીને ઇંગ્લેન્ડે દાવ લીધો. ભારતીય બોલર મોહમ્મદ નિસારે બંને ઓપનિંગ બેટ્સમેનને અગિયાર રનમાં પેવેલિયન ભેગા કર્યા. 19 રનમાં ત્રણ વિકેટ પડ્યા પછી  ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 259માં પૂરો થયો. બોલર મોહમ્મદ નાસિરે પાંચ વિકેટો ઝડપી. તેની સામે ભારતના પ્રથમ દાવમાં 189 રન થયા જેમાં કેપ્ટન સી કે નાયડુના 40 રન મુખ્ય હતા. ઇંગ્લેંડે આઠ વિકેટે 275 રન પર દાવ ડિકલેર્ડ કર્યો. જવાબમાં ભારતની ટીમ 187 રનમાં ઑલ આઉટ થતાં ઇંગ્લેન્ડનો 158 રનથી વિજય થયો.

આમ, 1932માં ઇંગ્લેંડ સામે લોર્ડ્ઝ ખાતે પહેલી ટેસ્ટ રમીને ભારતે ટેસ્ટ ક્રિકેટમાં પગલાં માંડ્યાં. પછી તો ભારતમાં ક્રિકેટની રમતે એવી ઘેલછા જગાવી દેશની મહત્ત્વની રમતોમાં તેને વિશેષ સ્થાન મળ્યું. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા વિશ્વપ્રસિદ્ધ ક્રિકેટરો ભારતે આપ્યા. અત્યારે ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી આઇસીસી વર્લ્ડ ક્રિકેટ કપ (બારમી એડિશન) ની – 2019 સિરીઝની રમતોમાં ભારતની આગેકૂચ પર ક્રિકેટરસિકોની નજર છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત: પરિશિષ્ટ (1)
 • ભારતમાં સૌ પ્રથમ ક્રિકેટ મેચ રમાઈ ગુજરાતમાં વર્ષ 1721માં
 • ભારતની પ્રથમ ક્રિકેટ ક્લબ અંગ્રેજો દ્વારા કલકત્તામાં સ્થપાયેલ ‘કલકતા ક્રિકેટ ક્લબ’, જે એમસીસી (ઇંગ્લેન્ડ) પછી વિશ્વની બીજી ક્રિકેટ ક્લબ
 • મુંબઈમાં ભારતીયો દ્વારા સ્થપાઈ પહેલી ક્રિકેટ ક્લબ ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ જે પછીથી બની પારસી ક્રિકેટ ક્લબ કે યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ
 • બ્રિટીશરો/ યુરોપિયનોએ ફોર્ટમાં સ્થાપી મુંબઈની પ્રથમ ક્લબ બૉમ્બે જીમખાના
 • વિલાયત/ ઇંગ્લેન્ડનો પ્રથમ ક્રિકેટ પ્રવાસ કરનાર પહેલી ભારતની ક્રિકેટ ટીમ મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ટીમ (વર્ષ 1886)
 • 1886માં પારસી ટીમ સામે એમસીસી તરફથી રમ્યા વિશ્વવિખ્યાત મહાન ક્રિકેટર ડબલ્યુ જી ગ્રેસ
 • 1889-90 માં ભારતનો સૌ પ્રથમ પ્રવાસ કરનાર ઇંગ્લિશ ક્રિકેટ ટીમની મુંબઈની પારસી ક્રિકેટ ટીમ સામે હાર
 • બોમ્બે જીમખાના ખાતે ભારતની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોનો આરંભ
 • લોકપ્રિય થયેલ ટ્રાઈએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર, પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટ જેવી ક્રિકેટ સ્પર્ધાઓ મુંબઈના બોમ્બે જીમખાનાના મેદાન પર રમાતી
 • ભારતના ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય ટીમ દ્વારા સૌ પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ 1932માં ઇંગ્લેન્ડમાં લોર્ડ્ઝના મેદાન પર
 • લોર્ડ્ઝ (ગ્રેટર લંડન) ખાતે ભારત – ઇંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક સર્વ પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ જૂન, 1932માં; ભારતીય ટીમના કેપ્ટન હતા સી કે નાયડુ

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત: પરિશિષ્ટ (2)
 • કલકત્તા ક્રિકેટ ક્લબ, ક્લકત્તા (કોલકતા): Calcutta Cricket Club, Calcutta, India
 • ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ/ પારસી ક્રિકેટ ક્લબ/ યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ, બોમ્બે (મુંબઈ): Oriental Cricket Club/ Parsee Cricket Club/ Young Zoroastrian Club; Bombay (Mumbai)
 • બૉમ્બે જિમખાના/ બોમ્બે જીમખાના, ફોર્ટ, મુંબઈ: Bombay Gymkhana, Fort, Mumbai
 • ટ્રાઇએન્ગ્યુલર/ ક્વોડ્રેન્ગ્યુલર / પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ: Triangular / Quadrangular/ Pentangular Cricket Tournament, Bombay Gymkhana, Mumbai
 • ડબલ્યુ. જી. ગ્રેસ/ ડૉ વિલિયમ ગિલ્બર્ટ ગ્રેસ: G. Grace / Dr William Gilbert Grace (1848-1915)
 • સી. કે. નાયડુ/ કોટ્ટારી કનકૈયા નાયડુ: C K Nayudu / Cottari kanakaiya Nayudu (1895-1967); First Captain of the first-ever Indian Test Team
 • એમસીસી / મેરિલબોન ક્રિકેટ ક્લબ, ઇંગ્લેંડ: MCC / Marylebone Cricket Club; Founded 1887; England
 • બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા – બીસીસીઆઇ: Board of Control for Cricket in India / BCCI; India
 • પતિયાળા (પતિયાલા) ના મહારાજા ભૂપેંદ્ર સિંઘ: Maharaja Bhupinder Singh of Patiala, India (1891-1938)
 • લોર્ડ્ઝ, ગ્રેટર લંડન, યુકે: Lord’s / Lord’s Cricket Ground, Greater London, UK
 • ભારતની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેંડ સામે લોર્ડ્ઝ પર, જૂન 1932માં: India’s first ever Cricket Test Match played at Lord’s Ground, 25th-28th June 1932

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

બોમ્બેની રોમાંચક ટ્રાઇએન્ગ્યુલર – ક્વોડ્રેન્ગ્યુલર – પેન્ટેગ્યુલર ટુર્નામેન્ટ્સ વિશે વાંચવા અહીં ક્લિક કરો. 

વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વિશે જાણવા અહીં ક્લિક કરો.

ગુજરાતનાં પ્રથમ મહિલા ડૉકટરો ડૉ મોતીબાઇ કાપડિયા તથા રૂખમાબાઇ રાઉત વિશે લેખ વાંચવા અહીં ક્લિક કરો.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

7 thoughts on “ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s