અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ભારતમાં શિક્ષણનો પ્રસાર: સ્ત્રી શક્તિનો ઉદય

વિમેન એમ્પાવરમેન્ટની વાતો આજે કેવી સહજતાથી થઈ શકે છે! પુરૂષ સમોવડી સ્ત્રીનો ખ્યાલ આજે કેવો સરળ છે! ઓગણસમી સદીમાં સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી શક્તિ, ફેમિનિઝમ, સ્ત્રીના સમાન હક્કો, જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો વિચારી શકાતા પણ ન હતા. પુરૂષપ્રધાન સમાજમાં મહિલાઓને ભાત ભાતની બેડીઓમાં જકડી અશિક્ષિત રાખવાના પ્રયત્નો થતા હતા, ત્યારે મુઠીભર દૂરદ્રષ્ટાઓએ આ બેડીઓ તોડી. તેઓએ કુરૂઢિઓને પડકારી સ્ત્રીઓને શિક્ષિત કરવા કમર કસી અને સ્ત્રીશિક્ષણના પ્રસાર સાથે હિંદુસ્તાનમાં સમાજની તાસીર પલટાતી ગઈ. અજ્ઞાનમાં ડૂબેલા હિંદુસ્તાનમાં શિક્ષણ દ્વારા જાગૃતિના દીપ પ્રગટાવનાર જ્યોતિર્ધરો તથા તે જમાનામાં મહિલા સમાજને પ્રેરણા આપનાર, હિંદુસ્તાનની સર્વ પ્રથમ શિક્ષિત સ્ત્રીઓના આપણે ઋણી છીએ. આવો, આપણે આપના આ બ્લૉગ ‘મધુસંચય’ પર તેમની ગાથાઓ દ્વારા  તેમને સ્મરણાંજલિ અર્પીએ.

સ્ત્રી શક્તિના ઉદયની વિસરાતી કહાણીઓનો પાર નથી. સ્ત્રી શક્તિને જાગૃત કરવામાં નામી-અનામી સજ્જન-સન્નારીઓ તથા સંસ્થાઓએ અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. સૌને વંદન!

** ‘મધુસંચય’ પર આ લેખ આગળ વાંચવા માટે  લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરવા વિનંતી **

હિંદુસ્તાનમાં શિક્ષણ-જાગૃતિના દીપ પ્રગટાવનાર જ્યોતિર્ધરો

જ્યારે સમાજ આખો એક લીટી પર ચાલ્યો જતો હોય, ત્યારે નોખી પગદંડી પાડનારી વિરલ પ્રતિભાઓની પ્રશસ્તિ માટે શબ્દો ઓછા પડે! જાગૃતિની જ્યોતિ જલાવી તેઓ સમાજને તેજોમય કરી જાય છે. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકોને, જે નામો વારંવાર સાંભળ્યાં હોય તે, તરત યાદ આવે, જેમ કે, રાજા રામ મોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે ઇત્યાદિ.

કેટલાક મહાનુભાવો કે સંસ્થાઓના નામ પ્રયત્નથી યાદ કરવા પડે કે જાણવા પડે. જો કે આવા “હટ કે” ટૉપિક જ એવા હોય, કે તે વાત વિવાદ જ સર્જે. વળી તેમના સંપૂર્ણ રેકર્ડઝ ઉપલબ્ધ ન હોય; જો હોય તો તેમનાં અર્થઘટન વિવિધ રીતે થઈ શકતાં હોય. તેથી દાવા સામે પ્રતિદાવા ઊભા જ હોય. આમ છતાં આપણે કેટલાક મુદ્દે જિજ્ઞાસા સંતોષવા પ્રયત્ન કરીએ.

પ્રાચીન ભારતમાં ગુરુ-શિષ્ય પરંપરાથી આશ્રમોમાં શિક્ષણનાં ઉચ્ચ સ્તર જળવાયાં હતાં. તક્ષશિલા વિદ્યાપીઠ અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં દેશ-વિદેશનાં વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવતાં. આ પ્રાચીન યુનિવર્સિટીઓ – તક્ષશિલા અને નાલંદા – ભારત દેશનાં ગૌરવ સમાન હતી. પરંતુ વિદેશીઓનાં આક્રમણ પછી આ સ્થિતિ પલટાતી ગઈ.

બ્રિટીશ હકૂમત નીચેના હિંદુસ્તાનમાં પ્રથમ સ્કૂલ કઈ? ઉત્તર શક્ય નથી. તત્કાલીન હિંદુસ્તાનમાં અંગ્રેજ શાસનને પ્રજાને શિક્ષિત કરવામાં કોઈ રસ ન હતો. શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા દ્વારા ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ સમાજની દુખતી રગ પારખી લીધી. દેશમાં શિક્ષણના પ્રસારમાં ક્રિશ્ચિયન મિશનરીઝનો ફાળો વિશેષ રહ્યો અને તે થકી ધર્મ પરિવર્તનને ઉત્તેજન મળ્યું તે દુ:ખદ હકીકત છે. અઢારમી સદીના અંત પહેલાં દક્ષિણ ભારતમાં અનૌપચારિક શાળાઓ સ્થપાઈ ચૂકી હતી.

1498 ના મે માસની 20 મી તારીખે દક્ષિણ ભારતના કાલિકટ (કોઝિકોડ) પહોંચનાર પોર્ટુગલના  દરિયાખેડૂ સાહસિક વાસ્કો દ ગામા યુરોપથી સમુદ્રમાર્ગે હિંદુસ્તાન પહોંચનાર પ્રથમ યુરોપિયન હતો.

લિસ્બન, પોર્ટુગાલ (યુરોપ) થી નીકળી, આફ્રિકાની કેપ ઑફ ગુડ હોપ થઈ દરિયારસ્તે હિંદુસ્તાનના પશ્ચિમ કિનારે કાલિકટ પહોંચનાર વાસ્કો દ ગામાને પગલે પોર્ટુગિઝ પ્રજાએ પગદંડો જમાવ્યો. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે પોર્ટુગિઝ પછી અંગ્રેજ, વલંદા – ડચ, ફ્રેંચ, ડેનિશ આદિ યુરોપિયન પ્રજાઓએ પણ હિંદુસ્તાનમાં વસાહતો સ્થાપી. આ સાથે ક્રિશ્ચિયન મિશન – ખ્રિસ્તી ધર્મસંસ્થાઓ પણ અહીં કામ કરવા લાગી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

ભારતની પ્રથમ કોલેજ કઈ? ભારતીય યુનિવર્સિટીમાંથી પદવીધારી પ્રથમ ગ્રેજ્યુએટ કોણ? અમુક જ શિક્ષણ સંસ્થા પહેલી કે અમુક વ્યક્તિ પ્રથમ શિક્ષિત વ્યક્તિ તેવું કહેવું મુશ્કેલ છે. પણ ક્ષેત્રના અગ્રેસરોનો અછડતો પરિચય મેળવી શકાય.

વાસ્કો દ ગામાના કાલિકટની દક્ષિણે આશરે 250 કિલોમીટર દૂર ત્રાવણકોર રાજ્ય (ત્રાવણકોર સ્ટેટ, હાલ કેરાલા સ્ટેટ) નું કોટ્ટાયમ શહેર.

ત્રાવણકોરના રાણી (રેજેન્ટ ક્વિન) ગોવરી/ગૌરી પાર્વતીબાઈ (1802-1853, શાસન 1815-1829) પ્રથમ શાસક હતાં, હતાં જેમણે શિક્ષણના પ્રસારની જવાબદારી રાજ્યના માથે લીધી. વર્ષો પછી, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બરોડા રાજ્યમાં શિક્ષણ-પ્રસારની આવી ફરજ નિભાવી હતી.

ગોવરી પાર્વતીબાઈના સહકારથી ત્રાવણકોર રાજ્યમાં શિક્ષણને ઉત્તેજન મળ્યું.

1817માં કોટ્ટાયમમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપતી, પાશ્ચાત્ય પદ્ધતિની પ્રથમ આર્ટ્સ કોલેજ શરૂ થઈ. અગાઉ બ્રિટીશ ત્રાવણકોર રાજ્યના કોટાયમમાં અંગ્રેજી સ્કૂલ શરૂ થઈ હતી, જે પાછળથી અંગ્રેજી ઢબનું પદ્ધતિસર શિક્ષણ આપતી સીએમએસ કોલેજ બની. ચર્ચ મિશનરી સોસાયટી (સીએમએસ) દ્વારા સ્થપાયેલ સીએમએસ કોલેજ કોટ્ટાયમ ભારતની પ્રથમ કોલેજ ગણી શકાય. જો કે નાગરકોઇલ (ત્રાવણકોર શાસન, હાલ તામિલનાડુ) માં ખ્રિસ્તી મિશનરી દ્વારા 1809માં ગામઠી શાળા શરૂ થઈ હતી, જે વર્ષો પછી સ્કૉટ ક્રિશ્ચિયન કોલેજમાં રૂપાંતર પામી.

બંગાળ, હિંદુસ્તાનમાં શિક્ષણની જ્યોત

હુગલી, બંગાળાની પ્રથમ કોલેજ 1818 માં સ્થપાયેલ સેરામપોર કોલેજ (સીરામપોર/ સ્રીરામપોર / શ્રીરામપુર, પશ્ચિમ બંગાળ) હતી. ઇંગ્લિશ મિશનરીઝ દ્વારા સ્થપાયેલ સેરામપોર કોલેજ આજે પણ કાર્યરત છે. કલકત્તા (કોલકતા) પાસે હુગલી નદીને કિનારે વસેલ સેરામપોરમાં એક જમાનામાં યુરોપિયન દેશ ડેન્માર્કની પ્રજા ડેનિશ લોકોએ પગપેસારો કર્યો હતો, પણ તેઓ ફાવ્યા ન હતા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

1849માં કલકત્તામાં કન્યાઓ માટે ‘બેથ્યુન સ્કૂલ’ નામે ગર્લ્સ સ્કૂલ શરૂ થઈ. બેથ્યુન ગર્લ્સ સ્કૂલનો વિકાસ થતાં 1879માં તે ‘બેથ્યૂન કોલેજ’ તરીકે દેશની પ્રથમ મહિલા કોલેજ બની.  બેથ્યુન કોલેજ હિંદુસ્તાનની જ નહીં, એશિયાની પણ પ્રથમ વિમેન્સ કોલેજ ગણાય છે.

હિંદુસ્તાનમાં પશ્ચિમની ઢબે તબીબી શિક્ષણ આપવાના પ્રયત્નો થતા રહેતા હતા. પોંડિચેરીમાં ફ્રેંચ શાસને 1823 માં મેડિકલ સ્કૂલ સ્થાપી હતી.

બ્રિટીશ ઇન્ડિયાની પ્રથમ  મેડિકલ કોલેજ કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ1835 માં કલકત્તા (કોલકતા, પશ્ચિમ બંગાળ) માં શરૂ થઈ. તેનું મૂળ નામ મેડિકલ કોલેજ, બેંગાલ, પણ પાછળથી તે ‘કલકત્તા મેડિકલ કોલેજ’ તરીકે ઓળખાઈ.

કલકત્તા મેડિકલ કોલેજ માત્ર હિંદુસ્તાનની જ નહીં, એશિયાની પ્રથમ મેડિકલ કોલેજ હતી જ્યાં અંગ્રેજી ભાષામાં, પાશ્ચાત્ય પદ્ધતિથી, મૃતદેહના ડિસેક્શન સાથે આધુનિક તબીબી શિક્ષણ અપાતું હતું. મેડિકલ કોલેજ, બેંગાલમાં અભ્યાસ કરનાર સૌ પ્રથમ ભારતીયોમાં મધુસુદન ગુપ્તાનું નામ આવે. મેડિકલ કોલેજ, બેંગાલમાંથી અભ્યાસ કરી ઇંગ્લેંડ જઈ, ડૉક્ટરની ઉચ્ચતમ મેડિકલ ડિગ્રી મેળવનાર પ્રથમ બંગાળી-હિંદુસ્તાની સૂરજો કુમાર ચક્રવર્તી હતા. સૂરજો કુમાર ચક્રવર્તી ઇંગ્લેન્ડમાં એમઆરસીએસ તથા એમડી ની મેડિકલ ડિગ્રીઓ મેળવી, બ્રિટીશ ઇન્ડિયાની ઇંડિયન મેડિકલ સર્વિસમાં જોડાનાર પ્રથમ ભારતીય ડૉક્ટર હતા.

દેશની પ્રથમ હોમિયોપેથી કોલેજ કલકત્તામાં 1880માં સ્થપાઈ.

હિંદુસ્તાનની પ્રથમ યુનિવર્સિટી બંગાળમાં કલકત્તા ખાતે સ્થપાયેલી કલકત્તા યુનિવર્સિટી (યુનિવર્સિટી ઑફ કલકત્તા/ કોલકતા) હતી. મધુસંચયના વાચકો જાણે છે કે અંગ્રેજ શાસનના આરંભે હિંદુસ્તાનની રાજધાની કલકત્તા હતી. તત્કાલીન બ્રિટીશ હિંદુસ્તાનના કેપિટલ કલકત્તામાં 1857 માં સ્થપાયેલ યુનિવર્સિટી ઑફ કલકત્તા એશિયાની પ્રથમ મલ્ટિ-ડિસિપ્લિનરીઅને ધર્મનિરપેક્ષયુનિવર્સિટી હતી. ઇંગ્લિશ લિટરેચર તેમજ પાશ્ચાત્ય-પૌર્વાત્ય ફિલોસોફી જેવા વિવિધ વિષયોનો અભ્યાસ કરાવતી કલકત્તા યુનિવર્સિટી એશિયાની સર્વ પ્રથમ યુનિવર્સિટી હતી.

યુનિવર્સિટી ઑફ કલકત્તાની બી.એ. ડિગ્રીની પ્રથમ બેચના એક વિદ્યાર્થી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (ચેટરજી) ને ભારતના પ્રથમ સ્નાતકનું બહુમાન આપી શકાય. બંગાળાના લેખક બંકિમચંદ્ર ચેટરજીએ તેમની બંગાળી નવલકથા આનંદમઠમાં પ્રસિદ્ધ ગીત (રાષ્ટ્રગાન) વંદે માતરમલખ્યું હતું. બંકિમબાબુના વંદે માતરમને ગુરુદેવ રવિંદ્રનાથ ટાગોર દ્વારા સ્વરબદ્ધ કરાયું. આમ, હિંદુસ્તાનના પ્રથમ ગ્રેજ્યુએટ બંકિમચંદ્ર ચેટરજીનું ‘વંદે માતરમ’ સ્વતંત્ર ભારતનું  રાષ્ટ્રગાન બન્યું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

હિંદુસ્તાનમાં મહિલા સમાજને પ્રેરક પ્રથમ શિક્ષિત સ્ત્રીઓ

દુનિયામાં ઘણા દેશોમાં સ્ત્રીની સ્થિતિ સૈકાઓ સુધી કચડાયેલી રહી. હિંદુસ્તાનમાં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી ત્યારે પંડિતા રમાબાઈ સરસ્વતી, ચંદ્રમુખી બાસુ, કાદંબિની ગાંગુલી, આનંદીબાઈ જોશી, રુખમાબાઈ રાઉત, મોતીબાઈ કાપડિયા જેવા અનેક નામી અનામી સ્ત્રી રત્નોએ મહિલા વર્ગમાં જ નહીં, સમગ્ર હિંદુસ્તાની સમાજમાં જાગૃતિની ચિનગારી પ્રગટાવી. હા, તેમની સાથે વિવાદો ઊઠ્યા, પણ તેમણે નવા ચીલા ચાતરી સમાજને ઝકઝોરી દીધો.  મધુસંચયના વાચકોને તેમના વિશે નીચેની ટૂંક માહિતીમાં રસ પડશે.

પંડિતા રમાબાઈ સરસ્વતી (જન્મ 1858) એ સંસ્કૃતનાં પ્રાચીન શાસ્ત્રો આત્મસાત કરી ઇંગ્લેન્ડ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. રમાબાઈએ ખ્રિસ્તી ધર્મ અપનાવી મહિલાઓ માટે સંસ્થાઓ સ્થાપી.

1860માં જન્મેલા ચંદ્રમુખી બાસુ હિંદુસ્તાનના પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટમાંથી એક, બેથ્યુન કોલેજના પ્રથમ બેચના સ્નાતક,  અને કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. થનાર સર્વ પ્રથમ ભારતીય મહિલા.

1861માં જન્મેલા કાદંબિની ગાંગુલી પણ બેથ્યુન કોલેજમાં ચંદ્રમુખી બાસુના સહાધ્યાયી; પ્રથમ મહિલા સ્નાતક. કાદંબિનીજી કલકત્તા મેડિકલ કોલેજમાં વેસ્ટર્ન મેડિસિનનો અભ્યાસ કરનાર પ્રથમ સ્ત્રી ડૉક્ટર જેમને દેશમાં પાશ્ચાત્ય પદ્ધતિએ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાની છૂટ મળી. કાદંબિની ગાંગુલી યુરોપિયન મેડિસિનમાં તાલીમ પામનાર સમગ્ર સાઉથ એશિયાના પ્રથમ મહિલા ડૉક્ટર હતા.

1864માં જન્મેલા રુખમાબાઈ રાઉત ઇંગ્લેંડ જઈ એમડીની ડિગ્રી મેળવી પ્રેક્ટિસ શરૂ કરનાર હિંદુસ્તાનના બીજા પ્રેક્ટિસિંગ સ્ત્રી ડૉક્ટર (કાદંબિની ગાંગુલી ભારતના પ્રથમ પ્રેક્ટિસિંગ મહિલા ડૉક્ટર). મધુસંચયના વાચકોને આઘાત લાગશે કે બાળલગ્નના કુરિવાજનો ભોગ બનેલ રુખમાબાઈ રાઉત માત્ર સત્તર વર્ષે વિધવા બન્યાં. આમ છતાં સંજોગો અને સમાજ સામે ઝઝૂમી ડોક્ટર બન્યાં.

1865માં જન્મેલા આનંદીબાઈ ગોપાલરાવ જોશી અમેરિકા જઈ મેડિકલ ડૉક્ટરની એમડી ની ડિગ્રી મેળવનાર હિંદુસ્તાનના પ્રથમ ડૉક્ટર. ડૉ આનંદી ગોપાલ જોશીએ 1886માં પેન્સિલ્વેનિયા, યુએસએની  પ્રથમ મહિલા મેડિકલ કોલેજ ‘વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા’  (ડબલ્યુએમસીપી) માંથી એમડીની ડિગ્રી લીધી. આનંદીબાઈની આ સિદ્ધિને ઇંગ્લેંડના મહારાણી ક્વિન વિક્ટોરિયાએ પણ બિરદાવી હતી.

1867માં જન્મેલા મોતીબાઈ કાપડિયા મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજમાંથી ડૉક્ટર થયા અને સીધા જ અમદાવાદમાં નવી જ શરૂ થયેલ પ્રથમ વિમેન્સ હોસ્પિટલ વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલના મેડિકલ ઓફિસર નિમાયા. ગુજરાતના પ્રથમ મિલમાલિક શેઠ રણછોડલાલ છોટાલાલના દાનથી અમદાવાદમાં કાળુપુર – પાંચકૂવા એરિયામાં સ્ત્રીઓ માટે આ હોસ્પિટલ શરૂ થઈ હતી. ડૉ મોતીબાઈએ તેમાં 36 વર્ષો સેવા આપી. ગુજરાતમાં મેડિકલ ઓફિસર બનનાર પ્રથમ મહિલા ડૉક્ટર તે મોતીબાઈ કાપડિયા.

ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં કેવી અવનવી માહિતી મળે છે! કેવી કેવી સંસ્થાઓની ઝલક મળે છે! કેવા કેવા નામી-અનામી નર-નારીઓની ઝાંખી થાય છે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

** ** ** ** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – વિશેષ મુદ્દા: ભારતમાં શિક્ષણનો પ્રસાર: સ્ત્રી શક્તિનો ઉદય
 • ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયું છે તક્ષશિલા તથા નાલંદા વિદ્યાપીઠોનું શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન
 • વિદેશી આક્રમણ પછી સમાજમાં કુરિવાજો અને નબળી માનસિકતાને કારણે શિક્ષણ સ્તરની અધોગતિ; યુરોપિયનોના આગમન પછી મિશનરી દ્વારા શિક્ષણનો પ્રચાર
 • ત્રાવણકોર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અનેરી પહેલ
 • સીએમએસ કોલેજ (કોટ્ટાયમ), સેરામપોર કોલેજ (બંગાળ) સર્વપ્રથમ કોલેજો
 • મેડિકલ કોલેજ, બેંગાલ (કલકત્તા મેડિકલ કોલેજ) એશિયાની પ્રથમ મેડિકલ કોલેજ
 • સૂરજો કુમાર ચક્રવર્તી (ચકરબર્તી) ઇંગ્લેંડમાં એમડી ડિગ્રી મેળવનાર દેશના પ્રથમ ડૉક્ટર
 • યુનિવર્સિટી ઑફ કલકત્તા દેશની પ્રથમ યુનિવર્સિટી
 • કલકત્તા યુનિવર્સિટીમાંથી બંકિમચંદ્ર ચેટરજી બીએ ડિગ્રીની પ્રથમ બેચના સ્નાતક
 • પંડિતા રમાબાઈ સરસ્વતી ઇંગ્લેન્ડ-અમેરિકાનો પ્રવાસ કરનાર પ્રાચીન શાસ્ત્રોના જ્ઞાતા પ્રથમ ભારતીય મહિલા
 • ચંદ્રમુખી બાસુ એમએ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ પોસ્ટ-ગ્રેજ્યુએટ ભારતીય મહિલા
 • કાદંબિની ગાંગુલી યુરોપિયન મેડિસિનમાં પ્રેક્ટિસ કરનાર પ્રથમ ભારતીય મહિલા ડોક્ટર
 • રુખમાબાઈ રાઉત હિંદુસ્તાનના બીજા મહિલા પ્રેક્ટિસિંગ ડૉક્ટર
 • આનંદીબાઈ ગોપાલરાવ જોશી અમેરિકાથી એમડી (મેડિસિન) ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય મહિલા
 • અમદાવાદ, ગુજરાતમાં પ્રથમ વિમેન્સ હોસ્પિટલના પ્રથમ લેડી મેડિકલ ઑફિસર ડૉ મોતીબાઈ કાપડિયા

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

** ** ** ** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – કી વર્ડ્ઝ: ભારતમાં શિક્ષણનો પ્રસાર: સ્ત્રી શક્તિનો ઉદય
 • યુનિવર્સિટી ઓફ કલકત્તા, કોલકતા, વેસ્ટ બંગાળ: University of Calcutta, Kolkata, West Bengal
 • મેડિકલ કોલેજ બેંગાલ/ કલકત્તા મેડિકલ કોલેજ એંડ હોસ્પિટલ: Medical College Bengal / Calcutta Medical College and Hospital, Kolkata, West Bengal
 • બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (ચેટરજી); વંદેમાતરમના રચયિતા: Bankimchandra Chatterjee (1838 -1894)
 • સૂરજોકુમાર ચક્રબર્તી / સૂરજ કુમાર ચક્રવર્તી: Surjo Kumar Chakraborty/Soorjoo Coomar Chuckerbutty (1824?-1874)
 • પંડિતા રમાબાઈ સરસ્વતી: Pandita Ramabai Saraswati (1858-1922)
 • ચંદ્રમુખી બાસુ: Chandramukhi Basu (1860 – 1944)
 • કાદંબિની ગાંગુલી: Kadambini Ganguly / Ganguli (1861-1923)
 • રુખમાબાઈ રાઉત / રૂખમાબાઈ રાઉત: Rukhmabai Raut (1864- 1955)
 • આનંદીબાઈ ગોપાલરાવ જોશી: Anandibai Gopalrao Joshi (1865-1887)
 • મોતીબાઈ કાપડિયા: Motibai kapadia (1867- 1930)
 • મહિલા સશક્તિકરણ: Women empowerment

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

10 thoughts on “ભારતમાં શિક્ષણનો પ્રસાર: સ્ત્રી શક્તિનો ઉદય

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s