વર્લ્ડ ઇકોનોમીના રંગ પલટાતા રહે છે. ગ્લોબલાઇઝેશન પછી વિશ્વના આર્થિક વિકાસને અસર કરતાં પરિબળો ત્વરાથી બદલાતાં રહે છે, માર્કેટવ્યવસ્થાઓ ગૂંચવાતી રહે છે અને ફલિત થતાં પરિણામોનું અર્થઘટન અઘરું થતું જાય છે. જંગી પાયા પર અતિ સંકુલ બની ગયેલી અર્થવ્યવસ્થાઓને વિના ક્ષતિએ, સુયોગ્ય રીતે માપવી શી રીતે?
રાજકીય અને આર્થિક સમીકરણો બદલાતાં રહે છે; સાથે જ વિશ્વની અર્થવ્યવસ્થાનાં ચિત્રો પલટાતાં રહે છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થા છલાંગો મારી રહી છે. ગ્લોબલાઇઝેશન સાથે ઇંટરનેશનલ ટ્રેડ અને કોમર્સમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ રહી છે. દુનિયામાં વાણિજ્ય-વ્યવસાય-વેપાર-ઉદ્યોગ વિકસતાં જાય છે, તેમ તેમ અર્થતંત્ર નવીન ક્ષેત્રોમાં વિસ્તરતું જાય છે. વિશ્વના દેશોની ઉત્પાદકતા વધે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વધતી જાય છે, લોકોનો સ્પેન્ડિંગ પાવર વધતો જાય છે અને ગ્લોબલ ઇકોનોમીમાં અવનવાં પરિમાણો ઉમેરાતાં જાય છે.
ભૂતકાળમાં જે કંપનીઓ કે કોર્પોરેશનોનાં નામ વિશ્વ માર્કેટમાં ગુંજતાં હતાં, તેમાંની ઘણાં આજે ગુમનામ થઈ ગયાં છે! 1880 -1900ના અરસામાં અમેરિકાની પેન્સિલ્વેનિયા રેલરોડ કંપનીએ વિશ્વનાં સૌથી મોટાં બિઝનેસ એંટરપ્રાઇઝ તરીકે નામના મેળવી હતી; આજે કોઈ પેન્સિલ્વેનિયા રેલરોડનું નામ સુદ્ધાં નથી જાણતુ! ગઈ સદીના પૂર્વાર્ધમાં જહોન રોકફેલરની સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીનો ડંકો વાગતો હતો. આજની પેઢીમાં કેટલા સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીની મોનોપોલીને જાણે? અને કેટલા એક્ઝોન અને મોબિલના મૂળ ઇતિહાસને જાણે? અરે! પાંચસાત દાયકાઓ પહેલાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે કંપનીઓ શિખર પર હતી તેમનાં સ્થાન બદલાઈ ગયાં છે. વર્તમાનમાં તો બે-પાંચ વર્ષે ‘ફૉર્બ્સ’ અને ‘ફોર્ચ્યુન’ જેવાં મેગેઝિનોનાં ‘ટૉપ ટેન લિસ્ટ’માં કંપનીઓની પોઝિશન પણ બદલાતી રહે છે.
આપ સૌ જિજ્ઞાસુ વાચકોને ગ્લોબલ ઇકોનોમીના પ્રવાહો સાથે ટ્રેડ–કોમર્સ–ઇંડસ્ટ્રીમાં ઊઠતાં-શમતાં વમળો પર નજર નાખવી ગમશે. આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં વાણિજ્ય-વ્યવસાય-વેપાર-ઉદ્યોગના સંદર્ભે વિશ્વ વાણિજ્યવ્યવસ્થાનાં બદલાતાં દ્રશ્યોનું વિહંગાવલોકન કરીએ.
[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો.– હરીશ દવે]
એક વાત સૌ જાણે છે કે ઔદ્યોગિકરણના વિસ્તાર પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ વૈશ્વિક અર્થવ્યવસ્થાનું સુકાન પોતાના હાથમાં રાખ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વર્લ્ડ ઇકોનોમીમાં અમેરિકાનો દબદબો શિખરે પહોંચ્યો.
1980 – 90 ના દાયકાના પ્રારંભે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં યુએસએ, યુએસએસઆર (સોવિયેટ યુનિયન), જાપાન, વેસ્ટ જર્મની અને ફ્રાંસ ટોચ પર હતા. જોતજોતામાં સોવિયેટ યુનિયન નાના મોટા ઘટક દેશોમાં વિભાજિત થયું; વેસ્ટ – ઇસ્ટ બે જર્મની ભેગાં થઈ એક દેશ જર્મની અસ્તિત્વમાં આવ્યો.
વર્ષ 2000 ના અરસામાં ચિત્ર પલટાયું: યુએસએ, જાપાન, જર્મની, યુનાઇટેડ કિંગ્ડમ (ઇંગ્લેન્ડ) અને ફ્રાન્સ વિશ્વના મોસ્ટ પાવરફુલ ઇકોનોમીના ટોચના દેશો બન્યા.
એકવીસમી સદીના ઉદય સાથે ચીનની અર્થવ્યવસ્થાએ હરણફાળ ભરી. 2010 માં તો ચીન, અમેરિકા પછી વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા બની ગઈ.
2015ના વર્ષમાં વિશ્વની સૌથી મોટી ઇકોનોમીમાં ટોચ ક્રમાંકે યુએસએ, ચીન, જાપાન જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમ ગોઠવાઈ ગયા.
આપને એક વિનંતી: આપને જો આજનો આ લેખ સાચા રસથી માણવો હોય તો પહેલાં અર્થવ્યવસ્થાના પાયાના કન્સેપ્ટ સરળ શબ્દોમાં, તદ્દન ટૂંકમાં સમજવા અહીં ક્લિક કરી ‘અનુપમા’ પરનો લેખ જરૂર વાંચી લેશો.
‘અનુપમા’નો તે લેખ વાંચવાથી આપને જીડીપી, જીડીપી નોમિનલ, જીડીપી પીપીપી જેવી ટર્મ અને તેમનાં સંદર્ભમાં વિશ્વનાં દેશોની આજની ઇકોનોમીનો પરિચય થશે. ખાસ તો ભારતની અર્થવ્યવસ્થાને તમે જાણી શકશો. ઉપરાંત આપ બિલિયન અને ટ્રિલિયનની કિંમત શું છે તે સરળતાથી સમજી શકશો.
જીડીપી શું છે? જીડીપી–પીપીપી શું છે?
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને સાદી પરિભાષામાં કહીએ તો: નિર્ધારિત મુદતમાં (એક વર્ષમાં) રાષ્ટ્રમાં, ઘર આંગણે થયેલ કુલ અધિકૃત ઉત્પાદન અથવા ‘ટોટલ ઇકોનોમિક આઉટપુટ’.
જ્યારે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સાથે પરચેઝિંગ પાવર પેરિટી પણ ધ્યાનમાં લેવાય તો તેને જીડીપી – પીપીપી કહે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
વિશ્વની ઇકોનોમી પર ઊડતી નજર
- વિશ્વની અર્થવ્યવસ્થા સમજવા આપણે વર્લ્ડ બેંક અને ઇંટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) જેવી આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના તેમજ અગ્રીમ મેગેઝિન્સ/ વેબસાઇટ્સના રિપોર્ટ્સની મદદ લઈશું.
- વર્ષ 2017ના આઇએમએફ અને વર્લ્ડ બેંક રિપોર્ટ્સ મુજબ વિશ્વના રાષ્ટ્રોની કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી નોમિનલ) લગભગ 79.7 ટ્રિલિયન ડોલર હતી.
- પ્રથમ ક્રમે યુએસએ39 ટ્રિલિયન ડોલર સાથે છે; ચીન બીજા ક્રમે 12.2 ટ્રિલિયન ડોલર સાથે છે.
- અમેરિકા અને ચીનની જીડીપી ભેગી કરીએ તો આ બે દેશોની જીડીપીનો વિશ્વની કુલ જીડીપીમાં 39.6 ટકા ફાળો છે.
- 2017માં સૌથી વધુ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ધરાવતા વિશ્વના પાંચ દેશો અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમ હતા.
- સૌથી મહત્ત્વની બાબત એ છે કે આગેકૂચ કરીને ભારત છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. જો કે જૂન 2018ના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ મુજબ 2018ની પ્રોજેક્ટેડ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ નોમિનલને ધ્યાનમાં લેતા ભારત સાતમા ક્રમે છે, પરંતુ આ રિપોર્ટ મુજબ 2023માં યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાંસ બંને દેશોને પાછળ રાખી ભારત વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી જશે.
- ભારત કેટલાંક હિંમતભર્યા પગલાંઓના બળ પર અર્થવ્યવસ્થા મજબૂત કરવા ગંભીર પ્રયત્નો કરી રહેલ છે.
- આઇએમએફ (જૂન, 2018) ના રિપોર્ટ પ્રમાણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – પરચેઝિંગ પાવર પેરિટી (જીડીપી – પીપીપી) ની વાત કરીએ તો ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
- ભારતની જીડીપી-પીપીપી હાલ 10 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. ભારતની વિશેષ સિદ્ધિ તેના જીડીપી-પીપીપીના નોંધપાત્ર વૃદ્ધિ દરની છે.
- જીડીપી – પીપીપીના વૃદ્ધિ દરમાં ભારત વિશ્વમાં બીજા ક્રમનો દેશ છે.
- આ બાબતે ચીન 6.86 % સાથે પ્રથમ અને ભારત 6.74 %ના વૃદ્ધિદર સાથે બીજા ક્રમે છે. અમેરિકાનો જીડીપી – પીપીપી વૃદ્ધિ દર માત્ર 2.27 % છે.
- એક રસપ્રદ વાત એ છે કે વિશ્વની કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં અમેરિકાની જીડીપીનો હિસ્સો 1970ના વર્ષમાં 21.2 % હતો, જે 2015માં ઘટીને 16.7 % થયેલ છે. જ્યારે ચીનની જીડીપીનો હિસ્સો 1970માં માત્ર 4.1 % હતો, જે 2015માં વધીને 15.6 % થયો છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
વાણિજ્ય-ઉદ્યોગ ક્ષેત્રે અમેરિકા અને ચીનની સૌથી મોટી કંપનીઓ
વાણિજ્ય-વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે અમેરિકા હંમેશા પ્રથમ હરોળમાં રહ્યું છે, જ્યારે ચીન થોડા વર્ષોથી ઝડપભેર ઉપર આવી રહ્યું છે.
અત્યારે અમેરિકાની ઇકોનોમી થોડી મુશ્કેલીઓ અનુભવી રહી છે. છતાં અમેરિકા પાસે એવાં સંસાધન-સ્રોતો છે કે તે ક્યારે પણ ટર્ન અરાઉન્ડ કરી શકે છે. ચીનની આગેકૂચ અત્યારે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ સમયે આ દેશોના ઇન્ડસ્ટ્રી – ટ્રેડ – કોમર્સ ક્ષેત્રના પ્રવાહો પર એક નજર નાખવી જરૂરી બનશે. આ માટે ફૉર્બ્સ, ફોર્ચ્યુન જેવાં મેગેઝિન/ વેબસાઇટ્સ અથવા આ પ્રકારના ડેટા આપતી વિકિપીડિયા અને અન્ય વેબસાઇટ્સની (સાભાર) મદદ લેવી પડશે.
અત્યારનો જમાનો માર્કેટિંગનો છે. કંપનીઓએ ‘બ્રાંડ ઇમેજ’ ઊભી કરવી પડે છે.
આપને વિશ્વની જાણીતી બ્રાંડ કે કંપનીઓ વિશે પૂછવામાં આવે તો કયા નામ મનમાં ઊભરે? પ્રતિભાવ જુદા જુદા હશે, પણ તેમાં સામાન્ય રીતે આવા જવાબો તો હશે જ: એપલ, ગુગલ, એમેઝોન, સેમસંગ, ફેસબુક, માઇક્રોસોફ્ટ, કોકાકોલા, મેક્ડૉનાલ્ડ, પેપ્સી, બીએમડબલ્યુ, મર્સિડિઝ . . .
જો કે તેના આધારે આપણે વિશ્વનાં સૌથી મોટાં કોર્પોરેશન કે કંપનીઓને ક્રમાંક ન આપી શકીએ. સૌથી મોટી કે સૌથી સમૃદ્ધ – રિચેસ્ટ – કંપની કોને કહેવી? ક્રમાંક આપવા માટે જુદા જુદા પેરામીટર ગણતરીમાં લેવાય છે. વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદી મોટે ભાગે કંપનીઓની માર્કેટ વેલ્યુ પ્રમાણે અથવા રેવન્યુ કે સેલ્સ પ્રમાણે થાય છે. ક્યારેક કંપનીની એસેટ્સ જેવાં ફેક્ટર્સ પણ ધ્યાનમાં લેવાય છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
- હાલ વિશ્વભરનાં કોર્પોરેશન/ બિઝનેસ હાઉસ/ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યુ 56 ટ્રિલિયન યુએસ ડોલરથી પણ વધુ છે. (ફૉર્બ્સ)
- ‘માર્કેટ વેલ્યુ’ અને ‘માર્કેટ કેપિટલાઇઝેશન’ ભળતી છતાં થોડી જુદી પડતી, છેતરામણી ટર્મ્સ છે. ભિન્ન ભિન્ન નાણાં સંસ્થાઓ અલગ પદ્ધતિઓથી માર્કેટ વેલ્યુ ગણતી હોય છે. વળી કંપનીઓની માર્કેટ વેલ્યુ સમયાંતરે બદલાતી રહેતી હોય છે.
- માર્કેટ કેપિટલાઇઝેશન તો વળી જુદા જુદા દિવસે, જુદા જુદા માર્કેટના ડેટા બદલાતા હોઈ રોજે રોજ બદલાતું રહે છે.
- આમ છતાં, માર્કેટ વેલ્યુ / માર્કેટ કેપિટલાઇઝેશનને નજર સામે રાખીએ તો, તાજેતરમાં અગ્રીમ ક્રમાંકની કંપનીઓમાં અમેરિકાની એપલ, એમેઝોન, આલ્ફાબેટ (ગુગલ), માઇક્રોસોફ્ટ, ફેસબુક આવે.
- દસ વર્ષ અગાઉ, 2008માં વિશ્વના બજારોમાં, હાઇ માર્કેટ વેલ્યુ કંપનીઓની યાદીમાં એક્ઝોન અને જનરલ ઇલેક્ટ્રિક જેવી અમેરિકન કંપનીઓ પ્રથમ હરોળમાં હતી; આજે તે પાછળ છે.
- તે સમયે ગુગલ અને એમેઝોન જેવી કંપનીઓ નજરમાં ન હતી; આજે 2018માં બંને કંપનીઓ વિશ્વમાં ઊંચી માર્કેટ વેલ્યુ ધરાવતી કંપનીઓમાં પ્રથમ પાંચ સ્થાનમાં આવે છે. અરે! હજી હમણાં 2004માં સ્થપાયેલ માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વિશ્વની પાંચમી કંપની બની ગઈ છે.
- વિવિધ પેરામીટર્સને લક્ષ્યમાં રાખતાં વિશ્વની અગ્રગણ્ય કંપનીઓમાં યુએસએની એપલ, એમેઝોન, આલ્ફાબેટ (ગુગલ), માઇક્રોસોફ્ટ, ફેસબુક ઉપરાંત બર્કશાયર હાથવે, બેંક ઑફ અમેરિકા, વોલમાર્ટ સાથે ચીનની કંપનીઓ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના-આઇસીબીસી, ચાઇના કન્સ્ટ્રક્શન બેંક, એગ્રીકલ્ચર બેંક ઑફ ચાઇના, બેંક ઓફ ચાઇના આદિનો સમાવેશ થાય. ‘મધુસંચય’ના વાચકો નોંધશે કે ચીનની બેંકો ભારે પ્રગતિ કરી રહી છે.
- ચીનની સૌથી મોટી બેંક ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના (આઇસીબીસી) છે, જે સૌથી વધારે એસેટ્સ ધરાવતી વિશ્વની સૌથી મોટી બેંક છે. આઇસીબીસીની એસેટ ચાર ટ્રિલિયન ડોલરથી પણ વધુ છે.
આપને આ લેખ વાંચવો ગમશે: ‘મેરા ભારત મહાનની અર્થવ્યવસ્થા પર એક નજર’
વિશ્વમાં સૌથી વધુ રેવન્યુ ધરાવતી અમેરિકા અને ચીનની કંપનીઓ
- માત્ર રેવન્યુની વાત કરીએ તો, તાજેતરના રિપોર્ટ (ફોર્ચ્યુન 2018) પ્રમાણે અમેરિકાની રીટેલ જાયંટ કંપની વોલમાર્ટ સૌથી વધારે રેવન્યુ ધરાવતી દુનિયાભરની પ્રથમ નંબરની કંપની છે.
- સૌથી વધુ રેવન્યુ કમાનાર વિશ્વના બીજા સ્થાનની કંપની ચીનની સ્ટેટ ગ્રીડ કોર્પોરેશન ઑફ ચાઇના છે, જે વિશ્વની સૌથી મોટી યુટિલિટી કંપની છે.
- તે પછી ત્રીજા નંબરે ચાઇના પેટ્રોલિયમ કોર્પોરેશન તરીકે જાણીતું ચીનનું સાઇનોપેક ગ્રુપ વિશ્વમાં ઓઇલ-પેટ્રોલિયમ ક્ષેત્રનું સૌથી મોટું ગ્રુપ છે.
- સૌથી વધુ રેવન્યુ ધરાવતી વિશ્વની અન્ય કંપનીઓમાં રોયલ ડચ શેલ, બ્રિટીશ પેટ્રોલિયમ, એક્ઝોન મોબિલ જેવી ઓઇલ-પેટ્રોલિયમ કંપનીઓ, ટોયોટા, ફોક્સવેગન જેવી કાર/વાહન ઉત્પાદક કંપનીઓ અને દક્ષિણ કોરિયાની કંઝ્યુમર ગુડ્ઝ ઉત્પાદક કંપની સેમસંગ આદિનો સમાવેશ થાય.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
વિશ્વની અર્થવ્યવસ્થામાં અમેરિકા અને ચીનનાં સ્થાન
અમેરિકન અને ચાઇનિઝ કંપનીઓએ ઉચ્ચ ક્રમાંકનાં સ્થાન માટે દોટ મૂકી છે, તે ગ્લોબલ ઇકોનોમી પર પ્રભુત્વ સ્થાપવા મથતા અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધાનો અણસાર આપે છે.
વિશ્વ રાજકારણ પર પ્રભાવ પાડવાની અમેરિકા-ચીનની મહત્ત્વાકાંક્ષા ઊડીને આંખે વળગે છે. વિશ્વ અર્થવ્યવસ્થામાં અમેરિકા પર હાવી થવા ચીન ભારે પ્રયત્નો કરી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અને એક્સ્પોર્ટ ક્ષેત્રે ચીનની પ્રગતિ કલ્પી ન શકાય તેવી છે. 2014 માં ચીન દુનિયામાં સૌથી વધારે જીડીપી-પીપીપી ધરાવતું રાષ્ટ્ર બન્યું. દુનિયાના દેશોમાં નોમિનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી-નોમિનલ) માં હજી અમેરિકા પ્રથમ સ્થાને જ છે, પરંતુ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – પીપીપીમાં ચીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
નીચેનો ચાર્ટ અમેરિકા અને ચીનની જીડીપી-પીપીપી (1990-2017) નો ચિતાર આપે છે. તેમાં ચીનની જીડીપી-પીપીપી અમેરિકાથી આગળ નીકળતી જણાય છે.
હાલ અમેરિકાની જીડીપી-પીપીપી 20 ટ્રિલિયન ડોલર છે, જ્યારે ચીનની જીડીપી-પીપીપી 25 ટ્રિલિયન ડોલર પાર કરી ગઈ છે. આમ છતાં, ‘સ્પેંડિંગ પાવર’ કે ખરીદ શક્તિની તુલના કરીએ તો હજી ચીનમાં સરેરાશ ચીની નાગરિક અમેરિકન નાગરિક કરતાં ત્રીજા ભાગનો જ ખર્ચ કરી શકે છે.
જો પર કેપિટા જીડીપી-પીપીપીની તુલના કરીએ તો અમેરિકાની સરખામણીએ ચીન હજી ખૂબ પાછળ છે. અમેરિકાની પર કેપિટા જીડીપી-પીપીપી 60,000 અમેરિકન ડોલરને પહોંચવા આવી છે, જ્યારે ચીનની પર કેપિટા જીડીપી-પીપીપી 9,000 ડોલરની નજીક છે. અમેરિકા-ચીનની પર કેપિટા જીડીપી પીપીપી (1990-2017) દર્શાવતો નીચેનો ચાર્ટ આ હકીકત સ્પષ્ટ કરે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
વિશ્વની અર્થવ્યવસ્થામાં અમેરિકા અને ચીનના યોગદાનની તુલના
હવે વિશ્વની સમગ્ર અર્થવ્યવસ્થામાં અમેરિકા અને ચીનના યોગદાનની તુલના જોઈએ. આપ સૌ જાણો છો કે વર્લ્ડ ઇકોનોમીમાં યુનાઇટેડ સ્ટેટ્સ શિખરના સ્થાને બિરાજેલું રહ્યું છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો યુએસએનો જ રહ્યો છે. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અમેરિકાની ઇકોનોમીનું યોગદાન પાંત્રીસ ટકાથી વધારે હતું. ત્યારે ચીનની કોઈ ગણના થતી ન હતી, જો કે ચીનના લોખંડી પડદામાંથી સાચા આંકડા મળવા મુશ્કેલ હતા. હવે વિશ્વની ઇકોનોમીમાં અમેરિકાનો હિસ્સો ઘટવા લાગ્યો છે અને ચીનનો હિસ્સો વધવા લાગ્યો છે.
1985માં વિશ્વની અર્થવ્યવસ્થા – ગ્લોબલ ઇકોનોમીમાં અમેરિકાની ઇકોનોમીનો હિસ્સો 34.9 % હતો, ત્યારે ચીનનો હિસ્સો 2.5 % હતો. આજે અમેરિકન હિસ્સો ઘટીને 24.3 % થયેલ છે; ચાઇનિઝ હિસ્સો વધીને 15.1 % થયો છે. ગ્લોબલ ઇકોનોમીમાં અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાઓનાં બદલાતા હિસ્સાનાં ચિત્રો નીચેના ચાર્ટ પરથી સમજાશે.
***
અમેરિકા, ચીન અને ભારતની અર્થવ્યવસ્થાઓ કઈ દિશામાં ?
ચીનની ઇકોનોમી ભારે મજબૂતી તરફ વળતી હોવાના સંકેતો છે, આમ છતાં તેને કેટલાક પ્રશ્નો સતાવી રહ્યા છે. અમેરિકા અત્યારે પાછું પડ્યું છે, છતાં તેની પાસે સ્રોત-સંસાધનોની કમી નથી. અખૂટ રિસોર્સિઝ સાથે અમેરિકા શક્તિશાળી રાષ્ટ્ર છે, અને તે ક્યારે પણ આશ્ચર્યજનક રીતે પલટવાર કરી શકે છે. ભારતને સમર્થ નેતાના નેજા નીચે લાંબા સમય માટે સુદ્રઢ શાસન મળે તો તે ઝડપથી વર્લ્ડ ઇકોનોમીમાં પાંચમા સ્થાને પહોંચે તેવો દેશ છે. આમ, અત્યારે તો અમેરિકા, ચીન અને ભારત આકાશ-પાતાળ એક કરીને વિશ્વના આર્થિક મંચ પર સિક્કો જમાવવા મથી રહ્યા છે.
** ** ** ** ** **
ભારતની અર્થવ્યવસ્થા પર રસપ્રદ લેખ વિગતે વાંચવા અહીં ક્લિક કરો.
મિલિયન, બિલિયન અને ટ્રિલિયન શું છે ? તેની સંપૂર્ણ સમજૂતિ અહીં વાંચો.
** ** ** ** ** **
ક્રેડીટ: આ લેખની માહિતીના આંકડા વિવિધ સ્રોતોના સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સ, આર્ટિકલ્સ, વેબસાઇટ્સ વગેરે પરથી મેળવેલ છે. ‘મધુસંચય’ વર્લ્ડ બેંક, આઇએમએફ, ફોર્બ્સ, ફોર્ચ્યુન, આદિ સ્રોતોનો સાભાર સ્વીકાર કરે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
મધુસંચય-લેખ: અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાઓને ભારત આપી શકે પડકાર? : પરિશિષ્ટ (1)
- વિશ્વની અર્થવ્યવસ્થાનાં બદલાતાં વહેણો
- સૌથી વધારે જીડીપી તથા જીડીપી-પીપીપી ધરાવતા દેશોમાં યુએસએ-ચીન આગળ
- સૌથી વધુ માર્કેટ વેલ્યુ ધરાવતી વિશ્વની સૌથી મોટી કંપનીઓ
- સૌથી વધુ રેવન્યુ ધરાવતી વિશ્વની પ્રથમ ક્રમની કંપનીઓ
- દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં અમેરિકન અને ચાઇનિઝ કંપનીઓ ટોચ પર
- ગ્લોબલ ઇકોનોમી પર પ્રભુત્વ જમાવવા અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા
- જીડીપી-પીપીપીમાં ઊંચા વૃદ્ધિદર સાથે ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
મધુસંચય-લેખ: અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાઓને ભારત આપી શકે પડકાર? : પરિશિષ્ટ (2)
- ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ / જીડીપી: Gross Domestic Product / GDP
- ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – પર્ચેઝિંગ પાવર પેરિટી / જીડીપી–પીપીપી: Gross Domestic Product –Purchasing Power Parity / GDP-PPP
- વિશ્વની અર્થવ્યવસ્થા: Global Economy / World Economy
- એક બિલિયન એટલે 1000 મિલિયન: One billion means 1000 million
- એક ટ્રિલિયન એટલે 1000 બિલિયન: One trillion means 1000 billion
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
‘મધુસંચય’ નો આ લેખ સામાન્ય વાચકની જાણકારી માટે છે. તેની માહિતી વિશ્વાસપાત્ર જણાતા સ્રોતોમાંથી લીધી હોવા છતાં તેની વિશ્વસનીયતા કે સત્યતાનો દાવો થઈ શકે તેમ નથી. વાચકે સ્વતંત્ર રીતે આધારભૂત સ્રોતોની મદદ લઈ, પોતાની વિવેકબુદ્ધિના ઉપયોગથી લેખ વાંચવા વિનંતી.
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
દવે સાહેબ. આપના દરેક લેખ અભ્યાસપૂર્ણ અને માહિતી જનક હોય છે. ખૂબજ સરળ શૈલીમાં સમજાય એ રીતનું આલેખન હોય છે. મને પોતાને ખાસ અર્થતંત્રની ગતાગમ નહિ તો યે ઘણી ઘણી વાતો જાણવા અને શીખવા મળી. આભારી છું. મને રિબ્લોગનું બટન જડ્યું નહિ. રિબ્લોગ કરવાની ઈચ્છા હતી. જો મંજુરી હોય તો કોપી કરીને આપના સૌજન્ય સાથે મારા બ્લોગમાં પોસ્ટ કરીશ. સૌજન્યઃ શ્રી હરિશ દવે – બ્લોગ મધુ સંચય. અને બ્લોગની લિન્ક.
કુશળ હશો.
આપની કોમેંટ – આપનાં સૂચનો હ્રદયપૂર્વક સ્વીકારું છું.
આપના વાચકો સુધી ‘મધુસંચય’ પહોંચે તે અર્થે રિબ્લોગનું બટન ઉમેરું છું. ધન્યવાદ.
Thanks Davesaaheb.