ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નમ્ર અપીલ

આજે ‘મધુસંચય’ પર એક વિશેષ અપીલ કરવા લેખ મૂકી રહ્યો છું.

ગુજરાતી ભાષાના પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે આપ આ લેખ આપના પરિચિતોમાં, મિત્રવર્તુળોમાં, સોશિયલ અને જાહેર મીડિયા પર આગળ વહેતો કરશો. માતૃભાષાના ચાહકો સહિયારા પ્રયત્નોથી ગુજરાતીના સંવર્ધનમાં સહયોગ આપશે તેમ મને વિશ્વાસ છે. ધન્યવાદ

નમસ્કાર, મિત્રો!

આજકાલ વિભિન્ન મીડિયામાં ગુજરાત બોર્ડના દસમા ધોરણના પરિણામની ચર્ચા છે.  એક લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયા છે અને આ ચોંકાવનારી હકીકત છે. ગુજરાતી શિક્ષણજગતના ધુરંધરોથી માંડી સોશિયલ મીડિયા પરના અદના ગુજરાતીઓ શિક્ષણપ્રથા પર બળાપો કાઢી રહ્યાં છે.

હું, હરીશ દવે, એક રિટાયર્ડ સીનિયર સિટિઝન છું; ચૌદેક વર્ષોથી ઇન્ટરનેટ પર સક્રિય છું; ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં મારી વેબ સાઇટ્સ તથા બ્લૉગ્સ પ્રકાશિત થયેલ છે. જીવનના સાતમા દશકામાંય હું મારી ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ સુધારવા પ્રયત્નશીલ છું. સ્વાભાવિક છે, હું ભાષાની સમસ્યાથી સારો એવો માહિતગાર છું.

દસમા ધોરણના ચર્ચાસ્પદ પરિણામ માટે કારણભૂત પરિબળો ઘણાં છે. શિક્ષણવિદો અને વિદ્વાનોએ તેના પર ભરપૂર પ્રકાશ પાડ્યો છે તેથી હું તે તમામ મુદ્દાઓનું પુનરાવર્તન નહીં કરું. શિક્ષણસંસ્થાઓ અને શિક્ષણજગતના વધતા વ્યાપારીકરણમાં શિક્ષકની ભૂમિકા ધૂંધળી થતી જાય છે. વિદ્યાર્થી અને વાલીને તો અંધારામાં  અથડાવા કૂટાવાનો જ વારો આવે છે. એકબીજા પર દોષારોપણની રમત ખૂબ ખેલી શકાય. આવી વાતો  અર્થહીન છે.

આપણે, ગુજરાતી ભાષા જાણતા વયસ્કો, આપણી જ જાતને અરીસામાં નિહાળીએ તો? આપણે આપણી માતૃભાષાને ઉજાગર કરવા પ્રયત્નશીલ રહ્યા છીએ?

ગુજરાતનાં બાળકોનું ગુજરાતીના જ્ઞાનનું ધોરણ નીચું ગયું તેમાં આપણે બધા વયસ્ક ગુજરાતીઓ જવાબદાર. આટલી સમજ તો હવે પડે છે. આમાં સૌથી વધારે જવાબદારી માતૃભાષાને તોડનાર મરોડનાર માસ મીડિયા કે જાહેર માધ્યમો જેવાં કે ટીવી, વર્તમાનપત્રો, સામયિકો, બ્લૉગ્સ, સોશિયલ મીડિયાની.

ચાલો, પહેલો પ્રશ્ન જાતને જ: મેં મારી માતૃભાષાના સંવર્ધન માટે શું કર્યું?

આપણાં બાળકો ગુજરાતી ભાષામાં નિષ્ફળ ગયાં. શા માટે?

કારણ કે તેઓ પોતાના ઉત્તરોને, પોતાના વિચારોને  ગુજરાતી ભાષામાં યોગ્ય રીતે વ્યક્ત ન કરી શક્યાં. પરીક્ષામાં બાળક સાચી રીતે ગુજરાતી ભાષા ન લખી શક્યું. હું એક વાલી તરીકે, શિક્ષક તરીકે, શિક્ષણશાસ્ત્રી તરીકે તેના પર તૂટી પડું છું. પરંતુ હું વિના ભૂલે સાચી રીતે ગુજરાતી ભાષા લખતાં જાણું છું? હું વયસ્ક ગુજરાતી છું – પચીસ કે પચાસ વરસનો! હું શુદ્ધ ગુજરાતી ભાષા જાણું છું? અરે! આવો પ્રશ્ન તો કદી થયો જ નહીં! હું ગુજરાતી બોલું છું, અને લખું પણ છું. પણ ખબર નથી કેવું!

હું આવું કહીશ, એટલે સૌ અંગ્રેજી ભાષા પર તૂટી પડશે! અંગ્રેજીએ આપણી ભાષાનો દાટ વાળ્યો! ના, ભાઈ ના! અંગ્રેજીને તેના સ્થાને રહેવા દો! આપ આપની માતૃભાષા પ્રતિ કેટલા સંનિષ્ઠ રહ્યા તે મહત્વનું છે.

આપણે અંગ્રેજી ભાષા શુદ્ધ રીતે લખવા સભાન રહ્યા છીએ, પણ દોષરહિત માતૃભાષા લખવા કૃતનિશ્ચયી રહ્યા છીએ? હા, ગુજરાતી ભાષા પ્રત્યેની મારી નિષ્ઠામાં ઓટ તો જરૂર આવી છે.

ગુજરાતી ભાષામાં હું જ અધકચરો, તો મારા બાળક પાસેથી શી અપેક્ષા રાખું?

અરે ભાઈ! મને તો ગુજરાતી ભાષા ગમે છે. હું તો ગુજરાતી કાર્યક્રમોમાં જાઉં છું, મુશાયરાઓમાં જઈને ગુજરાતી ગઝલો પણ સાંભળું છું! વૉટ્સ એપ પર ગુજરાતી ગ્રુપોમાં જોડાઉં છું. તો હું અધકચરો કેમ?

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો**

હવે આપણે મુદ્દા પર આવીએ છીએ.

‘80ના દાયકા પછી શિક્ષણજગતમાં અંગ્રેજી માધ્યમનો એવો પવન ફુંકાયો કે તેમાં ગુજરાતી ભાષાની મહત્તા ગબડતી ચાલી! વાત અંગ્રેજી ભાષાની ઘેલછાની જ ન હતી, પણ ગુજરાતી ભાષાની અવગણનાની હતી. એકવીસમી સદીના ઉદયે ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓનો વિસ્ફોટ થયો અને આપણે આપણી અભિવ્યક્તિને મરોડી નાખી; આપણી ભાષાને ધમરોળી નાખી!

વિશ્વની બારીમાં ડોકિયું કરવા અંગ્રેજી મદદરૂપ; દુનિયાની તેજ રફ્તાર પર સવાર થવા ટેકનોલોજી પણ મદદરૂપ! તેમાં કોઈ બેમત નહીં! તો ખોટું શું થયું?

ખોટું અંગ્રેજીએ નહીં, ટેકનોલોજીએ નહીં, પરંતુ આપણે કર્યું! એક ઉન્માદમાં આપણે આપણી માતૃભાષાનું ચીરહરણ કરવા લાગ્યાં! ‘બ્લૉગિંગ’ અને ‘સોશિયલ મીડિયા’ જેવાં રૂડાં નામ ધરાવતાં માધ્યમોમાં આપણે  ભાષાને મારી-મચડીને સ્વચ્છંદે વાપરવા લાગ્યાં! તેમાં વર્તમાનપત્રો અને ટીવી જેવાં અન્ય માધ્યમો જોડાયાં. ગુજરાતી ભાષા તેનો ભોગ બની ગઈ!

પ્રશ્ન ઊઠશે: એમાં બાળકોનું ગુજરાતી કેવી રીતે બગડશે?

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

વિચારીએ.

મારે ગુજરાતી ભાષાની ગરિમા વધારવી છે. મને માતૃભાષા પ્રત્યે અનહદ પ્રેમ, પણ ગુજરાતી વાંચવું નથી ગમતું! મને વાંચવાની ભારે આળસ, પણ લખવાનો શોખ. મેં મારા આનંદ માટે મને સૂઝ્યું તેવું જાહેર માધ્યમો પર – સોશ્યલ મીડિયા પર ઝટપટ લખ્યું.. તેમાં વર્તમાનપત્રો, બ્લૉગ્સ અને અન્ય બધાં માધ્યમો આવી ગયાં. અહીં, ત્યાં, બધે જ મને આવડી તેવી અધકચરી ગુજરાતી ભાષામાં લખી નાખ્યું! સૌએ તે વાંચ્યું; બાળકોએ પણ તે વાંચ્યું! બિચારાં વાચકોને કેવી રીતે સમજાવું કે મેં તો મને આવડે તેવી ગુજરાતીમાં લખી નાખ્યું છે!

જેવું વાંચ્યું, તેવું બાળક શીખ્યું! અને હવે હું બાળકને ધમકાવું છું: ગુજરાતીમાં પાસ નથી થતો! શરમ આવવી જોઈએ તને!

તો હું લખવાનું છોડી દઉં? અભિવ્યક્તિ મારો અધિકાર છે. હું મારી ખુશી માટે લખું છું! હું મન ફાવે તેમ લખું! ન વાંચવું હોય તે ન વાંચે! અરે! આ હું શું બોલ્યો! હું જાહેર માધ્યમ પર લખીશ તો બધાં જ વાંચશે! આ તો ધર્મસંકટ!

મારે લખવાનું બંધ કરવાનું? ના, આપણે બધાં ભૂલ ભરેલી ગુજરાતી ભાષા વાપરવા લાગ્યાં છીએ તે સ્વીકારવાનું. આપણે રાતોરાત સાક્ષર ન બની જઈએ, પરંતુ આપણી ભાષાની ગુણવત્તા તો સુધારી શકીએ ને! લખતાં રહીએ; ખૂબ લખીએ; તેમાંથી જે શ્રેષ્ઠ જણાય તેને જાહેર માધ્યમ પર મૂકીએ.

હવે મને સમજાય છે કે જાહેર માધ્યમ પર લેખન કાર્ય મારો અધિકાર છે, પણ તે પહેલાં મારી ઘણી મોટી જવાબદારી છે. હું ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ સર્જનોનો અભ્યાસ કરતો રહીશ. જે કાંઈ લખું તે પૂરતા અભ્યાસ અને મહાવરા પછી જ લખીશ. સભાનતાથી, સતર્કતાથી લખીશ. જે કાંઈ લખીશ, તેને બેપાંચ વાર વાંચી મઠારતો જઈશ. આખરે તો, માણસ માત્ર ભૂલને પાત્ર. આટલી કાળજી પછી પણ ભૂલ રહી જાય તો તે સ્વીકારી બીજી વખત વધારે કાળજીપૂર્વક લખીશ. ભૂલો થતી રહેશે, સુધારતો જઈશ. આમ, નિશ્ચયપૂર્વક પ્રયત્નો કરતો જઈશ તો દિન-પ્રતિદિન ભાષાના મારા જ્ઞાનમાં વધારો થશે અને ગુજરાતીના મારા ધોરણમાં ઉત્તરોત્તર સુધારો.

કોઈ સંપૂર્ણ નથી, હું પણ નથી, હું આજેય ભૂલો કરું છું. પરંતુ આજ કરતાં આવતી કાલે હું સારી ગુજરાતી ભાષા લખતો થઈશ.

મારું ગુજરાતીનું જ્ઞાન બાળગુજરાતીઓને પ્રેરક બનશે. ભવિષ્યની ગુજરાતી પેઢીઓ માટે હું વિશેષ ગુણવત્તા ધરાવતી ગુજરાતી ભાષાની બક્ષિસ આપતો જઈશ.

બસ, આજથી આપણા સૌનું એક નાનું સરખું ધ્યેય: મારી ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ ગઈ કાલ કરતાં આજે થોડી ઊંચી કક્ષાની હોય, અને આવતી કાલે વળી તેનાથી પણ ઊંચી કક્ષાની. આમ, હું ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારમાં મારું યોગદાન આપી શકીશ.

આપણે સૌ ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સાથે પ્રયત્નો કરીશું, તો ગુજરાતી ભાષાને સોનેરી ભાવિ પ્રતિ દોરી શકીશું. ચાલો! સજ્જ થાઓ, મિત્રો!

ગુજરાતી ભાષાના પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે આપ આ લેખ આપના પરિચિતોમાં, મિત્રવર્તુળોમાં, સોશિયલ અને જાહેર મીડિયા પર આગળ વહેતો કરશો. માતૃભાષાના ચાહકો સહિયારા પ્રયત્નોથી ગુજરાતીના સંવર્ધનમાં સહયોગ આપશે તેમ મને વિશ્વાસ છે. ધન્યવાદહરીશ દવે અમદાવાદ

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

આપને નીચેનો લેખ પણ ગમશે:

ગુજરાતી બ્લોગિંગ પર ઊડતી નજર

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

1 thoughts on “ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નમ્ર અપીલ

  1. harishbhai, hu ahi tippani ma je lakhi rahyo chhu e akshamy chhe aa lekh mate parantu aajna yugma yuvane mate e pan ek adchan chhe. ame gujarati aavi rite lakhta rahyaa phone par emaa gujarati vadhu ghasati chali. amuk varshothi have gujarati ma lakhvani savlato aavi chhe. paristhiti sudharshe evi apeksha.

Please write your Comment