અજાણી-શી વાતો · કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

નાદિયા ધ ફિયરલેસ: ભારતીય ફિલ્મમાં સ્ટંટ એક્શનની પ્રથમ ‘હંટરવાલી’ એક્ટ્રેસ

હંટરવાલી સ્ટંટ એક્ટ્રેસ નાદિયાજી કોણ છે?

વાડિયા મુવિટોનની હંટરવાલી (1935) ફિલ્મથી દિલધડક સ્ટંટ એક્શનનો પ્રારંભ કરનાર નાદિયા ધ ફિયરલેસ મુંબઈના સિનેમા ઉદ્યોગમાં પ્રથમ સ્ટંટ એક્ટ્રેસનું સ્થાન પામે છે.

ફિયરલેસ નાદિયા (1908 – 1996) એ ગઈ સદીના ’40 – ‘50ના દાયકામાં મર્દાનગીભર્યા ધમાકેદાર સ્ટંટ શોટ્સ આપી તરીકે ભારતીય સિનેમાના રૂપેરી પડદે અમીટ છાપ છોડી.

તાજેતરમાં ‘હંટરવાલી’  એક્ટ્રેસ નાદિયાના જન્મદિન (8 જાન્યુઆરી) પર ગુગલ કંપનીએ ગુગલ સર્ચ હોમ-પેજ પર ફિયરલેસ નાદિયાને સન્માવવા ખાસ ‘ગુગલ ડુડલ પ્રયોજ્યું હતું, તે મધુસંચયના વાચકોએ નોંધ્યું હશે.

મેરી એન ઇવાન્સ ઉર્ફે નાદિયાજીનું બાળપણ

નાદિયાજીનું મૂળ નામ મેરી એન ઇવાન્સ અને જન્મે તે ઓસ્ટ્રેલિયન.

મેરી ઇવાન્સનો જન્મ 8 જાન્યુઆરી, 1908 ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ દરિયા કાંઠે પર્થમાં થયો હતો. તેમના માતા માર્ગારેટ ઇવાંસ મૂળ ગ્રીસનાં એક ડાંસર – એક્ટર – કલાકાર હતાં. સ્કોટિશ પિતા હર્બર્ટ ઇવાન્સ બ્રિટીશ આર્મીમાં સેવારત હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ (1914 – 1918) પૂર્વે તેમનું પોસ્ટિંગ તત્કાલીન બ્રિટીશ હિંદુસ્તાનમાં થયું.

1913માં પાંચ વર્ષની બાળકી નાદિયાએ મુંબઈમાં પગ મૂક્યો. ઉત્તર-પશ્ચિમ હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં ફરજ બજાવતા હર્બર્ટ સાથે પરિવારને પણ ફરવાનું થયું. નોર્થ વેસ્ટ ફ્રંટિયર પ્રદેશ (હાલ બલુચિસ્તાન – પાકિસ્તાનનો સરહદી વિસ્તાર) માં નિવાસ દરમ્યાન નાદિયાએ શિકારબાજી અને ઘોડેસવારી જેવી કલાઓ શીખી લીધી. પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સના એક મોરચા પર લડતાં તેમના પિતાનું અવસાન થયું. એકલા પડેલ માતા – પુત્રીનું જીવન  ઉતાર-ચઢાવમાંથી પસાર થતું ગયું.

ફિયરલેસ નાદિયાનું ઘડતર

કલાકાર માતા પાસેથી નાદિયાને નૃત્ય અને એક્ટિંગમાં રસ ગળથૂથીમાં મળેલ. એક રશિયન બેલેરિના ડાન્સર મેડમ એસ્ટ્રોવા પાસેથી નાદિયાને બેલે નૃત્યના પાઠ મળ્યા. તેમણે ઝર્કો સર્કસ નામક સરકસ કંપનીમાં પણ કલાબાઝ તરીકે કામ કર્યું. મેડમ એસ્ટ્રોવા સાથે તેમજ ઝર્કો સર્કસ સાથે કામ કરવાથી મેરી (નાદિયા) ને ભારતમાં વિવિધ સ્થળોએ ફરવાનું થતાં પ્રસિદ્ધિ મળી. એક આર્મેનિયન ભવિષ્યવેત્તાની સલાહથી તેમણે પોતાનું મૂળ નામ મેરી એન ઇવાન્સ બદલીને નાદિયા રાખ્યું.

1928માં નાદિયાજીએ માતા સાથે મુંબઈમાં સ્થાયી નિવાસ કર્યો.

ટૂંક સમયમાં ભારતીય સિનેમા ઉદ્યોગમાં ક્રાંતિ આવી. સાયલેન્ટ ફિલ્મનો જમાનો પૂરો થયો. સાઉન્ડ ટેકનોલોજી સાથે બોલતી ફિલ્મ – ટૉકી ફિલ્મ – ટૉકિઝ ફિલ્મ્સ – નો આરંભ થતાં ભારતીય ફિલ્મમાં નવો પ્રાણ ફૂંકાયો. ‘મધુસંચય’ ના વાચકો જાણે છે કે ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ 1931માં રજૂ થયેલ અરદેશર ઇરાનીની ‘આલમ આરા’ હતી.

ભારતીય સિનેમાની આ પ્રથમ ટોકી ફિલ્મ ‘આલમ આરા’માં માસ્ટર વિઠ્ઠલ તથા ઝુબેદાએ અભિનય આપ્યો હતો તે આપે મારા બ્લૉગ ‘અનન્યા’ પર વાંચ્યું હશે. યુવાન નાદિયાજીને સિનેમા માટે વિશેષ આકર્ષણ હતું.

** આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

જમશેદ વાડિયા–હોમી વાડિયાની ફિલ્મ કંપની ‘વાડિયા મુવિટોન’

આ સમયે સુરતના લવજી નસરવાનજી વાડિયાએ વિકસાવેલ શિપિંગ ઉદ્યોગથી નામ-દોલત કમાયેલ વાડિયા ગ્રુપ પરિવારના વંશજો મુંબઈના  વિવિધ વેપાર – ઉદ્યોગ ક્ષેત્રે આગળ ધપી રહ્યા હતા. વાડિયા પરિવારના એક વંશજ જે બી એચ વાડિયા (જમશેદ વાડિયા 1901 – 1986) એ સાયલન્ટ ફિલ્મના જમાનામાં સિનેમા ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. જમશેદ સાથે તેમના નાના ભાઈ હોમી વાડિયા (1911 – 1996) પણ જોડાયા. ‘આલમ આરા’ ફિલ્મ સાથે બોલપટ – ટૉકી ફિલ્મ – નો યુગ શરૂ થયો અને જમશેદ વાડિયા–હોમી વાડિયાએ ટૉકી ફિલ્મ્સ બનાવવી શરૂ કરી.

1933માં વાડિયા બંધુઓએ ‘વાડિયા મુવિટોન’ ફિલ્મ કંપનીની સ્થાપના કરી.

તેમણે પરિવારના આલીશાન ‘લવજી કેસલ’ (લવજી કાસલ) માં વાડિયા મુવિટોનનો સ્ટુડિયો બનાવ્યો. દક્ષિણ પરેલ, મુંબઈમાં આવેલ લવજી કેસલ ઓગણસમી સદીમાં બંધાયેલ ભવ્ય મહાલય હતો. પોતાના મહાન પૂર્વજ લવજી વાડિયાની સ્મૃતિ રૂપે તેમણે પોતાની ફિલ્મ કંપની વાડિયા મુવિટોનનો લોગો પણ વહાણ – શિપ – ના ચિત્રનો રાખ્યો.

ફિયરલેસ નાદિયા: બોલિવુડમાં પ્રથમ સ્ટંટ અભિનેત્રી તરીકે સફળતા

આ અરસામાં વાડિયા બંધુઓની નજરમાં નાદિયાજી વસી ગયા. નાદિયાજીની ચપળતા અને નિર્ભીકતા અમેરિકાના ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય હોલિવુડ સ્ટંટ એક્ટર ફેરબેંક્સ  ની યાદ અપાવતાં હતાં.

વાડિયા મુવિટોનની 1933ની ફિલ્મ ‘લાલ–એ-યમન’માં નાદિયાજીને સ્ટંટ એક્શન બતાવવાનો મોકો મળ્યો.

નાદિયાજીના કામથી ખુશ થઈ જે.બી.એચ. વાડિયા (જમશેદ વાડિયા) એ 1935ની ફિલ્મ્સ ‘નૂર-એ-યમન’ તથા ‘દેશ દીપક’ માં તેમને નાનકડા રોલ આપ્યા.  ભૂરી આંખો અને સુપુષ્ટ દેહસૌષ્ઠવ ધરાવતી વિદેશી અભિનેત્રી પ્રેક્ષકોની આંખોમાં વસી ગઈ. વાડિયા બંધુઓએ નાદિયાજીની જાદુઇ અસરને પરખી લીધી.

વાડિયા મુવિટોનની ફિલ્મ ‘ધ પ્રિન્સેસ એન્ડ ધ હંટર’ (1935) માં નાદિયાજીને મુખ્ય અભિનેત્રીનો રોલ મળ્યો. આ ફિલ્મ ‘ધ પ્રિન્સેસ એન્ડ ધ હંટર’ તેના બીજા ટાઇટલ ‘હંટરવાલી’થી જાણીતી થઈ.

હંટર ઉગામતી પ્રિન્સેસ માધુરીના પાત્રમાં નાદિયાજીનો અભિનય જબરદસ્ત લોકચાહના જીતી ગયો! નાદિયાજીએ સરકસમાં ઝુલા પર શીખેલી કલાબાજી તેમજ ઘોડેસવારી અને કૂદકા મારી મારધાડ કરવાનાં અનુભવને કાબેલ સ્ટંટ દ્રશ્યોમાં ફેરવ્યો! હંટરવાલી અભિનેત્રી નાદિયાનાં મર્દાનગીભર્યાં સ્ટંટ એક્શનથી પ્રેક્ષકો તેમને નાદિયા ધ ફિયરલેસ તરીકે ઓળખવા લાગ્યા. વાડિયા મુવિટોનની ‘હંટરવાલી’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી ગઈ! સાથે, ફિયરલેસ નાદિયા તરીકે ભારતીય સિનેમાની પ્રથમ સ્ટંટ વુમન – બોલિવુડની પ્રથમ સ્ટંટ અભિનેત્રી – નો જન્મ થયો!!!

ભારતીય ફિલ્મમાં નાદિયાજીની સફળ કારકિર્દી
  • આ પછી તો હંટરવાલી હિરોઇન ફિયરલેસ નાદિયાને લઈને જમશેદ વાડિયા – હોમી વાડિયાએ અન્ય સફળ ફિલ્મો બનાવી અને વાડિયા મુવિટોનનું નામ હિંદુસ્તાનમાં ગાજતું થયું.
  • વાડિયા મુવિટોન માટે નાદિયાજીએ મિસ ફ્રંટિયર મેઇલ (1936), હરિકેન હંસા (1937), પંજાબ મેઇલ (1939), ડાયમંડ ક્વિન (1940), બંબઈવાલી (1941), જંગલ પ્રિન્સેસ (1942) આદિ ફિલ્મોમાં કામ કર્યું.
  • નાદિયાજીએ નાનાભાઈ ભટ્ટ અને અન્ય ડાયરેક્ટર-પ્રોડ્યુસર્સ માટે કરેલી ફિલ્મોમાં હંટરવાલી કી બેટી (1943), લેડી રોબિનહૂડ (1946), હિંમતવાલી (1947) વગેરેનો સમાવેશ થાય છે.
  • નાદિયાજીની ઘણી ફિલ્મોમાં મુખ્ય એક્ટર તરીકે જોહન કાવસ (જહોન કાવસ) રહ્યા. નાદિયા – જહોન કાવસની જોડી બોલિવુડની શરૂઆતની સફળ જોડીઓમાંની એક ગણાય છે.

** આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

 ભારતીય સિનેમા પર ફિયરલેસ નાદિયાનો પ્રભાવ

ફિયરલેસ નાદિયાનો ઉદય ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે નવો ચીલો ચાતરનાર હતો. પ્રથમ વખત અબળા સ્ત્રીની શક્તિઓ સિનેમાના પડદે ઝલકી હતી. પ્રથમ વખત એક સ્ત્રી પૂરી તાકાતથી સમાજમાં સાચાં અને સારાં પાસાંઓ માટે લડવા ઊભી થઈ હતી. ફિયરલેસ નાદિયા એકલા હાથે બદમાશો સામે લડતી!  હંટર કે તલવાર લઈ ગુંડાઓ પર તૂટી પડતી! ઘોડેસવારી જ નહીં, ચાલતી ટ્રેઇન પર ફાઇટિંગ પણ કરી શકતી! ચાલુ વાહને હિંમતભર્યા કૂદકા મારી શકતી! મહેલના ઝુલતા એક ઝુમ્મર પરથી બીજા પર કૂદકા લગાવી શકતી!  સરકસમાં એક્રોબેટ રહેવાને કારણે ફિયરલેસ નાદિયાજી માટે આવાં સ્ટંટ એક્શન સહજ હતાં!

હિંદુસ્તાની પ્રેક્ષકોએ સમાજનાં અનિષ્ટ તત્ત્વો સામે લડતી આવી હિંમતવાન, નીડર, મર્દાના સ્ત્રીના પાત્રને વધાવી લીધું.* આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

નાદિયાજીના જીવનનો ઉત્તરાર્ધ

1940 પછીના દશકામાં જમશેદ વાડિયા – હોમી વાડિયાનાં વળતાં પાણી થયાં. બીજાં વિશ્વયુદ્ધ (1939 -1945) ના કારણે આર્થિક – રાજકીય – સામાજીક સમસ્યાઓ આવી, સિનેમાનાં વહેણ બદલાયાં અને 1942માં વાડિયા મુવિટોન કંપની બંધ થઈ. વિખ્યાત દિગ્દર્શક – નિર્માતા  વી શાંતારામની રાજકમલ કલામંદિર કંપનીએ 1942માં વાડિયાનો સ્ટુડિયો લવજી કેસલ ખરીદી લીધો. લવજી કેસલ હવે શાંતારામના રાજકમલ સ્ટુડિયો તરીકે ઓળખાયો.

તે પછી હોમી વાડિયાએ પોતાની સ્વતંત્ર બસંત પિક્ચર્સ ફિલ્મ કંપની શરૂ કરી. ચેમ્બુરમાં હાલના આર કે સ્ટુડિયોની પાસે હોમી વાડિયાનો બસંત સ્ટુડિયો બન્યો. બસંત પિક્ચર્સના નેજા હેઠળ હોમી વાડિયાએ બચપન, હાતિમતાઈ, ઝિમ્બો જેવી ફિલ્મો બનાવી.

નાદિયાજીએ 1961માં હોમી વાડિયા સાથે લગ્ન કર્યાં.

મુખ્ય અભિનેત્રી તરીકે નોંધપાત્ર પાત્રમાં નાદિયાજીની છેલ્લી ફિલ્મ ખિલાડી (1968) હતી. જોકે આ પછી તેમણે એક ફિલ્મ ‘એક નન્હી મુન્ની લડકી થી’ (1970) માં નાનકડો રોલ ભજવ્યો હતો.

9 જાન્યુઆરી, 1996ના દિવસે ફિયરલેસ નાદિયાજીનું અવસાન થયું.

હોમી વાડિયાને બસંત પિક્ચર્સમાં ઝાઝી સફળતા મળી ન હતી. 1970-80ના દાયકામાં આ ફિલ્મ કંપનીની કામગીરી નબળી પડતી ગઈ અને છેવટે બંધ થઈ ગઈ. પત્ની નાદિયાજીના અવસાન પછી એકલા પડેલા હોમી વાડિયા ભારતીય સિનેમા ઉદ્યોગ માટે પ્રવૃત્તિઓ કરતા રહ્યા. 2004માં તેમનું અવસાન થયું.

ફિયરલેસ નાદિયા અને જમશેદ વાડિયા – હોમી વાડિયાની વાડિયા મુવિટોનની સ્મૃતિઓને જીવંત રાખતો રાજકમલ સ્ટુડિયો આજે પણ લવજી કેસલના ઇતિહાસને વાગોળતો પરેલમાં ખડો છે.

***** * ** ** *** ** * ** ***** **  ** *** * *** ** ** *** ** * **

ફિયરલેસ નાદિયાના આ લેખ અંગે આપને વિશેષ વિગતો જોઈએ છે?

નીચે યોગ્ય લિંક પર ક્લિક કરો:

ભારતની પ્રથમ શોર્ટ ફિલ્મના નિર્માતા રોયલ બાયોસ્કોપ કંપનીના હીરાલાલ સેન (1866 – 1917)

લવજી નસરવાનજી વાડિયાની અદભુત જીવનકહાણી

વાડિયા પરિવાર અને પારસી બંધુઓ

હોલિવુડના સ્ટંટબાજ અમેરિકન એક્ટર ડગ્લાસ ફેરબેંક્સ કોણ હતા?

***** * ** ** *** ** * ** ***** **  ** *** * *** ** ** *** ** * **

6 thoughts on “નાદિયા ધ ફિયરલેસ: ભારતીય ફિલ્મમાં સ્ટંટ એક્શનની પ્રથમ ‘હંટરવાલી’ એક્ટ્રેસ

Please write your Comment