દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ટેસ્લાના એલન મસ્કની હાયપરલુપ ટ્રેન અમેરિકા-દુબઈ પછી ભારતમાં?

વિશ્વવિખ્યાત ટેસ્લા અને સ્પેસ-એક્સ જેવી કંપનીઓથી પ્રસિદ્ધ થયેલ ‘ઇનોવેટર’ – સંશોધક – ‘પ્રોડક્ટ આર્કિટેક્ટ’ – ઉદ્યોગપતિ એલન મસ્ક તેમના હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમના કન્સેપ્ટથી ચર્ચામાં છે. દુનિયામાં અતિ ત્વરિત ટ્રાન્સપોર્ટેશન શક્ય બને તે અર્થે હાયપરલુપ સિસ્ટમ પર પ્રયોગો થઈ રહ્યા છે. એલન મસ્કની હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો વ્યાવહારિક ઉપયોગ હાયપરલુપ ટ્રેન છે જે કલાકના 1000 કિલોમીટરથી વધુ ઝડપે દોડી શકે છે.

હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન શા માટે? Hyperloop Transportation- Why?

વિશ્વમાં ગ્લોબલાઇઝેશન સાથે ‘કનેક્ટિવિટી’ની જરૂરિયાત તીવ્ર થતી જાય છે. કમ્યુનિકેશન કનેક્ટિવિટી ઉપરાંત જ્યોગ્રાફિકલ કનેક્ટિવિટી અનિવાર્ય થતી જાય છે. દેશ-દુનિયાનાં બે સ્થળો વચ્ચેનું અંતર ઘટાડવા હાઇ સ્પીડ ટ્રાન્સપોર્ટ અનિવાર્ય છે. વર્તમાન સમયમાં રોડ, ટ્રેન, જળ અને હવાઈ આમ ચાર રીતે ટ્રાન્સપોર્ટ શક્ય છે.

એલન મસ્ક દ્વારા સૂચિત  હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન વાહન-વ્યવહાર (ટ્રાન્સપોર્ટ) નો પાંચમો વિકલ્પ (ફિફ્થ મોડ ઑફ ટ્રાન્સપોર્ટ) બની શકે તેમ છે. ‘મધુસંચય’ના વાચકોને નવાઈ લાગશે કે  જો હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સફળ થાય તો હાયપરલુપ ટ્રેન મુંબઈથી દિલ્હી માત્ર 75 મિનિટમાં અને અમદાવાદથી મુંબઈ તો ફક્ત 25 મિનિટમાં જ પહોંચી શકે!

હાયપરલુપ ટ્રેન શું છે? What is the Hyperloop Train?

હાયપરલુપ ટ્રેનનો કન્સેપ્ટ સીધો સાદો છે: લગભગ વેક્યુમ ધરાવતી ટ્યુબમાં, કેપ્સ્યુલ કે પોડ જેવો નાનો ગતિશીલ કોચ, ઘર્ષણ રહિત સ્થિતિમાં અતિ ઊંચી ગતિએ દોડી શકે. આવા પોડને નથી હવા અવરોધતી, નથી સપાટીનું ઘર્ષણ રોકતું. પરિણામે તે અતિ વેગમાં – કલાકના 1000 કિલોમીટરથી વધુ વેગથી – દોડી શકે છે. કેપ્સ્યુલ જેવા આવા ‘મુવેબલ’ પોડમાં પેસેંજર બેસી મુસાફરી કરી શકે; તેને હાયપરલુપ ટ્રેન નામ અપાયું છે. (યાદ રહે દરેક પોડ અલગ એકમ હોવાથી સ્વતંત્ર રીતે દોડી શકશે).

હાયપરલુપ ટ્રેન બે સ્થળો વચ્ચે – પોઇન્ટ ટુ પોઇન્ટ – ટ્યુબના એક લુપમાં દોડવાની હોવાથી તેને  ‘હાયપરલુપ ટ્રેન’ એવું નામ અપાયું છે.

હાયપરલુપ ટ્રેન વિશે આટલું અવશ્ય જાણો:

  • આ ટ્રેન સ્ટીલની બંધ ટ્યુબમાં દોડશે. આવી ટ્યુબમાં હવાનું દબાણ તદ્દન નજીવું હશે.
  • હાયપરલુપ ટ્રેન (એટલે પોડ) ઇલેક્ટ્રિક મોટર વડે, મેગ્નેટિક લેવિટેશનની મદદથી દોડશે.
  • મોબાઇલ પોડ નીચે ટ્યુબની કોઈ સપાટીને નહીં સ્પર્શે, પરંતુ  મેગ્નેટિક લેવિટેશનના કારણે હવાના પાતળા સ્તર (એર કુશન) પર સરકશે.
  • પોડની નીચે ઇલેક્ટ્રોમેગ્નેટ હશે જે પોડને ટ્યુબની સપાટીથી અદ્ધર રાખશે.
  • ઉપરાંત, આ પોડ – હાયપરલુપ ટ્રેન – ને હવાનું દબાણ કે ઘર્ષણ અવરોધે નહીં તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે.
  • પરિણામે, હાયપરલુપ ટ્રેન 1000 થી 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકશે.

વળી હાયપરલુપ ટ્રેન મુસાફરી ઉપરાંત માલસામાન- કાર્ગોના વહનમાં પણ ઉપયોગી થઈ શકે. હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સૌર ઉર્જા – સોલર એનર્જી – ના મહત્તમ ઉપયોગના કારણે વાહનવ્યવહારની અન્ય પદ્ધતિઓ કરતાં લાભદાયી લાગે છે.

એલન મસ્કને હાયપરલુપ ટ્રેનનો વિચાર શા માટે આવ્યો? How did Elon Musk conceive the idea of Hyperloop Train?

અમેરિકાની સ્પેસ-એક્સ કંપની ચંદ્ર પરની મુસાફરીની જાહેરાતને લીધે તેમ જ ટેસ્લા કંપની ટેસ્લા ઇલેક્ટ્રિક કારને લીધે સુરખીમાં છે; આ બંને કંપનીઓને સફળ કરનાર સંચાલક એલન મસ્ક છે, તે વાતથી ‘મધુસંચય’ના વાચકો વિદિત છે. એલન મસ્ક અમેરિકાના અગ્રણી બિલ્યોનેર ઉદ્યોગપતિ અને સંશોધક ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવતા વિચારક પણ છે.

2012-13માં એલન મસ્કને હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ દ્વારા હાઇ સ્પીડ ટ્રાન્સપોર્ટનો તદ્દન અનોખો આઇડિયા આવ્યો. હકીકતમાં, હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશનનો એલન મસ્કનો આઇડિયા તે સમયે જાહેર થયેલ ‘કેલિફોર્નિયા હાઇ-સ્પીડ રેલ સિસ્ટમ’ના પ્રતિભાવ રૂપે હતી. કેલિફોર્નિયા રેલ પ્રૉજેક્ટ અનુસાર   લોસ એંજેલિસ રિજીયન અને સાન ફ્રાન્સિસ્કો બે એરિયાને કનેક્ટ કરનાર બુલેટ ટ્રેન પ્રકારની હાઇ સ્પીડ ટ્રેન 300થી 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે. સમગ્ર  ‘કેલિફોર્નિયા હાઇ-સ્પીડ રેલ સિસ્ટમ’ પ્રૉજેક્ટ પાછળ 65 બિલિયન ડોલરથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે. આ સામે એલન મસ્કના સૂચિત હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશનના કન્સેપ્ટથી માત્ર 6 બિલિયન ડોલરના ખર્ચથી, કલાકના 1000 કિમી ની ઝડપથી દોડતી હાયપરલુપ ટ્રેનથી લૉસ એંજેલસ – સાન ફ્રાંસિસ્કોને જોડી શકાશે. આજે રોડ માર્ગે કાર દ્વારા લોસ એંજેલસથી સાન ફ્રાન્સિસ્કો પહોંચતાં છ કલાક જેટલો સમય લાગી શકે, એરોપ્લેન દ્વારા એક કલાકથી વધુ સમય લાગી શકે, પણ હાયપરલુપ ટ્રેન આ જ રૂટ પર માત્ર 35 મિનિટ જેટલો સમય લેશે!

હાયપરલુપ ટ્રેન – આજની સ્થિતિ: Hyperloop Train – as it stands today

એલન મસ્કના હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશનના કન્સેપ્ટ પ્રમાણે તેમની કંપનીઓ – ટેસ્લા અને સ્પેસએક્સ – ના બાહોશ ટેકનિશીયનો- એંજીનિયરોએ પ્રારંભિક રૂપરેખા બનાવી. પછી સમગ્ર હાયપરલુપ ટ્રાન્સપોર્ટ પ્રૉજેક્ટને તેમણે સમગ્ર વિશ્વ સમક્ષ ઓપન સોર્સ’ તરીકે  ખુલ્લો મૂક્યો છે. હાયપરલુપ ટ્રાન્સપોર્ટ અને હાયપરલુપ ટ્રેનને વિકસાવવા એલન મસ્કે પ્રત્યક્ષ રીતે પોતાની અંગત કંપની નથી બનાવી. એટલું જ નહીં, અન્ય સંશોધકો, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિક સાહસિકો, ઉદ્યોગપતિઓને પોતાના આઇડિયા પ્રગટ કરવા અને પ્રયોગો કરવા ઉત્તેજન આપવા તેમણે વિશેષ યોજનાઓ કરી છે. પોતાની કંપની સ્પેસ-એક્સના હેડક્વાર્ટર હોથોર્નમાં એક દોઢેક કિલોમીટર લાંબો ટેસ્ટ ટ્રેક બનાવ્યો છે, જ્યાં હાયપરલુપ ટ્રેન અર્થાત પોડને ટ્યુબમાં દોડાવવાના પ્રયોગોને ટેસ્ટ કરી શકાય. ‘મધુસંચય’ના વાચકોને જણાવીએ કે હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે અત્યારે તો ‘હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીઝ’ (એચટીટી HTT) અને ‘હાયપરલુપ વન’  આ બે કંપનીઓ ઝડપથી આગળ વધી રહી છે.

હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન અને હાયપરલુપ ટ્રેનની યોજનાઓમાં લૉસ એંજેલસ (અમેરિકા), દુબઇ, સ્વિડન, ફિનલેન્ડ, ચીન, દક્ષિણ કોરિયા ઉપરાંત ભારત જેવા દેશો પણ ઊંડો રસ લઈ રહ્યા છે.

હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન: અન્ય ટ્રાન્સપોર્ટ પદ્ધતિઓથી બહેતર છે? Is Hyperloop Transportation a better mode of transportation?

અત્યારની ચાર મુખ્ય વાહનવ્યવહાર પદ્ધતિઓ – ટ્રાન્સપોર્ટ પદ્ધતિઓ – માં રોડમાર્ગ, ટ્રેનમાર્ગ, જળમાર્ગ અને હવાઈ માર્ગ– નો સમાવેશ થાય છે. આ પૈકી મુસાફરીની વ્યાવહારિક પદ્ધતિમાં બુલેટ કે મેગ્લેવ ટ્રેન ચારસોથી છસો કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય; આધુનિક એરોપ્લેન  1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે. પરંતુ આ બધી ખૂબ ખર્ચાળ પદ્ધતિઓ છે. વળી તેની વ્યાવહારિક ઉપયોગિતા અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેની સરખામણીમાં હાયપરલુપ ટ્રાન્સપોર્ટ સૈદ્ધાંતિક રીતે – ખર્ચ, ઝડપ, સમય અને ઉર્જાની બચત, પ્રદૂષણ, ઉપયોગિતા જેવા મુદ્દાઓ પર અત્યારે તો આકર્ષક જણાય છે. પરંતુ હજી તેની પ્રાયોગિક સફળતા, પેસેન્જર માટે અનુકૂળતા/ઉચિતતા, મુસાફરીની પ્રતિકૂળ અસરો, સંભવિત જોખમો અને સલામતી વિશે ઘણું વિચારવાનું રહે છે.

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – સંક્ષેપ: હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન – હાયપરલુપ ટ્રેન (MADHUSANCHAY post-summary):
  • વાહનવ્યવહારની ચાર પ્રચલિત પદ્ધતિઓને મહાત કરી શકે હાયપરલુપ ટ્રેન
  • હાયપરલુપ ટ્રાન્સપોર્ટ એ ‘ફિફ્થ મોડ ઑફ ટ્રાન્સપોર્ટ’
  • હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો મૂળ વિચાર એલન મસ્કનો
  • એલન મસ્ક વિશ્વવિખ્યાત કંપનીઓ સ્પેસ-એક્સના સ્થાપક-સંચાલક; ટેસ્લાના સીઇઓ
  • હાયપરલુપ ટ્રેન એટલે બંધ ટ્યુબમાં મેગ્નેટિક લેવિટેશનથી હવાના સ્તર પર સરકતો પોડ
  • હાયપરલુપ ટ્રેન (પોડ) ને ન હવાનો અવરોધ, ન ટ્યુબની સપાટીનું ઘર્ષણ
  • આવી  ટ્રેન 1000 કિલોમીટર પ્રતિ કલાક્થી વધુ ઝડપ પકડી શકે
  • હાયપરલુપ ટ્રેન અત્યારે માત્ર આરંભિક પ્રાયોગિક તબક્કામાં

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ: હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન – હાયપરલુપ ટ્રેન: પૂરક માહિતી
  • હાયપરલુપ ટ્રેન: Hyperloop train
  • હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ: Hyperloop Transportation System
  • હાયપરલુપ ટ્રેન – પોડ: Hyperloop Train – Pod
  • મેગ્નેટિક લેવિટેશન: Magnetic levitation
  • એલન મસ્ક/ ઍલન મસ્ક/ એલોન મસ્ક: Elon Musk (1971 -)
  • Elon Musk: Founder, SpaceX ; CEO, Tesla
  • ટેસ્લા, પાલો આલ્ટો, કેલિફોર્નિયા, અમેરિકા: Tesla, Palo Alto, California, USA
  • સ્પેસ–એક્સ/ સ્પેસએક્સ, હૉથોર્ન, કેલિફોર્નિયા, અમેરિકા: SpaceX, Hawthorne, California, USA
  • હાયપરલુપ વન: Hyperloop One, Los Angeles, USA
  • હાયપરલુપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીઝ (એચટીટી): Hyperloop Transportation Technologies (HTT), California, USA
  • કેલિફોર્નિયા હાઇ-સ્પીડ રેલ સિસ્ટમ: California High-speed Rail System
  • લોસ એંજેલિસ / લોસ એંજેલસ, કેલિફોર્નિયા, યુએસએ: Los Angeles, California, USA
  • સાન ફ્રાન્સિસ્કો બે એરિયા, કેલિફોર્નિયા, યુએસએ: San Francisco Bay Area, California, USA

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

મુંબઈમાં દોડેલી ઘોડાથી ખેંચાતી ટ્રામ વિશે જાણવા અહીં ક્લિક કરો.

ભારતની પહેલી રેલવે પેસેંજર ટ્રેઇન મુંબઈની બોરીબંદર – થાણા ટ્રેઇન વિશે જાણવા અહીં ક્લિક કરો.

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

 

 

8 thoughts on “ટેસ્લાના એલન મસ્કની હાયપરલુપ ટ્રેન અમેરિકા-દુબઈ પછી ભારતમાં?

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s