અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

નાસાનું સ્પેસક્રાફ્ટ ‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાની ઐતિહાસિક સફરે

 

સૂર્યના કોરોનાને ‘સ્પર્શ’ કરવા અમેરિકાની અવકાશસંસ્થા  ‘નાસા’નું અવકાશયાન પાર્કર સોલર પ્રોબ તેજવેગે આગળ ધપી રહ્યું છે. નવેમ્બર 2018 માં તે સૂર્યની કક્ષામાં પહોંચે તેવી યોજના છે.

સૂર્ય અને  કોરોનામાં ઘટતી ઘટનાઓનો અભ્યાસ કરવા પાર્કર સોલર પ્રોબ સૂર્યની સૌથી નજીક પહોંચનાર વિશ્વનું પ્રથમ સ્પેસક્રાફ્ટ* બનશે.

‘પ્રોબ’ એ વૈજ્ઞાનિક સંશોધન અર્થે આઉટર સ્પેસમાં મોકલાતું માનવરહિત સ્પેસક્રાફ્ટ છે.

એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રમાં ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સાયન્ટિફિક ઇંસ્ટ્રુમેન્ટ્સ ધરાવતા પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટને નાસાએ 12 ઑગસ્ટ, 2018ના રોજ ડેલ્ટા-4 હેવી ( DELTA – IV Heavy ) રોકેટની મદદથી અવકાશમાં છોડ્યું હતું. એક મિનિટમાં 11,500 કિલોમીટરથી વધુની વિશ્વવિક્રમી ગતિથી ઊડીને પાર્કર સોલર પ્રોબ જ્યારે સૂર્યના કોરોનાની ‘નિકટ’થી પસાર થશે, ત્યારે તે સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ માનવનિર્મિત ઓબ્જેક્ટ* તરીકે વિશ્વવિક્રમ બનાવશે.

અગાઉ સૂર્યની સૌથી નજીકથી પસાર થનાર સ્પેસક્રાફ્ટ ‘હેલિયોસ 2’ નું સૂર્યથી અંતર 43 મિલિયન કિલોમીટરનું હતું. પાર્કર સોલર પ્રોબ સૂર્યને ભ્રમણ કરતાં તેની કક્ષાના પેરિહેલિયનપોઇંટ પર સૂર્યથી આશરે 6 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થશે.

અમેરિકાના સુપ્રસિદ્ધ એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરના સન્માનમાં નાસાએ આ અમેરિકન સ્પેસ મિશનને પાર્કર સોલર પ્રોબ નામ આપ્યું છે. યુજીન પાર્કરે 1958માં સૂર્યના કોરોનામાંથી ઊઠતા સુપરસોનિક સોલર વિંડ (સૌરપવન) ની સમજૂતિ આપતી થિયરી રજૂ કરી હતી.

પાર્કર સોલર પ્રોબ નાસાના સાયન્ટિફિક પ્રોગ્રામ લિવિંગ વિથ અ સ્ટાર’ (એલડબલ્યુએસ) ના અંતર્ગત લોંચ કરવામાં આવ્યું છે.

સૂર્યથી આપણી પૃથ્વીનું અંતર પંદર કરોડ કિલોમીટર (9 કરોડ 30  લાખ માઇલ) જેટલું છે. સૂર્યની નિકટતમ પહોંચનાર અંતરિક્ષયાન બનવા છતાં પાર્કર સોલર પ્રોબ સૂર્યથી આશરે બાસઠ લાખ કિલોમીટરના  ‘સલામત’(?)  અંતરે રહેશે, જ્યાં તાપમાન 1350 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોઈ શકે છે. કોરોનાના ઊંચા તાપમાનને સહન કરવા નાસાએ જંગી ખર્ચ કરીને અવકાશયાનને વિશિષ્ટ રક્ષાત્મક ટેકનોલોજીથી બનાવેલ છે. અતિ આધુનિક સાધન- સામગ્રી અને વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવતા પાર્કર સોલર પ્રોબના સમગ્ર સ્પેસ મિશન પર અંદાજે 150 કરોડ ડોલરનો ખર્ચ થશે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. તે પછી નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

બ્રહ્માંડનો અભ્યાસ શા માટે?

આપણે આજે પણ આપણા બ્રહ્માંડ-યુનિવર્સ-ને સમજી નથી શક્યા. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે આજે ય ચર્ચા ચાલુ છે. શું આપણા યુનિવર્સ માટે બિગ બેંગ કે સિંગ્યુલારિટીની થિયરીઓ અંતિમ છે? બ્રહ્માંડ એક બિંદુમાંથી જન્મ્યું? બ્રહ્માંડ અનાદિ છે અને આમ જ અનંત સમયથી અસ્તિત્વમાં છે? કે પ્રચંડ શકિતના પુંજ સમા એક બિંદુમાં મહાવિસ્ફોટ થતાં બ્રહ્માંડ સર્જાયું? આ બિગ બેંગ ક્યારે થયો? 13.4 કે 13.8 બિલિયન વર્ષો પહેલાં?

હજી સુધી આ બાબતે એકમત સર્જાઈ શકતો નથી. બ્રહ્માંડને આપણે ક્યાં પામી શક્યા છીએ? અને બીજા હજારો પ્રશ્ન ઊભા થતા જ જાય છે.

પૃથ્વી પર પહોંચતા રેડિયો સિગ્નલ્સ ક્યાંથી આવે છે? ફાસ્ટ રેડિયો બર્સ્ટ શું છે?

ગ્રેવિટેશનલ વેવ્ઝ અને તેમની અસરો શું છે?

સૂર્યમાંથી અને પૂરા બ્રહ્માંડના ખૂણે ખૂણેથી પૃથ્વી પર ફેંકાતા હાઇ એનર્જી પાર્ટીકલ્સ ન્યુટ્રીનો શું છે?

સૂર્યમાંથી લપકારા દેતા અગનગોળા સમ સૌર પવન કે  રેડિયેશન્સ શું છે?

પૃથ્વી પરનું જીવન  જોખમાતું જતું હોય તેમ લાગે છે. શું માનવજાતના અસ્તિત્વને બચાવવા પૃથ્વી પરથી અન્યત્ર સ્થળાંતર (કે ગ્રહાંતર?) કરવાની જરૂર પડશે? શું મોસ્ટ જીનિયસ એસ્ટ્રોફિઝિસિસ્ટ સ્ટીફન હોકિંગની ગ્રહાંતરની વાત ધ્યાનમાં રાખવી પડશે? અન્ય ગ્રહ પર એલિયન હશે ખરા? તેમની સાથે સંવાદ સ્થાપી શકાય?

પ્રશ્નો અનેક છે. જો આપણે યુનિવર્સનો અભ્યાસ કરીશું તો આપણા ભાવિને ઘડી શકીશું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સૂર્યનો અભ્યાસ શા માટે?

આપણા સૂર્યમંડળના પૃથ્વી સહિતના આઠ ગ્રહોનો જનક સૂર્ય છે.

અત્યારે તો નાસાએ સૂર્ય-પૃથ્વી સંબંધોને લગતા ‘લિવિંગ વિથ અ સ્ટાર’ પ્રોગ્રામ પર ધ્યાન જમાવ્યું છે. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. પૃથ્વી માટે તમામ ઊર્જાનો મૂળભૂત સ્રોત સૂર્ય છે. પૃથ્વી પરનું જીવન સૂર્ય પર આધારિત છે.

સૂર્યનાં બંધારણ અને તેમાં ઘટતી ઘટનાઓ વિશે જાણી લેવું પૃથ્વીવાસીઓ માટે હિતાવહ છે. પૃથ્વીની આસપાસ રક્ષણાત્મક ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટોસ્ફિયર છે, જે પૃથ્વીને બહારનાં રેડિયેશંસથી બચાવે છે. આમ છ્તાં સૂર્યમાંથી ફેંકાતા પાર્ટિકલ (જેમકે કોરોનલ માસ ઇજેક્શનના કણો) ક્યારેક મેગ્નેટોસ્ફિયરમાં બાકોરું પાડી પૃથ્વી સુધી પહોંચી હાનિ પહોંચાડે છે. સૂર્યનાં આવરણો અને તેમાં થતી પ્રક્રિયાઓ, સનસ્પોટ, સોલર ફ્લેર, સોલર વિંડ, સોલર સ્ટોર્મ અને કોરોનલ માસ ઇજેક્શન જેવી ઘટનાઓ માનવજીવનને પ્રભાવિત કરે છે. આ ઘટનાઓ આપણી આધુનિક ટેકનોલોજીને વિક્ષેપિત કરી શકે છે. તેથી સૂર્યને અંતરંગ રીતે જાણવો, સમજવો જરૂરી છે. પૃથ્વીને બચાવવા સ્પેસ વેધરનો સ્ટડી આવશ્યક છે. આ મુદ્દાઓને લક્ષમાં રાખી નાસા દ્વારા લોંચ થયેલ પાર્કર સોલર પ્રોબ એક મહત્ત્વાકાંક્ષી મિશન છે.

નાસાના સ્પેસ એક્સ્પ્લોરેશન – અવકાશ સંશોધન કાર્યક્રમો

અમેરિકાના પ્રેસિડેંટ ડ્વાઇટ ડી આઇઝનહોવરના નિર્ણયથી અવકાશ સંશોધનના શાંતિમય હેતુઓ માટે સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) ની સ્થાપના વર્ષ 1958માં થઈ. અમેરિકાની આ અવકાશ સંસ્થા નાસા મુખ્યત્વે એરોનોટિક્સ અને એરોસ્પેસ રીસર્ચની સાથે સિવિલિયન સ્પેસ પ્રોગ્રામનું સંચાલન કરે છે.

બીજા વિશ્વયુદ્ધ (1939 -1945) ના અંત પછી યુએસએ (અમેરિકા) અને યુએસએસઆર (રશિયા) વચ્ચે ‘કોલ્ડ વોર’ની સ્થિતિ બની રહી.

સ્પેસ રેસમાં રશિયા (તત્કાલીન યુએસએસઆર કે સોવિયેટ દેશ) એ બાજી મારી; 1957ની 4 ઑક્ટોબરે રશિયાએ તેનો પ્રથમ માનવનિર્મિત કૃત્રિમ સેટેલાઇટ ‘સ્પુટનિક 1’ અવકાશમાં મૂક્યો.

તેના પ્રતિભાવરૂપે અમેરિકા1958ની 31 જાન્યુઆરીના દિને ‘નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સ’ના ઉપક્રમે પોતાનો પ્રથમ માનવસર્જિત સેટેલાઇટ ‘એક્સ્પ્લોરર 1’ સ્પેસમાં મૂક્યો.

પ્રેસિડેન્ટ આઇઝનહોવર દ્વારા નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સનું સ્વરૂપ બદલવામાં આવ્યું અને તેને સ્થાને ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ – નાસા – ની રચના 1 ઓક્ટોબર, 1958ના રોજ કરવામાં આવી.

નાસાએ સમાનવ અવકાશ કાર્યક્રમો સાથે અનેક માનવરહિત અવકાશ સંશોધન કાર્યક્રમો યોજ્યા છે. નાસાના સમાનવ સ્પેસ એક્સ્પ્લોરેશનમાં (શરૂઆતના મર્ક્યુરી અને જેમિની પ્રોગ્રામ ઉપરાંત) એપોલો પ્રોગ્રામ, સ્પેસ શટલ પ્રોગ્રામ અને ઇંટરનેશનલ સ્પેસ શટલ પ્રોગ્રામ નોંધનીય રહ્યા છે. તેના માનવરહિત સ્પેસ એક્સ્પ્લોરેશનમાં અગત્યના સ્પેસ મિશનોમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આદિ ગ્રહો વિષયક અભિયાનો તો છે જ, પણ તેટલાં જ મહત્ત્વનાં પાયોનિયર 10, પાયોનિયર 11, વોયેજર 1 અને વોયેજર 2 મિશન છે. નાસાના વોયેજર 1 તથા વોયેજર 2 તો વર્ષોથી સૂર્યમંડળની બહાર, ઇન્ટરસ્ટેલર સ્પેસની સીમાની દીર્ઘ યાત્રા પર છે.

12 ઓગસ્ટ, 2018 ના રોજ અમેરિકામાં ફ્લોરિડાના કેપ કેનેવરલ ખાતેથી નાસાએ પાર્કર સોલર પ્રોબને સૂર્યના કોરોનાને ‘સ્પર્શ’ કરવા મોકલ્યું છે. નવેમ્બર 2018માં પાર્કર સોલર પ્રોબ સૂર્યની સૌથી નજીક પહોંચનાર સૌ પ્રથમ અંતરીક્ષયાન જ નહીં, પણ વિશ્વનો પ્રથમ માનવરચિત ઓબ્જેક્ટ હશે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પાર્કર સોલર પ્રોબ શું છે? સવિસ્તર માહિતી
 • પાર્કર સોલર પ્રોબ એક ‘તારા’ની સૌથી નજીક પહોંચવાનો માનવજાતનો અદભુત અને રોમાંચક પ્રયત્ન છે.
 • નાસાના વૈજ્ઞાનિક કાર્યક્રમ ‘લિવિંગ વિથ અ સ્ટાર’ અંતર્ગત પાર્કર સોલર પ્રોબને સ્પેસમાં મોકલાયું છે.
 • પ્રોબ માનવરહિત સ્પેસક્રાફ્ટ છે, જે નિર્ધારિત વૈજ્ઞાનિક માહિતી મેળવવા અંતરીક્ષમાં મોકલાય છે. આઉટર સ્પેસમાં પહોંચીને પ્રોબ ડેટા એકત્રિત કરી પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને તે માહિતી મોકલતું રહે છે.
 • રશિયાએ છોડેલ ‘સ્પુટનિક 1’ તેમજ અમેરિકાએ છોડેલ ‘એક્સ્પ્લોરર 1’ બંને ખરેખર તો પ્રોબ જ કહેવાય. આપણે સ્પુટનિક 1 (1957) અને એક્સ્પ્લોરર 1 (1958) ને માનવસર્જિત ઉપગ્રહ / કૃત્રિમ ઉપગ્રહ / આર્ટિફિશિયલ કે મેનમેઇડ સેટેલાઇટ કહીએ છીએ, પરંતુ તે પ્રોબ છે.
 • પાર્કર સોલર પ્રોબ સૂર્યના વાતાવરણની ‘તદ્દન નજીક’ (!) જઈ સૂર્ય અને કોરોનાનો અભ્યાસ કરવા માટે છોડાયેલું નાસાનું સ્પેસક્રાફ્ટ છે.
 • સૂર્યના વાતાવરણ – ખાસ કરીને કોરોના – માંથી ફેંકાતા હાઇ એનર્જી પાર્ટિકલ્સ-રેડિયેશન-સોલર વિંડ અવકાશમાં માનવસર્જિત સેટેલાઇટ, સ્પેસશીપ કે અવકાશયાત્રીને હાનિ પહોંચાડી શકે છે. વળી આવી સોલર ઘટનાઓ પૃથ્વીને અને પૃથ્વી પરની વિવિધ ટેકનોલોજી (જેમ કે કોમ્મ્યુનિકેશન) ને ક્ષતિગ્રસ્ત કરી શકે છે. આપણા જીવનને પ્રભાવિત કરતા સૂર્યની જાણકારી આવશ્યક છે.
 • અમેરિકાના વિદ્વાન એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરે 1958માં સોલર રેડિયેશન્સ – સૌરપવન – સોલર વિંડ વિશે થિયરી રજૂ કરી હતી. સાઠ વર્ષ પછી પાર્કર સોલર પ્રોબ સૂર્ય પાસે પહોંચીને આ થિયરી અંગે રસપ્રદ અભ્યાસ કરશે.
 • પાર્કર સોલર પ્રોબના લોંચિંગ સમયે 91 બર્ષના વયોવૃદ્ધ એસ્ટોફિઝિસિસ્ટ યુજીન પાર્કર પોતે ફ્લોરિડાના કેપ કેનેવરલ લોંચિંગ સ્ટેશન પર હાજર રહ્યા હતા.
 • પાર્કર સોલર પ્રોબને ‘ડેલ્ટા-4 હેવી’ ( DELTA – IV Heavy ) રોકેટ દ્વારા લોંચ કરાયું હતું.
 • એક ફેમિલી કાર જેવડા નાનકડા પાર્કર સોલર પ્રોબને અવકાશમાં છોડનાર રોકેટ ડેલ્ટા-4 આશરે 72 મીટર ઊંચું અને 15 મીટર જેટલું પહોળું હતું.
 • માત્ર 600 કિલોગ્રામ વજનના આ સ્પેસક્રાફ્ટને લોંચ કરનાર રોકેટ ડેલ્ટા-4 પાસે 60,000 કિલોગ્રામનું તો ફ્યુએલ (બળતણ/ ઇંધણ) હતું!
 • 1958માં લોંચ થયેલ અમેરિકાનું સૌ પ્રથમ પ્રોબ ‘એક્સ્પ્લોરર 1’ સાત ફૂટ કરતાં પણ નાનું હતું. તેનું વજન આશરે 13 કિલોગ્રામ હતું. પાર્કર સોલર પ્રોબ આશરે પોણા દસ ફૂટનું છે અને તેનું વજન લગભગ 600 કિલો છે.
 • અમેરિકાની જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની એપ્પ્લાઇડ ફિઝિકલ લેબોરેટરી (એપીએલ) દ્વારા પાર્કર સોલર પ્રોબને બનાવવામાં આવ્યું છે.
 • આ સ્પેસગ્રાફ્ટ સોલર પાવર્ડ છે અને તેનું સંચાલન સૌર ઊર્જાથી થાય છે.
 • પાર્કર સોલર પ્રોબને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવવા વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યું છે. તેની સન-ફેસિંગ (સૂર્ય તરફની) સરફેસ પર 11.4  સેંટિમીટર જાડું પ્રોટેક્ટિવ કવર લગાવવામાં આવ્યું છે. આ કાર્બન-કોમ્પોઝિટ સનશિલ્ડ કોરોનાના 1300 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી સ્પેસક્રાફ્ટનાં સંવેદનશીલ ઉપકરણોનું રક્ષણ કરશે.
 • પાર્કર સોલર પ્રોબ મિશનની કામગીરી લગભગ સાત વર્ષ ચાલશે. તેનો અંદાજિત ખર્ચ 1.5 બિલિયન ડોલરનો છે.
 • પાર્કર સોલર પ્રોબ ઓક્ટોબર, 2018 માં શુક્ર (વિનસ) ગ્રહ નજીક પહોંચી જશે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તે સૂર્યની કક્ષામાં પહોંચી જશે.  તે સૂર્યની પાસેથી સાત વર્ષમાં 24 વખત પસાર થશે.
 • પાર્કર સોલર પ્રોબ પેરીહેલિયનપોઇંટ પર સૂર્યથી આશરે 6 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થશે.
 • સૂર્યની આસપાસ ઓર્બિટમાં ભ્રમણ કરતાં અવકાશી પદાર્થ ઓર્બિટના જે સ્થાન પર સૂર્યની સૌથી નજીક હોય છે, તેને પેરિહેલિયન પોઇંટ કહે છે.
 • તે સૂર્યની નિકટતમ પહોંચશે ત્યારે સૂર્યથી તેનું અંતર માત્ર 62,00,000 કિલોમીટર જેટલું  હશે! આમ, પ્રથમ વખત કોઈ માનવનિર્મિત ઓબ્જેક્ટ સૂર્યની આટલી નજીક પહોંચશે. અગાઉ 1976માં ‘હેલિયોસ 2’ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી પાસે, સૂર્યથી 4 કરોડ 30 લાખ કિલોમીટરના અંતરે યાત્રા કરે શક્યું હતું.
 • પાર્કર સોલર પ્રોબનો મહત્તમ વેગ 6,90,000 કિલોમીટર પ્રતિ કલાકનો હશે. આટલી અકલ્પનીય સ્પીડથી ઊડનાર પાર્કર સોલર પ્રોબ વિશ્વનું ફાસ્ટેસ્ટ વેહિકલ – સૌથી ગતિશીલ વાહન – હશે. આટલી ગતિથી ઊડીને આપ ભારતથી અમેરિકા લગભગ એકાદ મિનિટમાં પહોંચી શકો! જી હા, મુંબઈથી ઊડો અને ન્યૂ યૉર્ક 65 સેકંડમાં પહોંચી જાવ! કલ્પના રોમાંચક લાગે છે ને!
 • આ સ્પેસક્રાફ્ટમાં એક ‘મેમરી કાર્ડ’ મૂકેલ છે. તેમાં પૃથ્વી પરના લોકોની શુભેચ્છાના પ્રતીકરૂપે અગિયાર લાખ લોકોનાં નામ મૂકવામાં આવ્યાં છે. નાસાની અપીલના સંદર્ભમાં આ લોકોએ પોતાનાં નામ મેમરી કાર્ડમાં મૂકવા સંમતિ આપી હતી.
 • પાર્કર સોલર પ્રોબના ઉક્ત મેમરી કાર્ડમાં એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરનો ફોટોગ્રાફ અને તેમનું રીસર્ચ પેપર પણ છે. 1958માં યુજીન પાર્કરના રીસર્ચ પેપરમાં સોલર ફિઝિક્સના નવાં પાસાંઓ ચર્ચવામાં આવ્યાં હતાં.
 • નાસાએ પોતાના સ્પેસ પ્રોગ્રામ કે મિશનને કોઈ જીવંત વૈજ્ઞાનિકનું નામ આપ્યું હોય તેવો નાસાના ઇતિહાસનો આ પ્રથમ બનાવ છે. ‘પાર્કર સોલર પ્રોબ’ નામ દ્વારા નાસાએ સૌર પવન-સોલર વિંડ અંગે પ્રથમ રજૂઆત કરનાર અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરને બહુમાન આપેલ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પાર્કર સોલર પ્રોબ માનવજાતને કેવી રીતે ઉપયોગી થશે?

માનવજાત અને પૃથ્વી પરનું જીવન હવે સંપૂર્ણપણે ટેકનોલોજી પર આધારિત છે. ઇકોનોમી, શિક્ષણ, કોમ્યુનિકેશન, ડિફેન્સ, એનર્જી, ટ્રાંસપોર્ટ, મનોરંજન, અવકાશ સંશોધન, આર્થિક-સામાજીક-રાજકીય પ્રણાલીઓ-વ્યવસ્થાઓ- બધા ક્ષેત્રોમાં ટેકનોલોજીનો વ્યાપ છે. આ સમગ્ર ટેકનોલોજીને આપણી આસપાસના સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સ પ્રભાવિત કરી શકે છે. આપણી ટેકનોલોજીને સૌથી વધારે પ્રભાવિત કરનાર સ્પેસ વેધર છે. સૂર્ય આપણી સૌથી નજીકનો મહત્ત્વપૂર્ણ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ છે. પાર્કર સોલર પ્રોબ આપણને શું માહિતી આપી શકે અને તેમાંથી વૈજ્ઞાનિકો શું તારવણી કાઢી શકે તે સંક્ષિપ્તમાં નીચે જણાવેલ છે:

 • સૂર્યના વાતાવરણની રચના અને તેની અસરો શું છે?
 • સૂર્યના કોરોનાનું આવરણ તેની સપાટી કરતાં વિશેષ ગરમ કેમ છે?
 • સૂર્યની આસપાસના પ્લાઝમા અને મેગ્નેટિક ફિલ્ડ્સ તથા સોલર વિંડ વચ્ચે શું સંબંધ છે?
 • સૂર્યમાંથી ફેંકાતા હાઇ એનર્જી પાર્ટિકલ્સ – રેડિયેશન્સ શા માટે પ્રચંડ વેગથી પૃથ્વી તરફ ધસે છે?
 • શું સોલર ફ્લેર કે સોલર સ્ટોર્મ કે કોરોનલ માસ ઇજેક્શન જેવા આકસ્મિક કે કવેળાના સોલર ઇવેંટ્સ અંગે પૃથ્વી પર સમયસર ચેતવણી મળી શકે?
 • આવી ચેતવણીથી અગમચેતી રાખી આપણે ટેકનોલોજીને શી રીતે બચાવી શકીએ?

પાર્કર સોલર પ્રોબ જેવા નાસાના અવકાશ સંશોધન કાર્યક્રમો ભારતના વૈજ્ઞાનિકો માટે પણ પ્રેરણા રૂપ છે. જો ભારતમાં ઊટીની કોસ્મિક રીસર્ચ લેબોરેટરી કોસ્મિક રેઝ પર વિશ્વને માર્ગદર્શન આપી શકે, જો એન્ટાર્ક્ટિકાની આઇસક્યુબ ન્યુટ્રીનો ઓબ્ઝર્વેટરી પરથી પ્રેરણા લઈ તામિલનાડુમાં ઇંડિયા-બેઝ્ડ ન્યુટ્રીનો ઑબ્ઝર્વેટરી (આઇ એન ઓ) બની શકે, તો વિશ્વાસ રાખીએ, ભારત એસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે સિદ્ધિઓની નવી ઊંચાઈ પર જરૂર પહોંચી શકે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મહત્ત્વના અપડેટ:  IMPORTANT UPDATES :

2018 ઑક્ટોબર અને નવેમ્બર

29/10/2018

*સૂર્યની સૌથી નજીક પહોંચનાર તેમજ સૌથી વધુ ઝડપથી ઊડનાર અવકાશયાન તરીકે આજે પાર્કર સોલર પ્રોબના વિશ્વવિક્રમ સ્થપાયા. મધુસંચયના વાચકો જાણે છે કે પાર્કર પ્રોબ સૂર્યને ‘સ્પર્શ’ કરવા (!) મોકલાયેલ છે.

પાર્કર સોલર પ્રોબ સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ માનવનિર્મિત સ્પેસશીપ બન્યું. આજે તે સૂર્યની સૌથી નજીકથી – સૂર્યની સપાટીથી માત્ર 42.7 મિલિયન કિલોમીટર દૂરથી – પસાર થનાર પ્રથમ અવકાશયાન બન્યું.

વળી આજે 2,46,960 કિલોમીટર પ્રતિ કલાકની વિશ્વવિક્રમી ઝડપથી ઊડનાર પાર્કર સોલર પ્રોબ વિશ્વનું  સૌથી ઝડપી અવકાશયાન બન્યું.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય-લેખ: નાસાનું સ્પેસક્રાફ્ટ ‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાની ઐતિહાસિક સફરે: પરિશિષ્ટ (1)

 • પાર્કર સોલર પ્રોબ’ સૂર્યની યાત્રાના અભૂતપૂર્વ મિશન પર નાસાનું સ્પેસક્રાફ્ટ
 • નાસા (યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા) એ ‘લિવિંગ વિથ અ સ્ટાર પ્રોગ્રામ’ અંતર્ગત સૂર્યના કોરોનાના સંશોધન અર્થે મોકલ્યું ‘પાર્કર સોલર પ્રોબ’
 • 12 ઑગસ્ટ, 2018 ના રોજ ફ્લોરિડા, અમેરિકાથી પાર્કર સોલર પ્રોબ થયું લોંચ
 • નવેમ્બર, 2018માં સૂર્યની કક્ષામાં પહોંચશે આ માનવરહિત સ્પેસક્રાફ્ટ
 • પાર્કર સોલર પ્રોબ બનશે સૂર્યના કોરોનાને ‘સ્પર્શ’ કરનાર સર્વ પ્રથમ સ્પેસક્રાફ્ટ
 • સૂર્યની નિકટતમ પહોંચનાર વિશ્વનો પ્રથમ માનવનિર્મિત ઓબ્જેક્ટ બનશે પાર્કર સોલર પ્રોબ
 • પાર્કર સોલર પ્રોબની મહત્તમ સ્પીડ 11,500 કિલોમીટર પ્રતિ મિનિટ થતાં રચાશે વિશ્વવિક્રમ
 • કલાકના 6,90,000 કિલોમીટરની ઝડપથી ઊડી પાર્કર સોલર પ્રોબ બનશે વિશ્વનો ફાસ્ટેસ્ટ ઓબ્જેક્ટ
 • સૂર્યના વાતાવરણનાં રહસ્યો પરથી પડદો ઊઠાવશે નાસાનું આ સ્પેસક્રાફ્ટ
 • સૌર પવન કે સોલર વિંડ વિશે પ્રથમ થિયરી આપનાર અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરના સન્માનમાં આ પ્રોબને નામ અપાયું પાર્કર સોલર પ્રોબ
 • નાસાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સ્પેસ પ્રોગ્રામ કે મિશનને અપાયું જીવંત વ્યક્તિનું નામ
 • સૂર્યના કોરોનાના પ્લાઝમા અને મેગ્નેટિક ફિલ્ડ્સનો થશે અભ્યાસ
 • સૂર્યમાંથી ફેંકાતા હાઇ એનર્જી પાર્ટિકલ્સ અને રેડિયેશન્સ વિશે મળશે જાણકારી
 • પાર્કર સોલર પ્રોબ પ્રકાશિત કરશે સૂર્યના કોરોનાની ઘટનાઓ – જેમ કે સોલર વિંડ, સોલર સ્ટોર્મ, કોરોનલ માસ ઇજેક્શન
 • સૂર્યના ‘સ્પેસ વેધર’ની આવી ઘટનાઓથી પૃથ્વી પરની ટેકનોલોજીને પહોંચતી હાનિ
 • પાર્કર સોલર પ્રોબ સુઝાડી શકે અગમચેતીના રસ્તાઓ
 • પૃથ્વી અને માનવજાતને આકસ્મિક સોલર ઇવેન્ટ્સના શક્ય ખતરા સામે મળી શકે ઉપાયો

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય-લેખ: નાસાનું સ્પેસક્રાફ્ટ ‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાની ઐતિહાસિક સફરે: પરિશિષ્ટ (2)

 • પાર્કર સોલર પ્રોબ: Parker Solar Probe
 • નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન / નાસા / નેસા: National Aeronautics and Space Administration, NASA, USA
 • નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સ: National Advisory Committee for Aeronautics, NACA, USA
 • પ્રેસિડેન્ટ ડ્વાઇટ ડી આઇઝનહોવર, અમેરિકાના 34મા પ્રમુખ ડી ડી આઇઝનહોવર: President Dwight D Eisenhower, 34th President of USA (1953-61)
 • લિવિંગ વિથ અ સ્ટાર (એલડબલ્યુએસ) પ્રોગ્રામ: ‘Living With a Star’/ LWS/ A space programme of NASA
 • એપ્લાઇડ ફિઝિકલ લેબોરેટરી (એપીએલ), જોહ્ન્સ હોપકિન્સ યુનિવર્સિટી, યુએસએ: Applied Physical Laboratory (APL), Johns Hopkins University, Maryland, USA
 • યુજીન પાર્કર, અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ: Eugene Parker (1927-), American astrophysicist
 • કેપ કેનેવરલ, ફ્લોરિડા, અમેરિકા: Cape Canaveral, Florida, USA
 • કોરોના, સૂર્યનું બાહ્યતમ આવરણ: Corona, the outermost layer of the sun
 • સ્પેસ વેધર: Space weather
 • સૌર પવન / સોલર વિંડ: Solar Winds
 • કોરોનલ માસ ઇજેક્શન (સીએમઈ): Coronal Mass Ejection (CME)
 • પેરિહેલિયન પોઇંટ: Perihelion point
 • એસ્ટ્રોફિઝિક્સ: Astrophysics
 • કોસ્મિક રીસર્ચ લેબોરેટરી, ઊટી, તામિલનાડુ(સીઆરએલ): Cosmic Research Laboratory (CRL), Ooty, Tamilnadu, India
 • ઇન્ડિયા-બેઝ્ડ ન્યુટ્રીનો ઑબ્ઝર્વેટરી (આઇએનઓ), તામિલનાડુ: India-based Neutrino Observatory, Tamilnadu, India

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

આપ માહિતીપૂર્ણ લેખો અમારા બ્લૉગ ‘અનુપમા’ પર પણ માણો. અહીં ક્લિક કરશો: અનુપમા

વૈવિધ્યભર્યા રસપ્રદ લેખો  અમારા બ્લૉગ ‘અનામિકા’ પર વાંચો. અહીં ક્લિક કરશો: અનામિકા

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

9 thoughts on “નાસાનું સ્પેસક્રાફ્ટ ‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાની ઐતિહાસિક સફરે

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s