દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વોયેજર 2ના પ્રવાસનો આરંભ

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના ‘વોયેજર’ સ્પેસ પ્રોગ્રામ અંતર્ગત વૉયેજર 1 અને વૉયેજર 2 નામના બે સ્પેસપ્રોબ (સ્પેસક્રાફ્ટ) આપણી સોલર સિસ્ટમના હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યા છે.

1977 માં છોડવામાં આવેલા બંને વૉયેજર અવકાશયાન માનવરહિત છે.

વૉયેજર પ્રોગ્રામનો મૂળભૂત હેતુ ગુરુ (જ્યુપિટર) અને શનિ (સેટર્ન) ના ગ્રહોને એક્સ્પ્લોર કરવાનો હતો, પણ પછી વૉયેજર ઇન્ટરસ્ટેલર મિશન હેઠળ બંને સ્પેસ પ્રોબને સૂર્ય મંડળની પાર આગળ ધપાવવાનો નિર્ણય થયો હતો. વૉયેજર 1 અને વૉયેજર 2 બંને સ્પેસક્રાફ્ટ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં કેવી રીતે આગળ ધપી કેટલા સમય માટે કાર્યરત રહેશે તે વિશે નાસાના વૈજ્ઞાનિકો પણ સ્પષ્ટ ન હતા, આજે ય નથી. પરંતુ સૂર્ય મંડળના હીલિયોસ્ફિયરની સીમા છોડી બ્રહ્માંડની સફરે પૃથ્વીથી સૌથી દૂર જઈ કાર્યરત રહેનાર બંને સ્પેસ પ્રોબ આપણને કીમતી માહિતી આપી રહ્યા છે.

નાસાના પાયોનિયર 10 અને પાયોનિયર 11 સોલર સિસ્ટમની પાર જનાર સૌ પ્રથમ અવકાશયાનો લેખાય છે.

તે પછી વૉયેજર 1 વર્ષ 2012માં હીલિયોસ્ફિયરને વીંધી ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશનાર પ્રથમ માનવનિર્મિત અવકાશયાન બન્યું. તાજેતરમાં નવેમ્બર 2018માં વૉયેજર 2 પણ હીલિયોસ્ફિયર છોડી ઇન્ટરસ્ટેલર સ્પેસના પ્રવાસે નીકળી પડ્યું છે. બંને વોયેજર સ્પેસ પ્રોબની કામગીરી કદાચ થોડાં વર્ષોમાં બંધ પડશે, પરંતુ બ્રહ્માંડમાં તેમની યાત્રા તો હજારો વર્ષો સુધી ચાલ્યા કરશે!

મધુસંચયના આજના લેખમાં સોલર સિસ્ટમના હીલિયોસ્ફિયર, ઇન્ટરસ્ટેલર સ્પેસ અને વોયેજર મિશનની હકીકતોને સંક્ષિપ્તમાં સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

બ્રહ્માંડનો તાગ મેળવવો કેવો કઠિન છે!

બ્રહ્માંડનાં વણજાણ્યાં રહસ્યો આપણને કેવાં રોમાંચક લાગે છે! અમાપ બ્રહ્માંડના ભેદ આપણે પૂર્ણતયા ક્યારેય નહીં પામી શકીએ, આમ છતાં માનવી બ્રહ્માંડને સમજવા સદૈવ મથતો રહ્યો છે.

યુનિવર્સનાં અજ્ઞાત રહસ્યોને ઉકેલવા અમેરિકાની અવકાશ સંસ્થા નાસા (નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) કટિબદ્ધ છે. નાસાના ક્યારેય ન અટકતાં સ્પેસ એક્સ્પ્લોરેશન મિશન તેની કટિબદ્ધતાના સાક્ષી છે.

વૉયેજર ઇન્ટરસ્ટેલર મિશન નાસાની ગૌરવવંતી કાર્યસિદ્ધિઓમાં યશકલગી સમાન છે.

આપણા સૂર્યમંડળની આખરી સીમાને વળોટો અને ઇન્ટરસ્ટેલર સ્પેસનો આરંભ થાય તેમ કહેવાય. વોયેજર પ્રોગ્રામનાં બે સ્પેસ પ્રોબ વૉયેજર 1 અને વૉયેજર 2 ઇન્ટરસ્ટેલર સ્પેસની સફરમાં પણ કાર્યરત રહેનાર પ્રથમ અવકાશયાનો બન્યાં છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બ્રહ્માંડ: સંક્ષિપ્ત માહિતી

બ્રહ્માંડ (યુનિવર્સ) કરોડો ગેલેક્સીઓનું બનેલ છે. દરેક ગેલેક્સી કરોડો તારાઓ તથા અન્ય અવકાશી પદાર્થોથી બનેલ છે.

આપણી ગેલેક્સી મિલ્કી વેના કરોડો કરોડો તારાઓ પૈકીનો એક તારો આપણો સૂર્ય છે તે મધુસંચયના વાચકો જાણે છે.

આપણા સૂર્યમંડળમાં કેંદ્રસ્થાને સૂર્ય તથા તેની આસપાસ પ્રદક્ષિણા કરતા આઠ ગ્રહો છે. આ આઠ ગ્રહો છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ થતા નેપ્ચ્યુન. સૂર્યની સૌથી પાસે બુધ તથા સૌથી દૂર નેપ્ચ્યુન ગ્રહ છે. (અગાઉ નવમા ગ્રહ તરીકે પ્લુટો ગણાતો હતો, પરંતુ હાલમાં તે ગ્રહ નથી ગણાતો).

હીલિયોસ્ફિયર (હેલિયોસ્ફિયર) શું છે?

સૂર્ય આપણને ધગધગતા વાયુઓના ગોળા સમાન જણાય છે. હકીકતમાં, સૂર્ય તેના કેંદ્રભાગે ઘનરૂપ છે; તેની ફરતાં આવરણો વાયુરૂપ છે. સૂર્યનું બાહ્યતમ આવરણ કોરોના ઘણે ભાગે હોટ આયોનાઇઝડ વાયુ કે પ્લાઝમાથી બનેલ છે.

મધુસંચયના વાચકો જાણે છે કે સૂર્યમાંથી ચોમેર લપકારા દેતા પ્લાઝમા સ્વરૂપે સૌર પવનો (સોલર વિંડ) ફેંકાતા રહે છે. પ્રોટોન-ઇલેક્ટ્રોન જેવા ચાર્જ્ડ પાર્ટિકલ્સ સહિત રેડિયેશન્સ ધરાવતા  સોલર વિન્ડ બ્રહ્માંડમાં ચારે બાજુ રેલાય છે. સૂર્યમાંથી નીપજેલા સોલર વિન્ડ અતિ મોટા વેગથી કરોડો કિલોમીટર સુધી બ્રહ્માંડમાં ફેલાય છે.

સોલર વિંડને પરિણામે સૂર્યમંડળની ફરતે એક વિશાળકાય ચુંબકીય ક્ષેત્રયુક્ત બબલરચાય છે જેને હીલિયોસ્ફિયર (હેલિયોસ્ફિયર) કહે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આ જ રીતે બ્રહ્માંડના, ગેલેક્સીના અવકાશી પદાર્થો આપણી તરફ ઇન્ટરસ્ટેલર વિંડ ફેંકે છે. હીલિયોસ્ફિયર સૂર્યમંડળ પર ફેંકાતા ઇન્ટરસ્ટેલર વિન્ડ સામે પૃથ્વી જેવા સૂર્યમંડળના ગ્રહોને આવરણ પૂરું પાડે છે. હીલિયોસ્ફિયર સૂર્યના મેગ્નેટિક ફિલ્ડથી રચાયેલ (!) રક્ષણાત્મક બબલ છે.

હીલિયોસ્ફિયરનો બાહ્યતમ સીમાવર્તી વિસ્તાર હીલિયોપૉઝ છે. આમ જોતાં, હીલિયોપૉઝ વિસ્તારમાં સૂર્ય મંડળની સીમા પૂરી થાય છે. અહીં સોલર વિંડનો પ્રભાવ ન્યૂનતમ થાય છે અને ત્યાંથી ઇન્ટરસ્ટેલર વિન્ડ પ્રબળ થતાં જાય છે.

સોલર વિંડ વિશે એક મહત્ત્વની વાત: સૂર્યમાંથી પ્રચંડ વેગે ફેંકાતા સોલર વિંડ સૂર્યમંડળમાં તમામ ગ્રહોથી રચાતા ઇન્ટરપ્લેનેટરી સ્પેસમાં રેલાય છે. તેથી તે પૃથ્વી તરફ પણ ધસી આવે છે. અસંખ્ય ચાર્જ્ડ પાર્ટિકલ્સ સહિત રેડિયેશન્સ ધરાવતા હોવાથી સોલર વિન્ડ પૃથ્વી માટે ભારે ખતરનાક બની શકે છે.

પૃથ્વીની આસપાસ વાતાવરણ (એટમોસ્ફિયર) છે. એટમોસ્ફિયર ઉપરાંત પૃથ્વીની ફરતે મેગ્નેટોસ્ફિયરનું રક્ષણાત્મક ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીની ફરતે આવેલ એટમોસ્ફિયર-મેગ્નેટોસ્ફિયરનો આ સમગ્ર વિસ્તાર જિયોસ્પેસ કહેવાય છે. પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ ધરાવતા મેગ્નેટોસ્ફિયરનું કવચ પૃથ્વીને હાનિકારક સોલર વિંડથી બચાવે છે.

ઇન્ટરસ્ટેલર સ્પેસ અર્થાત આંતરતારક અવકાશ એટલે શું?

હીલિયોસ્ફિયરમાં જ્યાં સૂર્યમંડળની સીમા પૂરી થાય છે, તે વિસ્તાર હીલિયોપૉઝ (હેલિયોપોઝ) કહેવાય છે. હીલિયોપૉઝની બાઉન્ડરી પર આપણા સૂર્યનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે અને તે પછીના વિસ્તારમાં અન્ય તારા (અવકાશી પદાર્થ) નો પ્રભાવ આરંભાય છે. તે વિસ્તાર ઇન્ટરસ્ટેલર સ્પેસ તરીકે ઓળખાય છે.

આપણી સોલર સિસ્ટમના ‘મેગ્નેટિક બબલ’ સમા હીલિયોસ્ફિયરના હીલિયોપૉઝની અંતિમ સીમા પછીનો વિસ્તાર તે ઇન્ટરસ્ટેલર સ્પેસ.

જ્યાં સોલર વિંડના પ્રભાવનો ક્ષય થાય, હીલિયોસ્ફિયરના ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ નગણ્ય બની જાય અને ઇન્ટરસ્ટેલર મેગ્નેટિક ફિલ્ડનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધી જાય ત્યાં ઇન્ટરસ્ટેલર સ્પેસનો પ્રારંભ થાય.

મધુસંચયના સુજ્ઞ વાચકો જાણે છે કે ગેલેક્સીમાં કરોડો કરોડો તારા હોય છે. એક જ ગેલેક્સીમાં બે તારા વચ્ચેના ક્ષેત્રને ઇન્ટરસ્ટેલર સ્પેસકહે છે. ઇન્ટરસ્ટેલર સ્પેસને આપણે ‘આંતરતારક અવકાશ’ કહી શકીએ? આમ છતાં યાદ રહે કે ઇન્ટરસ્ટેલર સ્પેસની વ્યાખ્યા ભિન્ન ભિન્ન સંદર્ભમાં વૈજ્ઞાનિકો માટે ચર્ચાનો વિષય બને છે.

બ્રહ્માંડ (યુનિવર્સ) ની બે ગેલેક્સીઓ વચ્ચેના વિસ્તારને  ઇન્ટરગેલેક્ટિક સ્પેસ કહે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

કઇપર બેલ્ટ તથા ઊર્ટ ક્લાઉડ શું છે?

આપણા સૂર્યમંડળના આઠ ગ્રહોમાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ (મર્ક્યુરી) છે, જ્યારે સૌથી દૂરનો – સૌથી બહારનો ગ્રહ નેપ્ચ્યુન છે.

કઇપર બેલ્ટ (કૈપર / કુઇપર / ક્યુઇપર બેલ્ટ) નેપ્ચ્યુન પછીનો વિસ્તાર છે. કઇપર / કુઇપર બેલ્ટ પછી ઊર્ટ ક્લાઉડનો વિસ્તાર છે. કુઇપર (કઇપર) બેલ્ટ અને ઊર્ટ ક્લાઉડમાં ધૂમકેતુઓ ઉદભવતા હોવાનું મનાય છે. નેપ્ચ્યુન ગ્રહ પછીના વિસ્તારમાં આવેલ કેટલાક અવકાશી પદાર્થો ટ્રાન્સ-નેપ્ચ્યુનિયન ઓબ્જેક્ટ્સ (ટીએનઓ) તરીકે ઓળખાય છે.

  • નેપ્ચ્યુનની કક્ષાથી લઈને, તે પછીનો સૂર્યમંડળનો કેટલોક વિસ્તાર કઇપર બેલ્ટ (કૈપર / કુઇપર / ક્યુઇપર બેલ્ટ) કહેવાય છે.
  • કઇપર બેલ્ટમાં લાખોની સંખ્યામાં નાના મોટા અવકાશી પદાર્થો છે જેમને કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ (કેબીઓ) કહે છે.
  • સોલર સિસ્ટમની રચના થતાં સૂર્યમાંથી ગ્રહો બન્યા ત્યારે કેટલાક અવકાશી પદાર્થ ગ્રહમાં રૂપાંતરિત ન થતાં અપૂર્ણ ગ્રહોના ટુકડાઓ રૂપે રહી ગયા જે કુઇપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ તરીકે કુઇપર બેલ્ટમાં રહ્યા છે.
  • અપૂર્ણ કે અર્ધવિકસિત ગ્રહો જણાતા આ અવકાશી પદાર્થો – કેબીઓ – ખડક કે ધાતુઓ કે એમોનિયા-પાણી થકી બનેલા છે.
  • સૂર્યમંડળનો ‘ભૂતપૂર્વ ગ્રહ’ પ્લુટો હવે ડ્વાર્ફ પ્લેનેટતરીકે એક કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ ગણાય છે.
  • પ્લુટો સૌથી મોટો કેબીઓ મનાય છે.
  • ઊર્ટ ક્લાઉડ કે ઊર્ટ વાદળ (ઓપિક-ઊર્ટ ક્લાઉડ / અર્ટ ક્લાઉડ) સૂર્યમંડળના સીમાડે એક સૈદ્ધાંતિક વાદળ કહેવાતો વિસ્તાર છે.
  • ઊર્ટ ક્લાઉડનું ક્ષેત્ર લગભગ સ્ફેરિકલ છે અને તે સોલર સિસ્ટમમાં કુઇપર બેલ્ટની પછી આરંભાય છે.
  • ઊર્ટ ક્લાઉડ સૂર્યમંડળની સાથે સંલગ્ન હોવા છતાં તેનો બાહ્ય વિસ્તાર આપણી મિલ્કી વે ગેલેક્સીમાં એટલો ફેલાયેલો છે કે તે વિસ્તાર મિલ્કી વેની કેટલીક ઘટનાઓથી પ્રભાવિત થઈ શકે છે.
  • ઊર્ટ ક્લાઉડ સૂર્યથી ખૂબ દૂર – આશરે 2000 એસ્ટ્રોનોમિકલ યુનિટ – ના અંતરે આરંભાતું મનાય છે.
  • કુઇપર બેલ્ટને શોર્ટ પીરિયડકોમેટ્સ (ધૂમકેતુ) નું ઉદભવસ્થાન માનવામાં આવે છે, જ્યારે ઊર્ટ ક્લાઉડને લોંગ પીરિયડકોમેટ્સનું ઉદભવસ્થાન માનવામાં આવે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સૂર્યમંડળની પાર જનાર પ્રથમ અવકાશયાન પાયોનિયર 10 અને પાયોનિયર 11

અવકાશની સફરે જતાં ‘વાહન’ને આપણે અવકાશયાન કહી છીએ. અવકાશયાન માટે સ્પેસશીપ, સ્પેસક્રાફ્ટ કે સ્પેસ પ્રોબ જેવા પર્યાયો છે અને તે બધાં ટેકનિકલી ભિન્ન છે. સામાન્ય વાચક તેની વિગતોમાં ન પડે તો ચાલે!

સ્પેસ પ્રોબ એ વિશિષ્ટ પ્રકારનું રોબોટિક અવકાશયાન છે. સ્પેસપ્રોબમાં હેતુપૂર્વક માહિતી એકત્રિત કરવા અદ્યતન અને વિશિષ્ટ વૈજ્ઞાનિક ઉપકરણો હોય છે. આવું રોબોટિક સ્પેસપ્રોબ સૂર્યની કે સૂર્યમંડળના ગ્રહ/ઉપગ્રહની મુલાકાત લીધા પછી પણ સ્વયંસંચાલિત બની આગળ ધપતું રહે છે.તે સૂર્યમંડળના બહારના ગ્રહોની કક્ષામાં ભ્રમણ કરી કે ઉતરાણ કરી માહિતી મોકલી શકે, ત્યાંથી ઇન્ટરપ્લેનેટરી સ્પેસમાં આગળ વધી શકે કે કદાચ સોલર સિસ્ટમને પાર કરી ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચી શકે!

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાનાં સ્પેસપ્રોબ પાયોનિયર 10 અને પાયોનિયર 11 સૂર્યમંડળમાં સૌથી દૂર સફર કરનાર પ્રથમ અવકાશયાન બન્યાં.

સૂર્યમંડળની સફરે જવા નાસાનું સ્પેસ પ્રોબ પાયોનિયર 10 માર્ચ 1972માં લોંચ કરાયું. તેનો મુખ્ય હેતુ ગુરુના ગ્રહ સુધી પહોંચી તે ગ્રહનો અભ્યાસ કરવાનો હતો.

મંગળ (માર્સ) અને ગુરુ (જ્યુપિટર) ગ્રહો વચ્ચેના એસ્ટેરોઇડ બેલ્ટને વીંધનાર પાયોનિયર 10 પ્રથમ માનવનિર્મિત ઓબ્જેક્ટ (સ્પેસક્રાફ્ટ) હતું. નવેમ્બર 1973માં પાયોનિયર 10 ગુરુના ગ્રહ નજીક પહોંચ્યું ત્યારે તેની ગતિ કલાકના 1,24,000 કિલોમીટર જેટલી હતી. તેણે ગુરુના ગ્રહના ફોટા અને અતિ મહત્ત્વની માહિતી મોકલી. ત્યાંથી તેણે સૂર્યમંડળને પાર જવાનું હતું.

જૂન 1983માં તેણે સોલર સિસ્ટમના આખરી પ્લેનેટ નેપ્ચ્યુનની કક્ષા વટાવી. નેપ્ચ્યુનની ઓર્બિટ પાર કરી, સૂર્યમંડળની સીમા ઓળંગનાર પાયોનિયર 10 પ્રથમ અવકાશયાન બન્યું.

1997 પછી તેના રેડિયો સંદેશા વ્યવહાર અનિયમિત થતા ગયા. છેવટે જ્યારે પાયોનિયર 10 પૃથ્વીથી 1200 કરોડ કિલોમીટર દૂર હતું ત્યારે જાન્યુઆરી 2003માં તેની  સાથેનો સંપર્ક તૂટી ગયો. તેના આખરી સિગ્નલને પૃથ્વી પર પહોંચતા અગિયાર કલાકથી વધુ સમય લાગ્યો હતો!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ ગુરુ ઉપરાંત શનિના ગ્રહના અભ્યાસ માટે પાયોનિયર 11 નામના સ્પેસ પ્રોબને એપ્રિલ 1973માં લોંચ કર્યું.

તેણે એપ્રિલ 1974માં એસ્ટેરોઇડ બેલ્ટને સફળતાપૂર્વક વીંધ્યો. ગુરુના ગ્રહે પહોંચતાં તેનો વેગ 1,70,000 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતો. તેણે ગુરુના ગ્રહનો વિગતે અભ્યાસ કર્યો.

1979માં પાયોનિયર 11 શનિના ગ્રહની નજીકથી પસાર થનાર વિશ્વનું પ્રથમ સ્પેસક્રાફ્ટ બન્યું. ફેબ્રુઆરી 1990માં તેણે સૂર્યમંડળના આખરી ગ્રહ નેપ્ચ્યુનની ઓર્બિટ ઓળંગી. નેપ્ચ્યુનની કક્ષા છોડી, સોલર સિસ્ટમની બહાર જનાર પાયોનિયર 11 વિશ્વનું બીજું સ્પેસક્રાફ્ટ બન્યું.

પાયોનિયર 11 તરફથી છેલ્લો સિગ્નલ નવેમ્બર 1995માં મળ્યો. ત્યાર પછી તેના કોઈ જ સમાચાર નથી.

જો સલામત હશે તો પાયોનિયર યાન બ્રહ્માંડના અણજાણ્યા રસ્તે ચાલ્યા કરશે! કદાચ કોઈ બુદ્ધિમાન એલિયન સભ્યતાનો તેમને ભેટો પણ થાય! પાયોનિયર યાનમાં માનવજાત તથા પૃથ્વી ગ્રહની સૂચક એક પ્લાક  (તકતી) મૂકવામાં આવેલ. આ પ્લાક અમેરિકાના વિશ્વવિખ્યાત કોસ્મોલોજીસ્ટ એસ્ટ્રોનોમર – એસ્ટ્રોફિઝિસિસ્ટ કાર્લ સગાન (કાર્લ સાગાન 1934 – 1996) ની સલાહથી બનાવવામાં આવેલ.

આમ, અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ અવકાશ સંસ્થા નાસાનાં બે સ્પેસપ્રોબ પાયોનિયર 10 તથા પાયોનિયર 11 આપણા સૂર્ય મંડળ (સોલર સિસ્ટમ) ની પાર જનાર સૌ પ્રથમ બે અવકાશયાન બન્યાં છે. તે પછી ત્રણ યાન – વૉયેજર 1, વૉયેજર 2 તથા ‘ન્યૂ હોરાઇઝોન્સ’ (કઇપર બેલ્ટ એક્સ્ટેન્ડેડ મિશન) – ઉમેરાતાં આજ સુધી કુલ પાંચ સ્પેસક્રાફ્ટ સોલર સિસ્ટમની બહાર ગયા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશનાર વિશ્વનાં પ્રથમ અવકાશયાન વૉયેજર 1 તથા વૉયેજર 2

ઇન્ટરસ્ટેલર સ્પેસ શું છે તે મધુસંચયના વાચકો જાણે છે.

સામાન્ય વાચક માટે, ગેલેક્સીમાં બે તારા વચ્ચેના અવકાશ – સ્પેસ – ને ઇન્ટરસ્ટેલર સ્પેસ કહી શકાય. જો કે આ વૈજ્ઞાનિક પરિભાષા નથી કારણ કે ઇન્ટરસ્ટેલર સ્પેસ અતિ સંકુલ વિષય છે.

આપણી ગેલેક્સી મિલ્કી વેમાં આપણું સૂર્યમંડળ સ્થિત છે. સૂર્યમંડળની સીમા પર આપણા સૂર્યનો, સૂર્યના ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ જ્યાં ક્ષય પામે છે, ત્યાંથી ઇન્ટરસ્ટેલર સ્પેસ આરંભાય છે.

ઇન્ટરસ્ટેલર સ્પેસની સફરે નાસાએ મોકલેલાં બે સ્પેસપ્રોબ વૉયેજર 1 અને વૉયેજર 2 અનુક્રમે વર્ષ 2012 તથા 2018માં ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યાં છે.

અમેરિકાના ‘વોયેજર પ્રોગ્રામ’ તેમજ સ્પેસપ્રોબ વૉયેજર 1 વિશે આપ ‘મધુસંચય’ પર વાંચી ચૂક્યા છો.

વૉયેજર 1 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ માનવનિર્મિત પદાર્થ બન્યો. 25 ઑગસ્ટ, 2012ના રોજ  ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનાર પ્રથમ અવકાશયાન વોયેજર 1 ને નાસા દ્વારા 1977માં લોંચ કરાયું હતું.

1977માં જ છોડાયેલ વોયેજર 2 તાજેતરમાં નવેમ્બર 5, 2018 ના રોજ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનાર વિશ્વનું બીજું સ્પેસક્રાફ્ટ બન્યું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સ્પેસક્રાફ્ટ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં દાખલ થયું તે કેવી રીતે જાણી શકાય?

5 નવેમ્બર, 2018ના રોજ વોયેજર 2ના સંવેદનશીલ ઉપકરણોમાં મહત્ત્વના ફેરફારો નોંધાયા. તે દિવસે સોલર વિંડના ચુંબકીય ક્ષેત્રની એક્ટિવિટી નહીંવત થઈ ગઈ; સાથે જ ઇન્ટરસ્ટેલર સ્પેસના મેગ્નેટિક ફિલ્ડ્સની ચુંબકીય શક્તિમાં ભારે વૃદ્ધિ નોંધાઈ. વળી સૂર્યમંડળને પારથી આવતા કોસ્મિક કિરણોમાં મોટો વધારો થયો. આ ફેરફારો સૂચવતા હતા કે નવેમ્બર 5, 2018ના રોજ વૉયેજર 2 સ્પેસપ્રોબ સૂર્યમંડળના ક્ષેત્રથી દૂર થઈને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ્યું હતું.

હર્ષની વાત એ છે કે પૃથ્વીથી અતીવ દૂર ગયા પછી, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં સફર કરતાં રહીને પણ આજે ય બંને વૉયેજર સ્પેસપ્રોબ સક્રિય છે અને વ્યવસ્થિત કામગીરી બજાવી રહ્યાં છે.

ફરી એક વાર યાદ રાખશો કે ઇન્ટરસ્ટેલર સ્પેસટર્મ ચર્ચાસ્પદ છે. વૈજ્ઞાનિકોનો એક વર્ગ કહે છે કે સૂર્યના હીલિયોસ્ફિયરના સીમારૂપ ક્ષેત્ર હીલિયોપૉઝને પાર કરનાર બંને વોયેજર સ્પેસપ્રોબ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યા છે. જ્યારે કેટલાક કહે છે કે વૉયેજર 1 અને વૉયેજર 2 હાલ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં નથી. તેમના મત અનુસાર બંને વૉયેજર સ્પેસપ્રોબ હજી સૂર્યમંડળ પછીના ઊર્ટ ક્લાઉડ વિસ્તારમાં સફર કરશે. પરંતુ સામાન્ય વાચકોએ દ્રષ્ટિકોણના આ તફાવતોમાં ઉલઝવાની જરૂર નથી. બંને વોયેજર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યાની અધિકૃત જાહેરાત નાસા દ્વારા થઈ ચૂકી છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વૉયેજર સ્પેસપ્રોબના ઇન્ટરસ્ટેલર સ્પેસની સફરનું મહત્ત્વ શું?

નાસાએ 1972-73માં લોંચ કરેલ બંને પાયોનિયર સ્પેસપ્રોબ બે-ત્રણ દશકા સુધી કાર્યરત રહ્યા. તે પછી તેમની સાથે સંપર્ક તૂટી ગયો. આજે આપણને આ અવકાશયાનોની સ્થિતિ વિશે કોઈ જ માહિતી નથી.

1977માં લોંચ થયેલ વૉયેજર 1 અને વૉયેજર 2 બેઉ સ્પેસ પ્રોબ આજે ચાર ચાર દશકાઓ પછી પણ સહીસલામત રીતે ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવાસ ખેડી રહ્યા છે અને તમામ કામગીરી ક્ષતિરહિત રીતે નિભાવી રહ્યા છે.

વોયેજર અવકાશયાનો મહત્ત્વનાં અને અતિ ઉપયોગી વૈજ્ઞાનિક ઉપકરણોથી સુસજ્જ છે. બંનેએ  આપણને હીલિયોસ્ફિયર વિશે અગત્યની માહિતી આપી છે. વળી હીલિયોસ્ફિયરના વિસ્તાર, સોલર વિંડની અસરો, હીલિયોપૉઝમાં પ્લાઝમા એક્ટિવિટી અને કોસ્મિક રેઝ પ્રભાવ વિશે આપણને મહત્ત્વનો ડેટા મળી રહ્યો છે. સૂર્યમંડળ બહારના પ્રારંભિક ઇન્ટરસ્ટેલર ક્ષેત્ર પર સૂર્યના સોલર વિંડની અસર કેવી થાય છે તે પણ વૉયેજર સ્પેસપ્રોબથી જાણવા મળશે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બંને વૉયેજર સ્પેસપ્રોબમાં એક એક ગોલ્ડન રેકર્ડ છે જે અણજાણ બ્રહ્માંડવાસી માટે પૃથ્વીવાસીઓનો સંદેશ ધરાવે છે. સેંકડો-હજારો વર્ષો પછી આ યાનને કદાચ કોઈ પરગ્રહવાસીનો ભેટો થાય!

બાર ઇંચની કોપરની આ ડિસ્ક ગોલ્ડ પ્લેટેડ છે. તેના પર પૃથ્વી પરના જીવન તથા સંસ્કૃતિનું આલેખન છે. આ રેકર્ડમાં 115 ચિત્રો તથા અસંખ્ય ધ્વનિ-અવાજના નમૂના અંકિત કરવામાં આવ્યા છે. માનવ પુરૂષ અને સ્ત્રીના ચિત્રણ સહિત સૂર્યમંડળને પણ ચિત્રિત કરાયું છે. પૃથ્વી પરના સામાન્ય અવાજો – જેવા કે પવન અને આકાશ ગર્જના, પશુ પક્ષીઓના અવાજો આદિ – રેકર્ડ કરેલ છે. અજ્ઞાત બ્રહ્માંડવાસીનું અભિવાદન કરતા સંદેશાઓ પૃથ્વી પર બોલાતી 55 ભાષાઓમાં ધ્વનિમુદ્રિત છે. વળી યુએસએના તત્કાલીન પ્રેસિડેન્ટ જીમી કાર્ટર તથા યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ કુર્ટ વાલ્ડહાઇમના પ્રિન્ટ કરેલા સંદેશાઓ છે.

ફોનોગ્રાફ રેકર્ડને પ્લે કરવા કાર્ટ્રિજ અને નીડલ સાથે સૂચનાઓ પણ મૂકેલ છે. વૉયેજર સ્પેસપ્રોબની આ ગોલ્ડન રેકર્ડ અમેરિકન એસ્ટ્રોનોમર – એસ્ટ્રોફિઝિસિસ્ટ કાર્લ સાગાનના નેતૃત્વમાં એક ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વૉયેજર 2 તથા પાર્કર સોલર પ્રોબ: એક અદભુત યોગાનુયોગ!

ખગોળવિજ્ઞાન (એસ્ટ્રોનોમી) માં 5 નવેમ્બર, 2018 નો દિન ઐતિહાસિક લેખાશે.

મધુસંચયના વાચકોને આશ્ચર્ય થશે કે નવેમ્બર 5, 2018 ના રોજ માની ન શકાય તેવી યોગાનુયોગ ઘટનાઓ બની!

આપણી ગેલેક્સી મિલ્કી વેમાં, સોલર સિસ્ટમના બે છેડે, કરોડો કિલોમીટરના અંતરે તે બની!

આપણા સૂર્યમંડળના હીલિયોસ્ફિયરના બે છેડે, બે માનવસર્જિત સ્પેસપ્રોબ આ ઘટનાઓ સાથે જોડાયા. આશ્ચર્યની વાત તો એ કે આ બે સ્પેસ પ્રોબ 41 વર્ષના અંતરે લોંચ થયા હતા અને બંનેનો પ્રવાસ પણ ભિન્ન ભિન્ન દિશાઓમાં હતો!  પાંચમી નવેમ્બર, 2018ના રોજ બનેલ આ અવિશ્વસનીય ઘટનાઓના સાક્ષી હતા પાર્કર સોલર પ્રોબ અને વૉયેજર 2.

આપે મધુસંચયપર સૂર્યના કોરોનાને સ્પર્શ કરવા ગયેલ પાર્કર સોલર પ્રોબ વિશે વાંચ્યું છે.

એક સ્પેસ પ્રોબ પાર્કર સોલર પ્રોબ હતું સૂર્યના કોરોનાની પાસે, બીજું વૉયેજર 2 હતું હીલિયોપૉઝની સીમા પર.

શું હતી આ યોગાનુયોગ ઘટનાઓ?

5 નવેમ્બર, 2018ના રોજ પાર્કર સોલર પ્રોબનો સૂર્યના કોરોનાને પ્રથમ સ્પર્શ થયો, તે જ દિવસે વૉયેજર 2 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ પામ્યું! પાંચમી નવેમ્બરે જ્યારે પાર્કર સોલર પ્રોબ ‘ફેરેડે કપ’ તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક ઉપકરણથી કોરોનાના હાઇલી ચાર્જ્ડ પ્લાઝમા પાર્ટીકલ્સ વિશે ડેટા પ્રાપ્ત કરતું હતું, તે જ દિવસે વૉયેજર 2 ફેરેડે કપ ઉપકરણથી હીલિયોસ્ફિયરના છેડે હીલિયોપૉઝની સીમાક્ષેત્રના હાઇલી ચાર્જ્ડ પ્લાઝમા પાર્ટીકલ્સનો ડેટા નોંધતું હતું!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વૉયેજર 1 તથા વૉયેજર 2 : આજે અને ભવિષ્યમાં

વોયેજર મિશનનો મૂળભૂત હેતુ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહોના સર્વેનો હતો. વૉયેજર 1 તથા વૉયેજર 2 બંને સ્પેસપ્રોબ દ્વારા તે હેતુઓ 1989 સુધીમાં સિદ્ધ થયા. પછી બંને વૉયેજર યાનને ‘ડિપ સ્પેસ’ ની સફર માટે ડાયરેક્ટ કરાયા.

બંને વોયેજર યાન અલગ અલગ ટ્રાજેક્ટરીથી હીલિયોસ્ફિયર છોડી ગયાં છે. તેથી બંને અત્યારે બ્રહ્માંડની  અલગ અલગ દિશાઓમાં ધપી રહ્યાં છે.

દરેક યાનમાં વિદ્યુતશક્તિ પૂરી પાડવા રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર છે. તે માટે યાનમાં આશરે પચાસ વર્ષનો પ્લુટોનિયમ પાવર છે. આ ઊર્જા સ્રોતો થકી વોયેજર યાનો 2025 કે 2027 સુધી કાર્યરત રહી શકશે તેવી ધારણા છે.

આજે 15 ડિસેમ્બર 2018 ના રોજ બંને વૉયેજર યાનોની સ્થિતિ શું છે?

અત્યારે (15 ડિસેમ્બર, 2018) વૉયેજર 1 પૃથ્વીથી આશરે 2150 કરોડ કિલોમીટરથી પણ વધુ દૂર છે અને તે લગભગ 1000 કિલોમીટર પ્રતિ મિનિટના વેગથી ઇન્ટરસ્ટેલર સ્પેસમાં મુસાફરી કરી રહ્યું છે.

આજે વૉયેજર 2 પૃથ્વીથી લગભગ 1785 કરોડ કિલોમીટરથી વધુ દૂર છે અને તે આશરે 900 કિલોમીટર પ્રતિ મિનિટની ગતિથી ઇન્ટરસ્ટેલર સ્પેસમાં મુસાફરી કરી રહ્યું છે.

આવા પ્રચંડ વેગથી પ્રવાસ કરવા છતાં વોયેજર 1 આપણી ગેલેક્સીના કોઈ તારા સુધી લગભગ ચાલીસ હજાર વર્ષ પછી પહોંચશે!!!

જો તેમની સાથે કોઈ અઘટિત ઘટનાઓ ન ઘટે તો વોયેજર યાનો કરોડો વર્ષો માટે મિલ્કી વેના કેંદ્રની ફરતે ઓર્બિટમાં ફરતા રહે તેવું પણ બને!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * * * **  ** * ** * *** **  * ** * *** * * * **  ** * ** *

મધુસંચય-લેખ: હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વોયેજર 2ના પ્રવાસનો આરંભ: પરિશિષ્ટ (1)
  • અદ્યતન રોબોટિક સ્પેસપ્રોબથી સૂર્યમંડળની પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસને એક્સ્પ્લોર કરવું શક્ય
  • નાસા (યુએસએ) ના ‘વૉયેજર ઇન્ટરસ્ટેલર મિશન’ અંતર્ગત વૉયેજર 1 અને વૉયેજર 2 સ્પેસપ્રોબ ઇન્ટરસ્ટેલર સ્પેસની સફરે
  • સૂર્યના બાહ્યતમ આવરણ કોરોનામાંથી ફેંકાતા સૌર પવનો (સોલર વિંડ)
  • સોલર વિન્ડ છે પ્રોટોન-ઇલેક્ટ્રોન જેવા ચાર્જ્ડ પાર્ટીકલ્સયુક્ત પ્લાઝમા જે પૃથ્વી માટે હાનિકારક
  • સોલર વિન્ડથી સૂર્યમંડળ ફરતે રચાય છે હીલિયોસ્ફિયર (હેલિયોસ્ફિયર) નામક રક્ષણાત્મક બબલ
  • હીલિયોસ્ફિયરનો બબલ ઇન્ટરસ્ટેલર વિંડ સામે સોલર સિસ્ટમના ગ્રહોને આપે સુરક્ષા કવચ
  • સૂર્યમંડળને સીમાડે હીલિયોસ્ફિયરનો બાહ્યતમ સીમાવર્તી વિસ્તાર હીલિયોપૉઝ (હેલિયોપોઝ), જ્યાં સૂર્યના મેગ્નેટિક ફિલ્ડની અસરનો ક્ષય
  • હીલિયોપૉઝની સીમા પછી ઇન્ટરસ્ટેલર સ્પેસનો આરંભ
  • સૂર્યમંડળના આખરી ગ્રહ નેપ્ચ્યુન પછીના વિસ્તાર કઇપર બેલ્ટ (કૈપર / કુઇપર બેલ્ટ) માં કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ / કૈપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ (કેબીઓ)
  • સૂર્યમંડળની બાઉંડરી પરથી શરૂ કરી મિલ્કી વેમાં પ્રસરતું ઊર્ટ વાદળ / ઊર્ટ ક્લાઉડ
  • સૂર્યમંડળની સીમા બહાર જનાર સૌ પ્રથમ અવકાશયાનો પાયોનિયર 10 અને પાયોનિયર 11
  • અમેરિકાની અવકાશ સંસ્થા નાસા દ્વારા 1977માં છોડાયેલ વૉયેજર 1 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ માનવનિર્મિત ઓબ્જેક્ટ (અવકાશયાન)
  • ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનાર વિશ્વનાં પ્રથમ બે અવકાશયાનો વૉયેજર 1 અને વૉયેજર 2
  • નવેમ્બર 5, 2018 ના ઐતિહાસિક દિને નાસાનાં વૉયેજર 2 અને પાર્કર સોલર પ્રોબ વિસ્મયકારી સાંયોગિક ઘટનાઓના સાક્ષી
  • 2018ની પાંચમી નવેમ્બરના રોજ જ્યારે વૉયેજર 2 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ્યું, તે જ દિવસે સૂર્યના કોરોનાને સ્પર્શ્યું પાર્કર સોલર પ્રોબ

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય-લેખ: હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વોયેજર 2ના પ્રવાસનો આરંભ: પરિશિષ્ટ (2)
  • નાસા / નેસા (નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા): NASA – National Aeronautics and Space Administration, USA)
  • વૉયેજર 1: Voyager 1
  • વૉયેજર 2: Voyager 2
  • ઇન્ટરસ્ટેલર સ્પેસ: Interstellar Space
  • સ્પેસપ્રોબ: Spaceprobe
  • હીલિયોસ્ફિયર / હેલિયોસ્ફિયર: Heliosphere
  • હીલિયોપૉઝ / હેલિયોપૉઝ: Heliopause
  • સૌર પવન / સોલર વિંડ / સોલર વિન્ડ: Solar wind
  • ઇન્ટરપ્લેનેટરી સ્પેસ: Interplanetary Space
  • પાર્કર સોલર પ્રોબ: Parker Solar Probe
  • મેગ્નેટોસ્ફિયર: Magnetosphere
  • કઇપર બેલ્ટ (કૈપર / કુઇપર / ક્યુઇપર બેલ્ટ): Kuiper Belt
  • કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ/ કૈપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ/ કુઇપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ (કેબીઓ): Kuiper Belt Objects (KBO)
  • ઊર્ટ ક્લાઉડ કે ઊર્ટ વાદળ (ઓપિક-ઊર્ટ ક્લાઉડ / અર્ટ ક્લાઉડ): Oort Cloud/ Opik-Oort Cloud
  • પાયોનિયર 10: Pioneer 10
  • પાયોનિયર 11: Pioneer 11
  • કોસ્મોલોજીસ્ટ એસ્ટ્રોનોમર – એસ્ટ્રોફિઝિસિસ્ટ કાર્લ સગાન/ કાર્લ સાગાન: Cosmologist astronomer – astrophysicist Carl Sagan (1934 – 1996)

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

બ્રહ્માંડને ખળભળાવતાં ગ્રેવિટેશનલ વેવ્ઝ વિશે જાણવા અહીં ક્લિક કરો.

વિશ્વમાં નામના પામનાર યુવાન ગુજરાતી એસ્ટ્રોફિઝિસિસ્ટ વિશાલ ગજ્જરના પરિચય માટે અહીં ક્લિક કરો.

ઘોસ્ટ પાર્ટિકલ ન્યુટ્રીનો અને એન્ટાર્ક્ટિકાની આઇસક્યુબ લેબોરેટરી વિશે જાણવા અહીં ક્લિક કરો.

ફાસ્ટ રેડિયો બર્સ્ટ  પર માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

આપ માહિતીપૂર્ણ લેખો અમારા બ્લૉગ ‘અનુપમા’ પર પણ માણો. અહીં ક્લિક કરશો: અનુપમા

વૈવિધ્યભર્યા વિષયો પર રસપ્રદ લેખો ‘અનામિકા’ પર વાંચો. અહીં ક્લિક કરશો: અનામિકા.

*** * * ** * **** * * ** *** * ** ** *** *** * * *** * * ** * *

*** * * ** * **** * * ** *** * ** ** *** *** * * *** * * ** * *

7 thoughts on “હીલિયોસ્ફિયરને પાર, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વોયેજર 2ના પ્રવાસનો આરંભ

Please write your Comment