.
આપની પાસે નવા આઇડિયા કે નવા વિચારો છે કે જે દુનિયામાં “કાંઈક હટ કે” આપી શકે?
દુનિયામાં ઝડપી પરિવર્તનો આવી રહ્યાં છે. જીવનને સુખદાયી બનાવવા વિશ્વમાં પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની સુવિધા અને ગુણવત્તામાં સતત સુધારા થતા રહે છે. કેટલાંક ભેજાંબાજ સર્જકો કલ્પનાશક્તિના બળે પોતાની સર્જનશક્તિને ઇનોવેશનમાં ફેરવે છે. આવા ઇનોવેટર્સની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતી મેકર મુવમેંટ વિશ્વભરમાં ચાલી રહી છે. અગણિત સંસ્થાઓ અને કાર્યક્રમો નવા આઇડિયા, નવા વિચારો, નવી કલ્પનાના સહારે નવસર્જનને ઉત્તેજન આપે છે. અમેરિકા અને ભારતમાં મેકર ફેર અને મેકર ફેસ્ટ પણ તેમાં શામિલ છે.
‘મેકર મુવમેંટ’ શું છે?
આપ ચીલાચાલુ પદ્ધતિઓમાં પરિવર્તન લાવી શકો છો? જુદી જ રીતે વિચારી શકો છો? સમાજને ઉપયોગી કાંઇક તદ્દન અનોખું પ્રદાન કરી શકો છો? કંઈક નવું બનાવી શકો છો? જો હા, તો આપ મેકર મુવમેંટના સપોર્ટર બની શકો છો!
મેકર ફેર શું છે?
‘અમેરિકાના ડેલ ડુહર્ટી (ડેલ ડૉર્ટી કે ડોઅર્ટી) (Dale Dougherty) ‘મેકર મીડિયા’ કંપનીની ‘મેકર મુવમેન્ટ’ના પ્રણેતા છે.
શ્રીમાન ડેલે કેલિફોર્નિયા, અમેરિકામાં 2005માં ‘મેક:મેગેઝિન’ ની શરૂઆત કરી. મેક મેગેઝિન ટેકનોલોજીને સહજ બનાવે છે. મેક મેગેઝિન અઘરા જણાતા પ્રૉજેક્ટને સરળ બનાવે છે અને તમે જાતે કરી શકો કે બનાવી શકો (DIY – Do It Yourself) તેવા સાદા સ્વરૂપમાં રજૂ કરે છે. ડેલ ડુહર્ટીની ‘મેકર મીડિયા’ કંપનીનું મેગેઝિન તમારી સર્જનાત્મકતા ખીલવે છે અને તમારા શોખને, તમારી હોબિઝને નવા સ્તર પર લઈ જાય છે.
અમેરિકામાં સાન ફ્રાંસિસ્કો બે એરિયામાં 2006માં ‘મેકર ફેર’નો પ્રારંભ થયો. આ એક એવો મેળાવડો કે શો છે, જેમાં ઇનોવેટિવ માઇંડ સેટ ધરાવતા આબાલવૃદ્ધ ભાગ લે છે. અમેરિકામાં સાન ફ્રાંસિસ્કો અને ન્યૂ યૉર્ક ખાતે મેકર ફેર યોજાઈ ચૂક્યાં છે. મેકર મુવમેંટ અમેરિકા ઉપરાંત યુરોપ, આફ્રિકા, જાપાન અને ભારતમાં પણ વિસ્તરી રહી છે. મેકર ફેરમાં વિવિધ ક્ષેત્રના કલ્પનાશીલ નવસર્જકોને પોતાના ‘હટ કે’ આઇડિયા, વિચાર, પ્રોડક્ટ કે પ્રૉજેક્ટ પ્રદર્શિત કરવાની તક મળે છે. આપની પાસે વિજ્ઞાન, આર્ટ, ક્રાફ્ટ, એંજિનિયરિંગ, ટેકનોલોજી કે અન્ય કોઈ ક્ષેત્રમાં નવીન આઇડિયા છે, નવી પ્રોડક્ટ કે પ્રૉજેક્ટ છે, અથવા આપ આપની હોબીને પ્રોફેશનમાં બદલવા માગો છો, તો મેકર ફેર આપના માટે તદ્દન યોગ્ય પ્લેટફોર્મ છે. મેકર ફેરમાં જિજ્ઞાસુ નવાંગતુક, અમેચ્યોર સર્જક, ઇનોવેટર, હોબિસ્ટ કે પ્રોફેશનલ એવા આર્ટિસ્ટસ, સાયંટિસ્ટસ, ટેકનોક્રેટ્સ, ઑથર્સ, એજ્યુકેશનિસ્ટ્સ … તમામ પ્રકારના લોકો ભાગ લે છે. આમાંથી અસંખ્ય આઇડિયાને કોમર્શિયલ માર્કેટમાં જવાની તક મળે છે. કેટલીય પ્રોડક્ટ્સ કે પ્રૉજેક્ટ્સને ઇંવેસ્ટર્સ મળી જતાં સ્ટાર્ટ અપ માટે મૂડી પણ પ્રાપ્ત થાય છે.
મેકર ફેસ્ટ શું છે?
ભારતમાં ‘મેકર ફેસ્ટ’ને અમેરિકન ‘મેકર ફેર’ની ભારતીય આવૃત્તિ કહી શકાય.
મેકર ફેર અમેરિકામાં, તો મેકર ફેસ્ટ ઇન્ડિયામાં.
સુશ્રી આશાબહેન જાડેજા મોટવાણીના નેતૃત્વમાં ‘મેકર ફેસ્ટ’ ભારતમાં સફળતાના પંથે છે. મૂળ ગુજરાતી આશાબહેન સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીના ભારતીય પ્રોફેસર સ્વર્ગીય રાજીવ મોટવાણીના ધર્મપત્ની. સ્ટેનફોર્ડમાં કમ્પ્યુટર સાયન્સના અતિતેજસ્વી પ્રોફેસર ડૉ. રાજીવ મોટવાણીએ ગુગલના સર્જી બ્રિન અને લેરિ પેજને ગુગલ સર્ચ એંજિન ડેવલપ કરવામાં અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. રાજીવભાઈના અકાળ સ્વર્ગવાસ પછી કુટુંબીજનોના સાથથી આશાબહેને ‘મોટવાણી જાડેજા ફેમિલી ફાઉંડેશન’ની સ્થાપના કરી સમાજોપયોગી પ્રવૃત્તિઓ વિકસાવી. આશાબહેન મેકર્સ ફેસ્ટ દ્વારા ભારતભરમાં નવસર્જનને પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં ચમકેલ ગુજરાતી વિદ્યાર્થી હર્ષવર્ધન ઝાલાએ પ્રથમ તો અમદાવાદના મેકર ફેસ્ટમાં જ સૌનું ધ્યાન ખેંચ્યું હતું ને!
ગુજરાતના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોને અપીલ
આપ સૌ નવીન વિચાર કે આઇડિયા આવકારો!
સમાજને ઉપયોગી પદ્ધતિઓમાં બહેતર ફેરફાર આણો! સમાજના કેટલાય ક્ષેત્રોમાં કાર્યપ્રણાલીને ઘરેડમાંથી બહાર લાવવાની છે. આપ આપની સોચને નવી દિશામાં વાળો!
કલ્પનાશીલતા સાથે રચનાત્મકતાને મહત્ત્વ આપો! ક્રિએટિવિટી ખીલવો! કંઈક ‘હટ કે’ વિચારો! નવસર્જન કરો. જ્યાં જ્યાં ક્રિએટિવિટીને મહત્ત્વ છે તેવી પ્રવૃત્તિઓ કે સંસ્થાઓના હિસ્સા બનો. નવા પ્રયોગો કે પ્રૉજેક્ટને ઉત્તેજન આપતા મેળાવડાઓ કે કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લો.
આપને શુભેચ્છાઓ!
***
‘મધુસંચય’ સંક્ષેપ: મેકર મુવમેન્ટ (Maker Movement)
મેક મેગેઝિન: મેકર મીડિયા:
મેકર ફેર: Maker Faire
ડેલ ડુહર્ટી (ડેલ ડૉર્ટી / ડેલ ડૉઅર્ટી) : Dale Dougherty
મોટવાણી જાડેજા ફેમિલી ફાઉંડેશન: Motwani Jadeja Family Foundation
4 thoughts on “આપની તેમજ આપના બાળકની કલ્પનાશક્તિ અને સર્જનશીલતા ખીલવો!”