માનવમગજ એક અદભુત રચના છે, જેને સંપૂર્ણપણે સમજવા સદીઓ લાગી જશે. મનુષ્યના મગજમાં અગણિત ઇમેજ-દ્રશ્યો અને અમાપ ડેટાથી સમૃદ્ધ મેમરી, અસીમ જ્ઞાનનો ભંડાર, વિસ્મયકારી તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ, અંગ-ઉપાંગોના ઉચિત ઉપયોગની ક્ષમતા, વિવિધ કૌશલ વિકસાવવાની શક્તિ, જીવન ટકાવવાનું સામર્થ્ય આદિ અસંખ્ય વિશિષ્ટતાઓ છે. તેનાથી મનુષ્ય અન્ય પ્રાણીઓથી ચડિયાતો સાબિત થાય છે.
હ્યુમન બ્રેઇન પ્રકૃતિના શ્રેષ્ઠતમ સર્જનની દેન છે. આજ સુધી મગજની જટિલ રચનાના ભેદ ઉકેલી શકાયા નથી. પ્રતિદિન મગજની રચના તથા ક્રિયાશીલતાનાં નવાં રહસ્યો બહાર આવે છે. સાથે મગજની તમામ મર્યાદાઓને વળોટી, તેની કાર્યક્ષમતાને સીમાઓની પાર લઈ જવા ન્યુરોસાયન્ટિસ્ટ્સ નિતનવા પ્રયોગોમાં વ્યસ્ત છે.
વૈજ્ઞાનિકો ન્યુરોસાયન્સ અને ફિઝિક્સને સાથે રાખી, અદ્યતન પ્રયોગો દ્વારા માનવમગજને ‘સુપરબ્રેઇન’ ની દિશામાં લઈ જવા કટિબદ્ધ છે. અત્યારે નેનોટેકનોલોજી, નેનોરોબોટિક્સ, બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ અને ઇન્ટરનેટ ઑફ થોટ્સ જેવા ચમકભર્યા શબ્દો આપણને આંજી રહ્યા છે.
જ્યારે માનવીઓનાં મગજ પરસ્પર જોડાશે અને સાથોસાથ ઇન્ટરનેટ સાથે પણ કનેક્ટ થઈ શકશે, ત્યારે માની ન શકાય તેવી ટેકનોલોજીનો ઉદય થશે: ઇન્ટરનેટ ઑફ થોટ્સ.
આપણે નેનોટેકનોલોજી અને નેનોરોબોટિક્સથી સર્જાનાર બ્રેઇન/ ક્લાઉડ ઇન્ટરફેસ અને ઇંટરનેટ ઑફ થોટ્સ વિશે વાતો કરવી છે. પણ તે માટે આપણે પહેલાં તો માનવમગજને સમજવું પડશે. મનુષ્યના મગજને સમજવા બે હેમિસ્ફિયર, ચાર લોબ તેમજ સેરિબ્રમ, સેરિબેલમ અને બ્રેઇન સ્ટેમને સમજવા પડે. મજ્જાતંતુ તંત્ર (ચેતાતંત્ર/ નર્વસ સિસ્ટમ) નો સૌથી મહત્ત્વનો ભાગ મગજ છે.
મજ્જાતંતુ તંત્ર (ચેતાતંત્ર)નો બંધારણીય અને ક્રિયાત્મક એકમ ન્યુરોન છે. હ્યુમન બ્રેઇનમાં સેન્સરી અને મોટર સંવેદનાઓના વહન માટે કાર્યક્ષમ ઇન્ટરન્યુરોન કનેક્શન્સ અનિવાર્ય છે.
આ લેખમાં આપણે માનવમગજનાં ભાગોની મૂળભૂત રચના અને કાર્યપદ્ધતિને ટૂંકમાં સમજીશું. આ પછીના બીજા લેખમાં આપણે સુપરબ્રેઇનથી માંડીને ઇન્ટરનેટ ઑફ થોટ્સ સુધીના અદભુત વિજ્ઞાનને સરળ રીતે સમજીશું.
આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં માનવમગજ વિશે થોડી રસપ્રદ વાતો જાણીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
પાર્કર સોલર પ્રોબથી સૂર્યના કોરોનાને સ્પર્શનાર આધુનિક માનવીએ વૉયેજર મિશન દ્વારા વોયેજર યાનોને, ઇન્ટરસ્ટેલર સ્પેસની પણ પાર મોકલ્યાં છે. વળી તેણે કરોડો પ્રકાશવર્ષ દૂર બ્લેક હોલની અથડામણમાંથી નીપજેલ ગ્રેવિટેશનલ વેવ્ઝ અવલોક્યાં છે, સાથે તેણે બ્રહ્માંડના અજ્ઞાત ખૂણાની ગેલેક્સીમાંથી આવતાં રહસ્યમય ફાસ્ટ રેડિયો બર્સ્ટ પણ નોંધ્યાં છે. ફાસ્ટ રેડિયો બર્સ્ટ સાથે આપણા ગુજરાતી યુવાન રેડિયો એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ વિશાલ ગજ્જરનું નામ પ્રસિદ્ધ થયું છે. આપે આ બધી વાતો ‘મધુસંચય’ પર વાંચી છે.
માનવીને પોતાના શરીરમાં, પોતાના મગજમાં પણ ઓછો રસ નથી!
મનુષ્યને સુગઠિત શરીર, સુવિકસિત મજ્જાતંતુ તંત્ર (ચેતાતંત્ર) અને વિકાસશીલ જ્ઞાનેન્દ્રિયોની કુદરતી દેન છે. સુવિકસિત નર્વસ સિસ્ટમ તથા પાવરફુલ સેન્સરી ઓર્ગન્સને કારણે માનવ અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતો સાબિત થાય છે. હ્યુમન બ્રેઇન પાસે સુપર કમ્પ્યુટર જેવો પાવર છે. મગજને જો ઇંટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવે તો બનતી સિસ્ટમનો પાવર અમર્યાદિત થઈ જાય! ‘ઇન્ટરનેટ ઑફ થોટ્સ’ તરીકે ઓળખાનાર આ વ્યવસ્થા નવી આશાઓ સાથે ઊભરી રહી છે.
બ્રેઇન-ક્લાઉડ ઇંટરફેસ અને ઇન્ટરનેટ ઑફ થોટ્સને સમજવા માટે હ્યુમન બ્રેઇનને સમજવું પડે. આ લેખમાં આપણે બેઝિક ઇન્ફર્મેશન જ લઈશું. અહીં ન્યુરોલોજી કે બ્રેઇન એનેટોમીની વિગતો શીખવવાનો ઇરાદો નથી તે નોંધશો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મનુષ્યની નર્વસ સિસ્ટમ
મનુષ્યની નર્વસ સિસ્ટમ (મજ્જાતંતુ તંત્ર/ ચેતાતંત્ર/ જ્ઞાનતંત્ર) બે પ્રકારની સિસ્ટમ્સથી બનેલ છે:
(1) સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS) (2) પેરીફેરલ નર્વસ સિસ્ટમ (PNS).
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (સીએનએસ / મધ્યસ્થ ચેતાતંત્ર કે મધ્યવર્તી ચેતાતંત્ર) મગજ અને કરોડરજ્જુથી બને છે. પેરીફેરલ નર્વસ સિસ્ટમ તે સીએનએસમાંથી નીકળતા એવા મજ્જાતંતુ/ ચેતાતંતુઓ કે જ્ઞાનતંતુઓથી બને છે, જે મગજ અને કરોડરજ્જુની બહાર છે. પેરીફેરલ નર્વસ સિસ્ટમનો એક પેટાવિભાગ ઑટોનોમસ નર્વસ સિસ્ટમ છે, જે રેસ્પિરેશન, સર્ક્યુલેશન, ડાઇજેશનમાં ઉપયોગી અવયવોના અનિચ્છાવર્તી સ્નાયુઓનું નિયમન કરે છે.
‘ન્યુરોન’ એ ચેતાતંત્રનો કોષ (સેલ) છે.
નર્વસ સિસ્ટમનો સ્ટ્રક્ચરલ અને ફંકશનલ એકમ કોષ ‘ન્યુરોન’ છે. ન્યુરોન નર્વસ સિસ્ટમનો ઘટક એકમ કોષ છે, જે સેલ-બોડી અને તેમાંથી નીકળતા પ્રવર્ધો (એક્ઝોન / ડેન્ડ્રાઇટ્સ) થી બને છે. નર્વસ સિસ્ટમના બંધારણમાં અન્ય ગ્લાયલ સેલ્સ પણ છે. ન્યુરોગ્લિયાના નામથી ઓળખાતા ગ્લાયલ સેલ્સ ન્યુરોન્સને સ્ટ્રક્ચરલ સપોર્ટ આપે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મનુષ્યનું મગજ (હ્યુમન બ્રેઇન)
મનુષ્યનું મગજ ખોપરીમાં રક્ષાયેલું છે, જ્યારે કરોડરજ્જુ (સ્પાઇનલ કોર્ડ) કરોડસ્તંભમાં રક્ષાયેલ છે.
બહારની રચના જોતાં માનવમગજ બે હેમિસ્ફિયરથી બને છે: રાઇટ હેમિસ્ફિયર અને લેફ્ટ હેમિસ્ફિયર. પ્રત્યેક હેમિસ્ફિયર ચાર લોબમાં વિભાજિત છે: ફ્રંટલ લોબ, પેરાયેટલ લોબ, ટેમ્પોરલ લોબ તથા ઓસિપિટલ લોબ.
ફ્રંટલ લોબ, નામ પ્રમાણે, આગળના ભાગમાં જ્યારે ઓસ્સિપિટલ લોબ પાછળના ભાગમાં છે. દરેક લોબનાં કેટલાંક વિશિષ્ટ કાર્ય છે.
મનુષ્યનું મગજ મુખ્યત્વે ત્રણ ભાગનું બનેલ છે: સેરિબ્રમ, સેરિબેલમ તથા બ્રેઇન સ્ટેમ.
સેરિબ્રમ (મોટું મગજ) મગજનો સૌથી મોટો ભાગ છે જે મહત્ત્વનાં અને ઉચ્ચ કક્ષાનાં કાર્યોમાં મદદરૂપ છે જેવાં કે કોગ્નિશન, લર્નિંગ, સેંસરી પ્રોસેસિંગ, મોટર કંટ્રોલ આદિ. સેરિબેલમ (નાનું મગજ) મસલ ટોન અને મોટર કો-ઓર્ડિનેશન સાથે શરીરના બેલેન્સની જાળવણીમાં મદદરૂપ છે. બ્રેઇન સ્ટેમ મોટા મગજ (સેરિબ્રમ) ને કરોડસ્તંભ (સ્પાઇનલ કોલમ) સાથે જોડે છે. કરોડ સ્તંભમાં કરોડરજ્જુ રક્ષાયેલ છે જેમાંથી જ્ઞાનતંતુઓ નીકળે છે. આ જ્ઞાન તંતુઓ શરીરની સંવેદનાઓનું મગજ તરફ વહન કરે છે (સેન્સરી પ્રોસેસિંગ) અને જવાબમાં મગજે આપેલ આદેશ શરીરના ભાગોને પહોંચાડે છે (મોટર કંટ્રોલ).
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
સેરિબ્રલ કોર્ટેક્સ અને નિયોકોર્ટેક્સ
મગજના હેમિસ્ફિયર કહેવાતા બે ભાગ છે: લેફ્ટ હેમિસ્ફિયર અને રાઇટ હેમિસ્ફિયર.
લેફ્ટ હેમિસ્ફિયર શરીરના જમણા ભાગને કંટ્રોલ કરે છે, રાઇટ હેમિસ્ફિયર શરીરના ડાબા ભાગને કંટ્રોલ કરે છે. બંને હેમિસ્ફિયરની ઉપર ‘ગ્રે મેટર’નું એક આચ્છાદન (કવરિંગ) છે. હેમિસ્ફિયરના આ આચ્છાદિત પ્રદેશ (કવર) ને ‘સેરિબ્રલ કોર્ટેક્સ’ કહે છે. ગ્રે મેટર ચેતાતંત્રના કોષના બોડી (ન્યુરોન બોડી) થી બને છે.
સેરિબ્રલ કોર્ટેક્સનો સૌથી ઉપરનો ભાગ નિયો કોર્ટેક્સ કહેવાય છે અને તે ગ્રે મેટર આચ્છાદિત પ્રદેશ છે. તે સેરિબ્રલ કોર્ટેક્સનો 75% જેટલો પ્રદેશ કવર કરે છે. નિયોકોર્ટેક્સ ઉચ્ચ કક્ષાનાં કાર્યો જેવાં કે કોન્શ્યસ થોટ, સેન્સરી પર્સેપ્શન, મોટર કમાંડ્સ, ભાષા (લેંગ્વેજ) વગેરેમાં ભાગ ભજવે છે.
સેરિબ્રલ કોર્ટેક્સનો જે ભાગ સેન્સરી પ્રૉસેસિંગ કરે છે, તેને સેન્સરી કોર્ટેક્સ તથા જે ભાગ મોટર પ્રૉસેસિંગ કરે છે તેને મોટર કોર્ટેક્સ કહે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ન્યુરોન તથા ઇંટરન્યુરોન કનેક્શન્સ
ન્યુરોન ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાશીલ ચેતાકોષ છે.
આજે ન્યુરોસાયન્સ દિન-પ્રતિદિન એવી પ્રગતિ કરી રહ્યું છે કે તમે જે માહિતી આજે આપો, તે કાલે બદલાઈ જાય! તેથી આપણે વૈજ્ઞાનિક જટિલતાને છોડીને, આવશ્યક જાણકારીથી, સામાન્ય વાચક માટેની માહિતી જ જાણીશું.
એક સમયે માન્યતા હતી કે મનુષ્યનું મગજ 100 બિલિયન ન્યુરોન્સ ધરાવે છે. હાલ એવું મનાય છે કે હ્યુમન બ્રેઇન 86 બિલિયન ન્યુરોન્સ ધરાવે છે. આ ન્યુરોન્સ એકબીજાનાં સંપર્કમાં આવી ઇન્ટરન્યુરોન કનેક્શન્સ બનાવે છે. મગજમાં આવાં કરોડો કનેક્શન્સથી ‘માહિતીની આપલે’ થાય છે.
ન્યુરોન-ન્યુરોન વચ્ચેની કનેક્શન સાઇટ સિનેપ્સ કહેવાય છે. સિનેપ્સ (સાયનેપ્સ/ ન્યુરોનલ જંક્શન) એ સ્થાન (સાઇટ) છે જ્યાં બે ન્યુરોન વચ્ચે ઇલેક્ટ્રિકલ સિગ્નલનું ટ્રાંસમિશન થાય છે.
કરોડો ઇન્ટરન્યુરોન કનેક્શન્સ થકી બ્રેઇનમાં ન્યુરાલ નેટવર્ક રચાય છે.
ન્યુરોનની રચના સેલ બોડી (ન્યુક્લિયસ), તેમાંથી નીકળતો લાંબો પ્રવર્ધ ‘એક્ઝોન’ તથા સેલ બોડી સાથે સંલગ્ન અનેક ‘ડેન્ડ્રાઇટ્સ’ પ્રવર્ધોથી થાય છે.
ન્યુરોન શરીરમાં સંવેદનાઓનું વહન કરે છે. સંવેદનાઓનું વહન ‘ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ’ (ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ) દ્વારા થાય છે.
એક ન્યુરોનના એક્ઝોનના છેડે આવેલ સિનેપ્સમાં ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ (સિગ્નલ/ સંદેશા) પહોંચે છે, ત્યારે બીજા ન્યુરોનના ડેન્ડ્રાઇટ્સ તેને ઝીલે છે. ડેન્ડ્રાઇટ્સ તે સંદેશા (ઇમ્પલ્સ) તેના સોમા – સેલ બોડી (ન્યુક્લિયસ) ને પહોંચાડે છે. સેલ બોડી તેને પ્રૉસેસ કરીને આગળ એક્ઝોનમાં મોકલે છે. ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ એક્ઝોનમાંથી પસાર થઈ નેક્સ્ટ સાયનેપ્સ સુધી પહોંચે છે. ત્યાંથી તે ઇમ્પલ્સ ત્યાર પછીના ત્રીજા ન્યુરોનના ડેન્ડ્રાઇટ્સ દ્વારા ઝીલાઈંને સોમામાં આગળ વધે છે.
આમ, ઇંટરન્યુરોન કનેક્શન્સ શરીરમાં સેન્સરી અને મોટર ઇમ્પલ્સના વહન અર્થે અનિવાર્ય છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ન્યુરાલ નેટવર્ક
ઉપર વાત કરી તે ન્યુરોન-ન્યુરોન વચ્ચે કનેક્શનનું તદ્દન સરળ ઉદાહરણ છે. હકીકતમાં સેંકડો ન્યુરોન્સ બીજાં હજારો ન્યુરોન્સ સાથે તત્ક્ષણ અસંખ્ય કનેક્શન્સ બનાવે છે, જેથી માહિતીની આપલે (ડેટા ટ્રાન્સફર!) અતિ ઝડપથી થાય.
વિશિષ્ટ માહિતી ટ્રાંસફર કરતા ઇન્ટરન્યુરોન કનેક્શન્સ પોતાનું નેટવર્ક રચે છે, જેને આપણે એક ન્યુરાલ નેટવર્ક કહીએ છીએ.
મનુષ્યના મગજમાં લાખો ઇન્ટરન્યુરોન કનેક્શન્સ દ્વારા કરોડો ‘ન્યુરાલ નેટવર્ક્સ’ રચાતાં હોય છે. બ્રેઇનનાં આવાં બિલિયન્સ એન્ડ બિલિયન્સ ડાયનેમિક ન્યુરાલ નેટવર્કસના કારણે મનુષ્યના મગજમાં પ્રચુર માત્રામાં ત્વરિત ડેટા પ્રૉસેસિંગ થઈ શકે છે.
આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક (એએનએન)
મનુષ્યના મગજમાં ન્યુરોન-ન્યુરોન કનેક્શનથી બનતા ન્યુરાલ નેટવર્ક્સ પરથી વૈજ્ઞાનિકોને આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્કનો વિચાર આવ્યો.
કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં માનવ-મગજના ન્યુરોન જેવો કૃત્રિમ ન્યુરોન ‘બનાવવામાં’ આવે છે. આવા અસંખ્ય કૃત્રિમ ન્યુરોન્સ વચ્ચે આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક રચવામાં આવે છે. આમ જોતાં, આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક ખરેખર તો સેટ ઑફ અલ્ગોરિધમ્સ છે, જે ડેટામાં પેટર્ન ઓળખી શકે છે તેમજ ડેટાને એનાલાઇઝ કરી ગ્રુપ/ ક્લસ્ટર કે સમૂહોમાં ક્લાસિફાય કરી શકે છે.
આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક જંગી ડેટાને હેંડલ કરી શકે છે અને ત્વરિત ડેટા પ્રૉસેસિંગ કરી શકે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નવાં ક્ષેત્રો – મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ – માટે ન્યુરાલ નેટવર્ક મહત્ત્વનો આધાર છે. મશીન લર્નિંગ અલ્ગોરિધમમાં આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક (એએનએન) જેવી રચનાઓનો આધાર લેવામાં આવે છે.
એએનએન થકી આર્ટિફિશિયલ ઇંટેલિજન્સનું ફિલ્ડ હરણફાળ ભરી રહ્યું છે. તેના પાયામાં તો માનવમગજની રચના જ છે. માનવમગજના પાવરને ‘એક્સ્પ્લોઇટ’ કરવા ન્યુરોસાયન્સ (ન્યુરોટેકનોલોજી) માં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. ‘મધુસંચય’ના વાચકોએ ટેસ્લા કંપનીના હાઇ-ટેક ઇનોવેટર એલન મસ્કની હાયપરલુપ ટ્રેઇન વિશે વાંચ્યું છે. ટેસ્લા અને સ્પેસએક્સ સમાન કંપનીઓના આ હાઇ ટેકનોલોજી આંત્રપ્રેન્યોરને બ્રેઇન ટેક ફિલ્ડમાં રસ પડ્યો છે. અમેરિકામાં ‘ન્યુરાલિંક’ કંપનીની સ્થાપના સાથે એલન મસ્ક બ્રેઇન-કમ્પ્યુટર ઇંટરફેસ (બ્રેઇન/ ક્લાઉડ ઇન્ટરફેસ) પર રિસર્ચ આગળ ધપાવી રહ્યા છે.
નેનોરોબોટિક્સ, બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ અને ઇન્ટરનેટ ઑફ થોટ્સ વિશે ખૂબ રસપ્રદ વાતો આ પછીના લેખમાં જાણીશું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
** * *** * **** ** * ** * * ** *
મધુસંચય-લેખ: મનુષ્યનું મગજ વટાવશે તમામ સીમાઓ: પરિશિષ્ટ (1)
- માનવમગજની સીમામર્યાદાઓને પાર જવા નવાં સંશોધનો
- ન્યુરોસાયન્સ અને ફિઝિક્સમાં રિસર્ચથી ઊભરતી નવી ન્યુરો ટેકનોલોજી
- માનવમગજનાં બે હેમિસ્ફિયર, ચાર લોબ અને સેરિબ્રમ, સેરિબેલમ, બ્રેઇન સ્ટેમ મુખ્ય ભાગો
- મજ્જાતંતુતંત્ર-ચેતાતંત્ર-નર્વસ સિસ્ટમનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ન્યુરોન; ઇન્ટરન્યુરોન કનેક્શન્સથી મગજમાં સર્જાતાં ન્યુરાલ નેટવર્ક
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક (એએનએન)નો અગત્યનો રોલ
- મનુષ્યોનાં મગજ પરસ્પર કનેક્ટ કરી રચી શકાય ‘સુપર બ્રેઇન’
- નેનોરોબોટ્સની મદદથી મનુષ્યોનાં મગજને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરતાં બનશે ‘હ્યુમન બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસ’
- માનવમગજ અને ક્લાઉડ ટેકનોલોજી સંયુક્તપણે સર્જશે ‘ઇન્ટરનેટ ઑફ થોટ્સ’
** * *** * **** ** * ** * * ** *
મધુસંચય-લેખ: મનુષ્યનું મગજ વટાવશે તમામ સીમાઓ: પરિશિષ્ટ (2)
- માનવમગજ: Human brain
- મજ્જાતંતુતંત્ર/ ચેતાતંત્ર/ જ્ઞાનતંત્ર: Nervous System
- ન્યુરોન: Neuron
- સિનેપ્સ/ સાયનેપ્સ: Synapse
- આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક – એએનએન: Artificial Neural Network – ANN
- નેનોટેકનોલોજી: Nanotechnology
- નેનોરોબોટિક્સ: Nanorobotics
- બ્રેઇન–ક્લાઉડ ઇન્ટરફેસ (બીસીઆઇ): Brain/Cloud Interface (B/CI)
- ઇન્ટરનેટ ઑફ થોટ્સ: Internet of Thoughts
- એલોન મસ્ક/ એલન મસ્ક: Elon Musk
- ટેસ્લા – સ્પેસ એક્સ – ન્યુરાલિંક: Tesla – SpaceX – Neuralink
** * *** * **** ** * ** * * ** *
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
વાંચવા સમજવા જેવો વિષય