ભારત પર ઇંગ્લેન્ડના શાસનની વાતો એટલી લાંબી લખાઈ છે કે દેશ પરના પોર્ટુગલ (પોર્ટુગાલ) ના શાસનની વાતો ભૂલાતી જાય છે! ગુજરાતને તો પોર્ટુગીઝ શાસન સાથે સીધો પનારો પડ્યો હતો, પણ આપણે તે ઇતિહાસથી પરિચિત છીએ ખરા?
સોળમી સદીમાં ગુજરાતના એક મહત્ત્વના બંદર દીવ પર ‘બેટલ ઑફ દીવ’ ખેલાઈ અને દીવ દ્વારા પોર્ટુગીઝ પ્રજાનો ગુજરાતમાં પગપેસારો થયો તે વાત ભાગ્યે જ કોઇક જાણતું હશે!
આપણે દીવના પ્રવાસે જઈએ ત્યારે જ પોર્ટુગલ શાસનની હકીકત આપણી નજરે ચઢે છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર મહિનો આવે અને 1961ના વર્ષમાં ભારતે પોર્ટુગીઝ સત્તા પાસેથી દીવ-દમણ-ગોવા પાછાં મેળવ્યાં હતાં તે વાત યાદ આવે!
ઇતિહાસ આપણને કેટકેટલું શીખવી જાય છે!
1498માં પોર્ટુગલના સાહસિક, પ્રવાસી, સાગરખેડૂ વાસ્કો દ ગામાએ હિંદુસ્તાનના કિનારે પગ મૂક્યો.
યુરોપના પોર્ટુગલથી નીકળી દરિયા માર્ગે ભારત પહોંચનાર વાસ્કો દ ગામા પ્રથમ યુરોપિયન હતો. આમ, યુરોપથી એટલાંટિક મહાસાગરનો પ્રવાસ ખેડી, આફ્રિકા ખંડના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ થઈ હિંદુસ્તાન પહોંચવા માટેનો સમુદ્ર માર્ગ મળી ગયો.
નવા જળમાર્ગ થકી હિંદુસ્તાન પર પગદંડો જમાવવાની યુરોપિયન પ્રજાઓને લાલસા જાગી. હિંદુસ્તાનથી કાળી મરી અને તજ જેવા મરી-મસાલા તેજાના મેળવવા માટે શરૂ થયેલો વ્યાપાર ભારત પર આધિપત્ય જમાવવાના રાજકારણમાં પલટાતો ગયો. બેટલ ઓફ દીવમાં ગુજરાતે દીવને ખોયું. પોર્ટુગીઝ પ્રજાના હાથમાં દીવ, દમણ અને ગોવા ગયાં હતાં, તે ભારતની આઝાદી પછી ચૌદ વર્ષે દેશને પાછાં મળ્યાં!
‘મધુસંચય’ના આજના લેખમાં હિંદુસ્તાન પહોંચી વ્યાપાર દ્વારા સત્તા જમાવવા પોર્ટુગલના પ્રારંભિક પ્રયત્નો સાથે સંકળાયેલ તવારીખને સંક્ષિપ્તમાં સમજીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]
યુરોપ અને એશિયાને જોડતું કોન્સ્ટેન્ટિનોપલ
આજથી છસો વર્ષ પહેલાંની દુનિયાની કલ્પના કરો. તે સમયે ન હતાં મોટર કાર, ટ્રક, વિમાન કે સ્ટીમર. મધદરિયે અસલામતી એવી હતી કે વહાણોની ખેપ આસપાસના જાણીતા પ્રદેશો સુધી સીમિત રહેતી. અમેરિકા ખંડ હજી ‘શોધાયો’ ન હતો. યુરોપના દેશો અને એશિયાના દેશો વચ્ચે જમીનમાર્ગે વ્યવહાર ચાલતો.
યુરોપ અને એશિયાને જોડતી કડીરૂપ શહેર કોન્સ્ટેન્ટિનોપલ (હાલ ટર્કીમાં સ્થિત ઇસ્તંબુલ શહેર) હતું.
યુરોપિયન પ્રજાને પોતાનો ખોરાક – માંસ – ને સાચવવા હિંદુસ્તાનના મરી-મસાલા-તેજાનાની આવશ્યકતા રહેતી. વળી ચીનમાં બનતા રેશમી કાપડની પણ યુરોપમાં ખૂબ માગ રહેતી. હિંદુસ્તાન-ચીન જેવા પૂર્વના દેશો અને યુરોપના દેશો વચ્ચે વ્યાપાર-વ્યવહાર જમીનમાર્ગે કોન્સ્ટેન્ટિનોપલ દ્વારા થતો.
તે સમયે કોન્સ્ટેન્ટિનોપલ પર રોમન-બાયઝન્ટાઇન એમ્પાયરની આણ વર્તાતી. 1453 માં મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને ત્યાં રોમન-બાયઝન્ટાઇન એમ્પાયરના ખ્રિસ્તી શાસનનો અંત આવ્યો. કોન્સ્ટેન્ટિનોપલ મુસ્લિમોના હાથમાં જતાં યુરોપ અને એશિયા વચ્ચેનો માર્ગવ્યવહાર બંધ થયો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
કોન્સ્ટેન્ટિનોપલનું પતન અને યુરોપથી હિંદુસ્તાન પહોંચવાના સમુદ્ર માર્ગની શોધ
વિશ્વઇતિહાસમાં કોન્સ્ટેન્ટિનોપલનું પતન (1453) ખૂબ જ મહત્ત્વનો બનાવ લેખાય છે. તેનાથી યુરોપમાં રેનેસાં યુગની શરૂઆત થઈ.
કોન્સ્ટેન્ટિનોપલના પતનના લીધે યુરોપ એશિયાથી વિખૂટું પડ્યું, યુરોપ-એશિયાનો વ્યાપાર વ્યવહાર ખોરવાયો અને યુરોપના દેશોને હિંદુસ્તાન સુધી પહોંચવા માટે દરિયાઈ માર્ગ શોધવાની તાત્કાલિક જરૂરત ઊભી થઈ. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો જાણે છે કે વર્ષ 1492 માં સ્પેનનો સાહસિક દરિયાખેડૂ ક્રિસ્ટોફર કોલંબસ હિંદુસ્તાન પહોંચવાના સમુદ્ર માર્ગની શોધ કરવા નીકળ્યો.હિંદુસ્તાન આવવા નીકળેલો ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકાની અણજાણી ભૂમિ પર પહોંચી ગયો અને દુનિયાને અમેરિકા ખંડની ભાળ મળી.
તેઅગાઉ વર્ષ 1488માં બાર્થોલોમ્યુ ડાયઝ નામના સાહસિક પોર્ટુગીઝ કેપ્ટને આફ્રિકાના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપની ‘ટીપ’ની શોધ કરી અને આફ્રિકા-યુરોપ વચ્ચે નવો સમુદ્ર માર્ગ સંભવિત થયો. આમ, હિંદુસ્તાન તરફ જવાના દરિયાઈ માર્ગની શક્યતાઓ વધી ગઈ.
હિંદુસ્તાનમાં દરિયાઇ માર્ગે પ્રથમ યુરોપિયન વાસ્કો દ ગામા
1497માં પોર્ટુગલના રાજાની સહાયથી એક પોર્ટુગીઝ સાહસિક વાસ્કો દ ગામા હિંદુસ્તાનના જળમાર્ગની શોધમાં નીકળ્યો.
8 જુલાઈ, 1497ના રોજ વાસ્કો દ ગામાએ ચાર જહાજો સાથે પોર્ટુગલનું લિસ્બન બંદરછોડ્યું. તેણે દક્ષિણમાં આટલાંટિક મહાસાગર (એટલાન્ટિક ઓશન) ના રસ્તે આફ્રિકા ખંડતરફ પ્રયાણ કર્યું. વાસ્કો દ ગામા આફ્રિકાના પશ્ચિમ કિનારાથી આગળ વધી, કેપ ઓફ ગુડ હોપને ફરીને, પૂર્વમાં હિંદ મહાસાગર (ઇન્ડિયન ઓશન) ખેડી, વર્ષ 1498માં સફળતાપૂર્વક હિંદુસ્તાન પહોંચ્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
યુરોપથી નીકળી એટલાંટિક મહાસાગરથી હિંદ મહાસાગરનો પ્રવાસ કરી સમુદ્રમાર્ગે હિંદુસ્તાન પહોંચનાર વાસ્કો દ ગામા સર્વ પ્રથમ યુરોપિયન હતો. વળી ઇતિહાસમાં નોંધાયેલી આ સૌપહેલી સૌથી લાંબી દરિયાઈ ખેપ હતી. આમ, વાસ્કો દ ગામાએ વિશ્વના તે સમયના સૌથી લાંબા દરિયાઈ રૂટનું ‘સર્જન’ કર્યું.
વાસ્કોદ ગામા 20 મે 1498ના રોજ હિંદુસ્તાનના કાલિકટ બંદરે ઉતર્યો. તે સમયે કાલિકટમાં હિંદુ રાજા ઝામોરીનનું શાસન હતું. વાસ્કો દ ગામાએ રાજા ઝામોરિન સાથે સંબંધો બનાવવાના અને પોર્ટુગલ સાથે વ્યાપાર વ્યવહાર બાંધવાના પ્રયત્નો કર્યા, પણ તેને ઝાઝી સફળતા ન મળી. ઘણી મુશ્કેલીઓ વેઠી 1499માં આ પોર્ટુગીઝ સાહસિક સ્વદેશ પાછો ફર્યો.
તે પછીના 25 વર્ષોમાં પોર્ટુગીઝ લોકો પોતાના નૌકા જહાજો સાથે હિંદુસ્તાન આવતા રહ્યા અને વ્યાપાર વધારવાના પ્રયત્નો કરતા રહ્યા, પરંતુ હિંદુ રાજા ઝામોરીન સાથેના તેમના સંબંધો વણસેલા જ રહ્યા. સ્વયં વાસ્કો દ ગામાએ ફરી બે વખત હિંદુસ્તાનનો પ્રવાસ કર્યો. 1525માં તેની ત્રીજી અને આખરી ખેપમાં દક્ષિણ ભારતના કોચી (કોચીન) માં વાસ્કો દ ગામાનું અવસાન થયું.
ઘણા બનાવોમાં દુર્વ્યવહાર કરવાના કારણે વાસ્કો દ ગામાની છબી ઇતિહાસમાં કલંકિત રહી છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હિંદુસ્તાનમાં પોર્ટુગલનો પ્રથમ વાઇસરોય ફ્રાંસિસ્કો દી અલ્મીડા
સોળમી સદીના આરંભે હિંદુસ્તાનમાં સત્તાધીશ બનનાર પ્રથમ યુરોપિયન અમલદાર ફ્રાંસિસ્કો અલ્મીડા (ફ્રાન્સિસ્કો અલ્માઇડા) હતો.
ફ્રાન્સિસ્કો અલ્મીડા એક પોર્ટુગીઝ ઉમરાવ હતો જે હિંદુસ્તાનમાં પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તેમજ પ્રથમ વાઇસરોય તરીકે નિમાયો. ફ્રાંસિસ્કો અલ્માઇડા 1509 ના દીવના યુદ્ધ (બેટલ ઓફ દીવ) ને કારણે જાણીતો છે. વાસ્કો દ ગામાએ શોધેલા યુરોપ-હિંદુસ્તાનના સમુદ્રમાર્ગનો લાભ લઈ પોર્ટુગાલના રાજા મેન્યુઅલ પહેલાએ હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ પ્રભાવ વધારવા નિર્ણય કર્યો. હિંદુસ્તાનમાં પોર્ટુગલની લશ્કરી અને વ્યાપારી તાકાત વધારવાની જવાબદારી રાજાએ ફ્રાંસિસ્કો અલ્મીડા (ફ્રાન્સિસ્કો અલ્માઇડા) ને સોંપી.
પોર્ટુગલની રાજધાની લિસ્બનથી સાડા પાંચ મહિનાનો દરિયો ખેડી પહેલો પોર્ટુગીઝ વાઇસરોય ફ્રાંસિસ્કો આલ્મીડા 22 જહાજો સાથે હિંદુસ્તાન આવ્યો. તેણે દક્ષિણ ભારતમાં પોર્ટુગીઝ થાણાં નાખવા શરૂ કર્યાં. કેન્નેનોર અને કોચીન જેવાં શહેરોમાં મજબૂત કિલ્લા બાંધ્યા. ઝામોરીનના નૌકા કાફલાને હરાવ્યો. 1509માં ઉત્તરમાં મુંબઈ તરફ નજર દોડાવી. ફ્રાન્સિસ્કો આલ્મીડા દરિયા રસ્તે મુંબઈ પહોંચનાર પ્રથમ પોર્ટુગીઝ બન્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
દીવનું યુદ્ધ અને હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ સત્તાનો વિકાસ
હવે ફ્રાન્સિસ્કો આલ્મીડાએ ગુજરાત તરફ પહોંચવા મનસૂબા સેવ્યા. તેણે ગુજરાતના પશ્ચિમ કાંઠે દીવ બંદર પર કબજો જમાવવા કમર કસી. પોર્ટુગીઝની આગેકૂચ રોકવા ગુજરાતના મુસ્લીમ શાસક સુલતાનને ઇજિપ્તની સલ્તનત ઉપરાંત ઓટોમાન એમ્પાયરનો સાથ મળ્યો.
અરબી સમુદ્રના રસ્તે દીવ બંદર પર સુલતાનના સંયુક્ત દળો પર આલ્મીડાએ હુમલો કર્યો.
દીવના દરિયામાં ભીષણ યુદ્ધ થયું. દીવની લડાઈ ઇતિહાસમાં બેટલ ઑફ દીવ તરીકે ઓળખાઈ. અરેબિયન સીમાં ખેલાયેલ બેટલ ઓફ દીવનું નૌકાયુદ્ધ વિશ્વપ્રસિદ્ધ યુદ્ધોમાંથી એક ગણાય છે.
બેટલ ઓફ દીવ (દીવની લડાઈ) માં ફ્રાન્સિસ્કો અલ્મીડા (ફ્રાંસિસ્કો અલ્માઇડા) એ ગુજરાતના સુલતાનના સંયુક્ત નૌકાદળને હરાવ્યું.
1509 ના ફેબ્રુઆરીમાં દીવ પડ્યું અને પોર્ટુગીઝના હાથમાં ગયું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
દીવના યુદ્ધમાં પોર્ટુગલના વિજય સાથે ગુજરાતમાં પોર્ટુગીઝ સત્તાનો પગપેસારો થયો.
ભારતના પશ્ચિમ કિનારે તે પછીના સોએક વર્ષ સુધી ‘પોર્ટુગીઝ ઇંડિયા’ના પોર્ટુગીઝ શાસનની આણ અકબંધ રહી. સોળમી સદીમાં પોર્ટુગીઝ પ્રજાએ નૌકાદળની તાકાતને જોરે દરિયા પર આધિપત્ય ભોગવ્યું, પણ સાથે ચાંચિયાગીરી અને ક્રૂરતાભરી લૂંટફાટ કરી હોવાની ઘણી નાલેશીભરી વાતો પણ નોંધાઈ છે.
1510માં પોર્ટુગલ પાછા ફરતાં આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ વિસ્તારમાં સ્થાનિક પ્રજા સાથે હિંસક અથડામણમાં હિંદુસ્તાનનો પ્રથમ યુરોપિયન અમલદાર અને પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય ફ્રાંસિસ્કો આલ્મીડા (ફ્રાન્સિસ્કો અલ્માઇડા) માર્યો ગયો.
પોર્ટુગીઝ ઇંડિયાનો અસ્ત: પોર્ટુગીઝ શાસનનો ભારતમાં અંત
આ પછી તો પોર્ટુગીઝ શાસકો ‘પોર્ટુગીઝ ઇન્ડિયા’માં યેન કેન પ્રકારેણ સત્તા જમાવતા ગયા.
પરંતુ સત્તરમી સદીમાં હિંદુસ્તાનમાં અંગ્રેજોનો પ્રભાવ વધતાં પોર્ટુગીઝો નબળા પડતા ગયા. 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ‘પોર્ટુગીઝ ઇન્ડિયા’ના પોર્ટુગીઝ શાસન પાસે દીવ, દમણ-દાદરા-નગરહવેલી અને ગોવા આમ ત્રણ પ્રદેશો હતાં. ભારત સરકારે આ પ્રદેશો ભારતને સોંપવા પોર્ટુગલ સાથે વાતચીત શરૂ કરી. પણ પોર્ટુગલ તે છોડવા તૈયાર ન હતું. જ્યારે સમાધાન-સમજૂતિના પ્રયત્નો નિષ્ફળ રહ્યા ત્યારે 1961માં ભારત સરકારે લશ્કરી સહાય લીધી.
ભારતે ‘ઓપરેશન વિજય’ નામક મિલિટરી ઓપરેશન્સથી પોર્ટુગાલ પાસેથી દીવ, દમણ અને ગોવા આંચકી લીધાં. 1961ના ડિસેમ્બરમાં ભારતમાં પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
વાસ્કો દ ગામાના કાફલાનું પાંચસો વર્ષ જૂનું જહાજ એસ્મેરાલ્ડા શોધાયું
વાસ્કો દ ગામાના કાફલાના હિસ્સારૂપ પાંચસો વર્ષ પુરાણા જહાજ ‘એસ્મેરાલ્ડા’ને દરિયાના તળિયે શોધી કાઢવામાં આવ્યું છે.
આ ‘કેરેક’ પ્રકારનું જહાજ એસ્મેરાલ્ડા 1503માં ઓમાનના દરિયા કિનારે ડૂબી ગયું હતું. યુરોપના ‘એઇજ ઓફ ડિસ્કવરી’ કે ‘એઇજ ઓફ એક્સ્પ્લોરેશન’ યુગનું, દરિયામાંથી શોધી કઢાયેલ આ સૌથી પ્રાચીન જહાજ છે. ઓમાનના દરિયામાંથી 1998માં શોધી કઢાયેલ જહાજમાંથી આજ સુધી પ્રાચીન યુગની અવનવી ચીજ વસ્તુઓ મળતી રહીછે.
પોર્ટુગીઝ એક્સ્પ્લોરર વાસ્કો દ ગામા 1498માં પ્રથમ વખત હિંદુસ્તાન આવ્યો. તે પછી 1502-03માં તેણે હિંદુસ્તાનની બીજી મુસાફરી કરી. વાસ્કો દ ગામા આ બીજી ખેપ પછી 1503માં પોર્ટુગલ પાછો ફર્યો. તે અગાઉ તેણે હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ વ્યાપારી કોઠીઓ-ગોડાઉનોને સંભાળવાની કામગીરી તેના મામા વિસેન્ટ સોડ્રે (વાઇસેન્ટ સોદ્રે) ને સોંપી. સાથે પોતાનાં નૌકા કાફલાનાં એસ્મેરાલ્ડા સહિતનાં કેટલાક જહાજ તેમને આપ્યાં. વાઇસેન્ટ સોડ્રે પોતાના કાફલા સાથે આફ્રિકા- અરેબિયન પેનિંસ્યુલા તરફ ગલ્ફ ઓફ એડન પહોંચ્યો અને સમગ્ર વિસ્તારમાં આરબ જહાજો પર હુમલો કરી લૂંટફાટ કરી. મે 1503 માં દક્ષિણ ઓમાન પાસેના સમુદ્રમાં એક દરિયાઈ ઝંઝાવાતમાં વાઇસેન્ટ સોદ્રેનું કેરેક જહાજ એસ્મેરાલ્ડા ડૂબી ગયું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
યુકેમાં રહેતા અમેરિકન મેરીન સાયન્ટિસ્ટ ડેવિડ મર્ન્સની કંપની બ્લ્યુવોટર ડિસ્કવરીઝના કેટલાક સંશોધકો ઇતિહાસના પુરાવા ફંફોસતાં હતાં અને તેને આધારે એસ્મેરાલ્ડાના અવશેષો ઓમાનનાં દરિયામાં શોધી રહ્યાં હતાં. છેવટે તેમને સફળતા મળી.
વાસ્કો દ ગામાના મૂળ કાફલાનું જહાજ એસ્મેરાલ્ડા દરિયા તટે 1998માં બિસ્માર હાલતમાં મળી આવ્યું. આમ, વાસ્કો દ ગામાના 1498ના ઐતિહાસિક સમુદ્ર પ્રવાસ પછી પાંચસો વર્ષે 1998માં એસ્મેરાલ્ડા મળી આવ્યું!
જહાજના ભંગારમાંથી એક પછી એક પુરાવા મળતા ગયા. આજ સુધીમાં લગભગ 2800 જેટલી ચીજવસ્તુઓ તેમાંથી ભેગી કરાઈ છે. તેમાંથી કેટલીક વસ્તુઓનો થ્રી ડી સ્કેન કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી અસંખ્ય વસ્તુઓની ચકાસણી કર્યા પછી સંશોધકોને વિશ્વાસ થયો છે કે તે જહાજ એસ્મેરાલ્ડા છે.
2013માં એસ્મેરાલ્ડામાંથી જહાજનો બેલ (ઘંટ) મળ્યો તેના પર ‘M’ તથા ‘498’ લખાણ છે જે વાસ્કો દ ગામાના પ્રવાસના વર્ષનું સૂચક છે.
દરિયા તળની રેતી અને ખડકના પત્થરો સાથે જહાજના કેટલાક અવશેષો ભળી ગયા છે. તેમાંથી મરીના દાણા સચવાયેલા મળી આવ્યા છે જે ભારત સાથેના મસાલાના વેપારના સૂચક છે. વળી પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાએ ભારતમાં પોર્ટુગીઝ ચલણ માટે બહાર પાડેલ સિક્કો મળ્યો છે.
એસ્મેરાલ્ડામાંથી પંદરમી સદીમાં વપરાતું એક આશ્ચર્યજનક નેવિગેશન સાધન ‘એસ્ટ્રોલેબ’ મળેલ છે. આ એસ્ટ્રોલેબ પર રાજા મેન્યુઅલ પહેલાનું ચિન્હ છે. ભરદરિયે સાગરખેડૂ આ એસ્ટ્રોલેબ સમા નેવિગેશન ટૂલથી સૂર્યની ઊંચાઈ અને પોતાની નૌકાનું સ્થાન જાણી શકતા. આમ, દરિયામાં ઇચ્છિત દિશામાં માર્ગ નક્કી કરવા એસ્ટ્રોલેબ મદદગાર થતું, જે વાસ્કો દ ગામાના એસ્મેરાલ્ડામાંથી મળી આવેલ છે.
પાંચસો વર્ષ પહેલાની દરિયાઈ સફરને સમજવા અને જહાજ વિજ્ઞાનને જાણવા એસ્મેરાલ્ડા ખૂબ ઉપયોગી સાબિત થયું છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
મધુસંચય-લેખ: હિંદુસ્તાન પર પોર્ટુગીઝ શાસનના પ્રારંભની અર્ધ-અજાણી વાતો: પરિશિષ્ટ (1)
- પ્રાચીન કાળથી યુરોપ અને ભારત વચ્ચે કોન્સ્ટેન્ટિનોપલ (ઇસ્તંબુલ) ના રસ્તે વ્યાપાર વ્યવહાર
- 1453માં કોન્સ્ટેન્ટિનોપલ (ઇસ્તંબુલ) નું પતન, કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોના હાથમાં
- યુરોપથી હિંદુસ્તાન પહોંચવા સીધો દરિયાઇ માર્ગ શોધવાની આવશ્યકતા
- પોર્ટુગલનો વાસ્કો દ ગામા આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપ થઈ 1498માં હિંદુસ્તાન પહોંચનાર પ્રથમ યુરોપિયન
- યુરોપથી દરિયાઈ માર્ગે આવી હિંદુસ્તાનમાં વસનાર પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ
- પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય ફ્રાંસિસ્કો અલ્મીડા (ફ્રાન્સિસ્કો અલ્માઇડા) જે ગુજરાતના દરિયાકિનારે દીવના સમુદ્રી યુદ્ધ (બેટલ ઓફ દીવ) ના કારણે પ્રખ્યાત
- બેટલ ઓફ દીવમાં ગુજરાતનો સુલતાન હારતાં ગુજરાતમાં પોર્ટુગીઝનો પગપેસારો
- પાંચસો વર્ષ પૂર્વે ડૂબેલા વાસ્કો દ ગામાના એક કેરેક જહાજ એસ્મેરાલ્ડામાંથી મળી તે સમયની મહત્ત્વની ચીજ વસ્તુઓ
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
મધુસંચય-લેખ: હિંદુસ્તાન પર પોર્ટુગીઝ શાસનના પ્રારંભની અર્ધ-અજાણી વાતો: પરિશિષ્ટ (2)
- વાસ્કો દ ગામા, યુરોપથી દરિયામાર્ગે હિંદુસ્તાન પહોંચનાર પ્રથમ યુરોપિયન : Vasco da Gama, First European to reach India by sea route from Europe, Portugese Explorer
- પોર્ટુગલ/ પોર્ટુગાલ: Portugal, Europe
- કોન્સ્ટેન્ટિનોપલ/ઇસ્તંબુલ: Constantinople (Istanbul), Turkey
- ફ્રાંસિસ્કો અલ્મીડા/ ફ્રાન્સિસ્કો આલ્મીડા / ફ્રાન્સિસ્કો અલ્મેડા / ફ્રાંસિસ્કો અલ્માઇડા: Francisco de Almeida/Dom Francisco de Almeida, First porugese viceroy in India
- દીવ, ગુજરાતના પશ્ચિમ કિનારે કેંદ્રશાસિત પ્રદેશ, ભારત: Diu, A union territory on the western coast of Gujarat, India
- એસ્મેરાલ્ડા, વાસ્કોદ ગામાના નૌકા કાફલાનું એક કેરેક જહાજ: Esmeralda, a carrack of the armada of Vasco da Gama
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
આપ માહિતીપૂર્ણ લેખો અમારા બ્લૉગ ‘અનુપમા’ પર પણ માણો. અહીં ક્લિક કરશો: અનુપમા
વૈવિધ્યભર્યા વિષયો પર રસપ્રદ લેખો ‘અનામિકા’ પર વાંચો. અહીં ક્લિક કરશો: અનામિકા
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
2 thoughts on “હિંદુસ્તાન પર પોર્ટુગીઝ શાસનના પ્રારંભની અર્ધ-અજાણી વાતો”