.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન 1945ના ઑગસ્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ જાપાનનાં હીરોશિમા અને નાગાસાકી પર દુનિયાનાં સૌ પ્રથમ પરમાણુ બોંબ અર્થાત એટમબોંબ ફેંક્યા અને આ સાથે વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ શરૂ થઈ. પરમાણુ બોંબ અર્થાત એટમબોંબ કે જેને મીડિયામાં અણુબોંબ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમેરિકાએ વિશ્વનો પ્રથમ પરમાણુબોંબ (‘લિટલ બોય’) જાપાનના હીરોશિમા શહેર પર 6 ઑગસ્ટ 1945ના રોજ તથા બીજો પરમાણુબોંબ (‘ફેટ બોય’) નાગાસાકી શહેર પર 9 ઑગસ્ટ 1945ના દિને ફેંક્યો. પરમાણુ શક્તિના આ વરવા પ્રયોગે જાપાનના દોઢ લાખથી વધુ નાગરિકોનો ભોગ લીધો અને 15 ઑગસ્ટના 1945ના રોજ જાપાનની શરણાગતિની જાહેરાત સાથે બીજા વિશ્વયુદ્ધના અંતના અણસાર દેખાયા. સપ્ટેમ્બર 2, 1945ના રોજ અમેરિકા-રશિયા-ઈંગ્લેન્ડ સહિત સાથીદેશો સામે શરણાગતિના કરાર પર જાપાનનાં દસ્તખત થતાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો.
‘થિયરી ઓફ રીલેટિવિટી’ આપનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ‘મધુસંચય’ના વાચકો જાણે છે. આઈન્સ્ટાઈનના અભૂતપૂર્વ સંશોધનોમાંથી પ્રેરણા લઈ અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમ્યાન સિક્રેટ કોડ ‘મેનહટન પ્રોજેક્ટ’ હેઠળ પરમાણુ શક્તિ (અણુશક્તિ- Atomic power / Nuclear power) ના પ્રયોગો શરૂ થયા. અમેરિકાએ ન્યુ મેક્સિકો સ્ટેટમાં 16 જુલાઈ 1945ના રોજ “ટ્રિનિટી” સિક્રેટ કોડથી વિશ્વના પ્રથમ પરમાણુ બોંબનો ભૂગર્ભ ધડાકો કરી પરમાણુ શક્તિનો પ્રયોગ કર્યો અને ન્યુક્લિયર પાવરના વિનાશક રૂપને જન્મ આપ્યો.
બીજા વિશ્વયુદ્ધ પછીના અમેરિકા (યુએસએ) – રશિયા (યુએસએસઆર) વચ્ચે શીત યુદ્ધ (કોલ્ડ વોર) ના આરંભના તે દિવસો હતા. અમેરિકા પાસે અણુબોંબ હોય, તો રશિયા શું કામ પાછળ રહે? રશિયાએ 1949માં પ્રથમ પરમાણુ બોંબનો પ્રયોગ કર્યો. પછી ઈંગ્લેન્ડ (યુનાઈટેડ કિંગ્ડમ) દ્વારા 1952માં પરમાણુ શક્તિનો પ્રયોગ થયો.
બસ, પછી તો ન્યુક્લિયર પાવરની રેસ બરાબર જામી. 1960માં ફ્રાંસ, 1964માં ચીન, 1974માં ભારત, 1998માં પાકિસ્તાન અને 2006માં ઉત્તર કોરિયાએ પરમાણુ શક્તિના બોંબ ધડાકાઓના પ્રયોગો કર્યા. ઈઝરાયેલ અને ઈરાન પાસે પણ પરમાણુ શક્તિ હોવાનું મનાય છે.
પર્લ હાર્બરના જાપાનના અયોગ્ય આક્રમણની આપની વાત સાચી. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનું કસમયે રશિયા પર આક્રમણ મોટી ભૂલ હતી, તેનાથી મોટી ભૂલ જાપાનની પર્લ હાર્બર પરના હુમલા (1941) ની હતી. અમેરિકા બે વર્ષ સુધી યુદ્ધથી દૂર રહ્યું હતું. 7 ડિસેમ્બર, 1941ના રોજ જાપાને પર્લ હાર્બરના અમેરિકાના નેવલ બેઝની ખાનાખરાબી કરી અને અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં ઝુકાવ્યું. .. હરીશ દવે
આપની વાત સાચી છે. દરેક હકીકતને બે બાજુ હોય છે. એપ્રિલ 1945માં હિટલરની આત્મહત્યા સાથે જર્મની હાર્યું. ત્યારે જ જાપાને થંભી જવાની જરૂર હતી. કેટલાક શાસકોનાં યુદ્ધખોર માનસે જ વિશ્વયુદ્ધને ઓર ભડકાવ્યું હતું. જાપાનના સમ્રાટે જો અમેરિકાની ચેતવણી ગંભીરતાથી લઈ શરણાગતિ સ્વીકારી લીધી હોત તો કદાચ હિરોશિમા અને નાગાસાકીના આવા હાલ ના થયા હોત. આપની, વાચકમિત્રોની કોમેંટ હંમેશા આવકાર્ય છે. આભાર … હરીશ દવે
હરીશભાઇ.તમારો અમેરીકાના બીજા વિશ્ર્વયુદ્ધદરમિયાન એટમબોંબના ઉપયોગ ને વિનાશ વિષેનો લેખ વાંચ્યો. હુ એટલુ ઉમેરવા માગુ છુ કે શરુઆત જાપાને કરી હતી, કોઇ પણ જાતની ઉશ્કેરણી વિના કે કારણ વિના જાપાને પર્લહાબર્ર પર હુમલો કરીને બારસો સૈનિકો ને જહાજને ડુબાડીને ભંયકર તારાજી સર્જી હતી. ત્યા સુધી અમેરિકા તટસ્થ હતુ. કહેવુ પડે પણ જાપાને હાથે કરીને ઉપાધિ ઉભી કરી હતી.સુતેલા સાપને છંછેડ્યો હતો.આ તો ઘંટીના સો ને ધંટનો એક.એવો ઘાટ થયો.એમ જુઓ તો કોઇ દુધે ધોયેલા નથી. એ જ વિમલા હિરપારા