દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

બ્રહ્માંડમાં અનેક એક્ઝોપ્લેનેટની ખોજ કરતાં નાસાનાં ‘કેપ્લર’ અને ‘ટેસ્સ’

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની અંતરિક્ષ સંસ્થાનાસા’નાં બે મહત્ત્વાકાંક્ષી મિશન ‘કેપ્લર’ અને ‘ટેસ્સ’ અંતરિક્ષમાં પૃથ્વી સમા એક્ઝોપ્લેનેટની ખોજ માટે ખ્યાતિ પામ્યાં છે. અમેરિકામાં એરોનોટિક્સ તથા એરોસ્પેસ ક્ષેત્રે  સંશોધન ઉપરાંત વિવિધ સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ્સનાં સંચાલનની જવાબદારી ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ને હસ્તક છે.

અવકાશ સંશોધન ક્ષેત્રે નાસાના સમાનવ અને માનવરહિત કાર્યક્રમોનું યોગદાન બહુમૂલ્ય છે. વર્તમાનમાં પૃથ્વી પર જીવનના અસ્તિત્વ ટકવા વિશે સંશયો અને ચિંતા ફેલાતાં જાય છે, ત્યારે પૃથ્વીવાસીઓને વસવાટ યોગ્ય વિકલ્પરૂપ ગ્રહોની શોધ અનિવાર્ય બની છે.

આપણા સૂર્ય સમાન અન્ય તારાઓને પણ પૃથ્વી જેવા ગ્રહો હોઈ શકે છે જેમને એક્ઝોપ્લેનેટ કહેવામાં આવે છે.

આપણી ગેલેક્સી મિલ્કી વેમાં અન્ય તારાઓના ગ્રહો-એક્ઝોપ્લેનેટની ખોજ માટે નાસા સક્રિય છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના ઉપક્રમે છેલ્લાં દસ વર્ષમાં ‘કેપ્લર’ અને ‘ટેસ’ નામક બે મહત્ત્વાકાંક્ષી મિશન સફળ થયાં છે. 2009માં કાર્યરત થયેલ કેપ્લર સ્પેસ મિશન હેઠળ કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ અને K2 દ્વારા અવકાશમાં 2600થી વધુ એક્ઝોપ્લેનેટ્સ શોધી કઢાયાં છે. 2018માં લૉંચ થયેલ ‘ટેસ્સ પ્રોજેક્ટ’ના ટેસ સેટેલાઇટ દ્વારા દસ ‘કન્ફર્મ્ડ’ એક્ઝોપ્લેનેટની ખોજ થઈ ચૂકી છે.

શું આવા એક્ઝોપ્લેનેટ પર જીવન વિકસ્યું હશે? એલિયન સભ્યતાઓ ત્યાં વસી હશે? માનવજીવનને વિકસવા યોગ્ય એક્ઝોપ્લેનેટ શોધી શકાશે? અત્યારે તો આશાનાં કિરણો ફૂટતાં જણાય છે. ‘મધુસંચય’ના આજના લેખમાં કેપ્લર મિશન અને ટેસ્સ પ્રૉજેક્ટ હેઠળ એક્ઝોપ્લેનેટની ખોજ અંગે દિલચશ્પ વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

બ્રહ્માંડ વિશે જાણવાની માનવીની ઉત્સુકતા યુગો પુરાણી છે.

બ્રહ્માંડ શું છે? શા માટે છે? જીવન શું છે? સૃષ્ટિ અને જીવન શા માટે, કઈ રીતે પાંગર્યાં? આવા તો અનેકવિધ પ્રશ્નોની વણઝાર માનવીને ઉલઝાવી દે છે.  સૈકાઓથી ફિલોસોફરો, વૈજ્ઞાનિકો મથતાં રહ્યાં છે, પણ આજ સુધી સર્વસંમત ઉત્તરો મળ્યા નથી.

નાસાનાં અંતરિક્ષ કાર્યક્રમો
  • બ્રહ્માંડના અજ્ઞાત ખૂણાઓની ખોજમાં અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાએ વિવિધ મિશન અને પ્રૉજેક્ટસને અમલમાં મૂક્યાં છે. નાસાનાં સ્પેસ પ્રોજેક્ટ્સથી કેવી અદભુત સિદ્ધિઓ હાસિલ થઈ શકી છે!
  • એપોલો, પાયોનિયર, વૉયેજર, પાર્કર સોલર પ્રોબ, ન્યૂ હોરાઇઝન્સ આદિ નાસાનાં મહત્ત્વનાં સ્પેસ એક્સ્પ્લોરેશન મિશન છે.
  • ચંદ્ર પર પહોંચનાર પ્રથમ અવકાશયાનનું મિશન તે એપોલો.
  • સૂર્યમંડળને પાર જનાર પ્રથમ સ્પેસક્રાફ્ટનું મિશન તે પાયોનિયર.
  • હીલિયોસ્ફિયરમાં પ્રવેશનાર પ્રથમ અવકાશયાનનું મિશન તે વૉયેજર.
  • સૂર્યનાં કોરોનાને સ્પર્શનાર પ્રથમ અંતરિક્ષયાનનું મિશન તે પાર્કર સોલર પ્રોબ.
  • કઇપર બેલ્ટમાં આવેલ, પૃથ્વીથી સૌથી દૂરના કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ – કેબીઓ- અલ્ટિમા ટૂલિ (અલ્ટીમા થુલે) ની પાસેથી પસાર થનાર અવકાશયાનનું મિશન તે ન્યૂ હોરાઇઝન્સ.
  • એપોલો, પાયોનિયર, વોયેજર, પાર્કર સોલર પ્રોબ, ન્યૂ હોરાઇઝન્સ – આ બધાં નાસાનાં પ્રોજેક્ટ્સ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 અન્ય ગ્રહો પર જીવન સંભવ છે? પરગ્રહવાસી એલિયન હકીકત છે?

અગણિત ગેલેક્સીઓથી બનેલા બ્રહ્માંડમાં બીજે ક્યાંક પણ જીવન હશે તેવી આશા ખોટી તો નથી.

પૃથ્વી પર એલિયન ઉતરી આવ્યાની રંગીન કહાણીઓ મીડિયામાં ચમકતી રહે છે. શું આપણી પૃથ્વી જેવી માનવસભ્યતા બ્રહ્માંડમાં અન્યત્ર વિકસી હશે? અન્ય કોઈ અવકાશી ગ્રહ પર એલિયન સભ્યતા હશે ખરી?

વર્તમાન કાળમાં પ્રદૂષણથી માંડીને રાજકારણ સુધીની સમસ્યાઓ માનવીને ઘેરી રહી છે. થોડા દાયકાઓ પછી પૃથ્વી પર જીવન ટકાવવું મુશ્કેલ હશે તેવી ચેતવણી વૈજ્ઞાનિકો આપી રહ્યાં છે. સ્ટિફન હૉકિંગ જેવા જીનિયસ કોસ્મોલોજીસ્ટ જ્યારે અન્ય ગ્રહ પર વસવાટ માટે સજ્જ થવાની વાત કરે ત્યારે તો બેઠા થવું જ પડે! તો પૃથ્વી છોડી હવે આપણે ક્યાં જવું?

વૈજ્ઞાનિકો એક્ઝોપ્લેનેટની ખોજમાં નીકળી પડ્યા છે.

એક્ઝોપ્લેનેટ શું છે? એક્ઝોપ્લેનેટ સિસ્ટમ શું છે?

આપણું સૂર્યમંડળ (સૌરમંડળ કે સોલર સિસ્ટમ) કેંદ્રમાં સૂર્ય (એક તારો) અને તેને પરિભ્રમણ કરતા ગ્રહોથી બનેલ છે. આપણી સોલર સિસ્ટમની બહાર આવેલ કોઈ તારાના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહે છે.

એક્ઝોપ્લેનેટને ‘એક્સ્ટ્રાસોલર પ્લેનેટ’ પણ કહે છે.

‘મધુસંચય’ના વાચકો જાણે છે કે બ્રહ્માંડ (યુનિવર્સ) કરોડો ગેલેક્સીઓથી બનેલ છે. દરેક ગેલેક્સી કરોડો તારાઓથી બનેલ છે.

આપણી ગેલેક્સીનું નામ મિલ્કી વે છે. તેમાં આપણો સૂર્ય એક તારો છે, ઉપરાંત તેના જેવા અન્ય કરોડો કરોડો તારાઓ પણ છે. કેટલાક તારાઓ એવા હોઈ શકે જેની આસપાસ ગ્રહો ચક્કર લગાવતા હોય.

સૂર્યમંડળની બહાર, કોઈ તારાની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહને ‘એક્ઝોપ્લેનેટ’ કહેવામાં આવે છે. એક્ઝોપ્લેનેટ્સ એ ગ્રહો છે જે અન્ય તારાઓની આસપાસ પ્રદક્ષિણા કરે છે.

આપણા સૂર્ય સિવાયના અન્ય તારાના ગ્રહ તે એક્ઝોપ્લેનેટ.

આપણા સૂર્યમંડળમાં કેંદ્રસ્થાને સૂર્ય (એક તારો) અને તેને પ્રદક્ષિણા કરતા ગ્રહો છે. ગેલેક્સીમાં આવાં અનેક સૂર્યમંડળો (સોલર સિસ્ટમ) હોઈ શકે. આવા દરેક સૂર્યમંડળને એક તારો (સૂર્ય!) તથા તેની ફરતે ભ્રમણ કરતા ગ્રહ હોય છે. આવા બહારના સૂર્યમંડળને એક્ઝોપ્લેનેટ સિસ્ટમ કહેવામાં આવે છે.

આજે સ્પેસ રીસર્ચ પ્રોગ્રામ્સ દ્વારા વૈજ્ઞાનિકોએ 3000 થી વધારે એક્ઝોપ્લેનેટ સિસ્ટમ શોધી કાઢી છે, જેમાં 4000 થી વધારે એક્ઝોપ્લેનેટ્સ આવેલ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સૌ પ્રથમ એક્ઝોપ્લેનેટની શોધનો ઇતિહાસ

એક આશ્ચર્યની વાત એ કે સર્વ પ્રથમ સંભવિત એક્ઝોપ્લેનેટની શોધ કેનેડાના ખગોળશાસ્ત્રીઓએ કરી હતી, નહીં કે નાસાએ. 1988માં કેનેડાના એસ્ટ્રોનોમર્સની ટીમે એક્ઝોપ્લેનેટ શોધ્યાની વાત રજૂ કરી હતી, પરંતુ તે સમયનાં સાધનો અને પ્રયોગોની મર્યાદાને કારણે તેમની શોધને સપોર્ટ મળ્યો ન હતો.

સીફિયસ’ (સેફિયસ) નામના કોન્સ્ટેલેશનમાં આવેલ ‘ગામા સેફિ’ તારો આપણી સોલર સિસ્ટમથી 45 પ્રકાશ વર્ષ દૂર છે અને તેને નરી આંખે જોઈ શકાય છે. બ્રિટીશ કોલંબિયા, કેનેડાની બે યુનિવર્સિટીઓ – યુનિવર્સિટી ઑફ વિક્ટોરિયા તથા યુનિવર્સિટી ઑફ બ્રિટીશ કોલંબિયા – ના એસ્ટ્રોનોમરની ટીમે ‘ગામા સીફિ’ સ્ટારનો એક ગ્રહ શોધ્યો હોવાનો દાવો કર્યો હતો પરંતુ તે દાવાની પુષ્ટિ થઈ શકી ન હતી. વર્ષો પછી, એડવાન્સ્ડ ટેકનોલોજી વિકસતાં આ સ્ટાર ગામા સીફિ (ગામા સિફાઇ/ સેફિ/ સેફાઇ) ના એક્ઝોપ્લેનેટને માન્યતા મળી હતી.

1992માં પોલેન્ડના રેડિયો એસ્ટ્રોનોમર એલેક્સાંડર વોલ્સ્ઝક્ઝાન / વોલ્સ્ઝચાન(?)  (Aleksander Wolszczan) અને તેમના સાથી ખગોળશાસ્ત્રી ડેઇલ ફ્રેઇલ દ્વારા મિલ્કી વેના એક પલ્સારનાં બે ગ્રહો શોધાયાની જાહેરાત કરાઈ. સૂર્યમંડળથી 2300 પ્રકાશવર્ષ દૂર આવેલ પલ્સાર PSR 1257+12 ના એક્ઝોપ્લેનેટ્સની આ શોધને તરત સ્વીકૃતિ મળી. આમ, પલ્સાર PSR 1257+12 ના બે ગ્રહો અધિકૃત રીતે શોધાયેલા પ્રથમ ‘કન્ફર્મ્ડ’ એક્ઝોપ્લેનેટ (પ્રથમ કન્ફર્મ્ડ એક્સ્ટ્રાસોલર પ્લેનેટ) મનાય છે. વળી, તેમને સૌ પ્રથમ પલ્સાર એક્ઝોપ્લેનેટ ગણવામાં આવે છે.

1995માં સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઑફ જીનિવાના ખગોળશાસ્ત્રીઓ દ્વારા પ્રથમ વખત મેઇન સિક્વન્સ સ્ટારના એક્ઝોપ્લેનેટની શોધની જાહેરાત થઈ. પેગેસસ (પેગાસસ) કોન્સ્ટેલેશનમાં આવેલ તારો ‘51 પેગેસિ’ (51 પેગાસિ) પૃથ્વીથી 50 પ્રકાશવર્ષ દૂર છે. તે તારો ’51 પેગ’ તરીકે પણ ઓળખાય છે. મેઇન સિક્વન્સ તારો હોવાથી ‘51 પેગેસિ’ સ્ટારના એક્ઝોપ્લેનેટની ખોજ એક મહત્ત્વની ડિસ્ક્વરી ગણાય છે.

એક્વેરિયસ કોન્સ્ટેલેશનમાં, આપણા સૂર્યમંડળથી 40 પ્રકાશવર્ષ દૂર એક ઝાંખા રેડ ડ્વાર્ફ સ્ટારની શોધ 1999માં થઈ હતી, જેને પાછળથી ટ્રેપ્પિસ્ટ – 1  નામ આપવામાં આવ્યું હતું.  2017માં નાસાએ જાહેર કર્યું કે આ તારો ટ્રેપ્પિસ્ટ-1 સાત ગ્રહો ધરાવે છે, તે વાત ‘મધુસંચય’ના વાચકો જાણે છે. સૌથી વધુ એક્ઝોપ્લેનેટ ધરાવતા તારા ટ્રેપિસ્ટ–1 સિસ્ટમનો અભ્યાસ સ્પિટ્ઝર ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવ્યો હતો. ટ્રેપિસ્ટ-1 ના સાત એક્ઝોપ્લેનેટ્સ પૈકી ત્રણ માનવ-વસવાટ યોગ્ય હોવાની સંભાવના છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એક્ઝોપ્લેનેટની ખોજ માટે નાસાનું કેપ્લર મિશન

અવકાશ સંશોધન ક્ષેત્રે એક્ઝોપ્લેનેટની શોધ માટે નાસાનું પ્રથમ સ્પેસ મિશન ‘કેપ્લર’ હતું. કેપ્લર પ્રૉજેક્ટ (મિશન) ના ભાગરૂપે કેપ્લર સ્પેસક્રાફ્ટમાં અત્યાધુનિક કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ સાથે અદ્યતન સાધનો હતાં. મહાન જર્મન ખગોળશાસ્ત્રી જોહન કેપ્લરના માનમાં મિશનને કેપ્લર નામ આપવામાં આવ્યું હતું.

નાસાના ‘ડિસ્કવરી પ્રોગ્રામ’ના ભાગ રૂપે 2009માં આરંભાયેલ કેપ્લર સ્પેસ મિશનનો મુખ્ય હેતુ આપણી ગેલેક્સી મિલ્કી વેના ‘હેબિટેબલ ઝોન’માં પૃથ્વી જેવડા કે તેનાથી નાના, વસવાટ યોગ્ય એક્ઝોપ્લેનેટ્સની ખોજ કરવાનો હતો. આ માટે 1,50,000થી વધારે તારાઓનું નિરીક્ષણ જરૂરી હતું.

2013માં કેપ્લર સ્પેસક્રાફ્ટની કામગીરી મંદ પડતાં તેના ટેકામાં 2014માં K2 કે2 મિશન લૉંચ કરવામાં આવ્યું, જેણે સફળતાપૂર્વક કેપ્લર સ્પેસ ટેલિસ્કોપને કાર્યરત રાખ્યું. આમ, 2018 સુધી કેપ્લર – કે2 મિશન કાર્યરત રહ્યાં પછી તેમના મૂળભૂત હેતુઓ માટે બિન ઉપયોગી બન્યાં. ‘મધુસંચય’ના વાચકોને આશ્ચર્ય થશે કે નવ વર્ષના ગાળામાં કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા પાંચેક લાખ તારાઓનું નિરીક્ષણ થયું હતું તથા 2600થી વધારે એક્ઝોપ્લેનેટ્સની શોધ થઈ હતી.

નાસાના ટેસ્સ મિશનની એક્ઝોપ્લેનેટ ક્ષેત્રે અદભુત કામગીરી

નાસાનું ‘ટેસ મિશન’ 2018માં આરંભાયું. અમેરિકાની અવકાશ સંસ્થાએ 2018ના એપ્રિલની 18મી તારીખે ટેસ્સ (ટ્રાન્સિટિંગ એક્ઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ – TESS) સેટેલાઇટ લોંચ કર્યો. તેના પુરોગામી મિશન ‘કેપ્લર’ની માફક ટેસ્સ મિશનનો હેતુ આપણા સૂર્યમંડળની બહારના એક્સ્ટ્રાસોલર પ્લેનેટ્સ (એક્ઝોપ્લેનેટ)ને ખોજવાનો છે અને તે પૈકી કયા એક્ઝોપ્લેનેટ માનવજીવન વસવાટ માટે યોગ્ય છે તે ચકાસવાનો છે. ટેસ સેટેલાઇટ મિશન આપણી મિલ્કી વે ગેલેક્સીના લગભગ 2,00,000 જેટલા તેજસ્વી તારાઓનો સર્વે કરશે.

ટેસ્સ પ્રૉજેક્ટના સંચાલનમાં નાસાની સહયોગી સંસ્થાઓ ઉપરાંત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી), લિંકન લેબોરેટરી, હાર્વર્ડ-સ્મિથસોનિયન સેંટર ફોર એસ્ટ્રોફિઝિક્સ આદિ સંસ્થાઓ સંલગ્ન છે.

કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે અંતરિક્ષના જે વિસ્તારનો અભ્યાસ કર્યો હતો, તેનાથી 400 ગણા મોટા સ્પેસ વિસ્તારનો સર્વે ટેસ સેટેલાઇટ કરશે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ટેસ્સ પ્રૉજેક્ટની સફળતા

નાસાનો ટ્રાન્સિટિંગ એક્ઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ એટલે કે ટેસ્સ પ્રૉજેક્ટ એક જ વર્ષમાં સફળતાને પંથે ધપી રહ્યો છે. ટૂંકા ગાળામાં નવ એક્ઝોપ્લેનેટ શોધ્યા પછી, હાલમાં ટેસ સેટેલાઇટે દસમો એક્ઝોપ્લેનેટ ‘HD 21749c’ શોધ્યો છે.

આ ગ્રહની એક્ઝોપ્લેનેટ સિસ્ટમના કેન્દ્રસ્થાને ‘HD 21749’ નામનો તારો છે.

રેટિક્યુલમ નામક કોન્સ્ટેલેશનમાં સ્થિત તે એક્ઝોપ્લેનેટ સિસ્ટમનો સ્ટાર ‘HD 21749’ આપણી સોલર સિસ્ટમથી 53 લાઇટ યર (પ્રકાશ વર્ષ) દૂર છે. ‘HD 21749’ તારો સૂર્યના દળના આશરે 70% જેટલું દળ (માસ) ધરાવે છે.

તેના બે ‘કન્ફર્મ્ડ’ એક્ઝોપ્લેનેટ શોધાયા છે. આ તારાનો અગાઉ શોધાયેલો ગ્રહ ‘HD 21749b’ નામથી ઓળખાયો છે. તે પૃથ્વીથી મોટો, સબ-નેપ્ચ્યુન સાઇઝનો ગ્રહ છે અને પૃથ્વી કરતાં 23 ગણું દળ ધરાવે છે. ટેસ્સ મિશન દ્વારા શોધાયેલ દસમો ‘કન્ફર્મ્ડ’ એક્ઝોપ્લેનેટ ‘HD 21749c’ તરીકે ઓળખાયો છે. એક્ઝોપ્લેનેટ ‘HD 21749c’ લગભગ પૃથ્વીના કદનો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એક્ઝોપ્લેનેટ શોધવાની પદ્ધતિઓ

એક્સ્ટ્રાસોલર પ્લેનેટ્સ કે એક્ઝોપ્લેનેટ્સ ‘ડિટેક્ટ’ કેવી રીતે થાય છે?

એસ્ટ્રોફિઝિક્સની વિશિષ્ટ ટેકનિકો દ્વારા એક્ઝોપ્લેનેટ શોધવામાં આવે છે. ડિટેક્શનમાં ઘણે ભાગે ડૉપ્લર સ્પેક્ટ્રોસ્કોપી અને ટ્રાન્સિટ ફોટોમેટ્રી જેવી પદ્ધતિઓ અલગ કે સંયુક્તરૂપે પ્રયોજાય છે.

ડોપ્લર સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિમાં સ્પેક્ટ્રોસ્કોપ પર અવકાશી પદાર્થની ડોપ્લર શિફ્ટનો અભ્યાસ થાય છે, જેના અંતર્ગત બ્લ્યુ શિફ્ટ કે રેડ શિફ્ટની નોંધ લેવાય છે. તેનાથી અવકાશી પદાર્થની ‘મુવમેન્ટ’ની માહિતી મળે છે.

ટ્રાન્સિટ ફોટોમેટ્રી એક્ઝોપ્લેનેટના ડિટેક્શનમાં મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ટેલિસ્કોપ દ્વારા નિરીક્ષણમાં રહેલ તારાના પ્રકાશમાં, ચોક્કસ સમયાંતરે થોડા સમયનો બ્લેક આઉટ (dip) નોંધાતો રહે, ત્યારે માની શકાય કે તે તારાની આસપાસ તેનો એક્ઝોપ્લેનેટ ભ્રમણ કરી રહ્યો છે.

ટેસ પ્રોજેક્ટ દ્વારા અવલોકાયેલા તારાઓ પૈકી જે તારાને ગ્રહો (એક્ઝોપ્લેનેટ/ એક્સ્ટ્રાસોલર પ્લેનેટ્સ) છે, તેવા સ્ટારનો અભ્યાસ ખાસ કરવામાં આવે છે. કોઈ પણ સોલર સિસ્ટમના તારા અને ગ્રહો માટે એક સામાન્ય તારણ (જે સર્વથા સાચું નથી) એવું છે કે જે ગ્રહ તારાની પાસે છે, તે નાના હોય છે; તેમની ભ્રમણ કક્ષા નાની હોય છે. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો જાણે છે કે આપણા સૂર્યમંડળમાં સૂર્યની પાસેના ગ્રહો પૃથ્વીથી નાના છે, દૂરના ગ્રહો (જ્યુપિટર કે સેટર્ન કે નેપ્ચ્યુન) પૃથ્વીથી મોટા કદના છે; તેમની ભ્રમણ કક્ષા મોટી છે. પરંતુ જ્યારે એક્ઝોપ્લેનેટ શોધાયા, ત્યારે શરૂઆતમાં મોટા એક્ઝોપ્લેનેટ તેમના તારાઓની નજીક જણાયા હતા. જોકે આ વાત ઘણા કિસ્સાઓમાં ખોટી પડી છે.

જે એક્ઝોપ્લેનેટની ભ્રમણ કક્ષા નાની હોય છે, તેમની શોધ અને નીરિક્ષણ સરળ હોય છે તે હકીકત ‘મધુસંચય’ના વાચકો સમજી શકશે. પૃથ્વી જેટલા કદના ગ્રહોની ભ્રમણ કક્ષા મોટી હોવાથી તેમને ચકાસવા માટે વધારે સમયગાળાની અને જહેમતની જરૂર રહે છે. પૃથ્વીથી મોટા, ગુરૂ – જ્યુપિટર – ના કદના ‘જ્યુપિટર હોટ્સ’ અથવા સબ નેપ્ચ્યુન કહેવાતા એક્સ્ટ્રાસોલર પ્લેનેટ્સ સામાન્ય રીતે (હંમેશા નહીં) તારાથી દૂરની ભ્રમણકક્ષામાં હોય છે. મોટી ભ્રમણકક્ષામાં ફરતા હોવાથી જ્યુપિટર હોટ્સને શોધવા તો મુશ્કેલ છે, સાથે તેમને અવલોકવા પણ પડકારરૂપ હોય છે. આ કારણ છે કે કેપ્લર અને ટેસ્સ જેવાં મિશનોને, પૃથ્વી જેટલા કદના માંડ ગણતરીના જ એક્ઝોપ્લેનેટ મળે છે. બે લાખ જેટલા તારાઓના નિરીક્ષણ પછી ટેસ્સ મિશન માંડ 300 જેટલા પૃથ્વીના કદના કે તેનાથી મોટા એક્ઝોપ્લેનેટ્સ શોધી શકશે તેવો અંદાજ છે.

આ રીતે શોધાયેલા બધા જ એક્ઝોપ્લેનેટ હેબિટેબલ (માનવ વસવાટને યોગ્ય) નથી હોતા. જ્યાં જીવન પાંગરી શકે અને માનવવસવાટ શક્ય બને તેવા રહેવાલાયક, હેબિટેબલ એક્ઝોપ્લેનેટ શોધવા વિગતે સર્વે કરાય છે. ભાતભાતની ડેટા એનાલિસિસ પછી તે ગ્રહ હેબિટેબલ છે કે નહીં તે નક્કી થાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એક્ઝોપ્લેનેટના અભ્યાસનું એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમી ક્ષેત્રે મહત્ત્વ

એક સર્વવિદિત હકીકત છે કે વર્તમાન સમયમાં એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ અને સ્પેસ સાયન્સનું  મહત્ત્વ ખૂબ વધતું જાય છે. ધરતી માતા ‘મધર અર્થ’ પર પાંગરેલું જીવન કેવી રીતે અને ક્યાં સુધી ટકી રહેશે તે યક્ષપ્રશ્ન છે. અન્ય ગ્રહ પર માનવજાતના સ્થળાંતરના વિચારો વહેતા થયા છે. વિશ્વવિખ્યાત કોસ્મોલોજીસ્ટ અને થિયોરેટિકલ એસ્ટ્રોફિઝિસિસ્ટ સ્ટીફન હોકિંગના અન્ય ગ્રહ પર જઈ વસવાના સૂચને બુદ્ધિજીવી વર્ગમાં હલચલ મચાવી દીધી છે.

વળી પરગ્રહવાસી એલિયન સભ્યતાઓની વાતો પણ રોમાંચક લાગે છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલી (યુસીબી, યુએસએ) ના સેટી પ્રૉજેક્ટ અને યુરિ મિલ્નર- સ્ટીફન હૉકિંગના બ્રેક થ્રુ ઇનિશિયેટિવ પરગ્રહની એલિયન સભ્યતાઓ વિશે સંશોધનમાં વ્યસ્ત છે.

અન્ય ગ્રહ પર એલિયન જીવો સાથે સંપર્ક કરી શકાય? એલિયન સંસ્કૃતિ સાથેનો સંપર્ક માનવજાતને મદદરૂપ થઈ શકે ખરો?

મનુષ્યના વસવાટ માટે ઉચિત ગ્રહ શોધવો અને પછી માનવીને ત્યાં લઈ જવી વસાવવો પડકારરૂપ દિવાસ્વપ્ન જેવું લાગે છે. આ તો જ શક્ય બને, જો વૈજ્ઞાનિકોને બ્રહ્માંડના ઉદભવ અને બંધારણ વિશેનું તલસ્પર્શી જ્ઞાન મળે તેમજ ગેલેક્સી મિલ્કી વેના પ્રત્યેક સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ વિશેની માહિતી ઉપલબ્ધ હોય. તે માટે ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાન જેવા વિષયોને નવા જ દ્રષ્ટિકોણથી આગળ ધપાવવાની જરૂર છે. ખુશીની વાત એ છે કે આજે એસ્ટ્રોફિઝિક્સનું ક્ષેત્ર ત્વરાથી વિકસી રહ્યું છે.

એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ અને સ્પેસ સાયન્સના સમુચિત વિકાસ સાથે માનવજાતનું ભવિષ્ય જોડાયેલું છે.

એક્સ્ટ્રાસોલર પ્લેનેટ્સ કે એક્ઝોપ્લેનેટનો અભ્યાસ મિલ્કી વે અને યુનિવર્સની રચના વિશેના આપણા જ્ઞાનને સમૃદ્ધ કરે છે. તેના થકી અન્ય ગ્રહ પર વસવાના આપણા આયોજનને પ્રેરક બળ મળી શકે છે.

આજે કરેલ એક્ઝોપ્લેનેટ પરનાં સંશોધનો આવતી કાલની પેઢીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે.

ગુજરાતના શિક્ષણ શાસ્ત્રીઓ અને શિક્ષકમિત્રોને મારી નમ્ર અપીલ

ફરી એક વાર હું ગુજરાતના શિક્ષણ શાસ્ત્રીઓ અને મારા શિક્ષકમિત્રોને નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે આપ ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વના પલટાતા પ્રવાહોથી માહિતગાર રાખો અને નવા ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા પ્રેરણા આપો. આભાર.

વાચક મિત્રો! ‘મધુસંચય’ તેમજ મારા અન્ય ગુજરાતી બ્લૉગ્સ પાછળ એક વિશિષ્ટ હેતુ છે.

અંતરિયાળ ગામના અદના ગુજરાતીને, શિક્ષકગણ અને વિદ્યાર્થીવર્ગને  વિશ્વના વર્તમાન પ્રવાહો તથા વિસ્તરતા જ્ઞાન-વિજ્ઞાન પ્રતિ અભિમુખ કરવા હું સંનિષ્ઠ પ્રયત્નો કરું છું. મારા લેખો ગુજરાતી માધ્યમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેમજ જ્ઞાનવર્ધક, પ્રેરક પણ બને તેમ ઇચ્છું છું. આપના સહકારની અપેક્ષા રાખી શકું? ધન્યવાદ!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: બ્રહ્માંડમાં અનેક એક્ઝોપ્લેનેટની ખોજ કરતાં નાસાનાં ‘કેપ્લર’ અને ‘ટેસ્સ’: પરિશિષ્ટ (1)
  • અમેરિકન અંતરિક્ષ સંસ્થા ‘નાસા’નાં મહત્ત્વનાં સ્પેસ પ્રોગ્રામમાં એપોલો, પાયોનિયર, વૉયેજર, પાર્કર સોલર પ્રોબ વગેરેનો સમાવેશ
  • બ્રહ્માંડ (યુનિવર્સ) ના ઉદભવ અને બંધારણને સમજવા નિરંતર ચાલતી ખોજ
  • બ્રહ્માંડના અજ્ઞાત ખૂણાઓને એક્સ્પ્લોર કરવા વિવિધ અંતરિક્ષ અભિયાનો
  • આપણા સૂર્યમંડળની બહાર, અન્ય સોલર સિસ્ટમમાં તેના તારાને પ્રદક્ષિણા કરતા ગ્રહ તે એક્ઝોપ્લેનેટ કે એક્સ્ટ્રાસોલર પ્લેનેટ
  • મિલ્કી વેમાં માનવ વસવાટ યોગ્ય (હેબિટેબલ) ગ્રહો હોવાની શક્યતા
  • પૃથ્વી પર વધતી સમસ્યાઓ વચ્ચે, માનવજાતને વસવાટ માટે ભવિષ્યમાં અન્ય ગ્રહ પર લઈ જવા વિચારણા
  • નાસા દ્વારા ‘હેબિટેબલ’ એક્ઝોપ્લેનેટની તલાશ માટે ગંભીર પ્રયત્નો
  • કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ (કેપ્લર મિશન) અને ટેસ સેટેલાઇટ (ટેસ્સ મિશન) દ્વારા 4000 થી વધારે એક્ઝોપ્લેનેટ્સની શોધ
  • એક પ્રકાશવર્ષ (લાઇટ-યર / લાઇટ-યિઅર) એટલે પ્રકાશ દ્વારા એક વર્ષમાં કપાતું અંતર (Light year)
  • એક પ્રકાશવર્ષ = 9.46 x  1012   કિલોમીટર (આશરે)
  • એક પ્રકાશવર્ષ = 9,460,700,000,000 કિલોમીટર (આશરે)

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: બ્રહ્માંડમાં અનેક એક્ઝોપ્લેનેટની ખોજ કરતાં નાસાનાં ‘કેપ્લર’ અને ‘ટેસ્સ’: પરિશિષ્ટ (2)

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

5 thoughts on “બ્રહ્માંડમાં અનેક એક્ઝોપ્લેનેટની ખોજ કરતાં નાસાનાં ‘કેપ્લર’ અને ‘ટેસ્સ’

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
    બ્લોગ જગતમાં મધુસંચ્ય એક માત્ર બ્લોગ છે જે સરળ ગુજરાતી ભાષામાં અદ્ભૂત ખગોળ શાસ્ત્રની વિપુલ માહિતી પુરી પાડે છે. શ્રી હરીશભાઈ દવેના આભાર સાથે અનેક તારાઓના ગ્રહમંડળોની મુસાફરીમાં આપને લઈ જાઉં છું.

Please write your Comment