દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ માટે લિગોના વૈજ્ઞાનિકોને મળ્યું નોબેલ પ્રાઇઝ

.

વર્ષ 2017 માટે ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ બ્રહ્માંડનાં ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ કરનાર અમેરિકાના લિગો ઑબ્ઝર્વેટરી પ્રૉજેક્ટ સાથે સંકળાયેલ ભૌતિકશાસ્ત્રીઓ રેઇનર વાઇસ,  કિપ થોર્ન અને બેરી બેરિશને આપવામાં આવ્યું છે.

ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધને વિજ્ઞાન જગતની ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે, જે બ્રહ્માંડનાં રહસ્યોને સમજવામાં ખૂબ મદદરૂપ થશે. ફળસ્વરૂપ, અમેરિકાના સુપ્રસિદ્ધ ફિઝિસિસ્ટ વાઇસ – થોર્ન – બેરિશની ત્રિપુટીને –  લિગો ડિટેક્ટરને કાર્યરત કરી ગ્રેવિટેશનલ વેવ્ઝને “શોધવા” બદલ – વિશ્વનું સર્વોચ્ચ પારિતોષિક નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલ છે.

મધુસંચય’ના વર્ષ 2016ના લેખોમાં આપ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઑબ્ઝર્વેટરી (લિગો / લાઇગો) અને ગ્રેવિટેશનલ વેવ્ઝ વિશે વાંચી ચૂક્યા છો.

સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને સો વર્ષ અગાઉ પોતાની થિયરી ઓફ રિલેટિવિટીમાં   યુનિવર્સમાં સર્જાતાં ગ્રેવિટેશનલ વેવ્ઝની વાત કરી હતી, પરંતુ  આજ સુધી તેની પ્રાયોગિક સાબિતી શક્ય બની ન હતી. સપ્ટેમ્બર, 2015માં અમેરિકાના ઉક્ત ભૌતિકશાસ્ત્રીઓએ લિગો ઑબ્ઝર્વેટરીમાં સૌ પ્રથમ વખત ગ્રેવિટેશન વેવ્ઝ ‘ડિટેક્ટ’ કર્યાં હતાં.

અમેરિકામાં લિગો ઑબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિકોએ પરખેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ આપણી પૃથ્વીથી 130 કરોડ પ્રકાશવર્ષ  દૂર બ્રહ્માંડમાં ક્યાંક બે મહાકાય બ્લેક હોલ અથડાતાં સર્જાયાં હતાં.

કરોડો વર્ષ અગાઉ બનેલી આ કુદરતી ઘટનાથી ઉદભવેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ હવે આપણી પૃથ્વી સુધી પહોંચતાં લિગો પ્રોજેક્ટનાં અતિ સંવેદનશીલ ઉપકરણોએ તેને પરખી લીધાં હતાં. (First-ever direct observation of Gravitational Waves, September, 2015)

રેઇનર વાઇસ કોણ છે?
  • અમેરિકન વૈજ્ઞાનિક ડૉ. રેઇનર વાઇસ  ફિઝિક્સ ક્ષેત્રમાં વર્ષ 2017 માટેના નોબેલ પ્રાઇઝ વિજેતા છે.
  • 85 વર્ષના ડૉ વાઇસ એસ્ટ્રોફિઝિસિસ્ટ / ગ્રેવિટેશનલ ફિઝિસિસ્ટ છે.
  • 1932માં બર્લિન (જર્મની) માં જન્મેલ ડૉ. રેઇનર વાઇસ બીજા વિશ્વયુદ્ધ સમયે, જર્મની છોડી 1939માં અમેરિકા આવી ગયા હતા.
  • ડૉ. વાઇઝે અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી – એમઆઇટીમાંથી પીએચ. ડી. કર્યું.
  • કાલ્ટેકના લિગો પ્રોજેક્ટના ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્ટર તેમજ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઑબ્ઝર્વેટરીના વિકાસમાં ડૉ. રેઇનર વાઇસનું પાયાનું યોગદાન છે.
  • ડૉ. રેઇનર વાઇસ હાલ અમેરિકામાં એમ.આઇ.ટી. સાથે સંલગ્ન છે.
કિપ થોર્ન કોણ છે?
  • અમેરિકાના થિયોરેટિકલ ફિઝિસિસ્ટ ડૉ કિપ થોર્ન 2017ના ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ વિજેતા છે.
  • ડૉ કિપ થોર્ન અમેરિકામાં 1940માં જન્મ્યા છે. કોલેજ અભ્યાસ કેલિફોર્નિયા ઇંન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી કર્યા પછી થોર્ને પીએચ. ડી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી કર્યું.
  • લિગો પ્રૉજેક્ટના વિકાસમાં થિયોરેટિકલ ફિઝિસિસ્ટ ડૉ થોર્ન અને એક્સ્પેરીમેન્ટાલિસ્ટ ફિઝિસિસ્ટ ડૉ વાઇસની જોડીનો મહત્ત્વનો ફાળો રહ્યો.
  • ડૉ થોર્ન   જોનાથન નોલાનની બોક્સ-ઓફિસ હીટ સાય-ફાય મુવિ ‘ઇન્ટરસ્ટેલર’ના કારણે ભારે પ્રસિદ્ધિને વર્યા.  ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’માં બ્લેક હોલ તથા વૉર્મ હોલને પડદા પર બતાવવામાં થોર્નની સૂઝબૂઝ ખૂબ કામ લાગી છે.
બેરી બેરિશ કોણ છે?
  • અમેરિકન એક્સ્પેરિમેન્ટલ ફિઝિસિસ્ટ ડૉ. બેરી બેરિશ ફિઝિક્સ ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ 2017ના વિજેતા છે.
  • 1936માં અમેરિકામાં જન્મેલા  ડૉ બેરી બેરિશ ‘હાઇ એનર્જી ફિઝિક્સ’ ક્ષેત્રના અમેરિકાના અગ્રણી  ભૌતિકશાસ્ત્રી છે.
  • કાલ્ટેકમાં જોડાયા પહેલાં બેરિશે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (બર્કલી) માંથી ફિઝિક્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી.
  • કારકિર્દીની શરૂઆતમાં બેરિશ આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થા ‘સર્ન’ સાથે સંકળાયેલા હતા. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે સર્ન સંસ્થા સુપર કંડક્ટિંગ સુપર કોલાઇડર અને ‘ગોડ પાર્ટિકલ – હિગ્સ બોસોન’ની શોધના લીધે પ્રસિદ્ધિમાં છે.
  • કાલ્ટેક ખાતે લિગો પ્રોજેક્ટનું ‘એડવાન્સ્ડ લિગો’ તરીકે વિસ્તૃતીકરણનો શ્રેય ડો બેરિશને જાય છે.
  • ડૉ. બેરી બેરિશની દીર્ઘદ્રષ્ટિથી લિગો પ્રોજેક્ટ સાથે અન્ય દેશોની સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોને સાંકળવામાં આવ્યા. લિગોનું આ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ‘લિગો સાયન્ટિફિક કોલેબોરેશન’ તરીકે ઓળખાય છે.
વાઇસ, થોર્ન અને બેરિશને મળેલ નોબેલ પ્રાઇઝ

આ વર્ષ 2017ના ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ વિજેતાઓની જાહેરાત રોયલ સ્વિડીશ એકેડેમી ઓફ સાયંસિઝ (સ્ટોકહોમ, સ્વિડન) દ્વારા 3 ઑક્ટોબર, 2017ના રોજ કરવામાં આવી.

  • ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) માં સર્વ પ્રથમ નોબેલ પ્રાઇઝ (વર્ષ 1901) જીતનાર જર્મન વૈજ્ઞાનિક વિલ્હેમ રોંજન (રોન્ટજન) હતા.
  • 1901થી આ વર્ષ ઑક્ટોબર, 2017 સુધી ફિઝિક્સમાં કુલ 206 વૈજ્ઞાનિકોને 207 નોબેલ પ્રાઇઝ અપાયાં છે.
  • અમેરિકાના જોહન બાર્ડીન (જહોન બાર્ડીન  – John Bardeen: 1908 – 1991) એક માત્ર એવા વૈજ્ઞાનિક છે, જેમને ફિઝિક્સમાં બે વખત નોબેલ પ્રાઇઝ મળ્યું છે. જહોન બાર્ડીન 1956 અને પછી 1972માં એમ બે વખત ફિઝિક્સમાં નોબેલ પારિતોષિક વિજેતા બન્યા છે.

આ વર્ષ 2017ની લિગો-ભૌતિકશાસ્ત્રીઓની ત્રિપુટીને મળનાર નોબેલ પ્રાઇઝની કુલ રકમ આશરે 11,10,000 ડોલર છે. આ નોબેલ પારિતોષિકની 50% રકમ રેનર વેઇઝને મળશે, બાકીની 50% રકમ કિપ થોર્ન અને બેરી બેરિશ વચ્ચે સરખા ભાગે વહેંચાશે.

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – પૂરક માહિતી: ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ માટે લિગોના વૈજ્ઞાનિકોને મળ્યું નોબેલ પ્રાઇઝ (LIGO scientists won the Nobel Prize in Physics for detection of Gravitational waves)

 

** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

12 thoughts on “ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ માટે લિગોના વૈજ્ઞાનિકોને મળ્યું નોબેલ પ્રાઇઝ

Please write your Comment