.
ઉત્તર કોરિયા (North Korea) એ 6 જાન્યુઆરી, 2016ના દિવસે હાઇડ્રોજન બોંબ (Hydrogen Bomb) નું પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરી. ઉત્તર કોરિયાના આ ધડાકાએ અમેરિકા, રશિયા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાને તો ચોંકાવી દીધા, પરંતુ વિશ્વભરમાં સનસનાટી ફેલાવી દીધી. વિશ્વમાં અણુશક્તિની મહાસત્તાઓમાં અમેરિકા અને રશિયાનું મોખરાનું સ્થાન છે. ન્યુક્લિયર પાવરની રેસમાં ઉત્તર કોરિયા જેવો દેશ તેમને પડકાર આપે, તે ન તો અમેરિકાને ગમે, ન રશિયાને. ઉત્તર કોરિયાએ એટમ બોંબ બનાવ્યા સુધીની વાત જેમ તેમ ખમાતી હતી, પરંતુ હાઇડ્રોજન બોંબ બનાવવાની વાત દુનિયાના કોઈ દેશને હજમ થતી નથી. ઉત્તર કોરિયાની જાહેરાત સફેદ જૂઠાણું છે તેવી વાતો પણ ચર્ચામાં છે.
ન્યુક્લિયર પાવરની રેસમાં ગણતરીના દેશો છે. ન્યુક્લિયર વેપન્સ- નુક્લિયર વોરહેડ અથવા અણુશસ્ત્રો ધરાવતા મુખ્ય દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, ચીન, યુકે, ભારત,પાકિસ્તાન, ઈઝરાયેલ અને ઉત્તર કોરિયાનાં નામ આવે. જ્યારે હાઇડ્રોજન બોંબ ધરાવતા દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, યુકે તથા ફ્રાંસ આવે. આમ, હાઇડ્રોજન બોંબ ટેસ્ટ કર્યાનો ઉત્તર કોરિયાનો દાવો સાચો હોય તો ન્યુક્લિયર પાવરની રેસમાં તેનો ઘોડો તેજીમાં આવે.
હજી આ વિવાદ શમે ત્યાં તો ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણના દાવાએ ખલબલી મચાવી છે. આજે 9 જાન્યુઆરીના રોજ ઉત્તર કોરિયાએ સબમરીન-લોંચ્ડ બેલિસ્ટિક મિસાઈલ (Submarine-Launched Ballistic Missile- SLBM) ના સફળ પરીક્ષણનો વિડીયો પ્રદર્શિત કર્યો છે.
નોર્થ કોરિયાના દાવાઓને કેટલી ગંભીરતાથી લેવા તે અંગે રાજકીય નિરીક્ષકોમાં મતભેદ છે. આમે ય, નોર્થ કોરિયાના દાવા ઘણી વાર સનસનીખેજ ગપગોળા જ હોવાનું બહાર આવતું રહ્યું છે. અમેરિકાના અને યુરોપના સમાચાર માધ્યમોમાં ખરેખર તો હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ થયું જ નથી તેવી ચર્ચા છે. સાઉથ કોરિયાએ એક કદમ આગળ વધી આજના SLBM મિસાઈલ પરીક્ષણના વિડીયોને બનાવટી કહ્યો છે.
સત્ય સમય જતાં બહાર આવશે, પણ હાલ એવું ચિત્ર ઉપસે છે કે ઉત્તર કોરિયાના મનસૂબા આકાશને આંબી રહ્યા છે. ઉત્તર કોરિયાના 33 વર્ષના તાનાશાહી શાસક કિમ જોં ઉન (કિમ જોન્ગ ઉન) પોતાના પાડોશી-સમા દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનને જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પશ્ચિમી તાકાતો સહિત વિશ્વને સંદેશ આપી રહ્યા છે.
કોરિયાનો પાછલી સદીનો ઇતિહાસ જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) ના આરંભ પહેલાં 1910માં કોરિયા સામ્રાજ્યવાદી જાપાનના તાબામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) સુધી તેના પર જાપાનની આણ રહી. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો જાણે છે કે અમેરિકાએ જાપાનના ઔદ્યોગિક શહેરો હીરોશીમા અને નાગાસાકી પર એટમ બોંબ ફેંક્યા; 15 ઑગસ્ટ 1945ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારી.
2 સપ્ટેમ્બર 1945ના રોજ જાપાને શરણાગતિના દસ્તાવેજ પર સહી કરતાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાનની હાર થતાં અમેરિકા (યુએસએ) અને સોવિયેટ યુનિયન (USSR) કોરિયા (કોરિયન પેનિન્સ્યુલા) ના ભાગ પાડવા બેસી ગયા. આખરે બંને દેશો જગતકાજી ખરા ને! ઉત્તર કોરિયાનો ભાગ સોવિયેટ યુનિયન (રશિયા) ને તથા દક્ષિણ કોરિયાનો ભાગ અમેરિકાને મળ્યો. તે જમાનો અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ- કોલ્ડ વોર (Cold War) – નો હતો. ઉત્તર કોરિયાને સોવિયેટ યુનિયનનો સામ્યવાદનો રંગ લાગ્યો; દક્ષિણ કોરિયાને અમેરિકાએ લોકશાહીના રંગે રંગ્યું. બે મહાસત્તાઓની કોલ્ડ વોરની અસરનો ભોગ આ બંને નવાં રાષ્ટ્રો બન્યાં. ઉત્તર કોરિયાએ 1950માં દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું અને કોરિયન વોર (Korean war 1950-53) નો સંહાર ઝેલી, થાકી બંને રાષ્ટ્રો શાંત બેઠાં. પણ આજ સુધી સામસામે ઘુરકિયાં તો કરતાં જ રહ્યાં છે.
ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી નેશનલ ટીવી પર હાઇડ્રોજન બોંબના પરીક્ષણની થયેલી જાહેરાતનાં તથા તેની રાજકીય અસરોનાં ભેદી પાસાં હજી ખુલવાનાં બાકી છે.
.
8 thoughts on “ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (1)”