અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

મુંબઈમાં દોડી ભારતીય રેલવેની પ્રથમ પેસેંજર ટ્રેન (1853)

 

ઇંગ્લેન્ડમાં સ્ટોકટન ડાર્લિંગટન રેલવે લાઇનના આરંભ (1825) પછી યુરોપ તથા અમેરિકામાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાઓ ફેલાવા લાગી. અંગ્રેજ શાસનમાં 1832 થી 1850 દરમ્યાન હિંદુસ્તાનમાં રેલવે પ્રચલિત થતી ગઈ.

હિંદુસ્તાનમાં રેલવે વ્યવહારની શરૂઆત

સૌ પહેલાં, દક્ષિણ ભારતમાં ચિંતાદ્રિપેટ (મદ્રાસ) ખાતે પ્રાયોગિક ધોરણે રેલવે લાઇનનો ઉપયોગ થયો. 1837 માં મદ્રાસ ઇલાકા (મદ્રાસ પ્રેસિડેંસિ, હાલ તામિલનાડુ) માં રેડ હિલ રેલ રોડ (રેડ હિલ રેલવે) કાર્યરત થતાં રેલવે ટ્રાંસપોર્ટ સેવા શરૂ થઈ. આપે ‘મધુસંચય’ના લેખ પર વાંચ્યું કે રેડ હિલ્સ રેલવે વ્યાવહારિક – કોમર્શિયલ હેતુ અર્થે ઉપયોગમાં લેવાયેલ ભારતની સર્વ પ્રથમ રેલવે લાઇન હતી.

1851ના ડિસેમ્બરની 22મી તારીખે ઉત્તર ભારતમાં રૂરકી પાસે રેલવે લાઇન પર સૌ પ્રથમ સ્ટીમ એંજિન ‘થોમસન’ દ્વારા ખેંચાતી રેલવે ટ્રેન (!) નો ઉપયોગ થયો. થોમસન સ્ટીમ લોકોમોટિવ દ્વારા સંચાલિત આ માલવાહક ટ્રેન સોલાની એક્વિડક્ટ (ગંગા રિવર કેનાલ પ્રૉજેક્ટ) ના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી હતી.

મુંબઈમાં રેલવે માટે જગન્નાથ શેઠ અને સર જમશેત્જી જીજીભોયના પ્રયત્નો    

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્તાહર્તાઓ મુંબઈને થાણા (તન્નાહ/ તાન્નાહ) તેમજ થલ ઘાટ અને ભોર ઘાટ સાથે સાંકળવા વિશે ગંભીર થયા. 1844માં મુંબઈમાં રેલવે લાઇન શરૂ કરવા કંપની સ્થાપવાના પ્રયત્નો લંડનમાં શરૂ થયા. તેમાં ફાધર ઓફ રેલવે’ કહેવાતા જ્યોર્જ સ્ટિફન્સનનો ફાળો પણ હતો.

મુંબઈમાં સક્રિય ભાગ ભજવનાર આગેવાનો હતા મુંબઈના બે ‘જે (J)’ :

પ્રથમ ‘જે’ મુંબઈની કાયાપલટ કરનાર સેવાભાવી અગ્રણી જગન્નાથ શંકર શેઠ (નાના શેઠ) તથા બીજા ‘જે’  સમાજસેવક પારસી ઉદ્યોગપતિ સર જમશેત્જી જીજીભોય (સર જે જે).

જગન્નાથ શંકર શેઠનો મરીમસાલા ઉપરાંત બેશકીમતી ઇરાની જાજમ – પર્શિયન કાર્પેટ – નો વ્યવસાય હતો. જગન્નાથ નાના શેઠ મુંબઈના ‘જસ્ટિસ ઓફ પીસ’ પણ હતા. જમશેત્જી જીજીભોય કોટન, સિલ્ક અને અફીણના ધંધામાં અઢળક સંપત્તિ કમાયા હતા.

જગન્નાથ શેઠ અને સર જે જેની આગેવાનીમાં મુંબઈમાં ‘ઇંડિયન રેલવે એસોસિયેશન’ની રચના થઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપની

1849માં ઇંગ્લેન્ડની પાર્લમેન્ટ દ્વારા મંજૂરીની મહોર વાગી અને મુંબઈ માટે રેલવે કંપનીની સ્થાપનાનો માર્ગ ખુલ્લો થયો. ફળસ્વરૂપ, ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપની અસ્તિત્વમાં આવી.

અંગ્રેજ ડાયરેક્ટરોનું પ્રભુત્વ ધરાવતી આ બ્રિટીશ કંપની જીઆઇપીઆરમાં માત્ર બે ભારતીય ડાયરેક્ટરો હતા: સર જમશેત્જી જીજીભોય; બીજા હતા જગન્નાથ શંકર શેઠ.

મુંબઈનિવાસી આ બંને આગેવાનોએ મુંબઈના વિકાસનો પાયો મજબૂત કરવા રેલવેના આરંભમાં ઊંડો રસ લીધો. 1849માં જીઆઇપીઆર કંપનીને જરૂરી કેપિટલ મેળવવાની મંજૂરી મળતાં કંપની સક્રિય થઈ. જીઆઇપીઆરના રેસિડેંટ એન્જીનિયર તરીકે બાહોશ બ્રિટીશ એન્જીનિયર જે જે બર્કલી નિમાયા. 1850માં ઇંગ્લિશ એંજિનિયર બર્કલીએ મુંબઈ થાણા વિસ્તારનો સર્વે કર્યો.

એશિયાની આ પ્રથમ રેલવે રેલવે લાઇન હોવાથી પડકારો ઘણા હતા. 1851માં દસ હજાર કર્મચારીઓના જંગી સ્ટાફ સાથે રેલવે માટે કામ શરૂ થયું. મુંબઈના તે સમયે બોરી બંદરથી ઓળખાતા વિસ્તારમાં બોરીબંદર સ્ટેશનનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું. ‘મધુસંચય’ના વાચકો સીએસટીથી પરિચિત છે. આજે જ્યાં સીએસટી – છત્રપતિ શિવાજી ટર્મિનસ છે, ત્યાંથી થોડે જ દૂર બોરીબંદર સ્ટેશન હતું. 1852માં રેલવે લાઇનની કામગીરી પૂરી થઈ ગઈ.

ફેબ્રુઆરી 1852માં સૌ પ્રથમ સ્ટીમ એંજિન જોડીને ટ્રેનના ટ્રાયલ રન પણ લેવાઈ ગયા. તે સમયે બૉમ્બેના ગવર્નર લોર્ડ ફૉકલેંડ (1848-1853)  હતા. તેમના માનમાં પ્રથમ સ્ટીમ એંજિનનું નામ ‘ફૉકલેન્ડ’ રાખવામાં આવ્યું.

હિંદુસ્તાનની પ્રથમ રેલવે ટ્રેન મુંબઈમાં બોરીબંદર અને થાણા વચ્ચે દોડાવવાની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ. પ્રથમ પેસેંજર ટ્રેન માટે ઇંગ્લેન્ડથી ત્રણ સ્ટીમ એંજિન (સ્ટીમ લોકોમોટિવ) મુંબઈ આવી પહોંચ્યાં. આ ત્રણ સ્ટીમ લોકોમોટિવનાં નામ  – સાહેબ, સુલતાન અને સિંધ – રાખવામાં આવ્યાં.

એશિયાની પ્રથમ રેલવે પેસેંજર ટ્રેન સેવાનો આરંભ

16 એપ્રિલ, 1853 ને શનિવાર.

હિંદુસ્તાનના રેલવે વ્યવહારના આરંભનો ઐતિહાસિક દિન. આજે હિંદુસ્તાનની જ નહીં, સમગ્ર એશિયાની પ્રથમ રેલવે પેસેંજર ટ્રેન સેવા શરૂ થનાર હતી. ‘મધુસંચય’ના વાચકોને નવાઈ લાગશે કે તે દિવસે મુંબઈમાં રજા જાહેર કરવામાં આવી હતી. બોરીબંદરના સ્ટેશન પર જનમેદની ઉમટી પડી હતી. ટ્રેન અને વીઆઇપી પેસેંજરોના સન્માનમાં મુંબઈના ગવર્નરનું ખાસ બેંડ બોલાવવામાં આવ્યું હતું.

બોરી બંદરના પ્લેટફોર્મ પર 14 કોચ સાથેની ટ્રેન તૈયાર હતી. તેને  ત્રણ સ્ટીમ એન્જિનો – સુલતાન, સિંધ તથા સાહેબ – જોડેલાં હતાં. ટ્રેનમાં આશરે 400 પેસેંજર ગોઠવાઈ ગયા. તેમાં જીઆઇપીઆરના ભારતીય  ડાયરેક્ટર સર જમશેત્જી જીજીભોય અને જગન્નાથ શંકર શેઠ સહિત ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓ, અન્ય પ્રતિષ્ઠિત અંગ્રેજ અને હિંદુસ્તાની આગેવાનો ગોઠવાયા. મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડ ન આવ્યા, પણ તેમનાં પત્ની લેડી ફોકલેંડ વિશેષ આમંત્રિત મહેમાન હતાં.

બપોરના સાડા ત્રણ વાગ્યા સુધીમાં આ તમામ મહેમાનો ગોઠવાઈ જતાં એકવીસ તોપોની સલામી અપાઈ. બપોરે 3 35 વાગ્યે પ્લેટફોર્મ છોડી, ત્રણ  સ્ટીમ એંજિન લોકોમોટિવથી ચાલતી, 14 કોચની ભારતની પ્રથમ પેસેંજર રેલવે ટ્રેને થાણે તરફ પ્રયાણ કર્યું. બોરી બંદરથી 34 કિલોમીટરની –  આશરે  45 મિનિટની – સફળ મુસાફરી પછી ટ્રેન હેમખેમ થાણે પહોંચી.

થાણામાં સમારંભ પછી, વળતી મુસાફરી કરી, સાંજના સાતેક વાગ્યે ટ્રેન બોરીબંદર મુંબઈ પાછી ફરી. આમ, સોળમી એપ્રિલ 1853ના રોજ મુંબઈમાં ભારતની (એશિયાની પણ) સર્વ પ્રથમ સ્ટીમ લોકોમોટિવ સંચાલિત જાહેર રેલવે ટ્રેન સેવાનો આરંભ થયો.

બીજે દિવસે, રવિવાર 17મી એપ્રિલના રોજ પૂરી બોરીબંદર-થાણા ટ્રેન જીઆઇપીઆરના ભારતીય ડાયરેક્ટર અને પારસી ઉદ્યોગપતિ જમશેત્જી જીજીભોયના પરિવાર અને તેમના આમંત્રિત પરિચિતો માટે રિઝર્વ્ડ કરાઈ હતી.

ત્યાર પછી  બોરીબંદર થાણે રેલવે ટ્રેન વ્યવહાર નિયમિત શરૂ થયો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

હિંદુસ્તાનની પ્રથમ રેલવે ટ્રેન : ઇતિહાસની ઝંખવાયેલી કહાણી

ભારતીય પેસેંજર રેલવેના આરંભની ઝંખવાયેલી કહાણી પણ જાણવા જેવી છે. જ્યારે 1830માં, ઇંગ્લેંડમાં પ્રથમ ઇન્ટરસીટી પેસેન્જર ટ્રેન લિવરપુલથી માંચેસ્ટર સુધી શરૂ થઈ હતી, તે દિવસે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર આર્થર વેલેસ્લી (ડ્યુક ઑફ વેલિંગ્ટન) એ સમારોહમાં ભાગ લઈ મુસાફરી કરી હતી. જ્યારે 1853માં હિંદુસ્તાનની પ્રથમ પેસેંજર રેલવે ટ્રેન મુંબઈમાં દોડી, તે દિવસના સમારોહમાં મુંબઈના ગવર્નર ફૉકલેંડ હાજર ન હતા. તેઓ અન્યત્ર બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હતા.

બીજી કરુણતા એ કે હિંદુસ્તાનની પ્રથમ પેસેંજર ટ્રેનને ખેંચનાર ત્રણ  ઐતિહાસિક સ્ટીમ એંજિન લોકોમોટિવ – સાહેબ, સુલતાન તથા સિંધ – ક્યાં ખોવાઈ ગયા તેની કોઈ નોંધ નથી. ‘મધુસંચય’ના વાચકોને ખેદ થશે કે સાહેબ અને સુલતાનનું શું થયું તેનો કોઈ રેકર્ડ નથી. ઉપેક્ષિત સિંધ છાનુંમાનું મુંબઈના એક વર્કશોપમાં પડી રહ્યું હતું! ત્યાંથી બિચારાને ખેંચીને, 1953માં દિલ્હી લઈ ગયા – રેલવે શતાબ્દી ઉજવણી માટે પ્રદર્શન કરવા! બસ, પછી સિંધ ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર નથી. ઇતિહાસનાં અમૂલ્ય સ્મૃતિચિન્હો તથા સ્મારકોની ઘોર ઉપેક્ષા આપણને, ભારતીયોને એવી તો કોઠે પડી ગઈ છે કે મારી માફક આપ પણ કહેશો કે ‘મધુસંચય’નું આ અરણ્ય રૂદન કોણ સાંભળશે?

પોસ્ટ સ્ક્રિપ્ટ:

ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર આર્થર વેલેસ્લી એક જમાનામાં ઇંગ્લેન્ડના આર્મીમાં ઉચ્ચ પદાધિકારી સેનાપતિ હતા. તેમનું નામ ફ્રાંસના શહેનશાહ નેપોલિયન સાથેના વોટરલુના યુદ્ધ (1815) ના કારણે ભારે પ્રસિદ્ધિમાં આવ્યું.  બ્રિટીશ સેનાપતિ તરીકે આર્થર વેલેસ્લીએ ફ્રેંચ એમ્પેરર નેપોલિયનને જગપ્રસિદ્ધ વોટરલુની લડાઈ (બેટલ ઑફ વોટરલુ) માં હાર આપી હતી. અગાઉ તેમણે હિંદુસ્તાન સહિત એશિયામાં ઇંગ્લિશ આર્મીમાં કામગીરી બજાવી હતી. ફર્સ્ટ ડ્યૂક ઑફ વેલિંગ્ટનથી જાણીતા આર્થર વેલેસ્લી હાઉસ ઑફ લોર્ડ્સના સદસ્ય તથા  ‘કમાંડર-ઇન-ચીફ ઑફ ધ બ્રિટીશ આર્મી’ હતા.

આર્થર વેલેસ્લીના ભાઈ રિચાર્ડ વેલેસ્લીનું નામ બ્રિટીશ હકૂમતમાં  ગવર્નર જનરલ ઑફ ઇંડિયાની યાદીમાં છે. હકીકતમાં રિચાર્ડ વેલેસ્લીનું પદ તો ગવર્નર-જનરલ ઑફ ધ પ્રેસિડેંસી ઑફ ફૉર્ટ વિલિયમ (કલકત્તા, બંગાળાના ગવર્નર જનરલ) તરીકે હતું. અંગ્રેજ શાસનમાં વિવાદાસ્પદ સહાયકારી યોજના (સબસિડીયરી એલાયંસ) શરૂ કરનાર રિચાર્ડ વેલેસ્લી ભારતના ઇતિહાસમાં બદનામ છે. યોગાનુયોગ, રિચાર્ડ વેલેસ્લી ઇંગ્લેંડના વર્તમાન રાજ્યકર્તા ક્વિન એલિઝાબેથના પૂર્વજ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – વિશેષ મુદ્દા: મુંબઈમાં દોડી ભારતીય રેલવેની પ્રથમ પેસેંજર ટ્રેન (1853)
 • બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપની દ્વારા બોમ્બે પ્રેસિડેંસિમાં રેલવેની નવી પરિવહન સેવા શરૂ કરવા નિર્ણય
 • મુંબઈમાં જાહેર રેલવે સેવા શરૂ કરવા ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપનીની સ્થાપના
 • જીઆઇપીઆર કંપનીના સંચાલનમાં બે ભારતીય ડાયરેક્ટરો: જગન્નાથ શંકર શેઠ તથા સર જમશેત્જી જીજીભોય (સર જે જે)
 • ઇસ્ટ ઇંડિયા કંપની અને જીઆઇપીઆર દ્વારા લેવાયેલ નિર્ણયથી બોરી બંદરથી તન્નાહ (થાણા) પ્રથમ પેસેંજર રેલવે ટ્રેન શરૂ કરવા યોજના
 • 1853ના 16મી એપ્રિલના રોજ મુંબઈમાં બોરીબંદર થાણા દોડી વચ્ચે ભારતની પ્રથમ પેસેંજર ટ્રેન
 • બોરીબંદર પછીથી વિક્ટોરિયા ટર્મિનસ રૂપે બંધાયું, જે હવે કહેવાય છે છત્રપતિ શિવાજી ટર્મિનસ
 • ભારતની પ્રથમ રેલવે પેસેંજર ટ્રેનના ત્રણ સ્ટીમ એંજિન લોકોમોટિવ – સાહેબ, સુલતાન અને સિંધ

*** *** ** * ** ** **** * ** *** *** ***

મધુસંચય લેખ – કી વર્ડ્ઝ: મુંબઈમાં દોડી ભારતીય રેલવેની પ્રથમ પેસેંજર ટ્રેન (1853)
 • ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર): Great Indian Peninsula Railway (GIPR)
 • જગન્નાથ શંકર શેઠ / નાના શેઠ: Jagannath Shankar Sheth/ Jagannath Sanker Seth
 • સર જમશેત્જી જીજીભોય/ જમશેતજી જીજીભોય/ જમશેદજી જીજીભાઈ: Sir Jamsetjee Jejeebhoy/ Jamsetjee Jeejeebhoy / Sir JJ
 • બોરીબંદર / બોરી બંદર: Bori Bunder / Bori Bandar/ Boreebunder
 • વિક્ટોરિયા ટર્મિનસ (વીટી): Victoria Terminus (VT)
 • છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી): Chhatrapati Shivaji Terminus (CST)
 • થાણા/ થાણે/ તન્નાહ/ તાન્નાહ/: Thane / Tannaah
 • વોટરલુનું યુદ્ધ (1815): Battle of Waterloo (1815)

*** *** ** * ** ** **** * ** *** *** ***

ક્લિક કરો: સર જમશેત્જી જીજીભોય (સર જમશેદજી જીજીભોય / સર જે જે) કોણ હતા?

ક્લિક કરો: વિશ્વમાં રેલવેના આરંભનો ઇતિહાસ

ક્લિક કરો: વિશ્વમાં પ્રથમ ઇંટરસીટી રેલવે ટ્રેન

ક્લિક કરો: ભારતની સર્વપ્રથમ ચિંતાદ્રિપેટ રેડ હિલ મદ્રાસ રેલવે વિશે જાણવા

ક્લિક કરો: વિશ્વની પ્રથમ પબ્લિક ટ્રાંસપોર્ટ સિસ્ટમમાં ફ્રાંસના રાજાની સફર

ક્લિક કરો: વોટરલુના યુદ્ધ વિશે જાણવા

 

 

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * *

14 thoughts on “મુંબઈમાં દોડી ભારતીય રેલવેની પ્રથમ પેસેંજર ટ્રેન (1853)

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s