દેશ- દુનિયા · પ્રકીર્ણ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (2)

.

ઉત્તર કોરિયાએ “શાઇનિંગ સ્ટાર” નામનો સેટેલાઇટ (માનવસર્જીત ઉપગ્રહ) 7 ફેબ્રુઆરી 2016ના રોજ અવકાશમાં મૂકીને ફરી એક વખત દુનિયાને હલાવી દીધી છે.

જાન્યુઆરી 2016માં “મિનિએચરાઇઝ્ડ” હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ કરી ઉત્તર કોરિયાયુએન (યુનાઇટેડ નેશન્સ) તેમજ અમેરિકા સહિત અન્ય દેશોને ધ્રુજાવી દીધાં હતાં. ઉત્તર કોરિયાએ “શાઇનિંગ સ્ટાર” સેટેલાઇટ લોંચના બહાના નીચે અણુશસ્ત્રો (ન્યુક્લિયર વેપન્સ)થી હુમલો કરી શકાય તેવી આધુનિક બેલિસ્ટિક મિસાઇલ ટેકનોલોજી વિકસાવી હોવાનું મનાય છે. ‘મધુસંચય’ના વાચક-મિત્રો જાણે છે કે ન્યુક્લિયર પાવરની રેસમાં નોર્થ કોરિયા (Democratic People’s Republic of Korea – DPRK)ની હરણફાળથી તેના પાડોશી દેશ સાઉથ કોરિયાની ઊંઘ ઊડી ગઈ છે. જાપાન, અમેરિકા અને ચીન જેવા દેશો પણ ચોંકી ગયા છે.

ઉત્તર કોરિયાના “શાઇનિંગ સ્ટાર-4” સેટેલાઇટનું કોરિયન નામ Kwangmyongsong-4 છે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ પોતાના “શાઇનિંગ સ્ટાર” સેટેલાઇટને શાંતિપૂર્ણ હેતુઓ માટેના “અર્થ ઓબ્સર્વેશન” સેટેલાઇટ તરીકે ઓળખાવે છે. કુદરતી સંસાધનો, હવામાન, ખેતી આદિના અભ્યાસ અર્થે સેટેલાઇટનો ઉપયોગ કરાશે તે વાત અમેરિકા તથા વેસ્ટર્ન વર્લ્ડ માનવા તૈયાર નથી. વિશ્વના અગ્રણી નિરીક્ષકો એમ જ માને છે કે રોકેટ દ્વારા સેટેલાઇટ લોંચ કરવાની ટેકનોલોજી દ્વારા ઉત્તર કોરિયા લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઇલ કે ઇંટર કોન્ટિનેટલ બેલિસ્ટિક મિસાઇલ (Inter Continental Ballistic Missile – ICBM)ની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે. આ ખતરનાક મિસાઇલ્સ તેમની સાથે મહાવિનાશક અણુશસ્ત્રો-ન્યુલિયર વોર હેડ્સ (Nuclear warheads) – વહન કરીને 5000 કિલોમીટરથી પણ વધુ દૂરના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. એવું મનાય છે કે ઉત્તર કોરિયાના મિસાઇલ્સ દક્ષિણ કોરિયા અને જાપાન તો શું, હવે શક્તિશાળી ઇંટર કોન્ટિનેટલ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા અમેરિકાને પણ ટાર્ગેટ બનાવી શકે છે.

ઉત્તર કોરિયાની આ હરકતો વિશ્વશાંતિ તથા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ કરી રહી છે. હાલ વિશ્વના મોટા ભાગના દેશોના પરસ્પરના સંબંધો સ્વાર્થસભર, સગવડિયા (need-based) અથવા ‘લવ – હેટ’ (Love-hate) બની રહ્યા છે તે વાત ‘મધુસંચય’ના વાચકો સમજે છે. આવા દેશોને મોસમ પ્રમાણે રૂખ બદલવો પડે; કાચંડાની માફક રંગ પણ બદલવા પડે. ઉત્તર કોરિયાનો એક માત્ર કહેવાતો મિત્ર ચીન છે. ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા અને જાપાન સાથે દુશ્મની છે. તેમાં વળી જગત-કાજી અમેરિકા તેનું દુશ્મન. પૂર્વ-એશિયામાં ચીનનો વધતો પ્રભાવ રોકવા અમેરિકાએ આ વિસ્તારમાં પગદંડો જમાવી રાખવો પડે; દક્ષિણ કોરિયાને પોતાના પંજામાં રાખવું પડે. દક્ષિણ કોરિયાએ અમેરિકાની ખુશામત કરતાં રહેવું પડે અને સાથે ચીનને પણ પંપાળવું પડે. બીજી બાજુ, ચીનના વ્યાપાર સંબંધો ઉત્તર કોરિયા સાથે ગાઢા છે. ચીન પોતાના આર્થિક હિતમાં તેને ટેકો આપતું રહે. વળી જો અમેરિકાની સહાયથી દક્ષિણ કોરિયા જો ઉત્તર કોરિયાને પછાડે(?) તો શરણાર્થીઓનાં ધાડાં ચીનમાં ઊતરી પડે જે ચીનને ના પોસાય. જાપાનને ઉત્તર કોરિયાથી બચવા અમેરિકાનો સાથ જરૂરી છે. ઉપરાંત, અમેરિકા અને ચીન અત્યારે એવા આર્થિક સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે કે બંનેએ એકબીજાને સાચવવા પડે. ઉત્તર કોરિયાના હુંકારે ખૂબ ગૂંચવાયેલી પરિસ્થિતિ ઊભી કરી છે. આમ, અમેરિકા-યુરોપને પજવતા સીરિયાના પ્રશ્ન સાથે ઉત્તર કોરિયા વિશ્વશાંતિ માટે નવો મોટો પ્રશ્ન બની શકે છે.

 ** ** ** ** ** ** ** **

 

 

 

4 thoughts on “ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (2)

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s