.
.
ભારતના ગણમાન્ય પક્ષીવિદ સલીમ અલી (1896-1987) ના નામથી આપ પરિચિત હશો. સલીમ અલીએ પક્ષીઓના અભ્યાસ પાછળ જીવન સમર્પિત કર્યું અને પક્ષીશાસ્ત્રના નિષ્ણાત તરીકે દુનિયાભરમાં નામના મેળવી.
સલીમ અલીનું બાળપણ મુંબઇમાં વીત્યું. નવ ભાઇ-બહેનોમાં સૌથી નાના સલીમ અલી. તેમણે નાની ઉંમરમાં માતાપિતા ગુમાવ્યાં. નવ બાળકો તેમના મામાને ત્યાં મોટાં થયાં. મુંબઇમાં ચર્ની રોડ – ગિરગામ વચ્ચે ખેતવાડીમાં તેમનું ઘર.
વીસમી સદીની શરૂઆતના તે સમયમાં શિક્ષણ પામવું સરળ ન હતું. આઠ-નવ વર્ષના થયા ત્યાં સુધી સલીમ અલી ગિરગામની એક ગર્લ્સ મિશનરી સ્કૂલમાં ભણ્યા. પછી તેમણે ધોબી તળાવની સેંટ ઝેવિયર્સમાં અભ્યાસ કર્યો. તે સમયે મુંબઇમાં મોટરકારનું નવું નવું આગમન થયું હતું. શહેરમાં ગણીગાંઠી કાર હતી.
મુંબઇમાં ટ્રાન્સપોર્ટ માટે બોમ્બે ટ્રામ વે કંપનીની ઘોડાની ટ્રામ પ્રચલિત હતી.
મુંબઈમાં ઘોડાની ટ્રામ 1874ના મે મહિનામાં શરૂ થઈ હતી. આરંભમાં આવી હોર્સ-ટ્રામ કોલાબા-બોરીબંદર (હાલ સીએસટી) વિસ્તારથી ક્રાફર્ડ માર્કેટ થઈ પાયધુની-માંડવી (ફોર્ટ) વિસ્તારમાં ચાલતી.
પછી તેના રૂટ ખેતવાડી, ગિરગામ, ગ્રાન્ટરોડ જેવા વિસ્તારો કવર કરતા થયા. મુંબઇના વિવિધ વિસ્તારોમાં એક અથવા બે ઘોડાની ટ્રામો (ટ્રામ્સ) દોડતી. જ્યારેે જ્યારે મોટી હોર્સ ટ્રામને બેથી માંડી છ-આઠ ઘોડા ખેંચતા. ત્રણ ચાર દાયકા આવી ઘોડાની ટ્રામ દોડી, તે દરમ્યાન શ્રીમંતો પોતાની માલિકીની ઘોડાની બગીમાં સવારી કરતા, જ્યારે સામાન્ય પ્રજાને બળદગાડામાં મુસાફરી કરવી પડતી.
સલીમ અલી આવી ઘોડાની ટ્રામ ( હોર્સ ટ્રામ) માં બેસીને શાળાએ જતા. ઇરાકથી આવેલા અરબી ઘોડા કે ઓસ્ટ્રેલિયાથી આયાત કરેલા ઊંચી નસ્લના ઓસ્ટ્રેલિયન ઘોડા ટ્રામને ખેંચતા. જુદા જુદા રૂટ પર નિર્ધારિત સ્થાનો વચ્ચે ટ્રામ સર્વિસ સમયાંતરે દોડતી.
લાંબા અંતરના રૂટ પર રસ્તામાં નિશ્ચિત સ્થળે ટ્રામના ઘોડા બદલવામાં પણ આવતા. તો વળી રસ્તામાં આવતા પુલ પરથી ટ્રામને ખેંચવા વિશિષ્ટ વ્યવસ્થા રહેતી. પુલના આરંભના ભાગે એક ઘોડાવાળો ખડે પગે રહેતો. દોડતી ટ્રામ જેવી પુલ પાસે આવે કે તરત ઘોડાવાળો પોતાનો ઘોડો લઇ ટ્રામ સાથે દોડતો અને ચાલતી ટ્રામે જ પોતાના ઘોડાને ટ્રામ સાથે જોડી દઇ ટ્રામને પુલ ચડવામાં મદદરૂપ થતો. ટ્રામ પુલના મધ્યના ભાગે પહોંચે કે તરત એવી જ ચપળતાથી પોતાનો ઘોડો છૂટો પાડી ઘોડાવાળો પછીની ટ્રામની પ્રતીક્ષામાં ફરી પોતાના સ્થાને ઊભો રહી જતો.
કાર, બસ અને ટ્રેનમાં મુંબઇ ઘુમી ચુકેલા આપણને સૌને ઘોડાની ટ્રામની વ્યવસ્થા સમજવી કેવી અઘરી લાગે !
1907ના મે મહિનામાં મુંબઈમાં ઇલેક્ટ્રીક ટ્રામ શરૂ થઈ.
.
7 thoughts on “સલીમ અલી, મુંબઇ અને ઘોડાની ટ્રામ”