અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (2)

 

ઇંગ્લેન્ડમાં સ્ટીમ એંજિનને કારણે ઔદ્યોગિક ક્રાંતિને વેગ મળ્યો તે આપણે જાણીએ છીએ. ટોમસ ન્યુકોમેન (થોમસ ન્યુકોમેન) પછી સ્ટીમ એંજિનમાં પાયારૂપ ફેરફારોને કારણે જેમ્સ વૉટ તથા સ્ટીમ લોકોમોટિવમાં ક્રાંતિકારી સુધારાઓને કારણે જ્યોર્જ સ્ટિફન્સન નામના મેળવી ગયા.

ઇંગ્લેન્ડમાં રેલવે વ્યવહારનો આરંભ 

આપ જાણો છો કે પહેલાં બળદથી કે ઘોડાથી ગાડી – ગાડાં ખેંચાતાં. ટ્રામ ઘોડાથી ખેંચાતી; પાટા પર ગાડી (ટ્રેન/ રેલવે) પણ ઘોડાથી ચાલતી. પછીથી જ્યોર્જ સ્ટિફન્સન દ્વારા બનેલ સ્ટીમ લોકોમોટિવ (એંજિન) પાટા પર ટ્રેન ખેંચવા લાગ્યું.

‘રેલવેના પિતા’ કહેવાયેલ જ્યોર્જ સ્ટિફન્સનના પ્રયત્નોથી ઇંગ્લેન્ડમાં ‘સ્ટોકટન એન્ડ ડાર્લિંગટન રેલવે’ કંપનીની પ્રથમ સ્ટીમ-પાવર્ડ પબ્લિક રેલવે ટ્રેન 1825માં દોડી. આ પ્રથમ ટ્રેનનું સ્ટીમ એન્જિન લોકોમોશન નંબર 1 જ્યોર્જ સ્ટિફન્સન અને તેમના પુત્ર રોબર્ટ સ્ટિફન્સનની કંપની રોબર્ટ સ્ટિફન્સન એન્ડ કંપનીમાં બન્યું હતું.

વિડંબના એ કે આ રેલવે ટ્રેન પેસેંજર ટ્રેન તરીકે માંડ એક દિવસ દોડી! હકીકતમાં, સ્ટોકટન એન્ડ ડાર્લિંગટન રેલવેનો મૂળભૂત હેતુ ગુડ્ઝ (કોલસા વગેરે) ની હેરફેરનો હતો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

લિવરપુલ-માંચેસ્ટર વચ્ચે વિશ્વની પહેલી નિયમિત પેસેંજર ટ્રેનની યોજના

ઇંગ્લેન્ડમાં નિયમિત રેલવે વ્યવહાર તરીકે સ્ટીમ લોકોમોટિવ વડે ખેંચાતી પેસેંજર ટ્રેન પાંચ વર્ષ પછી 1830માં શરૂ થઈ. તે પેસેન્જર ટ્રેન ઇંગ્લેન્ડના લિવરપુલ એન્ડ માંચેસ્ટર રેલવે કંપનીની હતી. બે શહેરો વચ્ચે દોડેલી વિશ્વની આ પ્રથમ ઇંટરસીટી ટ્રેન ઇંગ્લેન્ડના લિવરપુલ અને માન્ચેસ્ટર શહેરો વચ્ચે દોડી હતી.

ઉત્તર ઇંગ્લેન્ડમાં લિવરપુલ આયાત – નિકાસ માટે મહત્ત્વનું પોર્ટ સીટી હતું. માંચેસ્ટર ઇંગ્લેન્ડના કોટન ઇન્ડસ્ટ્રી – કાપડ ઉદ્યોગનું મહત્ત્વનું કેંદ્ર હતું.

ગ્રેટ બ્રિટનમાં ઇન્ડસ્ટ્રિયલ રેવોલ્યુશનને પરિણામે કાચા માલ અને ઉત્પાદિત માલની ઝડપી તેમજ સસ્તી હેરફેર આવશ્યક બની. પરિવહન માટે તે સમયના રસ્તાઓ અને જળમાર્ગ પર્યાપ્ત ન હતા. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે શહેરોને જોડવા માટે, માલ અને જનતા બંને માટે અદ્યતન પરિવહન વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય બની. ત્યારે લિવરપુલ – માંચેસ્ટરને જોડવા માટે ‘લિવરપુલ એન્ડ માન્ચેસ્ટર રેલવે’ લાઈન નાખવાની યોજના બની.

યોજનામાં ફેરફારો થતા ગયા પણ આખરે સ્ટોકટન એન્ડ ડાર્લિંગટન રેલવેને સફળ કરનાર જ્યોર્જ સ્ટિફન્સનને કામગીરી સોંપાઈ. ભારે જહેમતભર્યા સર્વે પછી, ટેકરીઓ અને દુર્ગમ વિસ્તારો વચ્ચે રેલવે લાઇન નાખવામાં આવી. પાટા પર રેલવે ટ્રેન દોડાવવા વિવિધ વિકલ્પો હતા. ટ્રેન ઘોડાથી દોડાવવી, થોડા થોડા અંતરે રાખેલ સ્ટેશનરી સ્ટીમ એંજિનોથી કેબલ વડે ખેંચીને દોડાવવી કે પછી નવા સ્ટીમ લોકોમોટિવથી દોડાવવી? શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા 1829માં એક સ્પર્ધા રાખવામાં આવી. ‘રેઇન હિલ ટ્રાયલ્સ’ તરીકે ઓળખાયેલ આ સ્પર્ધામાં જ્યોર્જ સ્ટિફન્સનનું સ્ટીમ લોકોમોટિવ ‘રોકેટ’ વિજેતા બન્યું. ‘રોકેટ’નું ઉત્પાદન જ્યોર્જ સ્ટિફન્સનની કંપની ‘રોબર્ટ સ્ટિફન્સન એન્ડ કંપની’માં કરવામાં આવ્યું હતું.

બધી તૈયારીઓ પછી 1830 ના 15 સપ્ટેમ્બરના બુધવારના દિવસે સ્ટીમ લોકોમોટિવથી ખેંચાતી લિવરપુલ – માન્ચેસ્ટર પેસેંજર રેલવે ટ્રેનનો આરંભ કરવાનું નક્કી થયું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

વિશ્વની પ્રથમ ઇંટરસીટી પેસેંજર ટ્રેનનો આરંભ

આખરે એ ઐતિહાસિક દિન આવી પહોંચ્યો. 15 સપ્ટેમ્બર, 1830.

નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં દરિયાકિનારા પર વસેલ લિવરપુલના પોર્ટ સીટીથી લઈને ઔદ્યોગિક શહેર માંચેસ્ટર સુધી વિશ્વની પ્રથમ ઇંટરસીટી પેસેંજર ટ્રેન સેવા શરૂ થવાની હતી. લિવરપુલના લોકોનો ઉત્સાહ સમાતો ન હતો.

યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) ના પ્રાઇમ મિનિસ્ટર ડ્યુક ઑફ વેલિંગ્ટનના ખિતાબથી ઓળખાતા આર્થર વેલેસ્લી પોતે લિવરપુલ એન્ડ માન્ચેસ્ટર રેલવે લાઈનની પ્રથમ ઇંટરસીટી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાના હતા.

રેલવેના ઇતિહાસમાં ‘ફાધર ઑફ રેલવે’ તરીકે જાણીતા જ્યોર્જ સ્ટિફન્સનના હાથે ફરી એક વાર વિશ્વની એક પાયોનિયર ટ્રેન સેવા શરૂ થવાની હતી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

લિવરપુલથી માંચેસ્ટર સુધી અપ એન્ડ ડાઉન સેવાઓ માટે ડબલ ટ્રેક રેલવે લાઇન નાખવામાં આવી હતી. આયોજકોએ પ્રધાનમંત્રી આર્થર વેલેસ્લી (ડ્યુક ઑફ વેલિંગ્ટન) સમક્ષ ભપકો બતાવવા ભૂલ એ કરી કે બંને ટ્રેકનો ઉપયોગ કરી, આઠ આઠ સ્ટીમ એંજિનો વડે ખેંચાતા કોચનું પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. એક ટ્રેક પર નોર્ધમ્બ્રિઅન’ (નોર્ધમ્બરલેંડ) નામક એંજિન પાછળ પ્રાઇમ મિનિસ્ટર આર્થર વેલેસ્લી તથા તેમના પ્રતિષ્ઠિત આમંત્રિતોનો કોચ જોડાયો. નોર્ધમ્બ્રિઅન કે નોર્ધમ્બરલેંડ નામક આ એંજિનના સંચાલક સ્વયં જ્યોર્જ સ્ટિફન્સન હતા. બીજા ટ્રેક પર બાકીનાં સાત સ્ટીમ  એંજિન –  રોકેટ, ફિનિક્સ, નોર્થ સ્ટાર, એરો, ડાર્ટ, કોમેટ અને મિટિયોર – હતાં. તે સાત એંજિન સાથે  અન્ય કોચ જોડાયાં જેમાં રાજકીય – સામાજીક પ્રતિષ્ઠા ધરાવતા અન્ય ‘વીઆઇપી’ મહેમાનો ગોઠવાયાં. આમાં કેટલાક ઇંગ્લેન્ડની પાર્લમેંટના મેમ્બર્સ ( મેમ્બર ઓફ પાર્લામેન્ટ- એમપી) પણ હતાં.

તોપની સલામીના સિગ્નલ સાથે સવારે દસ વાગ્યા પછી ટ્રેન લિવરપુલથી માંચેસ્ટર જવા ઉપડી.

લિવરપુલ – માંચેસ્ટરની સૌ પ્રથમ ઇંટરસીટી ટ્રેનથી પ્રાણઘાતક અકસ્માત

લિવરપુલથી જ ટ્રેનને જોવા રેલવે લાઇનની બંને બાજુ પાંચ સાત કિલોમીટર સુધી તો ખૂબ ભીડ હતી. અર્ધા રસ્તે, પાર્કસાઇડ (ન્યૂટન) પાસે પહોંચતાં સ્ટીમ એંજિનોને પાણી લેવાનો વખત થયો.

મુખ્ય ટ્રેક પર ડ્યૂક ઑફ વેલિંગ્ટનની ટ્રેન થોભી. બાજુના બીજા ટ્રેક પર એક પછી એક એંજિનના કોચ આગળ જઈ ઊભા રહેતા હતા. પેસંજરોને નીચે ન ઊતરવા સૂચના હતી તો પણ કેટલાક ઊતર્યા.

એક કોચમાંથી ઇંગ્લેન્ડના લિવરપુલના મેમ્બર ઓફ પાર્લિયામેંટ (એમપી) વિલિયમ હસ્કિસન પણ ઊતર્યા. હસ્કિસનને ડ્યૂક ઑફ વેલિંગ્ટન સાથે વાત કરવી હતી. બીજા ટ્રેક પર પાછળથી સ્ટીમ લોકોમોટિવ રોકેટ આવી રહ્યું હતું. લોકોએ બૂમો પાડી એમપી  હસ્કિસનને ચેતવ્યા. કેવી રીતે શું થયું તે વાત ક્યારેય સમજાઈ નથી શકી, પણ પોતાનું સમતોલન ખોતાં એમપી  હસ્કિસન બીજા ટ્રેક પર પડ્યા. તેમના પગ પરથી  રોકેટ અને તેનો કોચ ચાલી ગયા.

હસ્કિસનને મેડિકલ ટ્રીટમેંટ માટે ખસેડવાની વ્યવસ્થા થઈ. બાકીનો બધો કાફલો આગળ માંચેસ્ટર જવા રવાના થયો.

લિવરપુલથી ઉપડેલી વિશ્વની આ પહેલી ઇન્ટરસીટી ટ્રેન માંચેસ્ટર પહોંચી તો ખરી, પણ તે સાંજે વીઆઇપી પેસેંજર મેમ્બર ઓફ પાર્લમેન્ટ વિલિયમ હસ્કિસન અવસાન પામ્યા.

રેલવે શરૂ થવાની સાથે જ અકસ્માત મૃત્યુની આ પહેલી ઘટના.

વિશ્વની આ પહેલી ઇન્ટરસીટી ટ્રેન સાથે માનવજીવનો ભોગ લેનાર કરુણ દુર્ઘટનાની દુ:ખદ યાદ જોડાઈ ગઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

સફળ થયેલ લિવરપુલ – માંચેસ્ટર રેલવે લાઇનની વિશ્વમાં અસરો

લિવરપુલ – માંચેસ્ટર રેલવે લાઇન પર 17 સપ્ટેમ્બર, 1830 થી રોજની ઇન્ટરસીટી ટ્રેનની આવજા નિયમિત રૂપે શરૂ થઈ જેમાં જનતા માટે નિર્ધારિત ટિકિટ ખરીદી મુસાફરી શક્ય બની. આ લાઇન પર ગુડ્ઝની હેરફેર ડિસેમ્બર, 1830 થી શરૂ થઈ.

આશરે સાડા સાત લાખ પાઉંડના ખર્ચે શરૂ થયેલ લિવરપુલ – માંચેસ્ટર રેલવે ભારે સફળ થઈ. 1831માં આ રેલવે પર ચાર લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી.

ઇંગ્લેંડમાં શરૂ થયેલ લિવરપુલ એન્ડ માન્ચેસ્ટર રેલવેની ટ્રેન સેવા કેટલાક મુદ્દે યાદગાર બની ગઈ. તે બે શહેરો વચ્ચે દોડનારી દુનિયાની પ્રથમ ઇંટરસીટી ટ્રેન હતી. સંપૂર્ણ યાત્રા દરમ્યાન માત્ર સ્ટીમ લોકોમોટિવથી સંચાલિત વિશ્વની સૌ પ્રથમ રેલવે પેસેંજર સેવા હતી. ડબલ ટ્રેક પર ચાલનાર પ્રથમ ટ્રેન સર્વિસ હતી. નિયમિત રૂપથી પેસેંજર, ગુડ્ઝ તેમજ ટપાલ (મેઇલ) ની હેરફેર સાથે વિશ્વની પ્રથમ જાહેર રેલવે સેવા શરૂ કરનાર લિવરપુલ – માંચેસ્ટર રેલવે લાઇન હતી. વળી નિર્ધારિત ટાઇમટેબલ પ્રમાણે ચાલનાર આ પ્રથમ રેલવે સર્વિસ હતી. રેલવે વ્યવહાર માટે સિગ્નલિંગ સર્વિસ શરૂ કરનાર પણ આ વિશ્વની પ્રથમ રેલવે લાઇન હતી.

ઇંગ્લેન્ડમાં સફળ રેલવે વ્યવહારને જોઈને વિશ્વનાં અન્ય દેશોમાં પણ રેલવે ટ્રેન વ્યવહાર શરૂ થયો.

હિંદુસ્તાનમાં પોતાના રાજકીય અને આર્થિક – વ્યાવસાયિક પાયાઓને મજબૂત કરવા માટે અંગ્રેજો રેલવે માટે વિચારતા હતા. ત્યારે રેલવે દ્વારા દેશને જોડવાના વિચારને મુંબઈના જગન્નાથ શંકર શેઠ અને જમશેદજી જીજીભાઈ જેવા વ્યાપારીઓએ આવકાર્યો. સૌના સંગઠિત પ્રયત્નોથી  ભારતમાં 1853માં 16 મી એપ્રિલે મુંબઈમાં બોરીબંદર – થાણા વચ્ચે પ્રથમ રેલવે ટ્રેન શરૂ થઈ.

*** *** ** * ** ** **** * ** ***

ઘોડાથી દોડતી ટ્રામ વિશે જાણવા અહીં ક્લિક કરો

સર જમશેદજી જીજીભાઈ વિશે જાણવા અહીં ક્લિક કરો

સ્ટોકટન એન્ડ ડાર્લિંગટન રેલવે વિશે જાણવા અહીં ક્લિક કરો

*** ** * ** ** **** * ** *** ***

મધુસંચય લેખ – સંક્ષેપ: ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (2)
 • વિશ્વમાં પ્રથમ નિયમિત જાહેર રેલવે વ્યવહાર 1830 માં ઇંગ્લેન્ડ (યુનાઇટેડ કિંગ્ડમ) માં
 • વિશ્વની પ્રથમ ઇંટરસીટી રેલવે ટ્રેન સેવા ઇંગ્લેન્ડમાં લિવરપુલ અને માંચેસ્ટર વચ્ચે
 • લિવરપુલ એન્ડ માન્ચેસ્ટર રેલવે લાઇનમાં પણ જ્યોર્જ સ્ટિફન્સનનો ફાળો
 • લિવરપુલથી માંચેસ્ટરની પ્રથમ ઇન્ટરસીટી પેસેંજર રેલવે ટ્રેન દોડી 1830 ના સપ્ટેમ્બરની 15મી તારીખે
 • વિશ્વની પ્રથમ પેસેંજર રેલવે ટ્રેન સેવાનું ઉદઘાટન યુકેના પ્રાઇમ મિનિસ્ટર આર્થર વેલેસ્લી (ડ્યુક ઑફ વેલિંગ્ટન) દ્વારા
 • આર્થર વેલેસ્લી તે  1798 થી 1805 દરમ્યાન હિંદુસ્તાનના ગવર્નર જનરલ રહેલ રિચાર્ડ વેલેસ્લીના નાના ભાઈ; ગવર્નર જનરલ રિચાર્ડ વેલેસ્લી તેમની સહાયકારી યોજના – સબસિડીયરી એલાયન્સ સિસ્ટમ- ને કારણે ભારતમાં અળખામણા
 • લિવરપુલ – માંચેસ્ટર રેલવે લાઇન પર પ્રથમ વાર: ડબલ ટ્રેક અને સિગ્નલ વ્યવસ્થા સાથે નિર્ધારિત ટાઇમટેબલ પ્રમાણે ટ્રેન વ્યવહાર; પેસેન્જર, ગુડ્ઝ, ટપાલની હેરફેર

*** *** ** * ** ** **** * ** *** *** ***

મધુસંચય લેખ – પૂરક માહિતી: ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (2)
 • ઔદ્યોગિક ક્રાંતિ: Industrial Revolution
 • જ્યોર્જ સ્ટિફન્સન/ જ્યોર્જ સ્ટીફન્સન: George Stephenson (1781 – 1848)
 • આર્થર વેલેસ્લી (ડ્યુક ઑફ વેલિંગ્ટન): Arthur Wellesley (Duke of Wellington) (1769 – 1852)
 • લિવરપુલ: Liverpool, United Kingdom
 • માંચેસ્ટર / માન્ચેસ્ટર: Manchester, UK
 • સ્ટીમ લોકોમોટિવ રોકેટ : Steam Locomotive Rocket
 • નોર્ધમ્બ્રિઅન કે નોર્ધમ્બરલેંડ: Northumbrian / Northumberland
 • લિવરપુલ એંડ માંચેસ્ટર રેલવે (એલ એન્ડ એમઆર): Liverpool & Manchester Railway (L&MR)
 • સ્ટોકટન એન્ડ ડાર્લિંગટન રેલવે (એસ એંડ ડીઆર): Stockton and Darlington Railway(S&DR)

*** *** ** * ** ** **** * ** *** *** *** *** ** * ** ** **** * ** *** ***

 

 

7 thoughts on “ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (2)

 1. મજાની માહિતી. મેં ૧૯૬૮ થી ૧૯૭૦ ( લગભગ પોણાં બે વર્ષ લંડનની બ્રિટિશ રેલ્વેની રિસર્ચ લેબમાં કામ કર્યું હતું. મફત મળતી ટિકિટમાં ઈંગ્લન્ડ-યુરોપમાં ફરવાનો ખૂબ લાભ લીધો. સ્કોટલેન્ડનું ઉત્તરમાં આવેલું રેલ્વેનું છેલ્લુ સ્ટેશન અને દક્ષિણમાં બ્રાઈટન સુધીની મુસાફરી કરી પણ તમે બતાવેલો ઈતિહાસ જાણતો ન હતો. આજે ઘણી માહિતી મળી. ધન્યવાદ.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s