.
નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. રમણભાઈ નીલકંઠ જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા.
સાક્ષર રમણલાલ નીલકંઠના પિતાનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ.
સમાજસુધારાના વિચારોનો વારસો રમણભાઈને પિતા તરફથી મળેલો.
મહીપતરામ નીલકંઠ ઈ. સ. 1860માં ઈંગ્લેંડ ગયેલા. તે જમાનામાં દરિયો ઓળંગવો નિષેધ ગણાતો. વિદેશ જનારને જ્ઞાતિ તરછોડતી; તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતો. એક વર્ષ માટે ઈંગ્લેંડ ગયેલા મહીપતરામને સમાજ તથા જ્ઞાતિએ ભારે હેરાન કર્યા હતા તેમના કુટુંબને સમાજે બહિષ્કૃત કરેલું હતું. સુરતનું વતની નીલકંઠ કુટુંબ પાછળથી અમદાવાદમાં સ્થાયી થયું હતું.
મુંબઈથી 35 દિવસના દરિયાઈ પ્રવાસ પછી મહીપતરામ ઈંગ્લેંડ પહોંચેલા. મહીપતરામે પોતાના ઈંગ્લેંડ પ્રવાસનું વર્ણન એક પુસ્તકમાં કરેલું છે.
આપણી ગુજરાતી ભાષાનું પ્રવાસવર્ણનનું તે પ્રથમ પુસ્તક. તે સમયની (1860) ભાષા અને સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. તે પુસ્તકના કેટલાક મઝાના અંશ – લેખકની મૂળ ભાષામાં જ- આપ સમક્ષ રાખું છું:
“અમારી આગબોટનું નામ ઑટવા હતું. … વિલાયતી વહાણના નોકરો ઉતારૂઓના સુખની સંભાળ લેવામાં કાંઈ મણા રાખતા નથી … ઉતારૂઓની ચાકરી કરવાને નોકરો રાખેલા હોય છે …તેમને ખાવાને દૂધ જોઈએ માટે દૂઝણી ગાયો રાખે છે. દહાડામાં ચાર વાર જમવાનું થાય છે ….અંગ્રેજ લોકો પોતાને ઘેર જેવું ખાય છે તેવુંજ અહીં પણ તેમને નિત્ય ઉનું અને તાજું મળે છે. આપણા લોકને એમનું ખપે નહીં માટે મેં મારું ખાવાનું તથા પાણી જુદાં લીધાં હતાં …. મેં મારે સારૂ એક અલાયદી ઓરડી લીધી હતી.”
(નોંધ: મહીપતરામે પોતાની સાથે એક બ્રાહ્મણ રસોઈયો લીધો હતો. બન્ને માટે એક અલગ કેબિન રાખેલી. તેમના પત્નીએ મહિનો ચાલે તેટલા ખોરાકપાણીની વ્યવસ્થા કરી આપેલી.) ….
ઈંગ્લેંડ જતા રસ્તામા એડન તથા ઈજિપ્તની રાજધાની કેરોની ઊડતી મુલાકાત:
”બુધવારે 4 એપ્રિલની સવારે અમે એડન પહોંચ્યા … અમારા ઘણાક ગૃહસ્થો ગામ જોવા ગયા..કોઈ ગધેડાની સ્વારી કરી, કોઈ ખચ્ચરે ચઢ્યા.. ( લેખકે નોંધ્યું છે કે એડન તથા કેરો જેવા શહેરોમાં મોટા લોક પણ સવારી કરવા ગધેડાં પાળે છે…)
”રાતના બાર કલાકે અમે કેરો શહેરમાં પહોંચ્યા. મારા ઓળખીતાઓ એક હોટેલમાં ગયા ત્યાં હું પણ તેમની સાથે ગયો. મુસાફરોને ઉતરવાને વાસ્તે જે ઘરો છે તેને હોટેલ કહે છે. તેની જોડે સરખાવતાં આપણી ધર્મશાળાઓ કેવળ જંગલી દીસે છે. સુખી લોકોનાં ઘરોમાં જેવો વગ અને સુખનાં સાધનો હોય છે તેવાંજ અહીં છે; ન્હાવાનું, સુવાની પથારી વગેરે જે જોઈએ તે આપે છે. ….”
30 એપ્રિલ, 1860 ના રોજ મહીપતરામ નીલકંઠ લંડન પહોંચ્યા …
”લંડનમાં હું વધારે ફર્યો …. છાકટા આદમી ઘણા દીઠામાં આવે છે અને ચીંથરીઆ અને ગંદા જંગલી છોકરા આપણી પાછળ બૂમો પાડતા દોડે છે. લંડનમાં ચોર તથા લુચ્ચા માણસો તથા અનીતિમાન બાઈડીઓ ઘણી છે….. મોટા બજારોની દુકાનો તથા ઈમારતો બહુ સોહામણી છે. … માલ વેચવાને ખૂબસુરત અને મીઠી બોલીની બૈરીઓ તથા માટીડા (ભાયડા) રાખ્યા હોય છે, અને તેમને ફાંકડા પોશાક પેહેરાવે છે …. ”
“લંડનના મોટા રસ્તાઓમાં ગાડીઓની ઘણી ભીડ થાય છે … ‘આમની બસ’ કરીને મોટી ગાડી હોય છે. … …તેમાં વીશ થી ચોવીશ માણસો માય છે .. ગાડીઓને બે કે વધારે ઘોડા જોડે છે. તે ઘોડા ઘણા જ કદાવર અને જોરાવર હોય છે….”
”એ લોકોના ઘર માંહેની હાલત જોતાં જ આપણા કરતાં તેઓ કેટલું વધારે સુખ ભોગવે છે તે જણાઈ આવે છે …. બેસવાના, સુવાના, લુગડાં પહેરવાના અને જમવા બેસવાના ઓરડા જુદા જુદા હોય છે … જમવાની રીત ઘણી ભભકદાર છે. ટેબલ ઉપર સાફ ધોળું કપડું પાથરી તે ઉપર સુંદર ચીનાઈ રકાબીઓમાં ભાણું પીરસે છે. …. બાયડી ભાયડા જોડે બેસીને જમે છે ….”
ઈંગ્લેંડના મહારાણી વિક્ટોરિયાની લંડનના હાઈડ પાર્કમાં જાહેર સભા:
“તા. 23 જુન 1860ને શનિવારના રોજ બાર ઉપર ચાર કલાકે લંડનના હાઈડ પાર્ક નામે મોટા બાગમાં જે દેખાવ મેં જોયો તે કદી ભૂલનાર નથી ….. ફ્રાંસની ફોજ ઈંગ્લેંડ ઉપર ચઢાઈ કરશે તેવું કેટલાંક મહિના થયા ઘણાક લોક અહીં ધારે છે. થોડા મહિના ઉપર મહારાણીજીએ એક જાહેરનામું કર્યું હતું કે રૈયતે પોતેજ પોતાના ખરચથી એક વોલંટીઅર ફોજ ઊભી કરવી જોઈએ …. એ ઉપરથી અમીરો, જાગીરદારો, વેપારીઓ, દુકાનદારો, કારીગરો વગેરે હજારો માણસો પોતાને ખરચે લશ્કરી પોશાક વગેરે ખરીદ કરી ગામે ગામ અને ચકલે ચકલે પલટણો બાંધી તે માંહે સામીલ થયા. … ”
“સરકારી નોકરો ત્યાં બીજા લોકોને દબાવી શકતા નથી. કોઈની આગળ કે પાછળ સિપાઈ ચાલતા નથી. …. મોટા વજીરોને બારણે પણ સરકારી સિપાઈને બેસાડતા નથી. મોટા મોટા શેઠ શાહુકારો તથા સરકારી અમલદારો એકલા ચાલી જતા જોવામાં આવે છે … મોટા લશ્કરી અમલદારો, અમીરો અને રાજવંશીઓ પણ ઘણી જ સાદાઈ રાખે છે.”
આભાર: ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત “ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન”.
આપ સૌને આ પુસ્તક વાંચવા મારી ખાસ ભલામણ છે.
ધન્ય થઈ ગયો આ વાંચીને, આ અંશો શૅર કરવા બદલ ઘણો આભાર, જોકે આમાંની ઘણી વાતો ભારતનાં પરિપ્રેક્ષ્યમાં બદલાઈ ગઈ છે, પરંતુ લંડનનાં પરિપ્રેક્ષ્યમાં આજે પણ આ બધીજ વાતો યથાવત છે, કાંઈ ખાસ બદલાયું નથી, સિવાય કે ‘આમની બસો’ ને બદલે ‘બેન્ડી બસો’ ચાલું થઈ છે, અને આજની બસોને ઘોડા નથી જોડવા પડતાં.. બસ..
વાંચવાની મજા આવી ગઇ. તે જમાનાનું ઇન્ગ્લેન્ડ એટલે ચાર્લ્સ ડીકન્સનો જમાનો . આખી દુનિયામાંથી લૂંટેલી સમ્પત્તિ ત્યાં આવતી હોવા છતાં અમીર ગરીબ વચ્ચે બહુ જ ઊંડી ખાઇ હતી.