દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ડ્રાઇવર વિનાની ઓટોનોમસ કાર માટે અનિવાર્ય લિડાર ટેકનોલોજી

ઘોડા અને હાથી પર સવારી કરી ચૂકેલો માનવ હવે ઑટૉનોમસ કાર (સ્વયંસંચાલિત કાર) માં ફરવા તૈયાર થયો છે. ઑટોનોમસ વેહિકલ્સ હવે હકીકત બનવા લાગ્યાં છે. ઓટોનોમસ કારને સફળતા તરફ દોરનાર લિડાર ટેકનોલોજી આજકાલ ચર્ચામાં છે.

લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જીંગ ટેકનોલોજી યાને લિડાર ટેકનોલોજી આધુનિક વિજ્ઞાનની કમાલ છે.

જ્યારે ટેસ્લાના એલન મસ્ક તેમની હાયપરલુપ ટેકનોલોજીને ઝડપી માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે આગળ ધરી રહ્યા છે, ત્યારે વેમો (ગુગલ) સહિતની કેટલીક મોટી કંપનીઓ ઓટોનોમસ કારને વ્યાવહારિક રૂપે સફળ કરવા માગે છે.

સ્વયંસંચાલિત કાર અથવા ઑટોનોમસ કારને ‘ડ્રાઇવરલેસ કાર’, ‘સેલ્ફ-ડ્રાઇવિંગ કાર’, રોબોટિક કાર, ઓટોનોમસ વ્હિકલ (એવી) જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. ઑટોનોમસ કારની કોમ્પ્લેક્સ ટેકનોલોજીને વૈજ્ઞાનિક રીતે, વિસ્તૃત રીતે સમજવા ઇન્ટરનેટ પર ઢગલાબંધ લેખો છે. આ ટેકનિકલ લેખ નથી. સામાન્ય વાચકને સાદી ભાષામાં, સરળ રીતે મગજમાં ઊતરે તેવી સંક્ષિપ્ત માહિતી અહીં ‘મધુસંચય’ પર પ્રસ્તુત છે.

[અહીંથી આગળ વાંચવા આ લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

ઑટોનોમસ કાર (સ્વયંસંચાલિત કાર) એટલે શું?

વાહનચાલકની ઉપસ્થિતિ વિના જાતે ચાલી શકે તેવા વાહનને સ્વયંસંચાલિત વાહન કે ઑટોનોમસ વેહિકલ (એવી) કહી શકાય. ઑટૉનોમસ કારમાં કોઈ ડ્રાઇવર કે ચાલક હોતો નથી એટલે કે આવી કાર સ્વયંસંચાલિત હોય છે. તેમાં પાવરફુલ સેન્સર અને અદ્યતન કંટ્રોલ સિસ્ટમ સાથેની કોમ્પ્લેક્સ ટેકનોલોજી હોય છે.

ઓટોનોમસ કારમાં કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ્સની મદદથી કેમેરા, રાડાર, લિડાર, રોબોટિક્સ, જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવી વિવિધ ટેકનોલોજીને એવી રીતે સંકલિત કરી હોય છે કે કાર કોઈ ડ્રાઇવર વિના પણ પોતાની જાતે રસ્તા પર દોડી શકે!

ઑટોનોમસ કાર અથવા સ્વયંચાલિત કારને ડ્રાઇવરલેસ કાર, સેલ્ફ-ડ્રાઇવિંગ કાર, રોબોટિક કાર, ઓટોમેટેડ કાર જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. જો કે ટેકનિકલી તેમાં ભેદ હોવાથી તે જુદાં જુદાં પ્રકારનાં વાહનો હોઈ શકે છે, છતાં સામાન્ય વ્યક્તિ માટે તો તે ઓટોનોમસ કારની શ્રેણીમાં આવે.

કેટલાક એક્સ્પર્ટ્સના મતે,  ‘ઓટોનોમસ કાર’ને ‘સેલ્ફ-ડ્રાઇવિંગ કાર’ કહેવું વધારે સાચું છે. ઓટોનોમસ કાર કહેવું યોગ્ય નથી. તેને પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ નથી, તેથી તેને ઑટોનોમસ ન કહી શકાય. આખરે તો તે તેના માલિકની સૂચના પ્રમાણે નિર્ધારિત જગ્યાએ પહોંચે છે અને સૂચવેલો રૂટ ફોલો કરે છે. આવી કારને ‘ઓટોનોમસ ટેકનોલોજીથી ચાલતી ઓટોમેટેડ કાર’ કહેવું ઠીક ગણાય.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજંસના વિકાસથી ઓટોનોમસ વ્હિકલ (એવી) હવે ટેકનિકલી એડવાન્સ્ડ થતાં જાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

ઑટોનોમસ કાર કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર: સંક્ષિપ્ત પરિચય

જ્યારે ડ્રાઇવર રસ્તા પર કાર ચલાવે છે, ત્યારે તેણે રૂટ અને રસ્તા, આસપાસના નાનાં-મોટાં વાહનો, મનુષ્યો, સજીવો, રસ્તાની સ્થિતિ, બમ્પ અને બીજા અવરોધો, ટ્રાફિક સાઇન બોર્ડ, ટ્રાફિક સિગ્નલ વગેરેને ધ્યાનમાં રાખી કાર ચલાવવાની હોય છે. ‘મધુસંચય’ના વાચકો જાણતા હશે કે આધુનિક કાર ‘એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટંસ સિસ્ટમ્સ’ અર્થાત એડાસથી સજ્જ હોય છે. એડાસની કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ્સ અને કંટ્રોલ્સ ડ્રાઇવરને ડ્રાઇવિંગમાં મદદ કરે છે.

સ્વાભાવિક છે, ડ્રાઇવરલેસ કારના સ્વયંસંચાલનમાં પણ ડ્રાઇવિંગના અનેક મુદ્દા ધ્યાનમાં લેવા પડે છે. અન્ય સામાન્ય કારની માફક અત્યારની ઓટોનોમસ કારને બોડી, વ્હીલ્સ, ઇગ્નિશન સિસ્ટમ આદિ પાર્ટ્સ હોય છે. તે ઉપરાંત, ઓટોનોમસ કારમાં જીપીએસ, સેંસર્સ, કેમેરા, રડાર, લિડાર જેવી ડિવાઇસ કેટલાક માઇક્રોપ્રોસેસર્સ સાથે જોડેલી હોય છે. ડેસ્ટિનેશન-રૂટ ડેટા અને જીપીએસની મદદથી કાર પોતાનો રસ્તો નક્કી કરે છે. કેમેરા રસ્તાની આસપાસના વ્યુને બતાવે છે, રડાર અને અન્ય સેન્સર્સ બહારની સ્થિતિ,  રોડ અને અવરોધોનો ચિતાર આપે છે.

આ ઉપરાંત ઓટોનોમસ કારમાં સૌથી મહત્વનો રોલ લિડાર ટેકનોલોજીનો છે.

લિડાર ટેકનોલોજી શું છે?

ડ્રાઇવરલેસ કારમાં કેમેરા રસ્તાની ચારે બાજુનું દ્રશ્ય બતાવી શકે, આગળનો વ્યુ આપી શકે, આવનારા અવરોધોને સ્ક્રીન પર બતાવી શકે. રાડાર આગળના અવરોધોનું તેમજ આસપાસના ઑબ્જેક્ટ્સનું અંતર બતાવી શકે  જેથી સ્વયંસંચાલિત કાર પોતાના સલામત માર્ગ પર દોડી શકે. જો કે પ્રકાશ ઓછો હોય કે  વિઝિબિલિટી ઓછી હોય ત્યારે કેમેરા જેવી ડિવાઇસની કામગીરી પર અસર થાય. આવી પરિસ્થિતિમાં પણ લિડાર ઉપયોગી થાય છે.

લિડાર ટેકનોલોજી ઑટોનોમસ વેહિકલ માટે શ્રેષ્ઠ ટેકનોલોજી છે.

લિડાર (LiDAR) શબ્દ ‘લાઇટ ડિટેક્શન એન્ડ રેંજીંગ’નું ટૂંકું રૂપ છે. મૂળભૂત રીતે, લિડારને લેસર કિરણોનો ઉપયોગ કરતી ‘ડિસ્ટન્સ ટેકનોલોજી’ કહી શકાય. લિડાર એક પ્રકારની ‘રિમોટ સેન્સિંગ ટેકનોલોજી’ છે.

ડ્રાઇવરલેસ કારની ઉપરના ભાગે ડિવાઇસ હોય છે જે લિડાર સેન્સર્સ ધરાવે છે. તેમાંથી નીકળતા લેસર બીમ આસપાસના વિસ્તારને સતત સ્કેન કરતા રહે છે. લિડારના આ લેસર કિરણો આસપાસના ઓબ્જેક્ટ્સ કે અવરોધો પર અથડાઈને પાછાં ફરે છે. તેનાથી કમ્પ્યુટર તે વિસ્તારનો ત્રિ-પરિમાણીય નકશો (થ્રી ડાયમેંશન વ્યુ/ મેપ) બનાવી દે છે. તેના પરથી ઓટોનોમસ કાર પોતાની ગતિ અને દિશા નક્કી કરી આગળ વધતી રહે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

ઓટોનોમસ કારનો ઇતિહાસ

સ્વયંસંચાલિત વાહનો (ઑટોનોમસ વેહિકલ્સ/ એવી) માટે ગઈ સદીમાં ઘણા પ્રયોગો થયા હતા. મોટર કાર ઇન્ડસ્ટ્રીએ મોટર કારમાં ડ્રાઇવરને મદદરૂપ થવા કમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ્સ તેમજ ઑટોમેટેડ કંટ્રોલ્સ ઉપયોગમાં લેવા શરૂ કર્યા હતા. આજે તો કારમાં ‘એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટંસ સિસ્ટમ્સ’ (એડાસ) સામાન્ય બનેલ છે. ચારેક દાયકા અગાઉ અમેરિકામાં કાર્નેગી મેલન યુનિવર્સિટી (સીએમયુ) ની સ્કૂલ ઑફ કમ્પ્યુટર સાયન્સ ખાતે  ઓટોનોમસ વેહિકલ બનાવવા સક્રિય પ્રયત્નો શરૂ થયા. કાર્નેગી મેલન યુનિવર્સિટીના નેવિગેશન લેબોરેટરી (નેવલેબ) ના રોબોટ કારના પ્રોજેક્ટ્સ પ્રશંસા પામ્યા છે.

જર્મની (યુરોપ) ના મ્યુનિચ શહેરની વિખ્યાત રીસર્ચ યુનિવર્સિટી બુંદેસ્વેર યુનિવર્સિટી ઑફ મ્યુનિચના પ્રોફેસર અર્ન્સ્ટ ડિકમાન્સ ડ્રાઇવરલેસ રોબોટ કારના પ્રયોગો માટે પ્રસિદ્ધ છે. પ્રોફેસર અર્ન્સ્ટ ડિકમાન્સ કાલ્ટેક અને એમઆઇટી સાથે પણ સંલગ્ન છે. 1980–90 ના દાયકામાં પ્રોફેસર અર્ન્સ્ટ ડિકમાન્સના મર્સિડિઝ બેંઝ કારને ઑટોમેટેડ કાર તરીકે દોડાવવામાં સફળતા મળી હતી. ઑટોનોમસ ડ્રાઇવિંગ ક્ષેત્રે તેમની રોબોટ કાર સફળ રહી છે.

સિંગાપુર (સિંગાપોર) માં ‘સ્માર્ટ રીસર્ચ સેંટર’ના ઓટોનોમસ વ્હિકલ પણ જાણીતા થયા છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી ઑફ ટેકનોલોજી (એમઆઇટી) તથા સિંગાપુરના નેશનલ રીસર્ચ ફાઉંડેશન (એનઆરએફ)ના ઉપક્રમે સ્માર્ટ રીસર્ચ સેંટર ચાલે છે. સ્માર્ટ (SMART) શબ્દ સિંગાપુર-એમઆઇટી અલાયંસ ફોર રીસર્ચ એન્ડ ટેકનોલોજીનું સંક્ષિપ્ત રૂપ છે. એશિયાભરમાં અગ્રીમ ગણાતા સ્માર્ટ રીસર્ચ સેંટરના ઑટોનોમસ લિડાર વ્હિકલ નોંધપાત્ર બન્યાં છે.

મોટરકાર ઉદ્યોગ સાથે સંલગ્ન વિશ્વવિખ્યાત કંપનીઓ – અમેરિકાની જનરલ મોટર્સ અને ફોર્ડ તથા જાપાનની ટોયોટા – ઉપરાંત ઉબર જેવી કંપનીઓ પણ લિડાર ટેકનોલોજી અપનાવવા સજ્જ થઈ રહી છે. જ્યારે બીજા છેડે ‘હાયપરલુપ’ પ્રૉજેક્ટના પ્રણેતા એલન મસ્કની કાર કંપની ટેસ્લા હજી લિડારના બદલે પોતાની જ ઑટો પાયલટ સિસ્ટમને મહત્ત્વ આપે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

હાલ થતા જાહેર માર્ગ પરના મોટા ભાગના પ્રયોગો – ટેસ્ટિંગમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં આકસ્મિક ઘટના કે ઇમર્જન્સીમાં કારને કંટ્રોલ કરવા ‘ટેસ્ટ ડ્રાઇવર’ બેસાડવામાં આવે છે.

વર્ષ 2009માં જાયંટ મલ્ટિનેશનલ કંપની ગુગલ દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગ કાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો જે 2016 થી વેમો (વેયમો / Waymo) તરીકે ઓળખાય છે.

વેમો ગુગલ (આલ્ફાબેટ) ની સેલ્ફ-ડ્રાઇવિંગ ટેકનોલોજી કંપની છે.

ગુગલ દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટેકનોલોજીને પહેલાં લેક્સસ કાર (ટોયોટા) પર અજમાવવામાં આવી. 2015 માં ગુગલની ‘ફાયરફ્લાય’ કાર સ્ટીયરિંગ વ્હીલ કે પેડલ વગરની સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજીથી દોડી. તે જ વર્ષે ગુગલની ડ્રાઇવરલેસ કાર જાહેર માર્ગ પર ઓસ્ટિન (ટેક્સાસ, યુએસએ) માં દોડી. 2017માં વેમોએ ક્રાઇસ્લર કંપની (લિ આયાકોકા ફેઇમ) ની પેસિફિકા હાઇબ્રિડ મીની-વૅનને ડ્રાઇવર વગરની સેલ્ફ-ડ્રાઇવ  કાર તરીકે દોડાવી. આ વર્ષે (2018) વેમોએ જગુઆર કંપની સાથે સમજૂતિ કરી છે. વેમો – જગુઆર સાથે મળી મોટરકારના પ્રીમિયમ સેગ્મેંટમાં વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ‘આઇ-સ્પેસ’નું ટેસ્ટિંગ કરશે.

રાઇડ-શેરિંગ અને ટ્રાન્સ્પોર્ટેશન નેટવર્ક કંપની ઉબર પોતાના પેસેંજર કેબ સર્વિસ માર્કેટને ઓટોનોમસ કાર/ સેલ્ફ-ડ્રાઇવિંગ કારથી વ્યાપક કરવા તૈયાર છે.

ઓટોનોમસ કાર માટે લિડાર ટેકનોલોજી વિકસાવતી કંપનીઓ

વિશ્વમાં ઑટોનોમસ ટ્રાન્સ્પોર્ટેશન પ્રચલિત થતું જાય છે, તેમ લિડાર ટેકનોલોજી પણ વિકસતી જાય છે. આજે લિડાર સેંસર્સ મેન્યુફેક્ચર કરતી કંપનીઓમાં વેલોડાઇન લિડાર, લ્યુમિનાર, લેડરટેક, પ્રિન્સ્ટન લાઇટવેવ (આર્ગો એઆઇ), ઇનોવિઝ, ક્વૉનર્જી ઇત્યાદિનો સમાવેશ થાય છે.

લિડાર ટેકનોલોજીના ડેવલપમેન્ટમાં અગણિત વૈજ્ઞાનિક-સંશોધકો, સંસ્થાઓ અને કંપનીઓએ ફાળો આપ્યો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા (નેસા)ચંદ્ર પરના એપોલો મિશન પ્રોગ્રામ દરમ્યાન લિડાર પ્રકારની ટેકનોલોજી પ્રયોજિત કરી હતી. 1971માં નાસાના એપોલો 15 મિશનમાં અવકાશયાત્રીઓએ સૌ પ્રથમ વખત ચંદ્રની અજાણી સપાટી પર ફરવાનું હતું અને ચંદ્રની સરફેસ – ટૉપોગ્રાફીનો અભ્યાસ કરવાનો હતો. એપોલો 15 મિશનમાં લ્યુનર રોવર વ્હિકલ (એલઆરવી) ચંદ્ર પર ફેરવવામાં આવ્યું હતું. આવી કામગીરીમાં એપોલો 15 મિશને લિડાર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

ઓટોનોમસ કે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર માટે લિડાર ટેકનોલોજી વિકસાવવામાં સિલિકોન વેલી (અમેરિકા) ની વેલોડાઇન લિડાર કંપનીનું નામ અગત્યનું ગણાય. સંશોધક – એંજિનીયર ડેવ હૉલની વેલોડાઇન કંપની ઑડિયો ડિવાઇસ – સ્પીકર બનાવતી હતી. 2005માં ડેવ હૉલને નવી ડેવલપ થતી સેલ્ફ-ડ્રાઇવિંગ ટેકનોલોજીમાં રસ પડ્યો;  તેમણે તેમાં ઝુકાવ્યું. ડેવ હોલના નિર્ણયથી વેલોડાઇન કંપનીએ સ્પીકરના  બિઝનેસ સાથે લિડાર ટેકનોલોજી માટે અદ્યતન સેન્સર્સ અને ડિવાઇસિસ બનાવવાનાં શરૂ કર્યાં. આજે સિલિકોન વેલી (કેલિફોર્નિયા) ની વેલોડાઇન લિડાર કંપનીના સેંસર્સની ભારે માંગ છે. વેલોડાઇન લિડાર સેન્સર્સ 3600 સરાઉન્ડ વ્યુ સાથે રિયલ ટાઇમ થ્રી ડી ડેટા આપે છે. તેમની રેન્જ 100 મીટરથી 200 મીટરની છે. વેલોડાઇન લિડાર કંપનીનું નવીન સેંસર વિએલએસ–128 (VLS-128) 300 મીટરની  રેન્જ ધરાવે છે અને ઉત્કૃષ્ટ કામગીરી આપે છે. લિડાર ટેકનોલોજી ક્ષેત્રે અન્ય અગ્રણી કંપનીઓમાં લેડરટેક, આર્ગો એઆઇના નવા નામે ઓળખાતી કંપની પ્રિન્સ્ટન લાઇટવેવ, લ્યુમિનાર વગેરે છે.

ઑટોનોમસ કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર સફળ થશે?

ઑટોનોમસ કારનો મૂળભૂત હેતુ છે રાત દિવસ સલામતી સાથે ગતિમાં પ્રવાસ. સેલ્ફ-ડ્રાઇવિંગ કાર થકી ડ્રાઇવર વિના, બધા સંજોગોમાં, ઓછા સમયમાં, સલામત રીતે વધુ અંતર કાપી શકાય અને પ્રવાસખર્ચની બચત થાય તેવા લાભની અપેક્ષા છે. અત્યારના સુધીના પ્રયોગો આશાસ્પદ જણાય છે પરંતુ નિષ્ફળતાઓ અને અકસ્માતો ચિંતા પ્રેરે છે. ઑટોનોમસ કારની મર્યાદાઓ ઘણી છે. લિડાર એક મોંઘી ટેકનોલોજી છે. લિડાર સેંસર્સ કારની કિંમતમાં ઘણો વધારો કરે છે. વળી સેલ્ફ-ડ્રાઇવિંગ કારના પ્રશ્નો ઘણા છે. બધાં જ પ્રકારની પરિસ્થિતિમાં આવી કાર ચાલી શકે? ભારે બરફ વર્ષા, સ્ટોર્મ, ટ્વિસ્ટર, આંધી કે તદ્દન અંધારામાં કાર સરળતાથી ચાલી શકશે? સજીવ અને નિર્જીવ પદાર્થોને અને તેમની મુવમેંટને કાર સમજી શકશે?  બધા જ પ્રકારનાં અવરોધોને ઓળખી શકશે? ઇમર્જન્સીમાં પોલિસની સૂચનાઓ કે તાત્કાલિક બદલાયેલી રોડ સાઇનને પરખી શકશે?

ગયા માર્ચ મહિનામાં જ અમેરિકાના એરિઝોનામાં સેલ્ફ ડ્રાઇવિંગ કારથી વિશ્વનો પ્રથમ પ્રાણઘાતક અકસ્માત થયો. અંધારામાં પોતાની સાયકલ સાથે ચાલતાં રસ્તો ક્રોસ કરી રહેલી મહિલા ઉબરની સેલ્ફ ડ્રાઇવિંગ કારની ઝપેટમાં આવી ગઈ અને આ કરુણ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થયું. ઉબરની ઓટોનોમસ કારના સેંસર્સ સાયકલને કે મહિલાને કેમ પરખી ન શક્યાં? જો મહિલાની મુવમેંટ પરખાઈ તો કારની બ્રેક તાત્કાલિક કેમ ન વાગી ?

હજી આવા પ્રશ્નોના જવાબ મળ્યા નથી, ત્યાં હાલમાં 5મી મેના રોજ અમેરિકામાં એરિઝોના રાજ્યમાં ગુગલની સેલ્ફ-ડ્રાઇવિંગ વેમો કારને અકસ્માત નડ્યો છે. પોતાની લેઇનમાં સલામત સ્પીડમાં જતી વેમો કાર સાથે અન્ય કોઈ કાર રોંગ સાઇડથી  આવી અથડાઈ પડી! કોઈ જાનહાનિ થઈ નથી. ઉપરના બંને અકસ્માતમાં, ઉબર તેમજ વેમો સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં ઇમર્જન્સી કંટ્રોલ માટે ટેસ્ટ ડ્રાઇવર હાજર હોવા છતાં અકસ્માત ટાળી ન શકાયો.

અત્યારે તો ઓટોનોમસ કારના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગેલા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

મધુસંચય-લેખ: ડ્રાઇવર વિનાની ઓટોનોમસ કાર માટે અનિવાર્ય લિડાર ટેકનોલોજી: પરિશિષ્ટ (1)
 • સલામત, સસ્તી અને ઝડપી મુસાફરી માટે ઑટોનોમસ મોટર કાર પર સંશોધન
 • લિડાર ટેકનોલોજીની મદદથી ચાલતી ઓટોનોમસ કાર / સેલ્ફ-ડ્રાઇવિંગ કાર
 • ‘લાઇટ ડિટેક્શન એન્ડ રેંજીંગ’નું ટૂંકું રૂપ છે લિડાર
 • એપોલો 15 મિશન (1971) થી લઈને આજે અદ્યતન ડ્રાઇવરલેસ કારમાં લિડાર ટેકનોલોજીનો ઉપયોગ
 • ગુગલ-આલ્ફાબેટ દ્વારા ફ્લોટ થયેલ કંપની ‘વેમો’ સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે મહત્વાકાંક્ષી
 • જનરલ મોટર્સ – ફોર્ડ સહિત કાર ઇંડસ્ટ્રીની કંપનીઓ ઓટોનોમસ કાર ટેકનોલોજી માટે ઉત્સુક
 • અમેરિકામાં માર્ચ 2018માં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર વડે પ્રથમ પ્રાણઘાતક અકસ્માતમાં મહિલાનું મૃત્યુ
 • ઓટોનોમસ કારના લાભ- ગેરલાભ વિશે ચાલતી ચર્ચા; ઓટોનોમસ કારની ઉપયોગિતા અને સલામતી પર ઊઠતા પ્રશ્નો

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

મધુસંચય-લેખ: ડ્રાઇવર વિનાની ઓટોનોમસ કાર માટે અનિવાર્ય લિડાર ટેકનોલોજી: પરિશિષ્ટ (2)
 • ઑટોનોમસ કાર / સેલ્ફ–ડ્રાઇવિંગ કાર: Autonomous car / Self-driving car
 • ઑટોનોમસ વેહિકલ / વ્હિકલ (એવી): Autonomous Vehicle (AV)
 • લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જીંગ (લિડાર): Light Detection and Ranging (LiDAR)
 • રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જીંગ (રડાર / રાડાર / રેડાર): Radio Detection and Ranging (RADAR)
 • એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટંસ સિસ્ટમ્સ (એડાસ/ અડાસ): Advanced Driver-Assistance Systems (ADAS)
 • એલન મસ્ક, ટેસ્લા, યુએસએ: Elon Musk, Tesla, USA
 • કાર્નેગી મેલન યુનિવર્સિટી (સીએમયુ), પેન્સિલ્વેનિયા, યુએસએ: Carnigie Mellon University, Pennsylvania, USA
 • પ્રોફેસર અર્ન્સ્ટ ડિકમાન્સ: Professor Ernst Dieter Dickmanns, Munich, Germany
 • બુંદેસ્વેર યુનિવર્સિટી ઑફ મ્યુનિચ, જર્મની: Bundeswehr University Munich, Germany
 • સિંગાપુર-એમઆઇટી એલાયંસ ફોર રીસર્ચ એન્ડ ટેકનોલોજી (સ્માર્ટ), સિંગાપુર/ સિંગાપોર: Singapore-MIT Alliance for Research and Technology (SMART), Singapore
 • વેમો / વેયમો ( ગુગલ / આલ્ફાબેટ): Waymo (Google / Alphabet)
 • ‘આઇ-સ્પેસ’ (જગુઆર/ જેગ્વાર): I-Space (Jaguar)
 • નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા / નેસા), યુએસએ: National Aeronautics and Space Administration, NASA (United States of America)
 • વેલોડાઇન લિડાર, સિલિકોન વેલી, કેલિફોર્નિયા, અમેરિકા: Velodyne LiDAR, Silicon Valley, California, USA

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

 

 

7 thoughts on “ડ્રાઇવર વિનાની ઓટોનોમસ કાર માટે અનિવાર્ય લિડાર ટેકનોલોજી

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s