અજાણી-શી વાતો · ઇતિહાસ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આંદામાનના નોર્થ સેન્ટિનેલ ટાપુ પર વસતી આદિમ જાતિનાં રહસ્યો

આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ ભારતના હિસ્સારૂપ પ્રદેશો છે. ભારતના યુનિયન ટેરિટરી હોવાથી આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પર દેશનું આધિપત્ય છે,  છતાં ત્યાંના નોર્થ સેન્ટિનેલ ટાપુની મુલાકાતે કોઈ ભારતીય કે વિદેશી નાગરિક જઈ શકતા નથી.

નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડની આસપાસના વિસ્તારને ભારત સરકારે પ્રતિબંધિત જાહેર કરેલ છે.

નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર વસતા  સેન્ટિનેલિઝ જનજાતિના સભ્યો બહારના વિશ્વથી તદ્દન અજાણ છે, બિલકુલ આદિમ અવસ્થામાં રહે છે અને બહારના મુલાકાતીને ટાપુની આસપાસ ફરકવા પણ દેતા નથી! સેંકડો વર્ષોથી દુનિયાથી સંપર્કવિહોણી આ રહસ્યમયી આદિવાસી પ્રજા વિશે વિશ્વ આજે પણ અજ્ઞાત છે! સેન્ટિનેલિઝ જનજાતિ કદાચ દુનિયાની આખરી અને એકમાત્ર આદિમ જાતિ છે, જેનો સંપર્ક માનવજાતિ કરી શકી નથી!

આવો, ‘મધુસંચય’ પર આંદામાનના સેન્ટિનેલ આઇલેન્ડની આ પ્રિમિટિવ આદિવાસી પ્રજા વિશે જાણીએ.

[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

આંદામાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ: ટૂંક પરિચય

ભારતની પૂર્વમાં,  બંગાળાના ઉપસાગર અને આંદામાન સમુદ્રની વચ્ચે આંદામાન અને નિકોબારના ટાપુઓ આવેલા છે. ભારત તથા મ્યાનમાર-થાઇલેંડ વચ્ચેના સમુદ્રમાં આંદામાન નિકોબાર ટાપુઓ સ્થિત છે.

આંદામાન અને નિકોબાર શબ્દો સાઉથ ઇસ્ટ એશિયાની મલય ભાષા પરથી આવેલા છે. આંદામાન (અંદમાન / અંડમાન) શબ્દનો સંબંધ પ્રાચીન ભારત વર્ષના મહાન ગ્રંથ ‘રામાયણ’ના પાત્ર હનુમાન સાથે છે. નિકોબાર શબ્દ ‘નગ્ન માનવોની ભૂમિ’ એવો અર્થ સૂચવે છે.

આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ ભારત સરકારનો કેંદ્રશાસિત પ્રદેશ (યુનિયન ટેરિટરી) છે અને તેની રાજધાની પોર્ટ બ્લેર છે.

આંદામાન નિકોબારનો કેન્દ્રશાસિત પ્રદેશ બે મોટા દ્વીપ સમૂહોથી બનેલ છે: આંદામાન દ્વીપ સમૂહ તથા નિકોબાર દ્વીપ સમૂહ.

આંદામાન નિકોબાર આઇલેન્ડ્સના ગણનાપાત્ર ટાપુઓ આશરે 325 જેટલા છે, પરંતુ આ ટાપુઓ સાથે નાના મોટા બેટ અને ખડકોને ભેળવતાં સંખ્યા 572 સુધી પહોંચે છે. સઘળા ટાપુઓનો કુલ જમીન વિસ્તાર 8000 સ્ક્વેર કિલોમીટરથી વધારે છે અને તેનો 80 ટકાથી વધુ ભાગ ગાઢા જંગલોથી છવાયેલ છે. માત્ર ત્રણેક ડઝન ટાપુ પર માનવ વસવાટ થયેલ છે.

આંદામાનના ટાપુઓ ઐતિહાસિક પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલ, રૉસ આઇલેન્ડ, નર્કોંડમ (નર્કુંડમ/ નર્ક-કુંડમ) આઇલેંડ પરના સુષુપ્ત (ડોર્મન્ટ) જ્વાળામુખી તથા બેરન આઇલેંડ પર આવેલ ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખી (વોલ્કેનો)ને લીધે પ્રખ્યાત છે. ઉપરાંત ભરપૂર કુદરતી સૌંદર્ય, ગાઢ જંગલો, નયનરમ્ય સમુદ્ર તટ અને અદભુત સમુદ્રી જીવો સહિતની સજીવ સૃષ્ટિ આંદામાનના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ છે.

આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પર 96 અભયારણ્યો (વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી), 9 નેશનલ પાર્ક તથા એક બાયોસ્ફિયર રિઝર્વ છે. આ ટાપુઓ પર દુનિયાના વિશાળકાય કાચબા અને કરચલા જોવા મળે છે. અહીં પક્ષીઓની 270 જેટલી જાતિ-પ્રજાતિઓ છે, જેમાંની ઘણી જાતિઓ દુર્લભ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

આંદામાન નિકોબાર ટાપુઓનો ઇતિહાસ
 • પ્રાચીન સમયથી આંદામાન આઇલેંડસ પર માનવ વસવાટ છે. આશરે સાઠ હજાર વર્ષો પહેલાં આફ્રિકાની કોઈ આદિમ જાતિએ આંદામાન પર પગ મૂક્યો હશે તેવું મનાય છે.
 • દસમી સદીમાં દક્ષિણ ભારત (હાલ તામિલનાડુ) માં ચોલા વંશનું સામ્રાજ્ય મજબૂત બનતું ગયું. આ ચોલા શાસકોએ આંદામાન પ્રદેશો જીતીને ત્યાં નૌકા મથક સ્થાપ્યું હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે.
 • પ્રતાપી ચોલા રાજ્યકર્તા રાજરાજા ચોલાએ ભારત ઉપરાંત માલદીવ અને શ્રીલંકાના કેટલાક ભાગ પર સત્તા જમાવી.
 • વર્ષ 1014 માં રાજરાજા ચોલાના પુત્ર સમ્રાટ રાજેંદ્ર ચોલા પહેલા (રાજેન્દ્ર ચોલા પ્રથમ) એ ચોલા સામ્રાજ્યની ધુરા સંભાળી. મહાન વિજેતા કહેવાયેલા ચોલા સમ્રાટ રાજેન્દ્ર ચોલાએ દક્ષિણ ભારતના ચોલા સામ્રાજ્યને ઉત્તર-પૂર્વમાં ગોદાવરી-ગંગા તટ પ્રદેશ સુધી વિસ્તાર્યું. વળી તેમણે દરિયાપારના દેશોમાં ચોલા સામ્રાજ્યનો ધ્વજ ફરકાવ્યો. ત્યારે માલદીવ અને શ્રીલંકા ઉપરાંત દક્ષિણ એશિયાના મલય દ્વીપ સમૂહ સુધી ચોલા શાસન વિસ્તર્યું હતું.
 • થાઇલેન્ડ અને કંબોડિયાના ખ્મેર રાજ્યકર્તાઓએ ચોલા શાસનની આણ સ્વીકારી હતી. ચોલા સમ્રાટ રાજેંદ્ર ચોલાએ આંદામાન ટાપુઓના પ્રદેશો જીતીને, દક્ષિણ પૂર્વ એશિયા પર પ્રભુત્વ જાળવવા આંદામાનમાં મહત્ત્વનું નૌકા મથક ઊભું કર્યું હતું.
 • સત્તરમી સદીમાં મરાઠા સરદાર કાન્હોજી આંગ્રે (1669 – 1729) પોતાના નૌકા કાફલાને લાંગરવા આંદામાન ટાપુઓનો ઉપયોગ કરતા હતા. શક્તિશાળી નૌકાદળ દ્વારા ભારતના દરિયા તટને પોતાના પ્રભાવમાં રાખનાર મરાઠા સરદાર કાન્હોજી આંગ્રેએ બ્રિટીશ, પોર્ટુગિઝ, ડચ અને અન્ય હરીફોને ભારે હેરાન કરી મૂક્યા હતા!
 • અઢારમી સદીના મધ્યમાં આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પર પગદંડો જમાવનાર પ્રથમ યુરોપિયન પ્રજા ડેન્માર્કના ડેનિશ / ડેન્સ લોકો હતા. 1755 – 56માં ડેનિશ ઇસ્ટ ઇંડિયા કંપનીએ નિકોબાર આઇલેંડસ પર કોલોની વસાવી. ડેનિશ લોકોની આ કોલોનીને પહેલાં ન્યૂ ડેન્માર્ક નામ આપવામાં આવ્યું. ડેન્માર્કના રાજા ફ્રેડરિકની યાદમાં આ ટાપુઓ પછીથી ફ્રેડરિક આઇલેંડ્ઝના નામે ઓળખાયા. રોગિષ્ટ આબોહવા તેમજ કીટકો-મચ્છરોના ત્રાસથી રોગગ્રસ્ત આ ટાપુઓ પર કોઈ લાંબો વખત રહી શક્યું નહીં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

આંદામાન ટાપુઓ પર કાળા પાણીની સજા અને સેલ્યુલર જેલ

હાલનું પોર્ટ બ્લેર જ્યાં વસેલ છે, તે ટાપુ એક સમયે ચાથમ આઇલેંડ તરીકે ઓળખાતો.

બ્રિટીશ ગવર્નર જનરલ લોર્ડ કૉર્નવૉલિસ (માર્ક્વિસ કોર્નવોલિસ)* ના સમયમાં,  1789માં ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લેફ્ટેનન્ટ આર્કિબાલ્ડ બ્લેર નામના એક બ્રિટીશ ઓફિસરે આ ચાથમ આઇલેન્ડની મુલાકાત લીધી. લેફ્ટેનન્ટ બ્લેરને કલકત્તાથી સમુદ્રમાર્ગે આંદામાનના પોર્ટ કોર્નવોલિસ (પોર્ટ બ્લેર) પહોંચતાં દસ દિવસ લાગ્યા હતા! અંગ્રેજ લેફ્ટેનન્ટ આર્કિબાલ્ડ બ્લેરના માનમાં પાછળથી પોર્ટ કૉર્નવૉલિસને પોર્ટ બ્લેર નામ આપવામાં આવ્યું. કંપનીના અધિકારીઓએ અહીં દેશનિકાલ પામેલ કેદીઓને રાખવાના પ્રયત્નો કર્યા, પણ ગાઢા જંગલો, વિષમ હવા-પાણી અને રોગજન્ય પરિસ્થિતિઓને અહીં વસવાટ માટેના બધા પ્રયાસો નિષ્ફળ ગયા.

1857માં અંગ્રેજ હકૂમત સામેનો હિંદુસ્તાનનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળતાને વર્યો અને તેમાં ઘણા બધા હિંદુસ્તાની સ્વાતંત્ર્યવીરો બ્રિટીશરોના હાથમાં કેદ પકડાયા. આવા કેદીઓને સજા માટે બ્રિટીશ ગવર્નમેન્ટના કેપ્ટન કેમ્પબેલની નજરમાં ફરીથી આંદામાન ટાપુઓ આવ્યા.

બ્રિટીશ શાસનના વિરોધીઓને હિંદુસ્તાનની બહાર દેશનિકાલ કરી કાળા પાણીની સજા કરવા અંગ્રેજ સરકારને આ ટાપુઓ યોગ્ય લાગ્યા. આંદામાન ટાપુઓ ભારતથી દૂર દૂર મધદરિયે એકલા-અટૂલા; ટાપુઓ પર આક્રમક આદિવાસીઓ, દુર્ગમ જંગલો તથા ચોમેર પાણી પાણી! આવા ટાપુ પરથી કોઈ ભાગી જ ન શકે! આ થઈ દેશનિકાલ પામેલ કેદીઓની કાળા પાણીની સજા!

આંદામાન નિકોબાર આઇલેન્ડ્સની રાજધાની પોર્ટ બ્લેરથી તદ્દન નજીક રોસ આઇલેંડ એક ટચૂકડો ટાપુ છે. અંગ્રેજ સરકારે આવા કાળા પાણીની સજા માટે આંદામાન ટાપુઓના રૉસ આઇલેંડને પસંદ કર્યો. સાતસોથી વધુ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામીઓને લઈને પહેલું બ્રિટીશ જહાજ માર્ચ, 1858માં  આંદામાન પહોંચ્યું. અહીં કેદીઓની વસાહત (‘આંદામાન પીનલ સેટલમેંટ’) ઊભી કરવામાં આવી. પાછળથી કાળા પાણીના બંદીઓની સંખ્યા એટલી વધતી ગઈ કે રોસ આઇલેંડ જેવો આખો ટાપુ પણ કેદખાના તરીકે નાનો પડવા લાગ્યો.

1874 માં આ વસાહતમાં 7800 જેટલા બંદીઓ હતા જે પૈકી 900 જેટલા તો આજીવન સજા પામેલા સ્ત્રી કેદીઓ હતા. વળી સજા પામેલા પરિણીત પતિ-પત્ની યુગલ તરીકે અથવા બાળકો સાથે અહીં વસવા લાગ્યા.

સમય જતાં રોસ આઇલેંડ અને પોર્ટ બ્લેર ટાપુઓની વસાહત નાની પડી.

1896માં અંગ્રેજ સરકારે પોર્ટ બ્લેર પર મોટી પાકી જેલ   બાંધવાનો નિર્ણય લીધો. આંદામાનની આ બહુમાળી જેલ દસ વર્ષે પૂર્ણ રૂપે તૈયાર થઈ.

1906માં તૈયાર થયેલ પોર્ટ બ્લેરની આ જેલ નાની નાની કોટડી (સેલ) ઓથી બની હોવાથી સેલ્યુલર જેલ તરીકે ઓળખાઈ. આ સેલ્યુલર જેલમાં ખાસ કેદીઓને એકાંતવાસની શિક્ષા કરવા પ્રત્યેક નાનકડા સેલમાં એક જ કેદી રહે તેવી વ્યવસ્થા કરી હતી.

1937 સુધી અહીં હજારો સ્વાતંત્ર્યસેનાની અને દેશભક્ત રાજકીય કેદીઓને રાખવામાં આવ્યા. તેમાં સ્વાતંત્ર્યસેનાની વીર સાવરકર અને બટુકેશ્વર દત્ત જેવા નામી-અનામી અસંખ્ય દેશભક્તોનો સમાવેશ થાય છે. ‘મધુસંચય’ના આ લેખ દ્વારા આ વીર સ્વાતંત્ર્યસેનાનીઓને આપણે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ!

બીજા વિશ્વયુદ્ધ (1939-1945) સમયે બ્રિટન-અમેરિકા સામે લડતું જાપાન સાઉથ ઇસ્ટ એશિયામાં આગેકૂચ કરતું, સિંગાપુર-બર્મા જીતી ભારતના દરવાજે ઊભું થયું. 1942માં જાપાને આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પર કબજો જમાવ્યો. 1943 માં ડિસેમ્બરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ પોર્ટ બ્લેરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે ત્યાં આઝાદ હિંદનો ધ્વજ ફરકાવ્યો હતો. 1945 સુધી આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ જાપાનના તાબામાં રહ્યા.

બીજું વિશ્વયુદ્ધ 1945માં પૂરું થયું અને 1947માં ભારત સ્વતંત્ર થયું. ભારત સરકાર દ્વારા 1956 માં આંદામાન નિકોબાર આઇલેન્ડ્સને યુનિયન ટેરિટરી જાહેર કરાયા. 1979 પછી આંદામાન નિકોબારને મિલિટરી અને આર્થિક દ્રષ્ટિકોણથી ખાસ રીતે ડેવલપ કરવામાં આવી રહ્યા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

આંદામાન ટાપુની જનજાતિઓ
 • આંદામાન ટાપુઓ પર વસતી માનવ જાતિઓનાં મૂળ 60,000 વર્ષ પૂર્વેનાં પાષાણયુગનાં હોવાનું મનાય છે.
 • આંદામાનની જન જાતિઓમાં ગ્રેટ આંદામાનિઝ, જારવા (જરવા), ઓંગી, સેન્ટિનેલિઝ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આશરે સાઠથી પાંસઠ હજાર વર્ષ પૂર્વે આફ્રિકાથી આવેલ કોઈ આદિમ જાતિના સભ્યો આંદામાન ટાપુઓ પર આવી વસ્યા હશે, તેવી ધારણા છે. આજે તેઓ ગાઢા જંગલમાં આદિવાસી જાતિઓ તરીકે વન્ય જીવન વીતાવે છે.
 • આ મૂળ જન જાતિઓમાંથી મોટા ભાગની લુપ્ત થઈ ગઈ છે. પરંતુ ગ્રેટ આંદામાનિઝ જેવી જાતિ અસ્તિત્વ ટકાવવા મથી રહી છે. જારવા (જરવા), ઓંગી અને સેન્ટિનેલિઝ જાતિના જુજ સભ્યો આજે બચ્યા છે.
 • આ આદિ જાતિઓ શિકાર કરી પેટ ભરે છે, વન્યાવસ્થાની પરંપરાગત જીવનશૈલી જાળવીને જીવન જીવે છે અને બહારની દુનિયા સાથે સંપર્ક ટાળે છે.
 • 1970માં ભારત સરકાર દ્વારા જરવા જન જાતિ સાથે સંપર્ક કરવાના વિધિસરના પ્રયાસો હાથ ધરાયા હતા. જરવા જાતિના 400 – 450 સભ્યો હશે તેવી ધારણા છે. જારવા જાતિ હવે બાહ્ય દુનિયા સાથે સંપર્ક માટે ઉત્સુક રહે છે, પરંતુ સેન્ટિનેલિઝ જાતિ હજી પણ તેમના જીવનમાં જરાયે દખલ થતાં આક્રમક બને છે.
 • ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાએ આ ટાપુઓ પર ટ્રાઇબલ જાતિઓ સાથે સંપર્ક-વ્યવહાર કરવા પર નિષેધ ફરમાવ્યો છે.
નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પરની સેન્ટિનેલિઝ જાતિ

આંદામાન દ્વીપ સમૂહના પોર્ટ બ્લેરની પશ્ચિમમાં નોર્થ સેન્ટિનેલ ટાપુ છે. તે આઇલેંડ ભારત દેશનો એક ભાગ છે, છતાં ત્યાં દેશી-વિદેશી કોઈ પણ પ્રવાસી પગ નથી મૂકી શકતો!

નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડના નિવાસી સેન્ટિનેલિઝ જન જાતિના સભ્યો આજે પણ માનવસભ્યતાથી વિમુખ છે અને જંગલની પ્રાકૃતિક અવસ્થામાં જીવન જીવે છે. અંધારા ઘનઘોર જંગલોમાં ગુપ્તતાના પડદા નીચે જીવતી આ આદિમ જાતિ સેંટિનેલિઝની જીવનશૈલીનાં રહસ્યો આજે ય અકબંધ છે.

આજે એકવીસમી સદીમાં આપણે પૃથ્વીના ખૂણેખૂણા ફંફોસી ચૂક્યા છીએ, નાના-મોટા દરેક જીવને જાણી ચૂક્યા છીએ, ત્યારે પણ સેંટિલનેઝ જાતિની જીવન પદ્ધતિ વિષે આપણે કશું પણ જાણતા નથી. આપણે તેમના ટાપુને નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ નામ આપ્યું છે અને તેમની જાતિને સેન્ટિનેલિઝ ટ્રાઇબ કહીએ છીએ. પરંતુ તે પ્રજા પોતાના ટાપુને શું કહે છે કે તેમને પોતાને કયા નામથી ઓળખે છે તે આપણને ખબર નથી.

એવાં અનુમાનો છે કે આ આદિમ જાતિના જૂજ સભ્યો જ આ ટાપુ પર બચ્યા છે. કદાચ એક સોથી ઓછા! કે બસો પાંચસો? નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર ગીચોગીચ ઘટાદાર વૃક્ષો ધરાવતાં એવાં તો દુર્ભેદ્ય અને દુર્ગમ જંગલો છે કે કશું જાણી જ ન શકાય!  તેઓ પાષાણ યુગના મનુષ્યની જેમ શિકાર કરી ભટકતું જીવન ગાળતા જણાય છે. પથ્થર અને તીરકામઠાં તેમનાં હથિયારો છે. વસ્ત્રહીન અવસ્થામાં રહેતા સેન્ટિનેલિઝ લોકોની ભાષાથી આપણે જ્ઞાત નથી. આ ટ્રાઇબલ જાતિના ખોરાક, સામુદાયિક જીવન કે સાંસ્કૃતિક (?) પ્રવૃત્તિઓથી આપણે અજાણ છીએ.

લગભગ આદિ માનવની માફક જીવન જીવતી સેન્ટિનેલિઝ પ્રજા બાહ્ય વિશ્વના જરા પણ સંપર્કમાં આવેલ નથી. ઓગણીસમી સદીમાં અંગ્રેજોએ આ ટાપુ વિશે જાણવા નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.

છેલ્લા ચાર-પાંચ દાયકામાં આ ટ્રાઇબલ જાતિનો સંપર્ક કરવા કે તેમની ફોટોગ્રાફી-વિડિયોગ્રાફીના પ્રયાસો થતા રહ્યા છે, પણ તેઓ ટાપુની આસપાસ પણ કોઈને ફરકવા નથી દેતા! તેઓ જંગલમાંથી છુપી રીતે, અચાનક, પથ્થરો કે તીરોથી દૂર સુધી ઘાતક હુમલો કરી બેસે છે!

1970ના અરસામાં ભારત સરકારના ઉપક્રમે કેટલાક એન્થ્રોપોલોજીસ્ટ – વૈજ્ઞાનિકોની ટીમે નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડની મુલાકાત લઈ ત્યાંના ટ્રાઇબલ રહેવાસીઓ વિશે જાણવા પ્રયત્ન કર્યો હતો, પણ તેમાં ઝાઝી સફળતા મળી ન હતી.

1974માં નેશનલ જ્યોગ્રાફિક ચેનલના સભ્યો ડોક્યુમેંટરી ફિલ્મ બનાવવા સેન્ટિનેલ આઇલેન્ડ પર ગયા હતા ત્યારે વિડિયો શુટિંગ કરતી ટીમ પર સેન્ટિનેલિઝ જાતિના લોકોએ તીર છોડી હિંસક હુમલો કર્યો હતો.

1991માં ભારતીય એન્થ્રોપોલોજીસ્ટની ટીમ ટાપુની મુલાકાત કંઈક સારી રીતે લઈ શકી હતી તેવું કહેવાય છે.

2004માં હિંદ મહાસાગર (ઇંડિયન ઓશન) માં ભયંકર ભૂકંપ આવ્યા પછી મહાસાગરમાં અભૂતપૂર્વ સુનામીનાં  વિનાશક મોજાં ઊછળ્યાં હતાં. આંદામાન ટાપુને થયેલ અસરનો અભ્યાસ કરતું ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર ચક્કર લગાવવા ગયું, તો તેના પર તીર અને પથ્થરોનો મારો ચાલ્યો હતો.

2006માં બે ભારતીય માછીમારો આ ટાપુ પાસે પહોંચી ગયા હતા, ત્યારે સેન્ટિનેલિઝના હુમલાનો ભોગ બની માર્યા ગયા હતા.

તજજ્ઞોની સલાહ પછી ભારત સરકારે એવું સ્વીકારી લીધું છે કે સેન્ટિનેલિઝ જનજાતિના લોકો પોતાની દુનિયામાં, પોતાની જ રીતે જીવવા માગે છે અને તેમને બાહ્ય સંપર્કમાં કોઇ જ રસ નથી. તેમને આધુનિક વિશ્વના પ્રવાહમાં ખેંચીને લાવવું ઇચ્છનીય નથી. તેમને પોતાની મરજીથી પોતાની જીવનશૈલીમાં રહેવાનો અધિકાર છે અને આપણે તેમના અધિકારને સ્વીકારવો જોઈએ.

સેન્ટિનેલિઝની આગવી દુનિયામાં દખલ કરવાનો આપણને કોઈ હક્ક નથી, તેથી ભારત સરકારના નોટિફિકેશનથી નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડની આજુબાજુનો સમગ્ર સમુદ્રી વિસ્તાર પ્રતિબંધિત ઘોષિત થયો છે.  સેન્ટિનેલિઝ આદિ જાતિના રક્ષણ માટે ગવર્નમેંટ ઓફ ઇંડિયાએ સેન્ટિનેલ ટાપુની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારના આદેશથી આ ટાપુની આસપાસના દરિયામાં પણ પ્રવેશ-નિષેધ છે.

આજે તો આ આઇલેન્ડ માનવજાત માટે, સમગ્ર વિશ્વ માટે એક રહસ્યમય પ્રદેશ બનીને રહી ગયો છે. શું સુરક્ષિત ઊંચાઈ પરથી લિડાર ટેકનોલોજીથી કે ડ્રોનની મદદથી આ ટાપુ વિશે જાણવાના વિશેષ પ્રયત્નો કરવા જોઈએ? આવું કૃત્ય ઇચ્છનીય કે સ્વીકાર્ય રહેશે?

સમગ્ર વિશ્વમાં સેન્ટિનેલિઝ પ્રજા કદાચ આખરી અને એક માત્ર આદિમ જાતિ છે જેની સાથે આધુનિક માનવ સંપર્ક કેળવી શક્યો નથી. નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ અને સેન્ટિનેલિઝ જન જાતિનાં રહસ્યો પરથી પડદો ક્યારે ઊઠશે?

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

વિશેષ નોંધ (An update): 23 નવેમ્બર, 2018

નોર્થ સેંટિનેલ આઇલેન્ડ પર અમેરિકન ટુરિસ્ટ પર ઘાતક હુમલો

આંદામાન નિકોબાર આઇલેન્ડના નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ તથા સેન્ટિનેલિઝ આદિમ જાતિના સંદર્ભે હાલમાં એક દુ:ખદ સમાચાર આવેલ છે જે ઉપરોક્ત લેખના અનુસંધાને જાણવા જેવા બની રહે છે.
નવેમ્બર 2018 ના ગત સપ્તાહમાં ઓક્લાહોમા, અમેરિકાનો એક યુવાન નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર જવાના દુ:સાહસમાં સેન્ટિનેલિઝ જાતિ દ્વારા માર્યો ગયો છે. માત્ર છવ્વીસ વર્ષનો અમેરિકન યુવાન ક્રિશ્ચિયન મિશનરી જોહન એલન ચાઉ ધર્મ પ્રશિક્ષણના હેતુથી સેંટિનેલિઝ જાતિને ‘ધર્માભિમુખ કરવા’ આંદામાન નિકોબાર આવ્યો હતો. કેટલાક માછીમારોની મદદથી આ યુવાન ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર પહોંચ્યો. સેન્ટિનેલિઝ પ્રજાએ અમેરિકન યુવાન પર ઘાતક તીરોથી હુમલો કર્યો અને તેમાં તેનું કરુણ મૃત્યુ થયું. તેનો મૃતદેહ લઈને સેન્ટિનેલિઝ લોકો જંગલમાં જતા રહ્યા હોવાનું માછીમારોએ જણાવ્યું છે.

*** * * ** *** ** * **** *** * ***  ** ***  * * *** **** * ** **  * * * *

મધુસંચય-લેખ: આંદામાનના નોર્થ સેન્ટિનેલ ટાપુ પર વસતી આદિમ જાતિનાં રહસ્યો: પરિશિષ્ટ (1)
 • ભારતની પૂર્વમાં, બૅ ઑફ બેંગાલ – આંદામાન સમુદ્રની વચ્ચે આંદામાન નિકોબાર ટાપુઓ
 • આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ ભારતના યુનિયન ટેરિટરી તરીકે ભારતના જ પ્રદેશો
 • પોર્ટ બ્લેર છે આંદામાન નિકોબાર આઇલેન્ડ્સની રાજધાની
 • બ્રિટીશ રાજ વખતે કાળા પાણીની સજા માટે કુખ્યાત બનેલ પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલ
 • પોર્ટ બ્લેર હવાઈ માર્ગે ચેન્નાઈથી આશરે 1400 કિલોમીટર અને કોલકતાથી 1300 કિલોમીટરના અંતરે
 • આંદામાન નિકોબાર ટાપુઓ 572 જેટલાં નાના મોટા ટાપુઓ – ખડકોનો સમૂહ
 • વિશાળ સમુદ્રતટ, ગાઢ જંગલો, અવર્ણનીય પ્રાકૃતિક સૌંદર્ય અને અજબ ગજબનાં વનસ્પતિ-પ્રાણીઓ જેવાં આકર્ષણો આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પર
 • આંદામાન આઇલેન્ડ્સના જંગલોમાં આદિ અવસ્થામાં વસતી પ્રાચીન જનજાતિઓ
 • આંદામાન દ્વીપ સમૂહમાં નોર્થ સેંટિનેલ ટાપુ પ્રતિબંધિત વિસ્તાર
 • નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર વસે છે આદિમ સેન્ટિનેલિઝ જનજાતિનાં જૂજ સભ્યો
 • 60,000 વર્ષ પૂર્વનાં પાષાણયુગનાં માનવનાં વંશજ મનાતાં સેન્ટિનેલિઝ જાતિનાં લોકો
 • ઘનઘોર જંગલોમાં ગોપનીય રીતે જીવતાં સેન્ટિનેલિઝ લોકો આજે પણ બાહ્ય વિશ્વથી તદ્દન વિખૂટાં
 • રહસ્યમય સેન્ટિનેલિઝ જનજાતિની રહેણીકરણી અને સામાજીક જીવનશૈલીનાં રહસ્યો બરકરાર
 • માનવ સંપર્ક વિહોણી રહેલી સેન્ટિનેલિઝ જનજાતિ કદાચ વિશ્વની આખરી અને એક માત્ર આદિમ જાતિ
 • * લોર્ડ કોર્નવોલિસ (માર્ક્વિસ કૉર્નવોલિસ) 1786-1793ના સમયગાળામાં અંગ્રેજી શાસનમાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા. 1805માં તેમને ફરી ગવર્નર જનરલ ઓફ ઇંડિયા તરીકે નિમવામાં આવ્યા. તે જ વર્ષે તેમનું તત્કાલીન વારાણસી રાજ્યમાં અવસાન થયું. તેમની દફનવિધિ ગંગાકિનારે કરવામાં આવી. આજે પણ લોર્ડ કોર્નવોલિસની સમાધિ ગાઝીપુર (ઉત્તર પ્રદેશ) ખાતે આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયાની નિગરાનીમાં જળવાઈ રહી છે.

*** * * ** *** ** * **** *** * ***  ** ***  * * *** **** * ** **  * * * *

મધુસંચય-લેખ: આંદામાનના નોર્થ સેન્ટિનેલ ટાપુ પર વસતી આદિમ જાતિનાં રહસ્યો: પરિશિષ્ટ (2)
 • આંદામાન નિકોબાર ટાપુઓ/ આઇલેન્ડ્સ: Andaman and Nicobar Islands, Union Territory of India
 • પોર્ટ બ્લેર, આંદામાન ટાપુઓ: Port Blair, Andaman Islands
 • નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ: North Sentinel Island, Andaman Islands
 • રોસ (રૉસ) આઇલેંડ: Ross Island
 • નર્કોંડમ (નર્કુંડમ/ નર્ક-કુંડમ) આઇલેન્ડ: Narcondam Island
 • બેરન આઇલેન્ડ: Barren Island, Bay of Bengal
 • સમ્રાટ રાજેંદ્ર ચોલા પહેલો (રાજેન્દ્ર ચોલા પ્રથમ): Emperor Rajendra Chola I (Reign 1014 -1044)
 • કાંહોજી (કાન્હોજી) આંગ્રે: Kanhoji Angre (1669 – 1729)
 • આંદામાન પીનલ સેટલમેન્ટ: Andaman Penal Settlement, Andaman Islands
 • સેલ્યુલર જેલ, પોર્ટ બ્લેર: Cellular Jail, Port Blair
 • સેન્ટિનેલિઝ જનજાતિ, નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ: The Sentinelese tribe, North sentinel Island
 • જારવા (જરવા) જનજાતિ: The Jarawa tribe
 • ઓંગી (ઓંગે) જનજાતિ: The Onge Tribe

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

2 thoughts on “આંદામાનના નોર્થ સેન્ટિનેલ ટાપુ પર વસતી આદિમ જાતિનાં રહસ્યો

 1. સેન્ટિનેલિઝ જનજાતિના લોકો પોતાની દુનિયામાં, પોતાની જ રીતે જીવવા માગે છે અને તેમને બાહ્ય સંપર્કમાં કોઇ જ રસ નથી.
  ————
  આનું કારણ બહુ જ સ્પષ્ટ છે. સંસ્કૃતિની વિકૃતિઓ તે પ્રજા બરાબર સમજી ગઈ છે.
  નેશનલ જ્યોગ્રાફિકનો આ લેખ બહુ જ ગમી ગયેલો અને તેનો સાર મારા બ્લોગ પર મુક્યો હતો.એ મારા માનીતા સંશોધન લેખોમાંનો એક છે. તેની પર ચર્ચા પણ ઘણી થઈ હતી. આજની તારીખમાં પણ આ મારો રસનો વિષય છે.

  https://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/

  આ જ સંદર્ભમાં ‘પપુઆ ન્યુ ગિની’ માં એક કેનેડિયન ખ્રિસ્તી મિશનરીએ આણેલું સામાજિક પરિવર્તન કાબિલે દાદ છે . મેં એનું પુસ્તક વાંચેલું – અદભૂત અનુભવ. પણ આ વિડિયો જરૂર જોજો –

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s