પ્રાચીન મેસેડોનિયા સામ્રાજ્ય
પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિએ વિશ્વને પ્રતિભાવંત વિદ્વાનો, ડેમોક્રેસી અને ઑલિમ્પિક રમતોની બક્ષિસ આપી છે. આ જ ગ્રીસની ધરતી પરથી મેસેડોનિયાનું સામ્રાજ્ય વિકસ્યું. ગ્રીસના ઉત્તરી પ્રદેશોમાંથી પ્રાચીન મેસેડોનિયન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.
પ્રાચીન મેસેડોનિયાની રાજધાની આઇગાઇ (એઇગાઇ/ એઇગઇ/ આઇગૈ) નાં ખંડેરો ઉત્તર ગ્રીસના વર્જીના ટાઉન નજીકથી શોધી કઢાયાં છે. મહાન ગ્રીક ઇતિહાસકાર હીરોડોટસની નોંધોમાં મેસેડોનિયાનાં ઘણાં વર્ણન જોવા મળે છે.
મેસેડોનિયાનું શક્તિશાળી સામ્રાજ્ય ઊભું કરવાનો શ્રેય સમ્રાટ ફિલિપ બીજા તથા તેના પુત્ર એલેક્ઝાંડર (સિકંદર) ને જાય.
એલેક્ઝાંડર ધ ગ્રેટ
ઇપૂ 336માં મેસેડોનિયાની પ્રાચીન રાજધાની આઇગાઇ (એઇગાઇ/ એઇગઇ/ આઇગૈ) માં સમ્રાટ ફિલિપ બીજાની પુત્રી ક્લિયોપેટ્રાનાં લગ્ન સમયે એક અંગરક્ષકે સમ્રાટની હત્યા કરી. પિતાની હત્યા થતાં યુવરાજ એલેક્ઝાંડર થર્ડ મેસેડોનિયાના સમ્રાટ તરીકે સત્તામાં આવ્યો. આઇગાઇમાં જ એલેક્ઝાંડરનો રાજ્યાભિષેક થયો.
મેસેડોનના આ એલેક્ઝાંડર થર્ડને ઇતિહાસ એલેક્ઝાંડર ધ ગ્રેટ પણ કહે છે.
માત્ર તેર વર્ષના અતિ ટૂંકા શાસનમાં એલેક્ઝાંડરે ભવ્ય વિજયો મેળવીને મેસેડોનિયાના સામ્રાજ્યને ગ્રીસથી પર્શિયા વીંધીને એશિયામાં હિંદુસ્તાનના ઉત્તરી ભાગ સુધી ફેલાવ્યું. ઇપૂ 323માં બેબિલોનમાં માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે સમ્રાટ એલેક્ઝાંડરનું અકાળ અવસાન થયું. તેના સાવકા ભાઈ ફિલિપ ત્રીજાએ મેસેડોનિયાની સત્તા સંભાળી. ત્યાર પછી થોડા દશકાઓમાં રોમન સામ્રાજ્ય (બાયઝેન્ટાઇન એમ્પાયર) નો ઉદય થતો ગયો અને મેસેડોનિયન કિંગ્ડમનો અંત આવ્યો.
મેસેડોનિયાની પ્રાચીન રાજધાની આઇગાઇના અવશેષો
વર્તમાન ગ્રીસ દેશમાં ઉત્તર ભાગમાં મેસેડોનિયા નામનો પ્રદેશ છે. તેમાં થેસ્સાલોનિકી નામનું ગ્રીસનું બીજા નંબરનું મોટું શહેર આવેલું છે. થેસ્સાલોનિકીની પશ્ચિમમાં વર્જીના ટાઉન પાસેથી પ્રાચીન મેસેડોનિયાની રાજધાની આઇગાઇના અવશેષો મળી આવ્યા છે. આઇગાઇમાં ફિલિપ બીજાની હત્યા થઈ હતી; એલેક્ઝાંડર ધ ગ્રેટનો રાજ્યાભિષેક પણ અહીં જ થયો હતો.
થેસ્સાલોનિકીમાં ગ્રીસની સૌથી મોટી યુનિવર્સિટી – એરિસ્ટોટલ યુનિવર્સિટી ઑફ થેસ્સાલોનિકી – આવેલી છે. ગ્રીસના મહાન તત્ત્વચિંતક એરિસ્ટોટલની યાદમાં થેસ્સાલોનિકીની યુનિવર્સિટીને એરિસ્ટોટલ યુનિવર્સિટી ઑફ થેસ્સાલોનિકી નામ અપાયું છે. 2,30,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી એરિસ્ટોટલ યુનિવર્સિટી ઑફ થેસ્સાલોનિકીમાં હાલ 65000થી વધારે વિદ્યાર્થીઓ અને 2000 થી વધુ ફેકલ્ટી મેમ્બર્સ છે.
થેસ્સાલોનિકી યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્યા (આર્કિયોલોજી)ના પ્રોફેસર મેનોલિસ એન્ડ્રોનિકોસ વર્ષોથી પ્રાચીન મેસેડોનિયાના અવશેષો શોધવામાં કાર્યરત હતા. 1977માં ગ્રીસના આ આર્કિયોલોજીસ્ટ મેનોલિસ એન્ડ્રોનિકોસને વર્જીનાના મોટા ટેકરા / ટીંબા (Great Tumulus) નું ખોદકામ કરતાં શાહી સમાધિસ્થાન જેવી કબર મળી. માટીના પાળિયા કે મકબરા જેવા સમાધિના દેખાવ અને તેની આસપાસના ઝવેરાત અને શસ્ત્રો જોતાં જ પુરાતત્ત્વવિદ સમજી ગયા કે તે શાહી પરિવારની કબર હતી. તે પછી તો એન્ડ્રોનિકોસની ટીમને આસપાસથી અન્ય કબરો પણ મળી. આ સમાધિસ્થાનોમાં કોફીન જેવા બોક્સમાં બળેલાં હાડપિંજરનાં હાડકાંઓ પણ હતાં. તે સમયના રિવાજ મુજબ શાહી મૃતદેહને અગ્નિદાહ આપી તેનાં હાડકાં પર માટીના પાળિયા કે કબર જેવું સમાધિસ્થાન બનાવી તેના પર માટીનો ટેકરો ખડો કરાતો. એન્ડ્રોનિકોસને જણાયું કે મુખ્ય સમાધિ મેસોડોનિયાના સમ્રાટ ફિલિપ બીજાની હતી. વિગતે અભ્યાસ પછી નક્કી થયું અન્ય એક કબર એલેક્ઝાંડર ધ ગ્રેટના પુત્ર એલેક્ઝાંડર ચોથાની હતી. અન્ય શાહી કબરોની ઓળખ પર પ્રશ્નો ઊભા છે.
આર્કિયોલોજીસ્ટ મેનોલિસ એન્ડ્રોનિકોસના આ દાવાઓને અન્ય પુરાતતત્ત્વવિદો પડકારતા રહ્યા છે. સમાધિસ્થાન ખરેખર ફિલિપ બીજાનું છે કે નહીં તે પર સંશયો ઊઠતા રહે છે. આ પછી તો આઇગાઇમાં અન્ય ઘણાં કીમતી ખંડેરો – અવશેષો મળ્યાં છે. ફિલિપ બીજાનો મહેલ સહિત બીજાં પ્રાચીન સ્થાનો – ચીજવસ્તુઓ પણ મળેલ છે.
વિવાદ છતાં એન્ડ્રોનિકોસનાં સંશોધનોને સ્વીકારવામાં આવ્યાં છે. ગ્રીસ સરકારે અને યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કોએ થેસ્સાલોનિકી નજીક વર્જીના ટાઉન પાસેનાં અવશેષો મેસેડોનિયાની પ્રથમ રાજધાની આઇગાઇના જ હોવાનું અધિકૃત રીતે સ્વીકાર્યું છે. એન્ડ્રોનિકોસે શોધેલ સમાધિસ્થાન તે ફિલિપ બીજાનું જ સમાધિસ્થાન છે અને અન્ય સમાધિઓ શાહી પરિવારની છે તે સાચી વાત જણાય છે.
એલેક્ઝાંડર ધ ગ્રેટના પિતા સમ્રાટ ફિલિપ બીજાનાં સમાધિ સ્થાનની આસપાસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. યુએનની સંસ્થા યુનેસ્કોએ આઇગાઇ, વર્જીનાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે. આઇગાઇ (એઇગાઇ/ એઇગઇ/ આઇગૈ) યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આકર્ષણનું કેંદ્ર બન્યું છે તેથી દર વર્ષે લાખો પ્રવાસીઓ આઇગાઇની મુલાકાતે આવે છે. આજે તો થેસ્સાલોનિકી સુધીના સમગ્ર વિસ્તારમાં અન્ય મ્યુઝિયમ્સ પણ છે.
ગ્રીસ સરકારે આર્કિયોલોજીસ્ટ મેનોલિસ એન્ડ્રોનિકોસને ગ્રીસનું વિશિષ્ટ નાગરિક બહુમાન આપ્યું છે. થેસ્સાલોનિકીના ઇંટરનેશનલ એરપોર્ટના એક લૉંજને એન્ડ્રોનિકોસનું નામ આપવામાં આવ્યું છે.
** ** ** ** ** ** **
‘મધુસંચય’ લેખ – સંક્ષેપ: પ્રાચીન મેસેડોનિયા – આઇગાઇનાં ખંડેરો (Aigai, the ancient capital of Macedonia)
- ફિલિપ બીજાએ પ્રાચીન મેસેડોન / મેસેડોનિયા (મકદુનિયા) નું સામ્રાજ્ય ખડું કર્યું
- ફિલિપ બીજાનો પુત્ર મહાન વિજેતા સિકંદર (એલેક્ઝાંડર ધ ગ્રેટ)
- સિકંદરે ફેલાવ્યું મેસેડોનિયાના સામ્રાજ્યને ગ્રીસથી ઉત્તરી હિંદુસ્તાન સુધી
- પ્રાચીન મેસેડોનિયાની રાજધાની એઇગાઇ (આઇગાઇ / એઇગઇ/ આઇગૈ)
- વર્તમાન ગ્રીસ દેશમાં થેસ્સાલોનિકી શહેર પાસે વર્જીના ટાઉન પાસે મળી આવ્યા આઇગાઇ (એઇગાઇ/ એઇગઇ/ આઇગૈ) ના અવશેષો
- આઇગાઇ – વર્જીનાના પ્રાચીન અવશેષોને પ્રકાશમાં લાવનાર ગ્રીસના આર્કિયોલોજીસ્ટ મેનોલિસ એન્ડ્રોનિકોસ
- થેસ્સાલોનિકી યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્યા (આર્કિયોલોજી)ના પ્રોફેસર મેનોલિસ એન્ડ્રોનિકોસ
- આઇગાઇ – વર્જીનાનાં ખંડેરોમાં પ્રાચીન મેસેડોનિયન – ગ્રીક સંસ્કૃતિનો ઇતિહાસ
- આઇગાઇ (આઇગૈ) માં મળી આવેલ સમ્રાટ સિકંદરના પિતા ફિલિપ બીજાનો મહેલ ઉપરાંત કેટલીક શાહી કબરો
- યુનેસ્કો (યુએન) દ્વારા આઇગાઇ – વર્જીનાના અવશેષો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત
** ** ** ** ** ** **
‘મધુસંચય’ લેખ : પ્રાચીન મેસેડોનિયા – આઇગાઇના ખંડેરો: (Aigai, the ancient capital of Macedoniya) : પૂરક માહિતી
- આઇગાઇ / એઇગાઇ/ એઇગઇ/ આઇગૈ : Aigai
- મેસેડોન / મેસેડોનિયા / મકદુનિયા : Macedon / Macedonia
- સિકંદર : એલેક્ઝાંડર ધ થર્ડ : એલેક્ઝાંડર ધ ગ્રેટ : Alexander The Third / Alexander the Great (356-323 BC)
- થેસ્સાલોનિકી/ થેસ્સાલોનીકી, ગ્રીસ : Thessaloniki, Greece
- એરિસ્ટોટલ યુનિવર્સિટી ઑફ થેસ્સાલોનિકી: Aristotle University of Thessaloniki
- મેનોલિસ એન્ડ્રોનિકોસ / મેનોલિસ એંડ્રોનિકોસ: Manolis Andronikos
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
લેખ એકવાર વાંચ્યો. પુરેપુરો સમજવા માટે આ શૈક્ષણિક લેખ બેત્રણ વાર વાંચવો પડે. આ લેખના સંદર્ભ બહારનો એક વિચાર/સવાલ.
એલેક્ઝાન્ડરનું દેશી નામાંકરણ “સિકંદર” કોણે અને ક્યારે કર્યું?
લેક્ષિકોન નીચેના અર્થો કહે છે.
એ નામનો ઈ.પૂ. ૪થી સદીનો, ગ્રીસનો મહાન શહેનશાહ અલેકઝાંડર. વિજયી, ફતેહમંદ. ઉન્નતિનો તારક કે સિતારો. નસીબ; ભાગ્ય. ઠગ; લુચ્ચું. જ્યકારી; વિજયી.
‘મધુસંચય’ની મુલાકાત બદલ આભાર,
પ્રવીણભાઈ! સિકંદરના અર્થ મૂકીને આપે વાચકો માટે ઉપયોગી કામ કર્યું. આવી પૂરક માહિતી પૂરી પાડતી કોમેંટને હું ઉચ્ચ દરજ્જાની કોમેંટ ગણું છું.
આપના પ્રશ્નના જવાબ મને પણ મળ્યા નથી. એલેક્ઝાંડરમાંથી સિકંદર અને મેસેડોનિયામાંથી મકદોનિયા કે મકદુનિયા શબ્દો શી રીતે ચલણમાં આવ્યા તે પણ વ્યાજબી પ્રશ્ન.
બાકી મેસેડોનિયાના સંદર્ભમાં લેખને સમજવા આપે ‘અનામિકા’ પર “એલેક્ઝાંડરના વિલ” વાળો પત્ર વાંચ્યો? સિકંદર અને મેસેડોનિયાને માણવા આપને ‘મધુસંચય’ અને ‘અનામિકા’ પર તાજેતરમાં પ્રકાશિત મેસેડોનિયા પરના અગાઉના ત્રણ લેખો વાંચવાની વિનંતી કરું છું.
https://gujarat1.wordpress.com/2017/02/01/greece-macedonia-at-the-time-of-alexander/
https://gujarat1.wordpress.com/2017/02/08/macedonia-today-macedonia-fyrom/
https://gujarat2.wordpress.com/2017/02/01/anamika-1702-alexander-life/
હું ચોક્કસ વાંચીશ. જરા સમયની અનુકૂળતા મળતાં મારે તમારા અન્ય ઘણાં લેખો વાંચવા છે.
Simply nostalgic. પુરાતત્વ વિશે વાંચવાનું હમ્મેશ ગમતું આવ્યું છે. ટ્રોયના અવશેષોની શોધની વાત વાંચી હતી, તે યાદ આવી ગયું.
પોરસ(પુરૂ) નુ પંજાબ…