.
અમેરિકામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રે વિવ અને સિરિ ઈન્કોર્પોરેશન જેવી ખ્યાતનામ કંપનીઓના પ્રણેતા ડેગ કિટ્લૉસ (ડેગ કિટ્ટલાસ Dag Kittlaus)નું નામ ગાજવા લાગ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના “ચમત્કારિક” ઉપયોગથી ડેગ કિટ્લૉસ ઈન્ટરનેટ તથા કમ્યુનિકેશનને નવી દિશામાં દોરી રહ્યા છે. હાલમાં સાઉથ બાય સાઉથવેસ્ટ ફેસ્ટિવલ ( SXSW 2016 ઓસ્ટિન, ટેક્સાસ) માં ડેગ કિટ્લૉસ વિવ અને ગ્લોબલ બ્રેઇનને ઉત્સાહથી રજૂ કરી રહ્યા છે. દક્ષિણ અમેરિકામાં યોજાતા “સાઉથ બાય સાઉથવેસ્ટ મ્યુઝિક, ફિલ્મ, ઇંટરએક્ટીવ ફેસ્ટિવલ”નું ટેકનોલોજીની દુનિયામાં પણ વિશિષ્ટ મહત્ત્વ છે.
અર્વાચીન ટેકનોલોજીમાં અગણિત ડિવાઈસ, મશીન અને સોફ્ટવેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું પ્રાધાન્ય વધતું જાય છે. ‘મધુસંચય’ના વાચકો સમજી શકશે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી રોબોટિક્સના ક્ષેત્રે અસંભવ લાગતા કામ કરી શકે તેવા રોબોટ બની રહ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું જાણીતું ઉદાહરણ સ્ટીવ જોબ્સની એપલ કંપનીના “આઈ ફોન”માં “સિરિ” ટેકનોલોજીનું છે. “સિરિ” એ સ્પીચ ઇન્ટરપ્રિટેશન એન્ડ રેકગ્નિશન ઇન્ટરફેસ (Speech Interpretation and Recognition Interface )નું સંક્ષિપ્ત રૂપ છે. “હાય સિરિ” કહી આઈ ફોન સાથે વાત કરવાની મઝા આપે માણી હશે. આપણા અટપટા પ્રશ્નોના ચટપટા જવાબ આપતા લોકપ્રિય સ્માર્ટ સેલફોન “આઈ ફોન”ની કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence) “સિરિ”ને આભારી છે.
મઝેદાર “સિરિ” ટેકનોલોજીનો શ્રેય ડેગ કિટ્લૉસને જાય છે. 2007માં ડેગ કિટ્લૉસ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (કેલિફોર્નિયા યુએસએ) દ્વારા સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ એસઆરઆઈ ઈન્ટરનેશનલ- સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (Stanford Research Institute SRI) સાથે એક આંત્રપ્રેન્યોર તરીકે જોડાયા. ડેગ કિટ્લૉસને મોબાઈલ ઈન્ટરનેટનો અનુભવ હતો. સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ડેગ કિટ્લૉસ અને બીજા સહયોગીઓએ મળી “સિરિ”ના પ્લાન બનાવ્યા. 2008માં સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટથી સ્વતંત્ર થઈ ડેગ કિટ્લૉસે “સિરિ ઇન્કોર્પોરેશન” કંપની સ્થાપી. 2010માં ડેગ કિટ્લૉસ અને સાથીઓએ એપલના “આઈ ફોન” માટે “સિરિ” એપ ડેવલપ કરી જે ખૂબ સફળ થઈ. “સિરિ” મૂળભૂત રીતે ઈન્ટેલિજન્ટ પર્સનલ આસિસ્ટંટ તરીકે કામ કરે તેવી એક કોમ્પ્યુટર એપ્લિકેશન હતી. એપલના સ્ટીવ જોબ્સ “સિરિ”થી એવા પ્રભાવિત થયા કે તેમણે “સિરિ ઇન્કોર્પોરેશન” ખરીદી લીધું. ડેગ કિટ્લૉસ તથા તેમના સહયોગીઓને સ્ટીવ જોબ્સે એપલમાં જોડી દીધા.
ઑક્ટોબર 2011માં એપલ કંપનીએ સ્માર્ટ મોબાઇલ ફોન આઇફોન 4-એસ (iPhone 4S) માર્કેટમાં મૂક્યો, ત્યારે તેમાં “સિરિ”નો સમાવેશ થયો. “સિરિ” એપલની ઓપરેટિંગ સિસ્ટમ iOSમાં સમાવિષ્ટ છે. આજે તો આઈ ફોન ઉપરાંત આઈ પૉડ, આઈ પેડ, આઈ પેડ મીની, આઈ પેડ પ્રો સહિત એપલના ઘણા ગેજેટ્સમાં “સિરિ”નો ઉપયોગ થાય છે. એપલ વૉચ અને એપલ ટીવીમાં પણ સિરિનો જાદુ જોવા મળે છે!
2011માં સ્ટીવ જોબ્સનું અવસાન થયું અને ડેગ કિટ્લૉસ એપલથી છૂટા પડ્યા. સાથીઓ સાથે મળી ડેગ કિટ્લૉસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ઓર વિકસાવવા કેલિફોર્નિયાના સેન ઓઝે (San Jose)માં “વિવ” કંપની સ્થાપી. “વિવ” શબ્દનું મૂળ લેટિન ભાષામાં છે જે ‘જીવન’ને સૂચવે છે.
“વિવ”ના ડેવલપમેંટથી ડેગ કિટ્લૉસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને “સિરિ”થી આગળ લઈ જાય છે. “વિવ” તો વળી “સિરિ”થી પણ વિશેષ ઉપયોગી ઈન્ટેલિજન્ટ પર્સનલ આસિસ્ટંટ બની શકે છે! વિવ કઈ રીતે ‘ગ્લોબલ બ્રેઈન” ધરાવતું ઈન્ટેલિજન્ટ પર્સનલ આસિસ્ટંટ બની શકે?
વિવ એક ઈન્ટેલિજન્ટ ઇન્ટરફેસ છે. વિવ પાસે ગ્લોબલ બ્રેઈન છે કારણ કે વિવ એક ગ્લોબલ પ્લેટફોર્મ છે, કે જેની મદદથી સમગ્ર વિશ્વનાં કમ્પ્યુટર્સ, સ્માર્ટ ફોન, ગેજેટ્સ, ડિવાઈસીઝ તેમજ વિશ્વભરના ડેટાબેઝ, સર્વિસીઝ, એપ્લિકેશન્સ ઈત્યાદિને પરસ્પર સાંકળી શકાય. સાચું પૂછો તો વિવનું ભવિષ્યનું સ્વરૂપ કેવું હશે અને તેમાં કઈ કઈ ટેકનોલોજી કેવી રીતે સંકળાશે તે બધી વાતો ભવિષ્ય જ નક્કી કરશે. આપણે તે ટેકનિકલ ડિટેલ્સને બાજુ પર મૂકીએ તો વિવની વ્યાવહારિક ઉપયોગિતા કેવી રીતે સમજી શકાય? વિવને એકાદ-બે સરળ ઉદાહરણથી સમજીએ.
ધારો કે આપની ઈચ્છા આપના ખાસ મિત્ર ‘A’ને આવતી કાલે સવારે બુકે મોકલવાની છે. આપ આપના વિવ ગેજેટને કમાંડ આપશો: “આવતીકાલે સવારે આઠ વાગ્યે ‘A’ને ગુલાબી ગુલાબનો બુકે પહોંચાડો.” વિવ આપના ગેજેટમાંથી ‘A’નું એડ્રેસ શોધી લેશે. તેની નજીકનાં કયા ફ્લોરિસ્ટ્સ પાસે ગુલાબી ગુલાબનાં બુકે છે તેનું કેટેલોગ આપને આપશે. આપ પસંદ કરી મંજૂરી આપો એટલે વિવ ઓર્ડર પ્રોસેસ કરાવશે. બીજે દિવસે ‘A’ને આપનું બુકે મળી જશે.
બીજું એક ઉદાહરણ જોઈએ. ધારો કે આપ પહેલી વાર મુંબઈ ગયા છો. આપને અસ્વસ્થતા લાગે છે અને મેડીકલ ટ્રીટમેંટની જરૂરત લાગે છે. આપ વિવને કમાંડ આપો છો: નજીકના ફિઝિશિયન પાસે જવા માટે ટેક્સીની જરૂર છે. વિવ આપને આસપાસનાં ઉપલબ્ધ ફિઝિશિયંસ/ હોસ્પિટલ્સની યાદી આપશે. આપ ફિઝિશિયન પસંદ કરશો પછી આપના એરિયામાં તરત મળી શકતી ટેક્સી ઓર્ડર કરવાનું કામ પણ વિવ કરી દેશે.
ભારે ડ્રામેટિક અને રંગીન લાગે છે ને આ દ્રષ્ટાંતો! મઝાની વાત એ છે કે આપ ‘વોઈસ કમાંડ’થી આપનાં વિવ ગેજેટ્સ સાથે ઇન્ટરએક્ટ કરશો. વળી જેમ જેમ વધારે વ્યક્તિઓ, ડિવાઈસીઝ, એપ્લિકેશન્સ વિવનો ઉપયોગ કરતાં જશે, તેમ તેમ વિવની ઈન્ટેલિજન્સમાં વધારો થતો જશે. દિવસે દિવસે વિવ વધારે ઈન્ટેલિજન્ટ, વધારે સ્માર્ટ થશે.
પણ છેલ્લી વાત: ડેગ કિટ્લૉસના વિવનાં સંભવિત જોખમો શું હોઈ શકે? ટેકનોલોજીનો – આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આવો વિકાસ કેટલો ઉચિત હશે?
.
Very very useful information …