.
મનુષ્યનું જ્ઞાનતંત્ર શરીર માટે કમાલની કામગીરી કરે છે! માનવ-મગજ તો એક અદભુત રચના છે!
મનુષ્યના જ્ઞાનતંત્ર- નર્વસ સિસ્ટમ- ના બંધારણીય અને કાર્યકારી એકમ ઘટકને ન્યુરોન કહે છે. A neuron is a structural and functional unit of the nervous system. તબીબી વિજ્ઞાન પ્રમાણે માનવ-મગજમાં 100 બિલિયન ન્યુરોન છે. એક બિલિયન એટલે સો કરોડ. મનુષ્યના બ્રેઇનનો પ્રત્યેક ન્યુરોન બીજાં એક હજાર ન્યુરોન્સનાં કનેક્ટિંગ પોઇંટ્સ સાથે જોડાઇને ન્યુરાલ કનેક્શન્સ બનાવે છે અને માહિતી-સંદેશાઓની આપલે કરી શકે છે. જો આમ થાય તો માહિતીની આપલે માટે એક લાખ કરોડ ન્યુરાલ કનેક્શન્સ શક્ય બને. પરંતુ હકીકતમાં આમ બની શકતું નથી. જન્મ સમયે શિશુના મગજમાં એક પુખ્ત મનુષ્યનાં મગજ જેટલાં ન્યુરોન્સ હોય છે. પ્રથમ ત્રણ વર્ષમાં ન્યુરાલ કનેક્શન્સ અતિ તીવ્ર ગતિથી વધે છે. પાંચ-છ વર્ષની ઉંમર સુધી તે મહત્તમ સંખ્યા પર પહોંચે છે. તે પછી તે ઘટવા લાગે છે. જો મગજની શક્તિઓનો ઉચિત ઉપયોગ ન થાય તો સમગ્ર માનવીના જીવનકાળમાં ન્યુરાલ કનેક્શન્સની સંખ્યા ઘટતી રહે છે. આમ છતાં, આ વિષય પર સતત સંશોધનો ચાલતાં રહે છે અને મતમતાંતરો વધતા રહે છે.
.