અજાણી-શી વાતો · દેશ- દુનિયા · સમાચાર-વિચાર

અલાસ્કાના નિર્જન, બર્ફીલા જંગલમાં એકલોઅટૂલો વસેલો એશ્લી પરિવાર

 

નિર્જન વિસ્તારમાં એક માત્ર માનવ-પરિવાર: એશ્લી પરિવાર

અમેરિકાના અલાસ્કા રાજ્યની મધ્યના જંગલવિસ્તારમાં, માનવસમાજથી દૂર એક અમેરિકન કુટુંબ વસે છે. મધ્ય અલાસ્કામાં નોવિત્ના નદી પાસે આવેલ અરણ્યના તદ્દન નિર્જન વિસ્તારમાં  એકલો અટૂલો એશ્લી પરિવાર એક કોટેજમાં રહે છે. ચોમેર માઇલો સુધી એક માણસ જોવા ન મળે! માત્ર ઉજ્જડ વનવગડો, શિયાળામાં બરફની ચાદર ઓઢેલ ધરતી તથા ભટકતાં કદાવર રીંછ અને હિંસક વરુઓ! !

આવા વેરાન જંગલમાં અઢાર વર્ષથી વસે છે એશ્લી પરિવાર. આસપાસ ક્યાંયે માનવવસ્તી નહીં!

ડેવિડ એશ્લીની કોટેજથી સૌથી નજીકનું ગામ રૂબી 160 કિમી દૂર છે!! પરિવાર માટે સૌથી નજીક ટેલિફોન બૂથ, સૌથી પાસેની પોસ્ટ ઑફિસ રૂબી ગામમાં!!!

ડેવિડ એશ્લી, તેમનાં પત્ની રોમી એશ્લી અને પુત્ર સ્કાય કોટેજમાં રહે છે; સ્કાયનો સાવકો ભાઈ ઝેક  તો વળી નજીકમાં ઝાડ પર રહે છે!  માનવસભ્યતાથી સંપર્ક તોડી આમ એકલું અટૂલું રહેવું તે વિચિત્ર ન લાગે?

અમેરિકાનું સૌથી મોટું રાજ્ય અલાસ્કા
 • અલાસ્કા ઉત્તર ધ્રુવના આર્ક્ટિક સર્કલ નજીકનું નોર્થ અમેરિકાનું વિશાળ રાજ્ય છે. વિસ્તારની દ્રષ્ટિએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું સૌથી વિશાળ રાજ્ય અલાસ્કા છે.
 • અલાસ્કા ટેક્સાસ રાજ્ય કરતાં બમણું મોટું છે. અલાસ્કા સ્ટેટ આપણા ગુજરાત રાજ્ય કરતાં આઠ ગણાથી પણ મોટું છે.
 • ‘મધુસંચય’ના વાચકો જાણતા હશે કે અલાસ્કાનો પ્રદેશ અમેરિકાએ રશિયા પાસેથી 1867માં ખરીદ્યો. આટલો મોટો પ્રદેશ શું ભાવ ખરીદ્યો હશે, કલ્પના કરી શકશો? એક એકર જમીનનો ભાવ માત્ર બે સેન્ટ!
 • અલાસ્કામાં હજારો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલાં જંગલો છે અને નાનાં મોટાં ત્રીસ લાખ તળાવો-સરોવરો છે.
 • અલાસ્કાના ક્લાઇમેટમાં વિવિધતા છે. અલાસ્કાના મધ્ય ભાગની આબોહવામાં મોટા ફેરફારો છે.
 • અત્યારે જુલાઇ મહિનામાં ત્યાં વીસ કલાકનો લાંબો દિવસ છે ત્યારે ચોવીસેય કલાક ઉજાસ રહે છે.
 • ઉનાળાની સિઝનમાં તાપમાન વીસ-બાવીસ ડિગ્રી સેલ્સિયસ હોય; શિયાળામાં છએક મહિના ઝીરો ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય. ધરતી બરફથી ઢંકાઈ જાય; તાપમાન માઇનસ પંદર વીસ ડિગ્રીથી પણ નીચે પહોંચે! આવા દુર્ગમ પ્રદેશમાં કોણ રહી શકે?
 • સેન્ટ્રલ અલાસ્કાની યુકોન નદીની દક્ષિણે નોવિત્ના નેશનલ વાઇલ્ડલાઇફ રેફ્યુજ વિસ્તારમાં માઇલોનો વિસ્તાર નિર્જન છે. દૂર સુધી ક્યાંયે માનવ વસાહત નથી!
 • આ ભીષણ બર્ફીલા વિસ્તારમાં રહેતો એક માત્ર માનવ પરિવાર ડેવિડ એશ્લીનો છે.
અલાસ્કામાં એશ્લી પરિવારની કોટેજ

1999માં ડેવિડ એશ્લી પત્ની રોમી અને પુત્ર ઝેક (ડેવિડનાં પ્રથમ લગ્નનો પુત્ર) સાથે નોવિત્ના નેશનલ વાઇલ્ડ લાઇફ રેફ્યુજ વિસ્તારમાં દસ ફૂટ બાય તેર ફૂટની નાનકડી કોટેજમાં રહેવા આવ્યા. પછી તો ડેવિડ-રોમીને પોતાનો પુત્ર પણ થયો; આજે તે પુત્ર સ્કાય તેર વર્ષનો થઈ ગયો છે. વળી તેમની કોટેજ પણ  હવે મોટી – 26 બાય 21 – ફૂટની બની ગઈ છે. ઘર મોટું થતાં દિલ નાનાં થતાં હશે?  સાવકા ભાઈઓ વચ્ચે અણબનાવ થતાં ઝેક કોટેજ છોડી ઝાડ પર રહેવા લાગ્યો છે. અરે ભાઈ! દુનિયા છોડી જંગલમાં ગયા, તો ત્યાં પણ ઝગડા?

કોટેજમાં એક હેંડ પંપ મૂકેલ છે, જેનાથી નીચેથી વહેતા એક ઝરાનું પાણી મેળવી શકાય છે. કોટેજને ઠંડીથી બચાવવા બે ચૂલા છે, જેમાં લાકડાનું બળતણ વપરાય છે. નથી ઇન્ટરનેટ,  નથી મોબાઇલ. પણ હા, સેટેલાઇટ ફોન રાખેલ છે જેનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. જંગલમાં ઇલેક્ટ્રીસિટી તો મળે નહીં, તેથી ડેવિડભાઈએ સોલર પેનલ લગાવી છે. સોલર પેનલ ઉપરાંત બેટરી અને જનરેટરથી ઘર પૂરતી લાઇટ અને લેપટોપ ચલાવી શકાય છે. દુનિયાથી વિખૂટી પડેલી જગ્યા છે, તો ગ્રોસરી સ્ટોર કરવી પડે! ખાવાપીવાની વસ્તુઓનાં ટીન પેક સ્ટોર કરવા છ ફૂટ ઊંડો ખાડો ખોદ્યો છે, જે ફ્રીજની ગરજ સારે છે. તેમાં જથ્થાબંધ ટીન ફૂડ સંગ્રહ થઈ શકે છે. વરસનો સ્ટોક ભરેલો રહે છે. પ્રાણીઓના શિકારથી મળેલ તાજા મીટનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં થાય છે. ઘરની દીવાલ પર બે પાંચ જાતની પિસ્ટોલ- ગન લટકેલી રહે છે. રોજ શિકાર કરવા તે ઉપયોગી છે. પ્રસંગોપાત હુમલો કરતા જંગલી પ્રાણીઓથી બચવા પણ તે ખપ પડે છે.

એશ્લી પરિવાર અને બહારની દુનિયાનો સંપર્ક

વર્ષમાં એક વખત ગરમીના મહિનામાં આખું એશ્લી કુટુંબ વેકેશન પર નીકળી પડે છે. ડેવિડ તથા રોમીના કુટુંબીજનો અમેરિકામાં છે.  બંને પોતપોતાના પરિવારને મળી આવે, આખા વર્ષની ખરીદી કરી લે અને ફરી પોતાના જંગલના નિવાસસ્થાને પાછા ફરે.

બસ, પરિવારનો બહારની દુનિયા સાથે વર્ષમાં એક વાર, આટલો સંપર્ક! બાકીના અગિયાર મહિના કોટેજની દુનિયામાં વ્યસ્ત! હા, ક્યારેક ડેવિડ એકાદ વખત ફરી શોપિંગ કરવા ખેપ કરે. આમ જુઓ તો, ડેવિડ  તો ઘણી વાર બહાર નીકળી નાની મોટી જૉબ પણ કરી લે છે, અથવા પોતાની હુન્નરકલાથી કમાઈ પણ લે છે. ડેવિડ સુથારી કામ જેવાં નાનાં-મોટાં કામ જાણે છે. વળી ડેવિડ લેખનકાર્ય પણ કરે છે.

અલાસ્કામાં ડેવિડની ટ્રાન્સપોર્ટેશન સમસ્યા: કોટેજથી રૂબી, રૂબીથી ફેરબેન્ક્સ

અલાસ્કાના આવા નિર્જન વિસ્તારમાં રહેતો એશ્લી પરિવાર બહારની દુનિયા સુધી પહોંચે કેવી રીતે? ટ્રાન્સપોર્ટ માટે શું કરે? બાવન વર્ષના ડેવિડ એશ્લીની  કોટેજ નોવિત્ના નદીના કાંઠા વિસ્તારમાં છે. નોવિત્ના નદી નોવિત્ના નેશનલ વાઇલ્ડ લાઇફ રેફ્યુજમાંથી વહીને ઉપર યુકોન નદીને મળે છે. નોવિત્ના-યુકોન રીવરના સંગમ પાસે રૂબી નામનું નાનું અમથું ગામ છે. વસ્તી માંડ 160 માણસોની!!

ઉનાળા દરમ્યાન નોવિત્ના નદીથી બોટ દ્વારા રૂબી પહોંચવાનું. ત્યાંથી વિમાનમાર્ગે અલાસ્કાના મહત્ત્વના શહેર ફેરબેન્ક્સ પહોંચવાનું. વાચકમિત્ર! આપને પ્રશ્ન થશે: રૂબીમાં એરપોર્ટ? જી ના, એરપોર્ટ નથી પણ હવાઈ સેવા માટે નાનકડો રનવે છે. રૂબી-ફેરબેંક્સ વચ્ચે સેસ્ના અને પાઇપર જેવા ટચૂકડાં એરોપ્લેનની સેવા છે. નાનકડા રન વે પર ઉતરી શકે તેવાં સેસ્ના/પાઇપર એરોપ્લેન પાંચથી પંદર મુસાફરોની કેપેસીટી ધરાવે છે. ફેરબેંક્સ – રૂબી વચ્ચે દોઢ બે કલાકની એર ટ્રાવેલ અને 150 ડોલરનું ભાડું! શિયાળામાં નોવિત્નાનો બરફ થીજી જાય ત્યારે ટ્રાવેલ કરવા માટે ડેવિડ એશ્લી પાસે ‘સ્નોમોબાઇલ’ વાહન છે. ‘મધુસંચય’ના વાચકોને જ્ઞાત હશે કે થીજેલા આઇસ પર સરકી શકે તેવું સ્નોમોબાઇલ બર્ફીલા પ્રદેશો માટે વરદાનરૂપ છે.

બ્રિટીશ ફોટોગ્રાફર એડ ગોલ્ડ અને એશ્લી પરિવાર

એડ ગોલ્ડ નામના અંગ્રેજ ફોટોગ્રાફર ડેવિડ એશ્લી પરિવારના મહેમાન બનીને રહ્યા. એડ ગોલ્ડના કેમેરામાં એશ્લી કુટુંબની રૂટિન લાઇફની અને કોટેજની સુંદર તસ્વીરો કેદ થઈ છે. બ્રિટીશ ફોટોગ્રાફર ગોલ્ડના ફોટોગ્રાફ્સથી દુનિયાને ડેવિડનો પરિચય થયો છે. બીબીસી તથા વિશ્વનાં મીડિયામાં તેની નોંધ લેવાઈ છે. ડેવિડ એશ્લીની જીવનસરણી હિપ્પી સંસ્કૃતિથી પ્રભાવિત છે તેવું ગોલ્ડને લાગ્યું છે. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ પણ યુવાનીમાં હિપ્પી કલ્ચરથી પ્રભાવિત થયા હતા તે વાત ‘મધુસંચય’ના વાચકો જાણે છે. એડ ગોલ્ડના અનુસાર એશ્લી પરિવાર સેલ્ફ-સેંટર્ડ પ્રકૃતિ ધરાવે છે અને દુનિયા પ્રત્યે બેપરવા છે.

સમાજથી દૂર રહેવાની વાત નવી નથી. અમેરિકાના પ્રખર ચિંતક હેન્રી ડેવિડ થોરો અને રોમાં રોલાં યાદ આવે,પણ આ મહાનુભાવોની ફિલોસોફી અલગ હતી.

‘હુ કેર્સ ફોર ધ વર્લ્ડ’ જેવા વિચારો સાથે એશ્લી પરિવારની આવી રહેણી કરણી માનવમન પર અને સમાજ પર શું  અસર કરશે તે સાયકોલોજીસ્ટ માટે તથા સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બને છે.

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – સંક્ષેપ: અલાસ્કાના નિર્જન, બર્ફીલા જંગલમાં એકલોઅટૂલો વસેલો એશ્લી પરિવાર (એશ્લે/ એશ્લેય પરિવાર)
 • અમેરિકાના સૌથી મોટા રાજ્ય અલાસ્કાના અંતરિયાળ નિર્જન વિસ્તારમાં રહે છે એશ્લી પરિવાર
 • 1999થી ત્યાં વસ્યો છે વિશ્વનો સૌથી એકલોઅટૂલો પરિવાર
 • ડેવિડ એશ્લીની કોટેજની આસપાસ માઇલો સુધી માનવવસ્તી નહીં
 • એશ્લી પરિવારની કોટેજની સૌથી નજીકનું ગામ રૂબી 160 કિલોમીટર દૂર
 • સોલર એનર્જીથી કોટેજને ખપ પૂરતી મળતી ઇલેક્ટ્રીસિટી
 • ટ્રાંસપોર્ટ માટે સ્નોમોબાઇલ અને બોટનો ઉપયોગ
 • રૂબીથી સૌથી નજીકનું શહેર ફેરબેન્ક્સ દોઢથી બે કલાકના હવાઈ રસ્તે

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – પૂરકમાહિતી: અલાસ્કાના નિર્જન, બર્ફીલા જંગલમાં એકલોઅટૂલો વસેલો એશ્લી પરિવાર (એશ્લે/ એશ્લેય પરિવાર)

** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * *

 

 

Advertisements

4 thoughts on “અલાસ્કાના નિર્જન, બર્ફીલા જંગલમાં એકલોઅટૂલો વસેલો એશ્લી પરિવાર

 1. ગજબનાક હિમ્મત કહેવાય.
  અલાસ્કામાં અટવાઈ ગયેલા વ્હેલનો શિકાર કરનાર વહાણો અલાસ્કામાં ફસાઈ ગયા હતા – તેમના ઉગારની વાત અઠવાડિયા પહેલાં વાંચી હતી. રૂવાંડા ઊભા થઈ જાય, તેવી એ સત્યકથા છે. પણ હાથે કરીને અઢાર વર્ષ આમ મુસીબત સહન કરનારના જુસ્સાને સો સલામ .

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s