અજાણી-શી વાતો · સમાચાર-વિચાર

ઇન્ટરનેટ, વર્લ્ડ વાઈડ વેબ અને વિશ્વની પ્રથમ વેબ-સાઇટ

.

ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના પ્રણેતા બ્રિટીશ વૈજ્ઞાનિક સર તિમોથી જહોન બર્નેર્સ-લી (Sir Timothy John Berners-Lee)  છે.

સર ટિમ તરીકે ઓળખાતા ઇંગ્લેંડના વતની એવા ટિમોથી બર્નેર્સ-લી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા (European Organization for Nuclear Research :CERN) માં જોડાયા.  ન્યુલિયર રીસર્ચ અર્થે ડેટાની આપ-લે માટે ટિમોથીને ઇન્ટરનેટ પર કોમ્યુનિકેશનનું તેમજ તે માટે હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ( HyperText Transfer Protocol, HTTP ) નું મહત્વ સમજાયું.

તદ્દન સાદા શબ્દોમાં કહીએ તો, ઇન્ટરનેટ પર બે સર્વર / કોમ્પ્યુટર વચ્ચે ફાઇલ (ડેટા) ની આપ-લે માટે વપરાતી ખાસ પદ્ધતિ HTTP કહેવાય છે.

1989- 90માં ટિમોથીએ HTTPના ઉપયોગથી ક્લાયંટ તથા સર્વર વચ્ચે સફળતાથી ‘કોમ્યુનિકેશન’ કર્યું.

1990- 91માં સર ટિમોથી જહોન બર્નેર્સ-લીએ વિશ્વમાં સૌ પ્રથમ વેબ-પેઈજ (વેબ-સાઈટ) તેમજ ઇન્ટરનેટના પ્રથમ બ્રાઉઝરનું સર્જન કર્યું.

સર ટિમના આ પ્રથમ બ્રાઉઝરનું નામ ‘વર્લ્ડવાઈડવેબ’ (WorldWideWeb, પણ પાછળથી નેક્સસ NEXUS) હતું. આ પ્રાથમિક બ્રાઉઝર માત્ર CERN સાથે સંલગ્ન સર્વર્સ પર જ ચાલતું હતું. પાછળથી કોઈ પણ સર્વર સિસ્ટમ પર, કોઈ પણ કોમ્પ્યુટર પર ચાલે તેવાં નવાં વેબ બ્રાઉઝર્સ ઉપલબ્ધ થતાં વિશ્વભરનાં કોમ્પ્યુટર્સનાં ડોક્યુમેન્ટસ –  ડેટા – ફાઈલ્સની આપ-લે શક્ય બની. પરિણામે, વર્લ્ડ વાઈડ વેબનું નામ બ્રાઉઝર ઉપરાંત બહોળા અર્થમાં વપરાવા લાગ્યું.

અગણિત સર્વર્સ/ કોમ્પ્યુટર્સ પરનાં વેબ-પેઇજ – વેબ-સાઇટસ – ફાઇલ્સ – પરસ્પર સંકળાતાં સર્જાયેલ વિશ્વવ્યાપી ‘વેબ’ માટે ‘વર્લ્ડ વાઈડ વેબ’ નામની સાર્થકતા વિશેષ સિદ્ધ થઈ. 1993માં ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ સૌ કોઇ માટે સાર્વજનિક રીતે નિ:શુલ્ક સુલભ બન્યું.

ઇન્ટરનેટ પર સૌ પ્રથમ વેબ સાઇટ, પ્રથમ વેબ બ્રાઉઝર તેમજ વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web, WWW) ના સર્જનનું શ્રેય બ્રિટીશ સંશોધક ટિમોથી બર્નેર્સ-લીને જાય છે.

.

9 thoughts on “ઇન્ટરનેટ, વર્લ્ડ વાઈડ વેબ અને વિશ્વની પ્રથમ વેબ-સાઇટ

Please write your Comment