[આ બ્લૉગ ‘મધુસંચય’ પર આપ ગુજરાતી નેટ પર અગાઉ કદી ન વાંચેલી અણજાણી માહિતી માણો છો.
ગયા લેખ (11/04/2018) માં ‘ભારતમાં શિક્ષણના પ્રસાર અને સ્ત્રી શક્તિના ઉદય’ની વિસ્મયકારી વાતો આપને પસંદ પડી છે. આજના લેખમાં આપણે યુરોપ અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણના પ્રસારને સમજવા ઑક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ વિશે જાણીશું. ચાલો જાણીએ: વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીઓ કઈ? યુરોપ/ અમેરિકાની પ્રથમ યુનિવર્સિટીઓ કઈ? ચાર્લ્સ ડાર્વિન, ટોમસ જેફરસન કે સ્ટિફન હૉકિંગે ક્યાં અભ્યાસ કર્યો?
‘મધુસંચય’ પર સંપૂર્ણ લેખ (પોસ્ટ) ને અહીંથી આગળ વાંચવા આ લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો, તો આપના સ્ક્રીન પર પૂરો લેખ આવી જશે. ધન્યવાદ. – હરીશ દવે.]
માનવજાતના વિકાસમાં કેળવણી અને શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે.
આદિ માનવને પ્રાકૃત અવસ્થામાંથી આજે સભ્ય માનવસમાજના હોમો સેપિયન્સ સેપિયન્સ બનાવવામાં કેળવણી અને શિક્ષણનું મહત્ત્વ ઘણું છે. કેળવણી અને શિક્ષણ માનવીને સંસ્કાર પ્રદાન કરે છે.
ભારતના વૈદિક કાળમાં, પ્રાચીન ઇતિહાસમાં આ સત્યની ઝાંખી થાય છે. પશ્ચિમમાં સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ દ્વારા વેસ્ટર્ન ફિલોસોફી ઉદભવી, તેનાં સૈકાઓ પહેલાં પ્રબુદ્ધ ઋષિમુનિઓએ વેદ અને ઉપનિષદોમાં ભારતીય તત્ત્વદર્શનનાં મૂળ રોપ્યાં હતાં.
પ્રાચીન ઇજિપ્તની નાઇલ સંસ્કૃતિમાં એખનેટન અને તુતનખામનના સમયે જે જીવન, ઇશ્વર અને ધર્મની માન્યતા હતી, તેનાથી ગહન, ઉચ્ચ કક્ષાની ભારતીય ફિલોસોફી વેદ-ઉપનિષદમાં નિહિત છે. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો જાણે છે કે ભારતીય ફિલોસોફી જીવન અને અસ્તિત્વને પરમ સત્ય, પરમ તત્ત્વની ખોજ પ્રત્યે દોરે છે. સમયનાં વહેણ સાથે સમાજ સત્વ ખોતો ગયો, ભારતીય શાસ્ત્રો ઉપેક્ષિત થતાં ગયાં અને તેમાંથી ફલિત જ્ઞાનના અર્થઘટનમાં વિસંગતિઓ પેદા થતી ગઈ, પણ તેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે.
બ્રિટીશ હકૂમત નીચેના હિંદુસ્તાનમાં ઓગણીસમી સદીમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવી તે આપે ‘મધુસંચય’ના પાછલા લેખમાં વાંચ્યું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ
વિશ્વમાં શિક્ષણ-પ્રસારના આધારભૂત માહિતી અર્થે માનવજાતનાં છેલ્લાં હજાર-બારસો વર્ષ પર નજર નાખીએ તો પ્રશ્ન થાય: વિશ્વની સૌથી પહેલી (સૌથી જૂની) યુનિવર્સિટી કઈ?
યુનાઇટેડ નેશન્સ (યુએન) ની સંસ્થા યુનેસ્કો તથા ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ’ પ્રમાણે, વિશ્વની સૌ પ્રથમ – પ્રાચીનતમ – યુનિવર્સિટી મોરોક્કો દેશના ફેઝમાં આવેલી યુનિવર્સિટી ઓફ કારાવિય્યિન (કારાવિયિન / કારુઈન) છે. ઇસ્લામિક શિક્ષણ આપતી કારાવિય્યિન યુનિવર્સિટી મોરોક્કોમાં 859માં સ્થપાઈ હતી અને આજે પણ તે ડિગ્રી કક્ષાનું શિક્ષણ આપે છે. એટલાંટિક ઑશન અને મેડિટેરેનિયન સી પર આવેલ દેશ મોરોક્કોની આશરે 1150 વર્ષ જૂની કારાવિય્યિન યુનિવર્સિટી દુનિયાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી ગણાય છે.
યુરોપના ઇટલીની યુનિવર્સિટી ઑફ બોલોગ્ના (બોલોન્યા/ બોલોગ્ન્યા/ બોલોજ્ઞા) ને વિશ્વની બીજી સૌથી જૂની યુનિવર્સિટી માનવામાં આવે છે. ઇટલીની રાજધાની રોમથી ઉત્તરે બોલોન્યા શહેર (નોર્થ ઇટાલી) માં આવેલ યુનિવર્સિટી ઑફ બોલોન્યા યુરોપની સૌથી જૂની યુનિવર્સિટી છે. તેની સ્થાપના 1088માં થઈ હતી.
યુનિવર્સિટી ઓફ કારાવિય્યિન માત્ર ધાર્મિક શિક્ષણ પર કેંદ્રિત હોવાના મુદ્દે એકેડેમિક યુનિવર્સિટીઓના લિસ્ટમાં જ્યારે તેને લેવાતી નથી, ત્યારે યુનિવર્સિટી ઑફ બોલોગ્નાને વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી ગણવામાં આવે છે.
વિશ્વની ટૉપ યુનિવર્સિટીઓ કઈ?
આજે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઇટી), સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (કાલ્ટેક), યુનિવર્સિટી ઑફ શિકાગો, પ્રિન્સ્ટન યુનિવર્સિટી, યુનાઇટેડ કિંગ્ડમની કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઑક્સફર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી કોલેજ લંડન, ઇમ્પીરિયલ કોલેજ લંડન તેમજ અન્ય દેશોની સ્વિસ ફેડરલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (સ્વિટ્ઝરલેંડ), નાન્યાંગ ટેકનોલોજીકલ ઇંસ્ટીટ્યૂટ (સિંગાપુર) જેવી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. વિશ્વની ટૉપ યુનિવર્સિટીઓના ક્રમાંક બદલાતા રહે છે. પણ આ તમામ યુનિવર્સિટીઓને વર્તમાન સમયમાં દુનિયાભરમાં પ્રથમ કક્ષાની યુનિવર્સિટીઓ ગણવામાં આવે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
ગ્રેટ બ્રિટનની વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન યુનિવર્સિટીઓ
ગ્રેટ બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટીઓની વાત કરીએ તો ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય યાદ આવે. ઑક્સફર્ડ યુનિવર્સિટી અંગ્રેજી ભાષા બોલતા દેશોની સર્વ પ્રથમ યુનિવર્સિટી.
1096માં સ્થાપિત યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ (ઑક્ષફર્ડ) ઇંગ્લેન્ડની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે. તે પછી યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજની સ્થાપના 1209માં થઈ.
જો કે ઓક્સફર્ડ યુનિવર્સિટીથી કેમ્બ્રિજ યુનિવર્સિટી જવા આશરે 175 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. પણ બંને યુનિવર્સિટીઓ યુનાઇટેડ કિંગ્ડમની રાજધાની લંડનથી 100 કિલોમીટરના રેડિયસ ડિસ્ટન્સમાં આવે છે. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓને સંયુક્તપણે ઑક્સબ્રિજ તરીકે ઓળખવામાં આવે છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીએ 27 બ્રિટીશ પ્રાઇમ મિનિસ્ટર અને 50 નોબેલ પ્રાઇઝ વિનર આપ્યા છે. ઑક્સફર્ડ સાથે સંકળાયેલ સેલિબ્રિટીમાં 14મી સદીના ધર્મસુધારક જહોન વાયક્લિફથી શરૂ કરી સર ક્રિસ્ટોફર રેન, ઑસ્કાર વાઇલ્ડ, કવિ પી બી શેલી, ‘એલિસ ઇન વન્ડરલેંડ’ના લેખક લુઇ કેરોલથી લઈને યુનાઇટેડ કિંગ્ડમના વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મે અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટિફન હૉકિંગ જેવા અનેક મહાનુભાવોનો સમાવેશ થાય.
કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 15 બ્રિટીશ પ્રાઇમ મિનિસ્ટર અને 116 જેટલા નોબેલ પારિતોષિક વિજેતાઓ આપ્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંકળાયેલ મહાનુભાવોમાં ચાર્લ્સ ડાર્વિન, એલાન ટ્યુરિંગ (એલન ટ્યુરિંગ), અર્નેસ્ટ રુથરફોર્ડ, કવિ રોબર્ટ ફ્રોસ્ટ, જહોન મિલ્ટન, રોમાંટિક પોયેટ લોર્ડ બાયરન, બર્ટ્રાન્ડ રસેલ, ડેવિડ એટનબરો, સ્ટિફન હૉકિંગ, મહાયોગી શ્રી અરવિંદ, મહાન સાધક અને સંગીતજ્ઞ દિલીપકુમાર રાય, જગદીશચંદ્ર બોઝ, સુભાષચંદ્ર બોઝ, ભારતીય ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હોમી ભાભા, વિક્રમ સારાભાઈ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રતિભાવાન વૈજ્ઞાનિક, થિયોરેટિકલ ફિઝિસિસ્ટ અને કોસ્મોલોજીસ્ટ સ્ટિફન હૉકિંગ વિશે રસપ્રદ વાત એ કે તેમનું નામ ‘ઓક્સબ્રિજ’ સાથે જોડવું પડે. સ્ટિફન હૉકિંગનો અંડર-ગ્રેજ્યુએટ સ્ટડી યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડમાં થયો; પછી ગ્રેજ્યુએટ સ્ટડી યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાં થયો. બ્લેક હોલ, યુનિવર્સ અને એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ લાઇફ વિશે કેમ્બ્રિજમાં સંશોધનમાં પ્રવૃત્ત સ્ટિફન હૉકિંગ તાજેતરમાં માર્ચ, 2018માં અવસાન પામ્યા.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
અમેરિકાની સૌ પ્રથમ યુનિવર્સિટીઓ
યુએસએમાં સ્કૂલ, કોલેજ-યુનિવર્સિટી અને યુનિવર્સિટીના કન્સેપ્ટ સરળ નથી; વળી યુનિવર્સિટીના ‘ચાર્ટર’ની વિધિ અટપટી છે. પરિણામે યુનિવર્સિટીની સ્થાપના વિશે ઘણી વાર ગેરસમજૂતિ થાય છે.
અમેરિકાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી – કોલેજોમાં હાર્વર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા, કોલેજ ઑફ વિલિયમ એન્ડ મેરી, યેલ યુનિવર્સિટી ઇત્યાદિનો સમાવેશ કરી શકાય.
યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા પોતાને અમેરિકાની પ્રથમ યુનિવર્સિટી કહે છે. હાર્વર્ડ યુનિવર્સિટી પોતાને ‘અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે સૌથી પ્રાચીન ઇંસ્ટીટ્યૂશન’ માને છે. કોલેજ ઑફ વિલિયમ એન્ડ મેરી પોતાની ઓળખ ‘યુનિવર્સિટીમાં બદલાનાર પ્રથમ અમેરિકન કોલેજ’ તરીકે આપે છે.
ટાઇમલાઇનને ધ્યાનમાં લેતાં એવું મનાય છે કે –
- 1636માં સ્થપાયેલી હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની સૌથી જૂની યુનિવર્સિટી યાને સૌ પ્રથમ યુનિવર્સિટી છે. મેસેચ્યુસેટ્સ (માસાચ્યુસેટ્સ) સ્ટેટમાં ચાર્લ્સ નદીને કિનારે વસેલ કેમ્બ્રિજ (ગ્રેટર બૉસ્ટન વિસ્તાર) માં હાર્વર્ડ યુનિવર્સિટી આવેલ છે.
- તે પછી 1693માં વર્જિનિયા સ્ટેટમાં કોલેજ ઑફ વિલિયમ એન્ડ મેરીની સ્થાપના થઈ. તે સમયે અમેરિકા પર અંગ્રેજોનું શાસન હતું. તે સમયના બ્રિટીશ શાસક કિંગ વિલિયમ III તથા ક્વિન મેરી II ના માનમાં આ વિલિયમ એન્ડ મેરી કોલેજનું નામ રખાયું.
- 1701માં સ્થાપિત યેલ યુનિવર્સિટીનું મૂળ નામ ‘કોલેજિયેટ સ્કૂલ’ હતું. 1718 માં કોલેજિયેટ સ્કૂલનું નામ બદલીને, બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીના ગવર્નરના નામ યેલ પરથી, યેલ યુનિવર્સિટી કરવામાં આવ્યું.
- 1740માં સ્થપાયેલ ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા પહેલાં તો સેકંડરી સ્કૂલ તરીકે સ્થપાઈ; પછી યુનિવર્સિટી બની. અમેરિકામાં યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા પ્રથમ યુનિવર્સિટી હતી, જ્યાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ હતા.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
1754 માં ગ્રેટ બ્રિટનના રાજાના રોયલ ચાર્ટરથી ન્યૂ યૉર્કમાં કિંગ્સ કોલેજ ખોલવામાં આવી. 1767 માં ન્યૂ યૉર્કની કિંગ્સ કોલેજમાં મેડિકલ ડિપાર્ટમેંટ શરૂ થયું. 1770માં કિંગ્સ કોલેજ તબીબી ક્ષેત્રે એમડીની ઉચ્ચ ડિગ્રી આપનાર અમેરિકાની પ્રથમ શિક્ષણ સંસ્થા બની. અમેરિકાના સ્વાતંત્ર્યસંગ્રામ પછી 1884માં કિંગ્સ કોલેજનું નામ કોલંબિયા કોલેજ થયું. કોલંબિયા કોલેજ પછીથી કોલંબિયા યુનિવર્સિટી બની. આમ, યુએસએમાં સૌ પ્રથમ મેડિકલ કોર્સ પછી એમડીની ઉચ્ચ મેડિકલ ડિગ્રી આપનાર કિંગ્સ કોલેજ (કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂ યૉર્ક) હતી.
યુએસએની પ્રથમ યુનિવર્સિટી ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીએ આઠ અમેરિકન પ્રેસિડેન્ટ તેમજ 157 નોબેલ પ્રાઇઝ વિજેતાઓ સહિત અસંખ્ય મહાનુભાવોની ભેટ આપી છે. હાર્વર્ડના 14 તો ટ્યુરિંગ એવોર્ડ વિનર છે.
કોલેજ ઑફ વિલિયમ એન્ડ મેરીમાં અભ્યાસ કરનાર ત્રણ અમેરિકન પ્રેસિડેન્ટમાં ટૉમસ જેફરસન, જહોન મનરો તથા જહોન ટાયલરનો સમાવેશ થાય છે (યુએસએના અનુક્રમે ત્રીજા, પાંચમા તથા દસમા પ્રમુખ).
‘મધુસંચય’ના વાચકોને જણાવીએ કે યુએસએના પ્રથમ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટનને શરૂઆતની કારકિર્દીમાં સર્વેયર તરીકેનું લાયસંસ વિલિયમ એન્ડ મેરી કોલેજ દ્વારા મળ્યું હતું.
યેલ યુનિવર્સિટી ડૉક્ટરેટ – પીએચડી – ની ડિગ્રી આપનાર પહેલી અમેરિકન યુનિવર્સિટી હતી. યેલ યુનિવર્સિટીએ પાંચ અમેરિકન પ્રેસિડેન્ટ અને 60 નોબેલ પ્રાઇઝ વિનર આપ્યા છે. અમેરિકન પ્રેસિડેન્ટ વિલિયમ હોવર્ડ ટાફ્ટથી માંડી મેરિલ સ્ટ્રિપ અને હિલારી ક્લિંટન જેવા સેલિબ્રિટી યેલ યુનિવર્સિટીની નીપજ છે.
યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની સ્થાપનામાં અમેરિકાના ખ્યાતનામ પોલિટિશિયન અને સંશોધક બેંજામિન ફ્રેંકલિનનો મોટો હાથ હતો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
અમેરિકામાં મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ
અમેરિકન મહિલા સમાજમાં શિક્ષણના પ્રસાર સાથે જાગૃતિ ફેલાતી ગઈ. તે અગાઉ વિશ્વના અન્ય દેશોની માફક અમેરિકામાં પણ સ્ત્રીઓની સ્થિતિ હીણી હતી. અમેરિકન સોસાયટીમાં પુરૂષો કરતાં સ્ત્રીઓનું સ્થાન નીચું હતું. મહિલા શિક્ષણ માટે તો હિંદુસ્તાનની માફક અમેરિકામાં પણ વિરોધ હતો. જેવાં સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણનાં દ્વાર ખુલ્યાં, મહિલા ઉત્કર્ષની તકો વધી ગઈ.
યુએસએમાં ફીમેલ એજ્યુકેશન માટે પ્રથમ સંસ્થા કઈ? અમેરિકાની પ્રથમ વિમેન્સ કોલેજ કઈ?
મેરી મેસન લિયોન (લ્યોન) અમેરિકામાં મહિલા શિક્ષણના પ્રણેતા ગણાય છે. હાયર એજ્યુકેશન આપતી પ્રથમ મહિલા અમેરિકન સંસ્થાઓમાં સાલેમ કોલેજ, ઓબર્લિન કોલેજ અને માઉન્ટ હોલ્યોક કોલેજનાં નામ આવે.
સાલેમ કોલેજ (સેલેમ / સેલીમ કોલેજ) અમેરિકામાં માત્ર કન્યાઓ/ સ્ત્રીઓ માટેની સૌ પ્રથમ શિક્ષણ સંસ્થા હતી. જો કે સેલેમ કોલેજ એક ગર્લ્સ સ્કૂલ તરીકે નોર્થ કેરોલિનામાં 1772માં સ્થપાઈ હતી અને પાછળથી ફીમેલ કોલેજ તરીકે વિકાસ પામી. કેટલાક માને છે કે સેલેમ કોલેજ અમેરિકાની સૌથી જૂની મહિલા કોલેજ છે જે આજે પણ સ્ત્રી શિક્ષણ આપે છે.
1833 માં ઓહાયો રાજ્યમાં સ્થાપિત ઓબર્લિન કોલેજ (ઓબેર્લિન કોલેજ) અમેરિકાની સૌથી જૂની મહિલા કોલેજ કહેવાય છે. ઓબેર્લિન કોલેજ સ્ત્રીઓને એડમિશન આપતી પ્રથમ વિમેન્સ કોલેજ બની. જો કે ત્યાં પુરૂષ-સ્ત્રીઓ માટે સહશિક્ષણ હતું. ઓબર્લિન કોલેજ કો-એજ્યુકેશન ક્ષેત્રે અમેરિકાની પ્રથમ અને વિશ્વની બીજી સૌથી જૂની કોલેજ છે.
મેરી લિયોન (લ્યોન) નામનાં ફેમિનિસ્ટ અમેરિકન સન્નારીએ મેસેચ્યુસેટ્સ (માસાચ્યુસેટ્સ) રાજ્યમાં 1837માં ‘માઉંટ હોલ્યોક (હોલિઓક) ફિમેલ સેમિનરી’ નામે અમેરિકાની સર્વ પ્રથમ મહિલા કોલેજ આરંભ કરી. તે સમયે સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણ સામે અને મહિલા કોલેજ સામે સમાજમાં એવો તો વિરોધ હતો કે મેરી લિયોનને ‘હોલ્યોક ફીમેલ કોલેજ’ના બદલે ‘હોલ્યોક ફીમેલ સેમિનરી’ નામ આપવું પડ્યું!!! ‘સેવન સિસ્ટર્સ’ ગ્રુપની આ પ્રથમ અમેરિકન મહિલા કોલેજ આજે માઉન્ટ હોલ્યોક (હોલિઓક) કોલેજ કહેવાય છે.
ફેમિનિઝમ અને વિમેન એમ્પાવરમેન્ટ જેવા વિચારોને પ્રચલિત કરવામાં આ સૌનો ફાળો છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
અમેરિકામાં તબીબી શિક્ષણ માટે મહિલા મેડિકલ કોલેજો
એક પ્રશ્ન ઊઠે કે: અમેરિકામાં મહિલાઓને તબીબી શિક્ષણ આપતી પ્રથમ મેડિકલ કોલેજ કઈ? અમેરિકાની સ્ત્રીઓ માટે સૌથી જૂની, સૌથી પહેલી વિમેન મેડિકલ કોલેજ કઈ?
ઓગણીસમી સદીમાં પુરૂષો માટેની મેડીકલ કોલેજોમાં સ્ત્રીઓને એડમિશન ન મળતું; જો કદાચ કોઈ કોલેજ મહિલાને પ્રવેશ આપતી તો પણ તે મહિલા ક્લાસરૂમમાં પુરૂષો સાથે બધા વિષયો ન શીખી શકતી. તબીબી શિક્ષણમાં પુરૂષો પોતાને સુપિરિયર સમજતા અને મહિલાઓને ઉપેક્ષાનો ભોગ બનવું પડતું.
વિશ્વમાં મહિલાઓ માટે મેડિકલ ક્ષેત્રે પ્રશિક્ષણનો આરંભ અમેરિકામાં થયો. ‘મધુસંચય’ના વાચકો ‘અંકલ ટોમ્સ કેબિન’થી પરિચિત છે. અમેરિકાના લેખિકા હેરિયેટ બિચર સ્ટૉવની વિશ્વવિખ્યાત નવલકથા ‘અંકલ ટોમ્સ કેબિન’ને લીધે ગુલામીની પ્રથા વિરુદ્ધ જુવાળ જાગ્યો અને અમેરિકન સિવિલ વૉરમાં પરિણમ્યો. મહિલા તબીબી શિક્ષણના પ્રયત્નોને ટેકો આપનાર એક સન્નારી ‘અંકલ ટોમ્સ કેબિન’ના લેખિકા હેરિયેટ બિચર સ્ટૉવ પણ હતા.
મહિલાઓને તબીબી શિક્ષણ આપતી અમેરિકાની સૌ પ્રથમ મેડિકલ કોલેજોમાં બે નામ આવે:
પ્રથમ, 1848માં સ્થાપિત બૉસ્ટન ફીમેલ મેડિકલ કોલેજ (બોસ્ટન, મેસેચ્યુસેટ્સ), જે પછીથી ન્યૂ ઇંગ્લેન્ડ ફીમેલ મેડિકલ કોલેજ (એનઇએફએમસી) તરીકે ઓળખાઈ. ન્યૂ ઇંગ્લેંડ ફીમેલ મેડિકલ કોલેજ જૂજ વર્ષો સ્વતંત્ર રીતે કાર્યરત રહી હતી.
બીજી, 1850માં સ્થપાયેલ ધ ફિમેલ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (પેંસિલ્વેનિયા), જેનું નામ બદલીને પાછળથી વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી) રાખવામાં આવ્યું. વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા સ્ત્રીઓને પદ્ધતિસર મેડિકલ પ્રશિક્ષણ આપી, એમડીની ઉચ્ચ ડિગ્રી પ્રદાન કરતી અમેરિકાની સૌ પ્રથમ મહિલા મેડિકલ કોલેજ કહેવાય છે.
1886માં અમેરિકામાં એમડીની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય મહિલા આનંદીબાઈ ગોપાલરાવ જોશીએ વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી) માં અભ્યાસ કર્યો હતો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
** ** ** ** ** ** ** ** ** ** ** **
મધુસંચય-લેખ: યુરોપ-અમેરિકામાં ઉચ્ચ શિક્ષણનો પ્રસાર: સ્ત્રી સમાજમાં જાગૃતિ: પરિશિષ્ટ (1)
- વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ: એમઆઇટી, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (કાલ્ટેક), કેમ્બ્રિજ, ઑક્સફર્ડ ઇત્યાદિ
- યુએસએની સૌ પ્રથમ યુનિવર્સિટીનો શ્રેય હાર્વર્ડને; સાથે અન્ય યુનિવર્સિટીઓ દાવેદાર
- ઇંગ્લેન્ડની સૌથી પ્રાચીન યુનિવર્સિટી ઑક્સફર્ડ
- ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશ્વની ટૉપ યુનિવર્સિટીમાંની એક
- જીનિયસ થિયોરેટિકલ ફિઝિસિસ્ટ અને કોસ્મોલોજીસ્ટ સ્ટિફન હૉકિંગનો અભ્યાસ ઓક્સફર્ડ તથા કેમ્બ્રિજ બંને યુનિવર્સિટીમાં
- કેમ્બ્રિજમાં અભ્યાસ કરનાર ભારતીય મહાનુભાવોમાં મહાયોગી શ્રી અરવિંદ, દિલીપકુમાર રાય, જગદીશચંદ્ર બોઝ, સુભાષચંદ્ર બોઝ, ભારતીય ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હોમી ભાભા, વિક્રમ સારાભાઈ આદિ
- અમેરિકામાં મહિલાઓને પ્રવેશ આપનાર પ્રથમ બે શિક્ષણ સંસ્થાઓ સેલેમ કોલેજ તથા ઓર્બેલિન કોલેજ
- અમેરિકન ફેમિનિસ્ટ મેરી લિયોન દ્વારા સ્થાપિત માઉંટ હોલિઓક (હોલ્યોક) ફિમેલ સેમિનરી અમેરિકાની પ્રથમ મહિલા કોલેજ
- અમેરિકાની સૌથી જૂની બે મહિલા મેડિકલ કોલેજો ન્યૂ ઇંગ્લેન્ડ ફીમેલ મેડિકલ કોલેજ (એનઇએફએમસી) તથા વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી)
** ** ** ** ** ** ** ** ** ** ** **
મધુસંચય-લેખ: યુરોપ-અમેરિકામાં ઉચ્ચ શિક્ષણનો પ્રસાર: સ્ત્રી સમાજમાં જાગૃતિ: પરિશિષ્ટ (2)
- સ્ટિફન હૉકિંગ/ સ્ટીફન હોકિંગ: Stephen Hawking (1942 – 2018), Theoretical physicist & Cosmologist, University of Cambridge
- હેરિયેટ બિચર સ્ટૉવ/ હેરિયેટ બીચર સ્ટોવ – અંકલ ટોમ્સ કેબિન: Harriet Beecher Stowe (1811 – 1896) – Uncle Tom’s Cabin (1852)
- ઍલન એમ. ટ્યુરિંગ (એલન ટ્યુરિંગ / એલન તુરિંગ): Alan Mathison Turing (1912 – 1954)
- યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ/ ઓક્સફર્ડ/ ઓક્ષફર્ડ, યુકે: University of Oxford, United Kingdom
- યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ, યુકે: University of Cambridge, UK
- હાર્વર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ, યુએસએ: Harvard University, Massachusetts, USA
- યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા, ફિલાડેલ્ફિયા: University of Pennsylvania, Philadelphia
- સેલેમ / સાલેમ કોલેજ, નોર્થ કેરોલિના: Salem College, North Carolina
- માઉન્ટ હોલ્યોક/ હોલિઓક કોલેજ, મેસેચ્યુસેટ્સ: Mount Holyoke College, Massachusetts
- ન્યૂ ઇંગ્લેન્ડ ફીમેલ મેડિકલ કોલેજ (એનઇએફએમસી), બોસ્ટન, મેસેચ્યુસેટ્સ: New England Female Medical College (NEFMC), Boston, Massachusetts
- વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી), પેંસિલ્વેનિયા: Women’s Medical College of Pennsylvania (WMCP), Pennsylvania
- યુનિવર્સિટી ઓફ કારાવિયિન (કારાવિય્યિન / કારુઈન), મોરોક્કો: University of Qarawiyyin/ University of Al-Qarawiyyin/ Quaraouiyine/ Karaouine/ Karueein, MOROCCO
- યુનિવર્સિટી ઑફ બોલોગ્ના (બોલોન્યા/ બોલોગ્ન્યા/ બોલોજ્ઞા), ઇટલી: University of Bologna, Italy
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
14 thoughts on “યુરોપ-અમેરિકામાં ઉચ્ચ શિક્ષણનો પ્રસાર: સ્ત્રી સમાજમાં જાગૃતિ”