દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

લિગો ઑબ્ઝર્વેટરી, બ્લેક હોલ અને ગ્રેવિટેશનલ વેવ્ઝ

.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં સંશોધનોમાં ફલિત થતાં ગ્રેવિટેશનલ વેવ્ઝને અમેરિકાની લિગો ઑબ્ઝર્વેટરીએ “શોધી” કાઢ્યાં છે. કરોડો વર્ષ અગાઉ બ્રહ્માંડમાં દૂર-સુદૂર બે બ્લેક હોલ અથડાતાં બ્રહ્માંડમાં સર્જાયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ (gravitational waves) ને લિગોનાં વૈજ્ઞાનિકોએ ઑબ્ઝર્વેટરીમાં પરખી લીધાં છે.

બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર, ગેલેક્સી સહિત સમગ્ર બ્રહ્માંડ – યુનિવર્સ- ને ગ્રેવિટેશનલ વેવ્ઝથી પરખવાનાં નવા પ્રયોગો સાથે ફિઝિક્સ અને ખગોળશાસ્ત્ર – એસ્ટ્રોનોમી– ના અભ્યાસનાં નવાં દ્વારો ખુલી ગયાં છે. લિગો પ્રોજેક્ટ અંતર્ગતની અમેરિકન ઑબ્ઝર્વેટરીએ કરેલ ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધનું મહત્ત્વ ડીએનએ (DNA) બંધારણની શોધ અને હિગ્સ પાર્ટિકલની શોધ જેટલું આંકવામાં આવે છે.

અમેરિકામાં 11 ફેબ્રુઆરી 2016ના રોજ લિગો ઓબ્ઝર્વેટરીએ ગ્રેવિટેશનલ વેવ્ઝ ‘ડિટેક્ટ’ થયાની જાહેરાત એક પ્રેસ કોન્ફરન્સમાં કરી. અમેરિકાના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન દ્વારા ગ્રેવિટેશનલ વેવ્ઝનો ખ્યાલ તેમની થિયરી ઓફ રિલેટિવિટીમાં આપવામાં આવ્યો હતો.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી (1905)એ ઈંગ્લેંડના વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની થિયરીમાં નવું પરિમાણ ઉમેર્યું. આ પછી આઈન્સ્ટાઈને ખૂબ મહત્ત્વની જનરલ થિયરી ઓફ રિલેટિવિટી (1915) આપી. આ થિયરીમાં આઈન્સ્ટાઈને એક વાત એ પણ કહી કે પ્રચંડ દ્રવ્યમાન (mass) ધરાવતાં અવકાશી પદાર્થો અત્યાધિક વેગ/પ્રવેગથી ગતિ કરે કે પરસ્પર અથડાય ત્યારે તેમાંથી ગ્રેવિટેશનલ વેવ્ઝ નીકળે છે. આ ગ્રેવિટેશનલ વેવ્ઝ પ્રકાશની ગતિથી બ્રહ્માંડમાં પ્રસરે છે અને આંદોલનો ઉત્પન્ન કરે છે; ફલત: બ્રહ્માંડનાં સ્પેસ-ટાઈમ પરિમાણ પર અસર (ડિસ્ટોર્શન) થાય છે.

આઈન્સ્ટાઈને સૂચવેલ ગ્રેવિટેશનલ વેવ્ઝની સૈદ્ધાંતિક સાબિતી હતી, પરંતુ ઉપકરણોની મર્યાદાઓને કારણે પ્રાયોગિક સાબિતી શક્ય ન હતી. ‘મધુસંચય’ના વાચકોને નવાઈ લાગશે કે છેલ્લા પાંચ-છ દાયકાઓથી પ્રાયોગિક રીતે ગ્રેવિટેશનલ વેવ્ઝ ‘ડિટેક્ટ’ કરવાના પ્રયોગો નિષ્ફળ રહ્યા હતા.

ગ્રેવિટેશનલ વેવ્ઝ (ગ્રેવિટી વેવ્ઝ) અંગે શોધખોળ કરવા અમેરિકામાં લિગો પ્રોજેક્ટનો આરંભ થયો હતો. અમેરિકામાં કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી – (California Institute of Technology- Caltech) તથા એમઆઈટી (MIT) એ આરંભેલ લિગો પ્રોજેક્ટમાં ગ્રેવિટેશનલ વેવ્ઝ પર સંશોધનો થાય છે. હાલ લિગો પ્રોજેક્ટ (Ligo Collaboration)ને વિશ્વવિખ્યાત અમેરિકન સંસ્થા નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ફંડ કરે છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મદદ કરે છે. લિગો પ્રોજેક્ટમાં જર્મની-યુકે-ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોનાં 900 જેટલાં વૈજ્ઞાનિકો જોડાયેલાં છે અને તેમાં ભારતનાં વૈજ્ઞાનિકો પણ સહયોગ આપે છે.

લિગો ખરેખર તો અમેરિકાની એક ઓબ્ઝર્વેટરી છે. લિગો (LIGO) શબ્દ લેઝર ઈન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઑબ્ઝર્વેટરી (Laser Interferometer Gravitational-Wave Observatory) નું સંક્ષિપ્ત રૂપ છે. અત્યારે મીડિયામાં ‘લિગો’ શબ્દ જુદા જુદા સંદર્ભમાં વપરાય છે- લિગો ઑબ્ઝર્વેટરી તરીકે; ઑબ્ઝર્વેટરીના એપેરેટસ તરીકે; સ્વયં લિગો પ્રોજેક્ટ તરીકે કે ગ્રેવિટેશનલ વેવ્ઝ પર રીસર્ચ કરતા આંતરરાષ્ટ્રીય લિગો કોલેબોરેશન તરીકે.

ગ્રેવિટેશનલ વેવ્ઝ અંગે શોધખોળ કરવા લિગો પ્રોજેક્ટ અંતર્ગત અમેરિકામાં વોશિંગ્ટન અને લુઝિયાના સ્ટેટ્સમાં બે મોટી ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવી છે. તેમાં અત્યાધુનિક અને અતિ સંવેદનશીલ ઉપકરણો – ઈન્ટરફેરોમીટર – ગોઠવવામાં આવ્યાં છે. ગ્રેવિટેશનલ વેવ્ઝ અતિશય નબળાં વેવ્ઝ (extremely weak waves) છે. માટે ગ્રેવિટેશનલ વેવ્ઝને પરખવા માટે વૈજ્ઞાનિક ઉપકરણો એટલાં સંવેદનશીલ હોવાં જોઈએ કે આપણા સૂર્યમંડળ (સોલર સિસ્ટમ) થી કરોડો કિલોમીટર દૂર આવેલા તારાના સ્થાનમાં મનુષ્યના એક વાળની જાડાઈ જેટલા અંતરનો ફેરફાર થાય તો તે પણ નોંધી શકાય! લિગો ઓબ્ઝર્વેટરીમાં આવાં અત્યાધુનિક અને અતિ સંવેદનશીલ ઉપકરણો –લેઝર ઈન્ટરફેરોમીટર – ગોઠવવામાં આવ્યાં છે.

આવાં સુપર-સેન્સિટિવ લેઝર ઈન્ટરફેરોમીટર્સની મદદથી લિગો ઓબ્ઝર્વેટરીએ આપણી પ્રુથ્વીથી 130 કરોડ પ્રકાશ વર્ષ (1.3 billion Light Years) દૂરના બે બ્લેક હોલની અથડામણનાં ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્ટ કર્યાં છે! આ એક અકલ્પનીય, વિરલ ઘટના છે.

‘મધુસંચય’ના વાચકોને યાદ કરાવું કે એક પ્રકાશ વર્ષ એટલે 9,461,000,000,000 કિલોમીટર!

તો પછી 130 કરોડ પ્રકાશ વર્ષ એટલે …… ગણતરી કરી જજો!

આપણાં બ્રહ્માંડ– યુનિવર્સ- માં આટલે દૂર … અ .. ધ.. ધ… ધ.. કિલોમીટર દૂર, કરોડો કરોડો વર્ષ અગાઉ જે ઘટના બની તે લિગો ઓબ્ઝર્વેટરીએ શોધી કાઢી છે. આધુનિક વિજ્ઞાનની કેવી કમાલ!

 .

12 thoughts on “લિગો ઑબ્ઝર્વેટરી, બ્લેક હોલ અને ગ્રેવિટેશનલ વેવ્ઝ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s