દેશ- દુનિયા · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

ગુજરાતમાં સી પ્લેનનું પ્રથમ ઉડ્ડયન: ફ્લાઇંગ બોટનો જમાનો ફરી આવશે?

.

આજકાલ વિશ્વમાં સી-પ્લેન તથા ફ્લાઇંગ બોટ ચમકી રહ્યાં છે.

ગુજરાતમાં ક્વેસ્ટ એમ્ફિબિયસ સી પ્લેન

તાજેતરમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસમાં અમદાવાદના સાબરમતી રીવર ફ્રંટથી ધરોઈ – અંબાજીની મુલાકાતે જવા સી પ્લેનનો ઉપયોગ કર્યો તેના વિશે ભારે ચર્ચા થઈ છે.

આપણા દેશ માટે સી પ્લેન (સી-પ્લેન/ સીપ્લેન) નવું નથી, પરંતુ ગુજરાતમાં કદાચ એમ્ફિબિયસ એરક્રાફ્ટનું આ પ્રથમ આગમન હતું. અમદાવાદમાં સાબરમતી નદીના રીવર ફ્રન્ટ પર અમેરિકાની ક્વેસ્ટ કંપનીનું સિંગલ એંજીન ‘ક્વેસ્ટ કોડિયાકસી પ્લેન અનોખા આકર્ષણનું કેંદ્ર બની રહ્યું. સી પ્લેન જાણે તદ્દન નવી જ શોધ હોય તેમ કૂતુહલનો વિષય બન્યું! કદાચ આપણી નવી પેઢીને ખબર નહીં હોય કે ગઈ સદીમાં બીજા વિશ્વયુદ્ધ સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં સી પ્લેન તથા ફ્લાઇંગ બોટનો ડંકો વાગતો હતો. 1930 – 40 ના દાયકામાં ભારતમાં કલકત્તા (કોલકતા) અને અલ્હાબાદ ખાતે આંતરરાષ્ટ્રીય સી પ્લેન ઉતરાણ કરતાં હતાં!!

સી પ્લેન, ફ્લાઇંગ બોટ, ફ્લોટ પ્લેન અને એમ્ફિબિયસ એરક્રાફ્ટ શું છે?

સી પ્લેન, ફ્લાઇંગ બોટ, ફ્લોટ પ્લેન અને એમ્ફિબિયસ એરક્રાફ્ટ જેવાં નામો મીડિયામાં તાજેતરમાં આવવા લાગ્યાં છે. વડાપ્રધાન શ્રી મોદી માટે પ્રયોજિત થયેલ યુએસએનું ‘ક્વેસ્ટ કોડિયાક 100 સી પ્લેન (સી – પ્લેન) હકીકતમાં એમ્ફિબિયસ એરક્રાફ્ટ હતું.

સામાન્ય વાચક તો સી પ્લેન, ફ્લાઇંગ બોટ, ફ્લોટ પ્લેન અને એમ્ફિબિયસ એરક્રાફ્ટ જેવાં હવાઈ જહાજોને એક સરખાં જ માને! આમ માનવામાં ઝાઝું નુકસાન નથી; ચાલી જાય. પણ આપણે તેમનો આછો પરિચય મેળવી લઈએ તો સારું!

આપણે જાણીએ છીએ કે એરોપ્લેન સામાન્ય રીતે જમીન પર એરપોર્ટના રન-વે પરથી ઊડી હવામાં પ્રવાસ કરી, ફરી જમીન પર ઊતરી શકે.

સી પ્લેન (સી–પ્લેન) એવું એરક્રાફ્ટ છે જે પાણી પરથી હવામાં ઉડી શકે છે અને પાણીમાં ઉતરી પણ શકે છે. સી-પ્લેન મોટા તળાવ, નદી કે દરિયાના પાણી પરથી ઉડાન ભરી શકતું ‘ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ’ છે. સી-પ્લેન પાણીમાં ખપ પૂરતું તરતું રહી શકે છે; પાણીમાં ‘દોડીને’ હવામાં ઉડાન પણ ભરી શકે છે.

એમ્ફિબિયસ એરક્રાફ્ટ એવાં સી-પ્લેન છે જે પાણી ઉપરાંત જમીન પરથી પણ હવામાં ચઢી-ઉતરી શકે છે. આમ, પાણી અને જમીન બંને પરથી હવામાં ચઢ-ઉતર કરી શકે તેવાં એરક્રાફ્ટને એમ્ફિબિયસ એરક્રાફ્ટ કહે છે. ( મધુસંચયના વાચકોને જ્ઞાત હશે કે પાણી અને જમીન બંને સ્થાનોમાં રહી શકતાં દેડકા જેવાં ઉભયજીવી પ્રાણીઓને ઇંગ્લિશ ભાષામાં એમ્ફિબિયન કહે છે)

સી પ્લેન તથા એમ્ફિબિયસ એરક્રાફ્ટનાં અન્ય બે પ્રકાર છે: ફ્લોટ પ્લેન તથા ફ્લાઇંગ બોટ.

ફ્લોટ પ્લેનના મુખ્ય બોડી (ફ્યુઝિલેજ) ની નીચે બે ફ્લોટ હોય છે. આ બે ફ્લોટ્સની રચના પ્લેનના મુખ્ય બોડીને પાણીથી અદ્ધર રાખે છે. જ્યારે ફ્લોટ પ્લેન પાણી પર ઉતરે છે, ત્યારે માત્ર તેના બે ફ્લોટ્સ પાણી પર ગોઠવાય છે. તેથી તેના ફ્યુઝિલેજને પાણી સ્પર્શતું નથી.

ફ્લાઇંગ બોટ એવી બોટ છે જે એરક્રાફ્ટની માફક ઊડે છે. તેથી ફ્લાઇંગ બોટને એરક્રાફ્ટ ગણવામાં આવે છે. જ્યારે ફ્લાઇંગ બોટ પાણી પર ઉતરે છે ત્યારે તેનું મુખ્ય બોડીનું તળિયું પાણીની સપાટીને સ્પર્શે છે. આમ ફ્લાઇંગ બોટના ફ્યુઝિલેજના તળિયાનો ભાગ  પાણીમાં ડૂબેલ રહે છે. ઘણી ફ્લાઇંગ બોટની પાંખો (વિંગ્સ) પર સમતોલન જાળવવા માટે નાનકડા ફ્લોટ્સ હોય છે.

યાદ રાખશો કે ઉપરની માહિતી વાચકની પ્રાથમિક જાણકારી માટે છે. યુરોપ અને અમેરિકામાં સી પ્લેનના વિવિધ પ્રકારો અને તેમના નામાભિધાન અંગે મતમતાંતરો છે.

સી પ્લેન તથા ફ્લાઇંગ બોટ વિશે માહિતી

વીસમી સદીના ઉદય સાથે હવાઈ જહાજ – એરોપ્લેન – ના સફળ પ્રયોગોએ હવાઈ સફર માટે આશાવાદ જગાવ્યો. પ્રારંભના એવિયેશન ઉદ્યોગ અને હવાઈ ક્ષેત્રની કંપનીઓ સામે ઘણા પડકાર હતા. એરોપ્લેનની મર્યાદિત ફ્યુએલ કેપેસીટીના કારણે ટૂંકા અંતરની મુસાફરી પછી ફરી ઇંધણ ભરવા એરોપ્લેનને ફરી ફરી ઉતરાણ કરતા રહેવું પડે! વળી એરોપ્લેનને સલામતીપૂર્વક જમીન પર ઉતારવાનો પડકાર મોટો હતો. યોગ્ય રન વે, અદ્યતન કંટ્રોલ ટાવર અને સુવિધાપૂર્ણ એરપોર્ટ હજી બન્યા ન હતા.

આવા સંજોગોમાં સી પ્લેન તથા ફ્લાઇંગ બોટ જેવાં એરક્રાફ્ટ વધારે લોકપ્રિય થયાં. આવાં એરક્રાફ્ટ સહેલાઈથી પાણીમાંથી જ ઉડાન ભરી શકતાં અને તે જ રીતે પાણી પર ઉતરી પણ શકતાં! સી પ્લેન  ફ્લોટ્સ ધરાવતાં એરક્રાફ્ટ છે જ્યાં મુખ્ય બોડી (ફ્યૂઝિલેજ) ને ફ્લોટ્સના સહારે પાણીથી અદ્ધર રાખી શકાય! ફ્લાઇંગ બોટ સાચે જ ઉડતી બોટ સમાન એરક્રાફ્ટ છે! તેથી જ તો તેના મુખ્ય બોડીને હલ કહેવાય છે. ફ્લાઇંગ બોટનું મુખ્ય બોડી (Hull) પાણીમાં રહે છે!

ભારતમાં સી પ્લેન શા માટે?

અમદાવાદમાં આવેલ પ્રધાનમંત્રી શ્રી મોદીનું સી – પ્લેન ક્વેસ્ટ કોડિયાક 100 જમીન અને પાણી બંને પરથી ઉડ્ડયન કરી શકે તેવું એમ્ફિબિયસ એરક્રાફ્ટ હતું. આમ, અમેરિકાની ક્વેસ્ટ કંપનીના આ કોડિયાક એમ્ફિબિયસને લેન્ડ એરક્રાફ્ટ તેમજ સી પ્લેન તરીકે વાપરી શકાય છે. ભારતની સ્પાઇસ જેટ એર લાઇન્સનો અમેરિકન કંપની ક્વેસ્ટ પાસેથી એક સો ક્વેસ્ટ કોડિયાક સી પ્લેન ખરીદવાનો પ્લાન છે. આવાં પ્લેન ભારત માટે ખૂબ અનુકૂળ હોવાનું મનાય છે. તેનાં માટે લાંબા રનવે કે આધુનિક સુવિધાજન્ય એરપોર્ટ આવશ્યક નથી. દરિયા કે નદીમાં તો ઠીક, ખેતરમાં પણ તે ઉતારી શકાય છે. આમ, ભારતના દરિયાકાંઠાને જોડવા માટે તેમજ આપણા અંતરિયાળ કે દુર્ગમ વિસ્તારોને જોડવા માટે કોડિયાક એમ્ફિબિયસ ખૂબ ઉપયોગી છે.

અમદાવાદમાં આવેલ ક્વેસ્ટ કોડિયાક એમ્ફિબિયસ એરક્રાફ્ટ: આટલું જાણો

આ ક્વેસ્ટ કોડિયાક એમ્ફિબિયસ સી-પ્લેન વિશે જાણવા જેવી માહિતી નીચે મુજબ છે:

 • સિંગલ એંજીન, ફિક્સ્ડ-વિંગ ધરાવતું ક્વેસ્ટ કોડિયાક સી-પ્લેન
 • એક પાયલોટ ઉપરાંત નવથી દસ પેસેંજરની ક્ષમતા
 • જમીન અને પાણી પરથી ચઢી-ઉતરી શકતું એમ્ફિબિયસ એરક્રાફ્ટ
 • એરક્રાફ્ટની લંબાઈ 34 ફૂટ, ઊંચાઈ 15 ફૂટ, વજન 1700 કિલો
 • ભારવહન ક્ષમતા આશરે 1600 કિલો
 • મહત્તમ સ્પીડ 320 થી 339 કિલોમીટર પ્રતિ કલાક
 • ફરી ઇંધણ ભર્યા વિના અંતર કાપવાની ક્ષમતા: આશરે 1500 થી 2000 કિલોમીટર
 • ઉડ્ડયન મહત્તમ 12,000 ફૂટની ઊંચાઇ સુધી
 • એક ક્વેસ્ટ કોડિયાક એરક્રાફ્ટની કિંમત આશરે ચાર લાખ ડોલર ( 25 કરોડ રૂપિયા)

** ** ** ** ** **

મધુસંચય લેખ – સંક્ષેપ: ગુજરાતમાં સી પ્લેનનું પ્રથમ ઉડ્ડયન: ફ્લાઇંગ બોટનો જમાનો ફરી આવશે? (The first flight of a Seaplane in Gujarat: Will the Flying Boat be popular again?)
 • અમદાવાદ (ગુજરાત)માં સી પ્લેનનું આગમન
 • સી-પ્લેનમાં પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદીએ કરી સાબરમતી રીવર ફ્રંટથી ધરોઈ જતાં આવતાંની હવાઈ યાત્રા
 • અમેરિકાની ક્વેસ્ટ કંપનીનું કોડિયાક એમ્ફિબિયસ એરક્રાફ્ટ બન્યું આકર્ષણ
 • ગઈ સદીમાં હતી સી પ્લેન, ફ્લાઇંગ બોટ, ફ્લોટ પ્લેન અને એમ્ફિબિયસ એરક્રાફ્ટની બોલબાલા
 • વિશ્વભરમાં ફરી જાગેલો સી – પ્લેન અને ફ્લાઇંગ બોટમાં રસ
 • ભારતમાં સી પ્લેન દ્વારા એર ટ્રાન્સપોર્ટ વિકસાવવા સ્પાઇસ જેટ કંપનીની વિચારણા

** ** ** ** ** **

મધુસંચય લેખ – પૂરક માહિતી: ગુજરાતમાં સી પ્લેનનું પ્રથમ ઉડ્ડયન: ફ્લાઇંગ બોટનો જમાનો ફરી આવશે?(The first flight of a Seaplane in Gujarat: Will the Flying Boat be popular again?)
 • સી પ્લેન/ સી-પ્લેન (Seaplane/ Sea-plane)
 • ફ્લાઇંગ બોટ (Flying Boat)
 • ફ્લોટ પ્લેન (Float Boat)
 • એમ્ફિબિયસ એરક્રાફ્ટ (Amphibious aircraft)
 • ક્વેસ્ટ એરક્રાફ્ટ કંપની, અમેરિકા (Quest Aircraft Company, USA)
 • ક્વેસ્ટ કોડિયાક (Quest Kodiak)

** ** ** ** ** **

** ** ** ** ** ** ** ** ** ** ** **

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s