અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વના હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ અને ભારતની સૌ પ્રથમ હોટેલો

કોરોના વાયરસના ભયથી વિશ્વના દેશો થથરી ઊઠ્યા છે. વૈશ્વિક મહામારીકોવિડ-19 – એવી ફેલાઈ ગઈ છે કે આધુનિક માનવસભ્યતાના સામાજીક અને આર્થિક પાયાઓ ડગમગતા દેખાય છે. ગ્લોબલાઇઝેશનના જોરે જામેલા આંતરરાષ્ટ્રીય વાણિજ્ય-વેપારો ખતરામાં આવી ગયા છે. લોકડાઉનના પગલે માનવજીવનની રફ્તાર થંભી ગઈ છે. આધુનિક સંસ્કૃતિના પ્રતીક સમા ઇન્ટરનેશનલ બિઝનેસ, એવિએશન, ટૂરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને અકલ્પનીય ફટકાઓ પડ્યા છે. ઝગારા મારતો હોટેલ ઉદ્યોગ અત્યારે તો જાણે તદ્દન ભૂલાઈ ગયો છે! આધુનિક માનવી માટે હોટેલ તો ‘ઘરથી દૂર બીજું ઘર’, પરંતુ આજે ઘરમાં પૂરાયેલો માનવી હોટેલને યાદ પણ શી રીતે કરે?

હોટેલ ઉદ્યોગના ઝગમગતા ઇતિહાસને વાગોળવાની આ પળ છે.

ભારતમાં હોટેલ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાની સામે ઊભી તાજ હોટેલ યાદ આવે! સાથે કાલા ઘોડા સર્કલ પરની વૉટ્સન હોટેલ યાદ આવે કે જ્યાં વર્ષ 1896માં ફ્રાન્સના લ્યુમિયેર બ્રધર્સ દ્વારા નિર્મિત વિશ્વની પહેલી ફિલ્મો ભારતમાં પ્રથમ વાર પ્રદર્શિત થઈ. હકીકત એ છે કે તેની પણ પહેલાં હિંદુસ્તાનમાં હોટેલ ઉદ્યોગનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં!

‘મધુસંચય’ના આજના લેખમાં હોટેલ ઉદ્યોગના વિકાસના ઇતિહાસ પર ઊડતી નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ

પ્રાચીન કાળથી ભારતના સમાજ જીવનમાં આતિથ્યભાવના વણાયેલ છે. ‘અતિથિદેવો ભવ’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ આપણા ગૃહસ્થ ધર્મને ઉજાગર કરે છે.

હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ સુરેખ કે સુસ્પષ્ટ નથી.

સદીઓ અગાઉ માનવી પ્રવાસ કરતો થયો, ત્યારથી વિશ્વમાં ટ્રાવેલર શેલ્ટર, મુસાફરખાના, સરાઈ કે ધર્મશાળા (inn) જેવી વ્યવસ્થાઓ ઊભી થતી ગઈ. પંદરમી સદી પછી યુરોપથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધ્યો, ત્યારે  સુવિધાભરી ઇન તથા ગેસ્ટ હાઉસ જરૂરી બન્યાં. સત્તરમી સદીમાં ઘોડાથી દોડતી ગાડીઓ (કેરેજ) એ લાંબા અંતરની મુસાફરી વ્યાવહારિક બનાવી. તે સાથે ગેસ્ટહાઉસનો વ્યવસાય ખીલવા લાગ્યો અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં યંત્રો અને યાંત્રિક વાહનો આવતાં હોટેલ ઉદ્યોગના વિકાસને નવી જ પાંખો ફૂટી.,

વિશ્વની સૌથી પ્રાચીન હોટેલો

હોટેલ ઉદ્યોગનાં સીમાચિહ્નો સ્પષ્ટ નથી. તેનો ઇતિહાસ ચર્ચાસ્પદ હોવાથી હોટેલ ઉદ્યોગના વિકાસને સમયરેખા પર આંકવો અઘરો છે.

ટ્રાવેલર શેલ્ટર, મુસાફરખાના, ઇન કે હોટેલોનાં ખ્યાલ અને સ્વરૂપો દેશે દેશમાં એવાં તો ભિન્ન હતાં કે વિશ્વની પ્રાચીનતમ હોટેલ કોને ગણવી તે સહેલું નથી. આઠસો-હજાર વર્ષ પહેલાં એશિયા ખંડમાં વ્યાપારી વર્ગ મોટા કાફલાઓ (કેરેવાન/ કારવાં) માં લાંબા અંતરનો પ્રવાસ કરતો. બારમી સદીમાં એશિયા ખંડમાં ‘કેરેવાન’ (કાફલા) ના મુસાફરો માટે સરાઈ કે રેસ્ટિંગ હાઉસ જેવી વ્યવસ્થા હતી. સદીઓ પહેલાં યુરોપમાં ઘણી પબમાં મુસાફરોને રાત્રિરોકાણની વ્યવસ્થા રહેતી. વ્યાવસાયિક રૂપે હોટેલ બિઝનેસ યુરોપમાં સ્થપાયો. સ્વિટ્ઝરલેન્ડને હોટેલનો જનક દેશ મનાય છે, જ્યારે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જેવા દેશ હોટેલ વ્યવસાયને પ્રચલિત કરનાર દેશો ગણાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિશ્વની સૌથી પ્રાચીન હોટેલો એશિયા ખંડના જાપાન દેશમાં છે, જે આશરે 1300 વર્ષ જૂની છે. આઠમી સદીમાં સ્થપાયેલ જાપાનની બે હૉટેલો દુનિયાની સૌથી પ્રાચીન હોટેલો છે જે આજે પણ વ્યવસાયમાં છે.   ગિનેસ બુક ઑફ રેકોર્ડ્ઝ પ્રમાણે વિશ્વની સૌથી પહેલી હોટેલ જાપાનની ‘નિશિયામા ઓનસેન કેઇયુન્કાન’ (Nishiyama Onsen Keiunkan, Yamanashi, Japan) છે. દુનિયાની સૌથી જૂની હોટેલ ‘નિશિયામા ઓનસેન કેઇયુન્કાન’ (કાઇયુન્કાન) જાપાનમાં વર્ષ 705માં સ્થપાઈ હતી અને તે આજે પણ કાર્યરત છે.

જાપાનની ‘હોશી યોકાન’ ( હોશી ર્યોકાન Hoshi Ryokan, Japan) વર્ષ 718માં સ્થપાયા પછી આજે પણ વ્યવસાયમાં ચાલુ છે. હોશી યોકાનની વિશિષ્ટતા એ છે કે તે સ્થાપનાથી આજ પર્યંત એક જ વંશ-પરિવારની માલિકીની રહી છે અને અત્યારે તેની 46મી પેઢીના વંશ-વારસો સંચાલન કરે છે. (જાપાનીઝ ભાષામાં યોકાન શબ્દનો અર્થ થાય છે inn).

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇંગ્લેન્ડ અને અમેરિકાની સૌથી જૂની હોટેલો

ઇંગ્લેન્ડની સૌથી જૂની હોટેલ ઓલ્ડી બેલ હોટેલ મનાય છે.

હર્લી (બર્કશાયર, ઇંગ્લેન્ડ) માં આવેલ ઓલ્ડી બેલ હોટેલ બારમી સદીમાં એક પબ તરીકે શરૂ થઈ અને પાછળથી ઇન તરીકે વિકસી. ઇંગ્લેન્ડના ઇતિહાસના કાવાદાવાઓ અને દ્વિતીય વિશ્વયુદ્ધની આંટીઘૂંટીઓની સાક્ષી રહેલ આ હોટેલનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. બીજા વિશ્વયુદ્ધ સમયે (1939-45) આ હોટેલ નજીક અમેરિકન સિક્રેટ ઇન્ટેલિજન્સનું મથક આવેલ હતું. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે 1944માં અમેરિકા-ઇંગ્લેન્ડની આગેવાની નીચે એલાઇઝ-મિત્રદળોએ ફ્રાન્સના નોર્મન્ડી પર આક્રમણ કર્યું હતું. તે અગાઉ યુદ્ધનીતિઓનું આયોજન કરવા ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી સર વિન્સ્ટન ચર્ચિલ અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડ્વાઇટ આઇઝનહોવર બર્કશાયર આવ્યા ત્યારે તેઓએ ઓલ્ડી બેલ હોટેલની મુલાકાત લીધી હતી. ઇંગ્લેન્ડની આ સૌ પહેલી ઐતિહાસિક હોટેલના મુલાકાતીઓમાં હોલિવુડના સુપર સ્ટાર રિચાર્ડ બર્ટન, એલિઝાબેથ ટેલર, ડસ્ટિન હોફમેન, કેરી ગ્રાન્ટ આદિનો સમાવેશ થાય છે.

પંદરમી સદી સુધીમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની જેવા દેશોમાં પ્રવાસીઓ માટે હોટેલ જેવી વ્યવસ્થા ઊભી થવા લાગી હતી.

લંડનની સૌથી જૂની હોટેલોની વાત નીકળે તો કેવેન્ડિશ, બ્રાઉન (બ્રાઉન્સ Brown’s), ક્લેરિજ (ક્લેરિજ્સ Claridge’s), ગ્રેટ નોર્ધન હોટેલ વગેરે હોટેલો આજે પણ એક યા બીજા સ્વરૂપે ચાલે છે. આ બધી હોટેલો 19મી સદીમાં વિકાસ પામી.

હવે વાત કરીએ અમેરિકાની. સત્તરમી સદી બેસતાં જ અમેરિકામાં પહેલી ઇન શરૂ થઈ. અમેરિકાની સૌથી જૂની હોટેલ અઢારમી સદીના અંતમાં શરૂ થયેલ ન્યૂ યૉર્ક શહેરની સીટી હોટેલ ગણાય છે. વર્ષ 1794માં શરૂ થયેલ બ્રૉડવે – મેનહટન (ન્યૂ યૉર્ક) ની સીટી હોટેલ અમેરિકાની સૌ પ્રથમ હોટેલ આજે પણ વ્યવસાયમાં છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતમાં હોટેલ વ્યવસાય

ભારતમાં હોટેલ વ્યવસાયની વાત કરીએ તો પહેલાં તો જમશેદજી ટાટા અને તાજ હોટેલ યાદ આવે.

બ્રિટીશ હિંદુસ્તાનમાં હોટેલ બિઝનેસ વિકસ્યો અને શરૂઆતમાં તેના પર યુરોપિયનોનો પ્રભાવ રહ્યો. અંગ્રેજ હકૂમત હેઠળના હિંદુસ્તાનમાં હોટેલો અંગ્રેજ અમલદારો માટે જ ચાલતી; પાછળથી ગણીગાંઠી  હોટેલમાં અતિ શ્રીમંત હિંદુસ્તાનીઓને પ્રવેશ શરૂ થયો. ભારતની સૌથી જૂની હોટેલો વિશે આપણે વિસ્તૃત વાત કરી શકીએ.

ભારતમાં સૌથી જૂની હોટેલો કઈ?

પ્રશ્ન થાય કે ભારતની સૌથી પહેલી હોટેલ કઈ?

હવે આપ સમજી શકો છો કે આનો ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ છે. સદીઓ અગાઉ ભારતમાં ધર્મશાળાઓ હતી. મોગલ યુગમાં બાદશાહોના સમયમાં મુસાફરખાનાં કે સરાઈની વ્યવસ્થાઓ ઊભી થઈ. યુરોપિયનો ભારતમાં આવ્યા પછી ગેસ્ટ હાઉસ અને હોટેલો અસ્તિત્વમાં આવ્યાં.

ભારતની સૌથી જૂની હોટેલો વિશે વાત કરતાં આપણને ટાટા ગ્રુપની મુંબઈ સ્થિત તાજમહાલ પેલેસ હોટેલનો ખ્યાલ આવે. 1903માં તાજ હોટેલ ખુલ્લી મૂકાઈ તે પૂર્વે ભારતમાં હોટેલો શરૂ થઈ ચૂકી હતી. પણ દાયકાઓ સુધી લોકમાનસમાં હોટેલ એટલે ભોજનાલય એવું જ રહેલું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વીસમી સદીના ઉદય પહેલાં અંગ્રેજ હકૂમતના હિંદુસ્તાનની રાજધાની કલકત્તા ( હાલ કોલકતા) હતી. 1757માં પ્લાસીના યુદ્ધ પછી દેશનો ઇતિહાસ પલટાઈ ગયો અને પૂર્વ ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પકડ જમાવી.

એક મત મુજબ એશિયાની પ્રથમ હોટેલ હિંદુસ્તાનના કલકત્તામાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં શરૂ થઈ જોકે આ બાબતે વિવાદો ઓછા નથી. જોહન સ્પેન્સ નામક એક અંગ્રેજે 1830માં પોતાના નામ પરથી ‘સ્પેન્સ હોટેલ’ શરૂ કરી. કોલકતાના હાલના રાજભવન નજીક આ સ્પેન્સ હોટેલ શરૂ થઈ હતી. ફ્રાન્સના મશહૂર સાયન્સ ફિક્શન લેખક જુલ્સ વર્ન (જૂલે વર્ન) ની વિજ્ઞાનકથા ‘ધ સ્ટીમ હાઉસ’માં સ્પેન્સ હોટેલનો ઉલ્લેખ છે. ઇતિહાસમાં સ્થાન પામી ચૂકેલી કલકત્તાની સ્પેન્સ હોટેલ આજે અસ્તિત્વમાં નથી.

1840માં ડેવિડ વિલ્સન નામક અંગ્રેજે કલકત્તામાં ઑકલેન્ડ હોટેલ સ્થાપી. ઓકલેન્ડ હોટેલની વિશેષતા એ હતી કે તે અતિ ભવ્ય હોટેલ હોવા ઉપરાંત વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ધરાવતી હતી. તે એક લક્ઝરી હોટેલ તરીકે વિકસતી ગઈ અને પાછળથી ગ્રેટ ઇસ્ટર્ન હોટેલ તરીકે નામના પામી. સ્થાપના પછી સતત 165 વર્ષ ચાલુ રહેવાનો રેકોર્ડ બનાવનાર એશિયાની પ્રથમ હોટેલ ગ્રેટ ઇસ્ટર્ન હોટેલને વર્ષ 2005માં રીનોવેશન માટે થોડા સમય માટે બંધ કરાઈ. 2013માં તેને લલિત ગ્રેટ ઇસ્ટર્ન હોટેલ તરીકે લલિત હોટેલ્સ (ભારત હોટેલ્સ) દ્વારા ખુલ્લી મૂકાઈ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

કલકત્તાના ચૌરંઘી વિસ્તારની મશહૂર વૈભવી હોટેલ ઓબેરોય ગ્રાન્ડ હોટેલનો ઇતિહાસ સો વર્ષથી જૂનો છે. સ્ટેફન નામના એક અમેરિકન દ્વારા 1911માં ગ્રાન્ડ હોટેલની સ્થાપના થઈ, બસોથી વધારે સુવિધાભર્યા લક્ઝરી રૂમ ધરાવતી ગ્રાન્ડ હોટેલ વિદેશીઓ માટે આકર્ષણનું કેંદ્ર બની. બીજા વિશ્વયુદ્ધ સમયે તે રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોય (એમ એસ ઓબેરોય) ના કુનેહભર્યા સંચાલનમાં આવી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં ઓબેરોય ગ્રાંડ હોટેલ તરીકે તે ઓબેરોય ગ્રુપની અને કલકત્તાની મહત્વની હોટેલ બની.

બ્રિટીશ શાસનમાં બૉમ્બે (હાલ મુંબઈ) અને મદ્રાસ (હાલ ચેન્નાઇ) પણ મહત્વનાં શહેરો તરીકે વિકાસ પામ્યાં ફલત: હોટેલ બિઝનેસ તે શહેરોમાં પણ પાંગર્યો.

બોમ્બે (મુંબઈ) માં પાશ્ચાત્ય ઢબની પહેલી હોટેલ ફોર્ટ એરિયામાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થઈ. તે પ્રથમ હોટેલના પ્રારંભનો શ્રેય પાલનજી પેસ્તનજી (પાલોનજી પેસ્તનજી) નામના પારસી સજ્જનને જાય છે. મુંબઈની તે પ્રથમ હોટેલ ‘બ્રિટીશ હૉટેલ’ નામથી એપોલો સ્ટ્રીટ વિસ્તારમાં 1840માં શરૂ કરાઈ. આ બ્રિટીશ હોટેલમાં પશ્ચિમી ઢબે મેનુ અનુસાર ‘આ લા કાર્ટ’ ઓર્ડર મૂકી પસંદનું ભોજન લેવાની વ્યવસ્થા હતી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1871માં મુંબઈમાં ઇતિહાસ-પ્રસિદ્ધ આલીશાન વૉટ્સન એસ્પ્લેનેડ હૉટેલ (વોટસન હોટેલ) નો આરંભ થયો. કાલા ઘોડા-ફોર્ટ-કોલાબા વિસ્તારની વોટ્સન હોટેલ ઇંગ્લેન્ડના જોહન વોટ્સન દ્વારા શરૂ કરાઈ. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે મુંબઈની વોટ્સન એસ્પ્લેનેડ હોટેલમાં વર્ષ 1896માં લ્યુમિયેર બ્રધર્સની કંપની દ્વારા ભારતનો સૌ પ્રથમ ફિલ્મ શો થયો હતો. ચાર માળની વૈભવી વોટ્સન હોટેલમાં 130 રૂમ અને 20 વિશાળ સ્યુટ્સ હતાં. ભારતીય સિનેમા ઉદ્યોગના આરંભની સાક્ષી આ હોટેલ કાળક્રમે બંધ પડી, છતાં આજે 150 વર્ષ પ્રાચીન એસ્પ્લેનેડ મેન્શન બિલ્ડિંગ જર્જરિત હાલતમાં ઊભું છે.

ભારતીય ઉદ્યોગ જગતના મહારથી જમશેદજી ટાટાએ મુંબઈમાં ગેટ વે ઑફ ઇંડિયા સામે ગૌરવવંતી ધ તાજ મહાલ પેલેસ ઊભી કરી તે પહેલાં શહેરમાં ફોર્ટ વિસ્તારની બ્રિટીશ હોટેલ અને વૉટ્સન  ઉપરાંત અન્ય હોટેલો પણ હતી. તેમાં હોપ હોલ ફેમિલી હોટેલ (મઝગાંવ), એડેલ્ફિ હોટેલ (ભાયખલા), વિક્ટરી હોટેલ આદિનો સમાવેશ થાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આજના ચેનાઈ (તામિલનાડુ) માં તાજ કોન્નેમારા હૉટેલ એક લેંડમાર્ક હેરિટેજ હોટેલ બનીને રહી છે. તેનાં મૂળ આશરે દોઢસો વર્ષ અગાઉ મદ્રાસ (ચેન્નાઇ) માં ખુલેલ એશિયાના પ્રથમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર સ્પેન્સરમાં છે.  સ્પેન્સરના સંચાલનમાં સ્પેંસર હોટેલ પણ હતી. જે પછી ફૂલીફાલીને તાજ ગ્રુપના સંચાલનમાં વિકસતાં આજની તાજ કોન્નેમારા હોટેલ બની છે.

ભારતની જૂની હોટેલોની વાત કરતાં માથેરાનની રગ્બિ હોટેલનો પણ સમાવેશ કરી શકાય. 1876-80 ના સમયગાળામાં ઊભી થયેલ રગ્બિ હોટેલ વિદેશીઓની પસંદની હોટેલ હતી. તાજેતરમાં મુંબઈના ઠાકર ફેમિલી પાસેથી રગ્બિ હોટેલની પ્રોપર્ટી દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (રિલાયંસ ઇન્ડસ્ટિઝ) એ ખરીદી લીધી છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઉત્તર ભારતના ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીની સેવોય હોટેલ જગવિખ્યાત છે. મસૂરી અંગ્રેજ અમલદારોનું પ્રિય હિલ સ્ટેશન હતું. અહીં વર્ષ 1902માં સેવોય હૉટેલ શરૂ થઈ જે યુરોપિયન અને અન્ય દેશી-વિદેશી ટૂરિસ્ટો માટે પ્રથમ પસંદ રહી છે. વિશ્વપ્રસિદ્ધ ડિટેક્ટિવ સ્ટોરી રાઇટર આગાથા ક્રિસ્ટીની પ્રથમ રહસ્ય નવલકથા ‘ધ મિસ્ટરિયસ અફેર એટ સ્ટાઇલ્સ’ના કથાના પ્રેરણાબીજમાં સેવોય હોટેલ – મસૂરીની એક ઘટના હોવાનું કહેવાય છે.

શિમલાની ઐતિહાસિક સેસિલ હૉટેલ 1898માં એર્નેસ્ટ ક્લાર્ક નામના એક બ્રિટીશર દ્વારા સ્થપાઈ હતી અને તે ભારતીય હોટેલિયર એમ એસ ઓબેરોયની કારકિર્દીનું પ્રથમ સોપાન બની. એમ એસ ઓબેરોયના હાથમાં તેનું સંચાલન આવતાં તેમણે સેસિલ હોટેલનું નામ બદલ્યું અને તેના મૂળ અંગ્રેજ માલિક ક્લાર્કના નામ પરથી ‘ક્લાર્કસ હોટેલ’ (ક્લાર્ક’સ હોટેલ Clarkes Hotel) નું નામ આપ્યું. દાયકાઓથી ક્લાર્કસ હોટેલ  ઓબેરોય ગ્રુપ દ્વારા સંચાલિત છે.

દિલ્હીની પ્રખ્યાત મેઇડન્સ હોટેલ 1903માં સ્થપાઈ હતી. તેનાં મૂળ મેટ્રોપોલિટન હોટેલમાં છે. જ્યારે ભારતની રાજધાની હજી કલકત્તા જ હતી, તે જમાનામાં, વર્ષ 1894માં મેઇડન બ્રધર્સ નામથી ઓળખાયેલા અંગ્રેજ બંધુઓએ દિલ્હીમાં મેટ્રોપોલિટન હોટેલ સ્થાપેલી. તે 1903માં નવા વિસ્તારમાં જતાં મેઇડન્સ હોટેલ તરીકે ઓળખાઈ. આજે પણ દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં મેઇડન્સ હોટેલ ઊભી છે અને અગ્ર ક્રમની ફાઇવ સ્ટાર હેરિટેજ હોટેલ ગણાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: વિશ્વના હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ અને ભારતની સૌ પ્રથમ હોટેલો: પરિશિષ્ટ
  • વિશ્વના હોટેલ ઉદ્યોગના વિકાસની ગાથા આલેખવી મુશ્કેલ
  • દુનિયાની સૌથી જૂની સ્થપાયેલી હોટેલો જાપાનમાં આજે પણ ચાલુ
  • વિશ્વની સૌથી જૂની હોટેલો જાપાનમાં 1300 વર્ષ પ્રાચીન
  • વિશ્વની પ્રાચીનતમ હોટેલ ઇસ 705માં સ્થપાયેલી જાપાનની ‘નિશિયામા ઓનસેન કેઇયુન્કાન’ (Nishiyama Onsen Keiunkan, Yamanashi, Japan)
  • દુનિયાની બીજી સૌથી જૂની હોટેલ જાપાનની ‘હોશી યોકાન’ ( હોશી ર્યોકાન Hoshi Ryokan, Japan)
  • ઇંગ્લેન્ડની સૌથી જૂની હોટેલ ઓલ્ડી બેલ હોટેલ આઠસો વર્ષ જૂની ઐતિહાસિક હોટેલ
  • દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી સર વિન્સ્ટન ચર્ચિલ અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડ્વાઇટ આઇઝનહોવર ઓલ્ડી બેલ હોટેલની મુલાકાતે
  • બ્રિટીશ હિંદુસ્તાનની તથા એશિયાની સર્વ પ્રથમ હોટેલ કલકત્તા (હવે કોલકતા) ની સ્પેન્સ હોટેલ
  • બૉમ્બે (હવે મુંબઈ) માં તાજ હોટેલથી પણ પહેલાં બની સુવિધાપૂર્ણ ‘બ્રિટીશ હોટેલ’
  • બોમ્બે (મુંબઈ) ની સર્વ પ્રથમ પાશ્ચાત્ય ઢબની હોટેલ પાલનજી પેસ્તનજીની ‘બ્રિટીશ હોટેલ’
  • મુંબઈની વૉટ્સન એસ્પ્લેનેડ હૉટેલ (વોટસન હોટેલ) નો ફોર્ટ કોલાબા એરિયામાં કાલા ઘોડા નજીક 1871માં આરંભ
  • 1896 માં ભારતનો સૌ પ્રથમ ફિલ્મ શો યોજાયો મુંબઈની વૉટ્સન હોટેલમાં
  • ભારતની અન્ય જૂની પ્રતિષ્ઠિત હોટેલોમાં કલકત્તાની ગ્રેટ ઇસ્ટર્ન હોટેલ તથા ગ્રાન્ડ હોટેલ, ચેન્નાઇની કોન્નેમારા હોટેલ, માથેરાનની રગ્બિ હોટેલ, મસૂરીની સેવોય હોટેલ, શિમલાની ક્લાર્ક્સ હોટેલ વગેરે 

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે

**** * *** * **** ** * ** * * ** *

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

10 thoughts on “વિશ્વના હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ અને ભારતની સૌ પ્રથમ હોટેલો

    1. આપે સરસ પ્રશ્ન ઉઠાવ્યો. અમદાવાદમાં ઉચ્ચ કક્ષાની સુખ સુવિધાઓ આપતી પ્રથમ લક્ઝરી હોટેલ કામા જ હોવી જોઈએ. નાના હતા ત્યારે વિદેશી ક્રિકેટ ટીમો આવતી તે કામામાં રોકાતી તેવું યાદ આવે છે. તે જમાનામાં બીજી હોટેલો હતી જ ક્યાં?

  1. જાપાનની ‘હોશી યોકાન’ ( હોશી ર્યોકાન Hoshi Ryokan, Japan) વર્ષ 718માં સ્થપાયા પછી આજે પણ વ્યવસાયમાં ચાલુ છે. હોશી યોકાનની વિશિષ્ટતા એ છે કે તે સ્થાપનાથી આજ પર્યંત એક જ વંશ-પરિવારની માલિકીની રહી છે અને અત્યારે તેની 46મી પેઢીના વંશ-વારસો સંચાલન કરે છે. (જાપાનીઝ ભાષામાં યોકાન શબ્દનો અર્થ થાય છે
    ———–
    માની ન શકાય તેવી આ વાત આજે જ જાણી. બહુ જ મહેનત કરીને આ લેખ લખ્યો છે. હાર્દિક અભિનંદન

Leave a reply to હરીશ દવે (Harish Dave) જવાબ રદ કરો