દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ભવિષ્યની ટેકનોલોજીની ઝાંખી કરાવતો અમેરિકાનો વિશ્વપ્રસિદ્ધ ઇલેક્ટ્રોનિક્સ શો ‘સીઇએસ’

લાસ વેગાસ, યુએસએમાં જાન્યુઆરી, 2019માં યોજાયેલ ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઇએસ 2019) એ દુનિયાભરમાં રોમાંચક રસ ફેલાવ્યો છે.

અમેરિકામાં પ્રતિવર્ષ આયોજાતો ‘સીઇએસ’ અદ્યતન કંઝ્યુમર ટેકનોલોજીને રજૂ કરતો વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ શો છે. આવતી કાલની દુનિયાના ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને પ્રતિબિંબિત કરતા ટ્રેડ શો  ‘સીઇએસ’ને અમેરિકાના ક્ન્ઝ્યુમર ટેકનોલોજી એસોસિયેશન (સીટીએ) દ્વારા યોજવામાં આવે છે.

સૌ પ્રથમ ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો – સીઇએસ – ને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં જૂન, 1967માં યોજવામાં આવેલો. વીતેલા વર્ષોમાં વિવિધ સીઇએસમાં વીસીઆર, કેમકોર્ડર, સીડી, માઇક્રોસોફ્ટ એક્સબોક્સ, પ્લાઝમા ટીવી, થ્રી-ડી એચડીટીવી, ટેબ્લેટ્સ, એન્ડ્રોઇડ ડિવાઇસ જેવી પ્રોડક્ટ્સ સૌ પ્રથમ વખત રજૂ થઈ હતી. આમ, ક્ન્ઝ્યુમર ટેકનોલોજી ક્ષેત્રે સીઇએસ વિશ્વનો સૌથી મહત્ત્વનો શો ગણાય છે.

આ વર્ષે 8-11 જાન્યુઆરી દરમ્યાન અમેરિકાના લાસ વેગાસમાં યોજાયેલ સીઇએસ 2019માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઑગ્મેન્ટેડ રિયાલિટી, હેલ્થ, વેલનેસ, વેરેબલ્સ, સ્માર્ટ હોમ, સેલ્ફ-ડ્રાઇવિંગ ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં અવનવી પ્રૉડક્ટ્સ રજૂ થઈ હતી, જે ડિજિટલ ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સમાં વિસ્મયકારી ઇનોવેશનની સૂચક છે. સીઇએસ 2019 માં ગુગલના ‘ગુગલ આસિસ્ટંટ’ અને એમેઝોનના ‘એલેક્સા’ વચ્ચેની સ્પર્ધા દેખીતી જ હતી, તો ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રૉડક્ટ્સમાં એપલ, સોની, સેમસંગ અને એલજીથી માંડી પાનાસોનિક, હાર્લિ ડેવિડસન, હ્યુન્ડાઇ, બીએમડબલ્યુ જેવી કંપનીઓએ પોતાની કરામાતી પ્રૉડક્ટ્સને પ્રદર્શિત કરી હતી.

ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ! આપ સૌ માટે સીઇએસ 2019 પ્રેરક બની રહો! આપણે સૌ નવા ચીલા ચાતરવા સજ્જ થઈએ!

‘મધુસંચય’ના આજના લેખમાં બદલાતી દુનિયાની ઝાંખી સમા સીઇએસ 2019 વિશે રસપ્રદ માહિતી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાંજ   ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

હરણફાળ ભરતી ટેકનોલોજી દુનિયાને ધરમૂળથી બદલી રહી છે. ઇલેક્ટ્રોનિક્સના ફિલ્ડમાં અકલ્પનીય વિકાસ સાથે ડિજિટલ ટેકનોલોજી ફૂલીફાલીને માનવજીવનમાં નવા આયામો ઉમેરી રહી છે. આવતી કાલની દુનિયાની ઝાંખી સાયન્સ અને ટેકનોલોજીના પ્રદર્શન-નિદર્શન-મેળાઓમાં, વિશ્વના અગ્રણી વિવિધ ટ્રેડ ફેરમાં થતી હોય છે. અમેરિકન ટ્રેડ શો સીઇએસ આવો એક પ્રથમ કક્ષાનો ક્ન્ઝ્યુમર ટેકનોલોજી ટ્રેડ શો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો – સીઇએસ શું છે?

સીઇએસ વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ ક્ન્ઝ્યુમર પ્રૉડક્ટ્સ ટ્રેડ શો છે, જેમાં પ્રતિ વર્ષ દુનિયાભરની લેટેસ્ટ ટેકનોલોજીની ઇનોવેટિવ પ્રૉડક્ટ્સ રજૂ થતી હોય છે.

આ વર્ષનો કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો – સીઇએસ 2019 – અમેરિકાના લાસ વેગાસમાં 8 – 11 જાન્યુઆરી દરમ્યાન યોજાયો હતો. ‘સીઇએસ’ના ટૂંકા નામથી ઓળખાતા ‘ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો’ને અમેરિકાનું ક્ન્ઝ્યુમર ટેકનોલોજી એસોસિયેશન (સીટીએ) યોજે છે.

સૌ પ્રથમ સીઇએસ અમેરિકાની આર્થિક રાજધાની ગણાતા ન્યૂ યૉર્ક શહેરમાં જૂન, 1967માં સીટીએ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો. ન્યૂ યૉર્કની હિલ્ટન અને અમેરિકાના હોટેલમાં યોજાયેલ શોની સફળતા પછી તેને દર વર્ષે યોજવાનું નક્કી થયું.

1978 પછી કેટલાંક વર્ષો સુધી તેને વર્ષમાં બે વાર યોજવાના પ્રયોગો થયા: પ્રતિ વર્ષ જાન્યુઆરીમાં લાસ વેગાસ ખાતે વિન્ટર સીઇએસ તથા જૂનમાં શિકાગોમાં સમર સીઇએસ. તે પછી આ વાર્ષિક ટ્રેડ શોને અન્ય શહેરોમાં યોજવાના અસફળ પ્રયત્નો પણ થયા. આખરે વર્ષ 1998થી ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોને માત્ર લાસ વેગાસ (અમેરિકા) માં એન્યુઅલ ઇંટરનેશનલ ટ્રેડ શો તરીકે વર્ષમાં એક વાર વિન્ટરમાં યોજવામાં આવે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઇએસ) વિશે જાણવા જેવી વાતો

ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો – સીઇએસ –   નિતનવી ક્ન્ઝ્યુમર ટેકનોલોજી સાથે સંલગ્ન તમામ બિઝનેસ લીડર્સ, ઇનોવેટર્સ અને ઉત્સુક મુલાકાતીઓ માટે સૌથી મોટું ‘મિલન સ્થાન’ બની રહે છે. વિશ્વમાં ઇનોવેટિવ કંઝ્યુમર ટેકનોલોજીમાં રસ ધરાવતા સૌ કોઈ માટે સીઇએસ ‘ગ્લોબલ સ્ટેજ’ કહેવાય છે. ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે માઇલસ્ટોન બનેલ ટેકનોલોજીને જુદા જુદા વર્ષોમાં સીઇએસ ટ્રેડ શોમાં સૌ પ્રથમ વખત નિર્દેશિત કરાઈ હોવાના ઘણા દાખલાઓ છે.

  • 1970માં ફિલિપ્સ કંપનીની સામાન્ય ઉપભોક્તા માટેની હોમ વિડીયો રેકોર્ડિંગ ટેકનોલોજી પહેલી વાર સીઇએસમાં રજૂ કરવામાં આવી. ત્યાર બાદ દુનિયામાં ઘર ઘરમાં વિડીયો કેસેટ રેકોર્ડર લોકપ્રિય બન્યા.
  • કેલિફોર્નિયા, યુએસએની અટારી કંપનીએ હોમ વિડીયો ગેમિંગનો પાયો નાખ્યો તે આપ જાણો છો. અટારીનાં લોકપ્રિય પર્સનલ કમ્પ્યુટર સીઇએસ 1979માં રજૂ થયાં હતાં.
  • 1980ના દશકાના આરંભે સોનીની કોમ્પેક્ટ ડિસ્ક (સીડી) એ સનસનાટી ફેલાવી. સીઇએસ 1981માં રજૂ થયેલ સોનીનું સીડી પ્લેયર માર્કેટમાં સફળતાને વર્યું.
  • સીઇએસ 1996માં પહેલી વાર ડીવીડી (ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક) રજૂ થઈ. તે પછી હોમ એન્ટરટેઇનમેન્ટમાં ડિજિટલ વિડીયો પ્લેયરની બોલબાલા થઈ.
  • બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપની ડિજીટલ ગેઇમિંગ માર્કેટમાં પ્રવેશી. સીઇએસ 2001માં માઇક્રોસોફ્ટના એક્સ-બોક્સ ગેઇમ કોન્સોલને પ્રદર્શિત કરાયું.
  • સીઇએસ 2003માં જાપાનની સોની કંપનીની બ્લુ રે ડિસ્ક રજૂ થઈ.
  • સીઇએસ 2008માં ટેલિવિઝન ક્ષેત્રે નવા રૂપે ઓલેડ (ઓ-એલઇડી) ટેકનોલોજી પ્રદર્શિત થઈ. અહીં સોની કંપનીએ પોતાના 27 ઇંચના સોની ઓલેડ (ઓએલઇડી) ફુલ એચડી ટીવી (રેઝોલ્યુશન 1920 x 1080) નું નિદર્શન કર્યું.
  • સીઇએસ 2009માં દુનિયાનું પહેલું થ્રીડી એચડીટીવી બતાવવામાં આવ્યું.
  • સીઇએસ 2010માં એન્ડ્રોઇડ પ્રૉડક્ટ્સ છવાઈ ગઈ. વળી તેમાં વિશ્વનું પ્રથમ ટેબ્લેટ પીસી તેમજ પ્રથમ નેટબુક પણ રજૂ થયાં.
  • સીઇએસ 2011 થી સીઇએસ 2018 દરમ્યાન કમ્પ્યુટર, મોબાઇલ ટેલિકમ્યુનિકેશન, રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ, ટેલિવિઝન, હેલ્થકેર આદિ ક્ષેત્રોમાં આશ્ચર્યકારી ક્ન્ઝ્યુમર પ્રૉડક્ટ્સ રજૂ થઈ. આ પૈકી ઘણી પ્રૉડક્ટ્સ ભારે સફળતાને વરી છે.
  • સીઇએસ 2019 જાન્યુઆરી, 2019માં યોજાયો.
  • આવતા વર્ષે સીઇએસ 2020 ના આયોજનની તારીખ 7-10 જાન્યુઆરી, 2020 છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો 2019 : સીઇએસ 2019 : એક વિહંગાવલોકન

ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઇએસ) વર્તમાન વિશ્વનો સૌથી મોટા પાયા પરનો, સૌથી લોકપ્રિય અને બહુચર્ચિત આંતરરાષ્ટ્રીય હાઇ-ટેક ટ્રેડ શો છે.

સીઇએસ 2019 અમેરિકાના નેવાડા રાજ્યના લાસ વેગાસ શહેરમાં 8 – 11 જાન્યુઆરી, 2019 દરમ્યાન આયોજિત થયો.

ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના વિશ્વવ્યાપી માર્કેટમાં ઇનોવેશન ધરાવતી પ્રૉડક્ટ્સ અને બ્રેક થ્રુ ટેકનોલોજી આ સીઇએસ 2019માં પ્રદર્શિત થઈ હતી. 25 થી 30 લાખ સ્ક્વેર ફીટમાં વિસ્તરેલા ટ્રેડ શોમાં 24 વિવિધ પ્રોડક્ટ કેટેગરી હતી. ઇનોવેટિવ તથા બ્રેક થ્રુ ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોમાં ઝલકી હતી જેમ કે: ઑડિયો – વિડીયો, ટીવી, હોમ સિનેમા, સ્માર્ટ હોમ, ઇંટરનેટ ઑફ થિંગ્સ, હેલ્થ-વેલનેસ, વેરેબલ્સ, ફેમિલી – કિડ્સ ટેકનોલોજી, ડિજિટલ ગેઇમિંગ, 5G નેટવર્ક સર્વિસ, થ્રી-ડી પ્રિન્ટિંગ, ડિજિટલ મની, વેહિકલ ટેકનોલોજી, રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગ્મેંટેડ રિયાલિટી આદિ.

સીઇએસ 2019માં નિર્દેશિત મુખ્ય ટેકનોલોજી
5G મોબાઇલ નેટવર્કિંગ ટેકનોલોજી

સીઇએસ 2019માં ફિફ્થ જનરેશન નેટવર્ક અને 5G સેલ્યુલર ફોનને ભારે મહત્ત્વ મળ્યું.

5G અર્થાત ફિફ્થ જનરેશન મોબાઇલ નેટવર્કિંગ આવતી કાલના ‘સ્માર્ટર વર્લ્ડ’ માટેની ‘નેક્સ્ટજેન’ ટેકનોલોજી છે. ઇંટરનેટ ઑફ થિંગ્સનો પ્રસાર થવાથી સ્માર્ટ ફોન ઉપરાંત ડિવાઇસીસ અને ગેજેટ્સ વચ્ચે રિલાયેબલ, હાઇ સ્પીડ કનેક્ટિવિટી આવશ્યક છે. ક્વોલકોમ, સેમસંગ, ઇન્ટેલ અને સિસ્કો જેવી કંપનીઓ 5G મોબાઇલ નેટવર્કિંગ ટેકનોલોજી વિકસાવી રહી છે. કાર્યક્ષમ ગ્લોબલ નેટવર્કિંગ માટે 5G કનેક્ટિવિટી લાભદાયી જ નહીં, અનિવાર્ય છે. 5G મોબાઇલ નેટવર્કના ફાયદાઓમાં ઝડપી ડેટા ટ્રાન્સફર રેટ, ત્વરિત રિસ્પોન્સ રેટ, વધારે કેપેસિટી, વિવિધ ડિવાઇસ સાથે વિશ્વાસપાત્ર અને કરકસરયુક્ત કનેક્ટિવિટી વગેરે છે. જ્યારે આ ટેકનોલોજી સફળતાથી વ્યવહારમાં મૂકાશે, ત્યારે 5G નેટવર્ક પર 1 GBps ડાઉનલોડ સ્પીડ મળી શકશે!! 5G નેટવર્કની ઉપયોગિતા હેલ્થકેર અને એગ્રીકલ્ચર જેવા અનેક ક્ષેત્રોમાં વિશેષ રહેશે. ક્વૉલકોમ અને સેમસંગના 5G સ્માર્ટ ફોન વિશે સીઇએસ 2019માં ચર્ચા થઈ ચૂકી છે. સેલફોન માર્કેટ એક-બે વર્ષમાં 5G સ્માર્ટફોનથી ઊભરાવા લાગે તો નવાઈ નહીં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

‘મધુસંચય’ના વાચકો એઆઇ અર્થાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સારી રીતે માહિતગાર છે.

આ વર્ષના કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) યુક્ત ડિવાઇસીસ ધ્યાન ખેંચતી હતી. ઘરથી માંડીને વ્યાપાર-ઉદ્યોગ સુધી બધે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ ઉપયોગી બની છે. કારથી માંડીને સ્માર્ટ ફોન, ટેલિવિઝન, લેપટોપ આદિ સામાન્ય ઉપકરણોમાં પણ એઆઇનો ઉપયોગ થવા લાગ્યો છે. બહારના વાતાવરણ અને આપની જરૂરિયાત મુજબ આપોઆપ સંચાલિત થતી રહે તેવી સાઉંડ અને લાઇટિંગ સિસ્ટમ ઘરમાં શક્ય છે. એલજી ટીવીએ તો રૂમની પ્રકાશ પરિસ્થિતિ મુજબ ટેલિવિઝન સેટમાં આપોઆપ પિક્ચર સેટિંગ્સ બદલાય તેવું ટીવી સીઇએસ 2019માં પ્રસ્તુત કર્યું. એઆઇ આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટંટ ખાસ પ્રકારનો ઇંટરએક્ટિવ સોફ્ટવેર ધરાવે છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ યુક્ત વર્ચ્યુઅલ આસિસ્ટંટમાં એમેઝોનના એલેક્સા અને ગુગલના ગુગલ આસિસ્ટંટના નામ મોખરે આવે. માનવભાષા સમજતા અને તે અનુસાર ઇંટરએક્ટ કરતા આવા વોઇસ-એક્ટિવેટેડ હેલ્પર સીઇએસ 2019 માં છવાઇ ગયા! એલેક્સા અને ગુગલ આસિસ્ટંટ કમાલના ઇન્ટરએક્ટિવ સોફ્ટવેર ધરાવતા આસિસ્ટંટ છે. આવા વર્ચ્યુઅલ આસિસ્ટંટની મદદથી, વોઇસ કમાંડ દ્વારા આપ ઘરમાં સોફા પર આરામથી બેઠા બેઠા શહેરના વેધરની જાણકારી મેળવી શકો, સ્ટૉક માર્કેટના ભાવ જાણી શકો કે એમેઝોન પર આપની જરૂરતની વસ્તુ ઓર્ડર કરી શકો. ઓટોનોમસ વ્હિકલ (સેલ્ફ ડ્રાઇવિંગ વેહિકલ/ ડ્રાઇવરલેસ કાર) ની સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલી મદદરૂપ થઈ શકે તે સિદ્ધ થઈ ચૂક્યું છે. સીઇએસ 2019માં અનેક ક્ષેત્રોમાં એઆઇની ઉપયોગિતા પ્રદર્શિત થઈ.

રોબોટિક્સ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપમેંટ સાથે રોબોટિક્સનું વિજ્ઞાન ત્વરાથી વિકાસ પામી રહ્યું છે.

રોબોટનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિશેષ છે. વ્યાપાર-ઉદ્યોગ ઉપરાંત વિજ્ઞાન-સંશોધન જેવાં ક્ષેત્રોમાં સફળતા પછી રોબોટિક્સ હવે ઘરમાં આવી ગયું છે. આ વર્ષના ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં સાનંદાશ્ચર્ય આપે તેવાં રોબોટ રજૂ થયાં. જાપાનના એક રોબોટિક સાયંટિસ્ટે બનાવેલ ‘લોવોટ’ નામના રોબોટે સીઇએસ 2019માં મુલાકાતીઓનાં દિલ જીતી લીધાં છે. પેંગ્વિન અને સ્લોથને મળતો આવતો નાનકડો રોબોટ ‘લોવોટ’ ઘરમાં સાથીદાર(!) ની ગરજ સારે છે. જાપાનીઝ રોબોટ ‘લોવોટ’ આપને ઓળખી શકે છે, આપના લાડ પામવા ઉત્સુક રહે છે, ઘરમાં જ્યાં જાવ ત્યાં આપને અનુસરે છે અને આપની એકલતામાં સાથ પૂરે છે. અન્ય એક રોબોટિક પ્રિંટર આપની દીવાલો પર મનપસંદ ચિત્રકામ કરી આપે અને પછી તેને ઇરેઝ પણ કરી આપે! સાઉથ કોરિયન મલ્ટીનેશનલ જાયંટ કંપની સેમસંગનો નાનકડો રોબોટ ‘બોટ એર’ ગૃહોપયોગી છે. બોટ એર ઘરમાં હવાની શુદ્ધતાને માપી શકે છે. સેમસંગનો બોટ એર પ્રદૂષણના સ્રોતોને નિયંત્રિત કરીને ઘરમાં શુદ્ધ હવાનું નિયમન કરે છે. રોબોટિક ટેકનોલોજી સીઇએસ 2019માં ખૂબ ચમકી ઊઠી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વર્ચ્યુઅલ રિયાલિટી તથા ઓગ્મેંટેડ રિયાલિટી

લોકપ્રિય થયેલી વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્મેંટેડ રિયાલિટી જેવી ટેકનોલોજી હવે લોકભોગ્ય થતી જવાનાં આસાર આ વર્ષના ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં છે. વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) તથા ઓગ્મેન્ટેડ રિયાલિટી (એઆર) હવે વિશેષ ઇંટરએક્ટિવ થતી જાય છે. પરિણામે વીઆર-એઆર બંને ગેમિંગ અને એન્ટરટેઇનમેન્ટના મર્યાદિત વર્તુળમાંથી બહાર નીકળી છે. વર્ચ્યુઅલ રિયાલિટી તેમજ ઓગ્મેંટેડ રિયાલિટી આધારિત ઘણી પ્રોડક્ટ્સ સીઇએસ 2019માં રજૂ થઈ છે. એક એઆર ફિટનેસ ગેજેટ એવું છે કે આપ ઘરમાં એક્સરસાઇઝ કરતા હો અને આપની આસપાસ મનપસંદ દ્રશ્યો ખડાં થઈ શકે! જેમ કે આપ બગીચામાં કસરત કરી રહ્યા છો અને આજુબાજુ ફૂલછોડ છે! એક વીઆર બાઇક  તો આપને કસરત કરતાં કરતાં ઊડવાનો અનુભવ કરાવે! જાણે આપ ઊડી રહ્યા છો! મિલિટરી, હેલ્થકેર અને એજ્યુકેશનમાં તો વર્ચ્યુઅલ રિયાલિટીએ જોરદાર મેદાન માર્યું છે.

સીઇએસ 2019માં આવતી કાલની ટેકનોલોજીનાં પ્રતિબિંબ નાં અદભુત આકર્ષણો

અમેરિકાના ક્ન્ઝ્યુમર ટેકનોલોજી એસોસિયેશન (સીટીએ) દ્વારા આયોજિત લાસ વેગાસના ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો 2019માં ભવિષ્યની ટેકનોલોજીની ઝલક જોવા મળી હતી. કેટલીક સ્વપ્નસમી પ્રોડક્ટ્સની ઝાંખી થઈ, તો કેટલીક દીવાસ્વપ્નસમી પ્રૉડક્ટની જાહેરાતો થઈ. જે હોય તે, આ બધાં રોમાંચક આકર્ષણો પર ઊડતી નજર નાખવામાં મઝા આવશે! સાય-ફાય (સાય-ફી) ફિલ્મોમાં જોવા મળતી ઊડતી મોટર કાર કે ફ્લાઇંગ કાર હકીકત બનવા જઈ રહી છે! ‘એનએફટી’ તથા ટોયોટા જેવી કંપનીઓ ફ્લાઇંગ કાર બનાવવા સક્રિય છે. ઑટૉનોમસ કાર (ડ્રાઇવરલેસ કાર) ની સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજી નિત નવી ઊંચાઈએ પહોંચવા લાગી છે. નજીકના ભવિષ્યમાં આપ સેલ્ફ-ફ્લાઇંગ એર ટેક્સીમાં મુસાફરી કરતા હશો! બીજી બાજુ, જર્મનીની કાર કંપની બીએમડબલ્યુ સેલ્ફ-ડ્રાઇવિંગ મોટરસાયકલની વાતો કરે છે. સાઉથ કોરિયાની હ્યુંડાઇ (હુન્ડાઇ) કાર કંપનીએ પોતાના ‘પગ’ (!) પર ચાલતી ‘વૉકિંગ કાર’ બનાવી છે. હ્યુંડાઇની વોકિંગ કારને ચાર વ્હીલ ઉપરાંત ચાર રોબોટિક પગ પણ છે. આ કાર સમથળ જમીન પર વ્હીલ વડે દોડતી રહે છે, પણ ઊખડખાબડ વિસ્તારમાં પોતાના ચાર પગ વિસ્તારીને ચાલવા લાગે છે! સીઇએસ 2019માં એક આકર્ષણ ફુલ્લી ઇલેક્ટ્રિક મોટરબાઇક હતી. વિશ્વવિખ્યાત અમેરિકન બાઇક કંપની હાર્લિ ડેવિડસન  (હાર્લે ડેવિડસન) ની ‘લાઇવ વાયર’ નામક મોટરસાયકલ ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે. હાર્લિ ડેવિડસનની આ મોટરબાઇક ‘લાઇવ વાયર’ વિશે સૌથી નવાઇની વાત એ છે કે તે જરા પણ અવાજ વગર ચાલે છે! સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવવા અન્ય કંપનીઓ સાથે જર્મનીની મર્સિડિઝ પ્રયત્નશીલ છે. અવનવાં ડ્રોન પણ માર્કેટમાં પહોંચી રહ્યા છે. ભાત ભાતનાં વેરેબલ્સ સીઇએસ 2019 શોમાં રજૂ થયાં. બોડીના વિવિધ પેરામીટર માપતાં વેરેબલ્સ હેલ્થકેરમાં નવાં આયામ ઉમેરે છે. વળી ખાસ પ્રકારનાં ગ્લાસીસ આપને બહારની દુનિયા વિશે માહિતી પણ પૂરી પાડી શકે છે. ઓડિયો-વીડિયો ગેજેટ્સ બદલાઈ રહ્યાં છે. અગ્રણી કંપનીઓનાં ટીવી સેટ હવે એંડ્રોઇડ ટીવી બની રહ્યાં છે. ફોલ્ડેબલ સ્માર્ટફોન અને રોલ-આઉટ ટીવી આવી રહ્યાં છે. એલજીનો ગોળ વીંટો બનાવી શકાય તેવો ટેલિવિઝન સેટ આશ્ચર્યજનક છે. એમેઝોન એલેક્સા તથા ગુગલ આસિસ્ટંટ નવા નવા ફીચર્સ સાથે સમૃદ્ધ થતાં જાય છે. સાથે બંને વચ્ચે માર્કેટ શેર વધારવા જબરી હોડ લાગી છે.

વિશ્વવિખ્યાત ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો સીઇએસ 2019 માં રજૂ થયેલ ઇનોવેટિવ અને બ્રેક થ્રુ ટેકનોલોજી આપણા જીવનને ભારે પ્રભાવિત કરશે તે નક્કર હકીકત છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

મધુસંચય-લેખ: ભવિષ્યની ટેકનોલોજીની ઝાંખી કરાવતો અમેરિકાનો વિશ્વપ્રસિદ્ધ ઇલેક્ટ્રોનિક્સ શો ‘સીઇએસ’: પરિશિષ્ટ (1)
  • આવતી કાલની કંઝ્યુમર ટેકનોલોજીને આજે પ્રતિબિંબિત કરતો ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો
  • લેટેસ્ટ ઇનોવેટિવ અને બ્રેક થ્રુ ટેકનોલોજીને રજૂ કરતો વિશ્વનો સૌથી પ્રસિદ્ધ અને સૌથી મોટો, એન્યુલર ક્ન્ઝ્યુમર ટેકનોલોજી ટ્રેડ શો ‘સીઇએસ’
  • પ્રતિ વર્ષ જાન્યુઆરી (વિન્ટર) માં અમેરિકાના લાસ વેગાસમાં યોજાતા સીઇએસના યોજક છે ક્ન્ઝ્યુમર ટેકનોલોજી એસોસિયેશન (સીટીએ)
  • 1967થી યોજાયેલા ભૂતકાળના વિવિધ ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં રજૂ થઈ હતી આજની બહુપ્રચલિત ટેકનોલોજી/ પ્રોડક્ટ્સ જેમ કે હોમ વિડીયો રેકોર્ડિંગ ટેકનોલોજી, હોમ વિડીયો ગેમિંગ, સીડી પ્લેયર, ડીવીડી, બ્લુ રે ડિસ્ક, ઓલેડ ટીવી, થ્રીડી એચડીટીવી, ટેબ્લેટ, નેટબુક, એંડ્રોઇડ ટેકનોલોજી ઇત્યાદિ
  • સીઇએસ 2019માં છવાઈ ગઈ ઊભરતી ટેકનોલોજી જેવી કે વોઇસ-એક્ટિવેટેડ વર્ચ્યુઅલ આસિસ્ટંટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેલ્ફ-ડ્રાઇવિંગ ટેકનોલોજી, ઑગ્મેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, રોબોટિક્સ, સ્માર્ટ હોમ અને અન્ય ટેકનોલોજી

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

9 thoughts on “ભવિષ્યની ટેકનોલોજીની ઝાંખી કરાવતો અમેરિકાનો વિશ્વપ્રસિદ્ધ ઇલેક્ટ્રોનિક્સ શો ‘સીઇએસ’

    1. આભાર , સુરેશભાઈ! આપનાં સ્નેહિલ સૂચનોને હંમેશા ગંભીરતાથી લઉં છું.
      સમય સાથે હરીફાઈ કરી વાંચું છું, શોધું છું અને લખું છું.
      આપને હવે મધુસંચય ઉપરાંત ‘અનુપમા’ અને ‘અનામિકા’ પર હવે વિશેષ ઊંડાણભર્યા લેખો વાંચવા મળશે. આભાર, ફરી એક વાર.

Please write your Comment