ઓગણીસમી સદીમાં રેલવે
1853માં ઇસ્ટ ઇંડિયા કંપનીએ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપની દ્વારા હિંદુસ્તાનમાં મુંબઈ શહેરમાં બોરીબંદર – થાણા રેલવે લાઇન પર પ્રથમ રેલવે પેસેંજર ટ્રેન સેવાની શરૂઆત કરી. સ્ટીમ એંજિનો દ્વારા ખેંચાયેલ આ ટ્રેન એશિયાની પ્રથમ પેસેંજર ટ્રેન હતી.
આ અગાઉ વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાનો આરંભ થઈ ચૂક્યો હતો. સૌ પ્રથમ ગ્રેટ બ્રિટનમાં ‘રેલવે વ્યવહારના પિતા’ કહેવાતા જ્યોર્જ સ્ટિફન્સનના સ્ટીમ એંજિનો વડે રેલવે ટ્રેન દોડવા લાગી હતી. ઇંગ્લેન્ડની સ્ટોકટન એન્ડ ડાર્લિંગટન રેલવે’ તથા ‘લિવરપુલ એન્ડ માંચેસ્ટર રેલવે’ વિશ્વની પ્રથમ રેલવે વ્યવહાર સેવાઓ ગણાય છે.
ભારતમાં રેલવેનો આરંભ કેવી રીતે થયો?
અંગ્રેજોએ ભારતમાં રેલવે વ્યવહાર શરૂ કરવામાં પોતાનો સ્વાર્થ જોયો જ હતો. બ્રિટીશ હકૂમતને પોતાનાં આર્થિક અને રાજકીય હિતો સાચવવા રેલવેની આવશ્યકતા સમજાઈ હતી; સાથે જ કેટલાક અગ્રણી ભારતીયોને પણ દેશના ત્વરિત વિકાસ માટે રેલવેની ઉપયોગિતા સમજાઈ હતી. મુંબઈના સર જમશેત્જી જીજીભોય તથા જગન્નાથ શંકર શેઠ આવા દીર્ઘદ્રષ્ટા આગેવાનો હતા. એશિયાભરમાં પ્રથમ રેલવે લાઇન ભારત (હિંદુસ્તાન) માં નખાઈ તે વાત સાચી. મુંબઈની બોરીબંદર થાણા રેલવે લાઇન પર પ્રથમ પેસેંજર ટ્રેન દોડી; પણ તે ભારતની પ્રથમ રેલવે લાઇન તો ન જ હતી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **
હિંદુસ્તાનમાં રેલવેના આરંભનો ઇતિહાસ વિવાદિત છે; રેલવે ટ્રાંસપોર્ટની શરૂઆત અંગે સંદિગ્ધ દાવા-પ્રતિદાવાઓ થયા છે. વ્યવસ્થિત, સાતત્યપૂર્ણ લેખિત રેકર્ડ્ઝ રહ્યા નથી; જે છે તે અધૂરા અથવા અસ્પષ્ટ છે. ‘મધુસંચય’ના વાચકોને નવાઈ લાગશે કે ઓગણીસમી સદીના ચોથા દાયકામાં ભારતમાં રેલવે પાટા પર માલવહનની શરૂઆત થઈ ચૂકી હતી.
સામાન્ય રીતે રેલવે લાઇનનો ઉપયોગ પથ્થર કે કોલસા જેવાં ખનીજો કે અન્ય ગુડ્ઝની હેરફેર માટે થતો. રેલના પાટા પર ખાસ પ્રકારનાં ‘કાર્ટ’માં માલ ભરવામાં આવતો; આવા માલવાહક કાર્ટને માણસો ધકેલતાં અથવા પ્રાણીઓ ખેંચતાં.
ભારતની પહેલી પ્રાયોગિક રેલવે: મદ્રાસની ચિંતાદ્રિપેટ રેલવે લાઇન
- ભારતની પ્રથમ રેલવે લાઇન દક્ષિણ ભારતમાં મદ્રાસ પ્રેસિડેન્સિ (હાલ તામિલનાડુ) માં ચિંતાદ્રિપેટ, મદ્રાસ (હાલ ચેન્નાઈ) ખાતે નાખવામાં આવી.
- ચિંતાદ્રિપેટ (મદ્રાસ, ચેન્નાઈ, તામિલનાડુ, સાઉથ ઇંડિયા) ની રેલવે લાઇન ભારતની પ્રથમ રેલવે લાઇન હતી.
- 1832 – 33 ના અરસામાં નખાયેલ ચિંતાદ્રિપેટ બ્રિજ રેલવે લાઇન માત્ર પ્રાયોગિક ધોરણે નિદર્શન (ડેમોન્સ્ટ્રેશન) માટે નખાયેલી નાનકડી રેલવે લાઇન હતી; તે ન તો માલ વહન કરતી, ન પેસેંજરો બેસાડતી. આમ, તેનો વ્યાવસાયિક ઉપયોગ ન હતો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **
ભારતની પ્રથમ રેલવેલાઇન: રેડ હિલ્સ રેલ રોડ
- ચિંતાદ્રિપેટ પછી બીજી રેલવે લાઇન કેપ્ટન આર્થર કૉટન દ્વારા નિર્મિત રેડ હિલ્સ રેલ રોડ (રેડ હિલ્સ રેલવે લાઇન) હતી.
- 1837 માં શરૂ થયેલ રેડ હિલ રેલરોડ અથવા રેડ હિલ્સ રેલવે હિંદુસ્તાનની પ્રથમ રેલવે ટ્રાંસપોર્ટ સેવા હતી જે વ્યાવહારિક – કોમર્શિયલ ઉપયોગમાં આવી હતી.
- મદ્રાસ પ્રેસિડેન્સિમાં ચેન્નાઈ પાસે લિટલ માઉંટ / સેંટ થોમસ માઉન્ટ વિસ્તારમાં પથ્થરની ખાણો – ક્વૉરિ – હતી. ત્યાંથી મદ્રાસ (ચેન્નાઈ) ના રેડ હિલ્સ તરફ પત્થર / ગ્રેનાઇટના વહન માટે, ટેમ્પરરી / અસ્થાયી રેડ હિલ રેલવે નાખવામાં આવી હતી.
- માલ પરિવહન માટે થોડાં વર્ષો જ ઉપયોગમાં લેવાયેલી રેડ હિલ્સ રેલ રોડ ભારતની પ્રથમ રેલવે હતી પરંતુ તેના પર પેસેંજર સેવા ન હતી. હા, માલપરિવહન માટેના ‘કાર્ટ’માં બેસીને રેલવે લાઇન પર ક્યારેક મુસાફરોએ થોડી સફર કરી હોય તેવા પણ ઉલ્લેખ છે.
- શરૂઆતમાં આ રેલવે પ્રાણીઓથી ખેંચાતી, પણ 1838માં રેડ હિલ્સ રેલવે લાઇન પર ભારતનાં પ્રથમ સ્ટીમ લોકોમોટિવ એંજિન દોડ્યાં હોવાના રિપોર્ટ છે. સંભવત: આ સ્ટીમ એંજિન અમેરિકામાં વિલિયમ એવરીની કંપની (ન્યૂ યૉર્ક, યુએસએ) નાં ઉત્પાદિત અથવા એવરી એંજિનના આધાર પર બનેલ કોઈક લોકોમોટિવ એંજિન હોઈ શકે.
- ચિંતાદ્રિપેટ (ચિંતાદ્રાપેટ) – રેડ હિલ્સ રોડ રેલવે લાઇન વિશે બહુ જ અસ્પષ્ટ રેકોર્ડ મળે છે; તે ક્યાંથી કયા રસ્તે ક્યાં દોડી અને ક્યારે બંધ થઈ નામશેષ થઈ ગઈ તેના ઉલ્લેખ અપૂરતા છે. પણ રેડ હિલ્સ રેલ રોડનું ઐતિહાસિક મહત્ત્વ ભારતની રેલવે ટ્રાંસપોર્ટ સેવામાં પ્રથમ ગુડ્ઝ રેલવે લાઇન તરીકે ઘણું છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **
ભારતમાં માલપરિવહન માટે રેલવેનો વિકાસ
1846 – 48 ના ગાળામાં દક્ષિણ ભારતમાં હાલના આંધ્ર પ્રદેશ વિસ્તારમાં ગોદાવરી નદી પર ડેમના બાંધકામ સમયે માલ પરિવહન માટે રેલવે લાઇન બંધાઈ હોવાનું નોંધાયું છે. ગોદાવરી ડેમ રેલવે લાઇન પણ આર્થર કૉટન દ્વારા નિર્મિત હતી. સાઉથ ઇંડિયામાં રેલવેના વિકાસના પાયા નાખનાર આર્થર કોટનને અંગ્રેજ સરકારે નાઇટહૂડથી સન્માન્યા હતા.
આ પછી ઉત્તર ભારતમાં ગંગા નદી કેનાલ પ્રૉજેક્ટ (સોલાની એક્વિડક્ટ) માટે રૂરકી પાસે ટેમ્પરરી રેલ ટ્રાન્સપોર્ટ વ્યવહાર અર્થે રેલવે લાઇન નાખવામાં આવેલી. 1851માં તેના પર લોકોમોટિવ સ્ટીમ એંજિન ‘થોમસન’ દોડ્યાની અધિકૃત વાત છે. ઘણાના મતે, ખરા અર્થમાં, થોમસન ખાસ રેલવે લાઇન માટે પ્રયોજિત ભારતનું સર્વ પ્રથમ સ્ટીમ એંજિન લોકોમોટિવ હતું.
આ સમયે મુંબઈમાં પેસેંજર ટ્રેનથી રેલવે વ્યવહાર સેવાના આરંભની યોજના કાર્યાંવિત થઈ ચૂકી હતી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **
*** ** * ** ** **** * ** *** ***
મધુસંચય લેખ – સંક્ષેપ: ભારતમાં રેલવેના ઇતિહાસની અવનવી વાતો
- વિશ્વમાં પ્રથમ નિયમિત જાહેર રેલવે વ્યવહાર 1830 માં ઇંગ્લેન્ડ (યુનાઇટેડ કિંગ્ડમ) માં
- હિંદુસ્તાનમાં પ્રથમ પ્રાયોગિક રેલવે લાઇન તત્કાલિન મદ્રાસ પ્રેસિડેંસિના ચિંતાદ્રિપેટ, મદ્રાસ (હાલ ચેન્નાઈ, તામિલનાડુ) માં
- 1837માં હિંદુસ્તાનની પ્રથમ વ્યાવહારિક રેલવે લાઇન રેડ હિલ્સ રોડ રેલવે (રેડ હિલ રેલરોડ)
- દક્ષિણ ભારતમાં ગોદાવરી ડેમ પાસે તથા ઉત્તર ભારતમાં ગંગા કેનાલ માટે રૂરકી પાસે રેલવે લાઇનનો ઉપયોગ
- 1853માં હિંદુસ્તાનની પહેલી પેસેંજર ટ્રેન સેવાનો મુંબઈના બોરીબંદર – થાણે વચ્ચે આરંભ
*** *** ** * ** ** **** * ** *** *** ***
મધુસંચય લેખ – પૂરક માહિતી: ભારતમાં રેલવેના ઇતિહાસની અવનવી વાતો
- ચિંતાદ્રિપેટ / ચિંતાદ્રાપેટ, મદ્રાસ (ચેન્નાઈ): Chintadripet, Madras (Chennai, Tamilnadu)
- કેપ્ટન આર્થર કૉટન / આર્થર કોટન: Arthur Cotton
- રેડ હિલ રેલ રોડ / રેડ હિલ્સ રેલવે: Red Hill Rail Road (RHRR) / Red Hills Railway
*** *** ** * ** ** **** * ** *** *** ***
ક્લિક કરો: ‘ફાધર ઓફ રેલવે’ ગણાતા આધુનિક સ્ટીમ લોકોમોટિવના સર્જક જ્યોર્જ સ્ટિફન્સન વિશે જાણવા
ક્લિક કરો: સર જમશેત્જી જીજીભોય (સર જમશેદજી જીજીભોય / સર જે જે) કોણ હતા?
ક્લિક કરો: વિશ્વમાં રેલવેના આરંભનો ઇતિહાસ
*** *** ** * ** ** **** * ** *** *** ***
ગજબનાક ગોતી લાવ્યા. આપણને તો ડેલહાઉસી અને મુંબાઈ થાણા રેલ્વે લાઈન એટલું જ ભણવામાં આવેલું.